સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘સાવધ રહીએ’

‘સાવધ રહીએ’

‘સાવધ રહીએ’

‘સર્વનો અંત પાસે આવ્યો છે, માટે સાવધ રહીને પ્રાર્થના કરો.’—૧ પીત. ૪:૭.

૧. ઈસુએ શાના વિષે ઘણો પ્રચાર કર્યો?

 ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ ઘણો પ્રચાર કર્યો. એના માટે પ્રાર્થના કરતા પણ શીખવ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ. ૪:૧૭; ૬:૯, ૧૦) એ રાજ્ય સાબિત કરશે કે વિશ્વ પર રાજ કરવાનો હક્ક યહોવાહને જ છે. એ રાજ્ય દ્વારા યહોવાહનું નામ મોટું મનાશે. જલદીથી જ શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ થશે. પછી એવો યુગ આવશે, જેમાં આખા વિશ્વમાં યહોવાહની મરજી પૂરી થશે. દાનીયેલે હજારો વર્ષો પહેલાં કહ્યું હતું કે ઈશ્વરનું રાજ્ય, આપણા સમયનાં “સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય [નાશ] કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાની. ૨:૪૪.

૨. (ક) શિષ્યો કેવી રીતે જાણી શકે કે ઈસુએ રાજ શરૂ કરી દીધું છે? (ખ) એ નિશાની બીજું શું બતાવે છે?

શિષ્યોએ ઈસુને પૂછ્યું: “તારા આવવાની [રાજ શરૂ કરવાની] તથા જગતના અંતની શી નિશાની થશે?” (માથ. ૨૪:૩) ઈસુએ અમુક બનાવોની નિશાની આપી. એના દ્વારા શિષ્યો પારખી શકે કે ઈસુએ સ્વર્ગમાં રાજ શરૂ કરી દીધું છે. બાઇબલ કહે છે કે એ સમયથી દુષ્ટ દુનિયાના ‘છેલ્લા સમયની’ શરૂઆત પણ થાય છે.—૨ તીમો. ૩:૧-૫, ૧૩; માથ. ૨૪:૭-૧૪.

છેલ્લા સમયમાં સાવધ રહીએ

૩. આપણે કેમ સાવધ રહેવું જોઈએ?

પીતરે લખ્યું: “સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.” (૧ પીત. ૪:૭) દુષ્ટ જગતનો અંત સાવ નજીક છે તેમ, આપણે સાવધ રહેવાની જરૂર છે. એમ કરવાથી જગતના બનાવો પર નજર રાખીને, પારખી શકીશું કે ઈસુ રાજ કરે છે. ઈસુએ કહ્યું કે “તમે જાગતા રહો; કેમકે તમે જાણતા નથી કે ઘરનો ધણી ક્યારે [શેતાનની દુનિયાનો અંત લાવવા] આવશે.”—માર્ક ૧૩:૩૫, ૩૬.

૪. દુનિયાના લોકો અને યહોવાહના સાક્ષીઓમાં શું ફરક છે? ( બૉક્સ પણ જુઓ.)

દુનિયાના મોટા ભાગના લોકો શેતાનના હાથમાં છે. તેઓ દુનિયાના બનાવો પારખી શક્યા નથી. એ પણ જાણી શક્યા નથી કે ઈસુ રાજ કરવા લાગ્યા છે. જ્યારે કે ઈસુના શિષ્યો સાવધ છે. તેઓ છેલ્લાં સોએક વર્ષોથી જગતના બનાવો પારખે છે. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ થયું. એક પછી એક ખરાબ બનાવો બન્યા. ૧૯૨૫થી યહોવાહના સાક્ષીઓને ખાતરી થઈ કે ઈસુ ૧૯૧૪થી સ્વર્ગમાં રાજ કરવા લાગ્યા છે. શેતાનની દુનિયા હવે છેલ્લા શ્વાસ લઈ રહી છે. ઘણા જોઈ શકે છે કે પહેલા વિશ્વયુદ્ધ પછી દુનિયા સાવ બદલાઈ ગઈ છે, પણ જાણતા નથી કે શા માટે.—“ અશાંતિનો યુગ શરૂ થયો” બૉક્સ જુઓ.

૫. આપણે કેમ વધારે સાવધ રહેવું જ જોઈએ?

