સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“સેવા કરનારા” સ્વર્ગદૂતો

“સેવા કરનારા” સ્વર્ગદૂતો

“સેવા કરનારા” સ્વર્ગદૂતો

“શું તેઓ સર્વે સેવા કરનારા આત્મા [સ્વર્ગદૂતો] નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારૂ બહાર મોકલી દેવામાં આવ્યા નથી?”—હેબ્રી ૧:૧૪.

૧. માત્થી ૧૮:૧૦ અને હેબ્રી ૧:૧૪ શું બતાવે છે?

 ઈસુએ ચેતવણી આપી કે “સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો [ધિક્કારો], કેમકે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના બાપનું મોં સદા જુએ છે.” (માથ. ૧૮:૧૦) પાઊલે પણ સ્વર્ગદૂતો વિષે કહ્યું: “શું તેઓ સર્વે સેવા કરનારા આત્મા [સ્વર્ગદૂતો] નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારૂ બહાર મોકલી દેવામાં આવ્યા નથી?” (હેબ્રી ૧:૧૪) એ શબ્દો બતાવે છે કે યહોવાહ આપણને મદદ કરવા સ્વર્ગદૂતોને મોકલે છે. બાઇબલ તેઓ વિષે શું જણાવે છે? તેઓ કઈ રીતે મદદ કરે છે? આપણે તેઓ પાસેથી શું શીખીએ છીએ?

૨, ૩. સ્વર્ગદૂતો કયા ગ્રૂપોમાં વહેંચાયેલા છે? તેઓ કઈ સેવા આપે છે?

સ્વર્ગમાં કરોડો દૂતો છે. તેઓ “બળમાં પરાક્રમી અને યહોવાહનું વચન પાળનારા” છે. (ગીત. ૧૦૩:૨૦; પ્રકટીકરણ ૫:૧૧ વાંચો.) તેઓ રોબોટ જેવા નથી, પણ પોતાની મરજી પ્રમાણે નિર્ણય લઈ શકે છે. દરેકને પોતાની ખૂબી છે, યહોવાહ જેવા ગુણો છે. સ્વર્ગદૂતો જુદા જુદા ગ્રૂપમાં વહેંચાયેલા છે. ઈસુ સ્વર્ગમાં મીખાએલ કહેવાય છે. તે મુખ્ય સ્વર્ગદૂત છે. (દાની. ૧૦:૧૩; યહુ. ૯) યહોવાહે ઈસુને ‘સૃષ્ટિમાં પ્રથમ’ ઉત્પન્‍ન કર્યા. તે યહોવાહના “શબ્દ” કે તેમના માટે બોલનાર છે. તેમના દ્વારા બીજું બધુંય ઉત્પન્‍ન થયું.—કોલો. ૧:૧૫-૧૭; યોહા. ૧:૧-૩.

સ્વર્ગદૂતોનું એક ગ્રૂપ સરાફો કહેવાય છે. તેઓ યહોવાહના રાજ્યાસનની આસપાસ સેવા આપે છે અને જાહેર કરે છે કે તે પવિત્ર છે. યહોવાહના લોકોને શુદ્ધ રીતે ભક્તિ કરવા મદદ પણ કરે છે. બીજા એક ગ્રૂપને કરૂબો કહેવાય છે. યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે, એને તેઓ ટેકો આપે છે. (ઉત. ૩:૨૪; યશા. ૬:૧-૩, ૬, ૭) ત્રીજું ગ્રૂપ સંદેશો આપનારા દૂતો છે. તેઓ યહોવાહની ઇચ્છા પૂરી કરવા જાતજાતનાં કામ કરે છે.—હેબ્રી ૧૨:૨૨, ૨૩.

૪. પૃથ્વીનો પાયો નંખાયો ત્યારે દૂતોએ શું કર્યું? આદમ અને હવા યહોવાહના કહેવા પ્રમાણે ચાલ્યા હોત તો શું બન્યું હોત?

