સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓ ‘હલવાનની પાછળ પાછળ ચાલે છે’

તેઓ ‘હલવાનની પાછળ પાછળ ચાલે છે’

તેઓ ‘હલવાનની પાછળ પાછળ ચાલે છે’

‘તેઓ હલવાન જાય છે તેની પાછળ પાછળ ચાલે છે.’—પ્રકટી. ૧૪:૪.

૧. ઈસુના ખરા શિષ્યો કેમ તેમને છોડી ગયા નહિ?

 ઈસુએ પ્રચાર શરૂ કર્યો, એને લગભગ અઢી વર્ષ થતાં હતાં. એક દિવસ તે ‘કાપરનાહુમના સભાસ્થાનમાં બોધ કરતા હતા.’ તેમની વાતથી આઘાત પામીને, ‘ઘણા શિષ્યો ઈસુ સાથે ચાલ્યા નહિ.’ ઈસુએ બાર શિષ્યોને પૂછ્યું કે ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો? સીમોન પીતરે કહ્યું કે અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ, કે ઈશ્વરનો પવિત્ર તે તું જ છે.’ (યોહા. ૬:૪૮, ૫૯, ૬૦, ૬૬-૬૯) ઈસુના ખરા શિષ્યો તેમના પગલે ચાલતા રહ્યા. યહોવાહે તેઓને સ્વર્ગમાં જવા પસંદ કરીને, પોતાની શક્તિ તેઓ પર રેડી. એ પછી પણ તેઓ ઈસુને પગલે ચાલતા રહ્યા.—પ્રે.કૃ. ૧૬:૭-૧૦.

૨. (ક) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અથવા ‘વિશ્વાસુ કારભારી’ કોણ છે? (ખ) વિશ્વાસુ ચાકર ‘હલવાનની પાછળ ચાલવામાં’ કઈ રીતે દાખલો બેસાડે છે?

ઈસુએ પોતાના ‘આવવાની તથા જગતના અંતની નિશાની’ વિષે વાત કરી. એમાં સ્વર્ગમાં જનારાની ઓળખ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અથવા ‘વિશ્વાસુ કારભારી’ તરીકે આપી. (માથ. ૨૪:૩, ૪૫; લુક ૧૨:૪૨) તેઓ એક ગ્રૂપ તરીકે ‘હલવાનની પાછળ ચાલવામાં’ સારો દાખલો બેસાડે છે. (પ્રકટીકરણ ૧૪:૪, ૫ વાંચો.) તેઓ કઈ રીતે “કુંવારા” રહે છે? તેઓ “મહાન બાબેલોન” કે જૂઠા ધર્મોથી ભ્રષ્ટ થતા નથી. (પ્રકટી. ૧૭:૫) ‘તેઓના મોંમાં સત્ય જ છે.’ શેતાનની દુનિયામાં “તેઓ નિર્દોષ” રહે છે. (યોહા. ૧૫:૧૯) જલદી જ ધરતી પર રહેલા બાકીના પણ, હલવાનની ‘પાછળ પાછળ’ સ્વર્ગમાં જશે.—યોહા. ૧૩:૩૬.

૩. આપણે ચાકર વર્ગ પર કેમ પૂરો ભરોસો મૂકવો જોઈએ?

ઈસુએ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને ‘પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા સારૂ કારભારી ઠરાવ્યા છે.’ એ ‘ઘરનાં’ કોણ છે? એમાં ચાકર વર્ગના દરેક સભ્ય આવી જાય છે. ઈસુએ એ ચાકર વર્ગને ‘બધી સંપત્તિ’ પણ સોંપી છે. (માથ. ૨૪:૪૫-૪૭) એ સંપત્તિમાં ‘બીજાં ઘેટાંની’ વધી રહેલી “મોટી સભા” પણ આવી જાય છે. (પ્રકટી. ૭:૯; યોહા. ૧૦:૧૬) ભલે સ્વર્ગમાં જનારા હોય કે “બીજાં ઘેટાં” હોય, તેઓ દરેકે એ કારભારી પર પૂરો ભરોસો મૂકવો જોઈએ. શા માટે? એક તો યહોવાહ એ ચાકર વર્ગ પર ભરોસો મૂકે છે. બીજું કે ઈસુ પણ તેઓ પર ભરોસો મૂકે છે. ચાલો જોઈએ કે કેમ તેઓ ભરોસો મૂકે છે.

