સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવા મદદ મળે છે

બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવા મદદ મળે છે

બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવા મદદ મળે છે

‘હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના, કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ.’—નહે. ૧:૧૧.

૧, ૨. શા માટે બાઇબલમાં આપેલી પ્રાર્થનાઓ પર અભ્યાસ કરવો જોઈએ?

 યહોવાહની ભક્તિ કરવા પ્રાર્થના અને બાઇબલનો અભ્યાસ ખૂબ જરૂરી છે. (૧ થેસ્સા. ૫:૧૭; ૨ તીમો. ૩:૧૬, ૧૭) ખરું કે બાઇબલ પ્રાર્થનાનું પુસ્તક નથી. તેમ છતાં, એમાં ઘણી પ્રાર્થનાઓ છે. ખાસ કરીને ગીતશાસ્ત્રના પુસ્તકમાં અનેક પ્રાર્થનાઓ જોવા મળે છે.

આપણે બાઇબલ વાંચીને અભ્યાસ કરીએ ત્યારે આપણા સંજોગોને અનુરૂપ ઘણી પ્રાર્થનાઓ જોવા મળશે. આપણા સંજોગોને લાગુ પડે એવા વિચારો બાઇબલમાંથી લઈએ તો, પ્રાર્થના વધારે સારી બને છે. ચાલો જોઈએ કે યહોવાહને મદદ માટે વિનંતી કરી હોય તેઓને કેવો જવાબ મળ્યો અને તેઓની પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ.

યહોવાહનું માર્ગદર્શન માંગીને એ પ્રમાણે ચાલીએ

૩, ૪. ઈબ્રાહીમના સેવકને કયું કામ સોંપવામાં આવ્યું હતું? યહોવાહે તેને જે મદદ કરી એમાંથી આપણે શું શીખી શકીએ?

બાઇબલનો અભ્યાસ કરવાથી શીખવા મળે છે કે ઈશ્વર પાસે હંમેશા માર્ગદર્શન માંગવું જરૂરી છે. ઈબ્રાહીમે પોતાના સેવકને મેસોપોટેમિયા મોકલ્યા ત્યારે શું બન્યું એનો વિચાર કરીએ. એ સેવક કદાચ એલીએઝેર હોઈ શકે. તેણે ઇસ્હાક માટે ઈશ્વરને પ્રેમ કરતી હોય એવી પત્ની શોધવાની હતી. એ સેવક મેસોપોટેમિયા પહોંચ્યો ત્યારે અમુક સ્ત્રીઓ કૂવા પાસે પાણી ભરતી હતી. એ વખતે સેવકે પ્રાર્થના કરી: ‘યહોવાહ એમ થવા દેજે કે જે કન્યાને હું કહું, કે કૃપા કરીને તારી ગાગેર ઉતાર કે હું પીઉં. અને તે એમ કહે, પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, તે જ તારા દાસ ઈસ્હાકને માટે તારાથી પસંદ કરેલી કન્યા હોય. અને તેથી હું જાણીશ કે તેં મારા ધણી પર દયા કરી છે.’—ઉત. ૨૪:૧૨-૧૪.

રિબકાહે ઊંટોને પાણી પાયું ત્યારે આ સેવકને તેની પ્રાર્થનાનો જવાબ મળ્યો. થોડા દિવસમાં જ રિબકાહ તેની સાથે કનાન દેશ ગઈ અને ઈસ્હાકની પત્ની બની. ખરું કે આજે આપણે આશા નથી રાખતા કે ઈશ્વર આવી કોઈ નિશાની આપે. પણ જો આપણે યહોવાહને આધીન રહીને પ્રાર્થના કરીએ તો, યહોવાહ તેમની શક્તિ દ્વારા ચોક્કસ આપણને માર્ગદર્શન આપશે.—ગલા. ૫:૧૮.

પ્રાર્થનાથી ચિંતા ઓછી થઈ શકે

૫, ૬. આપણને યાકૂબની પ્રાર્થનાથી શું જોવા મળે છે?