‘પૃથ્વીના પાયા નંખાયા’ ત્યારે, સ્વર્ગદૂતો ખુશીથી ઝૂમી ઊઠ્યા. પૃથ્વીની રચના થઈ તેમ, સ્વર્ગદૂતોએ પોતાને સોંપેલું કામ ખુશીથી કર્યું. (અયૂ. ૩૮:૪, ૭) યહોવાહે મનુષ્યને ‘દૂતો કરતાં થોડો ઊતરતો’ બનાવ્યો. તેમ છતાં, તેમણે તેને ‘પોતાની પ્રતિમા પ્રમાણે’ ઉત્પન્‍ન કર્યો. એટલા માટે મનુષ્ય તેમના જેવા ગુણો કેળવી શકે છે. (હેબ્રી ૨:૭; ઉત. ૧:૨૬) આદમ અને હવાને પોતાની મરજી પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપી. તેઓ યહોવાહના કહેવા પ્રમાણે ચાલ્યા હોત તો, આજે પણ પોતાના કુટુંબ સાથે સુખેથી જીવતા હોત. સ્વર્ગમાં અને પૃથ્વી પર બધા સંપીને રહેતા હોત.

૫, ૬. સ્વર્ગમાં શું બન્યું? એના લીધે યહોવાહે શું કર્યું?

અફસોસ કે દૂતોમાંથી એકને યહોવાહની ભક્તિ કરવી ન હતી. બધા તેની ભક્તિ કરે એવી ઇચ્છા તેના મનમાં ઘર કરી ગઈ. તેણે વિશ્વ પર રાજ કરવાના યહોવાહના હક્ક સામે ચેલેંજ ફેંકી. તે શેતાન, એટલે કે ઈશ્વર સામે બળવો કરનાર બન્યો. એ જોઈને બીજા બધા સ્વર્ગદૂતોને કેટલું દુઃખ થયું હશે! શેતાને જૂઠું બોલીને આદમ અને હવાને છેતર્યા. તેઓ પણ શેતાનની જેમ પોતાના સર્જનહારની સામે થયા.—ઉત. ૩:૪, ૫; યોહા. ૮:૪૪.

યહોવાહે સૌથી પહેલી ભવિષ્યવાણી કરીને, શેતાનને આ સજા ફટકારી: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત. ૩:૧૫) આ સ્ત્રી એટલે સ્વર્ગદૂતોથી બનેલું યહોવાહનું સંગઠન. એની અને શેતાનની વચ્ચે દુશ્મનાવટ ચાલતી જ આવે છે. યહોવાહની ઇચ્છા પ્રમાણે સ્વર્ગના સંગઠનમાંથી કોઈ એક દૂત, બળવો કરનારા સર્વનો નાશ કરશે. તેના દ્વારા ‘સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં’ એક કરાશે. (એફે. ૧:૮-૧૦) યહોવાહે પોતાની “ઇચ્છાનો મર્મ” ધીમે ધીમે પ્રગટ કર્યો. એ ભવિષ્યવાણી સ્વર્ગદૂતો અને મનુષ્યો માટે આશા આપે છે.

૭. નુહના દિવસોમાં અમુક દૂતોએ શું કર્યું? એના લીધે શું બન્યું?

નુહના સમયમાં અમુક દૂતોએ “પોતાનું સ્થાન છોડી દીધું.” તેઓએ સ્વાર્થી બનીને, માણસનું રૂપ લીધું અને વાસના સંતોષવા પૃથ્વી પર આવ્યા. (યહુ. ૬; ઉત. ૬:૧-૪) તેઓને એવા અંધકારમાં ધકેલી દેવામાં આવ્યા, જ્યાં યહોવાહનું જ્ઞાન ન મળે. તેઓ શેતાન જેવા બન્યા. એ ‘દુષ્ટતાનાં આત્મિક લશ્કરો’ યહોવાહના ભક્તોના કટ્ટર દુશ્મનો છે.—એફે. ૬:૧૧-૧૩; ૨ પીત. ૨:૪.

દૂતો કઈ રીતે મદદ કરે છે?

૮, ૯. યહોવાહે દૂતો દ્વારા ભક્તોને કઈ રીતે મદદ કરી છે?

