સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના રાજની જીત થશે!

યહોવાહના રાજની જીત થશે!

યહોવાહના રાજની જીત થશે!

“પરાત્પર દેવ માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે.”—દાની. ૪:૧૭.

૧, ૨. કયા કારણોને લીધે માણસોની સરકાર નિષ્ફળ ગઈ છે?

 માણસોની બધી સરકાર નિષ્ફળ ગઈ છે એમાં કોઈ શંકા નથી. તેઓ પાસે સારી રીતે રાજ કરવા માટે જ્ઞાન નથી. તેમ જ, મોટાભાગના રાજાઓ કે નેતાઓ ‘સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, અધર્મી, ક્રૂર, જૂઠું બોલનારા, સંયમ ન કરનારા, નિર્દય, ભલાઈનો નકાર કરનારા, દગાખોર અને ઉદ્ધત’ છે.—૨ તીમો. ૩:૨-૪.

આદમ અને હવાએ યહોવાહના રાજ્યનો નકાર કર્યો હતો. તેઓને લાગ્યું કે પોતે આઝાદ થશે અને મન ફાવે એમ જીવી શકશે. પણ હકીકતમાં તેઓએ શેતાનને રાજા તરીકે પસંદ કર્યા હતા. આશરે ૬,૦૦૦ વર્ષોથી માણસો પર ‘આ જગતનો અધિકારી’ શેતાન રાજ કરે છે. પરિણામે, દુનિયા ખૂબ ખરાબ થઈ ગઈ છે. (યોહા. ૧૨:૩૧) મનુષ્યોની હાલત વિષે એક પુસ્તક કહે છે, ‘દુનિયામાં સુખ-શાંતિ ક્યારેય આવશે નહિ. જો આપણે એવી દુનિયા બનાવવા જઈશું તો, વધારેને વધારે બગડશે. સરકારો જુલમી બનશે, ગુના અને યુદ્ધો વધી જશે.’ (ધી ઑક્ષફર્ડ હિસ્ટરી ઑફ ધ ટ્‍વેન્ટિએથ સેનચુરી) આ પુસ્તક સાફ જણાવે છે કે માણસોની બધી સરકાર નિષ્ફળ ગઈ છે.

૩. આદમ અને હવાએ પાપ ન કર્યું હોત તો, ઈશ્વરનું રાજ કેવું હોત?

આપણા પ્રથમ માબાપે યહોવાહનો નકાર કર્યો એ કેટલા દુ:ખની વાત છે. જો તેઓ યહોવાહને આધીન રહ્યાં હોત, તો આજે પૃથ્વી પર યહોવાહ કઈ રીતે રાજ કરત એ આપણે જાણતા નથી. પણ એક વાત ચોક્કસ છે કે તેમણે ભેદભાવ રાખ્યા વિના પ્રેમથી રાજ કર્યું હોત. (પ્રે.કૃ. ૧૦:૩૪; ૧ યોહા. ૪:૮) માણસોનું રાજ ભૂલ ભરેલું છે. એટલે લોકોએ ઘણી દુઃખ-તકલીફો ભોગવવી પડે છે. પણ માણસો યહોવાહને આધીન રહ્યાં હોત તો આજે ચારે બાજુ સુખ-શાંતિ હોત. ઈશ્વર પાસે અપાર જ્ઞાન હોવાથી તેમણે પોતાના રાજમાં ‘સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત કરી હોત.’ (ગીત. ૧૪૫:૧૬) એવું રાજ સૌથી સારું હોત! (પુન. ૩૨:૪) પણ અફસોસની વાત છે કે માણસોએ એવા રાજનો નકાર કર્યો.

૪. યહોવાહે શેતાનને શું કરવાની પરવાનગી આપી છે?

યહોવાહે માણસોને એકબીજા પર રાજ કરવા દીધા છે. તેમ છતાં, વિશ્વ પર રાજ કરવાનો હક્ક તેમની પાસે જ છે. બાબેલોનના શક્તિશાળી રાજાને પણ આ હકીકત સ્વીકારવી પડી: “પરાત્પર દેવ માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે.” (દાની. ૪:૧૭) ભલે હમણાં માણસો રાજ કરે છે, છેવટે તો ઈશ્વરની ઇચ્છા પૂરી થશે. (માથ. ૬:૧૦) યહોવાહ પોતા પર લાગેલા આરોપને સમય જતા જૂઠા પાડશે. એટલે તે હાલમાં ‘આ જગતના દેવ’ શેતાનને રાજ કરવા દે છે. (૨ કોરીં. ૪:૪; ૧ યોહા. ૫:૧૯) જોકે શેતાન ક્યારેય યહોવાહે ઠરાવેલી હદની બહાર જઈ શકતો નથી. (૨ કાળ. ૨૦:૬; વધુ માહિતી: અયૂબ ૧:૧૧, ૧૨; ૨:૩-૬.) આખી દુનિયા શેતાનના રાજ હેઠળ હોવા છતાં અમુક લોકો યહોવાહને જ રાજા માને છે.

