સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દરેક સાથે સાચું બોલો

દરેક સાથે સાચું બોલો

દરેક સાથે સાચું બોલો

“અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો.”—એફે. ૪:૨૫.

૧, ૨. સાચું બોલવા વિષે લોકો શું માને છે?

 વર્ષોથી લોકોને શંકા છે કે વ્યક્તિ દરેક બાબતમાં સાચું બોલે છે કે નહિ. ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીના ગ્રીક કવિ અલકાઈસે કહ્યું કે ‘શરાબમાં સત્ય છે.’ કવિ કહેવા માંગતા હતા કે વ્યક્તિ વધારે શરાબ પીએ પછી સાચું બોલવા માંડે છે. અરે, પહેલી સદીના રૂમી અમલદાર પીલાતને પણ લાગતું હતું કે લોકો ખોટું બોલે છે. એટલે તેમણે ઈસુને પૂછ્યું કે “સત્ય શું છે?”—યોહા. ૧૮:૩૮.

ક્યારે સાચું બોલવું અને જૂઠું બોલવું એ વિષે આજે ઘણી માન્યતાઓ છે. ઘણા માને છે કે વ્યક્તિ પોતાનું માન જળવાઈ રહે એ પૂરતું જ સાચું બોલશે. એ સિવાય તે જૂઠું બોલશે. ધ ઈમ્પોર્ટન્સ ઑફ લાઈંગ પુસ્તક જણાવે છે કે ‘વ્યક્તિએ સાચું બોલવું જોઈએ. પણ આ દુનિયામાં વ્યક્તિ સાચું બોલે તો તેને નોકરીય ન મળે અને પૈસા કમાવા પણ ન મળે.’

૩. સાચું બોલવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો હતો?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શિષ્યોને શીખવ્યું કે તેઓએ સાચું બોલવું જોઈએ. ઈસુ પોતે હંમેશા સાચું બોલ્યા હતા. એટલે જ તેમના અમુક દુશ્મનોએ પણ કહ્યું: “ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તું સાચો છે, ને સચ્ચાઈથી દેવનો માર્ગ શીખવે છે.” (માત્થી ૨૨:૧૬) આજે આપણે પણ ઈસુની જેમ સાચું બોલવું જોઈએ. આપણે અચકાયા વગર સાચું બોલવાની કોશિશ કરીએ છીએ. આપણે પાઊલના શબ્દો સાથે સહમત છીએ: ‘અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલીએ.’ (એફે. ૪:૨૫) પણ એ કલમ વિષે ચાલો આપણે ત્રણ બાબતો પર ચર્ચ કરીએ: આજે આપણા પડોશી કોણ છે? સાચું બોલવાનો અર્થ શું છે? આપણા જીવનના દરેક પાસમાં કઈ રીતે સચ્ચાઈથી વર્તી શકીએ?

પડોશી કોણ છે?

૪. પડોશીઓ વિષે શું ઈસુએ, ધર્મગુરુઓની જેમ શીખવ્યું? શા માટે?

પહેલી સદીમાં અમુક યહુદી ધર્મગુરુઓ શીખવતા હતા કે યહુદી તથા પોતાના મિત્ર ન હોય એ સિવાય કોઈને “પડોશી” ગણવા ન જોઈએ. પણ શું ઈસુએ આવું શીખવ્યું હતું? ના. ઈસુ, યહોવાહની જેમ વિચારતા હતા. (યોહા. ૧૪:૯) એટલે ઈસુએ શિષ્યોને શીખવ્યું કે યહોવાહ ભેદભાવ રાખતા નથી. (યોહા. ૪:૫-૨૬) યહોવાહની પ્રેરણાથી પીતરને જાણવા મળ્યું: “દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રે.કૃ. ૧૦:૨૮, ૩૪, ૩૫) એટલે આપણે ઈસુ ને યહોવાહની જેમ ભેદભાવ ન રાખવો જોઈએ. ભલે વ્યક્તિ આપણો દુશ્મન હોય કે નહિ, દરેક વ્યક્તિને પ્રેમ કરીને આપણે તેઓને પડોશીઓ ગણવા જોઈએ.—માથ. ૫:૪૩-૪૫.