છેલ્લાં સો વર્ષમાં દુનિયામાં એવા બનાવો બન્યા છે, જેનાથી રૂંવાટાં ઊભાં થઈ જાય! એ બનાવો સાબિત કરે છે કે શેતાન અને તેની દુનિયાનો અંત નજીક છે. એમ કરવા યહોવાહ જલદી જ ઈસુ અને સ્વર્ગદૂતોને હુકમ આપશે. (પ્રકટી. ૧૯:૧૧-૨૧) એટલે આપણે વધારે સાવધ રહેવાની જરૂર છે. કદી એ ન ભૂલીએ કે દુનિયાનો અંત ઝડપથી આવી રહ્યો છે. (માથ. ૨૪:૪૨) એની સાથે સાથે ઈસુએ કયું મહત્ત્વનું કામ પૂરું કરવાનું કહ્યું? ચાલો જોઈએ.

દુનિયામાં ફેલાતો ઈશ્વરનો સંદેશો

૬, ૭. ઈશ્વરનો સંદેશો બધે જ ફેલાય છે એની શું સાબિતી?

ઈસુએ આપેલી જગતના અંતની નિશાનીમાં ઈશ્વરનો સંદેશો જણાવવાની પણ વાત કરી. એનાથી પણ સાબિત થશે કે દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. ઈસુએ કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માથ. ૨૪:૧૪.

શું આજે એ સાચું પડે છે? ૧૯૧૪માં ઈસુએ સ્વર્ગમાં રાજ શરૂ કર્યું ત્યારે, થોડાક જ લોકો ઈશ્વરનો સંદેશો જણાવતા હતા. આજે લગભગ ૭૦ લાખ યહોવાહના સાક્ષીઓ એ સંદેશો ફેલાવે છે. આખી દુનિયામાં એક લાખથી વધારે મંડળોમાં તેઓ ભેગા મળે છે. ૨૦૦૮ના મેમોરિયલ પ્રસંગે તેઓ સાથે બીજા એક કરોડ જેટલા લોકો આવ્યા. ૨૦૦૭ની સરખામણીમાં કેટલો વધારો થયો!

૮. શેતાન શામાં સફળ નહિ થાય? શા માટે?

શેતાન ‘આ જગતનો દેવ’ છે. (૨ કોરીં. ૪:૪) સર્વ સરકારો, ધર્મો અને વેપારી સંસ્થાઓ તેના હાથમાં છે. રેડિયો, ટીવી ને જાહેરાતો પણ શેતાનના છે. તે એનો ભરપૂર ઉપયોગ કરીને, યહોવાહના રાજ્યનો સંદેશો ફેલાતો રોકવાની કોશિશ કરે છે. એ ભલે ગમે એટલા ધમપછાડા કરે, તોયે એ કામ રોકી નહિ શકે. શા માટે? કેમ કે એ કામની પાછળ યહોવાહનો હાથ છે!

૯. યહોવાહના ભક્તોમાં કેવો ચમત્કાર થાય છે?

યહોવાહના રાજ્યનો સંદેશો આખી દુનિયામાં વધારે ને વધારે ફેલાતો જાય છે. યહોવાહના ભક્તોની સંખ્યા વધતી જાય છે. તેઓની સમજણમાં પણ ખૂબ વધારો થયો છે. એ મોટો ચમત્કાર છે! યહોવાહના સાથ, માર્ગદર્શન અને રક્ષણ વગર એમ કદી બને જ નહિ. (માત્થી ૧૯:૨૬ વાંચો.) ચાલો આપણે રાજી-ખુશીથી યહોવાહનું કામ કરતા રહીએ. તે શક્તિ અને માર્ગદર્શન આપશે. આપણે તેમનો સંદેશો ફેલાવવાનું કામ પૂરું કરીશું, “ત્યારે જ અંત આવશે.” એ દિવસ બહુ જ નજીક છે!

‘મોટી વિપત્તિ’

૧૦. ઈસુએ મોટી વિપત્તિ વિષે શું કહ્યું?

