સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મસીહ–આપણા તારણ માટે ઈશ્વરની ગોઠવણ

મસીહ–આપણા તારણ માટે ઈશ્વરની ગોઠવણ

મસીહ–આપણા તારણ માટે ઈશ્વરની ગોઠવણ

‘આદમ દ્વારા સર્વ મરે છે, તેમ ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે.’—૧ કોરીં. ૧૫:૨૨.

૧, ૨. (ક) આંદ્રિયા અને ફિલિપે ઈસુ વિષે શું કહ્યું? (ખ) મસીહ વિષે પહેલી સદી કરતાં આજે આપણી પાસે વધારે પુરાવો છે એવું કઈ રીતે કહી શકીએ?

 “મસીહ અમને મળ્યો છે,” આ શબ્દો આંદ્રિયાએ પોતાના ભાઈ પીતરને કહ્યા. આંદ્રિયાને પૂરી ખાતરી હતી કે નાઝરેથના ઈસુને ઈશ્વરે અભિષિક્ત કર્યા છે. ફિલિપને પણ એવી જ ખાતરી હતી. એટલે જ તેમણે પોતાના મિત્ર નાથાનાએલને જણાવ્યું કે “નિયમશાસ્ત્રમાં જેના સંબંધી મુસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાઝારેથનો ઈસુ, યુસફનો દીકરો, અમને મળ્યો છે.”—યોહા. ૧:૪૦, ૪૧, ૪૫.

શું તમને પણ પૂરી ખાતરી છે કે ઈસુ જ મસીહ છે અને યહોવાહે તેમને “તારણના અધિકારી” તરીકે પસંદ કર્યા છે? (હેબ્રી ૨:૧૦) પહેલી સદીના શિષ્યો કરતાં આજે આપણી પાસે વધારે સાબિતી છે કે ઈસુ જ મસીહ છે. બાઇબલમાં ઈસુના જન્મથી લઈને તેમના પુનરુત્થાન સુધીની દરેક માહિતી પુરાવો આપે છે કે તે જ ખ્રિસ્ત છે. (યોહાન ૨૦:૩૦, ૩૧ વાંચો.) બાઇબલ એ પણ જણાવે છે કે ઈસુ સ્વર્ગમાંથી મસીહ તરીકેની જવાબદારી નિભાવતા રહેશે. (યોહા. ૬:૪૦; ૧ કોરીંથી ૧૫:૨૨ વાંચો.) આજે આપણે બાઇબલમાંથી ઈસુ વિષે શીખીને કહી શકીએ કે તે જ ‘મસીહ છે.’ પણ પહેલાં આપણે એ જોઈએ કે કઈ રીતે પહેલી સદીના શિષ્યો કહી શક્યા કે ઈસુ જ મસીહ છે.

મસીહ વિષેના “મર્મ”નો ખુલાસો થયો

૩, ૪. (ક) પહેલી સદીના શિષ્યો કેમ મસીહમાં વિશ્વાસ મૂકી શક્યા? (ખ) કઈ રીતે પારખી શકીએ કે મસીહ વિષેની ભવિષ્યવાણી ઈસુને જ લાગુ પડે છે?

પહેલી સદીના શિષ્યો કેવી રીતે મસીહને પારખી શક્યા? યહોવાહે પોતાના પ્રબોધકો દ્વારા અનેક ભવિષ્યવાણી આપી હતી, જેથી કોઈ વ્યક્તિમાં એને પૂરી થતા જોઈને લોકો પારખી શકે કે મસીહ કોણ છે. બાઇબલના એક નિષ્ણાત દાખલો આપીને આમ સમજાવે છે: ‘માની લો કે અમુક લોકો પાસે પૂતળાના એક એક ભાગ છે. એ ભાગોને જોડવાથી એક સુંદર પૂતળું બને છે. હવે પ્રશ્ન થાય કે કેવી રીતે એ ભાગો એક બીજા સાથે સરસ રીતે બેસી ગયા? સ્વાભાવિક છે કે એ ભાગોની રચના પાછળ કોઈ શિલ્પીનો હાથ હશે, જેણે પછી અલગ અલગ લોકોને એ ભાગો આપી દીધા હશે.’ પૂતળાના ભાગોને અલગ અલગ ભવિષ્યવાણીઓ સાથે સરખાવી શકાય. એ બધી ભવિષ્યવાણીઓને જોવાથી પારખી શકાય કે મસીહ કોણ છે.