સ્વર્ગદૂતોએ ઘણા ભક્તોને મદદ કરી છે. જેમ કે ઈબ્રાહીમ, યાકૂબ, મુસા, યહોશુઆ, યશાયાહ, દાનીયેલ, ઈસુ, પીતર, યોહાન અને પાઊલ. તેઓએ ભવિષ્યવાણીઓ અને માર્ગદર્શન પણ આપ્યા. મુસા દ્વારા આપવામાં આવેલા નિયમો રજૂ કરવામાં મદદ કરી. દૂતોએ યહોવાહના ન્યાયચુકાદા પ્રમાણે સજા પણ કરી. (૨ રાજા. ૧૯:૩૫; દાની. ૧૦:૫, ૧૧, ૧૪; પ્રે.કૃ. ૭:૫૩; પ્રકટી. ૧:૧) આજે આપણી પાસે આખું બાઇબલ છે. એટલે કદાચ દૂતો પહેલાની જેમ યહોવાહનો સંદેશો આપવા આવતા નથી. (૨ તીમો. ૩:૧૬, ૧૭) ભલે આપણે દૂતોને જોઈ નથી શકતા, પણ તેઓ મદદ કરે છે. તેઓ યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં બીઝી છે.

બાઇબલ જણાવે છે કે “યહોવાહના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.” (ગીત. ૩૪:૭; ૯૧:૧૧) આપણી ભક્તિ વિષે શેતાને શંકા ઉઠાવી. એટલે યહોવાહ તેને આપણા પર કસોટીઓ લાવવા દે છે. (લુક ૨૧:૧૬-૧૯) પરંતુ, કસોટીમાં આપણી વફાદારી ક્યારે સાબિત થઈ જાય છે, એ યહોવાહ જાણે છે. (૧ કોરીંથી ૧૦:૧૩ વાંચો.) યહોવાહના કહેવાથી આપણને મદદ કરવા દૂતો તૈયાર જ હોય છે. તેઓએ શાદ્રાખ, મેશાખ, અબેદનગો, દાનીયેલ અને પીતરને બચાવી લીધા. પણ સ્તેફન અને યાકૂબને મારી નાખતા દુશ્મનોને રોક્યા નહિ. (દાની. ૩:૧૭, ૧૮, ૨૮; ૬:૨૨; પ્રે.કૃ. ૭:૫૯, ૬૦; ૧૨:૧-૩, ૭, ૧૧) નાઝી જમાનામાં હિટલરના હાથે અમુક ભાઈ-બહેનો માર્યા ગયા. જ્યારે કે મોટા ભાગનાને યહોવાહે બચાવી લીધા. એ બતાવે છે કે દરેક કિસ્સો જુદો જુદો હોય છે.

૧૦. દૂતો સિવાય, બીજી કઈ રીતે યહોવાહ મદદ કરે છે?

૧૦ બાઇબલ એવું શીખવતું નથી કે દરેકનો પોતાનો એક દૂત છે, જે રક્ષણ આપે છે. યહોવાહ દૂતો સિવાય બીજી ઘણી રીતે મદદ કરે છે. બાઇબલ કહે છે કે ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.’ (૧ યોહા. ૫:૧૪) કોઈ તકલીફ ‘દેહમાંના કાંટાની’ જેમ ખૂંચતી હોય, જાણે ‘શેતાનના દૂતની’ જેમ હેરાન કરતી હોય. (૨ કોરીં. ૧૨:૭-૧૦; ૧ થેસ્સા. ૫:૧૪) યહોવાહ એવા વખતે મંડળના કોઈ ભાઈ-બહેન દ્વારા મદદ કે દિલાસો આપે. અથવા તો દોરવણી આપે, જેનાથી હિંમત મળે.

ઈસુ જેવા બનીએ

૧૧. દૂતોએ કઈ રીતે ઈસુને મદદ કરી? યહોવાહને વળગી રહીને ઈસુએ શું સાબિત કરી આપ્યું?