૧૦ દુષ્ટ દુનિયાના અંતે ‘મોટી વિપત્તિ’ થશે. (પ્રકટી. ૭:૧૪) બાઇબલ કહેતું નથી કે એ વિપત્તિ કેટલો સમય ચાલશે. એના વિષે ઈસુએ આમ કહ્યું: “તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માથ. ૨૪:૨૧) બીજા વિશ્વયુદ્ધમાં આશરે પાંચથી છ કરોડ લોકો માર્યા ગયા. પણ આવનાર મોટી વિપત્તિમાં એનાથીયે વધારે હશે. એ વિપત્તિના અંતે આર્માગેદ્દોનની લડાઈ થશે. એમાં યહોવાહનું સૈન્ય, શેતાનની દુનિયાનો નાશ કરશે.—પ્રકટી. ૧૬:૧૪, ૧૬.

૧૧, ૧૨. મોટી વિપત્તિ કયા બનાવથી શરૂ થશે?

૧૧ બાઇબલ જણાવતું નથી કે મોટી વિપત્તિ ક્યારે શરૂ થશે. પણ એ જણાવે છે કે કયા બનાવથી એની શરૂઆત થશે. દુનિયાની સરકારો, માણસોએ બનાવેલા બધા ધર્મોનો નાશ કરશે. પ્રકટીકરણ ૧૭ અને ૧૮મા અધ્યાયોમાં એના વિષે પહેલેથી જણાવાયું છે. એ ધર્મોને વેશ્યા સાથે સરખાવવામાં આવે છે, કેમ કે એ રાજનીતિમાં પણ માથું મારે છે. પ્રકટીકરણ ૧૭:૧૬ જણાવે છે કે જલદી જ સરકારો એ “વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્‍ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્‍નિથી તેને બાળી નાખશે.”

૧૨ એ કેવી રીતે બનશે? એ સમયે નેતાઓ ‘ઈશ્વરની ઇચ્છા પૂરી કરે, એવું તે તેઓનાં મનમાં મૂકશે.’ (પ્રકટી. ૧૭:૧૭) એટલે એ વિનાશ યહોવાહના હુકમથી થશે. યહોવાહ એમ કરશે, કેમ કે એ ધર્મો તેમના વિષે જૂઠું શીખવે છે. તેમના ખરા ભક્તોને સતાવે છે. મોટા ભાગના લોકોને એ માનવામાં આવતું જ નથી કે ધર્મોનો અંત આવશે. પણ યહોવાહના ભક્તો એમ માને છે. એટલે જ તેઓ એના વિષે બધાને ચેતવી રહ્યા છે.

૧૩. શું બતાવે છે કે માણસોએ બનાવેલા ધર્મોનો નાશ ઝડપથી થશે?

૧૩ માણસોએ બનાવેલા સર્વ ધર્મોનો નાશ થશે ત્યારે, લોકો જોતા જ રહી જશે. બાઇબલ કહે છે કે એ વિનાશ જોઈને ‘પૃથ્વીના અમુક રાજાઓ’ કહેશે: ‘અરેરે! અરેરે! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!’ (પ્રકટી. ૧૮:૯, ૧૦, ૧૬, ૧૯) ‘એક ઘડીનો’ અર્થ શું થાય છે? એ કે ઝડપથી એ બનાવ બની જશે.

૧૪. દુશ્મનો આપણો નાશ કરવાની કોશિશ કરે ત્યારે, યહોવાહ શું કરશે?

૧૪ એના પછી શું બનશે? યહોવાહના ભક્તો હજુ પણ તેમનો ન્યાયચુકાદાનો સંદેશ આપતા હશે. એટલે તેઓ પર હુમલો થશે. (હઝકી. ૩૮:૧૪-૧૬) એ વખતે યહોવાહ પોતાના ભક્તોનું રક્ષણ કરશે. એની શું ખાતરી છે? બાઇબલ કહે છે કે “જે તમને [યહોવાહના ભક્તોને] અડકે છે તે તેની [યહોવાહની] આંખની કીકીને અડકે છે.” (ઝખા. ૨:૮) જ્યારે દુશ્મનો આપણો નાશ કરવાની કોશિશ કરશે, ત્યારે યહોવાહ ઊભા થશે. મોટી વિપત્તિના અંતે આવનાર, આર્માગેદ્દોન માટે તૈયાર થશે. યહોવાહના કહેવાથી ઈસુ સ્વર્ગદૂતોને હુકમ કરશે. તેઓ શેતાનની દુનિયાનો નાશ કરશે. યહોવાહ કહે છે: ‘મારા આવેશમાં ને મારા ક્રોધમાં હું બોલીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.’—હઝકીએલ ૩૮:૧૮-૨૩ વાંચો.