યહોવાહને ચાકર વર્ગ પર પૂરો ભરોસો છે

૪. ચાકર પાસેથી આવતા માર્ગદર્શન પર કેમ ભરોસો રાખવો જોઈએ?

યહોવાહ પોતાના ભક્તોને કહે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીત. ૩૨:૮) ચાકર વર્ગને પણ યહોવાહ જ દોરે છે. એટલે તેઓ પાસેથી જે કંઈ સમજણ ને માર્ગદર્શન મળે છે, એ યહોવાહ પાસેથી આવે છે. આપણે એમાં પૂરો ભરોસો રાખી શકીએ.

૫. યહોવાહ પોતાની શક્તિથી વિશ્વાસુ ચાકરને માર્ગદર્શન આપે છે, એનો શું પુરાવો?

યહોવાહ પોતાની શક્તિથી વિશ્વાસુ ચાકરને માર્ગદર્શન આપે છે. એના લીધે થતો વધારો આપણે જોઈ શકીએ છીએ. યહોવાહ, તેમના પુત્ર અને રાજ્ય વિષે લોકોને જણાવવામાં વિશ્વાસુ ને બુદ્ધિમાન ચાકરને ઘણી જ સફળતા મળી છે. આજે એ કામ ૨૩૦ કરતાં વધારે દેશો ને ટાપુઓમાં થઈ રહ્યું છે. યહોવાહના આશીર્વાદથી જ એ શક્ય બન્યું છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮ વાંચો.) વિશ્વાસુ ચાકર આપણને સમયસર માર્ગદર્શન આપે છે. એને માટે જે કોઈ નિર્ણય લે, એમાં પ્રેમ અને દયા જેવા યહોવાહના ગુણો જોવા મળે છે.—ગલા. ૫:૨૨, ૨૩.

૬, ૭. યહોવાહને વિશ્વાસુ ચાકર પર કેટલો ભરોસો છે?

યહોવાહે સ્વર્ગમાં જનારાને આપેલા વચન વિષે પાઊલે આમ લખ્યું: “રણશિંગડું વાગશે, અને મૂએલાં અવિનાશી થઈને ઊઠશે, અને આપણું રૂપાંતર થશે. કેમકે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.” (૧ કોરીં. ૧૫:૫૨, ૫૩) જેઓ મરણ સુધી યહોવાહને વળગી રહે છે, તેઓનું સ્વર્ગમાં સજીવન થાય છે. પછી તેઓને “અમરપણું” મળે છે, એટલે તેઓનો કદીયે અંત નહિ આવે. પ્રકટીકરણ ૪:૪ જણાવે છે કે તેઓને રાજ કરવાનો અધિકાર મળે છે. તેઓ રાજ્યાસન પર બેસે છે અને તેઓના માથા પર સોનાના મુગટ છે.

પ્રકટીકરણ ૧૯:૭, ૮ જણાવે છે, ‘હલવાનના લગ્‍નનો દિવસ આવ્યો છે, અને તેથી કન્યાએ પોતાને તૈયાર કરી છે. તે તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરે છે; બારીક શણનું વસ્ત્ર સંતોનાં ન્યાયી કાર્યો છે.’ યહોવાહે સ્વર્ગમાં જનારાને તેમના દીકરાની કન્યા તરીકે પસંદ કર્યા છે. તેઓને યહોવાહ અવિનાશીપણું, અમરપણું અને રાજ કરવાનો અધિકાર આપે છે. તેઓ ‘હલવાનની પાછળ પાછળ’ જાય છે. એટલે યહોવાહ તેઓ પર પૂરો ભરોસો રાખે છે.

