સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ આપણી પાસેથી શું ચાહે છે?

યહોવાહ આપણી પાસેથી શું ચાહે છે?

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

યહોવાહ આપણી પાસેથી શું ચાહે છે?

પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩

કોઈનું કહેવું માનવું કે નહિ, એવો નિર્ણય કરવો હંમેશા સહેલો નથી હોતો. જો કોઈ માલિક કઠોર દિલનો હોય અને બસ આજ્ઞાઓ જ આપ્યા કરે તો, તેની નીચે કામ કરતા લોકો મનમાં કડવાશ રાખીને તેની આજ્ઞાઓ પાળશે. પણ વિશ્વના માલિક યહોવાહ એવા નથી. તેમના ભક્તો કોઈ બળજબરી વગર તેમનું કહ્યું ખુશીથી માને છે. તેઓ શા માટે એમ કરે છે? એનો જવાબ મેળવવા ચાલો આપણે પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩માંથી મુસાના શબ્દો તપાસીએ. *

યહોવાહ લોકો પાસેથી શું ચાહે છે એ જણાવ્યા પછી મુસાએ આ પ્રશ્ન પૂછ્યો: “યહોવાહ તારો દેવ તારી પાસે શું માગે છે?” (કલમ ૧૩) યહોવાહ વિશ્વના માલિક છે. તે જીવન આપનાર અને એને ટકાવી રાખનાર છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; યશાયાહ ૩૩:૨૨) તેથી, યહોવાહને જ આજ્ઞા આપવાનો હક્ક છે. પણ તે આપણને તેમની આજ્ઞા પાળવા બળજબરી કરતા નથી. તો પછી, તે આપણી પાસે શું ચાહે છે? એ જ કે આપણે તેમની આજ્ઞાઓ ‘દિલથી સ્વીકારીએ.’—રૂમી ૬:૧૭.

ઈશ્વરની આજ્ઞાઓ દિલથી પાળવાની તમન્‍ના ક્યાંથી આવી શકે? એ વિષે મુસાએ કહ્યું, ‘યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખ.’ * (કલમ ૧૨) એનો અર્થ એ નથી કે ઈશ્વર કડક શિક્ષા કરશે એટલે આપણે ડરી ડરીને તેમનું માનીએ. પણ ઈશ્વરનો ડર રાખવો એટલે તેમને આદર અને માન આપીએ. તે નારાજ થાય એવું કંઈ ન કરીએ. તેમના માર્ગદર્શનને અમૂલ્ય ગણીએ.

ઈશ્વરની આજ્ઞા પાળવાનું મુખ્ય કારણ શું હોવું જોઈએ? મુસા જણાવે છે: ‘યહોવાહને પ્રેમ કર, ને તારા પૂરા દિલથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કર.’ (કલમ ૧૨) જોકે, ઈશ્વરને પ્રેમ કરવો જ પૂરતું નથી. કંઈક વધારે કરવાની જરૂર છે. બાઇબલના એક વિદ્વાન જણાવે છે: ‘હિબ્રૂ ભાષામાં લાગણી માટેના ક્રિયાપદો લાગણીને જ બતાવતા નથી, પણ અમુક વાર એનાથી થતા કામોને બતાવે છે.’ એ સ્કૉલરે એમ પણ કહ્યું કે ઈશ્વરને પ્રેમ કરવાનો અર્થ થાય કે ‘પ્રેમને તમારા કાર્યોમાં બતાવો.’ જો આપણે ઈશ્વરને ખરેખર પ્રેમ કરતા હોઈશું તો, તેમના દિલને ખુશી મળે એ રીતે વર્તીશું.—નીતિવચનો ૨૭:૧૧.

કેટલી હદ સુધી ઈશ્વરનું કહ્યું માનવું જોઈએ? મુસા કહે છે: ‘ઈશ્વરના સર્વ માર્ગોમાં ચાલ.’ (કલમ ૧૨) યહોવાહ ઇચ્છે છે કે આપણે તેમની બધી જ આજ્ઞાઓ પાળીએ. જો તેમને આધીન રહીશું તો, આપણું કંઈ બૂરું થશે? ના, એ અશક્ય છે.

આપણે તેમનું કહ્યું માનીશું તો, અઢળક આશીર્વાદ મળશે. મુસાએ લખ્યું: ‘જે આજ્ઞાઓ હું તારા ભલા માટે આજે તને ફરમાવું છું તે તું પાળ.’ (કલમ ૧૩) સાચે જ, યહોવાહની દરેક આજ્ઞાઓ આપણા જ ભલા માટે હોય છે. એનાથી આપણું નુકસાન થઈ જ ન શકે. બાઇબલ કહે છે કે “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) તેથી તે આપણને ફક્ત એવી જ આજ્ઞાઓ આપે છે જેનાથી હમણાં અને ભાવિમાં આપણું ભલું થાય. (યશાયાહ ૪૮:૧૭) જો યહોવાહની આજ્ઞાઓ પાળીશું તો આપણે અનેક નિરાશાથી બચી જઈશું. તેમ જ ભાવિમાં ઈશ્વરના રાજમાં હંમેશ માટેના આશીર્વાદો મળશે. *

તો હવે શું યહોવાહનું કહેવું માનવું જોઈએ કે નહિ? આપણે યહોવાહનું પૂરા દિલથી અને રાજીખુશીથી માનીએ એ જ સૌથી સારો નિર્ણય છે. તે એક પ્રેમાળ ઈશ્વર છે. હંમેશા આપણું ભલું જ ઇચ્છે છે. યહોવાહની આજ્ઞા પાળવાથી આપણે તેમને વધારે સારી રીતે ઓળખીશું. (w09 10/1)

[ફુટનોટ્‌સ]

^ મુસાના શબ્દો બાઇબલ સમયના ઈસ્રાએલીઓને જ નહિ, પણ આજે યહોવાહને ભજવા ચાહે છે તેઓનેય લાગુ પડે છે.—રૂમી ૧૫:૪.

^ પુનર્નિયમના આખા પુસ્તકમાં મુસાએ એક બાબત પર ભાર મૂક્યો. એ જ કે લોકોએ ઈશ્વરનો ડર રાખીને તેમના નીતિ-નિયમો પ્રમાણે જીવવું જોઈએ.—પુનર્નિયમ ૪:૧૦; ૬:૧૩, ૨૪; ૮:૬; ૧૩:૪; ૩૧:૧૨, ૧૩.

^ વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૩, ‘ઈશ્વરે ધરતી કેમ બનાવી?’ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.