સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવા કરવાનો લહાવો તમને પાછો મળી શકે છે

સેવા કરવાનો લહાવો તમને પાછો મળી શકે છે

સેવા કરવાનો લહાવો તમને પાછો મળી શકે છે

તમને મંડળમાં કોઈ લહાવો હતો? જેમ કે, તમે કદાચ સેવકાઈ ચાકર, વડીલ, પાયોનિયર, મિશનરી હતા. એનાથી તમને જીવનમાં ઘણો આનંદ મળ્યો હશે. પણ કોઈ કારણને લીધે અત્યારે એ લહાવો તમારી પાસે નથી.

એનું શું કારણ હોઈ શકે? ઉંમર કે તબિયતને લીધે કદાચ અત્યારે તમારી પાસે એ લહાવો નથી. અથવા કદાચ કુટુંબની સંભાળ રાખવા તમારે વધારે સમય આપવો પડે છે. (૧ તીમો. ૫:૮) પહેલી સદીમાં ફિલિપે જ્યારે પોતાના કુટુંબની સંભાળ રાખવાની જરૂર પડી, ત્યારે તેમણે મિશનરી સેવા છોડવી પડી. (પ્રે. કૃ. ૨૧:૮, ૯) રાજા દાઊદ મોટી ઉંમરના થયા ત્યારે, તેમણે ગોઠવણ કરી કે તેમનો દીકરો સુલેમાન રાજા બને. (૧ રાજા. ૧:૧, ૩૨-૩૫) ભલે દાઊદ અને ફિલિપને મોટી જવાબદારી છોડવી પડી, પણ તેઓ બન્‍ને જાણતા હતા કે યહોવાહની નજરમાં તેઓ પ્રિય હતા. એટલે તમારે પણ કોઈ લહાવો કે જવાબદારી છોડવી પડે તો, તેઓની જેમ વિચારો. યહોવાહ તમને પણ પ્રિય ગણે છે.

પણ કદાચ તમારા કિસ્સામાં વડીલોએ નક્કી કર્યું હોય કે તમે એ મંડળની જવાબદારી કે લહાવા માટે લાયક નથી. તેઓએ એમ નિર્ણય લીધો હશે, કેમ કે કદાચ તમારું અથવા તમારા કુટુંબમાંના કોઈકનું વર્તન સારું ન હતું. (૧ તીમો. ૩:૨, ૪, ૧૦, ૧૨) વડીલોના એ નિર્ણય સાથે કદાચ તમે હજી સહમત ન પણ હોવ અને એટલે તમને બહુ જ દુઃખ થાય છે.

તમે એ લહાવો ફરીથી મેળવી શકો

જો તમે મંડળની કોઈ જવાબદારી કે લહાવો ગુમાવ્યો હોય, તો શું એનો અર્થ એ થાય કે તમે ફરી એ મેળવી શકતા નથી? એનો અર્થ એવો નથી. પણ તમારા વાણી-વર્તનથી બતાવવું જોઈએ કે એ જવાબદારી કે લહાવાથી યહોવાહની વધારે સેવા કરવાની તમારા દિલની ઇચ્છા છે. (૧ તીમો. ૩:૧) શા માટે એમ કરવું જોઈએ? એ જવાબ મેળવવા તમારા બાપ્તિસ્માનો વિચાર કરો. તમે બાપ્તિસ્મા પામ્યા, કેમ કે તમે યહોવાહ પર પૂરા દિલથી પ્રેમ રાખ્યો. તમે તેમના ભક્તો પર પ્રેમ રાખ્યો. એના લીધે ફરી વાર એ લહાવો કે જવાબદારીથી સેવા કરવાની ઇચ્છા જાગશે. એ ઇચ્છા બહુ જ સારી છે, કેમ કે તમારી પાસે જે અનુભવ છે એનો ઉપયોગ યહોવાહ ફરીથી એ જવાબદારી કે લહાવો આપીને કરશે.

