સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમ કેળવીએ જે સદા ટકી રહે છે

પ્રેમ કેળવીએ જે સદા ટકી રહે છે

પ્રેમ કેળવીએ જે સદા ટકી રહે છે

‘પ્રેમ સઘળું સહન કરે છે. પ્રેમ કદી ખૂટતો નથી.’—૧ કોરીં. ૧૩:૭, ૮.

૧. (ક) લોકો પ્રેમને કેવી રીતે રજૂ કરે છે? (ખ) આજે લોકો શાના પર પ્રેમ રાખે છે?

 “પ્રેમ”! એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે. પ્રેમ વિષે ઘણા પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે. ગીતો અને ફિલ્મોમાં પ્રેમને રોમેન્ટિક લાગણી તરીકે દર્શાવે છે. તેમ જ, પ્રેમ પર કાલ્પનિક વાર્તાઓ લખવામાં આવે છે. આવું સાહિત્ય બજારમાં અઢળક જોવા મળે છે. પણ દુઃખની વાત છે કે ઈશ્વર અને પાડોશીઓ માટે જે સાચો પ્રેમ હોવો જોઈએ એ મોટાભાગે જોવા મળતો નથી. યહોવાહે બાઇબલમાં લખાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં આમ થશે: ‘માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા’ હશે.—૨ તીમો. ૩:૧-૫.

૨. બાઇબલ આપણને શું ચેતવણી આપે છે?

આપણામાં એકબીજા માટે સાચો પ્રેમ બતાવવાની ક્ષમતા છે. પણ દુનિયાની બાબતો પર પ્રેમ રાખીશું તો કેવું ખરાબ પરિણામ આવી શકે એ વિષે બાઇબલ ચેતવણી આપે છે. (૧ તીમો. ૬:૯, ૧૦) પાઊલના સાથી દેમાસ એ ફાંદામાં ફસાયા હતા. દેમાસે પ્રેરિત પાઊલની સાથે કામ કર્યું હતું. તોય તેણે દુન્યવી બાબતો પર વધારે પ્રેમ રાખ્યો અને પાઊલને ત્યજી દીધા. (૨ તીમો. ૪:૧૦) પ્રેરિત યોહાને પણ ખ્રિસ્તીઓને આ જોખમ વિષે ચેતવ્યા હતા. (૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો.) જો વ્યક્તિ દુનિયાને અને એમાં રહેલી બાબતોને પ્રેમ કરશે તો, તે ઈશ્વરની સલાહને સ્વીકારી શકશે નહિ.

૩. આપણે શામાં ફસાવું ન જોઈએ? એનાથી કયા પ્રશ્નો ઊભા થાય છે?

ભલે આપણે દુનિયાના લોકો સાથે રહીએ છીએ, પણ તેઓ જેવું વલણ કેળવવું ન જોઈએ. જગતમાં લોકો ખોટી બાબતો માટે વધારે પ્રેમ બતાવે છે. પણ આપણે એવા વિચારોમાં ફસાઈએ નહિ એ ખૂબ જરૂરી છે. તો પછી, આપણે કોના માટે નિઃસ્વાર્થ પ્રેમ બતાવવો જોઈએ? કઈ બાબતોની મદદથી આપણે એવો પ્રેમ કેળવી શકીએ જે સઘળું સહન કરે છે અને કદી ખૂટતો નથી? આવો પ્રેમ કેળવવાથી હમણાં આપણને કઈ રીતે ફાયદો થઈ શકે અને આપણા ભાવિ પર કેવી અસર પડી શકે? ચાલો આપણે ઈશ્વરના વિચારો પ્રમાણે આ પ્રશ્નોના જવાબ મેળવીએ.

યહોવાહ માટે પ્રેમ કેળવીએ

૪. ઈશ્વર માટેનો પ્રેમ કેવી રીતે વધી શકે?

આપણે જાણીએ છીએ કે ખેડૂત ખૂબ મહેનત કરીને પહેલાં જમીન તૈયાર કરે છે. પછી એમાં બી વાવીને એ છોડની વૃદ્ધિ થાય એવી આશા રાખે છે. (હેબ્રી ૬:૭) એવી જ રીતે આપણે પણ દિલમાં સત્યનું બી વાવ્યું છે. એ સત્યને લીધે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ. એ પ્રેમને વધારવા આપણે શું કરવાની જરૂર છે? ખેડૂતની જેમ આપણે ખૂબ મહેનત કરવી પડશે. એ માટે આપણે બાઇબલનો ખંતથી અભ્યાસ કરીએ. (કોલો. ૧:૧૦) નિયમિત મિટિંગમાં જઈએ અને એમાં ભાગ લઈએ. એમ કરવાથી આપણે યહોવાહને વધારે સારી રીતે ઓળખી શકીશું. આપણે પોતાને પૂછી શકીએ કે ‘શું હું ઈશ્વર વિષે વધારે શીખવા પ્રયત્ન કરું છું?’—નીતિ. ૨:૧-૭.