ઈસુ પણ ચાકર વર્ગ પર ભરોસો મૂકે છે

૮. શાના પરથી કહી શકાય કે ઈસુને વિશ્વાસુ ચાકર પર ભરોસો છે?

ઈસુ પણ વિશ્વાસુ ચાકર પર ભરોસો મૂકે છે. તેમણે મરણની આગલી રાત્રે ૧૧ વિશ્વાસુ પ્રેરિતો સાથે આ કરાર કર્યો: “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું, કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ; અને તમે ઈસ્રાએલનાં બારે કુળોનો ન્યાય ઠરાવતાં રાજ્યાસનો પર બેસશો.” (લુક ૨૨:૨૮-૩૦) ઈસુએ કરેલો આ કરાર સ્વર્ગમાં જનારા ૧,૪૪,૦૦૦ને લાગુ પડે છે. (લુક ૧૨:૩૨; પ્રકટી. ૫:૯, ૧૦; ૧૪:૧) જો ઈસુને તેઓ પર ભરોસો ન હોત, તો આ કરાર કર્યો ન હોત.

૯. ઈસુની ‘સંપત્તિ’ શું છે?

ઈસુએ વિશ્વાસુ ચાકરને ‘પોતાની બધી સંપત્તિ’ સોંપી છે. (માથ. ૨૪:૪૭) એ સંપત્તિ શું છે? એમાં યહોવાહના સાક્ષીઓની હેડ ઑફિસ, જુદા જુદા દેશોની બ્રાંચ ઑફિસ, બધા એસેમ્બલી હૉલ, કિંગ્ડમ હૉલ વગેરે આવી જાય છે. પ્રચાર કામ પણ એ સંપત્તિમાં આવે છે. યહોવાહ અને ઈસુને ચાકર વર્ગ પર અતૂટ ભરોસો હોવાથી, એ સર્વ સંપત્તિ તેઓને સોંપી છે.

૧૦. શું પુરાવો છે કે ઈસુ ચાકર વર્ગને દોરે છે?

૧૦ સ્વર્ગમાં ગયા એના થોડા સમય પહેલાં, ઈસુએ શિષ્યોને આ વચન આપ્યું: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) શું ઈસુએ આ વચન પાળ્યું છે? હા. પંદર વર્ષો પહેલાં લગભગ ૭૦,૦૦૦ મંડળો હતાં. હવે એ ૧,૦૦,૦૦૦થી વધારે થઈ ગયાં છે. એ ૪૦ ટકાનો વધારો બતાવે છે. છેલ્લાં પંદરેક વર્ષોમાં લગભગ ૪૫ લાખ લોકો બાપ્તિસ્મા પામ્યા, એટલે કે રોજ ૮૦૦થી વધારે! આ બતાવે છે કે ઈસુ આજેય ચાકર વર્ગ અને મંડળને દોરે છે. પ્રચારમાં માર્ગદર્શન આપે છે.

ચાકર વિશ્વાસુ અને બુદ્ધિમાન છે

૧૧, ૧૨. વિશ્વાસુ ચાકર વર્ગ કઈ રીતે બુદ્ધિમાન છે?

૧૧ યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત ચાકર વર્ગ પર પૂરો ભરોસો રાખે છે. તો પછી આપણા વિષે શું? ચાકર વર્ગ આપણને સમયસર યહોવાહનું જ્ઞાન આપે છે. દાખલા તરીકે, તેઓ ચોકીબુરજ મૅગેઝિન લગભગ ૧૩૦ વર્ષથી બહાર પાડે છે. તેઓ મિટિંગો અને સંમેલનો ગોઠવે છે, જેથી આપણને યહોવાહની ભક્તિમાં આગળ વધવા ઉત્તેજન મળે.