આ દરેક ભવિષ્યવાણી એક જ વ્યક્તિમાં પૂરી થઈ છે. એ બતાવે છે કે યહોવાહે જ ભવિષ્યવાણી કરી છે. ઈશ્વરે અગાઉથી નક્કી કર્યું હતું કે કઈ વ્યક્તિમાં એ ભવિષ્યવાણી પૂરી થશે. એ વિષે એક સંશોધકે કહ્યું કે એક વ્યક્તિમાં આ બધી ભવિષ્યવાણીઓ આપમેળે પૂરી થઈ છે એવું માનવું અશક્ય છે. આ સંશોધકનું માનવું છે કે ઈશ્વરે જ ઈસુને પસંદ કર્યાં જેમનામાં બધી ભવિષ્યવાણી પૂરી થઈ.

૫, ૬. (ક) શેતાનનો ન્યાય કેવી રીતે કરવામાં આવશે? (ખ) ‘વચનના સંતાન’ વિષે ઈશ્વરે કઈ રીતે માહિતી આપી?

મસીહને લગતી દરેક ભવિષ્યવાણી સમજવા માટે પહેલાં તો મર્મ વિષે જાણવું જોઈએ. કેમ કે, એની અસર વિશ્વમાં દરેકને થાય છે. (કોલો. ૧:૨૬, ૨૭; ઉત. ૩:૧૫) એ મર્મમાં શેતાનનો ન્યાય કરવા વિષે જણાવ્યું છે. શેતાન એટલે કે ‘જૂનો સર્પ’ જેણે મનુષ્યને પાપ અને મરણના પંજામાં ફસાવી દીધો છે. (પ્રકટી. ૧૨:૯) શેતાનનો ન્યાય કેવી રીતે કરવામાં આવશે? યહોવાહે એદનબાગમાં ભવિષ્યવાણી કરી હતી કે ‘સ્ત્રીનું સંતાન’ શેતાનનું માથું છૂંદશે. પછી માણસોને પાપ અને મરણના પંજામાંથી છોડાવશે. એ ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે એ પહેલાં શેતાન ‘સ્ત્રીના સંતાનની’ એડી છૂંદશે અને ઈશ્વર એમ થવા દેશે.

‘સ્ત્રીના સંતાન’ વિષે યહોવાહ ધીરે ધીરે પોતાના સેવકોને માહિતી આપતા ગયા. જેમ કે, યહોવાહે ઈબ્રાહિમને વચન આપ્યું: “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમકે તેં મારૂં કહ્યું માન્યું છે.” (ઉત. ૨૨:૧૮) મુસાએ પણ ઈશ્વરની મદદથી ભાખ્યું કે એક “પ્રબોધક” આવશે જે પોતાનાથી પણ મહાન હશે. (પુન. ૧૮:૧૮, ૧૯) યહોવાહે દાઊદને પૂરી ખાતરી આપી કે મસીહ તેમના વંશમાંથી આવશે અને તેમના રાજ્યનો હંમેશ માટે વારસ બનશે. સમય જતા, ઈશ્વરના બીજા પ્રબોધકોએ પણ એ જ વિષે ભવિષ્યવાણી કરી.—૨ શમૂ. ૭:૧૨, ૧૬; યિર્મે. ૨૩:૫, ૬.

ઈસુએ મસીહ તરીકે સાબિતી આપી

૭. ઈસુ કેવી રીતે યહોવાહની સ્વર્ગીય સંસ્થામાંથી આવ્યા?

