સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તમે ઈશ્વરના પ્રેમમાં ટકી રહો’

‘તમે ઈશ્વરના પ્રેમમાં ટકી રહો’

‘તમે ઈશ્વરના પ્રેમમાં ટકી રહો’

‘તમે ઈશ્વરના પ્રેમમાં ટકી રહો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે સાર્વકાલિક જીવન મળવાનું છે તેની ધીરજથી રાહ જુઓ.’—યહૂદા ૨૧, IBSI.

૧, ૨. યહોવાહે કેવી રીતે આપણા પર પ્રેમ વરસાવ્યો છે? શું આપણે આપોઆપ યહોવાહના પ્રેમમાં ટકી રહી શકીએ?

 યહોવાહે ઘણી રીતોએ આપણા પર પ્રેમ વરસાવ્યો છે. યહોવાહે પોતાના દિલોજાન દીકરાનું બલિદાન આપ્યું. એમાં આપણે તેમનો મહાન પ્રેમ જોઈ શકીએ છીએ. એ બલિદાન દ્વારા આપણે કાયમ માટે જીવી શકીએ છીએ. (યોહા. ૩:૧૬) યહોવાહ દિલથી ચાહે છે કે આપણે કાયમ માટે જીવીએ અને તેમના પ્રેમમાં ટકી રહીએ.

પણ શું એમ વિચારવું જોઈએ કે આપણે આપોઆપ યહોવાહના પ્રેમમાં ટકી રહી શકીએ? યહૂદા ૨૧ મી કલમમાં જોવા મળે છે કે એનો જવાબ આપણા પર રહેલો છે. એ જણાવે છે: ‘તમે ઈશ્વરના પ્રેમમાં ટકી રહો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે સાર્વકાલિક જીવન મળવાનું છે તેની ધીરજથી રાહ જુઓ.’ (IBSI) જરા નોંધ કરો, કલમમાં કહ્યું છે કે ‘તમે ઈશ્વરના પ્રેમમાં ટકી રહો.’ આમાંથી જોવા મળે છે કે આપણે પણ કંઈક કરવાની જરૂર છે. પણ ઈશ્વરના પ્રેમમાં ટકી રહેવા આપણે શું કરવું જોઈએ?

ઈશ્વરના પ્રેમમાં કઈ રીતે ટકી રહી શકીએ?

૩. ઈસુએ પોતે ઈશ્વરના પ્રેમમાં રહેવા શું કર્યું?

ઈસુએ તેમના જીવનની છેલ્લી રાત્રે આમ કહ્યું: “જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.” (યોહા. ૧૫:૧૦) અહીંયા જોવા મળે છે તેમ, ઈસુ જાણતા હતા કે યહોવાહની આજ્ઞા પાળવાથી જ તેમની સાથે પાક્કો નાતો બાંધી શકાય છે. તેમના પ્રેમની છાયામાં રહી શકાય છે. ઈસુ તો યહોવાહના એકનાએક દીકરા છે. તોપણ તેમના માટે આજ્ઞા પાળવી જરૂરી હતી. તો પછી, ઈશ્વરના પ્રેમમાં ટકી રહેવા આજે આપણા માટે પણ આજ્ઞા પાળવી કેટલી જરૂરી છે!

૪, ૫. (ક) યહોવાહને આપણે પ્રેમ કરીએ છીએ એ બતાવવાની સૌથી મહત્ત્વની રીત કઈ છે? (ખ) શા માટે યહોવાહની આજ્ઞાઓ ન માનવા આપણી પાસે કોઈ કારણ નથી?

ઈશ્વર પર પ્રેમ રાખવા માટે તેમની આજ્ઞાઓ પાળવી સૌથી જરૂરી છે. પ્રેરિત યોહાન આ વિષે જણાવે છે: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહા. ૫:૩) ખરું કે આજે તો દુનિયાના લોકોને મન ફાવે એમ જીવવું છે. તેઓને કોઈની આજ્ઞાઓ પાળવી નથી. કોઈના હાથ નીચે પણ રહેવું નથી. પણ કલમમાં આપણે જોયું કે ‘યહોવાહની આજ્ઞાઓ ભારે નથી.’ યહોવાહ જાણે છે કે આપણે કેટલું કરી શકીએ. તે આપણી શક્તિ ઉપરાંત કરવાનું કહેતા નથી.

