સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુની જેમ પ્રેમથી શીખવીએ

ઈસુની જેમ પ્રેમથી શીખવીએ

ઈસુની જેમ પ્રેમથી શીખવીએ

“એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.”—યોહા. ૭:૪૬.

૧. ઈસુએ જે રીતે શીખવ્યું એની લોકો પર કેવી અસર પડી?

 કલ્પના કરો કે ઈસુ લોકોને શીખવી રહ્યા છે અને તેમને સાંભળીને લોકો પર ઊંડી અસર પડે છે. દાખલા તરીકે, લુક કહે છે કે નાઝરેથના લોકો ‘ઈસુના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી નવાઈ પામ્યા.’ માત્થી પણ કહે છે કે જે લોકોએ ઈસુનું પહાડ પરનું ભાષણ સાંભળ્યું, એ ‘લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા.’ યોહાને જણાવ્યું કે ઈસુને પકડવા સૈનિકો મોકલવામાં આવ્યા હતા. તેઓ ખાલી હાથે પાછા આવ્યા અને કહ્યું કે “એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.”—લુક ૪:૨૨; માથ. ૭:૨૮; યોહા. ૭:૪૬.

૨. ઈસુએ કેવી રીતે શીખવ્યું?

એ સૈનિકોની વાત સાચી હતી, કેમ કે ઈસુએ સહેલાઈથી સમજી શકાય એવી રીતે શીખવ્યું. તેમનું શિક્ષણ કોઈના પણ દિલમાં ઊતરી જતું. તે ખૂબ જ સારી રીતે ઉદાહરણો અને સવાલો વાપરતા. ઈસુ હંમેશાં પોતાને સાંભળનારને ધ્યાનમાં રાખીને શીખવતા. ભલે ભણેલા-ગણેલા લોકો હોય કે અભણ, ઈસુ તેઓ સમજે એ રીતે શીખવતા. ઈસુએ લોકોને ઈશ્વરનું ઊંડું સત્ય પણ સાદાઈથી શીખવ્યું. પણ ફક્ત એ કારણોને લીધે જ ઈસુ મહાન શિક્ષક ન હતા. ચાલો જોઈએ કે બીજાં ક્યાં કારણો હતાં?

સારી રીતે શીખવવા પ્રેમ જરૂરી છે

૩. કઈ રીતે ઈસુની શીખવવાની રીત ધર્મગુરુઓથી અલગ હતી?

ઈસુના જમાનામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ પણ જ્ઞાની ધર્મગુરુઓ હતા. તેઓ પાસે પણ શીખવવાની સારી આવડત હતી. તો પછી કઈ રીતે ઈસુની શીખવવાની રીત તેઓથી અલગ હતી? ધર્મગુરુઓને લોકો માટે કોઈ લાગણી ન હતી. તેઓ લોકોને એટલી નફરત કરતા કે તેઓને “શાપિત” ગણતા. (યોહા. ૭:૪૯) ઈસુને તો લોકો પર ખૂબ પ્રેમ હતો. તેઓ માટે ઘણી દયા અને ચિંતા હતી, કેમ કે “તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા હતા.” (માથ. ૯:૩૬) બીજું કે ધર્મગુરુઓને યહોવાહ માટે ખરો પ્રેમ ન હતો. (યોહા. ૫:૪૨) જ્યારે કે ઈસુ તો યહોવાહને દિલોજાનથી ચાહતા. તેમનું કામ કરવામાં ઈસુને ઘણો આનંદ આવતો. ત્રીજું કે ધર્મગુરુઓ પોતાનો સ્વાર્થ સાધવા, મન ફાવે તેમ શાસ્ત્ર લાગુ પાડતા. પણ ઈસુ તો દિલથી શાસ્ત્ર ચાહતા અને એ પ્રમાણે જીવતા. એને લીધે કોઈ શાસ્ત્રનો વિરોધ કરે તો ઈસુ એ સહી લેતા નહિ. તે લોકોને એમાંથી શીખવતા અને સમજાવતા. (લુક ૧૧:૨૮) ઈસુ જે શીખવતા એ ખૂબ જ ચાહતા હોવાથી, લોકોને શીખવતા એમાં પણ એ પ્રેમ દેખાઈ આવતો.