યહોવાહે સૌથી પહેલાં પોતાના દીકરા ઈસુને ઉત્પન્‍ન કર્યા. પછી બીજા બધા દૂતોને બનાવ્યા. આમ ઈસુ અને તેઓની સ્વર્ગીય સંસ્થા બની. એમાંથી તેમણે ઈસુને વચનના સંતાન તરીકે પસંદ કર્યા. ઈશ્વરના પ્રથમજનિત દીકરા ઈસુએ ‘માણસનું રૂપ’ ધારણ કરવાનું હતું. ઈસુએ પોતાનું સ્વર્ગીય જીવન છોડીને સંપૂર્ણ વ્યક્તિ તરીકે પૃથ્વી પર જન્મ લેવાનો હતો. (ફિલિ. ૨:૫-૭; યોહા. ૧:૧૪) ઈશ્વરની પવિત્ર શક્તિએ મરિયમ ‘પર આચ્છાદન કર્યું’ હોવાથી ઈસુનો જન્મ થયો. એ કારણે ઈસુ, ‘પવિત્ર ઈશ્વરના દીકરા કહેવાયા.’—લુક ૧:૩૫.

૮. ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે કઈ ભવિષ્યવાણી તેમનામાં પૂરી થઈ?

મસીહને લગતી ભવિષ્યવાણીઓમાં જણાવ્યું હતું કે ઈસુનો જન્મ ક્યાં અને ક્યારે થશે. ભવિષ્યવાણી પ્રમાણે ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો. (મીખા. ૫:૨) પહેલી સદીના યહુદીઓ વર્ષોથી રાહ જોતા હતા કે મસીહ કોણ હશે. એટલે યોહાન બાપ્તિસ્મકને જોઈને અમુકને લાગ્યું કે “એ ખ્રિસ્ત હશે.” પણ યોહાને તેઓને જણાવ્યું કે “મારા કરતાં જે બળવાન છે તે આવનાર છે.” (લુક ૩:૧૫, ૧૬) ઈસવીસન ૨૯ના અંતે ઈસુએ યોહાન પાસેથી બાપ્તિસ્મા લીધું. ત્રીસ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લઈને ઈસુ મસીહ બન્યા. આમ મસીહને લગતી એક ભવિષ્યવાણી ઈસુમાં ચોક્કસ સમયે પૂરી થઈ. (દાની. ૯:૨૫) બાપ્તિસ્મા પછી ઈસુએ યહોવાહના રાજ્યનો સંદેશો ફેલાવવાનું શરૂ કર્યું. એમાં તેમણે જણાવ્યું: “સમય પૂરો થયો છે, ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે.”—માર્ક ૧:૧૪, ૧૫.

૯. ઈસુ વિષે તેમના શિષ્યોને કેવો ભરોસો હતો?

ખરું કે લોકોએ ઈસુને રાજા તરીકે સ્વીકાર્યા હતા. પણ તેઓ સમજ્યા નહિ કે ઈસુનું રાજ્ય ભાવિમાં સ્વર્ગમાંથી હશે. (યોહા. ૧૨:૧૨-૧૬; ૧૬:૧૨, ૧૩; પ્રે.કૃ. ૨:૩૨-૩૬) જોકે તેમના શિષ્યોને ભરોસો હતો કે ઈસુ જ મસીહ છે. જેમ કે, ઈસુએ પીતરને પૂછ્યું, “હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” ત્યારે પીતરે કહ્યું, “તું મસીહ, જીવતા દેવનો દીકરો છે.” (માથ. ૧૬:૧૩-૧૬) જ્યારે અમુક લોકોનો ઈસુના શિક્ષણમાંથી વિશ્વાસ ડગી ગયો ત્યારે પણ પીતરે હિંમતથી કહ્યું કે ઈસુ જ મસીહ છે.—યોહાન ૬:૬૮, ૬૯ વાંચો.

મસીહનું સાંભળીએ

૧૦. યહોવાહે શા માટે પોતાના દીકરાનું સાંભળવાનું કહ્યું?

