સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

એક રસ્તાફરિયન a માણસે શા માટે પોતાના લાંબા વાળ કપાવ્યા અને ધોળા લોકોને નફરત કરવાનું છોડ્યું? ડ્રગ્સ માફિયા માટે પૈસા ઉઘરાવનાર હિંસક માણસને પોતાની જીવનઢબ બદલવા શાનાથી મદદ મળી? ચાલો, તેઓનો અનુભવ જોઈએ.

“મેં મારા દિલમાંથી નફરતની વાડ તોડી નાખી.”—હેફને ડામા

ઉંમર: ૩૪

દેશ: ઝામ્બિયા

ભૂતકાળ: રસ્તાફરિયન

મારા વિશે: ઝામ્બિયાની એક શરણાર્થી છાવણીમાં મારો જન્મ થયો. યુદ્ધના સમયે મારી મમ્મી નામિબિયા છોડીને ભાગી ગઈ હતી અને એક સંસ્થામાં જોડાઈ હતી. એ સંસ્થા દક્ષિણ આફ્રિકાની સરકાર સામે લડતી હતી. એ સમયે નામિબિયા પર દક્ષિણ આફ્રિકાનું રાજ હતું.

હું ૧૫ વર્ષનો થયો ત્યાં સુધી અલગ અલગ શરણાર્થી છાવણીઓમાં રહ્યો. ત્યાં અમારા મગજમાં રાજકારણનું ભૂસું ભરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, તેઓ અમને ધોળા લોકોને નફરત કરવાનું શીખવતા. તેઓ ચાહતા હતા કે અમે કાળા લોકો માટે લડવા આગળ આવીએ.

હું ૧૧ વર્ષનો હતો ત્યારે ખ્રિસ્તી બનવા માંગતો હતો અને છાવણીમાં ચાલતા ચર્ચનો સભ્ય બનવા માંગતો હતો. એ વિશે મેં એક પાદરી સાથે વાત કરી, પણ તેમણે મને એ પગલું ભરતા રોક્યો. ત્યાર પછી મેં ઈશ્વરમાં માનવાનું છોડી દીધું. મને રેગી પ્રકારનું સંગીત ખૂબ ગમતું હતું. હું આફ્રિકાના કાળા લોકો સાથે થતો અન્યાય રોકવા માંગતો હતો. એટલે હું રસ્તાફરિયન ચળવળમાં જોડાયો. એ વખતે હું ૧૫ વર્ષનો હતો. મેં મારા વાળ લાંબા કર્યા હતા અને એની ચોટલીઓ ગૂંથી હતી. મેં માંસ ખાવાનું છોડી દીધું હતું. હું ગાંજો ફૂંકતો અને કાળા લોકોની આઝાદી વિશે બીજાઓને જણાવતો. પણ હજી હું આડા સંબંધો રાખતો હતો, હિંસક ફિલ્મો જોતો હતો અને ગાળાગાળી કરતો હતો.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: ૧૯૯૫માં, હું વીસેક વર્ષનો હતો ત્યારે વિચારવા લાગ્યો કે મારે જીવનમાં શું કરવું છે. મને રસ્તાફરિયન લોકોનું જે પણ પુસ્તક મળતું, એ હું વાંચતો. અમુક પુસ્તકોમાં બાઇબલની વાતો ટાંકેલી હતી, પણ મને એ જરાય સમજાતી ન હતી. એટલે મેં પોતે બાઇબલ વાંચવાનું નક્કી કર્યું.

થોડા સમય પછી મારા એક રસ્તાફરિયન મિત્રએ મને એક પુસ્તક આપ્યું, જેમાં બાઇબલની વાતો સમજાવી હતી. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું હતું. મેં મારી જાતે એ પુસ્તકમાંથી અને બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. પછી હું યહોવાના સાક્ષીઓને મળ્યો અને તેઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગ્યો.

ભારે પ્રયત્નો પછી હું ધૂમ્રપાન અને વધુ પડતો દારૂ પીવાનું છોડી શક્યો. (૨ કોરીંથીઓ ૭:૧) મેં મારો દેખાવ બદલ્યો, મારી ચોટલીઓ કપાવી, પોર્નોગ્રાફી અને હિંસક ફિલ્મો જોવાનું છોડી દીધું અને ગાળાગાળી કરવાનું બંધ કરી દીધું. (એફેસીઓ ૫:૩, ૪) હું ધોળા લોકોને ધિક્કારતો હતો, પણ ધીરે ધીરે મેં મારા દિલમાંથી નફરતની વાડ તોડી નાખી. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫) એ ફેરફારો કરવા મારે બે બાબતો કરવાની હતી. એક, મારે એવું સંગીત છોડવાનું હતું, જે ધોળા લોકો પ્રત્યે નફરત જગાડે છે. બે, એવા મિત્રોની સંગત છોડવાની હતી, જેઓ મને ખોટા માર્ગે પાછા ફરવા દબાણ કરતા હતા.