એ સમજવા એક દાખલો લઈએ. તમારો કોઈ ખાસ દોસ્ત છે. તમે જાણો છો કે તે કેટલો ભાર ઊંચકી શકે છે. એટલે તેના માટે મુશ્કેલ હોય, એવી એકદમ ભારે વસ્તુ ઊંચકવાનું તમે તેને નહિ કહો. હવે યહોવાહનો વિચાર કરો. તે તો આપણા કરતાં પણ વધારે દયાળુ છે. બાઇબલ કહે છે કે યહોવાહ ‘જાણે છે કે આપણે ધૂળના છીએ.’ (ગીત. ૧૦૩:૧૪) તે આપણી શક્તિ પ્રમાણે જ કરવાનું કહેશે. તેમણે આપેલી આજ્ઞાઓ પણ આપણા માટે ભારે નથી. એટલે તેમની આજ્ઞાઓ ન માનવા આપણી પાસે કોઈ કારણ નથી. આપણે ખુશી ખુશી એ આજ્ઞાઓ પાળીને તેમને આધીન રહી શકીએ છીએ. એમ કરીને યહોવાહને પ્રેમ બતાવવાનો આપણને સારો મોકો મળે છે.

યહોવાહ પાસેથી એક ખાસ ભેટ

૬, ૭. (ક) અંતઃકરણ શું છે? (ખ) અંતઃકરણ કેવી રીતે આપણને મદદ કરી શકે, એ દાખલાથી સમજાવો.

આ દુનિયામાં આપણને ઘણા નિર્ણયો લેવા પડે છે. એ નિર્ણયો પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે હોવા જોઈએ. પણ કેવી રીતે ખાતરી રાખી શકીએ કે આપણે લીધેલો નિર્ણય યહોવાહની ઇચ્છા પ્રમાણે છે? એ માટે યહોવાહે આપણને એક ભેટ આપી છે. એ ભેટ છે, આપણું અંતઃકરણ. એ બતાવે છે કે આપણે કેવા છીએ. એક ન્યાયાધીશની જેમ, અંતઃકરણ આપણે કરેલાં કામોનો ન્યાય કરે છે. એ તપાસે છે કે કયાં કામો સારાં હતાં કે કયાં કામો ખરાબ હતાં. અંતઃકરણ આપણને ખરું-ખોટું પારખીને નિર્ણય લેવા મદદ કરે છે.—રૂમી ૨:૧૪, ૧૫ વાંચો.

અંતઃકરણ કેવી રીતે આપણને મદદરૂપ થાય છે, એનો એક દાખલો લઈએ. ધારો કે તમે રાતના સમયે ચાલીને ક્યાંક જઈ રહ્યા છો. તમને રસ્તો સાફ દેખાય અને ભૂલા ન પડી જાવ એ માટે શાની જરૂર પડશે? ટૉર્ચની જરૂર પડશે, નહિ તો રસ્તામાં ભૂલા પડી જશો અને મુશ્કેલીમાં આવી પડશો. એવી જ રીતે, જો આપણી પાસે અંતઃકરણ નહિ હોય, તો જીવનમાં ખરું-ખોટું પારખી નહિ શકીએ અને મુશ્કેલીમાં આવી પડીશું.

૮, ૯. (ક) જો આપણા મનની ઇચ્છા પ્રમાણે જ કરીશું તો શું થશે? (ખ) આપણું અંતઃકરણ ખરું-ખોટું પારખવા મદદ કરે, એ માટે શું કરવું જોઈએ?

