સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર પોતાના વિચારો બદલે છે?

શું ઈશ્વર પોતાના વિચારો બદલે છે?

શું ઈશ્વર પોતાના વિચારો બદલે છે?

આપણે એવા લોકોને જોયા હશે, જેઓ વારંવાર પોતાના વિચારો બદલતા હોય છે. આવા લોકોને ખુશ કરવા કે પછી તેઓ પર ભરોસો રાખવો મુશ્કેલ હોય છે. શું ઈશ્વર પણ એવા જ છે? ના. બાઇબલ કહે છે કે ‘તે કદી બદલાતા નથી. તે સદાય એ જ રહે છે.’ ઈશ્વર પોતે પણ કહે છે કે “હું યહોવા, ફરી જતો નથી.”—યાકૂબ ૧:૧૭; માલાખી ૩:૬, ઇઝી ટુ રીડ વર્શન.

તેમ છતાં અમુક બાઇબલ વાચકોને લાગે છે કે ઈશ્વરના વિચારો બદલાયા કરે છે. દાખલા તરીકે, એક સમયે યહોવાહે પોતાના ભક્તોને ચમત્કાર કરવાની શક્તિ આપી હતી. પણ આજે એમ કરતા નથી. જૂના જમાનામાં યહોવાહના અમુક ભક્તોને એકથી વધારે પત્ની હતી. પણ આજે એમ કરવાની મનાઈ છે. મુસાને આપેલા નિયમમાં યહોવાહે સાબ્બાથ પાળવાનું કહ્યું હતું. પણ આજે એ પાળવાની જરૂર નથી. શું એનો અર્થ એમ થાય કે યહોવાહ બદલાયા છે?

યહોવાહના પ્રેમ અને ન્યાય માટેના સિદ્ધાંતો કદીયે બદલાતા નથી. મનુષ્યોને પોતાના રાજ્ય દ્વારા આશીર્વાદ આપવાનો તેમનો ‘સંકલ્પ સનાતન કાળથી’ એ જ રહ્યો છે. (એફેસી ૩:૧૦) પણ સંજોગો બદલાય ત્યારે યહોવાહ થોડા ફેરફારો કરે છે. એ એના જેવું છે કે જો એક વ્યક્તિ હંમેશાં ખોટું કરતી હોય, તો તમારો ભરોસો એના પરથી ઊઠી જશે અને એના માટે તમારા વિચારો બદલાશે.

ઈશ્વર પોતાના લોકોના સંજોગો અને જરૂરિયાતો પ્રમાણે માર્ગદર્શનમાં થોડા-ઘણા ફેરફાર કરે છે. એ સમજવા ચાલો આપણે એક ટૂર-ગાઇડનો દાખલો લઈએ. જો તેને ખબર પડે કે આગળ રસ્તામાં કંઈ ખતરો છે, તો તે પોતાની ટૂરના લોકોને બીજા રસ્તેથી લઈ જશે. આનો મતલબ એ નથી કે ટૂર-ગાઇડ ટૂરના લોકોને જોવાલાયક સ્થળ છે, ત્યાં નહિ લઈ જાય. પણ તે સલામત રસ્તો પસંદ કરીને, તેઓને ત્યાં લઈ જશે. આ ધ્યાનમાં રાખતા, આગળ ઉઠાવેલી ત્રણ શંકા વિષે સમજણ મેળવીશું અને જોઈશું કે કેવી રીતે યહોવાહે ફેરફાર કરીને પોતાના લોકોનું ભલું કર્યું છે.

આજે ચમત્કારો કેમ નથી થતા?