એ બધા ફેરફારો કર્યા પછી હું યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરમાં ગયો અને મેં તેઓને જણાવ્યું કે મારે તેઓના સભ્ય બનવું છે. મેં સાક્ષીઓ પાસે બાઇબલમાંથી શીખવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે મેં બાપ્તિસ્મા લેવાનો નિર્ણય લીધો, ત્યારે મારું કુટુંબ જરાય ખુશ ન હતું. મારી મમ્મીએ કહ્યું, “તું બીજા કોઈ પણ ચર્ચમાં જા, પણ યહોવાનો સાક્ષી ન બન.” મારા એક દૂરના સગા બહુ મોટા નેતા હતા. તે મને હંમેશાં મહેણાં-ટોણાં મારતા, કેમ કે મેં યહોવાના સાક્ષી બનવાનો નિર્ણય લીધો હતો.

પણ, હું શીખ્યો કે ઈસુ કઈ રીતે લોકો સાથે વર્તતા હતા અને હું પણ તેમને અનુસરવાની કોશિશ કરતો હતો. એનાથી હું વિરોધ અને લોકોનાં મહેણાં-ટોણાં સહી શક્યો. સાક્ષીઓ જે બાઇબલમાં લખ્યું છે, એ જ શીખવે છે અને એનાથી મને ખાતરી થઈ કે તેઓ જ ઈસુના શિષ્યો છે. દાખલા તરીકે, તેઓ બીજાઓને ખુશખબર જણાવવાની બાઇબલની આજ્ઞા પાળે છે. (માથ્થી ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૪) તેમ જ, તેઓ રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી.—ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪; યોહાન ૧૫:૧૭, ૧૮.

મને કઈ રીતે ફાયદો થયો: બાઇબલના શિક્ષણથી મને ઘણો ફાયદો થયો છે. જેમ કે, ગાંજો છોડવાને લીધે હું ઘણા પૈસા બચાવી શક્યો છું. હવે મને ડ્રગ્સની ખરાબ અસરો થતી નથી તેમજ હું તન-મનથી એકદમ તંદુરસ્ત છું.

હવે મારા જીવનનો એક હેતુ છે અને હું બહુ ખુશ છું. નાનપણથી એ જ તો મારી ઝંખના હતી. સૌથી મહત્ત્વનું તો, હવે ઈશ્વર સાથેનો મારો સંબંધ વધારે ગાઢ બન્યો છે.—યાકૂબ ૪:૮.

“હું ગુસ્સા પર કાબૂ રાખતા શીખ્યો.”—માર્ટિનો પેડ્રેટી

ઉંમર: ૪૩

દેશ: ઑસ્ટ્રેલિયા

ભૂતકાળ: ડ્રગ્સની લે-વેચ કરનાર

મારા વિશે: મારાં બાળપણનાં વર્ષોમાં અમે ઘણી વાર ઘર બદલ્યું છે. હું નાના ગામડામાં રહ્યો છું, તો મોટા શહેરમાં પણ રહ્યો છું. થોડા સમય માટે અમે એક દૂરના વિસ્તારમાં ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ સાથે પણ રહ્યા છીએ. મારાં સગાં-વહાલાં સાથે વિતાવેલી અનેક મીઠી યાદો હજી મારા મનમાં તાજી છે. જેમ કે, અમે માછલી પકડવા જતા, શિકાર કરવા જતા, બૂમરેંગ અને બીજી ઘણી વસ્તુઓ બનાવતા.

મારા પપ્પા બૉક્સિંગ કરતા હતા અને નાનપણથી તેમણે મને લડવાનું શીખવ્યું. હું ખૂબ હિંસક બની ગયો હતો. ૧૫-૧૭ વર્ષનો હતો ત્યારે હું બારમાં જતો અને ઘણો સમય દારૂ પીતો. મને અને મારા મિત્રોને બસ લડવાનું કારણ જોઈતું. ચપ્પું અને બેઝબૉલ રમવાના બેટથી અમે ૨૦ કે એથી વધારે લોકોના ટોળા પર હુમલો કરતા.

ડ્રગ્સ અને બીજાઓએ ચોરેલી વસ્તુઓ વેચીને હું પૈસા કમાતો. ડ્રગ્સની લે-વેચ કરનારા લોકો માટે પણ હું કામ કરતો. જો કોઈ વ્યક્તિ ડ્રગ્સ ખરીદે અને પૈસા ન આપે, તો તેની પાસેથી પૈસા ઉઘરાવવા તેઓ મને કહેતા. લોકોને ડરાવવા-ધમકાવવા હું બંદૂક રાખતો, જેથી તેઓ મને પૈસા આપે. મારે મોટા ગુંડા બનવું હતું. મારા જીવનનો એક જ મંત્ર હતો: મરો અથવા મારો.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: નાનપણમાં મેં યહોવાના સાક્ષીઓ વિશે સાંભળ્યું હતું. એકવાર મેં મમ્મીને પૂછ્યું હતું કે શું તે યહોવાના સાક્ષીઓ વિશે કંઈક જાણે છે. એ વખતે હું વીસેક વર્ષનો હતો. બે દિવસ પછી ડિક્સોન નામના એક ભાઈએ મારા ઘરનો દરવાજો ખટખટાવ્યો. તે યહોવાના સાક્ષી હતા. થોડો સમય વાત કર્યા પછી તેમણે મને સભામાં આવવા કહ્યું. હું એ સભામાં ગયો. આજે ૨૦ કરતાં વધારે વર્ષો વીતી ગયાં છે અને હું હજી સભામાં જઉં છું. સાક્ષીઓએ મારા દરેક સવાલનો જવાબ બાઇબલમાંથી આપ્યો.