પ્રાર્થના કરવાથી આપણી ચિંતા ઓછી થઈ શકે છે. એકવાર યાકૂબને પોતાના જોડિયા ભાઈ એસાવની બીક લાગી હતી. એટલે યાકૂબે પ્રાર્થના કરી: ‘ઓ યહોવાહ, જે સર્વ કૃપા તેં તારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી. મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી બચાવજે. કેમકે હું તેનાથી બીહું છું, રખેને તે આવીને મને તથા મારા દીકરાઓને તેઓની માઓ સુદ્ધાં મારી નાખે. પણ તેં તો કહ્યું હતું, કે ખચીત હું તારૂં ભલું કરીશ, ને સમુદ્રના કાંઠાની રેતી જે અતિ ઘણી હોવાથી ગણાય નહિ, તેના જેટલો હું તારો વંશ કરીશ.’—ઉત. ૩૨:૯-૧૨.

યાકૂબે ઝઘડો ન થાય માટે અમુક પગલાં ભર્યા અને પ્રાર્થના કરી. પણ તેમની પ્રાર્થનાનો જવાબ બંને ભાઈઓ ભેગા થયા ત્યારે મળ્યો. (ઉત. ૩૩:૧-૪) આપણને યાકૂબની પ્રાર્થનાથી જોવા મળે છે કે તેમણે મદદ માટે ફક્ત આજીજી કરી ન હતી. પણ ‘વંશમાંથી’ આવનાર વચનના સંતાનમાં પણ વિશ્વાસ મૂક્યો. તેમણે યહોવાહની અપાર કૃપા માટે પણ આભાર માન્યો. શું તમને પણ કશાકની “બીક” છે? (૨ કોરીં. ૭:૫) એમ હોય તો, યાકૂબનો દાખલો બતાવે છે કે પ્રાર્થના કરવાથી તમારી ચિંતાઓ ઓછી થઈ શકે. પ્રાર્થનામાં મદદ માંગવાની સાથે એ પણ જણાવો કે તમને યહોવાહમાં પૂરી શ્રદ્ધા છે.

જ્ઞાન મેળવવા પ્રાર્થના કરીએ

૭. મુસાએ કેમ જ્ઞાન મેળવવા પ્રાર્થના કરી?

યહોવાહના માર્ગમાં ચાલવા આપણને તેમના જ્ઞાનની, ડહાપણની જરૂર છે. એ જ્ઞાન માટે પ્રાર્થના કરીએ. મુસાએ પણ યહોવાહના માર્ગે ચાલવા જ્ઞાન મેળવવા પ્રાર્થના કરી: ‘જો, તું મને કહે છે કે આ લોકોને ઇજિપ્તમાંથી દોરી લઈ જા. હવે તારી દૃષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તારા માર્ગ જણાવજે, એ માટે કે હું તારી દૃષ્ટિમાં કૃપા પામું.’ (નિર્ગ. ૩૩:૧૨, ૧૩) એ પ્રાર્થનાના જવાબમાં યહોવાહે મુસાને જ્ઞાન આપ્યું. યહોવાહના લોકોને યોગ્ય માર્ગે દોરી જવા મુસા માટે એ જ્ઞાન ખૂબ જરૂરી હતું.

૮. ૧ રાજાઓ ૩:૭-૧૪ પર મનન કરવાથી તમને કઈ રીતે લાભ થઈ શકે?