૧૧ ઈસુના જીવનમાં દૂતોએ કેવો ભાગ ભજવ્યો? દૂતોએ તેમના જન્મની ખુશખબર આપી. તે સજીવન થયા એ પણ જણાવ્યું. જરૂર પડી ત્યારે તેમને મદદ કરી. અરે દુશ્મનોએ ઈસુને પકડ્યા ત્યારે, સ્વર્ગદૂતો તેઓને અટકાવી શક્યા હોત. એના બદલે, ઈસુને હિંમત આપવા યહોવાહે એક દૂતને મોકલ્યો. (લુક ૨:૮-૧૧; ૨૨:૪૩; ૨૪:૪-૭) યહોવાહના ન્યાયના ધોરણ પ્રમાણે, ઈસુએ પોતાનું જીવન અર્પણ કર્યું. ઈસુએ શેતાનને સો ટકા સાબિત કરી આપ્યું કે ભલે કોઈ પણ કસોટી આવે, સાચા ભક્તો યહોવાહને છોડશે નહિ. એટલે યહોવાહે ઈસુને અવિનાશી જીવન આપ્યું. તેમને “સર્વ અધિકાર” આપ્યો. બધાય સ્વર્ગદૂતો તેમના હાથમાં સોંપ્યા. (માથ. ૨૮:૧૮; પ્રે.કૃ. ૨:૩૨; ૧ પીત. ૩:૨૨) તે યહોવાહના સંગઠનના ‘સંતાનનો’ મુખ્ય ભાગ બન્યા.—ઉત. ૩:૧૫; ગલા. ૩:૧૬.

૧૨. આપણે કઈ રીતે ઈસુ જેવા બનવું જોઈએ?

૧૨ ઈસુ જાણતા હતા કે જાણીજોઈને કોઈ જોખમ માથે લે તો, યહોવાહ નહિ બચાવે. એ તો તેમની કસોટી કરેલી કહેવાય. (માત્થી ૪:૫-૭ વાંચો.) ચાલો આપણે પણ જાણીજોઈને કોઈ જોખમ ન લઈએ. તોપણ કસોટી આવે ત્યારે ડરી ડરીને ન રહીએ. ઈસુની જેમ જે કંઈ કરીએ “ઠાવકાઈથી,” સમજી-વિચારીને કરીએ.—તીત. ૨:૧૨.

સ્વર્ગદૂતો પાસેથી શીખીએ

૧૩. દૂતો વિષે ૨ પીતર ૨:૯-૧૧ શું શીખવે છે?

૧૩ સ્વર્ગમાં જનારા વિષે “નિંદા” કરનારાને પીતરે ઠપકો આપ્યો. તેમણે દૂતોનો દાખલો આપ્યો. દૂતો તો ઘણા શક્તિશાળી છે. તોપણ, તેઓને ‘પ્રભુ’ યહોવાહ માટે માન હોવાથી, કોઈની નિંદા કરીને દોષ મૂકતા નથી. (૨ પીતર ૨:૯-૧૧ વાંચો.) સ્વર્ગદૂતોની જેમ, આપણે પણ કોઈના પર દોષ ન મૂકીએ અને નિંદા ન કરીએ. મંડળમાં આગેવાની લેનારા ભાઈઓ વિષે જેમ-તેમ ન બોલીએ. જે બને એ યહોવાહના હાથમાં છોડીએ. તે જ ખરો ઇન્સાફ કરશે.—રૂમી ૧૨:૧૮, ૧૯; હેબ્રી ૧૩:૧૭.

૧૪. કઈ રીતે દૂતોની નમ્રતા દેખાઈ આવે છે?

૧૪ સ્વર્ગદૂતો બહુ નમ્ર છે. અમુક દૂતોએ પોતાના નામ જણાવવાનો ઇન્કાર કર્યો. (ઉત. ૩૨:૨૯; ન્યા. ૧૩:૧૭, ૧૮) સ્વર્ગમાં કરોડો દૂતો છે. તોયે બાઇબલ ફક્ત બે દૂતોના જ નામ જણાવે છે, મીખાએલ અને ગાબ્રીએલ. એમ હોવાથી આપણે કોઈ પણ દૂતને વધારે પડતું માન આપવા ન માંડીએ. (લુક ૧:૨૬; પ્રકટી. ૧૨:૭) યોહાન જ્યારે દૂતને પગે પડ્યા, ત્યારે આ સલાહ મળી: ‘જોજે, એમ ન કર; હું તો તારો તથા તારા ભાઈઓનો દાસ છું.’ (પ્રકટી. ૨૨:૮, ૯) આપણે ફક્ત યહોવાહને જ નમીએ, તેમને જ પ્રાર્થના કરીએ.—માત્થી ૪:૮-૧૦ વાંચો.