૫. ‘પડોશીઓ સાથે સાચું બોલવાનો’ શું અર્થ થાય?

એફેસી ૪:૨૫માં પાઊલે કહ્યું કે ‘પડોશીઓ સાથે સાચું બોલો.’ એનો શું અર્થ થાય? એ જ કે કોઈની સાથે વાત કરીએ ત્યારે જરા-તરા જૂઠું ન બોલવું જોઈએ, પણ હંમેશા હકીકત જણાવવી જોઈએ. શા માટે એમ કરવું જોઈએ? એક, આપણે ‘ભૂંડું ધિક્કારીએ છીએ અને સારું વળગી રહીએ છીએ.’ (રૂમી ૧૨:૯) બીજું, “યહોવાહ, સત્યના દેવ” છે. આપણે તેમની ભક્તિ કરીએ છીએ એટલે તેમની જેમ સાચું બોલવું જોઈએ. (ગીત. ૧૫:૧, ૨; ૩૧:૫) તેમ છતાં, અમુક વખતે આપણને લાગે કે આબરૂ સાચવવા કે બીજાને ખોટું ન લાગે માટે જરા-તરા જૂઠું બોલવામાં કંઈ વાંધો નથી. એવાં સંજોગોમાં પણ આપણે સમજી-વિચારીને બોલીશું તો હકીકત જણાવી શકીશું.—કોલોસી ૩:૯, ૧૦ વાંચો.

૬, ૭. (ક) દરેક સંજોગમાં સાચું બોલીએ ત્યારે શું નાની-નાની માહિતી પણ આપવી જોઈએ? સમજાવો. (ખ) કોને હંમેશા હકીકત જણાવવી જોઈએ?

દરેક સંજોગોમાં સાચું બોલીએ ત્યારે શું નાની-નાની માહિતી પણ આપવી જોઈએ? ઈસુ પૃથ્વી પર હતા ત્યારે અમુક વ્યક્તિઓને પૂરે પૂરી માહિતી આપી નહિ. જેમ કે, “મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ તેની પાસે આવીને તેને કહ્યું, કે કયા અધિકારથી તું આ કામો કરે છે? અથવા આ કામો કરવાનો તને કોણે અધિકાર આપ્યો? અને ઈસુએ તેઓને કહ્યું, કે હું એક વાત તમને પૂછીશ; અને તેનો તમે મને જવાબ દો, તો હું ક્યા અધિકારથી આ કામો કરૂં છું તે હું તમને કહીશ.” પણ તેઓ જવાબ આપી શક્યા નહિ. એટલે “ઈસુ તેઓને કહે છે, કે હું ક્યા અધિકારથી આ કામો કરૂં છું તે હું પણ તમને કહેતો નથી.” (માર્ક ૧૧:૨૭-૩૩) ઈસુએ તેઓને જવાબ ન આપ્યો. કેમ કે, એક તો તેઓએ ઈસુમાં વિશ્વાસ રાખ્યો ન હતો. બીજું, તેઓ ઢોંગીઓ હતા. (માથ. ૧૨:૧૨, ૧૩; ૨૩:૨૭, ૨૮) ઈસુના દિવસોની જેમ આજે પણ ઢોંગીઓ અને યહોવાહનું નામ બદનામ કરનારા છે. તેઓ આપણને ફસાવવા ચાહે છે. તેથી આપણે તેઓને પૂરે પૂરી માહિતી આપવાની જરૂર નથી.—માથ. ૧૦:૧૬; એફે. ૪:૧૪.

