સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુસા કરતાં ચડિયાતા ઈસુનું સાંભળીએ

મુસા કરતાં ચડિયાતા ઈસુનું સાંભળીએ

મુસા કરતાં ચડિયાતા ઈસુનું સાંભળીએ

‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારૂ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે સઘળી બાબતો વિષે તમારે તેનું સાંભળવું.’—પ્રે.કૃ. ૩:૨૨.

૧. દુનિયાના ઇતિહાસ પર ઈસુની કેવી અસર થઈ છે?

 બેહજાર વર્ષો પહેલાં ઈસુનો જન્મ થયો. સ્વર્ગમાં દૂતોએ યહોવાહનો જયજયકાર કર્યો, જે અમુક ભરવાડોએ પણ સાંભળ્યો. (લુક ૨:૮-૧૪) ત્રીસેક વર્ષ પછી, ઈસુના સાડા ત્રણ વર્ષના કામથી દુનિયાનો ઇતિહાસ બદલાઈ ગયો. ઇતિહાસકાર ફિલિપ શાફે ઈસુ વિષે કહ્યું: ‘તેણે પોતાના વિષે એકેય લીટી લખી નથી. પણ તેના વાણી-વર્તને ઘણા લેખકોને પુસ્તકો, ગીતો અને ભાષણો લખવા પ્રેરણા આપી છે. તેણે જાણે કે ઘણા કલાકારોને કામે લગાડી દીધા. આજ સુધીની મહાન વ્યક્તિઓને ભેગી કરીએ તો, તેઓ માટે પણ આટલું બધું થયું નથી.’

૨. યોહાને ઈસુ વિષે શું જણાવ્યું?

યોહાને ઈસુના જીવન વિષે ઘણું લખ્યું. તોપણ તેમણે છેલ્લે કહ્યું: “ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારૂં છું.” (યોહા. ૨૧:૨૫) ઈસુએ સાડા ત્રણ વર્ષમાં જે કામો કર્યાં, એમાંથી યોહાને જણાવેલા અમુક બનાવો પણ ઘણું શીખવે છે.

૩. ઈસુ વિષે વધારે જાણવા શું કરવું જોઈએ?

માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકો સિવાય પણ, બાઇબલ ઈસુ વિષે ઘણું જણાવે છે. જેમ કે બાઇબલ અમુક એવા ભક્તો વિષે જણાવે છે, જેઓ ઈસુ પહેલાં પૃથ્વી પર જીવી ગયા. તેઓના જીવન અને અહેવાલો ઈસુ વિષે ઘણું શીખવે છે. યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુની ભૂમિકા વિષે પણ તેઓ જણાવે છે. ચાલો જોઈએ.

ઈસુને રજૂ કરતા પહેલાંના ભક્તો

૪, ૫. અમુક કયા ભક્તોએ ઈસુને રજૂ કર્યા? કેવી રીતે?

માત્થી, માર્ક, લુક અને યોહાન જણાવે છે કે યહોવાહે ઈસુને રાજા તરીકે પસંદ કર્યા છે. તેઓએ એ પણ જણાવ્યું કે મુસા, દાઊદ અને સુલેમાન કઈ રીતે ઈસુને રજૂ કરતા હતા. ચાલો આપણે એ ભક્તોના જીવનમાંથી ઈસુ વિષે શીખીએ.

મુસા એક પ્રબોધક, મધ્યસ્થ અને છોડાવનાર હતા. ઈસુ પણ એવા જ છે. દાઊદ ઘેટાંપાળક અને રાજા હતા. તેમણે ઈસ્રાએલના દુશ્મનો પર જીત મેળવી. ઈસુ પણ યહોવાહના લોકોની સંભાળ રાખનાર અને વિજયી રાજા છે. (હઝકી. ૩૭:૨૪, ૨૫) યહોવાહને બેવફા બન્યા પહેલાં, સુલેમાન બુદ્ધિશાળી રાજા હતો. તેના રાજમાં લોકો સુખી હતા. (૧ રાજા. ૪:૨૫, ૨૯) ઈસુ તો સૌથી બુદ્ધિશાળી છે. તેમને ‘શાંતિના સરદાર’ પણ કહેવામાં આવે છે. (યશા. ૯:૬) આ બતાવે છે કે પહેલાંના એ ભક્તોએ અમુક રીતોએ ઈસુને રજૂ કર્યા. હવે ચાલો જોઈએ કે યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ કઈ રીતે મુસા કરતાં મહાન છે.

