સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દારૂના બંધનમાં ફસાતા નહિ

દારૂના બંધનમાં ફસાતા નહિ

દારૂના બંધનમાં ફસાતા નહિ

ટોની એક સમયે દારૂડિયા હતા. જો તેમણે એ કૂટેવ પહેલાં જ સ્વીકારી હોત, તો ઘણી મુશ્કેલીઓમાંથી બચી શક્યા હોત. તે ઘણું પીતા હતા પણ તેમના પર કોઈ અસર દેખાતી નહિ. એટલે ટોનીના મને જીવનમાં બધું બરાબર હતું. તેમનું આવું માનવું ખોટું હતું.

ઘણો દારૂ પીવાથી ટોનીનું મગજ બરાબર કામ કરતું ન હતું. ટોનીને અહેસાસ પણ ન થયો કે દારૂની અસર તેમની લાગણીઓ, વિચારો અને શરીર પર પડી રહી છે. જેમ તે વધારે પીતા, તેમ તેમનું મગજ ઓછું કામ કરતું.

ટોનીના ખોટા વિચારો પાછળ બીજું એક કારણ પણ હતું. તેમને દારૂ પીવાનું છોડવું જ ન હતું. એટલે ગમે તે બહાના કાઢીને પોતાને છેતરતા હતા. આગલા લેખમાં આપણે એલનની વાત કરી હતી. તેમણે પણ શરૂઆતમાં સ્વીકાર્યું નહિ કે પોતે ઘણું દારૂ પીવે છે. હવે તે કબૂલે છે, ‘હું છૂપી રીતે ઘણો દારૂ પીતો. જો કોઈ કહે કે હું ઘણો દારૂ પીવું છું, તો કોઈ બહાનું કાઢતો અને તેની વાતને નજરઅંદાજ કરતો. મને દારૂ પીવું એટલું ગમતું કે કોઈ પણ કિંમતે એને છોડવા માંગતો ન હતો.’ ટોની અને એલનને પોતાનું જીવન બરાબર લાગતું હતું. પણ બીજાઓ જોઈ શકતા હતા કે તેઓ દારૂના બંધાણી બની ગયા છે. તેઓ બંનેને દારૂના બંધનમાંથી છૂટવા પગલાં ભરવાની જરૂર હતી.

પગલાં ભરો!

ઘણા લોકો દારૂના બંધનમાંથી છૂટી શક્યા છે. એ માટે તેઓએ ઈસુના આ શબ્દો પાળ્યા: ‘જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમકે તારા આખા શરીરનો નાશ થાય એના કરતાં તારા એક અંગનો નાશ થાય એ વધારે સારું છે.’—માત્થી ૫:૨૯.

ઈસુ એમ કહેતા ન હતા કે વ્યક્તિએ પોતાના શરીરને નુકસાન કરવું જોઈએ. પણ તેમણે દૃષ્ટાંતથી સમજાવ્યું કે ઈશ્વર સાથે સંબંધ જાળવી રાખવા, વ્યક્તિએ કંઈ પણ જતું કરવા તૈયાર રહેવું જોઈએ. ઈસુની આ સલાહ પાળવી ઘણી અઘરી લાગી શકે. પણ એ પાળવાથી વ્યક્તિ શરાબી બનશે નહિ અને એનાથી આવતી મુશ્કેલીઓથી બચશે. જો કોઈ કહે કે તમે ઘણું પીવો છો, તો તેઓનું સાંભળો અને તરત પગલાં ભરો. લિમિટમાં પીવાનું નક્કી કરો. * જો તમે લિમિટમાં ન પી શકો તો વધારે સારું થશે કે પીવાનું જ બંધ કરી દો. ખરું કે આમ કરવું અઘરું લાગશે. પણ જીવન બરબાદ થઈ જાય એના કરતાં પીવાનું બંધ કરવું સારું.

તમે કદાચ દારૂડિયા ન હોવ, પણ શું તમે વાર-તહેવારે વધારે પી નાખો છો? લિમિટમાં પીવા શું કરી શકો?

ક્યાંથી મદદ મેળવી શકો?

૧. વારંવાર દિલથી કરેલી પ્રાર્થનામાં ભરોસો રાખો. જેઓ ઈશ્વરને ખુશ કરવા માંગે છે, તેઓને બાઇબલ આ સલાહ આપે છે: ‘કશાની ચિંતા ન કરો. પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ અને ઉપકાર સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૬, ૭) આવી મનની શાંતિ મેળવવા તમે પ્રાર્થનામાં શું કહી શકો?