દાઊદે પણ પ્રાર્થના કરી: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ.” (ગીત. ૨૫:૪) દાઊદના દીકરા સુલેમાને પણ યહોવાહને જ્ઞાન અને બુદ્ધિ માટે પ્રાર્થના કરી. કેમ કે સુલેમાન ઇસ્રાએલીઓ પર રાજ કરવાની જવાબદારી સારી રીતે નિભાવવા ચાહતા હતા. યહોવાહે સુલેમાનથી ખુશ થઈને તેમને જ્ઞાનની સાથે અઢળક સંપત્તિ અને મહિમા પણ આપ્યા. (૧ રાજાઓ ૩:૭-૧૪ વાંચો.) શું તમને મંડળની કોઈ જવાબદારી નિભાવવી અઘરી લાગે છે? એમ હોય તો, નમ્ર સ્વભાવ કેળવીને જ્ઞાન માટે પ્રાર્થના કરી શકો. યહોવાહ તમને જ્ઞાન મેળવવા અને એ લાગુ પાડવા મદદ કરશે. એનાથી તમે મંડળની જવાબદારી સારી રીતે અને પ્રેમથી નિભાવી શકશો.

દિલથી કરેલી પ્રાર્થના

૯, ૧૦. સુલેમાને પ્રાર્થનામાં હૃદયનો વારંવાર ઉલ્લેખ કર્યો એ શું બતાવે છે?

યહોવાહ દિલથી કરેલી પ્રાર્થના જ સાંભળે છે. ૧ રાજા આઠમા અધ્યાયમાં સુલેમાને દિલથી કરેલી પ્રાર્થના જોવા મળે છે. ઈસવીસન પૂર્વે ૧૦૨૬માં, યરૂશાલેમમાં મંદિરના ઉદ્‍ઘાટન માટે લોકો ભેગા થયા હતા. કરાર કોશને પરમ પવિત્ર સ્થાનમાં મૂકવામાં આવ્યો હતો અને યહોવાહના મેઘથી આખું મંદિર ભરાઈ ગયું ત્યારે સુલેમાને યહોવાહની સ્તુતિ કરી હતી.

૧૦ સુલેમાનની પ્રાર્થના પર ધ્યાન આપવાથી જોવા મળશે કે ‘હૃદય’ શબ્દનો ઘણી વાર ઉલ્લેખ થયો છે. સુલેમાને જણાવ્યું કે એકલા યહોવાહ જ વ્યક્તિના હૃદયને જાણે છે. (૧ રાજા. ૮:૩૮, ૩૯) એ જ પ્રાર્થના બતાવે છે કે જો પાપી વ્યક્તિ ‘સંપૂર્ણ હૃદયથી પાછી ફરે’ તો, તેને માફ કરવામાં આવશે. દુશ્મનોના કબજામાં હતા તેઓ જ્યારે યહોવાહની આજ્ઞા પાળીને પૂરા દિલથી પ્રાર્થના કરતા ત્યારે જ તેઓની આજીજી સાંભળવામાં આવતી. (૧ રાજા. ૮:૪૭, ૪૮, ૫૮, ૬૧) આ બતાવે છે કે આપણે પણ દિલથી પ્રાર્થના કરવી જોઈએ.

પ્રાર્થના કરવા ગીતશાસ્ત્રનું પુસ્તક મદદ કરે છે

૧૧, ૧૨. લેવીની પ્રાર્થનાથી આપણે શું શીખી શકીએ?

૧૧ ગીતશાસ્ત્ર પુસ્તકનો અભ્યાસ કરવાથી આપણે વધારે સારી રીતે પ્રાર્થના કરી શકીશું. એટલું જ નહિ, યહોવાહ જવાબ આપે ત્યાં સુધી રાહ જોવા મદદ મળશે. ચાલો એક લેવી વિષે જોઈએ. તેમણે સંજોગવસાત્‌ બીજા દેશમાં રહેવું પડ્યું. તે યહોવાહના મંદિરમાં જઈ શકતા ન હોવાથી ગીત ગાઈને આવી આજીજી કરી: ‘હે મારું અંતર, તું કેમ ઉદાસ થયું છે? તું કેમ ગભરાયું છે? તું ઈશ્વરની આશા રાખ. કેમકે જે મારા મુખનું તારણ તથા મારો ઈશ્વર છે, તેની હું સ્તુતિ હજી કરીશ.’—ગીત. ૪૨:૫, ૧૧; ૪૩:૫.