મુસાએ ઈસુ વિષે શું કહ્યું?

૬. પીતરે કઈ રીતે સમજાવ્યું કે ઈસુનું માનવું જ જોઈએ?

પેન્તેકોસ્ત ૩૩ના અમુક સમય પછી, પીતર અને યોહાન મંદિરમાં હતા. તેઓએ જન્મથી લંગડા એક માણસને ચાલતો કર્યો. એ જોઈને ‘બધા લોક બહુ નવાઈ પામ્યા.’ તેઓ એ જોવા દોડી ગયા કે શું થયું, કેવી રીતે થયું. પીતરે સમજાવ્યું કે એ તો ઈસુ દ્વારા આપવામાં આવેલી યહોવાહની શક્તિથી થયું હતું. પછી પીતરે ઈસુમાં પૂરી થયેલી એક ભવિષ્યવાણી જણાવી: “મુસાએ તો કહ્યું હતું, કે પ્રભુ દેવ તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારૂ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે સઘળી બાબતો વિષે તમારે તેનું સાંભળવું.”—પ્રે.કૃ. ૩:૧૧, ૨૨, ૨૩; પુનર્નિયમ ૧૮:૧૫, ૧૮, ૧૯ વાંચો.

૭. પીતરને સાંભળનારા તેમની વાત કેમ સહેલાઈથી સમજી શક્યા હશે?

પીતરને સાંભળનારા યહુદીઓ એ શબ્દોથી જાણકાર હતા. તેઓ મુસાને માન આપતા. (પુન. ૩૪:૧૦) તોયે તેઓ મુસા કરતાં મહાન પ્રબોધક આવવાની રાહ જોતા હતા. ખરું કે મુસા પ્રબોધક હતા. પણ યહોવાહના ‘ખ્રિસ્ત, એટલે તેમના પસંદ કરેલા’ ઈસુ જેવા બીજા કોઈ પ્રબોધક થયા નથી અને થશે પણ નહિ.—લુક ૨૩:૩૫; હેબ્રી ૧૧:૨૬.

ઈસુ અને મુસાની સરખામણી

૮. મુસા અને ઈસુમાં કેવી બાબતો મળતી આવે છે?

ઈસુનું પૃથ્વી પરનું જીવન અમુક રીતે મુસાને મળતું આવે છે. જેમ કે, બાળક તરીકે મુસા અને ઈસુ બંનેને જુલમી રાજાઓના હાથમાંથી બચાવવામાં આવ્યા. (નિર્ગ. ૧:૨૨–૨:૧૦; માથ. ૨:૭-૧૪) તેઓ બંનેને “મિસરમાંથી” બોલાવવામાં આવ્યા. હોશીઆ પ્રબોધકે જણાવ્યું: “ઈસ્રાએલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો.” (હોશી. ૧૧:૧) હોશીઆ અહીં કયા સમયની વાત કરે છે? એ સમયની જ્યારે યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને મિસરમાંથી આઝાદ કર્યા. (નિર્ગ. ૪:૨૨, ૨૩; ૧૨:૨૯-૩૭) હોશીઆએ ફક્ત એ બનાવની જ નહિ, આવનાર બનાવની પણ વાત કરી. એ કયો બનાવ હતો? એ બનાવ હતો જ્યારે હેરોદ મરણ પામ્યા પછી, યુસફ અને મરિયમ નાનકડા ઈસુ સાથે મિસરમાંથી પાછા ફર્યા.—માથ. ૨:૧૫, ૧૯-૨૩.