૫. (ક) આપણે યહોવાહના ગુણો વિષે કેવી રીતે શીખી શકીએ? (ખ) યહોવાહના ન્યાય, શક્તિ અને ડહાપણ જેવા ગુણો વિષે તમે શું કહેશો?

બાઇબલ દ્વારા આપણને ઈશ્વરના સ્વભાવ વિષે જાણવા મળે છે. આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરીએ અને યહોવાહ વિષે શીખતા રહીએ. એમ કરીશું તો, ન્યાય, શક્તિ, ડહાપણ અને ખાસ તો પ્રેમ જેવા તેમના ગુણો માટે આપણી કદર વધશે. યહોવાહ હંમેશા અદ્દલ ન્યાય કરે છે અને તેમના નિયમો સંપૂર્ણ છે. (પુન. ૩૨:૪; ગીત. ૧૯:૭) સૃષ્ટિની રચના પર મનન કરવાથી આપણે યહોવાહનું અજોડ ડહાપણ જોઈ શકીએ છીએ. (ગીત. ૧૦૪:૨૪) યહોવાહ શક્તિના ઉદ્‍ભવ છે. તેમની અપાર શક્તિની સાબિતી વિશ્વના સર્જનમાં જોવા મળે છે.—યશા. ૪૦:૨૬.

૬. ઈશ્વરે કઈ રીતે આપણા માટે પ્રેમ બતાવ્યો છે? એની તમારા પર કેવી અસર થઈ?

યહોવાહના મુખ્ય ગુણ પ્રેમ વિષે આપણે શું કહી શકીએ? યહોવાહ પ્રેમના સાગર છે. એ પ્રેમ સર્વ લોકોને અસર કરે છે. તેમણે માણસોને પાપમાંથી છોડાવવા પોતાના દીકરાનું બલિદાન આપીને અપાર પ્રેમ બતાવ્યો. (રૂમી ૫:૮ વાંચો.) આ જોગવાઈ તેમણે દરેક વ્યક્તિ માટે કરી છે. પણ જેઓ ઈશ્વરના પ્રેમને સ્વીકારશે અને તેમના દીકરામાં વિશ્વાસ મૂકશે તેઓને જ ફાયદો થશે. (યોહા. ૩:૧૬, ૩૬) ઈશ્વરની આ જોગવાઈથી આપણને તેમના માટે પ્રેમ જાગવો જોઈએ.

૭, ૮. (ક) આપણે કઈ રીતે ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ? (ખ) ઈશ્વરભક્તો શું સહન કરીને પણ તેમની આજ્ઞાઓ પાળે છે?

ઈશ્વરે આપણા માટે ઘણું કર્યું છે. આપણે કઈ રીતે તેમને પ્રેમ બતાવી શકીએ? એનો જવાબ બાઇબલમાંથી મળે છે: ‘આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એજ ઈશ્વર પરનો પ્રેમ છે. અને તેમની આજ્ઞાઓ ભારે નથી.’ (૧ યોહા. ૫:૩) આપણે યહોવાહને પ્રેમ કરતા હોવાથી તેમની આજ્ઞાઓ પાળીએ છીએ. આ એક કારણને લીધે આપણે ઈશ્વર અને તેમના રાજ્ય વિષે લોકોને જણાવીએ છીએ. એમ કરવાથી લોકોનું ભલું થાય છે અને યહોવાહ માટે નિ:સ્વાર્થ પ્રેમ બતાવીએ છીએ.—માથ. ૧૨:૩૪.

દુનિયા ફરતે આપણા ભાઈ-બહેનો ઈશ્વરની આજ્ઞા પાળવા બનતું બધું જ કરે છે. ઈશ્વરનો સંદેશો જાહેર કરવા તેઓ બીજાઓની મશ્કરી અને વિરોધ સહન કરે છે. નિરાશ થયા વગર પ્રચાર ચાલુ રાખે છે. (૨ તીમો. ૪:૫) આપણે પણ બીજાઓને ઈશ્વર વિષે શીખવવા અને તેમની બધી જ આજ્ઞાઓ પાળવા માંગીએ છીએ.