ઈશ્વરે શા માટે પહેલી સદીના શિષ્યોને ચમત્કાર કરવાની શક્તિ આપી હતી? એ સમજવા ઈસ્રાએલી પ્રજાનો વિચાર કરો. ઈસ્રાએલીઓ યહોવાહની પસંદ કરાયેલી પ્રજા હતી. ઈશ્વરે ઘણા ચમત્કારો કરીને બતાવ્યું કે તે તેમની સાથે છે. ઈશ્વરે મુસા દ્વારા મોટા મોટા ચમત્કારો કરીને ઈસ્રાએલી લોકોને મિસરમાંથી છોડાવ્યા. તેઓને અરણ્યમાંથી દોરીને વચનના દેશમાં પહોંચાડ્યા. પણ દુઃખની વાત છે કે આ ઈસ્રાએલીઓએ ઈશ્વરમાં ભરોસો મૂક્યો નહિ. એટલે આખરે ઈશ્વરે ઈસ્રાએલીઓ પરથી કૃપા લઈ લીધી. સમય જતાં એ ખ્રિસ્તી મંડળને આપી. ઈશ્વરે પહેલી સદીના પ્રેરિતો અને બીજાઓને ચમત્કાર કરવાની શક્તિ પણ આપી. દાખલા તરીકે, પ્રેરિત પીતર અને યોહાને જન્મથી લંગડા એક માણસને સાજો કર્યો. પાઊલે ગુજરી ગયેલા માણસને સજીવન કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૨-૮; ૨૦:૯-૧૧) શિષ્યોએ જે ચમત્કારો કર્યા, એનાથી યહોવાહની ભક્તિ જુદા જુદા દેશો ફેલાઈ. તો પછી સવાલ થાય કે આજે ચમત્કાર કેમ નથી થતા?

એનો જવાબ પાઊલ આ ઉદાહરણથી આપે છે: “જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો; પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.” (૧ કોરીંથી ૧૩:૧૧) જેમ કે, કોઈ મમ્મી-પપ્પા પોતાનું બાળક નાનું હોય ત્યારે જે રીતે તેની સાથે વર્તે, એ જ રીતે તે યુવાન થાય ત્યારે નહિ વર્તે. એવી જ રીતે મંડળની શરૂઆત થઈ ત્યારે, યહોવાહ તેમના ભક્તોની સાથે અલગ રીતે વર્ત્યા. મંડળમાં વધારો થયો તેમ તે ભક્તોની સાથે અલગ રીતે વર્ત્યા. પાઊલે પણ સમજાવ્યું કે ચમત્કારો કરવાની, અલગ અલગ ભાષાઓ બોલવાની અને ભવિષ્ય જણાવવાની શક્તિ “જતી રહેશે.”—૧ કોરીંથી ૧૩:૮.

એક જમાનામાં કેમ વધારે પત્નીઓ રાખી શકાતી?

ઈશ્વરે લગ્‍ન માટે જે સિદ્ધાંત બાંધ્યો છે, એ વિષે જણાવતા ઈસુએ કહ્યું, “માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બન્‍ને એક દેહ થશે.” (માત્થી ૧૯:૫) લગ્‍ન પતિ-પત્ની માટે હંમેશ માટેનું બંધન છે. યહોવાહે ઈસ્રાએલીઓને પોતાના લોકો તરીકે પસંદ કર્યા અને નિયમો આપ્યા એ પહેલાં, તેઓમાં અમુકની પાસે એક કરતાં વધારે પત્નીઓ હતી. ઈશ્વરે એક કરતાં વધારે પત્નીઓ રાખવા કહ્યું ન હતું, પણ અમુક સમય સુધી એમ ચાલવા દીધું હતું. જોકે એના માટેના નિયમો પણ આપ્યા. જ્યારે ખ્રિસ્તી મંડળ સ્થપાયાં, ત્યારે યહોવાહે એક કરતાં વધારે પત્નીઓ રાખવાની મનાઈ કરી.—૧ તીમોથી ૩:૨.