૧૦ સ્વર્ગમાં ઈશ્વરના એકાકીજનિત દીકરા ઈસુ ખૂબ શક્તિશાળી હતા. તોપણ તે પૃથ્વી પર આવ્યા ત્યારે કહ્યું કે “હું દેવની પાસેથી આવ્યો છું.” (યોહા. ૧૬:૨૭, ૨૮) તેમણે એ પણ કહ્યું: “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે.” (યોહા. ૭:૧૬) શિષ્યો સામે યહોવાહે ઈસુનું રૂપાંતર કરીને તેઓને ખાતરી આપી કે ઈસુ જ મસીહ છે. પછી તેમણે વાદળમાંથી કહ્યું કે તમે ‘ઈસુનું સાંભળો.’ (લુક ૯:૩૫) યહોવાહ અહીં કહેતા હતા કે લોકોએ મસીહનું સાંભળવું જોઈએ અને તેમની આજ્ઞા પાળવી જોઈએ. એ માટે લોકોએ વિશ્વાસ રાખીને એ પ્રમાણે જીવવું જોઈએ. એમ કરીને તેઓ ઈશ્વરને ખુશ કરી શકશે અને અનંતજીવનનો આશીર્વાદ મેળવી શકશે.—યોહા. ૩:૧૬, ૩૫, ૩૬.

૧૧, ૧૨. (ક) શા માટે પહેલી સદીના યહુદીઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા નહિ? (ખ) કોણે ઈસુમાં વિશ્વાસ મૂક્યો?

૧૧ મસીહ તરીકેની ભવિષ્યવાણીઓ ઈસુમાં પૂરી થતી હતી. તેમ છતાં, પહેલી સદીના મોટાભાગના યહુદીઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા નહિ. શા માટે? કેમ કે, તેઓએ પહેલાંથી જ ધારી લીધું હતું કે મસીહ કેવા હશે. તેઓ માનતા હતા કે મસીહ એક અધિકારી હશે જે તેઓને રૂમી સત્તાના હાથમાંથી છોડાવશે. (યોહાન ૧૨:૩૪ વાંચો.) એટલે તેઓએ મસીહ તરીકેની સાબિતી આપતી અમુક ભવિષ્યવાણીને ધ્યાન આપ્યું નહિ. જેમ કે, તેમને ધિક્કારવામાં આવશે, લોકો તેમને ત્યજી દેશે, તેમના પર જુલમ ગુજારવામાં આવશે અને આખરે મારી નાખવામાં આવશે. (યશા. ૫૩:૩,) ઈસુએ શિષ્યોને રૂમી સત્તાના હાથમાંથી છોડાવ્યા નહિ ત્યારે અમુક શિષ્યો પણ નિરાશ થઈ ગયા. પણ તેઓ ઈસુને વિશ્વાસુ રહ્યાં અને સમય જતા તેઓને સાચી સમજણ મળી.—લુક ૨૪:૨૧.

૧૨ લોકોએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા નહિ એનું બીજું પણ એક કારણ છે. તેઓને ઈસુનું શિક્ષણ સ્વીકારવું ખૂબ જ અઘરું લાગ્યું. જેમ કે, સ્વર્ગમાં જવા વ્યક્તિએ “પોતાનો નકાર કરવો” જોઈએ. ઈસુનું ‘માંસ ખાવું અને લોહી પીવું’ જોઈએ. “નવો જન્મ” લેવો જોઈએ. ‘જગતનો ભાગ ન’ બનવું જોઈએ. (માર્ક ૮:૩૪; યોહા. ૩:૩; ૬:૫૩; ૧૭:૧૪, ૧૬) અમીરો, ઢોંગીઓ અને ઘમંડી લોકો માટે ઈસુના આ શિક્ષણ પ્રમાણે જીવવું ઘણું અઘરું હતું. જોકે, નમ્ર યહુદીઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા અને તેમના પર વિશ્વાસ મૂક્યો. તેમ જ, અમુક સમરૂની લોકોએ ઈસુ વિષે કહ્યું: “જગતનો ત્રાતા તે નિશ્ચે એજ છે.”—યોહા. ૪:૨૫, ૨૬, ૪૧, ૪૨; ૭:૩૧.

૧૩. ઉત્પત્તિ ૩:૧૫ પ્રમાણે કઈ રીતે ઈસુની એડી છૂંદવામાં આવી?

