સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર આપણી પાસે ગજા ઉપરાંત માંગતા નથી

ઈશ્વર આપણી પાસે ગજા ઉપરાંત માંગતા નથી

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

ઈશ્વર આપણી પાસે ગજા ઉપરાંત માંગતા નથી

લેવીય ૫:૨-૧૧

“મેં ઘણી કોશિશ કરી છતાંયે ઈશ્વર મારી ભક્તિથી રાજી છે, એવું મને નથી લાગતું,” એક બહેને કહ્યું. ભક્તિમાં આપણાથી બનતું બધું કરીએ, એનાથી શું યહોવાહ રાજી છે? શું તે ભક્તોના સમય અને સંજોગોને ધ્યાનમાં લે છે? એના જવાબ મેળવવા, અર્પણો વિષે ઈસ્રાએલીઓને આપેલા અમુક નિયમો જોઈએ. એ લેવીય ૫:૨-૧૧માં મળી આવે છે.

એ નિયમ પ્રમાણે પાપની માફી માટે અમુક અર્પણો ચડાવવાનાં હતાં. ખાસ કરીને વ્યક્તિ વગર વિચાર્યે કે અજાણતા પાપ કરે ત્યારે. (૨-૪ કલમો) એ કિસ્સામાં તેણે પાપની કબૂલાત કરીને પસ્તાવો બતાવવા એક ઘેટી કે ‘બકરીનું’ અર્પણ ચડાવવાનું હતું. (૫-૬ કલમો) પણ જો વ્યક્તિ ગરીબ હોય તો શું? શું નિયમ તેને ઉધાર લઈને કે દેવામાં પડીને એ અર્પણ ચડાવવાનું કહેતો હતો? કે પછી તેણે સખત મજૂરી કરીને પણ પછીથી એ અર્પણ ચડાવવાનું હતું?

ના, એવું ન હતું. એ કિસ્સામાં નિયમ જણાવતો હતો કે “જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને માટે તે યહોવાહને સારૂ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લાવે.” (૭મી કલમ) જો વ્યક્તિ બહુ ગરીબ હોય અને હલવાન કે બકરી તેને પોષાતા ન હોય, તો તે બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં ચડાવી શકતી હતી. ઈશ્વરને એ અર્પણ પણ માન્ય હતું.

પણ જો વ્યક્તિ બે પક્ષીઓનું અર્પણ પણ ન આપી શકે એટલી ગરીબ હોય તો શું? એ સંજોગમાં નિયમે જણાવ્યું કે “પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ [આઠ કે નવ કપ] મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે.” (૧૧મી કલમ) આમ બહુ ગરીબ વ્યક્તિ પણ માફી મેળવવા પશુ-પંખી સિવાય કંઈક અર્પણ ચડાવી શકતી હતી. * યહોવાહની કેવી સરસ ગોઠવણ!

યહોવાહે અર્પણ વિષે આપેલા આ નિયમમાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે યહોવાહ દયાળુ અને કૃપાળુ છે. તે પોતાના ભક્તોના સંજોગો સમજે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) કદાચ આપણે ઘડપણ, બીમારી, કુટુંબ કે બીજી કોઈ જવાબદારીને લીધે ભક્તિમાં વધારે કરી શકતા ન હોઈએ. પણ યહોવાહ તો એ જ ચાહે છે કે આપણે ભક્તિમાં થાય એટલું કરીએ. તેમની સાથે ગાઢ નાતો બાંધીએ. એ જાણીને કેટલો દિલાસો મળે છે કે આપણે દિલથી જે કંઈ કરીએ, એનાથી યહોવાહ ખુશ છે! (w09 6/1)

[ફુટનોટ્‌સ]

^ ખરું કે જાનવર કે પક્ષીના લોહીથી પાપની માફી મળતી, કેમ કે લોહી યહોવાહની નજરમાં પવિત્ર હતું. (લેવીય ૧૭:૧૧) તો પછી શું ગરીબોએ ચડાવેલા લોટના અર્પણની કોઈ કિંમત ન હતી? એવું નથી. યહોવાહને તો એ અર્પણ પણ માન્ય હતું. યહોવાહ અર્પણ પાછળ વ્યક્તિની ભાવના, તેનો પસ્તાવો જોતા હતા. વધુમાં, દર વર્ષે પ્રાયશ્ચિત્ત દિવસે આખા દેશનાં પાપો માટે યહોવાહને પ્રાણીઓનું જે બલિદાન ચડાવાતું, એમાં ગરીબો પણ આવી જતા.—લેવીય ૧૬:૨૯, ૩૦.