૪, ૫. (ક) શા માટે પ્રેમથી શીખવવું જોઈએ? (ખ) લોકોને સારી રીતે શીખવવા શું ફક્ત પ્રેમ જ જરૂરી છે?

આપણે પણ ઈસુ જેવું જીવન જીવવા માગીએ છીએ. તેમની જેમ જ લોકોને શીખવવા ચાહીએ છીએ. (૧ પીત. ૨:૨૧) આપણે કઈ રીતે એમ કરી શકીએ? લોકોને બાઇબલ વિષે શીખવીએ જ નહિ, પણ યહોવાહના પ્રેમ જેવા અનમોલ ગુણો પણ બતાવીએ. લોકોના દિલ સુધી પહોંચવા બહુ જ્ઞાન કે આવડતની નહિ, પણ તેઓ માટેના પ્રેમની જરૂર છે. એ માટે ઈસુની જેમ પ્રેમથી શીખવીએ.

લોકોને સારી રીતે શીખવવા શું ફક્ત પ્રેમ જ જરૂરી છે? ના, એ વિષયનું થોડું-ઘણું જ્ઞાન જરૂરી છે. શીખવવાની આવડત પણ જરૂરી છે. ઈસુએ પોતાના શિષ્યોને એ બંને કેળવવા મદદ કરી. આજે યહોવાહની સંસ્થા પણ આપણને એવી આવડત કેળવવા મદદ કરે છે. (યશાયાહ ૫૪:૧૩; લુક ૧૨:૪૨ વાંચો.) આપણે જ્ઞાન અને આવડતની સાથે સાથે પ્રેમથી શીખવીએ ત્યારે, લોકો પર ઊંડી અસર પડે છે. આપણે કેવી રીતે પ્રેમથી શીખવી શકીએ? ઈસુ અને શિષ્યોએ કેવી રીતે પ્રેમથી શીખવ્યું? ચાલો જોઈએ.

યહોવાહ માટેનો પ્રેમ કેળવીએ

૬. આપણને ગમતી વ્યક્તિ માટે આપણે શું કરીશું?

આપણને જે કંઈ ગમે એની વાતો કરવાની કેવી મજા આવે! એ આપણા હાવભાવમાં દેખાઈ આવે છે. એની વાતો કરતા આપણે થાકતા જ નથી. ખાસ કરીને જો આપણને કોઈ ગમતું હોય, તો એની વાતો પૂરી જ થતી નથી. આપણે તેને માન આપીએ, તેના વખાણ કરીએ છીએ. અરે, લોકો એના વિષે કંઈ ખોટું બોલે તો તરત બચાવ કરીએ છીએ. આપણે ચાહીએ છીએ કે બીજાઓ પણ તેને જાણે અને તેના ફ્રેન્ડ બને.

૭. યહોવાહ માટેના પ્રેમને લીધે ઈસુએ શું કર્યું?

યહોવાહ વિષે બીજાઓને શીખવતા પહેલાં, આપણે પણ તેમને સારી રીતે જાણવા જોઈએ. તેમના માટે દિલથી પ્રેમ હોવો જોઈએ. ઈશ્વર માટે પ્રેમ હશે તો જ આપણે દિલથી ભક્તિ કરી શકીશું. (માથ. ૨૨:૩૬-૩૮) એ વિષે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો. સ્વર્ગમાં અબજો વર્ષો યહોવાહ સાથે કાઢ્યાં હોવાથી, ઈસુ તેમને સારી રીતે જાણતા હતા. ઈસુ પૂરા તન-મનથી યહોવાહને ચાહતા. ઈસુએ કહ્યું કે “હું બાપ પર પ્રેમ રાખું છું.” (યોહા. ૧૪:૩૧) એટલા માટે જ તેમણે ઢોંગી ગુરુઓને ખુલ્લા પાડ્યા. તે હંમેશાં યહોવાહને ગમે, એવાં કામ કરતા. (યોહા. ૮:૨૯) યહોવાહ વિષે બધાને જણાવતા ઈસુ કદીયે થાકતા નહિ. આ રીતે તે લોકોના દિલમાં યહોવાહ માટે પ્રેમ જગાડી શક્યા.