શા માટે આપણે ઈસુને પ્રેમ કરીએ છીએ

૯. ઈસુએ શું સહન કર્યું અને એ બધું કઈ રીતે સહી શક્યા?

ઈશ્વરની સાથે તેમના દીકરા, ઈસુને પણ પ્રેમ કરવાના ઘણાં કારણો છે. ખરું કે, આપણે ઈસુને કદી જોયા નથી. પણ તેમના વિષે વધારે શીખીએ ત્યારે તેમના માટે આપણો પ્રેમ વધે છે. (૧ પીત. ૧:૮) ઈસુએ પિતાની ઇચ્છા પૂરી કરવા ઘણું સહન કર્યું. તેમનો કોઈ વાંક ન હતો, તોપણ લોકોએ સતાવ્યા. તેમને નફરત કરી, ખોટાં તહોમત મૂક્યા અને તેમની નિંદા કરી. એટલું જ નહિ, ઈસુએ બીજી ઘણી બાબતો સહન કરી. (યોહાન ૧૫:૨૫ વાંચો.) ઈસુને પિતા માટે ખૂબ પ્રેમ હોવાથી સતાવણી સહન કરી શક્યા. એ પ્રેમના લીધે તેમણે પોતાનું જીવન આપી દીધું અને લોકોને પાપમાંથી છોડાવવાનો માર્ગ ખોલ્યો.—માથ. ૨૦:૨૮.

૧૦, ૧૧. ઈસુએ આપણા માટે જે કર્યું એની કદર બતાવવા આપણે શું કરીશું?

૧૦ ઈસુએ બતાવેલો પ્રેમ આપણને પણ કંઈક કરવા પ્રેરે છે. ઈસુએ આપણા માટે જે કર્યું એનો વિચાર કરવાથી તેમના માટે આપણો પ્રેમ વધે છે. આપણે ઈસુના શિષ્યો હોવાથી તેમના જેવો જ પ્રેમ કેળવીને બીજાઓને પણ બતાવીએ. આમ કરીશું તો આપણે ગમે તે સહન કરીને પણ શિષ્યો બનાવવાની ઈસુની આજ્ઞા પાળી શકીશું.—માથ. ૨૮:૧૯, ૨૦.

૧૧ ઈસુએ સર્વ લોકોને પ્રેમ બતાવ્યો. એ પ્રેમને લીધે આપણી પણ દિલની ઇચ્છા છે કે અંત આવે એ પહેલાં સર્વ લોકોને સંદેશો જણાવીએ. (૨ કોરીંથી ૫:૧૪, ૧૫ વાંચો.) માણસો માટે ઈશ્વરનો હેતુ પૂરો કરવા ઈસુએ પ્રેમ બતાવીને મોટો ભાગ ભજવ્યો. તેમના પગલે ચાલીને આપણે પણ ઈશ્વરનો હેતુ પૂરો કરવા ભાગ ભજવી રહ્યાં છીએ. આમ કરવા આપણે પૂરા દિલથી અને જીવથી ઈશ્વર પર પ્રેમ રાખીએ. (માથ. ૨૨:૩૭) ઈસુની આજ્ઞાઓ પાળીને, તેમના શિક્ષણ પ્રમાણે ચાલીને આપણે તેમને પ્રેમ બતાવીએ છીએ. ઈસુની જેમ આપણે ગમે તે ભોગે યહોવાહને વિશ્વના માલિક ગણીએ છીએ.—યોહા. ૧૪:૨૩, ૨૪; ૧૫:૧૦.

સૌથી ઉત્તમ માર્ગે ચાલવા નિર્ણય લઈએ

૧૨. ‘ઉત્તમ માર્ગ’ વિષે જણાવીને પાઊલ શું કહેવા માંગતા હતા?

૧૨ પ્રેરિત પાઊલે ઈસુને અનુસરવા બનતું બધું જ કર્યું. એટલે જ પાઊલ જરાય અચકાયા વગર ભાઈબહેનોને કહી શક્યા કે મને અનુસરો. (૧ કોરીં. ૧૧:૧) પહેલી સદીમાં ઈશ્વરે અમુક ભક્તોને ચમત્કારથી બીજાઓને સાજા કરવાનું અને બીજી ભાષાઓ બોલવાનું દાન આપ્યું હતું. પાઊલે પણ કોરીંથના ભાઈબહેનોને એ દાન પ્રાપ્ત કરવાનું ઉત્તેજન આપ્યું હતું. પરંતુ, પાઊલે તેઓને એક ખાસ ગુણ કેળવવા પણ સલાહ આપી, જે વધારે મહત્ત્વનું હતું. એ ગુણ વિષે વધારે સમજણ ૧ કોરીંથી ૧૨:૩૧માં જોવા મળે છે: “ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું.” પછીની કલમો બતાવે છે કે અહીં પ્રેમ વિષે વાત થઈ રહી છે. તો પછી, પ્રેમ કયા અર્થમાં ઉત્તમ માર્ગ છે? (૧ કોરીંથી ૧૩:૧-૩ વાંચો.) આ કલમોમાં પાઊલે સમજાવ્યું કે મારી પાસે આવડત હોય અને હું મોટાં મોટાં કામો કરી શકું પણ પ્રેમ ન હોય તો શું ફાયદો? એનો કોઈ ફાયદો નથી. આમ તેમણે ઈશ્વરની શક્તિથી ભાઈ-બહેનોને સમજાવ્યું કે પ્રેમ હોવો કેટલો જરૂરી છે. આજે આપણે પણ પ્રેમ બતાવવાની જરૂર છે.

૧૩. (ક) ૨૦૧૦નું વાર્ષિક વચન શું છે? (ખ) કયા અર્થમાં પ્રેમ કદી ખૂટશે નહિ?

૧૩ પાઊલ પછીની કલમોમાં જણાવે છે કે પ્રેમ કેવો છે અને કેવો નથી. (૧ કોરીંથી ૧૩:૪-૮ વાંચો.) શું તમારો પ્રેમ પાઊલે જણાવ્યો એવો છે? સાતમી કલમના અંતમાં અને આઠમી કલમની શરૂઆતમાં ધ્યાન આપો: ‘પ્રેમ સઘળું સહન કરે છે, પ્રેમ કદી ખૂટતો નથી.’ ૨૦૧૦નું આ વાર્ષિક વચન છે. આઠમી કલમમાં પાઊલ સમજાવે છે કે ખ્રિસ્તી મંડળની શરૂઆતમાં ઈશ્વરની શક્તિ દ્વારા ભવિષ્યવાણી કરવાનું અને અલગ અલગ ભાષા બોલવાનું દાન હતું. એ બધા દાન સમય જતાં ખતમ થઈ જશે. પણ પ્રેમ હંમેશા રહેશે. કેમ કે, યહોવાહ પ્રેમ છે, તે સદાકાળથી છે અને સદાકાળ રહેશે. તેથી પ્રેમ કદી ખૂટવાનો નથી કે એનો અંત આવવાનો નથી.—૧ યોહા. ૪:૮.

પ્રેમ સઘળું સહન કરે છે

૧૪, ૧૫. (ક) કેવો પ્રેમ સતાવણી સહન કરવા મદદ કરી શકે? (ખ) શા માટે એક યુવાન ભાઈએ બાંધછોડ કરી નહિ?

૧૪ ભાઈ-બહેનો કપરા સંજોગો અને મુશ્કેલીઓમાં આવી પડે ત્યારે શામાંથી મદદ મળે છે? ઈશ્વરના સિદ્ધાંતોને આધારે હોય એવા પ્રેમથી મદદ મળે છે. એવો પ્રેમ કેળવીશું તો, પૈસેટકે જ નહિ પણ બીજી બાબતમાંય જતું કરીશું. તેમ જ, ઈસુને વિશ્વાસુ હોઈશું તો જીવ જોખમમાં મૂકવા પણ તૈયાર હોઈશું. (લુક ૯:૨૪, ૨૫) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી, અમુક ભાઈ-બહેનોએ પોતાની શ્રદ્ધામાં મજબૂત રહેવાને લીધે ઘણું સહન કર્યું. તેઓને જેલમાં પૂરવામાં આવ્યા, કાળી મજૂરી કરાવી અને જુલમ ગુજારતી છાવણીમાં નાખવામાં આવ્યા.

૧૫ જર્મનીના યુવાન ભાઈ વિલહીમને નાઝી સૈનિકોએ ગોળીઓથી વીંધી નાખ્યા. બાંધછોડ કર્યા વગર તે મરણ સુધી યહોવાહને વિશ્વાસુ રહ્યાં. તેમણે પોતાના કુટુંબને છેલ્લા પત્રમાં લખ્યું: ‘ઈસુની આજ્ઞા પ્રમાણે ઈશ્વરને પ્રેમ કરવો સૌથી મહત્ત્વનું છે. અંત સુધી યહોવાહને વળગી રહીશું તો, તે ચોક્કસ આપણને આશીર્વાદ આપશે.’ અમુક સમય પછી ચોકીબુરજમાં તેમના કુટુંબના એક સભ્યએ આમ કહ્યું: ‘મુશ્કેલ સંજોગોમાં પણ કુટુંબ તરીકે અમે ઈશ્વર માટેનો પ્રેમ હંમેશા પ્રથમ રાખ્યો છે.’ આજે આર્મેનિયા, એરિટ્રિયા, દક્ષિણ કોરિયા અને બીજા દેશોમાં ઘણા ભાઈ-બહેનો આવું વલણ બતાવી રહ્યાં છે. તેઓને કેદમાં નાખવામાં આવ્યા છે તોપણ વિશ્વાસમાં અડગ રહીને યહોવાહને પ્રેમ બતાવે છે.

૧૬. મલાવીમાં આપણા ભાઈ-બહેનોએ શું સહન કર્યું?

૧૬ ઘણી જગ્યાએ આપણા ભાઈ-બહેનોએ વિશ્વાસની આકરી કસોટી સહન કરી. મલાવીમાં ૨૬ વર્ષ સુધી યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ હતો. એ સમયમાં તેઓએ સખત વિરોધ અને જુલમ સહન કર્યો. સમય જતાં, તેઓને એનું સારું પરિણામ મળ્યું. જેમ કે, મલાવીમાં પ્રતિબંધ મૂકાયો ત્યારે ૧૮,૦૦૦ ભાઈ-બહેનો હતા. પણ ત્રીસ વર્ષ પછી તેઓ ૩૮,૩૯૩ થયા. બમણાથી પણ વધારે! બીજા દેશોમાં પણ આવા અનુભવો થયા છે.

૧૭. અમુક યુવાનોએ કુટુંબીજનો પાસેથી શું સહેવું પડ્યું છે? તેઓ શા માટે એ ખરાબ વર્તાવ સહી શક્યા?

૧૭ આપણા પર બીજાઓ તરફથી સતાવણી તો આવે જ છે, પણ જ્યારે કુટુંબીજનો કે સગાં-વહાલાં સતાવણી કરે ત્યારે વધારે મુશ્કેલી પડે છે. તેઓના ખરાબ વર્તનથી આપણા ભાઈ કે બહેન પર ખૂબ જ તણાવ આવી શકે. જોકે, એ વિષે ઈસુએ પહેલેથી જ જણાવ્યું હતું. (માથ. ૧૦:૩૫, ૩૬) સત્યમાં નથી એવા માબાપ તરફથી યુવાનોએ સખત વિરોધ સહન કર્યો છે. અમુકને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. જ્યારે કે બીજા અમુક યુવાનના માબાપે તેઓ સાથે સંબંધ તોડી નાખ્યો છે. પણ આવા યુવાનોને યહોવાહના સાક્ષીઓ પાસેથી આશરો મળ્યો છે. કુટુંબીજનોનો વિરોધ સહેવા તેઓને ક્યાંથી હિંમત મળી? શું તેઓને ફક્ત ભાઈ-બહેનો માટે પ્રેમ હતો એનાથી હિંમત મળી? ના, તેઓને યહોવાહ અને ઈસુ માટે પણ પ્રેમ હતો.—૧ પીત. ૧:૨૨; ૧ યોહા. ૪:૨૧.

૧૮. યુગલ એકબીજાને પ્રેમ બતાવતા રહેશે તો શું થશે?

૧૮ જીવનના ઘણા સંજોગોમાં આપણે ‘સઘળું સહન કરે’ એવો પ્રેમ બતાવવાની જરૂર પડે છે. લગ્‍નજીવનમાં પણ યુગલ વચ્ચે પ્રેમ હશે તો, તેઓ ઈસુના આ શબ્દોને માન આપશે: “દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માથ. ૧૯:૬) ‘શારીરિક દુઃખનો’ અનુભવ થાય ત્યારે યુગલે યાદ રાખવું જોઈએ કે લગ્‍નની ગોઠવણ કરનાર યહોવાહ તેઓને સાથ આપશે. (૧ કોરીં. ૭:૨૮) બાઇબલ જણાવે છે કે ‘પ્રેમ સઘળું સહન કરે છે.’ જો પતિ-પત્ની આ ગુણ બતાવતા રહેશે તો, તેઓ એકબીજાથી જુદા નહિ થાય અને તેઓનું લગ્‍ન ટકી રહેશે.—કોલો. ૩:૧૪.