ઈસ્રાએલ પર ઈશ્વરનું રાજ

૫. ઈસ્રાએલીઓએ યહોવાહને શું વચન આપ્યું?

હાબેલથી લઈને મુસાના સમય સુધી અનેક ઈશ્વરભક્તો થઈ ગયા. તેઓ યહોવાહના નીતિ-નિયમો પાળતા અને તેમની ભક્તિ કરતા હતા. (હેબ્રી ૧૧:૪-૨૨) મુસાના સમયમાં યહોવાહે યાકૂબનાં વંશજો સાથે કરાર કર્યો. એ વંશજોમાંથી આખી ઈસ્રાએલ પ્રજા બની. ઈસવીસન પૂર્વે ૧૫૧૩⁠માં ઈસ્રાએલીઓએ વચન આપ્યું કે અમે અને અમારા વંશજો યહોવાહને જ રાજા માનીશું. તેમ જ, ‘યહોવાહે જે ફરમાવ્યું તે સઘળું કરીશું.’—નિર્ગ. ૧૯:૮.

૬, ૭. ઈસ્રાએલીઓ પર ઈશ્વરનું રાજ કેવું હતું?

યહોવાહે એક ખાસ હેતુથી ઈસ્રાએલીઓને પોતાની પ્રજા તરીકે પસંદ કરી હતી. (પુનર્નિયમ ૭:૭, ૮ વાંચો.) યહોવાહનો હેતુ ફક્ત તેઓની કાળજી રાખવાનો ન હતો. પણ સૌથી મહત્ત્વનું તો પોતાના નામ પર લાગેલું કલંક દૂર કરવાનો હતો. પોતે જ સાચા ઈશ્વર છે અને સારી રીતે રાજ કરી શકે છે એ સાબિત કરવાનો હતો. ઈસ્રાએલી પ્રજા એની સાક્ષી આપવાની હતી. (યશા. ૪૩:૧૦; ૪૪:૬-૮) યહોવાહે એ પ્રજાને કહ્યું: ‘તું યહોવાહ તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશ જાતિઓમાંથી તને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા સારૂ પસંદ કરી છે.’—પુન. ૧૪:૨.

યહોવાહના ધોરણો ખૂબ ઊંચા છે. તોપણ તેમણે ઈસ્રાએલીઓના બંધારણને ધ્યાનમાં રાખીને તેઓ પર રાજ કર્યું. મુસા દ્વારા યહોવાહે જે નિયમો આપ્યા એમાં તેમના ગુણો સાફ દેખાઈ આવે છે. જેમ કે, પવિત્રતા, પ્રેમ, ન્યાય, ધીરજ અને માફ કરવાની ઇચ્છા. યહોશુઆના સમયમાં ઈસ્રાએલીઓ યહોવાહના નિયમો પાળવાથી સુખી હતા. તેમ જ, ઈશ્વર સાથે પાકો નાતો બાંધવાથી તેઓને અઢળક આશીર્વાદો મળ્યા હતા. (યહો. ૨૪:૨૧, ૨૨, ૩૧) ઈસ્રાએલનો આ ઇતિહાસ બતાવે છે કે ફક્ત યહોવાહની રાજ કરવાની રીત સૌથી સારી છે.

ઈસ્રાએલીઓએ માણસોના રાજની કિંમત ચૂકવી

૮, ૯. ઈસ્રાએલીઓએ કયું ખોટું પગલું ભર્યું અને એનું શું પરિણામ આવ્યું?

ઈસ્રાએલીઓ વારંવાર ઈશ્વરથી દૂર જતા ત્યારે યહોવાહનો આશીર્વાદ ગુમાવતા. આખરે, લોકોએ પ્રબોધક શમૂએલ દ્વારા ઈશ્વર પાસે એક માનવીય રાજાની માંગણી કરી. યહોવાહે શમૂએલને તેઓની માંગણી પૂરી કરવાની રજા આપી. તેમ જ, યહોવાહે કહ્યું: “તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરૂં માટે મને નકાર્યો છે.” (૧ શમૂ. ૮:૭) જોકે યહોવાહે ઈસ્રાએલીઓને રાજા બનાવવાની પરવાનગી આપી. પણ સાથે સાથે ચેતવ્યા કે તેઓએ પોતાના નિર્ણયની કિંમત ચૂકવવી પડશે.—૧ શમૂએલ ૮:૯-૧૮ વાંચો.