યહોવાહ પણ ચાહે છે કે તમે ફરી વાર એ જવાબદારી કે લહાવો મેળવીને સેવા આપો. એ વધારે સમજવા ચાલો ઈસ્રાએલીઓનો દાખલો લઈએ. તેઓએ ઘણી વાર યહોવાહને દુઃખ પહોંચાડીને આશીર્વાદો ગુમાવ્યા. તેમ છતાં યહોવાહે તેઓને જણાવ્યું: “હું યહોવાહ અવિકારી છું [બદલાતો નથી]; એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.” (માલા. ૩:૬) ભલે ઈસ્રાએલીઓએ ઘણી ભૂલો કરી, તેમ છતાં યહોવાહ ચાહતા હતા કે તેઓને ફરી વાર એ આશીર્વાદો આપે. તમે શું કરી શકો, જેથી યહોવાહ ફરીથી તમને આશીર્વાદ આપી શકે? ખરું કે આવડત જરૂરી છે, પણ એના કરતાં જરૂરી યહોવાહ સાથેનો તમારો સંબંધ છે. તેથી, એ ગાઢ બનાવવા અત્યારથી પ્રયત્ન કરો અને યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખો.

વિશ્વાસમાં ‘બળવાન થવા’ તમે “યહોવાહને તથા તેના સામર્થ્યને શોધો.” (૧ કોરીં. ૧૬:૧૩; ગીત. ૧૦૫:૪) એ માટે પૂરા દિલથી યહોવાહને પ્રાર્થના કરો. તમારી દિલની લાગણીઓ જણાવો. જે દુઃખ તમે અનુભવો છો, એ દૂર કરવા યહોવાહ પાસે શક્તિ માગો. યહોવાહ તમને સહાય કરશે અને તેમની સાથેનો સંબંધ ગાઢ બનાવવા મદદ કરશે. (ગીત. ૬૨:૮; ફિલિ. ૪:૬, ૧૩) પ્રાર્થનાની સાથે સાથે બાઇબલમાંથી વધારે સ્ટડી પણ કરો. હમણાં તમારી પાસે જે ટાઇમ છે, એનો ઉપયોગ તમે બાઇબલમાંથી વધારે સ્ટડી કરવા કાઢી શકો. જો કુટુંબ હોય, તો તેઓ સાથે પણ બાઇબલ સ્ટડીમાં વધારે સમય કાઢી શકો. આમ, તમે નિયમિત રીતે બાઇબલમાંથી સ્ટડી કરી શકશો.

તમારી પાસે કોઈ જવાબદારી કે લહાવો હોય કે ન હોય, યાદ રાખો કે તમે એક યહોવાહના સાક્ષી છો. (યશા. ૪૩:૧૦-૧૨) તમે ‘ઈશ્વરના સેવક હોવાથી તેમની સાથે કામ કરનારા છો.’ એ ખરેખર મોટો લહાવો છે! (૧ કોરીં. ૩:૯) યહોવાહના સેવકો હોવાને લીધે, આપણને તેમનો સંદેશો ફેલાવવાનો લહાવો છે. જો તમે એમ વધારે કરશો, તો યહોવાહ અને તેમના બીજા ભક્તો સાથે સંબંધ ગાઢ બનશે.

તમારું દુઃખ કઈ રીતે સહી શકો

કોઈ જવાબદારી કે લહાવો ગુમાવનાર વ્યક્તિને કદાચ શરમ કે દુઃખ લાગશે. એટલે કદાચ અમુક વખતે તેમને થઈ શકે કે વડીલોએ લીધેલો નિર્ણય બરાબર નથી. કોઈ વાર વ્યક્તિ વડીલો સાથે એની ચર્ચા પણ કરે. ચર્ચા પછી પણ વડીલોને લાગે કે એ નિર્ણય બરાબર છે, તો ઘણી વાર વ્યક્તિના મનમાં ખોટા વિચારો આવવા માંડે છે. એ કારણને લીધે અમુક વ્યક્તિ યહોવાહની ભક્તિમાં ઠંડા પડી જાય છે. વડીલોની મદદ છતાં, તેઓ ખોટા વિચારોમાં ડૂબેલા હોય છે. એવા વિચારો દૂર કરવા કઈ રીતે મદદ મળી શકે? ચાલો અયૂબ, મનાશ્શેહ અને યુસફના જીવનમાં શું થયું એ જોઈએ.