૧૫. ધીરજ રાખવામાં દૂતો કેવો દાખલો બેસાડે છે?

૧૫ સ્વર્ગદૂતો બહુ ધીરજ બતાવે છે. તેઓ યહોવાહના મકસદની બધી જ વિગતો જાણતા નથી. તોપણ, તેઓ ‘તે બાબતોની વધારે જાણ મેળવવાની ઇચ્છા રાખે છે.’ (૧ પીત. ૧:૧૨) એ માટે તેઓ શું કરે છે? ‘ઈશ્વરનું જ્ઞાન મંડળી દ્વારા જણાય,’ એની ધીરજથી રાહ જુએ છે.—એફે. ૩:૧૦, ૧૧.

૧૬. આપણા વાણી-વર્તનની દૂતો પર કેવી અસર થાય છે?

૧૬ કસોટીમાં આપણે ‘દૂતોની તથા માણસોની નજરે તમાશાના જેવા થઈએ છીએ.’ (૧ કોરીં. ૪:૯) આપણે યહોવાહને વળગી રહીએ ત્યારે, દૂતોને ઘણો જ સંતોષ થાય છે. કોઈ પાપી પસ્તાવો કરે ત્યારે, દૂતોમાં આનંદ થાય છે. (લુક ૧૫:૧૦) દૂતો મંડળની બહેનોના વાણી-વર્તન પણ જુએ છે. બાઇબલ કહે છે કે “દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ.” (૧ કોરીંથી ૧૧:૩, ૧૦, કોમન લેંગ્વેજ) એ રીતે બધાય ભક્તો યહોવાહને આધીન રહે છે, એ જોઈને દૂતો ઘણા ખુશ થાય છે. તેઓ માટે એ સારો દાખલો છે.

સંદેશો ફેલાવવામાં દૂતોનો સાથ

૧૭, ૧૮. ઈશ્વરનો સંદેશો ફેલાવવા દૂતો કઈ રીતે મદદ કરે છે?

૧૭ “પ્રભુને દહાડે” બનતા બનાવોમાં દૂતોનો પણ હાથ છે. જેમ કે ૧૯૧૪માં યહોવાહનું રાજ્ય શરૂ થયું. પછી, “મીખાએલ તથા તેના દૂતો” મળીને, શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી નીચે ફેંકી દીધા. (પ્રકટી. ૧:૧૦; ૧૧:૧૫; ૧૨:૫-૯) યોહાને ‘એક દૂતને આકાશમાં ઊડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી; તે મોટે સાદે કહે છે, કે ઈશ્વરથી બીહો ને તેને મહિમા આપો; કેમકે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે; અને જેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યાં, તેની આરાધના કરો.’ (પ્રકટી. ૧૪:૬, ૭) એટલે આપણે યહોવાહનો સંદેશો ફેલાવીએ તેમ, દૂતોની મદદની પૂરી ગેરંટી છે. શેતાન ગમે એટલા ધમપછાડા કરે, આપણું કંઈ બગાડી શકવાનો નથી.—પ્રકટી. ૧૨:૧૩, ૧૭.

૧૮ એક સ્વર્ગદૂતે ફિલિપ સાથે વાત કરી. તેને હબશી ખોજા પાસે મોકલ્યો. (પ્રે.કૃ. ૮:૨૬-૨૯) ખરું કે આજે દૂતો એ રીતે આપણને દોરતા નથી. તોપણ ઘણા અનુભવો બતાવે છે કે દૂતો ઈશ્વરનો સંદેશો ફેલાવવા મદદ કરે છે. જેઓ એ સાંભળવા તરસે છે, તેઓ પાસે આપણને દોરે છે. * (પ્રે.કૃ. ૧૩:૪૮) ચાલો ઈશ્વરનો સંદેશો જણાવવા આપણે બનતું બધું જ કરીએ. આમ, જેઓ પૂરા દિલથી યહોવાહને ભજવા ચાહે છે, તેઓને શોધી શકીએ.—યોહા. ૪:૨૩, ૨૪.