૯. (ક) મુસા અને ઈસુએ કેવા ચમત્કારો કર્યા હતા? (ખ) મુસા અને ઈસુ વચ્ચે બીજી કઈ બાબતો સરખી છે? (“ ઈસુ બીજી કઈ રીતે મુસા જેવા હતા?” ઉપરનું બૉક્સ જુઓ.)

મુસા અને ઈસુ બંનેએ ચમત્કારો કર્યા. એ બતાવતું હતું કે તેઓને યહોવાહનો સાથ હતો. બાઇબલ પ્રમાણે ચમત્કારો કરનાર સૌથી પહેલા માણસ મુસા હતા. (નિર્ગ. ૪:૧-૯) જેમ કે મુસાના કહેવાથી નાઇલ નદી અને તળાવોનાં પાણી લોહી થઈ ગયાં. રાતા સમુદ્રમાં માર્ગ થઈ ગયો. રણમાં ખડકમાંથી પાણી વહેવા માંડ્યું! (નિર્ગ. ૭:૧૯-૨૧; ૧૪:૨૧; ૧૭:૫-૭) ઈસુએ પણ એક લગ્‍નમાં પહેલો ચમત્કાર પાણીનો વાઇન બનાવીને કર્યો. (યોહા. ૨:૧-૧૧) ગાલીલના તોફાની સરોવરને પળવારમાં શાંત કર્યું. એક વાર તે પાણી પર ચાલ્યા! (માથ. ૮:૨૩-૨૭; ૧૪:૨૩-૨૫) મુસા અને ઈસુ વચ્ચે બીજી ઘણી બાબતો સરખી છે. એ ઉપરના  બૉક્સમાં જોવા મળે છે.

પ્રબોધક ઈસુ પાસેથી શીખીએ

૧૦. પ્રબોધકની જવાબદારી શું છે અને મુસાએ કઈ રીતે એમ જ કર્યું?

૧૦ મોટા ભાગના લોકો માને છે કે પ્રબોધક ભાવિ વિષે જણાવે છે. એ તો ખરું, પણ પ્રબોધકની જવાબદારી એનાથી પણ વધારે હોય છે. તે યહોવાહનો સંદેશો જણાવે છે. ‘યહોવાહનાં મોટાં કામો વિષે બોલે’ છે. (પ્રે.કૃ. ૨:૧૧, ૧૬, ૧૭) તે ભવિષ્યમાં યહોવાહના મકસદ વિષે અને તેમના ન્યાયચુકાદા વિષે જણાવે છે. મુસાએ એમ જ કર્યું. મિસર પર આવી પડેલી દસેદસ આફતો વિષે તેમણે પહેલેથી જણાવ્યું. સિનાઈ પર્વત પાસે યહોવાહનો નિયમ કરાર રજૂ કર્યો. લોકોને યહોવાહના મકસદ વિષે જણાવ્યું. જોકે મુસાથી પણ ચડિયાતા પ્રબોધક આવવાના હતા.

૧૧. ઈસુ કઈ રીતે મુસા કરતાં મહાન પ્રબોધક સાબિત થયા?

૧૧ પહેલી સદીમાં ઝખાર્યાહ પણ પ્રબોધક હતા. તેમણે પોતાના દીકરા યોહાન વિષે યહોવાહની ઇચ્છા જણાવી. (લુક ૧:૭૬) યોહાન બાપ્તિસ્મા આપનાર બન્યો. યોહાને એ પ્રબોધકની જાહેરાત કરી, જેની રાહ જોવાતી હતી. ઈસુ એ પ્રબોધક હતા. (યોહા. ૧:૨૩-૩૬) ઈસુએ ભાવિ વિષે ઘણું કહ્યું. પોતાના મરણ વિષે અગાઉથી જણાવ્યું. જેમ કે, કેવી રીતે તેમનું મરણ થશે, ક્યાં થશે, અને કોના હાથે માર્યા જશે. (માથ. ૨૦:૧૭-૧૯) ઈસુએ યરૂશાલેમ અને એના મંદિરના વિનાશ વિષે પણ પહેલેથી જણાવ્યું, જેની લોકોને નવાઈ લાગી હોઈ શકે. (માર્ક ૧૩:૧, ૨) અરે, ઈસુએ આપણા સમય વિષે પણ ઘણું જણાવ્યું.—માથ. ૨૪:૩-૪૧.