અયૂબ પાસે ઘણી જવાબદારી હતી. જેમ કે, તેમનાં સગાં-વહાલાંએ કદાચ કોઈ ભૂલ કરી હોય એમ વિચારી, અયૂબ તેઓ માટે યહોવાહને બલિદાનો ચડાવતાં. બીજું કે તેમના સમાજમાં તે વડીલ અને ન્યાયાધીશ હતા. (અયૂ. ૧:૫; ૨૯:૭-૧૭, ૨૧-૨૫) પણ અચાનક તેમણે આ બધી જવાબદારી ગુમાવી. એની સાથે તેમણે પોતાનાં સંતાનો, ધનદોલત અને તંદુરસ્તી બધું એક પછી એક ગુમાવી દીધું. આ બધું બનવાથી લોકોએ તેમને માન આપવાનું છોડી દીધું. અયૂબે પોતે કહ્યું કે “હવે મારા કરતાં નાનાઓ, આજે મને હસી કાઢે છે.”—અયૂ. ૩૦:૧.

અયૂબ પર આ પરીક્ષણ આવ્યું ત્યારે, તે વિચારતા હતા કે શા માટે ઈશ્વર એ દુઃખ-તકલીફો તેમના પર આવવા દે છે. (અયૂ. ૧૩:૧૫) ભલે અયૂબને આવા પ્રશ્નો થયા, તોપણ તેમણે યહોવાહમાંથી વિશ્વાસ ગુમાવ્યો નહીં. તે જાણતા હતા કે યહોવાહ યોગ્ય સમયે તેમને મદદ કરશે. સમય જતાં, તેમનું વર્તન બદલાઈ ગયું. તેમને ખબર પડી કે તેમણે સુધારો કરવાની જરૂર હતી. (અયૂ. ૪૦:૬-૮; ૪૨:૩,) એ સુધારો કરવા યહોવાહે તેમને શિખામણ આપી. અયૂબ નમ્રતાથી એ સ્વીકારી. એના લીધે યહોવાહે તેમને ઘણા આશીર્વાદો આપ્યા.—અયૂ. ૪૨:૧૦-૧૩.

જો તમે કોઈ જવાબદારી કે લહાવો ગુમાવ્યો હોય, તો કદાચ થશે કે ‘શું યહોવાહ મને માફ કરશે? મારી ભૂલ કે પાપ ભૂલી જશે? શું મંડળના વડીલો પણ એમ જ કરશે?’ એ સવાલોના જવાબ મેળવવા યહુદીઓના રાજા મનાશ્શેહનો દાખલો લઈએ. ‘તેમણે યહોવાહની દૃષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.’ (૨ રાજા. ૨૧:૬) પણ જ્યારે તે ગુજરી ગયા ત્યારે તે રાજા હતા અને યહોવાહની નજરમાં તે વિશ્વાસુ માણસ હતા. આવું કેવી રીતે બન્યું?

