સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની ભક્તિમાં ઉત્સાહ બતાવો

યહોવાહની ભક્તિમાં ઉત્સાહ બતાવો

યહોવાહની ભક્તિમાં ઉત્સાહ બતાવો

“તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.”—યોહા. ૨:૧૭.

૧, ૨. ઈસવીસન ત્રીસમાં ઈસુએ મંદિરમાં શું કર્યું? શા માટે એમ કર્યું?

 ઈસવીસન ત્રીસની વાત છે. પાસ્ખાપર્વની તૈયારી ચાલી રહી છે. ઈસુ છેલ્લા છ મહિનાથી ઈશ્વરનો સંદેશો ફેલાવી રહ્યાં છે. હવે ઈસુ યરૂશાલેમના મંદિરમાં આવે છે. ત્યાં તે “ગોધા, ઘેટાં તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા” જુએ છે. એ જોઈને તેમને ગુસ્સો આવે છે. તે દોરીઓનો ચાબુક બનાવીને પ્રાણીઓને ભગાડે છે. વેપારીઓના પૈસા વેરી નાખે છે ને તેઓના ટેબલ ઊંધા વાળી નાખે છે. પછી ઈસુ કબૂતર વેચનારાઓને અને વેપારીઓને ત્યાંથી જતા રહેવાનું કહે છે.—યોહા. ૨:૧૩-૧૬.

આ બધું બતાવે છે કે ઈસુ મંદિરમાં શુદ્ધ ભક્તિ ઇચ્છતા હતા. એટલે ઈસુએ તેઓને હુકમ આપ્યો, ‘મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો!’ ઈસુના શિષ્યો આ બધું જોતા હતા. તેથી તેઓને ઘણાં વર્ષો પહેલાં લખેલા દાઊદના શબ્દો યાદ આવ્યા હશે: “મારું હૃદય દેવ અને તેના મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજિત થયું છે.”—યોહા. ૨:૧૬, ૧૭; ગીત. ૬૯:૯, ઈઝી ટુ રીડ વર્ઝન.

૩. (ક) ઉત્સાહનો અર્થ શું થાય? (ખ) આપણે પોતાને શું પૂછી શકીએ?

ઈસુ પૂરા ઉત્સાહથી ચાહતા હતા કે યહોવાહનું ઘર શુદ્ધ રહે. ઉત્સાહ એટલે, ‘કોઈ કામ કરવાની ઇચ્છા હોય એને પૂરું કરવા પગલાં ભરવાં.’ એટલે જ ઈસુએ મંદિરમાં જતા જ વેપારીઓને ત્યાંથી કાઢી મૂક્યા. આજે સિત્તેર લાખ કરતાં વધારે લોકોને યહોવાહના ઘર માટે આવો જ ઉત્સાહ છે. તેથી આપણે પોતાને પૂછી શકીએ, ‘યહોવાહના ઘર માટે મારો ઉત્સાહ વધારવા હું શું કરી શકું?’ આનો જવાબ મેળવવા પહેલાં જોઈએ કે આજે યહોવાહનું ઘર શું છે. પછી આપણે બાઇબલમાંથી અમુક અનુભવો જોઈશું જેઓએ ઈશ્વરભક્તિમાં ઉત્સાહ બતાવ્યો હતો. તેઓના અનુભવો ‘આપણને શિખામણ મળે માટે લખવામાં આવ્યા છે.’—રૂમી ૧૫:૪.

ઈશ્વરનું ઘર શું છે?

૪. સુલેમાનના સમયમાં કોના માટે મંદિર બંધાયું હતું? શા માટે?

પ્રાચીન સમયમાં ઈશ્વરનું ઘર એ યરૂશાલેમમાં આવેલું યહોવાહનું મંદિર હતું. એ મંદિર સુલેમાન રાજાએ યહોવાહના ભક્તો માટે બાંધ્યું હતું. બાઇબલમાં યહોવાહ જણાવે છે કે “આકાશો મારૂં રાજ્યાસન છે, ને પૃથ્વી મારૂં પાયાસન છે; તમે મારે વાસ્તે કેવું ઘર બાંધશો? અને મારૂં વિશ્રામસ્થાન કેવું થશે?” (યશા. ૬૬:૧) આ બતાવે છે કે યહોવાહ એ મંદિરમાં રહેતા ન હતા. પણ એ મંદિર દ્વારા ભક્તો યહોવાહની ઉપાસના અને પ્રાર્થના કરતા હતા.—૧ રાજા. ૮:૨૭-૩૦.