આપણે ટૉર્ચથી સારી રીતે રસ્તો જોઈ શકીએ છીએ. પણ રસ્તામાં કોઈ મનગમતી વસ્તુ દેખાઈ જાય અને આપણે પોતાનો રસ્તો છોડીને એની પાછળ જઈએ તો, આપણે ભૂલા પડી જઈ શકીએ. એ રીતે આપણે દિલની જ વાત માનીશું તો શું થશે? બાઇબલ કહે છે કે “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મે. ૧૭:૯; નીતિ. ૪:૨૩) એટલે આપણા મનની ખોટી ઇચ્છાઓ પૂરી કરતા રહીશું તો અંતઃકરણ બુઠ્ઠું થઈ શકે છે. બીજું કે ટૉર્ચમાં બેટરી ખલાસ થવા આવી હોય કે ચાલતી જ ન હોય તો એ ટોર્ચ કંઈ કામની નથી. એવી જ રીતે, આપણું અંતઃકરણ કામ કરે એ માટે આપણને બાઇબલનું જ્ઞાન હોવું જોઈએ. (ગીત. ૧૧૯:૧૦૫) જોકે આજે દુનિયાના લોકો બાઇબલ પર ભરોસો રાખવાને બદલે, પોતાને મન ફાવે એમ કરતા હોય છે. (એફેસી ૪:૧૭-૧૯ વાંચો.) એના લીધે લોકો પાસે અંતઃકરણ હોવા છતાં, ખોટાં કામો કરે છે.—૧ તીમો. ૪:૨.

આપણે ખોટાં કામો કરીને યહોવાહને દુઃખ પહોંચાડવા માગતા નથી. બાઇબલ વાંચીને દિલમાં ઉતારીશું તો, આપણું અંતઃકરણ ખરું-ખોટું પારખવા મદદ કરશે. આપણે અંતઃકરણનું સાંભળીશું તો, મનની ખોટી ઇચ્છાઓ પડતી મૂકીશું. મંડળના ભાઈ-બહેનોનાં અંતઃકરણનું પણ ધ્યાન રાખીશું, એને માન આપીશું. એ માટે યાદ રાખીએ કે આપણને ગમે એ બધાને ન પણ ગમે. એટલે તેમની સામે એવું કંઈ નહિ કરીએ કે કહીએ જેનાથી તેઓને ઠોકર લાગે.—૧ કોરીં. ૮:૧૨; ૨ કોરીં. ૪:૨; ૧ પીત. ૩:૧૬.

૧૦. આપણે કઈ ત્રણ બાબતો પર ચર્ચા કરીશું?

૧૦ અંતઃકરણની ભેટને ધ્યાનમાં રાખીને ચાલો આપણે જીવનમાં લાગુ પડે એવી ત્રણ બાબતો જોઈએ: (૧) યહોવાહ ચાહે છે તેઓને આપણે ચાહીએ. (૨) યહોવાહે જવાબદારી સોંપી છે તેઓને આધીન રહીએ. (૩) આપણે દરેક રીતે શુદ્ધ રહેવાની કોશિશ કરીએ. એમાંથી જોઈશું કે કઈ રીતે આપણે યહોવાહને આધીન રહીને પ્રેમ બતાવી શકીએ. એ પણ જોઈશું કે આપણું અંતઃકરણ બાઇબલના શિક્ષણથી કેળવાયેલું હશે તો જ આપણને સારું માર્ગદર્શન આપશે.

યહોવાહ ચાહે છે તેઓને આપણે ચાહીએ

૧૧. યહોવાહ જેઓને ચાહે છે તેઓને આપણે પણ કેમ ચાહવા જોઈએ?

૧૧ પહેલા તો, યહોવાહ ચાહે છે તેઓને આપણે ચાહીએ. એ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી સોબત કેવી છે. આ દુનિયાની ગંદકી ચોંટતા વાર નથી લાગતી. આપણા સર્જનહાર જાણે છે કે બીજાઓની સંગત માણવાથી કેટલો ફાયદો અને કેટલું નુકસાન થાય છે. એટલે જ તેમણે બાઇબલમાં આવી સારી સલાહ આપી છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૩૩) પોતાને ‘નુકસાન’ થાય એવું કોઈ પણ નહિ ચાહે. દરેક જણ “જ્ઞાની” થવા ચાહશે. પણ યહોવાહ કરતાં બીજું કોઈ પણ વધારે જ્ઞાની હોય જ ન શકે. કોઈ પણ યહોવાહને ભ્રષ્ટ ન કરી શકે. તોપણ કોની સાથે સંગત રાખવી, એની યહોવાહ પસંદગી કરે છે. ચાલો હવે એના વિષે જોઈએ.