ઈસુની જેમ પાઊલે પણ શીખવ્યું કે અમુક લોકોને પૂરે પૂરી હકીકત જણાવવાની જરૂર નથી. તેમણે કહ્યું: ‘કૂથલી કરે છે તેઓ બીજાઓના કામમાં માથાં મારે છે.’ (૧ તીમો. ૫:૧૩) આવા લોકો પર ભરોસો મૂકવો અઘરો છે. એટલે તેઓને પૂરેપૂરી હકીકત જણાવવી ન જોઈએ. અમુક વખતે આપણે બધા જાણે-અજાણે બીજાના કામમાં માથું મારીએ છીએ. તેથી આપણે બધાએ પાઊલની આ સલાહ લાગુ પાડવી જોઈએ: “શાંત રહેવાને, પોતપોતાનાં જ કામ કરવાને અને પોતાને હાથે ઉદ્યોગ કરવાને, યત્ન કરો.” (૧ થેસ્સા. ૪:૧૧) પણ વડીલોને શું પૂરે પૂરી હકીકત જણાવવી જોઈએ? યાદ રાખો કે મંડળના વડીલો સાથે હંમેશા સાચું બોલવું જોઈએ. તેઓ પોતાની જવાબદારી નિભાવવા અમુક વખતે આપણી સાચે ચર્ચા કરશે, પ્રશ્નો પૂછશે. એ કિસ્સામાં જો આપણે હકીકત જણાવીશું તો, વડીલોને મદદ કરીશું. તેઓ પણ આપણી કદર કરશે.—૧ પીત. ૫:૨.

કુટુંબમાં હંમેશા સાચું બોલીએ

૮. પરિવારમાં સંપ વધારવા શું કરવું જોઈએ?

બીજા કરતાં આપણે પરિવારના લોકોને વધારે ઓળખીએ છીએ. એટલે તેઓ સાથે સંપીને રહેવા સાચું બોલવું મહત્ત્વનું છે. આપણે પરિવારમાં ખુલ્લા દિલે અને પ્રેમથી વાત કરીશું તો, ઘણી નાની-મોટી તકરારને હલ કરી શકીશું. પરિવારમાં પતિ-પત્ની કે બાળકોએ ભૂલ કરી હોય તો, એકબીજાની માફી માંગવી જોઈએ. પૂરા દિલથી માફી માંગીશું અને સાચું બોલીશું તો, પરિવારમાં શાંતિ અને સંપ વધશે.—૧ પીતર ૩:૮-૧૦ વાંચો.

૯. પરિવારમાં હકીકત જણાવીએ ત્યારે કેમ જેમ-તેમ બોલવું ન જોઈએ?

આપણે પરિવારમાં હકીકત જણાવીએ ત્યારે જેમ-તેમ બોલવું ન જોઈએ. અમુકને લાગે છે કે એમાં કંઈ વાંધો નથી. પણ પાઊલે જણાવ્યું: “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.” (એફે. ૪:૩૧, ૩૨) પાઊલે જણાવ્યું તેમ આપણે પ્રેમ અને માનથી વ્યક્તિને હકીકત જણાવવી જોઈએ. એમ કરીશું તો, તે જોઈ શકશે કે આપણે જે કહીએ છીએ એ કેટલું મહત્ત્વનું છે.—માથ. ૨૩:૧૨.

મંડળમાં હકીકત જણાવીએ

૧૦. ઈસુએ શિષ્યો સાથે કેવી રીતે વાત કરી? એમાંથી વડીલો શું શીખી શકે?