૫. યહોવાહે કઈ જોગવાઈ કરી જેથી આજે આપણે તેમની ભક્તિ કરી શકીએ?

જોકે આજે યરૂશાલેમમાં એ મંદિર નથી. તો પછી, યહોવાહે કઈ જોગવાઈ કરી જેથી આપણે તેમની ભક્તિ કરી શકીએ? તેમણે પોતાના દીકરાનું બલિદાન આપ્યું. એ બલિદાનમાં વિશ્વાસ રાખીશું તો, યહોવાહ આપણી ભક્તિ સ્વીકારશે. દુનિયાભરમાં યહોવાહના સાક્ષીઓ એ બલિદાનમાં વિશ્વાસ રાખીને યહોવાહની ભક્તિ કરે છે.—યશા. ૬૦:૪, ૮, ૧૩; પ્રે.કૃ. ૧૭:૨૪; હેબ્રી ૮:૫; ૯:૨૪.

૬. કયા રાજાઓએ યહોવાહની ભક્તિ માટે ઉત્સાહ બતાવ્યો?

ઈસવીસન પૂર્વે ૯૯૭માં ઈસ્રાએલમાં બે ભાગલા પડ્યા. એક ઉત્તર અને બીજું દક્ષિણ. સમય જતા, દક્ષિણના યહુદાહમાં ઓગણીસ રાજાઓ થઈ ગયા. એમાંથી ચાર રાજાઓએ યહોવાહની ભક્તિમાં ઘણો ઉત્સાહ બતાવ્યો હતો. એ રાજાઓ, આસા, યહોશાફાટ, હિઝ્કીયાહ અને યોશીયાહ હતા. આપણે આ રાજાઓ પાસેથી શું શીખી શકીએ?

પૂરાં દિલથી કરેલી ભક્તિના આશીર્વાદો

૭, ૮. (ક) યહોવાહનો આશીર્વાદ મેળવવા કેવી ભક્તિ કરવી જોઈએ? (ખ) આસા રાજાની ભૂલમાંથી શું શીખવા મળે છે?

આસાના રાજમાં લોકોને ખરા માર્ગે દોરવા યહોવાહે અમુક પ્રબોધકો મોકલ્યા. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે આસા રાજાએ અઝાર્યાહ પ્રબોધકનું સાંભળ્યું. (૨ કાળવૃત્તાંત ૧૫:૧-૮ વાંચો.) આસા રાજાએ શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરી. પછી તેમણે યહુદાહના અને ઉત્તર ઈસ્રાએલના ઘણા લોકોને યરૂશાલેમમાં ભેગા કર્યા. ત્યાં તેઓએ યહોવાહની શુદ્ધ ભક્તિ કરવાનો નિર્ણય કર્યો. બાઇબલ જણાવે છે: “તેઓએ યહોવાહની આગળ મોટે સાદે પોકારીને તથા રણશિંગડાં ને તુરાઈઓ વગાડીને સોગન ખાધા. તે સોગનથી યહુદાહના સર્વ લોક હરખાયા; કેમકે તેઓએ પોતાના ખરા અંતઃકરણથી સોગન ખાધા હતા, ને પોતાની સંપૂર્ણ ઇચ્છાથી યહોવાહને શોધ્યો, તે તેઓને મળ્યો; અને તેણે તેઓને ચારે તરફ શાંતિ આપી.” (૨ કાળ. ૧૫:૯-૧૫) આપણે પણ યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરીશું તો, તે ચોક્કસ આપણને આશીર્વાદ આપશે.—માર્ક ૧૨:૩૦.

પણ થોડા વખત પછી આસા રાજાએ ભૂલ કરી. તેમણે યહોવાહના પ્રબોધક હનાનીનું સાંભળ્યું નહિ. (૨ કાળ. ૧૬:૭-૧૦) હવે તમારા વિષે વિચાર કરો. યહોવાહ મંડળના વડીલો દ્વારા તમને કોઈ માર્ગદર્શન આપે ત્યારે તમને કેવું લાગે છે? શું તમે એને તરત જ માની લો છો કે આસા રાજાની જેમ સાંભળતા નથી?

૯. યહોશાફાટ અને યહુદાહ પર કોણ હુમલો કરવા ચઢી આવ્યું? યહુદાહના લોકોએ શું કર્યું?