૮. શિષ્યોએ યહોવાહ માટેના પ્રેમના લીધે શું કર્યું?

ઈસુની જેમ જ પહેલી સદીના તેમના શિષ્યોને પણ યહોવાહ પર બહુ જ પ્રેમ હતો. એના લીધે તેઓએ પૂરા ઉત્સાહ અને હિંમતથી લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો. ધર્મગુરુઓના સખત વિરોધ છતાં, શિષ્યોએ ઈશ્વરના સંદેશાથી આખા યરૂશાલેમને ગજવી મૂક્યું. શિષ્યોએ જે જોયું અને સાંભળ્યું, એના વિષે તેઓ બધાને જણાવવા માગતા હતા. (પ્રે.કૃ. ૪:૨૦; ૫:૨૮) તેઓ પોતાના કામ પર યહોવાહનો આશીર્વાદ જોઈ શકતા હતા. ઈસુના મરણને ત્રીસ વર્ષ થયાં એ પહેલાં, પાઊલે લખ્યું કે ઈશ્વર વિષેની ‘સુવાર્તા આકાશ નીચેના સર્વને પ્રગટ થઈ છે.’—કોલો. ૧:૨૩.

૯. કેવી રીતે આપણે યહોવાહ માટે પ્રેમ કેળવી શકીએ?

આપણે પણ સારી રીતે શીખવવા, યહોવાહ માટેનો પ્રેમ કેળવવાની જરૂર છે. એમ કેવી રીતે કરી શકીએ? આપણે યહોવાહ સાથે વારંવાર પ્રાર્થનામાં વાત કરવી જોઈએ. આપણે બાઇબલ સ્ટડી કરીએ, આપણાં પુસ્તકો વાંચીએ અને મિટિંગોમાં જઈએ. આપણે યહોવાહ વિષે વધારે શીખીશું તેમ, આપણો પ્રેમ પણ વધશે. એ પ્રેમ આપણી વાતચીતમાં અને આપણાં કાર્યોમાં દેખાઈ આવશે. એવો પ્રેમ જોઈને બીજાઓને પણ યહોવાહ વિષે શીખવાનું મન થશે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૩૩, ૩૪ વાંચો.

જે શીખવીએ એને અનમોલ ગણીએ

૧૦. સારી રીતે શીખવનાર પોતાનું શિક્ષણ કેવું ગણશે?

૧૦ સારી રીતે શીખવનાર પોતાના શિક્ષણને અનમોલ ગણે છે. તેને પૂરો ભરોસો છે કે એ શિક્ષણ સાચું છે અને એનાથી લોકોને ફાયદો થશે. એટલે એ પૂરા ઉત્સાહથી બીજાને શીખવશે અને એ શિક્ષણ તેઓના દિલ સુધી પહોંચશે. પણ જો શીખવનારને જ એની કદર ન હોય તો તે બીજાને કઈ રીતે શીખવી શકશે? શીખવનારની અસર તેના શીખનાર પર પડે જ છે. એટલે ઈસુએ કહ્યું કે “પૂરું શિક્ષણ મળતાં દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે.”—લૂક ૬:૪૦, સંપૂર્ણ.

૧૧. ઈસુ પોતાના શિક્ષણને કેમ અનમોલ ગણતા?