ઈસુએ બતાવ્યું તેમ, ઈસ્રાએલીઓના “હૃદયની કઠણતાને લીધે” યહોવાહે થોડા સમય માટે લગ્‍નનો એવો રિવાજ ચલાવી લીધો. (માત્થી ૧૯:૮) એ બતાવે છે કે સુધારો કરવાનો યોગ્ય સમય આવે ત્યાં સુધી, યહોવાહ અમુક બાબતો ચલાવી લે છે.—રૂમી ૯:૨૨-૨૪; નીતિવચનો ૪:૧૮.

સાબ્બાથ કેમ થોડા સમય માટે જ હતો?

ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા પછી, યહોવાહે લોકોને સાબ્બાથ પાળવા કહ્યું હતું. સાબ્બાથ દર અઠવાડિયે પાળવાનો નિયમ પણ આપ્યો. (નિર્ગમન ૧૬:૨૨-૩૦; ૨૦:૮-૧૦) પ્રેરિત પાઊલ સમજાવે છે કે ઈસુએ પોતાના બલિદાન દ્વારા ‘વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રને નાબૂદ કર્યું’ અને ‘વિધિઓનું ખત ભૂંસી નાખ્યું.’ (એફેસી ૨:૧૬; કોલોસી ૨:૧૪) એટલે કે મુસા દ્વારા આપેલા નિયમો, જેમાં સાબ્બાથનો નિયમ પણ હતો, એ ‘નાબૂદ થયા.’ એને ‘ભૂંસી નાખવામાં’ આવ્યા. બાઇબલ જણાવે છે કે “ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો [સાબ્બાથ] વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે.” (કોલોસી ૨:૧૬) જોકે, ઈશ્વરે શા માટે સાબ્બાથ પાળવા જેવા નિયમો આપ્યા હતા?

પ્રેરિત પાઊલ જણાવે છે કે “આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારૂ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું. પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ તળે નથી.” (ગલાતી ૩:૨૪, ૨૫) સાબ્બાથના નિયમ દ્વારા યહોવાહે પોતાના લોકોને શીખવ્યું કે ભક્તિ માટે તેઓએ એક દિવસ કાઢવો જોઈએ. એ સાથે ઈસ્રાએલીઓને એ પણ શીખવા મળ્યું કે પાપ અને મરણમાંથી હંમેશાં છૂટકારો મેળવવા બીજી કોઈ ગોઠવણની જરૂર પડશે. આ બતાવે છે કે ઈશ્વર બદલાયા નથી.—હેબ્રી ૪:૧૦; પ્રકટીકરણ ૨૧:૧-૪.

પ્રેમાળ ઈશ્વરમાં ભરોસો મૂકીએ

ઉપરના બનાવો પરથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહે પોતાના લોકોના સંજોગો બદલાયા તેમ, માર્ગદર્શનમાં પણ ફેરફાર કર્યા. એનો અર્થ એ નથી કે યહોવાહ મન ફાવે એમ બદલાયા કરે છે, પણ લોકોના ભલા માટે જ એ ફેરફાર કરે છે. આજે આપણા માટે પણ તે એમ જ કરે છે.

યહોવાહ કદીયે પોતાના સિદ્ધાંતો બદલતા નથી. એટલે આપણને ખબર છે કે તેમને ખુશ કરવા શું કરવું જોઈએ. આપણે એ પણ ખાતરી રાખી શકીએ કે યહોવાહે જે પણ વચનો આપ્યાં છે, એ સાચાં પડશે જ. તે કહે છે: ‘મારા સર્વ ઇરાદા હું પૂરા કરીશ. મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.’—યશાયાહ ૪૬:૧૦, ૧૧. (w09 6/1)

[પાન ૩૦ ચિત્ર]

પ્રેમ અને ન્યાય માટેના યહોવાહના સિદ્ધાંતો કદીયે બદલાતા નથી

[પાન ૩૦ ચિત્ર]

પાઊલે સમજાવ્યું કે ચમત્કારો કરવાની શક્તિ “જતી રહેશે”

[પાન ૩૧ ચિત્ર]

પતિ–પત્ની માટે લગ્‍ન હંમેશ માટેનું બંધન છે