૧૨ આપણે આ લેવી પાસેથી શું શીખી શકીએ? ધારો કે વિશ્વાસમાં મક્કમ રહેવા બદલ આપણને જેલમાં પૂરવામાં આવે છે. આપણે મંડળમાં ભાઈ-બહેનો સાથે ભક્તિ કરી શકતા નથી. આવા સંજોગોમાં આપણે ધીરજ રાખીને યહોવાહમાં ભરોસો મૂકવો જોઈએ, તે આપણા વતી પગલા ભરશે. (ગીત. ૩૭:૫) આપણે ‘આશા રાખીએ’ કે ભાઈ-બહેનો સાથે ફરી મિટિંગમાં જોડાઈ શકીએ. એ સમય દરમિયાન આપણે યહોવાહની ભક્તિમાં મળેલા આનંદને યાદ કરીએ. મુશ્કેલીમાં ટકી રહેવા પ્રાર્થના કરીએ.

વિશ્વાસથી પ્રાર્થના કરીએ

૧૩. યાકૂબ ૧:૫-૮ પ્રમાણે શા માટે આપણે વિશ્વાસથી પ્રાર્થના કરવી જોઈએ?

૧૩ આપણે ગમે તેવા સંજોગોમાં પણ હંમેશા વિશ્વાસથી પ્રાર્થના કરવી જોઈએ. જો આપણા વિશ્વાસની કસોટી થઈ રહી હોય તો શિષ્ય યાકૂબની સલાહ પાળવી જોઈએ. યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. તે આપણી મુશ્કેલીઓ જાણે છે. મુશ્કેલીઓનો સામનો કરવા તે આપણને સમજશક્તિ આપે છે. (યાકૂબ ૧:૫-૮ વાંચો.) તેમની શક્તિ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને દિલાસો આપે છે. એટલે તેમના પર પૂરો વિશ્વાસ રાખીને ખુલ્લા દિલે પ્રાર્થના કરીએ. ‘કોઈ પણ સંદેહ રાખ્યા વગર’ બાઇબલમાંથી અને ઈશ્વરની શક્તિ દ્વારા જે માર્ગદર્શન મળે એ સ્વીકારીએ.

૧૪, ૧૫. કઈ રીતે કહી શકીએ કે હાન્‍નાહે યહોવાહમાં વિશ્વાસ રાખીને પ્રાર્થના કરી?

૧૪ એલ્કાનાહ નામના લેવીને બે પત્નીઓ હતી. એકનું નામ હાન્‍નાહ અને બીજીનું નામ પનિન્‍નાહ. પનિન્‍નાહને ઘણાં બાળકો હતા. પણ હાન્‍નાહને એકેય બાળકો ન હોવાથી પનિન્‍નાહ તેને મહેણાં મારતી. હાન્‍નાહે યહોવાહમાં વિશ્વાસ રાખીને પ્રાર્થના કરી. તેણે મંદિરે જઈને યહોવાહને વચન આપ્યું કે પોતાને દીકરો થશે તો, તેને ઈશ્વરની સેવા માટે આપી દેશે. મનમાં પ્રાર્થના કરતી વખતે હાન્‍નાહના હોઠ ફફડતા હતા. એ જોઈને પ્રમુખયાજક એલીને લાગ્યું કે તે પીધેલી છે ને નશામાં બબડે છે. પણ પછીથી હકીકતની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું: “તેં ઈસ્રાએલના દેવની આગળ જે વિનંતી કરી છે, તે તે સાર્થક કરો.” હાન્‍નાહને એ વખતે ખ્યાલ ન હતો કે શું પરિણામ આવશે. પણ તેને પૂરો વિશ્વાસ હતો કે તેની પ્રાર્થનાનો જવાબ મળશે. તેથી એ દિવસથી તેણે ચિંતા છોડી દીધી અને ‘તેનું મુખ ઉદાસ રહ્યું નહિ.’—૧ શમૂ. ૧:૯-૧૮.