૧૧ ઈસુ જાણતા હતા કે તેમનું શિક્ષણ અનમોલ હતું, કેમ કે એમાં ઈશ્વરનું સત્ય હતું. એ ‘ઈશ્વરનાં વચન’ હતાં. “અનંતજીવનની વાતો” હતી. (યોહા. ૩:૩૪; ૬:૬૮) દાખલા તરીકે, પ્રકાશમાં આપણે સારું અને ખરાબ તરત જ જોઈ શકીએ છીએ. એવી જ રીતે, ઈસુએ જે શીખવ્યું એનાથી લોકો સાચું શું અને ખોટું શું એ તરત જોઈ શક્યા. જ્યારે કે ગુરુઓ લોકોને છેતરતા હતા, લોકો શેતાનના પંજામાં ફસાયેલા હતા. પણ ઈસુના શિક્ષણથી નમ્ર લોકોને દિલાસો મળ્યો અને અંધકારમાં જાણે પ્રકાશ મળ્યો. (પ્રે. કૃ. ૧૦:૩૮) ઈસુના શિક્ષણમાં જ નહિ, તેમનાં કાર્યોથી પણ દેખાઈ આવ્યું કે સત્ય તેમને મન કેટલું અનમોલ હતું!

૧૨. ઈશ્વરનું સત્ય પાઊલે કેવું ગણ્યું?

૧૨ ઈસુના શિષ્યો પણ તેમના જેવા જ હતા. તેઓ યહોવાહ અને ઈસુ વિષેનું સત્ય ઘણું અનમોલ ગણતા. તેઓ બીજાઓને એ વિષે ઘણી હોંશથી શીખવતા. વિરોધીઓ પણ તેઓને રોકી શક્યા નહિ. પાઊલે રોમના ભાઈ-બહેનોને લખ્યું: ‘મને સુવાર્તા પ્રગટ કરવાનો ઉત્સાહ છે. સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે.’ (રૂમી ૧:૧૫, ૧૬) એને આશીર્વાદ ગણતા પાઊલે લખ્યું: ‘હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરૂં, એ માટે આ કૃપાદાન મને આપવામાં આવેલું છે.’ (એફે. ૩:૮, ૯) પાઊલને યહોવાહનું સત્ય શીખવવાની કેટલી હોંશ હતી!

૧૩. આપણે બાઇબલનું જ્ઞાન કેમ અનમોલ ગણીએ છીએ?

૧૩ આજે બાઇબલ દ્વારા આપણે ઈશ્વરને સારી રીતે ઓળખી શકીએ છીએ. તેમની સાથે પાકો નાતો બાંધી શકીએ છીએ. એમાં જીવનના ઘણા મહત્ત્વના સવાલોના જવાબ મેળવી શકાય છે. એમાં આપણું જીવન સુધારવાની શક્તિ છે. મુશ્કેલ સંજોગોમાં પણ બાઇબલનું શિક્ષણ હિંમત આપે છે. એ ભવિષ્ય માટે આશા આપે છે. એ સુખી જીવનનો માર્ગ બતાવે છે, જે અમર જીવન તરફ દોરી જાય છે. એ ખરેખર ઈશ્વર તરફથી મળેલી અનમોલ ભેટ છે. એના વિષે બીજાને શીખવીને આપણને હજુ વધારે ખુશી મળે છે.—પ્રે. કૃ. ૨૦:૩૫.

૧૪. ઈશ્વરના સત્યની હજુયે વધારે કદર કરવા આપણે શું કરી શકીએ?