૧૩ ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે યાજકો તેમની મજાક ઉડાવશે, વિદેશીઓ તેમને વધસ્તંભે જડશે અને ત્રીજે દહાડે તેમનું પુનરુત્થાન થશે. (માથ. ૨૦:૧૭-૧૯) ઈસુએ ન્યાયસભામાં સાફ જણાવ્યું કે પોતે જ ‘ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત છે.’ તોપણ ન્યાયસભાના લોકોએ તેમની પર નિંદાખોરનો આરોપ મૂક્યો. (માથ. ૨૬:૬૩-૬૬) એ પછી ઈસુને પીલાત પાસે લઈ જવામાં આવ્યા. પીલાતને ઈસુમાં કોઈ ‘અપરાધ જણાયો નહિ.’ પણ યહુદીઓએ તહોમત મૂક્યું હતું કે ઈસુ રાજદ્રોહી છે એટલે પીલાતે ઈસુને તેઓના હાથમાં સોંપી દીધા. (લુક ૨૩:૧૩-૧૫, ૨૫) મસીહ વિષે લોકો પાસે ઘણી સાબિતીઓ હતી છતાં, તેઓએ ઈસુનો “નકાર” કર્યો અને “જીવનના અધિકારીને” મારી નાખવાની જોગવાઈ કરી. (પ્રે.કૃ. ૩:૧૩-૧૫) ભાખવામાં આવ્યું હતું તેમ મસીહને ‘કાપી નાખવામાં’ આવ્યા. એટલે કે તેમને ૩૩ની સાલમાં પાસ્ખા પર્વને દિવસે વધસ્તંભે જડીને મારી નાખવામાં આવ્યા. (દાની. ૯:૨૬, ૨૭; પ્રે.કૃ. ૨:૨૨, ૨૩) આમ ઉત્પત્તિ ૩:૧૫ પ્રમાણે શેતાને ઈસુની “એડી” છૂંદી.

ઈસુએ કેમ મરવાનું હતું

૧૪, ૧૫. (ક) કયા બે કારણને લીધે યહોવાહે ઈસુ પર મરણ આવવા દીધું? (ખ) પુનરુત્થાન થયા પછી ઈસુએ શું કર્યું?

૧૪ બે મુખ્ય કારણને લીધે યહોવાહે ઈસુ પર મરણ આવવા દીધું. પહેલું હતું કે ઈસુ મરણ સુધી યહોવાહને વિશ્વાસુ રહ્યા એટલે ‘મર્મ’નો ખુલાસો થયો. ઈસુએ સાબિતી આપી કે એક સંપૂર્ણ વ્યક્તિ પૂરેપૂરી રીતે યહોવાહને આધીન રહી શકે છે. તેમ જ, શેતાન તરફથી આવતા ગમે તેવાં પરીક્ષણોમાં યહોવાહના પક્ષમાં રહી શકે છે. (૧ તીમો. ૩:૧૬) બીજું કારણ ઈસુએ જે કહ્યું એમાં જોવા મળે છે: ‘માણસનો દીકરો ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.’ (માથ. ૨૦:૨૮) ઈસુએ ‘પોતાનું સ્વાર્પણ’ કરીને આદમ તરફથી મળેલા પાપની કિંમત ચૂકવી. તેમ જ, જે લોકો તેમનામાં વિશ્વાસ મૂકે તેઓ માટે અનંતજીવનનો માર્ગ ખોલ્યો.—૧ તીમો. ૨:૫, ૬.

૧૫ ત્રણ દિવસ કબરમાં રહ્યાં પછી ઈસુનું પુનરુત્થાન થયું. ત્યાર બાદ તેમણે ૪૦ દિવસ સુધી પોતાના શિષ્યોને દર્શન દીધું. આમ તેમણે પુરાવો આપ્યો કે પોતે હજી જીવે છે અને સાથે સાથે શિષ્યોને વધારે માર્ગદર્શન પણ આપ્યું. (પ્રે.કૃ. ૧:૩-૫) પછી તેમણે સ્વર્ગમાં જઈને યહોવાહ આગળ બલિદાનની કિંમત ચૂકવી. તેમ જ, ઈશ્વરના રાજ્યની રાજગાદીએ બેસવા માટે તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. એ સમય દરમિયાન પણ તેમની પાસે ઘણી જવાબદારી હતી.