૧૨. (ક) આખી દુનિયામાં થનારા કામનો પાયો ઈસુએ કઈ રીતે નાખ્યો? (ખ) આપણે કઈ રીતે ઈસુને પગલે ચાલીએ છીએ?

૧૨ ઈસુ પ્રબોધક તો હતા જ, સાથે સાથે ઈશ્વરનો સંદેશો શીખવનાર પણ હતા. તેમણે જેટલી હિંમતથી એ કામ કર્યું, એવું કોઈએ નથી કર્યું. (લુક ૪:૧૬-૨૧, ૪૩) તેમના જેવા ગુરુ બીજા કોઈ નહિ. અમુક લોકોએ કહ્યું, “એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.” (યોહા. ૭:૪૬) યહોવાહના રાજ્ય વિષે શીખવવાની જેવી હોંશ ઈસુમાં હતી, એવી જ હોંશ તેમણે શિષ્યોમાં પણ કેળવી. તેમણે આખી દુનિયામાં થનારા કામનો પાયો નાખ્યો. (માથ. ૨૮:૧૮-૨૦; પ્રે.કૃ. ૫:૪૨) ગયા વર્ષે યહોવાહના રાજ્ય વિષે શીખવવાનું કામ કેટલી હદે થયું હતું? લગભગ સિત્તેર લાખ ભક્તોએ દોઢ અબજ જેટલા કલાક વાપર્યા હતા! શું તમે પણ એ કામ બને એટલી હોંશથી કરો છો?

૧૩. ‘સાવધ રહેવા’ આપણને શામાંથી મદદ મળે છે?

૧૩ યહોવાહે અગાઉથી કહ્યું હતું તેમ, મુસા જેવા પ્રબોધકને ઊભા કર્યા. એ જાણીને તમને કેવું લાગે છે? આપણા દિવસોની ભવિષ્યવાણીઓમાં પણ શું તમારી શ્રદ્ધા વધે છે? ઈસુના જીવન પર વિચાર કરીએ. એનાથી ભાવિ વિષે ‘જાગીને સાવધ રહેવા’ મદદ મળશે.—૧ થેસ્સા. ૫:૨,.

ઈસુ આપણા મધ્યસ્થ

૧૪. મુસા કઈ રીતે મધ્યસ્થ બન્યા?

૧૪ મુસાની જેમ ઈસુ પણ મધ્યસ્થ બન્યા. મધ્યસ્થ એટલે કે કોઈ પણ બે પાર્ટીને જોડનાર. યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને નિયમકરાર આપ્યો. એટલે મુસા મધ્યસ્થ બન્યા. યહોવાહના નિયમો પાળીને ઈસ્રાએલીઓ તેમની ખાસ પ્રજા બની રહ્યા હોત. (નિર્ગ. ૧૯:૩-૮) એ કરાર ઈસવીસન પૂર્વે ૧૫૧૩થી પહેલી સદી સુધી ચાલ્યો.

૧૫. ઈસુ કઈ રીતે ચડિયાતા મધ્યસ્થ છે?

૧૫ ૩૩મી સાલમાં યહોવાહે એનાથી પણ સારો કરાર કર્યો. એ કરાર સ્વર્ગમાં જનારા ૧,૪૪,૦૦૦ ભક્તો સાથે કર્યો, જેઓ બધી પ્રજામાંથી આવે છે. તેઓ ‘ઈશ્વરના ઈસ્રાએલ’ અથવા નવા ઈસ્રાએલ કહેવાય છે. (ગલા. ૬:૧૬) મુસા જેના મધ્યસ્થ હતા, એ કરાર યહોવાહે પથ્થરની શિલા પર લખ્યો. પણ ઈસુ જેના મધ્યસ્થ બન્યા, એ કરાર યહોવાહે જાણે કે મનુષ્યના દિલ પર લખ્યો. (૧ તીમોથી ૨:૫; હેબ્રી ૮:૧૦ વાંચો.) ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ તેમના રાજ્યનાં ‘ફળ આપતી પ્રજા’ બન્યા. યહોવાહનું ખાસ ધન બન્યા. (માથ. ૨૧:૪૩) તેઓ નવા કરારના મેમ્બર બન્યા. જોકે ફક્ત તેઓને જ એ કરારથી ફાયદો થતો નથી. બીજા કરોડોને થાય છે. અરે, જેઓ મોતની નીંદરમાં છે તેઓ પણ આ ચડિયાતા કરારના કાયમી આશીર્વાદો મેળવશે.