ઈસવીસન ૧૦મી સદીમાં યહુદાહના રાજા યહોશાફાટ હતા. એ વખતે આમ્નોન, મોઆબ અને સીરીયા દેશના રાજાઓ યહુદાહ પર હુમલો કરવા ચઢી આવ્યા. રાજા યહોશાફાટ બહુ ડરી ગયા. તેથી તે અને તેમના લોકોએ ભેગા થઈને યહોવાહના મંદિરમાં પ્રાર્થના કરી. (૨ કાળવૃત્તાંત ૨૦:૩-૬ વાંચો.) પછી યહોશાફાટે, સુલેમાન રાજા જેવી વિનંતી કરી: “હે અમારા દેવ, તું તેઓનો ન્યાય નહિ કરશે? કેમકે આ મોટું સૈન્ય જે અમારી વિરૂદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમારે શું કરવું તે પણ અમને સૂઝતું નથી; પણ અમે તો તારી તરફ જોઈએ છીએ. યહુદાહના સર્વ લોકો, તેઓનાં બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓનાં છોકરાં યહોવાહની આગળ ઊભાં રહ્યાં.” (૨ કાળ. ૨૦:૧૨, ૧૩) પ્રાર્થના કરી રહ્યાં પછી લોકો મધ્યે લેવીય યાહઝીએલ યહોવાહની પ્રેરણાથી બોલવા લાગ્યા. તેમણે લોકોને હિંમત આપી.—૨ કાળવૃત્તાંત ૨૦:૧૪-૧૭ વાંચો.

૧૦. (ક) યહોશાફાટ અને યહુદાહના લોકોને કેવી રીતે માર્ગદર્શન મળ્યું? (ખ) આજે જે માર્ગદર્શન મળે છે એને આપણે કેવી રીતે માન આપી શકીએ?

૧૦ યહોશાફાટ ને યહુદાહના લોકો તકલીફમાં આવ્યા ત્યારે માર્ગદર્શન ને હિંમત આપવા યહોવાહે યાહઝીએલને મોકલ્યા હતા. આજે યહોવાહ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આપણને માર્ગદર્શન ને હિંમત આપે છે. તેઓ વડીલોને પણ માર્ગદર્શન આપે છે. વડીલો અમુક વખતે આપણી મુલાકાત લઈને સલાહ-સૂચનો આપે છે. આપણે બુદ્ધિમાન ચાકરના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું તો, તેઓને અને વડીલોને માન આપીશું.—માથ. ૨૪:૪૫; ૧ થેસ્સા. ૫:૧૨, ૧૩.

૧૧, ૧૨. યહોશાફાટ અને યહુદાહના બનાવમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૧ યહોશાફાટ અને યહુદાહના બનાવમાંથી આપણને ઘણું શીખવા મળે છે. એક તો, યહોશાફાટ અને યહુદાહના લોકો તકલીફમાં આવ્યા ત્યારે યહોવાહને પૂરા ભરોસાથી પ્રાર્થના કરી. આમ તેઓએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો. તેઓની જેમ તકલીફ આવે ત્યારે આપણે પૂરા ભરોસાથી યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. (નીતિ. ૩:૫, ૬; ફિલિ. ૪:૬, ૭) ભલે આપણે બીજા ભાઈઓથી દૂર એકલા પડી ગયા હોઈએ, પણ હંમેશા યાદ રાખીએ કે ‘પૃથ્વી પરના ભાઈઓ’ આપણા માટે પ્રાર્થના કરે છે. (૧ પીત. ૫:૯) બીજું કે માર્ગદર્શન મેળવવા યહોશાફાટ અને યહુદાહના લોકો ભેગા મળ્યા. એમાંથી આપણને જોવા મળે છે કે ભાઈ-બહેનો સાથે નિયમિત મિટિંગમાં ભેગા મળવું મહત્ત્વનું છે.

૧૨ ત્રીજું, યાહઝીએલે યહોવાહની શક્તિથી યહોશાફાટ અને યહુદાહના લોકોને સાચું માર્ગદર્શન આપ્યું. એ પ્રમાણે કરવાથી દુશ્મનો હુમલો કરવા આવ્યા ત્યારે યહોશાફાટ અને યહુદાહના લોકો એ લડાઈમાં જીત્યા. એ પછી “તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરૂશાલેમમાં યહોવાહના મંદિરમાં આવ્યા.” (૨ કાળ. ૨૦:૨૭, ૨૮) એ જ રીતે, આજે યહોવાહની શક્તિથી બુદ્ધિમાન ચાકર અને વડીલો આપણને સાચું માર્ગદર્શન આપે છે. એ પ્રમાણે કરીશું તો આપણે યહોવાહના ગુણગાન ગાઈશું.