૧૦ ઈસુએ તેમના શિષ્યો સાથે સીધેસીધી અને સમજી શકાય એ રીતે વાત કરી. ઈસુએ પ્રેમથી સલાહ આપી અને હકીકત જણાવી. (યોહા. ૧૫:૯-૧૨) દાખલા તરીકે, વારંવાર શિષ્યો ઝઘડતા હતા કે તેઓમાં કોણ સૌથી મહાન છે ત્યારે ઈસુએ ધીરજથી પણ સાફ શબ્દોમાં જણાવ્યું કે તેઓએ નમ્રતા બતાવવી જોઈએ. (માર્ક ૯:૩૩-૩૭; લુક ૯:૪૬-૪૮; ૨૨:૨૪-૨૭; યોહા. ૧૩:૧૪) ઈસુની જેમ વડીલો પણ ભાઈ-બહેનોને મદદ કરે છે. દાખલા તરીકે, વડીલોને ખબર છે કે મંડળમાં બધાએ યહોવાહના નીતિ-નિયમો પાળવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ એમ કરતું નથી ત્યારે વડીલો તેના પર બળજબરી કરતા નથી. (માર્ક ૧૦:૪૨-૪૪) પણ ઈસુની જેમ ‘માયા અને કરુણા’ બતાવીને તેને સુધારવા કોશિશ કરે છે.

૧૧. ભાઈ-બહેનોને પ્રેમ કરીશું તો, કઈ રીતે તેઓ સાથે વાત કરીશું?

૧૧ આપણે મંડળના ભાઈ-બહેનો સાથે સીધેસીધી વાત કરવી જોઈએ. પણ સામે વાળી વ્યક્તિને ખોટું લાગે એ રીતે વાત કરવી ન જોઈએ. આપણી જીભ ‘પાણીદાર અસ્ત્રા’ એટલે કે તલવાર જેવી ન હોવી જોઈએ. એમ હશે તો, સામે વાળી વ્યક્તિને દુઃખ લાગશે. (ગીત. ૫૨:૨; નીતિ. ૧૨:૧૮) પણ ભાઈ-બહેનોને પ્રેમ કરીશું તો ‘ભૂંડું બોલવાથી આપણી જીભને, અને કપટથી આપણા હોઠને સંભાળીશું.’ (ગીત. ૩૪:૧૩) એનાથી યહોવાહને માન આપીશું. તેમ જ મંડળમાં સંપ વધશે.

૧૨. વડીલો ક્યારે જૂડિશલ કમિટી રાખી શકે?

૧૨ અમુક વખતે મંડળમાં ખોટી વાત ફેલાય છે. (યાકૂબ ૩:૧૪-૧૬ વાંચો.) ખોટી વાત ફેલાવવા વ્યક્તિ થોડું મીઠું-મરચું ઉમેરે છે. પણ સાથે સાથે તે ચાહે છે કે ખોટી વાતથી સામે વાળી વ્યક્તિનું નામ બદનામ થાય, તેને નુકસાન થાય અને તે દુઃખી થાય. જૂઠી વાત ફેલાવે છે એવા લોકોથી વડીલો મંડળનું રક્ષણ કરે છે. એ માટે અમુક વખતે વ્યક્તિને મદદ કરવા વડીલો જૂડિશલ કમિટીની ગોઠવણ કરે છે. પણ એની ગોઠવણ કરતા પહેલાં વડીલોએ ત્રણ બાબત પારખવાની જરૂર છે. એક તો, ખરેખર એ ખોટી વાત છે. બીજું, એ ખોટી વાતથી કેટલું નુકસાન થયું છે. ત્રીજું, વ્યક્તિને ખોટી વાત ફેલાવવાની આદત છે કે નહિ. વડીલોએ જૂડિશલ કમિટી રાખવાનો નિર્ણય લેતા પહેલાં એ પણ વિચારવું જોઈએ કે બાઇબલમાંથી સલાહ આપવાથી વ્યક્તિ સુધરશે કે નહિ. આ બધા માટે વડીલોએ હંમેશા સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ.

નોકરી અને વેપારમાં પ્રમાણિક બનીએ

૧૩, ૧૪. (ક) નોકરીમાં આજે લોકો કઈ રીતે છેતરપિંડી કરે છે? (ખ) આપણે નોકરી પર પ્રમાણિક અને મહેનતું હોઈશું તો, કેવું પરિણામ આવશે?

