સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?

મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?

મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?

માનવીના જીવનમાં અનેક કપરા સંજોગો આવે છે. અચાનક કોઈ નવી જવાબદારી આવી પડે. રોજ-બ-રોજની જરૂરિયાતો પૂરી પાડવાનું ટેન્શન. અચાનક ઘરબાર છોડવા પડે. કુટુંબમાં કોઈ ગુજરી ગયાનું દુઃખ સહેવું પડે. આવા સંજોગોને લીધે વ્યક્તિનું જીવન મુશ્કેલ બની જાય છે.

આ બધા સંજોગોનો સામનો ઈસુની માતા મરિયમે પણ કરવો પડ્યો. પણ તે હિંમત હારી નહિ.

બાઇબલ જણાવે છે કે ઈશ્વરની અમુક ભવિષ્યવાણીઓ પૂરી કરવામાં મરિયમે મોટો ભાગ ભજવ્યો હતો. એટલા માટે દુનિયાભરમાં કરોડો કૅથલિકો મરિયમને એક માતા કે દેવી માને છે. તેઓ માને છે કે મરિયમ જ તેઓની પ્રાર્થનાઓ ઈશ્વર પાસે પહોંચાડે છે.

આ લેખમાં મરિયમના જીવનના અમુક બનાવો પર ચર્ચા કરીશું. એની બધી માહિતી બાઇબલમાંથી લીધી છે. એ બનાવો પર અભ્યાસ કરવાથી આપણને ઘણું શીખવા મળશે. એ પણ જોઈશું કે પરમેશ્વરની નજરમાં મરિયમનું કયું સ્થાન છે.

મોટી જવાબદારી

મરિયમના પિતા હેલી ઈસ્રાએલના યહુદાહ કુળના હતા. બાઇબલ જણાવે છે મરિયમ મોટી થઈ ત્યારે પરમેશ્વરે તેને મહત્ત્વની જવાબદારી સોંપી. ઈશ્વરે સ્વર્ગદૂતને મોકલીને મરિયમને જણાવ્યું કે “હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.” એ સાંભળીને તે ‘ઘણી ગભરાઈ.’ તે વિચારવા લાગી કે એનો શું અર્થ થાય? પછી સ્વર્ગદૂતે જણાવ્યું કે તે ઈશ્વરના પુત્રને જન્મ આપશે અને તેને મોટો કરશે.—લુક ૧:૨૬-૩૩.

એ સમયે મરિયમની સગાઈ યુસફ સાથે થઈ હતી. એટલે આ સાંભળીને તે વધારે ગભરાઈ. પોતે ગર્ભવતી છે એ યુસફ જાણે તો તે સગાઈ તોડી નાખે. બીજાઓ એ જોઈને તેની મશ્કરી પણ કરે. (પુનર્નિયમ ૨૨:૨૦-૨૪) જો મરિયમ લોકોને સમજાવવા કોશિશ કરે કે તે ઈશ્વરના ચમત્કારથી ગર્ભવતી થઈ છે તો શું તેઓ તેની વાત માનશે? તોપણ મરિયમે આ મોટી જવાબદારી સ્વીકારી.

એનું કારણ એ છે કે મરિયમને પૂરી શ્રદ્ધા હતી કે ઈશ્વર તેને સહાય કરશે. તે જાણતી હતી કે આ જવાબદારી એક મોટો લહાવો છે. એ માટે તે ગમે તેવી તકલીફો સહન કરવા તૈયાર હતી. એટલે જ તેણે કહ્યું કે “જો, હું પ્રભુની દાસી છું; તારા કહ્યા પ્રમાણે મને થાઓ.”—લુક ૧:૩૮.

જ્યારે યુસફને ખબર પડી કે મરિયમ ગર્ભવતી છે, ત્યારે તેણે સગાઈ તોડી નાખવાનો વિચાર કર્યો. પણ યહોવાહે સ્વર્ગદૂતને યુસફ પાસે મોકલ્યો. તેણે યુસફને જણાવ્યું કે મરિયમ ઈશ્વરની કૃપાથી ગર્ભવતી થઈ છે. એ સાંભળીને યુસફ જોઈ શક્યા કે મરિયમે કોઈ ખરાબ કામ કર્યું નથી. સ્વર્ગદૂતે એ પણ જણાવ્યું કે તે મરિયમ સાથે લગ્‍ન કરી લે.—માત્થી ૧:૧૯-૨૪.