કિંગ્ડમ હૉલનું ધ્યાન રાખીએ

૧૩. હિઝ્કીયાહે પોતાના રાજની શરૂઆતમાં શું કર્યું?

૧૩ હિઝ્કીયાહે પોતાના રાજના પહેલા જ મહિનામાં યહોવાહની ભક્તિ માટે ઘણો જ ઉત્સાહ બતાવ્યો. તેમણે યહોવાહના મંદિરમાં ફરીથી ભક્તિ શરૂ કરવા સમારકામ કરાવ્યું. મંદિરને સાફ કરવાનું કામ યાજકો અને લેવીઓને સોંપ્યું. તેઓએ એ કામ ૧૬ દિવસમાં પૂરું કર્યું. (૨ કાળવૃત્તાંત ૨૯:૧૬-૧૮ વાંચો.) હિઝ્કીયાહના દિવસોની જેમ આપણે પણ કિંગ્ડમ હૉલને સાફ રાખવો જોઈએ. જરૂર પડ્યે સમારકામ કરાવવું જોઈએ. ઘણા ભાઈ-બહેનો ઉત્સાહથી આ કામ કરે છે. તેથી કિંગ્ડમ હૉલની આજુ-બાજુના લોકો યહોવાહના સાક્ષીઓના વખાણ કરે છે. એનાથી યહોવાહને મહિમા મળે છે. ચાલો આપણે કિંગ્ડમ હૉલનું ધ્યાન રાખીને યહોવાહની ભક્તિ માટે ઉત્સાહ બતાવીએ.

૧૪, ૧૫. આજે કેવા કામથી યહોવાહને મહિમા મળી રહ્યો છે? દાખલા આપો.

૧૪ ચાલો આપણે બે દાખલા જોઈએ જેનાથી યહોવાહને મહિમા મળ્યો હતો. ઉત્તર ઇંગ્લેન્ડના એક શહેરમાં આપણા એક કિંગ્ડમ હૉલનું સમારકામ કરવાનું હતું. પણ એ કિંગ્ડમ હૉલની બાજુમાં રહેતી એક વ્યક્તિએ એનો વિરોધ કર્યો. ત્યાંના ભાઈઓએ તે વ્યક્તિ સાથે નમ્રતાથી વાત કરી. તેને જણાવ્યું કે કિંગ્ડમ હૉલ અને તેના ઘરની વચ્ચેની દીવાલનું પણ સમારકામ તેઓ કરી નાખશે. ભાઈઓએ ઘણી મહેનતથી એ દીવાલ ફરી બાંધી. એ વ્યક્તિ સાથે ભાઈઓએ જે રીતે વ્યવહાર કર્યો એની તેના પર સારી છાપ પડી. હવે તે કિંગ્ડમ હૉલની દેખરેખ રાખે છે.

૧૫ યહોવાહના સાક્ષીઓ આજે દુનિયા ફરતે બાંધકામમાં મદદ કરી રહ્યાં છે. અમુક ભાઈ-બહેનો બીજા દેશોમાં જઈને ત્યાં રહેતા ભાઈ-બહેનોને પૂરો સમય બાંધકામમાં મદદ આપે છે. જેમ કે, તેઓ કિંગ્ડમ હૉલ, એસેમ્બલી હૉલ અને બેથેલનું બાંધકામ કરે છે. દાખલા તરીકે, સેમ નામના ભાઈ એન્જિનિયર છે. તે હિટીંગ, વેન્ટિલેશન અને એર-કંડિશનના જાણકાર છે. તે અને તેમની પત્ની રૂથ યુરોપ અને આફ્રિકાના ઘણા દેશોમાં જઈને બાંધકામમાં મદદ કરે છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં મંડળ સાથે પ્રચારકામમાં ઘણો આનંદ માણે છે. બીજા દેશોમાં જઈને કામ કરવાનું ઉત્તેજન ક્યાંથી મળ્યું એ વિષે ભાઈ કહે છે: ‘બેથેલના ભાઈ-બહેનો અને બીજા દેશમાં જઈને કામ કરે છે એવા ભાઈ-બહેનો પાસેથી મને ઘણું ઉત્તેજન મળ્યું. તેઓનો ઉત્સાહ અને આનંદ જોઈને મને પણ તેઓની જેમ કરવાનું મન થયું.’