૧૩ આજે જ્યાં જુઓ ત્યાં નોકરી પર લોકો માલિકને છેતરે છે. એટલે અમુક લોકો માને છે કે પ્રમાણિક રીતે વર્તવાને બદલે છેતરપિંડી કરવાથી સહેલાઈથી નોકરી મળશે. તેઓ વધારે પગારની નોકરી મેળવવા માલિકને પોતાના ભણતર અને અનુભવ વિષે બડાઈ-ચઢાઈને કહે છે. નોકરી મળી ગયા પછી કામ કરવાનો ઢોંગ કરે છે. પણ હકીકતમાં તેઓ પોતાનું કામ કરતા હોય છે. જેમ કે, કંઈક વાંચે. ફોન પર ગપ્પાં મારે. એસ. એમ. એસ નાખે. ઇન્ટરનેટ ચેક કરે.

૧૪ આવું કંઈ પણ આપણે નોકરી પર નહિ કરીએ. (નીતિવચનો ૬:૧૬-૧૯ વાંચો.) પાઊલે જણાવ્યું: “સઘળી બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.” (હેબ્રી ૧૩:૧૮) એટલે નોકરી પર પ્રમાણિક બનીશું. નોકરીનો પૂરો સમય તન-મનથી કામ કરીશું. (એફે. ૬:૫-૮) આમ કરવાથી આપણે યહોવાહનું નામ રોશન કરીએ છીએ. (૧ પીત. ૨:૧૨) દાખલા તરીકે, સ્પેઈનના રોબર્ટો ભાઈનો વિચાર કરો. તે પ્રમાણિક અને મહેનતું હોવાથી માલિકે તેમના વખાણ કર્યા. રોબર્ટોના લીધે માલિકે બીજા સાક્ષીઓને નોકરી આપી. તેઓ પણ મહેનતું હતા. આમ, રોબર્ટોની પ્રમાણિકતાને લીધે ૨૩ ભાઈબહેનો અને બાઇબલ સ્ટડી કરનારા ૮ લોકોને નોકરી મળી.

૧૫. વેપાર ધંધામાં કઈ રીતે બતાવીએ કે આપણે પ્રમાણિક છીએ?

૧૫ આપણો કોઈ વેપાર-ધંધો હોય તો, ગ્રાહકોને છેતરવા ન જોઈએ. જૂઠું બોલીને કોઈ વસ્તુ વેચવી ન જોઈએ. લાંચ આપવી કે લેવી ન જોઈએ. હંમેશા આ સિદ્ધાંત યાદ રાખીએ: આપણે ચાહીએ કે બીજાઓ આપણી સાથે પ્રમાણિક રીતે વર્તે તો, આપણે પણ બીજાઓ સાથે એવી જ રીતે વર્તવું જોઈએ. આમ કરીને બતાવીશું કે આપણે વેપાર ધંધામાં પ્રમાણિક છીએ.—નીતિ. ૧૧:૧; લુક ૬:૩૧.

સરકાર સાથે સાચું બોલીએ

૧૬. (ક) કઈ રીતે કાઈસારના તે કાઈસારને ભરી આપી શકીએ? (ખ) કઈ રીતે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપી શકીએ?

૧૬ ઈસુએ કહ્યું: “જે કાઈસારના તે કાઈસરને, તથા જે દેવનાં તે દેવને ભરી આપો.” (માથ. ૨૨:૨૧) કઈ બાબતો કાઈસાર એટલે કે સરકારને આપવી જોઈએ? ઈસુએ એ શબ્દો કહ્યાં ત્યારે એ કર ભરવા વિષે વાત કરતા હતા. એટલે દેશના નિયમો પ્રમાણે આપણે ટેક્સ ભરવા જોઈએ. આ રીતે આપણે સરકાર અને યહોવાહના નિયમ પાળીએ છીએ. (રૂમી ૧૩:૫, ૬) જો સરકારના નિયમ પાળવાથી ઈશ્વરનો નિયમ તૂટતો હોય તો શું કરવું જોઈએ? એ કિસ્સામાં વિશ્વના માલિક યહોવાહના નિયમો પૂરા તન-મનથી પાળવા જોઈએ.—માર્ક ૧૨:૩૦; પ્રકટી. ૪:૧૧ ગીતશાસ્ત્ર ૮૬:૧૧, ૧૨ વાંચો.