૧૯, ૨૦ “જગતને અંતે” બનતા કેવા બનાવોમાં દૂતો ભાગ લે છે?

૧૯ ઈસુએ કહ્યું કે “જગતને અંતે” દૂતો “ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે.” (માથ. ૧૩:૩૭-૪૩, ૪૯) સ્વર્ગમાં જનારા બાકીના ભાઈ-બહેનોને ભેગા કરીને મહોર મારવાનું કામ પણ દૂતો કરે છે. (માત્થી ૨૪:૩૧ વાંચો; પ્રકટી. ૭:૧-૩) ઈસુ “ઘેટાંને બકરાંથી જુદાં પાડે” ત્યારે પણ, દૂતો તેમની સાથે હશે.—માથ. ૨૫:૩૧-૩૩, ૪૬.

૨૦ “પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે” આવશે. એ વખતે ‘જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.’ (૨ થેસ્સા. ૧:૬-૧૦) યોહાને એવા જ બનાવનું સંદર્શન જોયું. ઈસુ અને દૂતોના સૈન્યને સફેદ ઘોડા પર જોયા. તેઓ ઇન્સાફનું યુદ્ધ લડવા નીકળ્યા હતા.—પ્રકટી. ૧૯:૧૧-૧૪.

૨૧. જે દૂતના ‘હાથમાં ઊંડાણની ચાવી અને મોટી સાંકળ છે,’ તે શું કરે છે?

૨૧ બીજા એક સંદર્શનમાં યોહાને “એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેની પાસે ઊંડાણની કૂંચી [ચાવી] હતી, અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી.” એ દૂત મીખાએલ કે ઈસુ છે. તે શેતાનને બાંધીને, તેના ચેલાઓ સાથે ઊંડાણમાં નાખી દેશે. ઈસુના હજાર વર્ષના રાજના અંતે, તેઓ થોડી વાર માટે છૂટા કરાશે. પછી બધી રીતે સંપૂર્ણ મનુષ્યોની આખરી કસોટી થશે. એ પછીથી શેતાન અને તેને ઇશારે નાચનારા બધાનો કાયમ માટે નાશ થશે. (પ્રકટી. ૨૦:૧-૩, ૭-૧૦; ૧ યોહા. ૩:૮) આમ યહોવાહ સામે થનારા સર્વનો અંત આવશે!

૨૨. જલદી જ બનનારા બનાવોમાં દૂતો શું કરશે? આપણને એના વિષે કેવું લાગે છે?

૨૨ શેતાનની દુનિયાનો અંત જલદી જ આવશે. એના પછી સુખનો સૂરજ ઊગશે. યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે, એ સાબિત થઈ જશે. તેમણે પૃથ્વી અને મનુષ્યને આપેલા આશીર્વાદો સફળ થશે જ. એ બધામાં સ્વર્ગદૂતોનો મોટો ભાગ હશે. એ “સેવા કરનારા” દૂતો “તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારૂ” મોકલાયા છે.  એ દૂતો આપણને મદદ કરે છે, જેથી આપણે યહોવાહની ભક્તિ કરીએ અને અમર જીવન પામીએ. યહોવાહનો કેટલો મોટો અહેસાન! (w09 5/15)

[ફુટનોટ્‌સ]

ચાલો સમજાવીએ

• દૂતો કયા ગ્રૂપોમાં વહેંચાયેલા છે? તેઓ કઈ સેવા આપે છે?

• નુહના જમાનામાં અમુક દૂતોએ શું કર્યું હતું?

• યહોવાહ દૂતો દ્વારા આપણને કઈ રીતે મદદ કરે છે?

• આજે સ્વર્ગદૂતો શામાં બીઝી છે?

[પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાહનો મકસદ પૂરો કરતા દૂતોને આનંદ થાય છે

[પાન ૨૫ પર ચિત્ર]

દાનીયેલના કિસ્સામાં કર્યું એમ, યહોવાહની ઇચ્છા પૂરી કરવા દૂતો હંમેશાં તૈયાર હોય છે

[પાન ૨૬ પર ચિત્ર]

ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવીએ, દૂતો આપણી સાથે છે

[પાન ૨૬ પર ક્રેડીટ લાઈન]

પૃથ્વી: NASA photo