યહોવાહની આજ્ઞા પાળીએ

૧૬, ૧૭. પહેલાના સમયમાં અને આજે ઈશ્વરભક્તોએ શામાં ભાગ લીધો? એનું શું પરિણામ આવ્યું?

૧૬ યહોવાહની આજ્ઞા પ્રમાણે ઈસ્રાએલીઓને દર વર્ષે પાસ્ખાપર્વ ઊજવવાનું હતું. એટલે હિઝ્કીયાહે મંદિરના સમારકામની સાથે સાથે પાસ્ખાપર્વની ગોઠવણ કરી, જે યાજકો કરી શક્યા ન હતા. (૨ કાળવૃત્તાંત ૩૦:૧, ૪, ૫ વાંચો.) હિઝ્કીયાહ અને યરૂશાલેમના લોકોએ આ ઉજવણીમાં જોડાવા આખા દેશના લોકોને બોલાવ્યા. અરે, દૂર ઉત્તર રાજ્યના લોકોને પણ બોલાવ્યા. ખેપિયાઓએ દેશના ખૂણે ખૂણે જઈને લોકોને આમંત્રણ આપ્યું.—૨ કાળ. ૩૦:૬-૯.

૧૭ હાલના વર્ષોમાં આપણે પણ ઈસુએ આજ્ઞા આપી હતી તેમ મેમોરિયલ ઊજવવા ભેગા થઈએ છીએ. ખેપિયાઓની જેમ આપણે પણ મેમોરિયલમાં આવવા બીજા લોકોને આમંત્રણ આપીએ છીએ. (લુક ૨૨:૧૯, ૨૦) એના વિષે આપણને સેવા સભામાં ઘણાં સલાહ સૂચનો મળે છે. એ પ્રમાણે આપણે હોંશથી લોકોને આમંત્રણ આપીએ છીએ. યહોવાહે આપણી મહેનતનું સરસ ફળ આપ્યું છે. જરા વિચાર કરો, ગયા વર્ષે આશરે સિત્તેર લાખ ભાઈ-બહેનોએ લોકોને મેમોરિયલનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે ૧,૭૭,૯૦,૬૩૧ લોકો આવ્યા!

૧૮. ઈશ્વરભક્તિમાં ઉત્સાહ બતાવવો કેમ મહત્ત્વનું છે?

૧૮ હિઝ્કીયાહ વિષે લખવામાં આવ્યું: “તે ઈસ્રાએલના દેવ યહોવાહ પર ભરોસો રાખતો હતો; જેથી તેની પાછળ કે તેની અગાઉ યહુદાહના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો. કેમકે તે યહોવાહને વળગી રહ્યો, ને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહિ; યહોવાહે જે આજ્ઞાઓ મુસાને ફરમાવી હતી, તે તેણે પાળી.” (૨ રાજા. ૧૮:૫, ૬) હિઝ્કીયાહે આપણા માટે કેવો સારો દાખલો બેસાડ્યો! ઈશ્વરભક્તિમાં આપણે પણ હિઝ્કીયાહ જેવો ઉત્સાહ બતાવીએ એ મહત્ત્વનું છે. એનાથી ‘યહોવાહને વળગી રહેવા’ મદદ મળશે. તેમ જ, આપણે કાયમ જીવવાનો આશીર્વાદ મેળવીશું.—પુન. ૩૦:૧૬.

માર્ગદર્શન સ્વીકારીએ

૧૯. મેમોરિયલ સમયે ભાઈઓ તૈયારીમાં કેવો ઉત્સાહ બતાવે છે?

૧૯ યોશીયાહ રાજાએ પાસ્ખાપર્વ ઉજવવા ઘણી તૈયારી કરી હતી. (૨ રાજા. ૨૩:૨૧-૨૩; ૨ કાળ. ૩૫:૧-૧૯) યોશીયાહની જેમ આપણે ડિસ્ટ્રીક્ટ, સરકીટ અને સ્પેશિયલ સંમેલન, તથા મેમોરિયલ માટે ઘણી તૈયારી કરીએ છીએ. અરે, અમુક દેશોમાં ઘણા ભાઈઓ મેમોરિયલ ઉજવવાની તૈયારી કરવા પોતાનો જીવ જોખમમાં મૂકે છે. વડીલો ધ્યાન રાખે છે કે બધા ભાઈ-બહેનો આ ઉજવણીમાં આવી શકે. જેમ કે, તેઓ વૃદ્ધ અને બીમાર ભાઈ-બહેનો પણ આવી શકે એની ગોઠવણ કરે છે.