૧૭. ગરીબો સરકારની મદદ લે એ શું ખોટું છે? એ મદદ લેવા શું કરવું જોઈએ?

૧૭ અમુક દેશોમાં સરકાર ગરીબ લોકોને મદદ કરે છે. લોકો પોતાની પરિસ્થિતિ જણાવે પછી સરકાર તેઓને જોઈતી મદદ કરે છે. એ મદદ લેવામાં કંઈ ખોટું નથી. પણ અમુક લોકો પોતાની પરિસ્થિતિ વિષે સાચી હકીકત જણાવતા નથી. કેમ કે તેઓ આશા રાખે છે કે સરકાર તેઓને જરૂર કરતાં વધારે મદદ કરે. યહોવાહના સાક્ષીઓ એમ કરતા નથી. તેઓ પોતાના સંજોગો વિષેની ખરી માહિતી સરકારને આપે છે.

સાચું બોલવાથી મળતા આશીર્વાદો

૧૮-૨૦. પ્રમાણિક બનવાથી અને સાચું બોલવાથી કેવાં આશીર્વાદો મળે છે?

૧૮ પ્રમાણિક બનવાથી અને સાચું બોલવાથી અનેક આશીર્વાદો મળશે. જેમ કે, આપણને મનની શાંતિ મળશે અને દિલ સાફ રહેશે. (નીતિ. ૧૪:૩૦; ફિલિ. ૪:૬, ૭) યહોવાહ સાફ દિલની કદર કરે છે. આપણે હંમેશા સાચું બોલીશું તો, કોઈ આપણને જૂઠા પાડશે એની ચિંતા નહિ હોય.—૧ તીમો. ૫:૨૪.

૧૯ બીજો પણ એક આશીર્વાદ છે. પાઊલે કહ્યું કે આપણે ‘સત્યના વચનથી બતાવીશું કે ઈશ્વરના સેવકો છીએ.’ (૨ કોરીં. ૬:૪,) દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં એક ભાઈને કાર વેચવી હતી. ભાઈએ કાર ખરીદનારને જણાવ્યું કે કારમાં શું ચાલે છે અને શું બગડી ગયું છે. ખરીદનારે કાર ચલાવ્યા પછી ભાઈને પૂછ્યું કે શું તમે યહોવાહના સાક્ષી છો? ખરીદનારે આમ પૂછ્યું કેમ કે ભાઈ પ્રમાણિક હતા. તેમનો પહેરવેશ પણ સારો હતો. એના લીધે ભાઈને કાર ખરીદનારને ઈશ્વરનો સંદેશો જણાવવાની તક મળી.

૨૦ શું આ ભાઈની જેમ આપણે વાણી-વર્તનથી યહોવાહની સ્તુતિ કરીએ છીએ? પાઊલે કહ્યું: “શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી.” (૨ કોરીં. ૪:૨) ચાલો આપણે બધાની સાથે પ્રમાણિક રહેવા બનતું બધું જ કરીએ. આમ કરવાથી બીજાઓ જોશે કે યહોવાહના સાક્ષીઓ પ્રમાણિક છે. એનાથી યહોવાહના નામને મહિમા મળશે. (w09 6/15)

તમે કેવો જવાબ આપશો?

• પડોશીઓ કોણ છે?

• ‘પડોશીઓ સાથે સાચું બોલવાનો’ શું અર્થ થાય?

• પ્રમાણિક બનવાથી કઈ રીતે યહોવાહને મહિમા મળે છે?

• સાચું બોલવાથી કેવાં આશીર્વાદો મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્રો]

શું તમે પોતાની ભૂલ કબૂલ કરો છો?

[પાન ૨૪ પર ચિત્રો]

નોકરી મેળવવા આપણે સાચું બોલીએ છીએ?