કપરા સંજોગો

મરિયમે બાળકના જન્મ સુધી પોતાની તબિયત સાચવવાની હતી. જોકે એ સંજોગોમાં તેણે ઘણી તકલીફો વેઠવી પડી. જેમ કે રાજા અગસ્તસે હુકમ બહાર પાડ્યો હતો કે દરેકે પોતાના શહેરમાં જઈને નામની નોંધણી કરાવવી. એ માટે તેણે છેક નવમા મહિનામાં બેથલેહેમ જવા માટે લગભગ ૧૫૦ કિલોમીટરની લાંબી મુસાફરી કરવી પડી. એ પણ ગધેડા પર સવારી કરીને. તેઓને ત્યાં રહેવા માટે કોઈ જગ્યા મળતી ન હતી. એટલે મરિયમ વિચારમાં પડી જાય છે કે શું કરવું. છેવટે તેઓને ગભાણમાં જગ્યા મળી. ત્યાં મરિયમે બાળકને જન્મ આપ્યો. આ સમયે તેને બીક પણ લાગી હશે કે બાળકનું શું થશે. આવા ખુલ્લામાં બાળકને જન્મ આપવાની તેને શરમ લાગી હશે.

પણ તે હિંમત હારી નહિ. તેને પૂરી ખાતરી હતી કે યહોવાહ તેની અને બાળકની સંભાળ રાખશે. બાળકના જન્મના થોડા જ સમયમાં ઘેટાંપાળકો ગભાણમાં બાળકને જોવા આવ્યા. તેઓ બાળકને જોવા બહુ આતુર હતા, કેમ કે સ્વર્ગદૂતે તેઓને જણાવ્યું હતું કે “એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે.” એ વિષે ઘેટાંપાળકોએ મરિયમ અને યુસફને જણાવ્યું. ‘એ સર્વ વાતો મરિયમ વિચાર્યા કરતી હતી.’ એનાથી તેને હિંમત અને શક્તિ મળી.—લુક ૨:૧૧, ૧૬-૧૯.

આ બનાવ પરથી આપણને શું શીખવા મળે છે? જેમ મરિયમના સંજોગો અચાનક બદલાઈ ગયા અને જાત-જાતની તકલીફો અને મુશ્કેલીઓ વેઠવી પડી, એવી જ રીતે આપણા સંજોગો પણ અચાનક બદલાઈ શકે છે. ગમે ત્યારે જીવનમાં દુઃખ-તકલીફો આવી શકે છે. (સભાશિક્ષક ૯:૧૧) એવા સમયે આપણે મરિયમની જેમ હિંમત બતાવવી જોઈએ. તેની જેમ આપણે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ અને તેમના પર પૂરો ભરોસો રાખવો જોઈએ. એ માટે નિયમિત રીતે પવિત્ર બાઇબલ વાંચવું જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. એમ કરવાથી આપણે ગમે તેવી કસોટીઓ સહન કરી શકીશું.

ગરીબ અને શરણાર્થી

મરિયમ ગરીબ તો હતી જ ઉપરથી તેણે એક શરણાર્થી જેવું જીવન ગુજારવું પડ્યું. શું તમારે આવી મુશ્કેલીઓ અને તકલીફો વેઠવી પડે છે? એક અહેવાલ પ્રમાણે ‘દુનિયાભરમાં ૩ અબજ લોકોને એક ટંકનું પૂરતું ભોજન પણ મળતું નથી.’ અરે અમીર દેશોમાં પણ લોકોને જીવન-જરૂરી વસ્તુઓ મેળવવા હાડમારી વેઠવી પડે છે. તમારા વિષે શું? શું કુટુંબની જરૂરિયાતો પૂરી કરતા કરતા શું તમે થાકી ગયા છો? શું તમે હિંમત હારી ગયા છો? જીવનથી કંટાળી ગયા છો?