૧૫ સમય જતા હાન્‍નાહે શમૂએલને જન્મ આપ્યો. શમૂએલનું ધાવણ છોડાવ્યા પછી હાન્‍નાહે તેને યહોવાહની સેવા માટે મંદિરમાં અર્પી દીધો. (૧ શમૂ. ૧:૧૯-૨૮) હાન્‍નાહની પ્રાર્થના પર મનન કરવાથી આપણી પ્રાર્થનાઓ પર સારી અસર પડશે. એટલું જ નહિ, યહોવાહને પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરીશું તો આપણી ચિંતાઓ દૂર થશે.—૧ શમૂ. ૨:૧-૧૦.

૧૬, ૧૭. નહેમ્યાહે પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરી એનું શું પરિણામ આવ્યું?

૧૬ ઈસવીસન પૂર્વે પાંચમી સદીના ઈશ્વરભક્ત નહેમ્યાહનો વિચાર કરીએ. તેમણે પણ યહોવાહમાં વિશ્વાસ રાખીને આજીજી કરી: ‘હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે, અને તારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું સફળતા આપ, ને આ માણસની તેના પર કૃપાદૃષ્ટિ થાય એમ તું કર.’ ‘આ માણસ’ કહીને નહેમ્યાહ કોની વાત કરતા હતા? તે ઈરાનના રાજા આર્તાહશાસ્તા વિષે વાત કરતા હતા. નહેમ્યાહ એ રાજાના પાત્રવાહક હતા.—નહે. ૧:૧૧.

૧૭ નહેમ્યાહને ખબર પડી કે યહુદીઓ બાબેલોનમાંથી છૂટી ગયા છે. “તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે; યરૂશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે.” એ વખતે નહેમ્યાહે દિવસો સુધી વિશ્વાસથી પ્રાર્થના કરી. (નહે. ૧:૩, ૪) નહેમ્યાહે ધાર્યું પણ ન હતું એ રીતે યહોવાહે તેમને મદદ કરી. આર્તાહશાસ્તા રાજાએ તેમને યરૂશાલેમ જઈને ફરી દીવાલ બાંધવાની પરવાનગી આપી. (નહે. ૨:૧-૮) થોડા સમયમાં જ દીવાલ બાંધવાનું કામ પૂરું થયું. નહેમ્યાહની પ્રાર્થનાનો જવાબ મળ્યો, કેમ કે તે ચાહતા હતા કે યહોવાહની ભક્તિ ફરીથી શરૂ થાય. બીજું કે તેમણે પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરી હતી. શું આપણે પણ નહેમ્યાહની જેમ વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ?

સ્તુતિ કરવાનું અને આભાર માનવાનું ભૂલીએ નહિ

૧૮, ૧૯. શા માટે આપણે યહોવાહની સ્તુતિ કરવી જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ?

૧૮ પ્રાર્થનામાં યહોવાહની સ્તુતિ કરવાનું અને આભાર માનવાનું ભૂલીએ નહિ. યહોવાહનો આભાર માનવા આપણી પાસે ઘણાં કારણો છે. દાખલા તરીકે, દાઊદે યહોવાહના રાજ્યના ગુણગાન ગાયા. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૩ વાંચો.) શું આપણી પ્રાર્થના બતાવે છે કે આપણે યહોવાહના રાજ્યનો સંદેશો જાહેર કરવાને એક લહાવો ગણીએ છીએ? ગીતકર્તાના શબ્દો આપણને મિટિંગ અને સંમેલનો માટે યહોવાહનો દિલથી આભાર માનવા મદદ કરે છે.—ગીત. ૨૭:૪; ૧૨૨:૧.