૧૨. યહોવાહ કેવા મિત્રો પસંદ કરે છે?

૧૨ તમને યાદ હશે કે યહોવાહે ઈબ્રાહીમને “મારા મિત્ર” કહ્યા. (યશા. ૪૧:૮) ઈબ્રાહીમનો સ્વભાવ બહુ જ સારો હતો. તે ન્યાયી હતા. ઈશ્વરને વફાદાર અને આધીન હતા. (યાકૂ. ૨:૨૧-૨૩) યહોવાહ આજે પણ ઈબ્રાહીમ જેવા લોકો સાથે સંગત રાખવાનું પસંદ કરે છે. જો યહોવાહ વફાદાર અને આધીન લોકોને પોતાના મિત્ર તરીકે પસંદ કરતા હોય, તો આપણે પણ સારા મિત્રોની પસંદગી કરીએ એ કેટલું જરૂરી છે!

૧૩. તમે કેવી રીતે સારા મિત્રો પસંદ કરી શકો?

૧૩ તમે કેવી રીતે સારા મિત્રો પસંદ કરી શકો? બાઇબલના દાખલાનો અભ્યાસ કરવાથી તમને વધારે સમજ પડશે. દાખલા તરીકે, રૂથ અને નાઓમી એકબીજાને દિલથી ચાહતા હતા. યોનાથાન અને દાઊદ, તીમોથી અને પાઊલ એકબીજાના દિલોજાન મિત્રો હતા. (રૂથ ૧:૧૬, ૧૭; ૧ શમૂ. ૨૩:૧૬-૧૮; ફિલિ. ૨:૧૯-૨૨) તેઓ સર્વમાં એક વસ્તુ સરખી હતી: તેઓ બધા જ યહોવાહને પ્રેમ કરતા હતા. તમે પણ એવા લોકો સાથે દોસ્તી કરી શકો, જે તમારી જેમ યહોવાહને ચાહતા હોય. મંડળમાંથી તમને એવા દોસ્તો મળશે. તેઓ તમારી પાસે એવું કંઈ નહિ કરાવે, જેનાથી યહોવાહ સાથેનો તમારો નાતો તૂટી જાય. એના બદલે, તેઓ તમને યહોવાહ સાથેનો નાતો પાક્કો કરવા મદદ કરશે. (ગલાતી ૬:૭, ૮ વાંચો.) તમને ઈશ્વરના પ્રેમમાં ટકી રહેવા પણ મદદ કરશે.

જવાબદાર ભાઈઓને આધીન રહીએ

૧૪. જવાબદાર ભાઈઓને આધીન રહેવું કેમ મુશ્કેલ લાગી શકે?

૧૪ યહોવાહને પ્રેમ બતાવવાની બીજી રીત છે, તેમને આધીન રહેવું. યહોવાહે જવાબદારી સોંપી છે તેઓને આધીન રહીએ. પરંતુ, કોઈ વાર આપણને જવાબદાર ભાઈઓને આધીન રહેવું મુશ્કેલ લાગી શકે. શા માટે? એક કારણ છે, તેઓ પણ આપણી જેમ સામાન્ય માણસ છે. ભૂલો કરી બેસે છે. આપણામાં જન્મથી જ બંડખોર વલણ હોવાથી, આધીન રહેવું સહેલું નથી.