આપણને યુસફ અને મરિયમના દાખલા પરથી ઘણું શીખવા મળે છે. એ જમાનામાં ઈશ્વરના નિયમ પ્રમાણે સામાન્ય લોકોએ ઘેટાંનું બલિદાન ચઢાવવાનું હતું. જેઓ ખૂબ જ ગરીબ હોય તેઓ કબૂતરના બચ્ચાંનું અર્પણ ચઢાવી શકતા. ઈસુના જન્મના ૪૦ દિવસ પછી યુસફ અને મરિયમે ‘એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનું અર્પણ ચઢાવ્યું.’ * (લુક ૨:૨૨-૨૪) એના પરથી આપણને જોવા મળે છે કે તેઓ કેટલા ગરીબ હતા. તેમ છતાં તેઓએ જીવન-જરૂરી વસ્તુઓ માટે યહોવાહ પર ભરોસો રાખ્યો. અને પરમેશ્વરની ભક્તિને જીવનમાં પહેલી રાખી.—પુનર્નિયમ ૬:૬, ૭.

સમય જતાં યુસફ અને મરિયમે બીજી એક મુશ્કેલી વેઠવી પડી. એક સ્વર્ગદૂતે યુસફને જણાવ્યું કે જીવન બચાવવા તેઓએ બેથલેહેમ છોડીને મિસરમાં (ઇજિપ્તમાં) નાસી જવું પડશે. (માત્થી ૨:૧૩-૧૫) મરિયમના જીવનમાં આ ફરી એક વખત ઘરબાર છોડીને પારકા દેશમાં જવું પડ્યું. ખરું કે મિસરમાં અમુક યહુદીઓ હતા, પરંતુ ત્યાંનો માહોલ અલગ હતો. લોકોની રીતભાત અને રહેણી-કરણી જુદી હતી. એટલે એ માહોલમાં ગોઠવાતા તેમને સમય લાગ્યો. તમારા વિષે શું? શું જીવન બચાવવા તમારે પોતાનો દેશ છોડીને પરિવાર સાથે બીજા દેશમાં રહેવા જવું પડ્યું છે? એમ હોય તો મરિયમે જે દુઃખ-તકલીફો વેઠી એને તમે સમજી શકશો.

માતા અને પત્ની તરીકેની જવાબદારી નિભાવવી

ઈસુના જન્મ પછી મરિયમના જીવનમાં શું બન્યું હતું, એ વિષે બાઇબલ ખાસ કંઈ જણાવતું નથી. પણ મરિયમ અને યુસફને ઈસુ સિવાય બીજાં છ સંતાનો હતાં, એ વિષે જણાવે છે. અમુકને લાગે છે કે એ વાત સાચી નથી. પણ ચાલો આપણે બાઇબલમાંથી અમુક પુરાવા જોઈએ.

બાઇબલ જણાવે છે કે ‘મરિયમે પુત્રને જન્મ આપ્યો નહિ ત્યાં સુધી યુસફે તેની સાથે સમાગમ કર્યો નહિ.’ (માથ્થી ૧:૨૫, કોમન લેંગ્વેજ) આ કલમ પરથી જોવા મળે છે કે ઈસુનો જન્મ થયો નહિ “ત્યાં સુધી” યુસફે મરિયમ સાથે જાતીય સંબંધ બાંધ્યો નહિ. “ત્યાં સુધી” શબ્દ બતાવે છે કે પછી યુસફે મરિયમ સાથે જાતીય સંબંધ બાંધ્યો. * તેઓને બીજાં સંતાનો પણ થયાં. એમાં ચાર દીકરા યાકૂબ, યુસફ, સીમોન અને યહુદાહ હતા. બે દીકરીઓ પણ હતી.—માત્થી ૧૩:૫૫, ૫૬.

મરિયમ જાણતી હતી કે એક કુટુંબ તરીકે ભેગાં મળીને યહોવાહની ભક્તિ કરવી જોઈએ. એટલે જ્યારે પાસ્ખા પર્વ આવતું ત્યારે કુટુંબ તરીકે તેઓ ઉજવણી કરવા યરૂશાલેમ જતા. (લુક ૨:૪૧) જોકે નિયમ પ્રમાણે મરિયમે જવું જરૂરી ન હતું, તોપણ તે દર વર્ષે ૩૦૦ કિલોમીટરની મુસાફરી કરીને ત્યાં જતી. આ બતાવે છે કે કુટુંબ સુખી થાય, એ માટે મરિયમ કંઈ પણ કરવા તૈયાર હતી.