૧૯ યહોવાહે આપણને તેમને ઓળખવાનો મોકો આપ્યો છે. એ માટે આપણે તેમનો દિલથી આભાર માનીએ છીએ. એટલે આપણે પણ આવી પ્રાર્થના કરી શકીએ: “હે પ્રભુ, હું લોકોમાં તારી ઉપકારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તારાં સ્તોત્ર ગાઈશ. કેમકે તારી કૃપા આકાશે પહોંચે, અને તારી સત્યતા આભમાં પહોંચે, એવડી મોટી છે. હે ઈશ્વર, આકાશ કરતાં તું ઊંચો મનાઓ; આખી પૃથ્વી કરતાં તારો મહિમા મોટો થાઓ.” (ગીત. ૫૭:૯-૧૧) ગીતકર્તાના આ શબ્દોથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. આવા વિચારોનો પ્રાર્થનામાં ઉલ્લેખ કરવાથી એ વધારે સારી બનશે.

યહોવાહને ખૂબ માન આપીએ

૨૦. મરિયમે કઈ રીતે ઈશ્વરને પોતાની લાગણી વ્યક્ત કરી?

૨૦ આપણી પ્રાર્થનામાં હંમેશા યહોવાહ માટે આદર અને માન દેખાઈ આવવા જોઈએ. હાન્‍નાહે જ્યારે શમૂએલને મંદિરમાં સેવા કરવા મૂક્યો ત્યારે, આભાર માનવા આદર અને માનથી યહોવાહને પ્રાર્થના કરી. એવી જ રીતે, મરિયમને ખબર પડી કે તે મસીહાની માતા બનવાની છે ત્યારે તેણે પણ આદર અને માનથી યહોવાહને પ્રાર્થના કરી: ‘મારો જીવ પ્રભુને મોટો માને છે, અને ઈશ્વર મારા તારનારમાં મારું હૃદય હરખાય છે.’ (લુક ૧:૪૬, ૪૭) મરિયમના સ્વભાવ અને ભક્તિભાવને લીધે યહોવાહે તેને આવો લહાવો આપ્યો. શું આપણે પણ મરિયમની જેમ માન ને આદરથી પ્રાર્થના કરીએ છીએ?

૨૧. ઈસુએ વિશ્વાસ અને આદરભાવથી પ્રાર્થના કરી એ કેવી રીતે જાણી શકીએ?

૨૧ ઈસુએ પૂરા વિશ્વાસ અને આદરભાવથી પ્રાર્થના કરી. દાખલા તરીકે, લાજરસનું પુનરુત્થાન કરતા પહેલાં “ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું, કે હે બાપ, તેં મારૂં સાંભળ્યું છે, માટે હું તારો ઉપકાર માનું છું. અને તું નિત્ય મારૂં સાંભળે છે, એ હું જાણતો હતો.” (યોહા. ૧૧:૪૧, ૪૨) આપણે પણ ઈસુની જેમ પૂરા વિશ્વાસથી અને આદરભાવથી પ્રાર્થના કરીએ એ જરૂરી છે. પ્રભુની પ્રાર્થનામાં ઈસુએ મુખ્ય ત્રણ બાબતો પર ભાર મૂક્યો. જેમ કે, યહોવાહનું નામ પવિત્ર થાય, તેમનું રાજ્ય આવે અને તેમની ઇચ્છા પૂરી થાય. (માથ. ૬:૯, ૧૦) આપણી પ્રાર્થના વિષે શું? આપણે પણ પ્રાર્થનામાં આ ત્રણ બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ.

૨૨. આપણે કેવી રીતે ખાતરી રાખી શકીએ કે યહોવાહ આપણને સંદેશો જાહેર કરવા હિંમત આપશે?

૨૨ સતાવણી કે બીજા પરીક્ષણોનો સામનો કરવા હિંમતની જરૂર પડે છે. એટલે આપણે હિંમત માટે યહોવાહને આજીજી કરીએ છીએ. ન્યાયસભાના અધિકારીઓએ પીતર અને યોહાનને હુકમ આપ્યો કે “ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.” પણ પ્રેરિતોએ એનો હિંમતથી નકાર કર્યો. (પ્રે.કૃ. ૪:૧૮-૨૦) ન્યાયસભામાં જે કંઈ બન્યું એ વિષે તેઓએ બીજા ખ્રિસ્તીઓને પણ જણાવ્યું. એ પછી બધાએ ઈશ્વરને વિનંતી કરી, જેથી તેઓ હિંમતથી સંદેશો જણાવી શકે. પ્રાર્થનાના જવાબમાં તેઓ ‘ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪-૩૧ વાંચો.) એના પરિણામે ઘણા લોકો યહોવાહના ભક્ત બન્યા. એ જોઈને પહેલી સદીના ખ્રિસ્તીઓને કેટલી ખુશી થઈ હશે! આજે પણ પ્રાર્થના આપણને હિંમતથી ઈશ્વરનો સંદેશો જાહેર કરવા મદદ કરે છે.