ઇતિહાસ પુરાવો આપે છે કે યહોવાહે જે કહ્યું હતું એ સાચું પડ્યું. માણસોના રાજમાં ઈસ્રાએલીઓએ ઘણી મુશ્કેલીઓ સહન કરી, ખાસ કરીને જ્યારે રાજાઓ યહોવાહની વિરુદ્ધ જતા. માણસોની બધી સરકારોનું પણ આવું જ થાય છે. જેઓ યહોવાહને જાણતા નથી કે તેમની આજ્ઞા પાળતા નથી તેઓ લોકોનું ભલુ હંમેશ માટે કરી શકતા નથી. સુખ-શાંતિ લાવવા માટે અમુક નેતાઓ ઈશ્વર પાસે મદદ માંગે છે. પણ જો તેઓ ઈશ્વરના માર્ગદર્શનને સ્વીકારે નહિ તો તેઓને કઈ રીતે મદદ મળે!—ગીત. ૨:૧૦-૧૨.

એક નવી પ્રજા પર ઈશ્વરનું રાજ

૧૦. શા માટે યહોવાહે બીજી પ્રજા પસંદ કરી?

૧૦ ઈસ્રાએલીઓએ યહોવાહને અનેક વાર દગો દીધો. તેઓએ મસીહને પણ સ્વીકાર્યા નહિ એટલે યહોવાહે તેઓને છોડી દીધા. પછી તેમણે એક નવી પ્રજાને પોતાના લોકો તરીકે પસંદ કર્યા. આ નવી પ્રજા, સ્વર્ગમાં જવા પસંદ કરાએલા ભક્તોનું મંડળ છે જેની શરૂઆત ઈસવીસન ૩૩⁠માં થઈ. યહોવાહ આ મંડળના રાજા છે. પાઊલે આ મંડળને ‘દેવનું ઈસ્રાએલ’ કહ્યું.—ગલા. ૬:૧૬.

૧૧, ૧૨. લોકોની સંભાળ રાખવામાં ‘દેવના ઈસ્રાએલ’ અને પ્રાચીન ઈસ્રાએલ પ્રજા વચ્ચે શું સરખામણી છે?

૧૧ પ્રાચીન ઈસ્રાએલ પ્રજા અને ‘દેવના ઈસ્રાએલ’ વચ્ચે અમુક સરખામણી અને તફાવતો છે. એક તફાવત છે કે યહોવાહના મંડળનો કોઈ માનવીય રાજા નથી જ્યારે કે ઈસ્રાએલ પ્રજામાં હતા. બીજું કે, યહોવાહના મંડળને પાપના બદલામાં બલિદાન ચઢાવવાની જરૂર નથી જ્યારે કે ઈસ્રાએલીઓને ચઢાવવાની જરૂર હતી. જોકે, આ બંને પ્રજા વચ્ચે એક સરખામણી છે કે વડીલો તેઓની સંભાળ રાખે છે. (નિર્ગ. ૧૯:૩-૮) મંડળમાં વડીલો લોકો પર રાજ કરતા નથી પણ તેઓની દેખરેખ રાખે છે. તેમ જ, યહોવાહની ભક્તિ કરવામાં સારો દાખલો બેસાડે છે. મંડળના દરેક સભ્યો સાથે પ્રેમ અને માનથી વર્તે છે.—૨ કોરીં. ૧:૨૪; ૧ પીત. ૫:૨, ૩.

૧૨ આજે ‘દેવના ઈસ્રાએલ’ સાથે ‘બીજાં ઘેટાંના’ લોકો પણ જોડાયા છે. (યોહા. ૧૦:૧૬) મંડળમાં બધાએ વિચાર કરવો જોઈએ કે યહોવાહે પ્રાચીન ઈસ્રાએલ સાથે કઈ રીતે વહેવાર કર્યો. એમ કરવાથી આપણે યહોવાહ અને તેમની રાજ કરવાની રીતની વધારે કદર કરીશું. ઇતિહાસ બતાવે છે કે ઈસ્રાએલના જેવા રાજાઓ હતા એવા જ લોકો પણ બન્યા. રાજા સારાં તો પ્રજા પણ સારી. મંડળમાં આગેવાની લેતા ભાઈઓએ આમાંથી કંઈક શીખવું જોઈએ. તેઓ રાજાઓ નથી તોપણ હંમેશા મંડળ માટે સારો દાખલો બેસાડવો જોઈએ.—હેબ્રી ૧૩:૭.