આજે ઘણી સ્ત્રીઓ, મરિયમની જેમ કુટુંબ સુખી થાય, એવા પ્રયત્ન કરે છે. એ માટે તેઓ પોતાના કુટુંબ સાથે યહોવાહની ભક્તિ કરે છે. પરમેશ્વરે બાઇબલમાં જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે ચાલવા બનતો બધો જ પ્રયત્ન કરે છે. એમ કરીને તે ફક્ત પોતાનો જ નહિ પણ આખા કુટુંબનો વિચાર કરે છે. આ રીતે તેઓ નમ્રતા અને ધીરજ જેવા ગુણો કેળવે છે.

હવે ચાલો મરિયમના જીવનના બીજા એક કિસ્સાનો વિચાર કરીએ. તે અને તેનું કુટુંબ પાસ્ખા પર્વ ઊજવીને યરૂશાલેમથી પાછા ફરતા હતા. ઈસુ ક્યાંક ખોવાઈ ગયા હતા. તેઓ તેમને ત્રણ દિવસ સુધી શોધે છે પણ તે મળતા નથી. એ વખતે ઈસુ બાર વર્ષના હતા, એટલે મરિયમને કેટલી ચિંતા થઈ હશે! આખરે તે મંદિરમાંથી મળે છે, ત્યારે ઈસુ તેઓને કહે છે કે “શું તમે જાણતાં નહોતાં કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ?” (લુક ૨:૪૧-૫૨) એ સાંભળીને શું મરિયમ ગુસ્સે થઈ? ના. બાઇબલ જણાવે છે કે ‘તેણે એ સર્વ વાતો મનમાં રાખી.’ એટલે જ મરિયમે આ બનાવ વિષે બીજા શિષ્યોને પણ જણાવ્યું. તે જાણતી હતી કે બીજાઓને શીખવવાની જવાબદારી પરમેશ્વરે ઈસુને સોંપી હતી. આ બધી બાબતો પરથી જોઈ શકાય છે કે મરિયમે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ કર્યું.

એકલી પડી જવા છતાં હિંમત રાખી

એ બનાવ પછી, યુસફ વિષે બાઇબલ બહુ કંઈ જણાવતું નથી. એટલે ઘણા માને છે કે જ્યારે ઈસુએ પ્રચાર કામ શરૂ કર્યું ત્યારે તેમના પિતા ગુજરી ગયા હશે. * જો એ સાચું હોય તો મરિયમ વિધવા થઈ હતી. એટલે જ ઈસુએ મરતી વખતે, પોતાની માતાનું ધ્યાન રાખવાની જવાબદારી યોહાનને સોંપી. (યોહાન ૧૯:૨૬, ૨૭) જો યુસફ જીવતા હોત તો એ જવાબદારી યોહાનને સોંપી ન હોત.

જ્યારે મરિયમ એકલી પડી ત્યારે યુસફે તેને કેવી રીતે સાથ આપ્યો એ દિવસોને યાદ કર્યા હશે. જેમ કે તેઓ બંને સાથે સ્વર્ગદૂતે વાત કરી હતી. તેઓએ અનેક વાર પોતાનું ઘરબાર છોડવું પડ્યું. ખરાબ રાજાથી નાસી જવું પડ્યું. મોટા કુટુંબની સંભાળ રાખી. તેઓએ સાથે મળીને વિચાર કર્યો હશે કે શું તેઓ ઈસુનો ઉછેર સારી રીતે કરી રહ્યા છે કે નહિ. ઉપરાંત ઈસુએ ભવિષ્યમાં કેવી કસોટીઓ સહન કરવી પડશે. એટલે જ્યારે યુસફ ગુજરી ગયા ત્યારે મરિયમ સાવ એકલી પડી ગઈ હશે. તેનું જીવન દુઃખી દુઃખી થઈ ગયું હશે.