ખરું કે શરૂઆતમાં યહોવાહે મનાશ્શેહને ઘણી ચેતવણી આપી, પણ તેમણે સાંભળી ન હતી. એટલે યહોવાહે આશ્શૂરને પસંદ કર્યું, જેથી એ મનાશ્શેહને બંદીવાન બનાવીને બાબેલમાં લઈ જાય. આવી શિક્ષા મળવાથી મનાશ્શેહ સુધરી ગયા. ત્યાં ‘તેમણે પોતાના ઈશ્વર યહોવાહને કાલાવાલા કર્યા; અને પોતાના ઈશ્વર આગળ તે અતિશય દીન થઈ ગયા. તેમણે એની પ્રાર્થના કરી.’ આ બતાવે છે કે મનાશ્શેહે પૂરા દિલથી પસ્તાવો કર્યો. (૨ કાળ. ૩૩:૧૨, ૧૩) આ વખતે યહોવાહે મનાશ્શેહને શિખામણ આપી અને એ તેમણે માની. એના લીધે યહોવાહે તેમનાં પાપ માફ કર્યાં.

વ્યક્તિ હંમેશાં યાદ રાખે કે ગુમાવેલી કોઈ પણ જવાબદારી કે લહાવામાં ફરીથી સેવા આપતા સમય તો લાગશે જ. એ સંજોગ સહન કરવા સહેલું નથી. પણ સમય જતાં વડીલો નક્કી કરી શકે કે વ્યક્તિને અમુક જવાબદારીઓ આપી શકાય કે નહીં. વ્યક્તિ એ જવાબદારીઓ પૂરા દિલથી નિભાવશે તો, વડીલો કદાચ વધારે જવાબદારીઓ સોંપશે. એટલે ગમે તે જવાબદારી કે લહાવો મળે, વ્યક્તિએ પૂરા દિલથી કરવી જોઈએ. જો તે એમ કરે તો યહોવાહ તેમને આશીર્વાદ આપશે.

ચાલો હવે યુસફનો દાખલો લઈએ. તે ૧૭ વર્ષના હતા ત્યારે, તેમના ભાઈઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા. (ઉત. ૩૭:૨, ૨૬-૨૮) તેમના ભાઈઓ આવું કંઈ કરશે, એવું તેમણે કદી વિચાર્યું પણ ન હતું. તેમ છતાં, તેમણે ગુલામી સહન કરી. પણ યહોવાહે તેમને આશીર્વાદ આપ્યા. યુસફના શેઠે ‘તેમને ઘરના કારભારી ઠરાવ્યા, ને તેમનું જે હતું તે સર્વ તેમના હાથમાં સોંપ્યું.’ (ઉત. ૩૯:૪) જોકે સમય જતાં યુસફને બંદીખાનામાં નાખવામાં આવ્યા. ત્યાં પણ તે યહોવાહને વિશ્વાસુ રહ્યા. એના લીધે યહોવાહે તેમને ત્યાં પણ મદદ કરી. યુસફને બંદીખાનામાં બધા કેદીઓ પર ઉપરી ઠરાવ્યા.—ઉત. ૩૯:૨૧-૨૩.

યુસફને ખબર ન હતી કે શા માટે તે ગુલામ બન્યા? કોઈ ગુનો કર્યા સિવાય શા માટે તેમને બંદીખાનામાં નાખવામાં આવ્યા? પણ આ બંને સંજોગોમાં તે યહોવાહને વફાદાર રહ્યા. એના લીધે યહોવાહે તેમને ઘણા આશીર્વાદ આપ્યા. એક મોટો આશીર્વાદ એ હતો કે ઈસુ તેમના વંશમાંથી આવ્યા. (ઉત. ૩:૧૫; ૪૫:૫-૮) યુસફની જેમ વફાદાર રહીશું, તો યહોવાહ એ જોઈ શકશે. તે આપણને પણ ઘણા આશીર્વાદ આપશે.

પોતાના અનુભવમાંથી શીખો

અયૂબ, મનાશ્શેહ અને યુસફને ઘણું સહન કરવું પડ્યું. તેમ છતાં, આ ત્રણેય ભક્તોએ જે સહન કર્યું, એ માટે તેઓએ કદી પણ યહોવાહને દોષ ન આપ્યો. એના બદલે તેઓ એ સંજોગોમાંથી કંઈક સારું શીખ્યા. તેઓની જેમ તમારે સહન કરવું પડે તો, એમાંથી તમને પણ કંઈક શીખવા મળશે.

યહોવાહ તમને શું શીખવવા માગે છે એ જુઓ. અયૂબ પરીક્ષણ સહેતા હતા ત્યારે, તેમણે યહોવાહના કરતાં પોતાને વધારે મહત્ત્વ આપ્યું. યહોવાહે પોતાના એક ભક્ત દ્વારા અયૂબને શિખામણ આપી. તેમણે પસ્તાવો કર્યો અને કબૂલ્યું કે “હું સમજતો નહોતો તે બોલ્યો છું.” (અયૂ. ૪૨:૩) તમને પણ મંડળની જવાબદારી ગુમાવવાથી દુઃખ થયું હોય તો, બાઇબલના આ શબ્દો પર ધ્યાન આપો: ‘દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો.’ (રૂમી ૧૨:૩) આ ધ્યાનમાં રાખીને વર્તશો તો, એના દ્વારા યહોવાહ તમને કંઈક શીખવી શકશે.

શિખામણ સ્વીકારો. જ્યારે યહોવાહે મનાશ્શેહને શિખામણ આપી, ત્યારે તેને લાગ્યું હશે કે એ બહુ જ કડક હતી. તેમ છતાં તેમણે શિખામણ સ્વીકારી. પસ્તાવો કર્યો અને સાચા માર્ગે પાછા ફર્યા. તમને પણ કદાચ વડીલોની શિખામણ અઘરી લાગે. તોપણ, જો ‘તમે પ્રભુની આગળ દીન થશો તો તે તમને ઉચ્ચપદે મૂકશે.’—૧ પીત. ૫:૬; યાકૂ. ૪:૧૦.

ધીરજ રાખો. યુસફે પોતાના ભાઈઓને લીધે જે સહન કરવું પડ્યું, એના લીધે તેમના મનમાં કડવાશ ભરાઈ ગઈ હોત. તે બદલો પણ લઈ શકત. એના બદલે, તેમણે ધીરજ બતાવી અને પોતાના ભાઈઓને માફ કર્યા. (ઉત. ૫૦:૧૫-૨૧) તમારા મનમાં પણ કદાચ મંડળના ભાઈઓ માટે કડવાશ હોય શકે. પણ યુસફની જેમ ધીરજ બતાવો. યહોવાહ તમને જે શીખવે છે એ રાજી-ખુશીથી શીખો.

શું તમે મંડળમાં કોઈ જવાબદારી નિભાવતા હતા? જો એમ હોય, તો એવી જ રીતે સેવા કરવાની હોંશ બતાવો. તમારાં વાણી-વર્તન જોઈને યહોવાહ સમય જતાં કદાચ કોઈ જવાબદારી કે લહાવા આપે પણ ખરા. એ સમય દરમિયાન યહોવાહ સાથેનો તમારો સંબંધ ગાઢ બનાવો. જે શિખામણ આપવામાં આવે, તે નમ્રતાથી સ્વીકારો. ધીરજ રાખો. મંડળમાં જે કંઈ કામ સોંપવામાં આવે, એ પૂરા દિલથી કરો. ખાતરી રાખો “ન્યાયથી વર્તનારને માટે તે [યહોવાહ] કંઈ પણ સારૂં વાનું રોકી રાખશે નહિ.”—ગીત. ૮૪:૧૧. (w09 8/15)

[પાન ૨૫ પર બ્લર્બ]

તમારી શ્રદ્ધા મજબૂત કરવા પૂરા દિલથી પ્રાર્થના કરો

[પાન ૨૬ પર ચિત્ર]

પૂરી ધગશથી સંદેશો ફેલાવવાથી યહોવાહ સાથેનો તમારો સંબંધ ગાઢ બનશે

[પાન ૨૭ પર ચિત્ર]

યહોવાહ સમય જતાં તમને જવાબદારી કે લહાવો આપી શકે