વધારે સારી પ્રાર્થના કરતા રહીએ

૨૩, ૨૪. (ક) બાઇબલનો અભ્યાસ કરવાથી પ્રાર્થનાઓ પર અસર પડે છે એના અમુક દાખલાઓ આપો. (ખ) વધારે સારી રીતે પ્રાર્થના કરવા તમે શું કરશો?

૨૩ બાઇબલમાં બીજા ઘણા દાખલા છે જેના પર અભ્યાસ કરીને આપણી પ્રાર્થના વધારે સારી બનાવી શકીએ. જેમ કે, યૂનાની જેમ આપણે પ્રાર્થનામાં જણાવી શકીએ કે “તારણ યહોવાહથી છે.” (યૂના ૨:૧-૧૦) અથવા કોઈ પાપ કરવાને લીધે દિલ ડંખતું હોય તો, પસ્તાવો કરવા દાઊદની જેમ પ્રાર્થના કરવાથી મદદ મળશે. સાથે સાથે વડીલોની પણ મદદ લેવી જોઈએ. (ગીત. ૫૧:૧-૧૨) અમુક વખતે આપણે યિર્મેયાહની જેમ યહોવાહની સ્તુતિ કરી શકીએ. (યિર્મે. ૩૨:૧૬-૧૯) જો તમે લગ્‍ન કરવાનું વિચારી રહ્યાં હોય તો, એઝરાના નવમા અધ્યાયની પ્રાર્થનાનો અભ્યાસ કરજો. પછી યહોવાહને પ્રાર્થનામાં એવા વિચારો જણાવી શકો. એનાથી તમને ‘પ્રભુમાં જ લગ્‍ન કરવાની’ ઈશ્વરની આજ્ઞા પાળવા હિંમત મળશે.—૧ કોરીં. ૭:૩૯; એઝ. ૯:૬, ૧૦-૧૫.

૨૪ બાઇબલ વાંચીને એનો અભ્યાસ કરતા રહીએ. એમ કરવાથી અમુક મુદ્દાઓ શોધી શકીશું જે આપણે પોતાની પ્રાર્થનામાં ઉલ્લેખ કરી શકીએ. યહોવાહનો આભાર માનવા સ્તુતિ કરીએ ત્યારે પણ એનો ઉલ્લેખ કરી શકીશું. સાચે જ, બાઇબલના અભ્યાસ દ્વારા આપણે વધારે સારી રીતે પ્રાર્થના કરી શકીશું. યહોવાહને પણ સારી રીતે ઓળખી શકીશું. (w09 11/15)

તમે કેવો જવાબ આપશો?

• આપણે કેમ યહોવાહનું માર્ગદર્શન માગીને એ પ્રમાણે ચાલવું જોઈએ?

• આપણે કેમ જ્ઞાન મેળવવા પ્રાર્થના કરવી જોઈએ?

• પ્રાર્થના કરવા ગીતશાસ્ત્રનું પુસ્તક કઈ રીતે મદદ કરે છે?

• શા માટે આપણે વિશ્વાસ અને આદરભાવથી પ્રાર્થના કરવી જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

યહોવાહનું માર્ગદર્શન મેળવવા ઈબ્રાહીમના સેવકે પ્રાર્થના કરી. શું તમે એમ કરો છો?

[પાન ૧૫ પર ચિત્ર]

કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે તમને સારી રીતે પ્રાર્થના કરવા મદદ મળશે