શું તમારું જીવનસાથી ગુજરી ગયું છે? વર્ષો થયા છતાં શું તમને તેની યાદ સતાવે છે? એમ હોય તો મરિયમની જેમ વિશ્વાસ રાખો કે પરમેશ્વર તેને જરૂર સજીવન કરશે. * (યોહાન ૫:૨૮, ૨૯) જોકે મરિયમને એ વિશ્વાસ તો હતો, પણ તેની તકલીફો ઓછી થઈ નહિ. હવે તેણે એકલા હાથે છોકરાઓનો ઉછેર કરવાનો હતો.

યુસફ ગુજરી ગયા હોવાથી ઘરની જવાબદારી નિભાવવામાં ઈસુએ મરિયમને મદદ કરી હશે. ઈસુના ભાઈઓ જેમ જેમ મોટા થયા, તેમ તેમ તેઓએ પણ ઘરમાં મદદ કરી હશે. ઈસુ ‘આશરે ત્રીસ વર્ષના હતા’ ત્યારે, બીજા શહેરોમાં રહીને ઈશ્વરનો સંદેશો જણાવવા લાગ્યા. (લુક ૩:૨૩) જ્યારે ઈસુ બીજા શહેરમાં રહેવા ગયા, ત્યારે મરિયમને દુઃખ થયું હશે. જો તમારા કુટુંબમાંથી કોઈ બીજા શહેરમાં રહેવા જાય, તો તમને પણ દુઃખ થશે. ખરું ને! તે કદાચ બીજી જગ્યાએ સારી રીતે જીવન જીવે છે, તેમ છતાં અમુક વખતે તેની યાદ સતાવ્યા કરશે. મરિયમને પણ એવી જ લાગણીઓ થઈ હશે.

અણધારી આફત

બીજી મુશ્કેલી એ હતી કે મરિયમના ચાર દીકરાઓ ઈસુને પરમેશ્વરના પુત્ર તરીકે સ્વીકારતા ન હતા. બાઇબલ જણાવે છે કે ઈસુના “ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો.” (યોહાન ૭:૫) જોકે મરિયમે સ્વર્ગદૂતનો સંદેશો તેના પુત્રોને જણાવ્યો હતો કે ઈસુ ‘પરમેશ્વરના પુત્ર છે.’ (લુક ૧:૩૫) તેમ છતાં યાકૂબ, યુસફ, સીમોન અને યહુદાહને મન તો ઈસુ ખાલી મોટાભાઈ જ હતા.

આવા સંજોગોમાં શું મરિયમ હિંમત હારી ગઈ? ના. તેણે પોતાના પુત્રોને ઘણી વખત સમજાવ્યું કે ઈસુ મસીહા અને પરમેશ્વરના પુત્ર છે. જેમ કે એક પ્રસંગનો વિચાર કરો. ઈસુ ગાલીલમાં કોઈના ઘરે જમવા ગયા હતા અને તેમનો સંદેશો સાંભળવા ટોળું ભેગું થયું હતું. ત્યારે મરિયમ પોતાના પુત્રોને ઈસુ પાસે લઈ આવે છે. તેને થયું હોય શકે કે તેના સંતાનો ઈસુનો સંદેશો સાંભળીને તેમને મસીહા અને પરમેશ્વરના પુત્ર માનવા લાગે.—માત્થી ૧૨:૪૬, ૪૭.

મરિયમના કુટુંબની જેમ તમારા કુટુંબમાં પણ અમુક લોકો પરમેશ્વરનો સંદેશો સ્વીકારતા નહિ હોય. તેઓમાં કોઈ ફેરફાર ના દેખાય તેમ છતાં મરિયમની જેમ હિંમત હાર્યા વગર સંદેશો જણાવતા રહો. યાદ રાખો કે તેઓમાં રાતોરાત ફેરફાર નહિ થાય, એ માટે ધીરજ રાખવી પડશે. એમ કરીશું તો યહોવાહ આપણને કીમતી ગણશે.—૧ પીતર ૩:૧, ૨.

સૌથી મોટો પડકાર

મરિયમને માટે છેલ્લી કસોટી સૌથી દુઃખદ હતી. એમાં ઈસુને પોતાના લોકો દ્વારા સતાવાતા જોવા, અને છેવટે પીડા ભોગવીને મરતા જોવા. ઈસુને આ રીતે મરતા જોઈને મરિયમ જાણે તરવારે વીંધાઈ હોય, એવું લાગ્યું હશે.—લુક ૨:૩૪, ૩૫.