૨૦. (ક) મંત્રીએ જે વાંચી સંભળાવ્યું એનાથી યોશીયાહ રાજાને કેવું લાગ્યું? પછી રાજાએ શું કર્યું? (ખ) આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ?

૨૦ રાજા યોશીયાહે મંદિરને ફરી બાંધવાની ગોઠવણ કરી. એ દરમિયાન “મુસાની મારફતે આપેલા યહોવાહના નિયમનું પુસ્તક હિલ્કીયાહ યાજકને જડ્યું.” યાજકે એ પુસ્તક મંત્રી શાફાનને આપ્યું. મંત્રીએ, યોશીયાહ રાજાને એ વાંચી સંભળાવ્યું. (૨ કાળવૃત્તાંત ૩૪:૧૪-૧૮ વાંચો.) યોશીયાહને એ સાંભળીને કેવું લાગ્યું? તેમણે દુઃખી થઈને પોતાના કપડાં ફાડ્યા. તેમણે પ્રબોધિકા હુલ્દાહ પાસે માણસો મોકલીને યહોવાહની સલાહ પૂછાવી. યહોવાહે પ્રબોધિકા દ્વારા જણાવ્યું કે તે યહુદાહના રીત-રિવાજોને ધિક્કારે છે. એના લીધે તે આખા દેશ પર વિપત્તિ લાવશે. આ બનાવથી શીખવા મળે છે કે આપણી ભક્તિમાં ભેળસેળ થાય તો કેવું પરિણામ આવી શકે. યોશીયાહને જેવી ખબર પડી કે યહોવાહ મૂર્તિપૂજાને ધિક્કારે છે ત્યારે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે મૂર્તિઓને કાઢી નાખી. આમ કરવાથી તેમણે યહોવાહની કૃપા મેળવી અને આવનાર વિપત્તિમાંથી બચી ગયા. (૨ કાળ. ૩૪:૧૯-૨૮) એનાથી આપણને શીખવા મળે છે કે યોશીયાહની જેમ યહોવાહ તરફથી મળતા માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. એમ કરવાથી યહોવાહ આપણી ભક્તિ સ્વીકારશે.

૨૧, ૨૨. (ક) ઉત્સાહથી સાચી ભક્તિ કરીશું તો શું થશે? (ખ) હવે પછીના લેખમાં શું શીખીશું?

૨૧ યહુદાહના રાજા, આસા, યહોશાફાટ, હિઝ્કીયાહ અને યોશીયાહે સાચી ભક્તિ કરવા સારો દાખલો બેસાડ્યો હતો. તેઓએ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કરવા બનતું બધું જ કર્યું. તેઓની જેમ આપણે મંડળ અને વડીલો દ્વારા મળતું યહોવાહનું માર્ગદર્શન હંમેશા સ્વીકારવું જોઈએ. એટલું જ નહિ, યહોવાહમાં પૂરો ભરોસો રાખીને ઉત્સાહથી સાચી ભક્તિ કરવી જોઈએ. આમ કરવાથી આપણું જીવન સુખી થશે.

૨૨ આપણે હંમેશા યહોવાહનું માર્ગદર્શન સ્વીકારીશું તો, ઈસુની જેમ કહીશું: “મારું હૃદય દેવ અને તેના મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.” (ગીત. ૬૯:૯, ઈઝી ટુ રીડ વર્ઝન; ગીત. ૧૧૯:૧૧૧, ૧૨૯; ૧ પીત. ૨:૨૧) હવે પછીના લેખમાં આપણને શીખવા મળશે કે: ઈશ્વરનો સંદેશો ફેલાવવામાં કેવી રીતે ઉત્સાહી બની શકીએ? યુવાનો કઈ રીતે યહોવાહની ઉત્સાહથી ભક્તિ કરી શકે? શેતાનના ખાસ ફાંદાથી કેવી રીતે દૂર રહી શકે? (w09 6/15)

તમને યાદ છે?

• યહોવાહનો આશીર્વાદ મેળવવા કેવી ભક્તિ કરવી જોઈએ? શા માટે?

• આપણે કેવી રીતે યહોવાહના માર્ગદર્શન માટે માન બતાવી શકીએ?

• યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી હોઈશું તો આપણે શું કરીશું?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

આસા, યહોશાફાટ, હિઝ્કીયાહ અને યોશીયાહ રાજાઓએ યહોવાહની સાચી ભક્તિ માટે કેવો ઉત્સાહ બતાવ્યો?