૧૪ ઈશ્વરના સત્યની હજુયે વધારે કદર કરવા આપણે શું કરી શકીએ? બાઇબલ વાંચતી વખતે, વચ્ચે વચ્ચે મનન કરીએ. કલ્પના કરો કે તમે ઈસુની સાથે જ છો અને તે લોકોને શીખવી રહ્યા છે. અથવા તો તમે પાઊલ સાથે મુસાફરી કરી રહ્યા છો કે પછી નવી દુનિયાની કલ્પના કરો, જેમાં જીવન કેવું સરસ હશે! વળી, હમણાં તમને ઈશ્વરના સત્યથી મળેલા આશીર્વાદો પર મનન કરો. જો આપણે ઈશ્વરનું જ્ઞાન અનમોલ ગણતા હોઈશું, તો જેઓને શીખવીએ છીએ તેઓ એ જોઈ શકશે. એટલા માટે આપણે પોતે મન લગાડીને ઈશ્વરનું જ્ઞાન લઈએ. જે શીખવીએ એના પર બરાબર ધ્યાન રાખીએ.—૧ તીમોથી ૪:૧૫, ૧૬ વાંચો.

લોકો માટે પ્રેમ કેળવીએ

૧૫. શીખનાર વ્યક્તિ માટે પ્રેમ હશે તો શું કરીશું?

૧૫ શીખનાર વ્યક્તિ માટે પ્રેમ હોવાથી, આપણે તેમને ખુશીથી શીખવીશું. તે વ્યક્તિના સંજોગો અને આવડત પણ ધ્યાનમાં લઈશું. વ્યક્તિ સમજી શકે એ રીતે સમજાવીશું. શીખનાર વ્યક્તિ તરત એવો પ્રેમ જોઈ શકશે અને ખુશીથી શીખતા જશે. પોતાના વિચારો જણાવતા અચકાશે નહિ. ચર્ચામાં પણ ભાગ લેશે. પોતાના મનની વાત જણાવશે. આમ, શીખનાર વ્યક્તિ અને આપણને બંનેને મજા આવશે.

૧૬. ઈસુએ કઈ રીતે પ્રેમ બતાવ્યો?

૧૬ ઈસુને આપણા માટે એટલો બધો પ્રેમ હતો કે તેમણે પોતાનું જીવન કુરબાન કરી દીધું. (યોહાન ૧૫:૧૩) ઈસુ હંમેશાં લોકોને મદદ કરતા. ઈશ્વર વિષે શીખવતા તે કદી થાક્યા નહીં. લોકો તેમની પાસે આવે એની રાહ જોવાને બદલે, તેમણે શહેરેશહેર, ગામેગામ ચાલીને ઈશ્વરનો સંદેશો જણાવ્યો. (માથ. ૪:૨૩-૨૫; લુક ૮:૧) ઈસુ ધીરજ અને પ્રેમથી વર્તતા. અરે, તેમના શિષ્યોને શિખામણ આપતી વખતે પણ પ્રેમથી વર્ત્યા. (માર્ક ૯:૩૩-૩૭) ઈસુએ તેઓને ઉત્તેજન પણ આપ્યું કે તેઓ લોકોને સારી રીતે શીખવી શકશે. એના લીધે શિષ્યોએ ઈસુની આજ્ઞાઓ પાળી અને તેમના પર પ્રેમ રાખ્યો. (યોહાન ૧૪:૧૫ વાંચો.) ઈસુએ સાચે જ બહુ પ્રેમથી શીખવ્યું.

૧૭. ઈસુના શિષ્યોએ લોકો પર કઈ રીતે પ્રેમ બતાવ્યો?

૧૭ ઈસુની જેમ જ તેમના શિષ્યોને પણ લોકો પર બહુ જ પ્રેમ હતો. તેઓએ ઈશ્વરનો સંદેશો લોકોને જણાવવા સતાવણી સહી. અરે જીવ પણ જોખમમાં મૂક્યો. જેઓએ એ સંદેશો દિલથી સાંભળ્યો, તેઓ પર શિષ્યોને બહુ જ પ્રેમ હતો. એટલે જ પાઊલે કહ્યું હતું: ‘જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે વર્ત્યા. વળી અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને કેવળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા હતા.’—૧ થેસ્સા. ૨:૭, ૮.

૧૮, ૧૯. (ક) સંદેશો જણાવવા આપણે શા માટે કશાનો પણ ભોગ આપવા તૈયાર છીએ? (ખ) દાખલો આપીને સમજાવો કે આપણે જે પ્રેમ બતાવીએ એ લોકો જોઈ શકે છે.

૧૮ આજે યહોવાહના સાક્ષીઓ પણ લોકો પર ઘણો પ્રેમ રાખે છે. એટલે તેઓ આખી દુનિયામાં યહોવાહ વિષે લોકોને જણાવે છે. છેલ્લાં સત્તર વર્ષોથી આપણે લોકોને શીખવવા દર વર્ષે એક અબજ કરતાં વધારે કલાકો આપીએ છીએ. આપણે સમય, શક્તિ અને પૈસા ખર્ચીને પણ રાજી-ખુશીથી લોકોને શીખવીએ છીએ. યહોવાહની ઇચ્છા છે કે બધા લોકો સત્ય શીખે અને અમર જીવન મેળવે. (યોહા. ૧૭:૩; ૧ તીમો. ૨:૩, ૪) લોકો પરના પ્રેમને લીધે આપણે તેઓને યહોવાહ વિષે જાણવા મદદ કરવા તૈયાર છીએ.

૧૯ આપણે જે પ્રેમ બતાવીએ એ લોકો જોઈ શકે છે. અમેરિકાની એક પાયોનિયર બહેનનો વિચાર કરીએ. એ બહેન જો કોઈનું સગું-વહાલું ગુજરી જાય, તો તેઓને પત્ર લખીને દિલાસો આપે છે. એક માણસે એવા એક પત્રનો જવાબ આપતા લખ્યું: ‘તમે મને ઓળખતા નથી તોપણ, પત્ર લખ્યો એની નવાઈ લાગી. મુશ્કેલ સમયમાં તમે મને દિલાસો આપ્યો. ખરેખર, તમને લોકો માટે બહુ જ પ્રેમ છે. જીવન આપનાર ઈશ્વર માટે પણ પ્રેમ છે.’

૨૦. સારી રીતે શીખવવા કેમ પ્રેમ મહત્ત્વનો છે?

૨૦ એવું કહેવામાં આવે છે કે પ્રેમ અને કલાનો સંગમ થાય ત્યારે, અજોડ કૃતિનું સર્જન થાય છે. આપણે પણ વ્યક્તિને પ્રેમથી શીખવવાની આવડત કેળવીએ. એ રીતે શીખવવા આપણે યહોવાહ માટે ખૂબ જ પ્રેમ કેળવવો જોઈએ. તેમના જ્ઞાનને દિલથી ચાહવું જોઈએ. લોકો પર ઘણો પ્રેમ હોવો જોઈએ. એવો પ્રેમ કેળવીએ ત્યારે, આપણે ઈસુની જેમ લોકોને મદદ કરીને શીખવીએ છીએ. એનાથી શીખનાર વ્યક્તિ યહોવાહને સારી રીતે ઓળખી શકશે. આપણે લોકોને પ્રેમથી શીખવીને યહોવાહનું દિલ જીતી લઈએ છીએ. (w09 7/15)

તમે કેવો જવાબ આપશો?

• બીજાને શીખવતી વખતે શા માટે યહોવાહ પરનો પ્રેમ જરૂરી છે?

• આપણે જે શીખવીએ એ કેમ અનમોલ ગણવું જોઈએ?

• સારી રીતે શીખવવા શા માટે લોકો પર પ્રેમ હોવો જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

ઈસુની શીખવવાની રીત કઈ રીતે શાસ્ત્રીઓ અને ફરોશીઓથી અલગ હતી?

[પાન ૨૪ પર ચિત્ર]

સારા શિક્ષક બનવા જ્ઞાન, આવડત અને ખાસ તો પ્રેમ જરૂરી છે