આપણે શું કરવું જોઈએ?

૧૫. દુનિયાનો અંત ઝડપથી આવી રહ્યો હોવાથી, આપણે શું કરવું જોઈએ?

૧૫ દુનિયાનો અંત ઝડપથી આવી રહ્યો હોવાથી, આપણે શું કરવું જોઈએ? પીતરે કહ્યું: “એ સર્વ લય [નાશ] પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?” (૨ પીત. ૩:૧૧) આ કલમ આપણને પોતાના વાણી-વર્તન પર નજર રાખવાનું કહે છે. આપણે યહોવાહના માર્ગે જ ચાલીએ. તેમના કહેવા પ્રમાણે જીવીએ. તેમનો સંદેશો ફેલાવતા રહીએ. એ સર્વ આપણે તેમના પરના પ્રેમને લીધે કરીએ. પીતરે એમ પણ કહ્યું: ‘સર્વનો અંત પાસે આવ્યો છે, માટે સાવધ રહીને પ્રાર્થના કરો.’ (૧ પીત. ૪:૭) પ્રાર્થના કરવાથી ઈશ્વર સાથે આપણો નાતો પાકો થશે. પ્રાર્થનાથી આપણે તેમનું માર્ગદર્શન પણ માંગીએ છીએ. યહોવાહ મંડળ દ્વારા એ જરૂર આપશે. આપણને પોતાની શક્તિ પણ આપશે.

૧૬. આપણે કેમ બાઇબલની સલાહ દિલમાં ઉતારવી જોઈએ?

૧૬ આપણું જીવન જોખમમાં હોવાથી, આ સલાહ દિલમાં ઉતારીએ: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની [મૂર્ખની] પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમકે દહાડા ભૂંડા છે.” (એફે. ૫:૧૫, ૧૬) આજના જેટલી દુષ્ટતા કદીયે ન હતી. શેતાન જાતજાતની લાલચ મૂકીને, આપણને યહોવાહથી દૂર લઈ જવાના પ્રયત્ન કરે છે. એટલે ચેતીને ચાલીએ, જેથી યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડીએ. કદીયે યહોવાહનો સાથ ન છોડીએ.—૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.

૧૭. ગુજરી ગયેલા સજીવન થશે ત્યારે તમને કેવું લાગશે?

૧૭ બાઇબલ એ પણ જણાવે છે કે “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” એટલે કે ઈશ્વર ગુજરી ગયેલાને સજીવન કરશે. (પ્રે.કૃ. ૨૪:૧૫) એ યહોવાહનું વચન છે! યશાયાહ ૨૬:૧૯ પણ કહે છે: ‘મરેલાં જીવશે; હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમકે પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.’ જ્યારે યહુદીઓ ગુલામીમાંથી આઝાદ થયા, ત્યારે એ શબ્દો પહેલી વાર સાચા પડ્યા. જાણે કે નાશમાંથી બેઠા થઈને તેઓ પોતાના વતન પાછા ગયા. ભાવિમાં ગુજરી ગયેલા સજીવન કરાશે ત્યારે, એ વચન ફરીથી પૂરું થશે. એમાં આપણાં સગાં-વહાલાં પણ હશે! દુષ્ટતાનો અંત ખૂબ નજીક છે. ઈશ્વરનો નવો યુગ ઝડપથી આવે છે. એટલે ચાલો સાવધ રહેવા બનતું બધું જ કરીએ! (w09 3/15)

મુખ્ય વિચારો

• ઈસુએ શાના વિષે ઘણો પ્રચાર કર્યો?

• ઈશ્વરના રાજ્યનો સંદેશો કેટલો ફેલાયો છે?

• આપણે કેમ સાવધ રહેવું જ જોઈએ?

પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ના વચન વિષે તમને શું ગમે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર બોક્સ/ચિત્ર]

  અશાંતિનો યુગ શરૂ થયો

એલન ગ્રીનસ્પાન લગભગ વીસ વર્ષ સુધી અમેરિકાના ફેડરલ રિઝર્વ બૉર્ડના ચેરમેન હતા. એ બોર્ડ દેશની બધી બૅંકોની દેખરેખ રાખે છે. તેમણે ૨૦૦૭માં દુનિયામાં થતા ફેરફારો વિષે એક પુસ્તક લખ્યું. (ધ એજ ઑફ ટર્બ્યૂલન્સ: એડ્‌વેન્ચર્સ ઇન અ ન્યૂ વર્લ્ડ) એમાં જણાવ્યું કે કઈ રીતે ૧૯૧૪ પછી દુનિયા સાવ બદલાઈ ગઈ. તેમણે લખ્યું:

‘૧૯૧૪ પહેલાં, ઇન્સાને સારી પ્રગતિ કરી. સમાજમાં અરે દેશોમાં પણ ઘણો સુધારો થયો. એવું લાગતું હતું કે બધા હળી-મળીને, ખુશીથી જીવશે. ઓગણીસમી સદીમાં ઇન્સાને ગુલામોનો વેપાર બંધ કરાવ્યો. હિંસા ઘટી. આખી દુનિયામાં ટૅક્નૉલોજીમાં ખૂબ પ્રગતિ થઈ. જેમ કે રેલવે, ટેલિફોન, લાઇટ, સિનેમા, કાર અને ઘરની ચીજો આવવા લાગ્યા. સાયન્સ અને મેડિકલ ફિલ્ડમાં પણ ઘણી પ્રગતિ થઈ. લોકોને વધારે સારો ખોરાક મળ્યો. સહેલાઈથી પાણી મેળવી શકતા. એના લીધે લોકો વધારે લાંબું જીવવા લાગ્યા. એમ થતું હતું કે આવી પ્રગતિ ચાલ્યા જ કરશે.’

પણ . . . ‘પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. પહેલા કરતાં બીજા વિશ્વયુદ્ધમાં વધારે નુકસાન થયું. તોપણ પહેલા યુદ્ધે ઇન્સાનને કંપાવી નાખ્યો. લોકોનાં સપનાં તોડી નાખ્યાં. મને હજુ પણ પહેલા યુદ્ધ અગાઉના દિવસો યાદ છે. એ દિવસોમાં માણસો માટે કંઈ જ અશક્ય લાગતું ન હતું. સોએક વર્ષ પહેલાં ને આજના દિવસમાં આભ-જમીનનો ફરક છે, જે આપણી નજર સામે છે. પહેલા વિશ્વયુદ્ધે ઇન્સાનની પ્રગતિને અચાનક અટકાવી દીધી. શું આતંકવાદ, સમાજવાદ કે દુનિયાના તાપમાનમાં અચાનક ફેરફાર પણ ઇન્સાનની પ્રગતિ અટકાવી દેશે? કોને ખબર?’

ગ્રીનસ્પાન સ્ટુડન્ટ હતા ત્યારે (૧૮૮૬-૧૯૪૯), તેમના ઇકોનૉમિક્સના પ્રોફેસર બેન્જામિન એમ. એન્ડર્સને કહ્યું હતું: ‘પહેલા વિશ્વયુદ્ધ અગાઉના દિવસોની યાદો, મીઠી યાદો હતી. ત્યારે શાંતિ હતી, સલામતી હતી. યુદ્ધ પછી કોઈને ફરીથી એવું લાગ્યું નથી.’—ઇકોનૉમિક્સ એન્ડ ધ પબ્લિક વેલફેર.

જી. જે. મેયર નામના લેખકે ૨૦૦૬માં પોતાના પુસ્તકમાં (અ વર્લ્ડ અનડ્‌ન) આમ લખ્યું: ‘ઇતિહાસના મોટા બનાવો “બધું બદલી નાખે છે,” એમ કહેવામાં આવે છે. ૧૯૧૪-૧૯૧૮ના વિશ્વયુદ્ધ વિષે એ સાચું છે. એનાથી બધું જ બદલાઈ ગયું. દેશોની સરહદ બદલાઈ ગઈ. સરકારો બદલાઈ ગઈ. લોકોની મંજિલ બદલાઈ ગઈ. સૌથી મોટો ફેરફાર તો લોકોના વિચારો ને ધ્યેયોમાં થયો. યુદ્ધ પછી શાંતિ ને સલામતી જતી રહી.’

[પાન ૨૨ પર ચિત્ર]

આર્માગેદ્દોનમાં યહોવાહ સ્વર્ગદૂતોને લડવા મોકલશે