મસીહ તરીકેની જવાબદારીઓ

૧૬, ૧૭. ઈસુનું પુનરુત્થાન થયા પછી તે કેવી જવાબદારી નિભાવે છે?

૧૬ ઈસુના પુનરુત્થાન પછી યહોવાહે તેમને દરેક મંડળની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી હતી. સદીઓથી ઈસુએ દરેક મંડળના સેવાકાર્ય પર સારી દેખરેખ રાખી છે. (કોલો. ૧:૧૩) યોગ્ય સમયે યહોવાહે પોતાના રાજ્યની રાજગાદી ઈસુને આપી. બાઇબલની અમુક ભવિષ્યવાણીઓ વાંચીને અને દુનિયાના અમુક બનાવો પરથી આપણે પારખી શકીએ કે ઈસુને ૧૯૧૪માં રાજગાદી સોંપવામાં આવી. એ જ સમયે ‘જગતના અંતની નિશાનીઓ’ શરૂ થઈ. (માથ. ૨૪:૩; પ્રકટી. ૧૧:૧૫) ઈસુનું રાજ શરૂ થયા પછી તેમણે અને બીજા સ્વર્ગદૂતોએ શેતાન અને તેના સાથીદારોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા.—પ્રકટી. ૧૨:૭-૧૦.

૧૭ ઈસવીસન ૨૯માં ઈસુએ ઈશ્વરનો સંદેશો ફેલાવવાનું જે કામ શરૂ કર્યું હતું એ આજે દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે. એ કામ પૂરું થવાની તૈયારીમાં છે. પછી જલદી જ ઈસુ દુનિયાના સર્વ લોકોનો ન્યાય કરશે. એ સમયે તારણ માટે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેઓને ‘રાજ્યનો વારસો મળશે.’ (માથ. ૨૫:૩૧-૩૪, ૪૧) પણ જેઓ ઈસુને રાજા તરીકે સ્વીકારશે નહિ તેઓનો નાશ થશે. અરે, એ વખતે ઈસુ અને તેમના સાથીઓ દુષ્ટતાને સાવ મિટાવી દેશે. પછી ઈસુ એક હજાર વર્ષ માટે શેતાન અને બીજા ખરાબ દૂતોને બાંધીને “ઊંડાણમાં” નાખી દેશે.—પ્રકટી. ૧૯:૧૧-૧૪; ૨૦:૧-૩.

૧૮, ૧૯. મસીહ તરીકે ઈસુ પાસે કેવી જવાબદારીઓ છે? તે એ જવાબદારીઓ પૂરી કરશે તેમ, આપણને કેવા આશીર્વાદો મળશે?

૧૮ બાઇબલમાં ઈસુ માટે ઘણા ખિતાબ વાપર્યા છે. જેમ કે “અદ્‍ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, ને શાંતિનો સરદાર.” આ બતાવે છે કે ઈસુ પાસે ઘણી જવાબદારી છે. એ જવાબદારીઓ એક હજાર વર્ષના રાજમાં ઈસુ પૂરેપૂરી રીતે નિભાવશે. (યશા. ૯:૬, ૭) એ સમયે ઈસુ મૂએલાઓને સજીવન કરશે. ત્યાર બાદ તે સર્વ લોકોને અમર જીવનનો આશીર્વાદ આપશે. (યોહા. ૫:૨૬-૨૯) ઈસુ મસીહ તેઓને ‘જીવનના પાણીના ઝરાઓ પાસે દોરી લઈ જશે.’ એનાથી બધા જ લોકો યહોવાહ સાથે પાકો નાતો બાંધી શકશે. (પ્રકટીકરણ ૭:૧૬, ૧૭ વાંચો.) ઈસુનું એક હજાર વર્ષનું રાજ પૂરું થશે પછી સર્વ લોકોની છેલ્લી વાર શેતાન અને તેના સાથીદારો કસોટી કરશે. એ પછી દુષ્ટ લોકો, શેતાન અને તેના સાથીઓને ‘અગ્‍નિ તથા ગંધકની ખાઈમાં નાખી દેવામાં આવશે.’ આમ ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ, શેતાન કે ‘સર્પનું માથું છૂંદશે.’—પ્રકટી. ૨૦:૧૦.