ઈસુ આપણા છોડાવનાર

૧૬. (ક) યહોવાહે મુસા દ્વારા લોકોને કઈ રીતે છોડાવ્યા? (ખ) નિર્ગમન ૧૪:૧૩ પ્રમાણે, લોકોના બચાવ પાછળ કોનો હાથ હતો?

૧૬ ઈસ્રાએલી લોકો મિસરમાંથી આઝાદ થયા, એની આગલી રાતે તેઓનું પહેલું સંતાન જોખમમાં હતું. યહોવાહનો દૂત મિસરના સર્વ પહેલા સંતાનને મારી નાખવાનો હતો. પણ યહોવાહે મુસાને જણાવ્યું કે લોકો પાસ્ખાપર્વના હલવાનનું રક્ત બારણાની બારસાખો અને ઓતરંગ પર છાંટે તો બચી જશે. એમ જ બન્યું. (નિર્ગ. ૧૨:૧-૧૩, ૨૧-૨૩) બીજી એક વાર બધાય ઈસ્રાએલીઓ ફરીથી જોખમમાં આવી પડ્યા. તેઓની આગળ રાતો સમુદ્ર અને પાછળ દુશ્મનો! એ વખતે પણ યહોવાહે મુસા દ્વારા સમુદ્રનાં પાણીમાંથી રસ્તો કર્યો.—નિર્ગ. ૧૪:૧૩, ૨૧.

૧૭, ૧૮. મુસા કરતાં ઈસુ કઈ રીતે મહાન બચાવનાર છે?

૧૭ એ બંને બનાવોમાં ઈસ્રાએલીઓનો મોટો બચાવ થયો. પણ ઈસુ દ્વારા યહોવાહ મનુષ્યનો વધારે મોટો બચાવ કરે છે. યહોવાહના કહેવા પ્રમાણે ચાલનાર દરેક જણ, પાપની જંજીરમાંથી આઝાદ થશે. (રૂમી ૫:૧૨, ૧૮) એ “સનાતન ઉદ્ધાર” હશે. (હેબ્રી ૯:૧૧, ૧૨) ઈસુ નામનો અર્થ થાય, “યહોવાહ બચાવનાર છે.” ઈસુ ફક્ત પાપમાંથી જ છોડાવનાર નથી, સુખી જીવનનો માર્ગ ખોલનાર પણ છે. તે આપણને યહોવાહ સાથે નાતો બાંધવા મદદ કરે છે. યહોવાહના કોપથી બચાવે છે.—માથ. ૧:૨૧.

૧૮ આખરે ઈસુ આપણને બીમારી અને મોતથી પણ બચાવશે. એ સમજવા એક દાખલો લઈએ. ઈસુ જ્યારે યાઐરસ નામના એક માણસના ઘરે પહોંચ્યા, ત્યારે તેની બાર વર્ષની દીકરી મરણ પામી હતી. ઈસુએ યાઐરસને કહ્યું: “બી મા; માત્ર વિશ્વાસ કર, એટલે તે સાજી થશે.” (લુક ૮:૪૧, ૪૨, ૪૯, ૫૦) ઈસુએ કહ્યું હતું તેમ જ, તેમણે છોકરીને જીવતી કરી! માબાપને કેવું લાગ્યું હશે, એ જરા વિચારો. આપણને પણ એવું જ લાગશે, જ્યારે ગુજરી ગયેલા “સર્વ તેની [ઈસુની] વાણી સાંભળશે.” તેઓને ઈસુ સજીવન કરશે! (યોહા. ૫:૨૮, ૨૯) કેવું સારું કે ઈસુ આપણા બચાવનાર છે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૧ વાંચો; તીત. ૧:૪; પ્રકટી. ૭:૧૦.