૧૫, ૧૬. (ક) યહોવાહે જવાબદારી સોંપી છે તેઓને કેમ આધીન રહેવું જોઈએ? (ખ) ઈસ્રાએલીઓએ મુસા વિરુદ્ધ ફરિયાદ કરી, એનાથી યહોવાહને કેવું લાગ્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૫ તમને થશે કે જો આધીન રહેવું મુશ્કેલ હોય તો, શા માટે આધીન રહેવું? એનો જવાબ તમે ખરેખર કોને આધીન રહેવા માંગો છો એના પર રહેલો છે. આપણે યહોવાહને આધીન રહેવા માંગતા હોય તો, તેમણે જેઓને જવાબદારી સોંપી છે તેઓને પણ આધીન રહેવું જોઈએ. જો આપણે આધીન ન રહીએ, તો આપણે યહોવાહને વિશ્વના માલિક ગણતા નથી. યહોવાહે આપણી કાળજી રાખવા અમુક ભાઈઓને જવાબદારી સોંપી છે. તેઓ દ્વારા યહોવાહ આપણને માર્ગદર્શન આપે છે. આપણે એ ભાઈઓ વિરૂદ્ધ ફરિયાદ કરીશું કે ગમે તેમ બોલીશું તો, યહોવાહને કેવું લાગશે?—૧ થેસ્સાલોનીકી ૫:૧૨, ૧૩ વાંચો.

૧૬ ચાલો એક દાખલો લઈએ. ઈસ્રાએલીઓએ મુસા વિરુદ્ધ ફરિયાદ કરી અને બળવો પોકાર્યો હતો. એનાથી યહોવાહને લાગ્યું કે ઈસ્રાએલીઓ જાણે તેમની વિરુદ્ધ બળવો પોકારી રહ્યા હતા, અથવા તેમની વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા હતા. (ગણ. ૧૪:૨૬, ૨૭) યહોવાહ હજુ પણ બદલાયા નથી. આપણે જવાબદારી નિભાવતા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કે કચકચ કરીશું તો, જાણે યહોવાહની ફરિયાદ કર્યા બરાબર થશે!

૧૭. મંડળમાં જવાબદારી નિભાવતા ભાઈઓ સાથે આપણે કેવું વલણ બતાવવું જોઈએ?

૧૭ પાઊલ જણાવે છે કે મંડળમાં જવાબદારી નિભાવતા ભાઈઓ સાથે આપણે કેવું વલણ બતાવવું જોઈએ. તેમણે લખ્યું: ‘તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમકે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારી ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમકે એથી તમને ગેરલાભ થાય.’ (હેબ્રી ૧૩:૧૭) ખરું કે આપણે આધીન રહેવા માટે ઘણી મહેનત કરવી પડશે. પરંતુ આપણે જે કંઈ કરીએ છીએ, એ ઈશ્વરના પ્રેમમાં ટકી રહેવા જ કરીએ છીએ.

યહોવાહની નજરમાં શુદ્ધ રહેવા કોશિશ કરીએ

૧૮. શા માટે યહોવાહ ચાહે છે કે આપણે શુદ્ધ રહીએ?

૧૮ હવે આપણે ત્રીજી બાબત જોઈએ. એ છે, આપણે દરેક રીતે શુદ્ધ રહેવાની કોશિશ કરીએ. એ સમજવા એક દાખલો લઈએ. માબાપ કાળજી રાખે છે કે તેઓનું બાળક ચોખ્ખું દેખાય. પણ તેઓ એવું કેમ કરે છે? એક કારણ એ છે કે બાળક ચોખ્ખું હશે તો, એની તબિયત પર સારી અસર પડશે. બીજું, એ બતાવે છે કે તેનાં માબાપ કેટલાં પ્રેમાળ છે અને તેની કાળજી રાખે છે. યહોવાહ પણ ચાહે છે કે આપણે દરેક રીતે શુદ્ધ રહીએ. તે જાણે છે કે ચોખ્ખા રહેવાથી આપણી તબિયત પર સારી અસર પડે છે. આપણે દરેક રીતે શુદ્ધ હોઈશું તો એનો મહિમા યહોવાહ પરમેશ્વરને મળે છે. આપણે આ દુનિયાના લોકો કરતાં જુદા તરી આવતા હોવાથી, ઘણા લોકો યહોવાહની ભક્તિ કરવા પ્રેરાય છે.

૧૯. આપણે કેવી રીતે જાણી શકીએ કે શુદ્ધ રહેવું જરૂરી છે?