૧૯. કુદરતી આફતમાં ભાઈ-બહેનોએ મદદ કરવા શું કર્યું?

૧૯ કુદરતી આફતો આવે ત્યારે પણ પ્રેમ સઘળું સહેવા મદદ કરે છે. દાખલા તરીકે, પેરુના દક્ષિણ ભાગમાં ધરતીકંપ થયો અને અમેરિકાની દક્ષિણ ખાડીમાં કેટરીના નામનું વાવાઝોડું આવ્યું હતું. એમાં આપણા ઘણા ભાઈ-બહેનોએ પોતાના ઘરબાર ગુમાવી દીધા. એ વખતે દુનિયા ફરતેના ભાઈ-બહેનોએ રાહત કામ માટે સાધન-સામગ્રી પૂરી પાડી. અમુક ભાઈ-બહેનોએ બીજી જગ્યાએથી આવીને કિંગ્ડમ હૉલનું સમારકામ કરવામાં અને ઘરો બાંધવામાં મદદ કરી. આમ કરીને ભાઈ-બહેનોએ સાબિતી આપી કે ગમે એવા સંજોગોમાં તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે.—યોહા. ૧૩:૩૪, ૩૫; ૧ પીત. ૨:૧૭.

પ્રેમ કદી ખૂટતો નથી

૨૦, ૨૧. (ક) શા માટે પ્રેમના ઉત્તમ માર્ગમાં ચાલવા કોશિશ કરવી જોઈએ? (ખ) પ્રેમના માર્ગ પર ચાલવા તમે શા માટે નિર્ણય કર્યો છે?

૨૦ આપણે જોઈ ગયા કે યહોવાહના લોકો પ્રેમના ઉત્તમ માર્ગમાં ચાલવા કોશિશ કરે છે. કેમ કે, તેઓ જાણે છે કે બધા સંજોગોમાં પ્રેમ બતાવી શકાય છે. પાઊલે જણાવ્યું હતું કે ઈશ્વરની શક્તિથી મળેલા દાન જતા રહેશે, ખ્રિસ્તી મંડળમાં વધારો થશે અને તેઓની શ્રદ્ધા મજબૂત થશે. પછી તેમણે પ્રેમ બતાવવા પર ભાર મૂકતા લખ્યું: ‘હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે. પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે.’—૧ કોરીંથી ૧૩:૧૩.

૨૧ આપણે જે વચનોમાં વિશ્વાસ રાખીએ છીએ એ સમય જતા હકીકતમાં બદલાઈ જશે. પછી એવાં વચનોમાં વિશ્વાસ રાખવાની જરૂર નહિ પડે. એવી જ રીતે આપણને ઈશ્વરના આશીર્વાદમાં જે આશા છે એ પણ પૂરી થશે. પણ પ્રેમ વિષે શું? પ્રેમનો કદી અંત આવશે નહિ. એ તો સદા રહેશે. આપણી પાસે હંમેશનું જીવન હશે ત્યારે આપણે ઈશ્વરના પ્રેમને હજી વધારે સમજી શકીશું. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા આપણે પ્રેમના ઉત્તમ માર્ગ પર ચાલતા રહીશું તો, સદાનું જીવન મળશે.—૧ યોહા. ૨:૧૭. (w09 12/15)

તમે કેવો જવાબ આપશો?

• ખોટી બાબતો માટે પ્રેમ બતાવવાથી આપણે કેમ સાવધ રહેવું જોઈએ?

• કેવો પ્રેમ સતાવણી સહન કરવા મદદ કરી શકે?

• કયા અર્થમાં કહેવાય કે પ્રેમ કદી ખૂટતો નથી?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર બ્લર્બ]

૨૦૧૦નું વાર્ષિક વચન છે: ‘પ્રેમ સઘળું સહન કરે છે, પ્રેમ કદી ખૂટતો નથી.’—૧ કોરીં. ૧૩:૭, ૮.

[પાન ૨૭ પર ચિત્ર]

ઈશ્વરના પ્રેમને લીધે આપણે રાજ્યનો સંદેશો જણાવીએ છીએ

[પાન ૨૮ પર ચિત્ર]

પ્રેમને લીધે મલાવીના ભાઈ-બહેનો સતાવણી સહી શક્યા