પ્રાર્થનામાં કબૂલ કરો કે તમને વધુ પીવાની ટેવ પડી ગઈ છે. સ્વીકારો કે સુધારો કરવાની જવાબદારી તમારી છે. પ્રાર્થનામાં ઈશ્વરને કહો કે તમે એ ટેવને છોડવા શું કરશો. તેમની મદદ માંગો. વધારે મુશ્કેલીમાં ફસાઈ ન જાઓ માટે તેમનું રક્ષણ માંગો. ‘જે માણસ પોતાનાં અપરાધ છૂપાવે છે તે સફળ થશે નહિ. પણ જે કોઈ એને કબૂલ કરીને એનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.’ (નીતિવચનો ૨૮:૧૩) ઈસુએ પણ આમ પ્રાર્થના કરવા કહ્યું: “અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” (માત્થી ૬:૧૩) તમે કરેલી પ્રાર્થના પ્રમાણે જીવવા શું કરી શકો? તમારી પ્રાર્થનાનો જવાબ ક્યાં મળશે?

૨. બાઇબલમાંથી હિંમત મેળવો. ‘ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ છે, એ હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખે છે.’ (હેબ્રી ૪:૧૨) રોજ બાઇબલ વાંચીને મનન કરવાથી ઘણા લોકો દારૂના બંધનમાંથી છૂટી શક્યા છે. એક ઈશ્વરભક્તે આમ લખ્યું: ‘જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, તેને ધન્ય છે! પણ યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે. અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી જે કંઈ તે કરે છે તેમાં સફળ થાય છે.’—ગીતશાસ્ત્ર ૧:૧-૩.

ચાલો ફરી એલનનો વિચાર કરીએ. યહોવાહના સાક્ષીઓ પાસેથી તે બાઇબલમાંથી શીખવા લાગ્યા. એનાથી તેમને હિંમત મળી અને તે દારૂ પીવાની ટેવ છોડી શક્યા. એલન કહે છે, ‘મને પૂરી ખાતરી છે કે બાઇબલ અને એના સિદ્ધાંતોએ મને મદદ કરી છે. એના વગર હું આજે ન હોત.’

૩. પીવા પર કાબૂ રાખો. બાઇબલ એવા અમુક લોકો વિષે જણાવે છે જે દારૂડિયા હતા. પણ તેઓ ‘ઈશ્વરની મદદથી શુદ્ધ’ થયા. (૧ કોરીંથી ૬:૯-૧૧) ઈશ્વરની શક્તિથી તેઓ સંયમ કેળવી શક્યા અને દારૂની લત છોડી શક્યા. બાઇબલ સલાહ આપે છે: ‘દારૂ પીને છાકટા ન બનો, એનાથી તો બરબાદી જ થશે. એને બદલે, ઈશ્વરની શક્તિથી ભરપૂર થાઓ.’ (એફેસી ૫:૧૮, કોમન લેંગ્વેજ; ગલાતી ૫:૨૧-૨૩) ઈસુએ વચન આપ્યું કે ‘ઈશ્વરની પાસેથી જેઓ માગે, તેમને તે શક્તિ આપશે.’ તેથી “માગો, તો તમને આપવામાં આવશે.”—લુક ૧૧:૯, ૧૩.

ઈશ્વરને ખુશ કરવા માંગતા હોય, તેઓએ શું કરવું જોઈએ? બાઇબલ વાંચીને એનો અભ્યાસ કરવો જોઈએ. વારંવાર દિલથી પ્રાર્થના કરીને સંયમ કેળવવો જોઈએ. કોશિશ કરવામાં હિંમત ન હારવી જોઈએ. ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલશો તો, ‘અનંતજીવન લણશો. તો સારૂં કરતાં થાકશો નહિ. જો હિંમતવાન થશો, તો યોગ્ય સમયે લણશો.’ (ગલાતી ૬:૮, ૯) ઈશ્વરના આ વચનમાં પૂરો ભરોસો રાખો.