૧૯ ત્યાર પછી પૃથ્વી હંમેશ માટે સુંદર રહેશે. લોકો સદાકાળ જીવશે. કોઈ બીમાર નહિ થાય. સર્વ લોકો ખુશીથી જીવશે. યહોવાહના નામ પર લાગેલું કલંક દૂર થશે. તેમ જ, પૃથ્વી પર સર્વ લોકો વિશ્વના માલિક યહોવાહની જ ભક્તિ કરશે. આ બધું ચોક્કસ થશે કેમ કે ઈસુ મસીહે પોતાની દરેક જવાબદારી પૂરી કરી હશે. એટલે આપણે હમણાં જ ઈસુમાં પૂરો વિશ્વાસ રાખીએ એ જરૂરી છે.

ઈસુ મસીહમાં વિશ્વાસ રાખીએ

૨૦, ૨૧. તમે શા માટે બીજાઓને જણાવો છો કે ઈસુ જ મસીહ છે?

૨૦ ૧૯૧૪થી યહોવાહના રાજ્યના રાજા ઈસુ છે. એટલે આપણે ઈસુના રાજમાં જીવી રહ્યા છીએ. ખરું કે આપણે નરી આંખથી જોઈ શકતા નથી કે ઈસુ રાજા છે. પણ બાઇબલની ભવિષ્યવાણીથી પારખી શકીએ છીએ કે ઈસુ રાજ કરે છે. (પ્રકટી. ૬:૨-૮) પહેલી સદીના યહુદીઓની જેમ આજે મોટા ભાગના લોકોને વિશ્વાસ નથી કે ઈસુ જ મસીહ છે. તેમ જ, લોકોને લાગે છે કે દુન્યવી સરકાર દ્વારા મસીહ તારણ આપશે. પણ આપણે જાણીએ છીએ કે ઈસુ મસીહ, ઈશ્વરના રાજ્યના રાજા છે. એટલે પહેલી સદીના શિષ્યોની જેમ આપણે પણ કહીએ છીએ કે “મસીહ અમને મળ્યો છે.” એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય!

૨૧ આપણે બીજાઓને પણ એ આશીર્વાદ વિષે જણાવીએ. તેઓને શીખવીએ કે ઈસુ જ મસીહ છે. આમ, ઈસુએ આપણા માટે શું કર્યું છે, શું કરી રહ્યા છે અને શું કરશે એની કદર કરીશું. આંદ્રિયા અને ફિલિપની જેમ આપણે પણ સગાં-સંબંધીઓને મસીહ વિષે વાત કરી હશે. પણ કેમ નહિ કે આપણે તેઓ સાથે ફરી વાર વાત કરીએ. તેઓને હોંશથી જણાવીએ કે ઈસુ જ મસીહ છે અને તારણ મેળવવા તેમનામાં જ વિશ્વાસ રાખીએ. (w09 12/15)

તમે સમજાવી શકો?

• પહેલી સદીના શિષ્યો કેમ મસીહમાં વિશ્વાસ મૂકી શક્યા?

• કયાં બે કારણને લીધે યહોવાહે ઈસુ પર મરણ આવવા દીધું?

• મસીહ તરીકે ઈસુ ભાવિમાં કેવી જવાબદારીઓ પૂરી કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

પહેલી સદીના લોકો કેવી રીતે પારખી શક્યા કે ઈસુ જ મસીહ છે?

[પાન ૨૫ પર ચિત્ર]

બીજાઓ સાથે વાત કરીએ ત્યારે ઈસુ જ મસીહ છે એ વિષે જણાવીએ છીએ?