શું ઈસુને મરતા જોઈને મરિયમ એકદમ ભાંગી પડી? શું ઈશ્વરમાંથી તેનો ભરોસો ઊઠી ગયો? બિલકુલ નહિ! બાઇબલ જણાવે છે કે તે દિલાસો મેળવવા ઈસુના શિષ્યો સાથે ‘પ્રાર્થનામાં લાગુ રહી.’ અરે મરિયમના સંતાનોએ પણ ઈસુમાં વિશ્વાસ બતાવ્યો, અને તેની સાથે ભક્તિમાં જોડાયા. આ તેના માટે કેટલું રાહત આપનારું હશે! *પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૪.

આપણે જોઈ શકીએ છીએ કે મરિયમ એક પત્ની અને માતા તરીકે પરમેશ્વરને પસંદ પડે એવું જીવન જીવી. તેણે પરમેશ્વર તરફથી સોંપાયેલી દરેક જવાબદારી સારી રીતે પૂરી કરી. તેણે કસોટીઓ અને પરીક્ષણોનો હિંમતથી સામનો કર્યો. જ્યારે આપણા પર અણધારી આફતો, પરિવારમાં મુશ્કેલીઓ કે કસોટીઓ આવી પડે ત્યારે શું કરવું જોઈએ? મરિયમની જેમ આપણે પણ યહોવાહ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. હિંમતથી અને ધીરજથી કસોટીઓનો સામનો કરવો જોઈએ. (હેબ્રી ૧૦:૩૬) આમ કરીશું તો મરિયમની જેમ આપણને ઘણા બધા આશીર્વાદો મળશે.

ખરું કે મરિયમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. પણ શું બાઇબલ શીખવે છે કે મરિયમની ભક્તિ કરવી જોઈએ? શું મરિયમની મૂર્તિ આગળ નમવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ હવે પછીના લેખમાં મળશે. (w09 1/1)

[ફુટનોટ્‌સ]

^ એક પક્ષીને પાપાર્થાર્પણ તરીકે ચડાવવામાં આવતું. (લેવીય ૧૨:૬,) એ ચઢાવીને મરિયમ બતાવતી હતી કે તેને પણ આદમથી વારસામાં પાપ મળ્યું છે.—રૂમી ૫:૧૨.

^ અમુક કલમો પરથી એવું લાગે છે. જેમ કે યોહાન ૨:૧-૧૧માં કાના શહેરના લગ્‍નમાં ફક્ત મરિયમનો જ ઉલ્લેખ છે યુસફનો નહિ. માર્ક ૬:૩માં ઈસુના શહેરના લોકો તેમને યુસફના દીકરા તરીકે નહિ, પણ ‘મરિયમના દીકરા’ તરીકે ઓળખતા હતા. ઈસુના ભાઈ-બહેનો વિષે પણ અનેક કલમો જોવા મળે છે.

^ મૂએલાને સજીવન કરવાના ઈશ્વરના વચન વિષે વધારે જાણવા, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું સાતમું પ્રકરણ જુઓ. એ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ મરિયમ યહુદીમાંથી ખ્રિસ્તી બની” પાન ૭ પરનું બૉક્સ જુઓ.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

 શું ઈસુને બીજા ભાઈ-બહેનો હતા?

ઈસુને બીજા ભાઈ-બહેનો હતા એ વિષે બાઇબલમાં અનેક પુરાવા મળી આવે છે. (માત્થી ૧૨:૪૬, ૪૭; ૧૩:૫૪-૫૬; માર્ક ૬:૩) તેમ છતાં અમુક બાઇબલ રિસર્ચ કરનારા એ સ્વીકારવા તૈયાર નથી. તેઓનું માનવું છે કે મરિયમે આખી જિંદગી જાતીય સંબંધ બાંધ્યો ન હતો. જ્યારે મરિયમ જીવતી હતી ત્યારે લોકો આવું કંઈ માનતા ન હતા. પરંતુ તેના મરણ પછી સમય જતાં લોકો એવી માન્યતા સ્વીકારવા લાગ્યા.