૪. સારા મિત્રો પસંદ કરો. “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) લિમિટમાં દારૂ પીવાનો તમારો નિર્ણય મિત્રોને જણાવો. બાઇબલ જણાવે છે કે ‘મદ્યપાન અને મોજશોખ’ છોડી દેશો, ત્યારે પહેલાંના તમારા અમુક મિત્રો “આશ્ચર્ય પામીને તમારી નિંદા” કરશે. (૧ પીતર ૪:૩, ૪) જો એવા મિત્રો તમને વધારે પીવા દબાણ કરે તો, તેઓની દોસ્તી તોડી નાખવા તૈયાર રહો.

૫. પીવાની લિમિટ નક્કી કરો. “આ જગતની વર્તણૂક અને રીતરિવાજોનું અનુકરણ ન કરો, પરંતુ તદ્દન નવી અને જુદી જ વ્યક્તિ બની જાઓ. તમારાં કાર્યોમાં તથા વિચારોમાં નવીનતા અપનાવો. પછી તમે ઈશ્વરની નજરમાં જે સારું, માન્ય તથા સંપૂર્ણ છે તે સમજી શકશો.” (રોમન ૧૨:૨, IBSI) તમે કેટલું પીશો એ ‘જગતના લોકો’ કે તમારા મિત્રો પર છોડી ન દો. પણ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે તમે તમારી લિમિટ નક્કી કરો. એમ કરવાથી તમે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવશો. પણ તમે કઈ રીતે તમારી લિમિટ નક્કી કરી શકો?

જો થોડા દારૂથી પણ તમને નશો ચઢે અને બરાબર વિચારી ન શકો તો, એટલો દારૂ પણ તમારા માટે ઘણો કહેવાય. તેથી જો તમે પીવાના હોય તો, એમ ન કહો કે નશો ચઢ્યા પછી પીવાનું બંધ કરીશ. પોતાને છેતરો નહિ કે વધારે દારૂ પીવાથી મને કંઈ નહિ થાય. તમને નશો ચઢે એનાથી ઘણા ઓછા પ્રમાણમાં દારૂ પીવાની લિમિટ બાંધો. આમ કરવાથી તમે ભૂલથી પણ વધારે નહિ પીઓ.

૬. ‘ના’ પાડતા શીખો. “તમારૂં બોલવું તે હાનું હા, ને નાનું ના હોય.” (માત્થી ૫:૩૭) પરોણાગત બતાવવા કોઈ તમને વારંવાર દારૂ પીવાની ઑફર કરે, તો પ્રેમથી તેને ના કહી શકો. “તમારી વાણી હંમેશાં મધુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો.”—કોલોસી ૪:૬, કોમન લૅગ્વેજ.

૭. બીજાઓની મદદ લો. એવા મિત્રો પસંદ કરો જે તમને બાઇબલમાંથી ઉત્તેજન આપે અને લિમિટમાં પીવા મદદ કરે. બાઇબલ કહે છે: “એક કરતાં બે ભલા; કેમકે તેમની મહેનતનું ફળ તેમને સારૂં મળે છે. જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે.” (સભાશિક્ષક ૪:૯, ૧૦; યાકૂબ ૫:૧૪, ૧૬) શરાબીઓને મદદ કરતી અમેરિકાની એક સંસ્થા કહે છે, ‘શરાબ પીવાનું ઓછું કરવું અમુક સમયે અઘરું લાગી શકે. એવા સમયે કુટુંબીજનો અને મિત્રોની મદદ લો.’—નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑન આલ્કોહોલ અબ્યુસ ઍન્ડ આલ્કોહોલીઝમ.

૮. તમારા નિર્ણયને વળગી રહો. ‘તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહિ. પણ જે વ્યક્તિ નિયમને ધ્યાન આપે છે, અને તેમાં રહે છે, સાંભળીને ભૂલી જતી નથી, પણ કામ કરે છે, તે જ માણસ સુખી થશે.’—યાકૂબ ૧:૨૨, ૨૫.

દારૂના બંધનમાંથી છૂટવું

જો વ્યક્તિ કોઈ વાર ઘણું પીવે, તો એનો અર્થ એ નથી કે તે દારૂડિયો છે. પણ તે વારંવાર ઘણું પીશે, તો તેને દારૂની લત પડી શકે. જેને એની લત પડી જાય તેનું શરીર અને મગજ દારૂ માટે જ તલપે છે. એટલે દારૂના બંધનમાંથી છૂટવા ફક્ત મનમાં ગાંઠ વાળવી અને બાઇબલની સલાહ પાળવી પૂરતી નથી. એલન જણાવે છે કે ‘હું દારૂ છોડવાની કોશિશ કરતો હતો ત્યારે, એની તલપથી મારા શરીરમાં પીડા થતી. મને અહેસાસ થયો કે બાઇબલની સલાહ પાળવી પૂરતી નથી, ડૉક્ટરની મદદ લેવી જ પડશે.’