૧૯ આપણે કઈ રીતોએ શુદ્ધ રહેવાની જરૂર છે? આપણે પણ પ્રાચીન ઈસ્રાએલીઓની જેમ દરેક રીતે શુદ્ધ રહેવું જોઈએ. યહોવાહે તેઓને સાફ જણાવ્યું હતું કે તેઓએ શારીરિક રીતે શુદ્ધ રહેવું જોઈએ. (લેવી. ૧૫:૩૧) દાખલા તરીકે, ચોખ્ખાઈ રાખવા મુસાનો નિયમ જણાવતો હતો કે મળને ઢાંકી દેવો. હાથ, પગ અને કપડાં ધોવા વિષે પણ નિયમ હતા. (નિર્ગ. ૩૦:૧૭-૨૧; ગણ. ૧૯:૧૭-૨૦; લેવી. ૧૧:૩૨; પુન. ૨૩:૧૩, ૧૪) એનાથી ઈસ્રાએલીઓને યાદ રહેતું કે તેઓ “પવિત્ર” પરમેશ્વરની ભક્તિ કરે છે. આજે પણ “પવિત્ર” પરમેશ્વરના સર્વ ભક્તોએ દરેક રીતે “શુદ્ધ” રહેવું જોઈએ.—લેવીય ૧૧:૪૪, ૪૫ વાંચો.

૨૦. તન-મનથી શુદ્ધ રહેવા આપણે શું કરવું જોઈએ?

૨૦ આપણે તન-મનથી ચોખ્ખા રહેવાની જરૂર છે. આપણે ખરાબ વિચારો પણ મનમાં ન લાવવા જોઈએ. પણ આજે એ કરવું સહેલું નથી, કેમ કે આજની દુનિયા વ્યભિચાર જેવાં કામોથી ભરેલી છે. પણ આપણે યહોવાહે આપેલા નિયમો પાળીશું તો એવાં કામોથી દૂર રહીશું. સૌથી મહત્ત્વનું તો, યહોવાહ માટેની ભક્તિ શુદ્ધ રાખવી જોઈએ. માણસોએ બનાવેલા ધર્મોમાં આપણે જરાયે ભાગ ન લેવો જોઈએ. આપણે યશાયાહ ૫૨:૧૧માં આપેલી આ ચેતવણી યાદ રાખવી જોઈએ: “જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુને અડકશો મા; તેની વચમાંથી નીકળો.” આજે દરેક રીતે શુદ્ધ રહેવું હોય તો, યહોવાહ જે બાબતો ધિક્કારે છે એને આપણે પણ ધિક્કારવી જોઈએ. દાખલા તરીકે, આજની દુનિયા માણસોએ બનાવેલા ધર્મોના તહેવારો પાછળ ગાંડી છે. પણ આપણે એ તહેવારોમાં કોઈ ભાગ લેતા નથી. માણસોએ બનાવેલા ધર્મો સાથે લેવા-દેવા નહિ રાખીએ તો, આપણે સાફ દિલથી યહોવાહની ભક્તિ કરી શકીશું. આ રીતે યહોવાહના પ્રેમમાં ટકી રહી શકીશું.

૨૧. યહોવાહના પ્રેમમાં હંમેશાં માટે રહેવા આપણે શું કરવું જોઈએ?

૨૧ યહોવાહ ચાહે છે કે આપણે હંમેશાં માટે તેમના પ્રેમની છાયામાં રહીએ. એ માટે આપણે પૂરા પ્રયત્ન કરવા જોઈએ. બીજું કે આપણે ઈસુના દાખલાને અનુસરીએ. યહોવાહે આપેલી બધી જ આજ્ઞાઓ પાળીએ. આમ કરીશું તો ‘ઈશ્વરની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.’—રૂમી ૮:૩૮, ૩૯. (w09 8/15)

તમને યાદ છે?

• અંતઃકરણ કેવી રીતે આપણને મદદ કરી શકે?

• યહોવાહ જેઓને ચાહે છે તેઓને આપણે કેમ ચાહવા જોઈએ?

• જવાબદાર ભાઈઓને આધીન રહેવું કેમ જરૂરી છે?

• શુદ્ધ રહેવું યહોવાહના ભક્તો માટે કેમ મહત્ત્વનું છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૮ પર ચિત્ર]

“હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો”