સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમનો માર્ગ “ઉત્તમ માર્ગ”

પ્રેમનો માર્ગ “ઉત્તમ માર્ગ”

પ્રેમનો માર્ગ “ઉત્તમ માર્ગ”

પ્રેરિત યોહાને કહ્યું કે “દેવ પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) ઈશ્વરનો મુખ્ય ગુણ પ્રેમ છે. ઈશ્વરના પ્રેમને લીધે જ આપણે તેમની ભક્તિ કરી શકીએ છીએ અને તેમની સાથે નાતો બાંધી શકીએ છીએ. ઈશ્વરના પ્રેમની આપણા પર બીજી કઈ રીતે અસર પડે છે? ઘણા લોકો માને છે કે ‘આપણને જે ગમે એ બતાવશે કે આપણે કેવા છીએ.’ એવી જ રીતે, જે વ્યક્તિને આપણે ચાહીએ અથવા જેવી વ્યક્તિ આપણને ચાહે, એ બતાવશે કે આપણે કેવા છીએ. ઈશ્વરે આપણું સર્જન કર્યું અને તેમનામાં છે એવા ગુણ આપણામાં મૂક્યા. એમાંનો એક ગુણ પ્રેમ છે. (ઉત. ૧:૨૭) પ્રેરિત યોહાને લખ્યું કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, કેમ કે ‘પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.’—૧ યોહા. ૪:૧૯.

પ્રેમના ચાર પ્રકાર

પ્રેરિત પાઊલે પ્રેમના માર્ગને સૌથી “ઉત્તમ માર્ગ” કહ્યો. (૧ કોરીં. ૧૨:૩૧) શા માટે પાઊલે એમ કહ્યું? તે કયા પ્રકારના પ્રેમની વાત કરતા હતા? એના જવાબ મેળવવા ચાલો પ્રેમના ગુણ વિષે વધારે સમજીએ.

જૂની ગ્રીક ભાષામાં પ્રેમનું વર્ણન કરવા આ ચાર અલગ અલગ શબ્દો હતા: સ્ટોર્ગે, ઇરોઝ, ફિલિયા અને અગાપે. * આમાંથી અગાપે શબ્દ ઈશ્વર “પ્રેમ છે,” એમ જણાવવા વપરાયો હતો. એ વિષે પ્રોફેસર વિલિયમ બાર્કલે ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડ્‌સમાં જણાવે છે: ‘અગાપે પ્રેમ ફક્ત લાગણીઓના ઊભરાને લીધે નથી આવી જતો, પણ સિદ્ધાંતોને લીધે એવો પ્રેમ આવે છે.’ એનો અર્થ એ નથી કે ફક્ત સિદ્ધાંતોને લીધે જ એકબીજામાં એવો પ્રેમ હોય છે, એમાં લાગણી પણ સમાયેલી હોય છે. ખરું કે સારા ને ખરાબ સિદ્ધાંતો હોય છે, પણ યહોવાહના સાક્ષીઓ તરીકે આપણે હંમેશાં સારા સિદ્ધાંતો પાળવા જોઈએ. એ સિદ્ધાંતો યહોવાહે બાઇબલમાં આપ્યા છે. અગાપે સારી રીતે સમજવા, એને પ્રેમના બીજા પ્રકારો સાથે સરખાવીએ, જેથી આપણે બીજાઓ પર એવો પ્રેમ રાખીએ.

કુટુંબમાં એકબીજા માટેનો પ્રેમ

કુટુંબમાં એકબીજા વચ્ચેના પ્રેમને ગ્રીક ભાષામાં સ્ટોર્ગે કહેવાય. કુટુંબમાં એકબીજા માટે એવો પ્રેમ હોવો જોઈએ. પણ આજે એ સહેલું નથી, કેમ કે બાઇબલ પહેલેથી જણાવે છે કે ‘છેલ્લા સમયમાં માણસો પ્રેમરહિત’ હશે.—૨ તીમો. ૩:૧,.

બાઇબલ જણાવે છે તેમ આજે મોટે ભાગે કુટુંબમાં પ્રેમ નથી. ઘણી સ્ત્રીઓ ગર્ભપાત કરાવે છે. ઘણા પોતાના ઘરડાં માતા-પિતાને ઘરડાઘરમાં મૂકી આવે છે. છૂટાછેડામાં પણ વધારો થઈ રહ્યો છે.

બાઇબલ જણાવે છે કે “હૃદય સહુથી કપટી છે.” (યિર્મે. ૧૭:૯) તેથી, કુટુંબ માટેનો પ્રેમ ઉપરછલ્લો નહિ, પણ દિલમાંથી આવતો હોવો જોઈએ. પતિ પોતાની પત્ની માટે જે પ્રેમ બતાવે છે, એ માટે પાઊલે અગાપે શબ્દ વાપર્યો. પાઊલે એ પ્રેમને ઈસુએ બતાવેલા મંડળ માટેના પ્રેમ સાથે સરખાવ્યો. (એફે. ૫:૨૮, ૨૯) એટલે આપણે કુટુંબ રચનાર, યહોવાહે આપેલા સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને અગાપે પ્રેમ બતાવીએ.

કુટુંબમાં એવો પ્રેમ રાખવાથી, આપણે ઘરડાં માતા-પિતાની સારી સંભાળ રાખીશું. બાળકોને સારું માર્ગદર્શન આપીશું. જો માબાપ અગાપે પ્રેમ ન બતાવે તો શું થશે? અમુક વખતે બાળક ખોટું કરે ત્યારે, શિસ્ત આપવાને બદલે તેઓ એની ભૂલ ચલાવી લેશે.—એફે. ૬:૧-૪.

પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ

લગ્‍ન પછી પતિ-પત્ની વચ્ચે જાતીય સંબંધ એ યહોવાહ તરફથી એક આશીર્વાદ છે. (નીતિ. ૫:૧૫-૧૭) આ એક રીતે પતિ-પત્ની એકબીજા માટે પ્રેમ બતાવે છે, જે પ્રેમને ગ્રીક ભાષામાં ઇરોઝ કહેવાય છે. આ પ્રકારના પ્રેમ વિષે બાઇબલમાં જણાવ્યું નથી. થોડાં વર્ષો પહેલાંનું વોચટાવર જણાવે છે: ‘જૂના જમાનામાં ગ્રીક લોકો ઇરોઝ નામના દેવની પૂજા કરતા અને બલિદાન ચડાવતા. ઇતિહાસ બતાવે છે કે એના પછી લોકો મન ફાવે તેમ, ગમે તેની સાથે સેક્સ માણતા. એના લીધે લગ્‍નબંધન તૂટવા લાગ્યા. ગ્રીક લોકો સેક્સ પાછળ પાગલ હતા. એને લીધે બાઇબલ લેખકોએ ઇરોઝ પ્રકારના પ્રેમનો ઉલ્લેખ કર્યો નથી.’ આપણે એવા આંધળા પ્રેમમાં ન પડીએ એ માટે આપણી લાગણીઓ પર યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે કાબૂ રાખવો જોઈએ. દરેકે પોતાને પૂછવું જોઈએ કે ‘મારા સાથી માટેની મારી લાગણીઓ ઈશ્વરના સિદ્ધાંતો પર આધારિત છે?’

પરંતુ, આજે લગ્‍ન બહાર સેક્સ માણવાની લાલચ ઘણી હોવાથી, યુગલો માટે અગાપે પ્રેમ બતાવવો સહેલો નથી, ખાસ કરીને યુવાન પતિ-પત્ની માટે. એવી ઉંમરમાં સેક્સની લાગણીઓ વધારે હોય છે. એવી લાલચમાં ઘણા આવી ગયા છે. પણ જો તેઓ યહોવાહના નીતિ-નિયમો પ્રમાણે કરશે, તો એમાં નહીં ફસાય. (૧ કોરીં. ૭:૩૬; કોલો. ૩:૫) જો પતિ-પત્ની માને કે લગ્‍ન યહોવાહનો આશીર્વાદ છે, તો લગ્‍નસાથી સિવાય બીજા કોઈની સાથે લફરાં નહિ કરે. ઈસુએ પતિ-પત્નીને જણાવ્યું કે “દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માથ. ૧૯:૬) જો પતિ-પત્ની બાઇબલના સિદ્ધાંતો પાળવા પૂરી કોશિશ કરશે, તો હંમેશાં એકબીજાને સાથ આપશે. લગ્‍ન સંબંધ ફક્ત શારીરિક સંબંધ પૂરતો જ નહિ, તકલીફોમાં પણ તેઓ એકબીજાને સાથ આપશે.—એફે. ૫:૩૩; હેબ્રી ૧૩:૪.

દોસ્તો વચ્ચેનો પ્રેમ

જીવનમાં દોસ્તો હોય તો કેટલી મજા આવે છે. બાઇબલ જણાવે છે કે “એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.” (નીતિ. ૧૮:૨૪) યહોવાહ ચાહે છે કે આપણા બધા પાસે દોસ્તો હોય. બાઇબલ દાઊદ અને યોનાથાનની પાકી દોસ્તી વિષે જણાવે છે. (૧ શમૂ. ૧૮:૧) ઈસુને પણ યોહાન માટે ‘પ્રેમ હતો.’ (યોહા. ૨૦:૨) ‘દોસ્તો વચ્ચેના પ્રેમને’ ગ્રીક ભાષામાં ફિલિયા કહેવાય છે. મંડળમાં આપણે બધા ભાઈ-બહેનો પર આવો પ્રેમ રાખવો જોઈએ. એ માટે બીજો પીતર ૧:૭ના શબ્દો ધ્યાનમાં રાખીએ: “બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો.” આ કલમ કહેવા માંગે છે કે ‘બંધુપ્રીતિ’ અથવા ‘દોસ્તો વચ્ચેના પ્રેમ’ સાથે, બાઇબલના સિદ્ધાંતો આધારિત પ્રેમ હશે તો દોસ્તી હંમેશાં ટકશે.

બાઇબલના સિદ્ધાંત પ્રમાણેના પ્રેમને લીધે, આપણે કોઈ સાથે ભેદભાવ નહીં રાખીએ. આપણે ફક્ત મિત્ર સાથે જ નહિ, બધાની સાથે સારું વર્તન રાખીશું. મિત્રો બનાવવા આપણે કોઈના ખોટા વખાણ પણ નહિ કરીએ. જો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલીશું, તો આપણે સમજી-વિચારીને મિત્રો પસંદ કરીશું, કેમ કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.”—૧ કોરીં. ૧૫:૩૩.

મંડળમાં એકબીજા માટેનો પ્રેમ

મંડળના ભાઈ-બહેનો વચ્ચેનો પ્રેમ કેટલો અજોડ છે! બાઇબલ જણાવે છે કે ‘તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો.’ (રૂમી ૧૨:૯, ૧૦) આપણે ભાઈ-બહેનોને દિલથી ચાહીએ છીએ. એટલે મંડળમાં એકબીજાને ઢોંગ વગરનો પ્રેમ બતાવીએ છીએ. સાથે સાથે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણેનો પ્રેમ પણ બતાવીએ છીએ. તેમ છતાં, પાઊલે કહ્યું કે ‘ભાઈઓ પ્રત્યે પ્રેમ રાખો,’ એનો શું અર્થ થાય? એક બાઇબલ સ્કૉલર માને છે કે ભાઈઓમાં પ્રેમ હશે તો, તેઓ એકબીજાને હમદર્દી બતાવશે. તેઓ એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપીને દિલથી મદદ કરશે. એની સાથે અગાપે પ્રેમ હશે તો ભાઈ-બહેનોમાં સંપ વધશે. (૧ થેસ્સા. ૪:૯, ૧૦) જ્યારે એવો પ્રેમ બતાવીએ, ત્યારે પાઊલે કહ્યું એમ એ “ગાઢ પ્રેમ” છે. એ શબ્દો બાઇબલમાં એક જ વાર જોવા મળે છે. એ એવો પ્રેમ છે, જે કુટુંબમાં જોવા મળે છે.

મંડળ જાણે એક મોટું કુટુંબ છે, જેમાં આપણે બધા યહોવાહની સંપથી ભક્તિ કરીએ છીએ. આપણે એકબીજાને પર કુટુંબ જેવો, મિત્રો જેવો અને બાઇબલના સિદ્ધાંતોને આધારે પ્રેમ બતાવીએ છીએ. આપણે એવો પ્રેમ બતાવીશું તો, લોકો જાણશે કે આપણે યહોવાહના ભક્તો છીએ. ચાલો આપણે આવો પ્રેમ બતાવતા રહીએ.—યોહા. ૧૩:૩૫. (w09 7/15)

[ફુટનોટ]

^ કોઈ વ્યક્તિ ખરાબ બાબત દિલથી ચાહે, એને માટે પણ બાઇબલ અગાપે વાપરે છે.—યોહા. ૩:૧૯; ૧૨:૪૩; ૨ તીમો. ૪:૧૦; ૧ યોહા. ૨:૧૫-૧૭.

[પાન ૧૮ પર બ્લર્બ]

આપણે એકબીજાને કેવો પ્રેમ બતાવીએ છીએ?