૧૨ આ વિશ્વાસુ ચાકર વર્ગ કઈ રીતે બુદ્ધિમાન છે? યહોવાહ જે કહે, એનાથી વધારે કે ઓછું તેઓ કરતા નથી. આજે લોકો સ્વાર્થી છે. બધુંય ચલાવી લે છે. અરે, ગુરુઓ પણ આંખ આડા કાન કરે છે. પરંતુ ચાકર વર્ગ એવો નથી. તેઓ તો આપણને એ બધા વિષે ચેતવે છે. સાચો માર્ગ બતાવે છે. યહોવાહ અને ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શનને લીધે તેઓ એમ કરે છે. એટલે આપણે વિશ્વાસુ ચાકરમાં ભરોસો બતાવવો જ જોઈએ. કેવી રીતે? ચાલો જોઈએ.

હલવાનની પાછળ ચાલનારાને અનુસરીએ

૧૩. ઝખાર્યાહે જણાવ્યું તેમ કઈ રીતે વિશ્વાસુ ચાકર વર્ગ પર ભરોસો બતાવવો જોઈએ?

૧૩ ઝખાર્યાહે કહ્યું કે ‘દશ માણસો એક યહુદી માણસની ચાળ પકડીને કહે છે કે અમે તારી સાથે આવીશું.’ (ઝખાર્યાહ ૮:૨૩ વાંચો.) અહીં ‘યહુદી માણસ’ કોને રજૂ કરે છે? એ કોઈ એક માણસને નહિ, પણ સ્વર્ગમાં જનારા ગ્રૂપને બતાવે છે, જેઓ હજુ પૃથ્વી પર છે. બાઇબલ તેઓને ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ પણ કહે છે. (ગલા. ૬:૧૬) “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો” કોને રજૂ કરે છે? ‘બીજાં ઘેટાંને.’ સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર રહેનારા બધાય ઈસુની પાછળ પાછળ ચાલે છે. ઈસુ સ્વર્ગમાં જનારાને “ભાઈઓ” કહેતા કદીયે શરમાયા નહિ. (હેબ્રી ૨:૧૧) “સ્વર્ગીય તેડાના ભાગીદાર” ભાઈ-બહેનોને સાથ આપવામાં ‘બીજાં ઘેટાંએ’ પણ કદી શરમાવું ન જોઈએ.—હેબ્રી ૩:૧.

૧૪. સ્વર્ગમાં જનારાને આપણે કઈ રીતે સાથ આપવો જોઈએ?

૧૪ વિશ્વાસુ ચાકરને સાથ આપીને આપણે ખુદ ઈસુને સાથ આપીએ છીએ. (માત્થી ૨૫:૪૦ વાંચો.) આપણે કઈ કઈ રીતે એમ કરી શકીએ? ખાસ તો પ્રચાર કામમાં બધી રીતે સાથ આપીને. (માથ. ૨૪:૧૪; યોહા. ૧૪:૧૨) સ્વર્ગમાં જનારાની સંખ્યા દિવસે દિવસે પૃથ્વી પર ઘટે છે. પણ પૃથ્વી પર રહેનારાની સંખ્યા વધતી જાય છે. તેઓ ફુલ ટાઇમ કે પછી પોતાનાથી થાય એટલો પ્રચાર કરીને શિષ્યો બનાવે છે. આમ, વિશ્વાસુ ચાકરને પૂરો સાથ આપે છે. (માથ. ૨૮:૧૯, ૨૦) એ કામ માટે તેઓ અનેક રીતે પૈસે-ટકે મદદ પણ આપે છે.

૧૫. વિશ્વાસુ ચાકરથી મળતું જ્ઞાન અને તેઓએ લીધેલા નિર્ણયો વિષે તમને કેવું લાગે છે?

૧૫ વિશ્વાસુ ચાકર આપણને પુસ્તકો, મિટિંગો અને સંમેલનો દ્વારા ઈશ્વરનું જ્ઞાન આપે છે. શું આપણે એનો પૂરો લાભ ઉઠાવીએ છીએ? એ જીવનમાં ઉતારીએ છીએ? તેઓ જે નિર્ણયો લે, એ આપણે રાજીખુશીથી સ્વીકારીએ છીએ? જો આપણે એમ કરીએ, તો યહોવાહની એ ગોઠવણમાં પૂરી શ્રદ્ધા બતાવીએ છીએ.—યાકૂ. ૩:૧૭.