યહોવાહ આજે કઈ રીતે રાજ કરે છે?

૧૩. ૧૯૧૪⁠માં કયો મહત્ત્વનો બનાવ બન્યો?

૧૩ યહોવાહના ભક્તો દરેકને જણાવે છે કે માણસોની સર્વ સરકારનો જલદી જ અંત આવશે. ૧૯૧૪⁠માં યહોવાહે સ્વર્ગમાં પોતાના રાજ્યની સ્થાપના કરી. યહોવાહે એ રાજ્યના રાજા તરીકે ઈસુને પસંદ કર્યા છે. એ વર્ષે યહોવાહે ઈસુને સત્તા આપી જેથી તે ‘જીતે તથા જીતવા સારૂ નીકળે.’ (પ્રકટી. ૬:૨) આ નવા રાજાને કહેવામાં આવ્યું હતું કે “તારા શત્રુઓ” પર જીત મેળવ. (ગીત. ૧૧૦:૨) દુનિયાના લોકોએ ઈશ્વરના રાજનો સ્વીકાર કર્યો નથી એ કેટલા દુઃખની વાત છે! તેઓ એ રીતે વર્તે છે જાણે ‘ઈશ્વર છે જ નહિ.’—ગીત. ૧૪:૧.

૧૪, ૧૫. (ક) ઈશ્વર કઈ રીતે આપણા પર રાજ કરે છે અને કયા પ્રશ્નો પૂછવા જોઈએ? (ખ) યહોવાહની રાજ કરવાની રીતથી તેમના ભક્તોને કેવા આશીર્વાદ મળે છે?

૧૪ “દેવના ઈસ્રાએલના” પસંદ કરાએલા ભક્તોમાંથી પૃથ્વી પર હજી અમુક જીવે છે. તેઓ ઈસુના ભાઈઓ હોવાથી હજી પણ “ખ્રિસ્તના એલચી” તરીકે સેવા આપે છે. (૨ કોરીં. ૫:૨૦) તેઓને વિશ્વાસુ તથા શાણા ચાકર તરીકે નિમવામાં આવ્યા છે. તેઓની જવાબદારી છે કે સ્વર્ગમાં જવા પસંદ કરાએલા ભક્તોને યહોવાહ વિષે શીખવે. તેમ જ, પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે એવા લાખો ભક્તોને પણ યહોવાહ વિષે શીખવે. (માથ. ૨૪:૪૫-૪૭; પ્રકટી. ૭:૯-૧૫) યહોવાહની આ ગોઠવણથી તેમના ભક્તો પર ઘણા આશીર્વાદ આવે છે.

૧૫ આપણે દરેકે પોતાને પૂછવું જોઈએ: ‘શું હું મંડળમાં મારી જવાબદારી પૂરી રીતે નિભાવું છું? યહોવાહ જે રીતે મંડળ પર રાજ કરે છે એને શું હું પૂરો સાથ આપું છું? યહોવાહના રાજ્યનો એક સભ્ય હોવાનો શું મને ગર્વ છે? મારાથી થાય એટલું શું હું બીજાઓને યહોવાહ વિષે જણાવું છું?’ મંડળ તરીકે આપણે બધા ગવર્નિંગ બૉડીના માર્ગદર્શનને આધીન રહીએ છીએ. મંડળના વડીલોને પણ સાથ આપીએ છીએ. આમ કરવાથી આપણે ઈશ્વરની રાજ કરવાની રીત સ્વીકારીએ છીએ. (હેબ્રી ૧૩:૧૭ વાંચો.) યહોવાહની રાજ કરવાની રીતથી તેમના ભક્તોને કેવા આશીર્વાદ મળે છે? રાજીખુશીથી યહોવાહને આધીન રહેવાથી દુનિયા ફરતે ભાઈ-બહેનોમાં સંપ રહે છે, જે દુનિયામાં બીજે ક્યાંય નથી. શાંતિ અને ભક્તિભાવ વધશે. એ ઉપરાંત, યહોવાહને મહિમા આપી શકીશું.

યહોવાહનું રાજ્ય જીત મેળવશે

૧૬. આજે લોકોએ કયો નિર્ણય લેવાનો છે?