મને એ જાણીને ઘણી ખુશી થઈ કે યહોવા બધા લોકોની સંભાળ રાખે છે, ખરાબ લોકોની પણ સંભાળ રાખે છે. (૨ પિતર ૩:૯) મને શીખવા મળ્યું કે તે ખૂબ જ પ્રેમાળ પિતા છે, ભલે બીજું કોઈ મારી કાળજી રાખે કે ના રાખે, પણ યહોવા મારી કાળજી જરૂર રાખશે. મને એ વાત જાણીને ઘણી રાહત મળી કે જો હું મારા જીવનમાં સુધારો કરીશ, તો યહોવા મને માફ કરી દેશે. એફેસીઓ ૪:૨૨-૨૪ના શબ્દોથી મને ઘણી મદદ મળી. એ કલમોની મદદથી મને ‘જૂનો સ્વભાવ કાઢી નાખવા’ અને ‘નવો સ્વભાવ પહેરી લેવા’ મદદ મળી, ‘જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે રચવામાં આવ્યો છે.’

ફેરફારો કરવા એટલું સહેલું ન હતું. સોમથી શુક્ર હું ડ્રગ્સને હાથ પણ ન લગાડતો, પણ શનિ-રવિ જ્યારે મિત્રો સાથે સમય વિતાવતો ત્યારે પોતાના પર કાબૂ રાખી ન શકતો. મને સમજાઈ ગયું કે જો એ આદત છોડવી હોય, તો એ દોસ્તો પણ છોડવાની જરૂર છે. એટલે હું તેઓથી દૂર ઑસ્ટ્રેલિયાના બીજા શહેરમાં રહેવા ચાલ્યો ગયો. અમુક દોસ્તો મને મુસાફરીમાં સાથ આપવા માંગતા હતા, એટલે મેં તેઓને મારી સાથે લીધા. પણ મુસાફરી દરમિયાન તેઓ ગાંજો ફૂંકવા લાગ્યા અને મને પણ એમ કરવા કહ્યું. મેં તેઓને સાફ જણાવી દીધું કે હું એ ખરાબ આદતો છોડવા માંગું છું. પછી મેં એકલાએ જ મુસાફરી ચાલુ રાખી. અમુક સમય પછી મને જાણવા મળ્યું કે અમે છૂટા પડ્યા એના થોડા જ વખતમાં તેઓએ બંદૂકની અણીએ એક બૅન્ક લૂંટી હતી.

મને કઈ રીતે ફાયદો થયો: એ દોસ્તોને છોડ્યા પછી ફેરફારો કરવું સહેલું બની ગયું. ૧૯૮૯માં હું બાપ્તિસ્મા લઈને યહોવાનો સાક્ષી બન્યો. મેં બાપ્તિસ્મા લીધું એ પછી મારી નાની બહેન, મારી મમ્મી અને મારા પપ્પા પણ મારી સાથે યહોવાની ભક્તિ કરવા લાગ્યાં.

મારા લગ્‍નને ૧૭ વર્ષ થયાં છે અને અમને ત્રણ વહાલાં બાળકો છે. હું ગુસ્સા પર કાબૂ રાખતા શીખ્યો છું. ભલે લોકો મને ઉશ્કેરે, તોપણ હું છંછેડાઈ જતો નથી અને શાંત રહું છું. હું “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલી” બોલતા લોકોને પ્રેમ કરતા શીખ્યો છું. (પ્રકટીકરણ ૭:૯) મારા કિસ્સામાં ઈસુના આ શબ્દો સાચા પડ્યા છે: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.”—યોહાન ૮:૩૧, ૩૨.

a રસ્તાફરિયન લોકો જમૈકાના એક પંથના સભ્યો છે. મોટા ભાગે તેઓ લાંબી ચોટલીઓ રાખે છે અને ઇથિયોપિયાના હાઇલી સેલાસીને ભગવાન માને છે.

[પાન ૨૦ પર બ્લર્બ]

ફેરફારો કરવા મારે એવું સંગીત છોડવાનું હતું, જે ધોળા લોકો પ્રત્યે નફરત જગાડે છે

[પાન ૨૦ પર બ્લર્બ]

મને અને મારા મિત્રોને બસ લડવાનું કારણ જોઈતું. ચપ્પું અને બેઝબૉલ રમવાના બેટથી અમે ૨૦ કે એથી વધારે લોકોના ટોળા પર હુમલો કરતા