૧૬. શા માટે આપણે સ્વર્ગમાં જનારાનું સાંભળવું જોઈએ?

૧૬ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.” (યોહા. ૧૦:૨૭) સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો ઈસુના પગલે ચાલે છે. તેમનું કહેવું માને છે. તેઓની જેમ જ આપણે પણ ઈસુનું સાંભળીએ. તેમના પગલે ચાલીએ. ઈસુએ સર્વ ઈશ્વરભક્તોની સંભાળ રાખવાની જવાબદારી સ્વર્ગમાં જનારાને સોંપી છે. એટલે આપણે તેઓનું પણ સાંભળવું જોઈએ. કઈ રીતે આપણે એમ કરી શકીએ?

૧૭. બીજી કઈ રીતે ચાકર વર્ગનું સાંભળવું જોઈએ?

૧૭ આજે ગવર્નિંગ બૉડી વિશ્વાસુ ચાકરને રજૂ કરે છે. ગવર્નિંગ બૉડીના ભાઈઓને યહોવાહ પસંદ કરે છે. એ અનુભવી વડીલો જાણે ‘આપણા આગેવાન છે.’ (હેબ્રી ૧૩:૭) તેઓ પ્રચાર કામમાં આગેવાની લઈને ગોઠવણો કરે છે. આખી દુનિયામાં એક લાખથી વધારે મંડળોમાં લગભગ સિત્તેર લાખ ભક્તોની તેઓ દેખરેખ રાખે છે. તેઓ હંમેશાં ‘પ્રભુના કામમાં મચ્યા રહે’ છે. (૧ કોરીં. ૧૫:૫૮) ચાલો આપણે વિશ્વાસુ ચાકરનું સાંભળીએ અને તેઓની ગવર્નિંગ બૉડીને પૂરો સાથ આપીએ.

ચાકર વર્ગનું સાંભળીએ, આશીર્વાદ પામીએ

૧૮, ૧૯. (ક) વિશ્વાસુ ચાકરનું સાંભળશે તેઓને કેવા આશિષ મળશે? (ખ) આપણે શું કરવું જ જોઈએ?

૧૮ વિશ્વાસુ ને બુદ્ધિમાન ચાકર “ઘણાઓને નેકીમાં [ઈશ્વરને માર્ગે] વાળી” લાવ્યા છે. (દાની. ૧૨:૩) આ દુષ્ટ દુનિયાના વિનાશમાંથી બચનારા પણ એમાં આવી જાય છે. આજે યહોવાહના માર્ગે ચાલવાનો એ કેવો મોટો આશીર્વાદ!

૧૯ ૧,૪૪,૦૦૦થી બનેલું “પવિત્ર નગર, નવું યરૂશાલેમ” છે. જલદી જ એ ‘ઈશ્વર પાસેથી આકાશમાંથી ઊતરશે. જેમ કન્યા પોતાના વરને સારૂ શણગારવામાં આવેલી હોય, તેમ તે તૈયાર થશે.’ આ કન્યા અથવા વિશ્વાસુ ચાકરનું જેઓ સાંભળે છે, તેઓને કેવા આશીર્વાદ મળશે? બાઇબલ કહે છે: ‘ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’ (પ્રકટી. ૨૧:૨-૪) એટલે ચાલો આપણે ઈસુ ખ્રિસ્ત અને તેમના વિશ્વાસુ ચાકરનું સાંભળીએ. તેઓમાં પૂરો ભરોસો રાખીએ. (w09 2/15)

આપણે શું શીખ્યા?

• યહોવાહને વિશ્વાસુ ચાકર પર ભરોસો છે એના કયા પુરાવા છે?

• શું બતાવે છે કે ઈસુને પણ ચાકર વર્ગ પર ભરોસો છે?

• આપણને કેમ વિશ્વાસુ ચાકર પર પૂરો ભરોસો હોવો જોઈએ?

• આપણને ચાકર વર્ગ પર ભરોસો હશે તો શું કરીશું?

[અભ્યાસ પ્રશ્નો]