દારૂના બંધનમાંથી છૂટવા બાઇબલમાંથી ઘણું ઉત્તેજન મળે છે. પણ અમુકને એ સાથે ડૉક્ટરની મદદ પણ લેવી પડે છે. * અમુકને હૉસ્પિટલમાં રહેવું પડે છે, જેથી દારૂની તલપ સહન કરવા સારવાર મળે. બીજાઓને દવાઓ આપવામાં આવે છે જેથી તેઓ દારૂની તલપ ઓછી કરી શકે અને એનાથી દૂર રહી શકે. ઘણા ચમત્કાર કરનાર ઈસુએ પણ કહ્યું હતું: “સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.”—માર્ક ૨:૧૭.

ઈશ્વરની સલાહ પાળવાથી થતા ફાયદા

ઈશ્વર ઇચ્છે કે આપણું ભલું હંમેશ માટે થાય. એટલે બાઇબલમાં તેમણે શરાબને લિમિટમાં પીવાની સલાહ આપી છે. શરાબ છોડ્યાને ચોવીસ વર્ષ પછી એલન કહે છે, ‘મને ઘણી ખુશી થાય છે કે મારો સ્વભાવ બદલાયો છે. જીવન સુધારવા યહોવાહ મને મદદ કરે છે એ જાણીને મને હિંમત મળી.’ આટલું કહીને એલનને યાદ આવે છે કે ‘પહેલાં હું કેવો હતો.’ એટલે તેમની આંખો ભરાઈ આવી. પછી આગળ કહે છે, ‘યહોવાહ મને સમજ્યા, મારી સંભાળ રાખી અને જોઈતી મદદ પૂરી પાડી એ હું ક્યારેય નહિ ભૂલું.’

જો તમે ઘણું પીતા હોવ કે દારૂના બંધાણી હોવ તો, હિંમત ન હારો. એમ ન વિચારો કે તમારા માટે કોઈ આશા નથી. એલન અને બીજા ઘણા લોકો દારૂના બંધાણી હતા. પણ તેઓ હવે લિમિટમાં દારૂ પીવે છે અથવા સદંતર છોડી દીધું છે. એ સુધારો કરવાનો તેઓને કોઈ અફસોસ નથી અને તમને પણ નહિ થાય.

અમુક લોકો દારૂથી દૂર રહે છે. બીજાઓ લિમિટમાં પીવે છે. તમે ગમે તે પસંદ કરો પણ ઈશ્વરની આ સલાહ પાળો: ‘જો તું મારી આજ્ઞાઓ ધ્યાનમાં લે તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થશે.’—યશાયાહ ૪૮:૧૮. (w10-E 01/01)

[ફુટનોટ્‌સ]

^ દારૂના બંધનમાંથી છૂટવા ઘણા કેન્દ્રો, હૉસ્પિટલ અને સંસ્થાઓ મદદ પૂરી પાડે છે. પણ ચોકીબુરજ મૅગેઝિન જણાવતું નથી કે કેવો અને ક્યાં ઇલાજ કરવો જોઈએ. દરેકે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે એ સારવાર બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય.

[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]

 શું હું વધારે પડતો દારૂ પીવા મંડ્યો છું?

તમે પોતાને પૂછો:

• શું હું પહેલાં કરતાં વધારે પ્રમાણમાં દારૂ પીવું છું?

• શું હવે હું અવારનવાર દારૂ પીવું છું?

• શું હું પહેલાં કરતાં વધારે સ્ટ્રોંગ દારૂ પીવું છું?

• શું હું મુશ્કેલીઓ કે ટેન્શન દૂર કરવા દારૂ પીવું છું?

• શું મારા મિત્ર કે કુટુંબીજને કહ્યું છે કે હું બહુ દારૂ પીવું છું?

• શું દારૂ પીવાથી મારા કામ પર, ઘરમાં અથવા હોલિડેમાં હોઉં ત્યારે મુશ્કેલી ઉભી થઈ છે?

• શું હું એક અઠવાડિયું દારૂ પીધા વિના ચલાવી શકું?