અમુક લોકોનું માનવું છે કે યુસફે મરિયમ સાથે લગ્‍ન કર્યા એ પહેલાં બીજી કોઈ સ્ત્રી સાથે લગ્‍ન કર્યા હતા. એનાથી બાળકો પણ થયાં હતાં. પણ જો એ સાચું હોય તો ઈસુ રાજા બનવા લાયક ન ગણાય, કેમ કે ઈશ્વરના નિયમ પ્રમાણે ફક્ત મોટા છોકરાને રાજા તરીકેનો હક મળે.—૨ શમૂએલ ૭:૧૨, ૧૩.

બીજી એક માન્યતાનો વિચાર કરો. લોકોનું માનવું છે કે ઈસુને ભાઈઓ નહિ પરંતુ પિતરાઈ ભાઈઓ હતા. જોકે ગ્રીક ભાષામાં ભાઈઓ, પિતરાઈ ભાઈઓ અને સગાં માટે અલગ-અલગ શબ્દો છે. એટલે જ્યારે બાઇબલમાં ‘ભાઈઓ’ શબ્દ હોય ત્યારે પોતાના ભાઈઓની વાત કરવામાં આવે છે, પિતરાઈ કે સગાંની નહિ. એટલે બાઇબલ પર રિસર્ચ કરનાર ફ્રેન્ક ઈ. ગેબ્લિન જણાવે છે કે “ઈસુને બીજા ભાઈ-બહેનો ન હતા એ માન્યતા સાવ ખોટી છે. જોકે બાઇબલમાં ‘ઈસુના ભાઈઓની’ વાત કરવામાં આવે ત્યારે પહેલા એ માનવું જોઈએ કે તેઓ મરિયમ ને યુસફનાં સંતાનો છે. તેઓ ઈસુના સાવકા ભાઈઓ છે.”

[પાન ૭ પર બોક્સ]

 મરિયમ યહુદીમાંથી ખ્રિસ્તી બની

મરિયમ યહુદી પરિવારમાં જન્મી હતી. એટલે તે યહુદીઓના રીત-રિવાજો પાળતી. તે સભાસ્થાનમાં જતી. તે યરૂશાલેમના મંદિરમાં જઈને પણ ભક્તિ કરતી. પણ સમય જતાં તેનું પરમેશ્વર વિષેનું જ્ઞાન વધ્યું. તેને ખબર પડી કે પોતાના અમુક રીત-રિવાજોમાં ફેરફાર કરવો પડશે. ઈસુએ પણ જણાવ્યું હતું કે “જુઓ, તમારે સારૂ તમારૂં ઘર ઉજ્જડ મૂકાયું છે.” (માત્થી ૨૩:૩૮) એટલે કે યહોવાહે યહુદીઓ ઉપરથી પોતાની કૃપા લઈ લીધી હતી. (ગલાતી ૨:૧૫, ૧૬) મરિયમે એ પણ જોયું કે ઈસુ ખ્રિસ્તને યહુદી ધર્મગુરુઓએ મારી નાખ્યા.

બીજું કે જ્યારે ખ્રિસ્તી મંડળ સ્થપાયું ત્યારે મરિયમ આશરે ૫૦ વર્ષની હતી. એ સમયે શું તેણે એવું વિચાર્યું કે હું મારા બાપ-દાદાનો ધર્મ કેવી રીતે છોડી શકું? આ ઉંમરે હું કેવી રીતે મારા રીત-રિવાજો બદલી શકું? ના, મરિયમે એવું કંઈ ના વિચાર્યું. તે જોઈ શકતી હતી કે હવે યહોવાહે યહુદીઓને બદલે ખ્રિસ્તી મંડળ પર કૃપા વરસાવી છે. એટલે તે પૂરી હિંમતથી અને પૂરા ભરોસાથી ખ્રિસ્તી મંડળમાં જોડાઈ ગઈ.

[પાન ૫ પર ચિત્ર]

તેઓએ મિસરમાંથી નાસી જવાની જરૂર હતી

[પાન ૮ પર ચિત્ર]

મરિયમ પોતાના પુત્રને મરતા જોઈને બહુ દુઃખી થઈ