૧૯, ૨૦. (ક) ઈસુ વિષે શીખીને તમને કેવું લાગે છે? (ખ) હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૧૯ ઈસુ આપણા મહાન બચાવનાર છે. એના આશીર્વાદ મેળવવા બીજાને પણ તેમના વિષે હોંશથી શીખવીએ. (યશા. ૬૧:૧-૩) મુસા કરતાં ઈસુ અનેક રીતે ચડિયાતા છે. આપણને પૂરી ખાતરી છે કે તે દુષ્ટોનો વિનાશ કરશે, ત્યારે યહોવાહના ભક્તોનો બચાવ કરશે.—માથ. ૨૫:૩૧-૩૪, ૪૧, ૪૬; પ્રકટી. ૭:૯, ૧૪.

૨૦ ઈસુએ એવા અનેક ચમત્કાર કર્યા, જે મુસા કદીયે કરી શક્યા ન હોત. પ્રબોધક તરીકે ઈસુના જીવનની અસર બધાને થાય છે. તે થોડો સમય માટે જ નહિ, કાયમ માટેના આશીર્વાદો લાવે છે. ઈસુ વિષે પહેલાંના ભક્તો પાસેથી આપણે હજુ ઘણું શીખવાનું છે. હવે પછીનો લેખ બતાવશે કે ઈસુ કઈ રીતે દાઊદ અને સુલેમાન કરતાં ચડિયાતા છે. (w09 4/15)

આ સવાલોનો વિચાર કરો

• ઈસુ કઈ રીતે મુસા કરતાં મહાન પ્રબોધક છે?

• મુસા કરતાં ઈસુ કઈ રીતે ચડિયાતા મધ્યસ્થ છે?

• કઈ રીતે ઈસુ મુસા કરતાં મહાન રીતે છોડાવનાર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર બોક્સ/ચિત્ર]

  ઈસુ બીજી કઈ રીતે મુસા જેવા હતા?

◻ યહોવાહ અને તેમના લોકોની સેવા કરવા, બંનેએ ઊંચી પદવીઓ છોડી.​૨ કોરીં. ૮:૯; ફિલિ. ૨:૫-૮; હેબ્રી ૧૧:૨૪-૨૬.

◻ યહોવાહે તેઓને પસંદ કર્યા.​માર્ક ૧૪:૬૧, ૬૨; યોહા. ૪:૨૫, ૨૬; હેબ્રી ૧૧:૨૬.

◻ તેઓ યહોવાહને નામે આવ્યા.​નિર્ગ. ૩:૧૩-૧૬; યોહા. ૫:૪૩; ૧૭:૪, ૬, ૨૬.

◻ બંને બહુ જ નમ્ર હતા.​ગણ. ૧૨:૩; માથ. ૧૧:૨૮-૩૦.

◻ બંનેએ મોટા ટોળાને જમાડ્યા.​નિર્ગ. ૧૬:૧૨; યોહા. ૬:૪૮-૫૧.

◻ તેઓએ ન્યાય કર્યો અને નિયમો આપ્યા.​નિર્ગ. ૧૮:૧૩; માલા. ૪:૪; યોહા. ૫:૨૨, ૨૩; ૧૫:૧૦.

◻ બંનેને યહોવાહના ઘરનો કારભાર સોંપાયો.​ગણ. ૧૨:૭; હેબ્રી ૩:૨-૬.

◻ તેઓને યહોવાહના વિશ્વાસુ ભક્તો ગણવામાં આવ્યા.​હેબ્રી ૧૧:૨૪-૨૯; ૧૨:૧; પ્રકટી. ૧:૫.

◻ તેઓનાં શબ કોઈને મળે નહિ, એવો ચમત્કાર યહોવાહે કર્યો.​પુન. ૩૪:૫, ૬; લુક ૨૪:૧-૩; પ્રે.કૃ. ૨:૩૧; ૧ કોરીં. ૧૫:૫૦; યહુ. ૯.