• બીજાઓ દારૂ ન પીએ ત્યારે શું મને બેચેની લાગે છે?

• હું કેટલો દારૂ પીવું છું એ શું બીજાઓથી છુપાવું છું?

જો તમારો એક પણ જવાબ ‘હાʼમાં હોય તો, કદાચ તમારે લિમિટમાં દારૂ પીવા પગલાં ભરવા જોઈએ

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

દારૂ પીવા વિષે યોગ્ય નિર્ણય લો

શરાબ પીતા પહેલાં વિચારો:

મારા માટે શું સારું છે, દારૂ પીવું કે એનાથી દૂર રહેવું?

સૂચન: જે વ્યક્તિ લિમિટમાં ન પી શકે તેના માટે દારૂથી દૂર રહેવું સારું છે.

• કેટલું પી શકું?

સૂચન: દારૂ મગજને અસર કરતું હોય છે. એટલે પીતા પહેલાં જ નક્કી કરો કે તમે કેટલું પીશો.

• ક્યારે શરાબ પી ન શકું?

સૂચનો: વાહન ચલાવતા પહેલાં. સચેત રહેવું પડે એવું કોઈ પણ કામ કરતાં પહેલાં. કોઈ પણ ધાર્મિક કાર્યોમાં ભાગ લેતા પહેલાં. જેઓ અમુક દવાઓ લેતા હોય. સગર્ભા સ્ત્રીએ દારૂ ન પીવો જોઈએ.

• ક્યાં પીશ?

સૂચનો: સારી અને યોગ્ય જગ્યાએ પી શકાય. પણ બીજાઓથી છુપાઈને ન પીવો. દારૂને લીધે બીજાઓનું મનદુઃખ થાય તેઓ સામે ન પીઓ.

• કોની સાથે પીશ?

સૂચનો: તમારા સારા મિત્રો કે કુટુંબીજનો સાથે. તમને વધારે પીવા ઊકસાવે એવા લોકો સાથે ન પીશો.

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

બાઇબલની મદદથી શરાબીનું જીવન સુધર્યું

થાઇલૅન્ડના સુપોટ શરૂ શરૂમાં ફક્ત સાંજના દારૂ પીતા હતા. પછી ધીરે ધીરે તેમણે સવારે પીવાનું શરૂ કર્યું. એ પછી બપોરના પણ પીવા માંડ્યા. તે નશો કરવા જ દારૂ પીતા. આમ સુપોટ શરાબી બની ગયા. પણ સમય જતા, તે યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગ્યા. તેમને જાણવા મળ્યું કે ઈશ્વર યહોવાહ શરાબીપણું ધિક્કારે છે. એટલે તેમણે પીવાનું છોડી દીધું. પણ થોડા સમય પછીથી તે ફરી દારૂડિયા બની ગયા. એ જોઈને તેમનું કુટુંબ ભાંગી પડ્યું.

જોકે સુપોટ હજુય યહોવાહને પ્રેમ કરતા હતા અને દિલથી તેમની ભક્તિ કરવા ચાહતા હતા. યહોવાહના ભક્તોએ સુપોટના મિત્ર બનીને તેમને સાથ આપ્યો. તેમ જ, તેમના કુટુંબને હિંમત ન હારવા અને સુપોટ સાથે વધારે સમય પસાર કરવા ઉત્તેજન આપ્યું. એ સમયમાં સુપોટને બાઇબલમાંથી ૧ કોરીંથી ૬:૧૦ બતાવવામાં આવી: ‘દારૂડિયાને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ એ વાંચવાથી સુપોટને ભાન થયું કે પોતાની હાલત કેટલી ગંભીર છે. તેમને ખબર પડી કે જીવન સુધારવા કાંઈ કરવું પડશે.

આ વખતે સુપોટે દારૂ છોડવાની મનમાં ગાંઠ વાળી. ઈશ્વરની શક્તિથી, બાઇબલની સલાહ પાળવાથી, કુટુંબીજનો અને યહોવાહના ભક્તોની મદદથી આખરે સુપોટ દારૂ છોડી શક્યા. તેમણે ઈશ્વરને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું ત્યારે તેમના કુટુંબને બહુ ખુશી થઈ. ઈશ્વર સાથે ગાઢ નાતો બાંધવાની સુપોટની તમન્‍ના હવે પૂરી થઈ. હાલમાં તે બીજાઓને પણ ઈશ્વર વિષે શીખવે છે.