૧૬ એદન બાગમાં ઉઠાવેલા દરેક આરોપને યહોવાહ નજીકમાં થાળે પાડશે. એટલે લોકોએ હમણાં જ નિર્ણય લેવો પડશે કે તેઓ માણસોનું રાજ સ્વીકારશે કે યહોવાહનું. નમ્ર લોકોને સારો નિર્ણય લેવા મદદ કરવાનો લહાવો આપણને મળ્યો છે. જલદી જ આર્માગેદન વખતે શેતાનના રાજ હેઠળની બધી જ સરકારોનો યહોવાહ હંમેશ માટે નાશ કરશે. (દાની. ૨:૪૪; પ્રકટી. ૧૬:૧૬) યહોવાહના રાજ્યની જીત થશે અને તે આખી પૃથ્વી પર રાજ કરશે. ત્યારે સાબિત થશે કે ફક્ત યહોવાહનું રાજ સૌથી સારું છે.—પ્રકટીકરણ ૨૧:૩-૫ વાંચો.

૧૭. ઈશ્વરના રાજમાં કેવા ફાયદા હશે?

૧૭ જો તમે યહોવાહને રાજા તરીકે સ્વીકાર્યા ન હોય તો શું કરવું જોઈએ? પ્રાર્થના કરો અને વિચારો કે યહોવાહના રાજથી કેવા ફાયદા થવાના છે. માણસોની સર્વ સરકાર, ગુનાઓ અને આતંકવાદ દૂર કરી શક્યા નથી. જ્યારે કે યહોવાહનું રાજ પૃથ્વી પરથી બૂરાઈ મિટાવી દેશે. (ગીત. ૩૭:૧, ૨,) માણસોના રાજમાં ઘણા યુદ્ધો થયા છે. પણ ઈશ્વરનું રાજ્ય “પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધ બંધ કરી” દેશે. (ગીત. ૪૬:૯) ઈશ્વરના રાજમાં તો માણસો અને હિંસક પ્રાણીઓને પણ એકબીજાનો ડર નહિ હોય. (યશા. ૧૧:૬-૯) માણસોના રાજમાં કરોડો લોકો ગરીબી અને ભૂખમરાના ભોગ બન્યા છે. પણ ઈશ્વરના રાજમાં કોઈ ભૂખ્યું નહિ હોય. (યશા. ૬૫:૨૧) માણસોએ લાખ કોશિશ કરી છતાં બીમારી અને મરણને મિટાવી શક્યા નથી. પણ ઈશ્વરના રાજમાં કોઈ બીમાર નહિ હોય અને ઘરડાઓ પાછા જુવાન થશે. (અયૂ. ૩૩:૨૫; યશા. ૩૫:૫, ૬) આખી દુનિયા સુંદર બગીચા જેવી હશે. અરે, એ નવી દુનિયામાં ઈશ્વર ગુજરી ગયેલાઓને સજીવન કરશે.—લુક ૨૩:૪૩; પ્રે.કૃ. ૨૪:૧૫.

૧૮. યહોવાહના સાક્ષીઓ હોવાથી જીવનના દરેક પલમાં શું બતાવવું જોઈએ?

૧૮ શેતાને આદમ અને હવાને ઈશ્વર વિરુદ્ધ જવા ઉશ્કેર્યા ત્યારથી માણસો ઘણી તકલીફો સહે છે. પણ ઈશ્વર જલદી જ બધા દુઃખોને દૂર કરશે. આશરે ૬,૦૦૦ વર્ષમાં શેતાને જેટલું નુકસાન કર્યું છે, એ બધું ઈસુ દ્વારા યહોવાહ ફક્ત ૧,૦૦૦ વર્ષમાં સુધારશે! આનાથી સાબિત થાય છે કે યહોવાહનું જ રાજ સૌથી સારું છે. યહોવાહના સાક્ષીઓ હોવાથી આપણે તેમને રાજા તરીકે સ્વીકારીએ છીએ. તેથી ચાલો આપણે જીવનના દરેક પલમાં બતાવીએ કે તેમના ભક્તો છીએ. તેમના રાજ્યના નાગરિકો છીએ. તેમના સાક્ષીઓ હોવાનો ગર્વ માનીએ છીએ. ચાલો આપણે દરેક તકનો ઉપયોગ કરીને સર્વને જણાવીએ કે યહોવાહ જ સારી રીતે રાજ કરે છે. (w10-E 01/15)

આ કલમોમાંથી આપણને ઈશ્વરના રાજ વિષે શું શીખવા મળે છે?

પુનર્નિયમ ૭:૭, ૮

૧ શમૂએલ ૮:૯-૧૮

હેબ્રી ૧૩:૧૭

પ્રકટીકરણ ૨૧:૩-૫

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૭ પર ચિત્રો]

શરૂઆતથી જ યહોવાહ રાજ કરે છે

[પાન ૨૯ પર ચિત્ર]

રાજીખુશીથી યહોવાહને આધીન રહેવાથી દુનિયા ફરતેના ભાઈ-બહેનોમાં સંપ છે