સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહને અફસોસ થાય છે?

શું યહોવાહને અફસોસ થાય છે?

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

શું યહોવાહને અફસોસ થાય છે?

ન્યાયાધીશો ૨:૧૧-૧૯

આપણે ઘણી વાર ભુલો કરી બેસીએ છીએ, એના લીધે આપણને અફસોસ કે પસ્તાવો થાય છે. બાઇબલ કહે છે કે વિશ્વના માલિક યહોવાહને પણ અફસોસ થાય છે. પણ તમને થશે કે ‘યહોવાહ તો કદીએ કોઈ ભૂલ કરતા નથી.’ તો પછી, કયા અર્થમાં તેમને અફસોસ થાય છે? એનો જવાબ મેળવવાથી જોઈ શકીશું કે આપણાં કાર્યોથી યહોવાહ ખુશ થઈ શકે, અથવા તેમને દુઃખ લાગી શકે. એ જોવા ચાલો ન્યાયાધીશો ૨:૧૧-૧૮ની કલમો પર વિચાર કરીએ.

બાઇબલમાં ન્યાયાધીશોના પુસ્તકમાં આપણને ઈસ્રાએલી પ્રજાના ઇતિહાસમાં આવેલા ઉતાર-ચઢાવ વિષે જોવા મળે છે. યહોવાહે ઈબ્રાહિમને જે દેશનું વચન આપ્યું હતું, એ કનાન દેશમાં આવીને આ પ્રજા વસી હતી. ત્યાર બાદ ઈસ્રાએલીઓ સાથે અમુક સદી સુધી જે વારંવાર બન્યું એને ચાર શબ્દોમાં વર્ણવી શકીએ: બંડ, જુલમ, આજીજી અને છુટકારો. *

બંડ. યહોવાહે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા હતા. પણ કનાનીઓની વાતમાં આવીને ઈસ્રાએલીઓ ‘યહોવાહને તજીને,’ “બઆલ તથા આશતારોથની સેવા” કરવા લાગ્યા. * આ રીતે તેઓએ યહોવાહ સામે બંડ કરીને તેમને ‘રોષ ચઢાવ્યો’ હતો.—કલમ ૧૧-૧૩; ન્યાયાધીશો ૨:૧.

જુલમ. ઈસ્રાએલીઓ ખોટાં કામો કરીને યહોવાહને રોષ ચઢાવતા. તેઓ તેમનાથી મોં ફેરવી લેતા ત્યારે યહોવાહ તેઓને રક્ષણ આપવાનું બંધ કરી દેતા. આમ તેઓ “શત્રુઓના હાથમાં” આવી પડતા. શત્રુઓ ઈસ્રાએલીઓને લૂંટી જતા અને તેઓ પર જુલમ ગુજારતા.—કલમ ૧૪.

આજીજી. તેઓ કપરા સંજોગોમાં આવી પડતા, ત્યારે પસ્તાવો કરતા અને યહોવાહને આજીજી કરતા. બાઇબલ જણાવે છે કે “જુલમને લીધે તેઓ નિસાસા નાખતા” હતા. એ બતાવે છે કે તેઓ આજીજી કરતા હોઈ શકે. (કલમ ૧૮) તેઓ જ્યારે પણ મુશ્કેલીમાં આવી પડતા ત્યારે યહોવાહને પોકારતા હતા. (ન્યાયાધીશો ૩:૯, ૧૫; ૪:૩; ૬:૬, ૭; ૧૦:૧૦) ત્યારે ઈશ્વર શું કરતા?

છુટકારો. ઈસ્રાએલીઓ જ્યારે આજીજી કરતા ત્યારે, યહોવાહને તેઓ માટે અફસોસ થતો અને તેઓ પર ‘દયા આવતી.’ હેબ્રી ભાષામાં ‘દયા આવતી’ માટે જે શબ્દ વપરાયો છે એનો અર્થ ‘મન ફેરવવું’ થાય છે. (વધુ માહિતી: નિર્ગમન ૩૨:૧૪) બાઇબલનો એક જ્ઞાનકોશ કહે છે, ‘લોકોની વિનંતી સાંભળીને યહોવાહ તેઓને શિક્ષામાંથી છુટકારો આપતા.’ યહોવાહ દયા બતાવવા ઈસ્રાએલીઓમાંથી “ન્યાયાધીશો ઊભા કરતા,” જેઓ લોકોને દુશ્મનોના હાથમાંથી છોડાવતા.—કલમ ૧૮.

લોકોના વલણમાં સુધારો જોઈને યહોવાહને તેઓ માટે અફસોસ થતો અને તે પોતાનું મન ફેરવતા હતા. એ સમજવા આનો વિચાર કરીએ: બાળક તોફાન કરે ત્યારે પિતા તેને શિક્ષા કરશે. કદાચ અમુક સમય સુધી બાળકને ગમતી બાબતો પણ કરવા નહિ દે. પણ પિતા જ્યારે જુએ કે બાળકના વલણમાં સુધારો થયો છે ત્યારે તેમને દયા આવે છે અને શિક્ષા માફ કરી દે છે.

આ બનાવમાંથી યહોવાહ વિષે આપણે શું શીખી શકીએ? એ જ કે જાણીજોઈને પાપ કરવાથી આપણે યહોવાહને રોષ ચઢાવીએ છીએ. પણ દિલથી પસ્તાવો કરીએ તો તે દયા બતાવે છે. એટલે આપણે જે કાર્યો કરીએ એનાથી ઈશ્વરને ખુશ કે નાખુશ કરી શકીએ. તેથી, ચાલો આપણે નિર્ણય કરીએ કે યહોવાહના “હૃદયને આનંદ પમાડે” એવાં જ કામો કરીશું. (નીતિવચનો ૨૭:૧૧) એવો નિર્ણય લેવાથી આપણને કદીએ અફસોસ નહિ થાય. (w10-E 02/01)

[ફુટનોટ્‌સ]

^ ન્યાયાધીશો ૨:૧૧-૧૮ની કલમો આપણને ઝલક આપે છે કે ઈસ્રાએલીઓનું વર્તન કેવું હતું. એ પછીના અધ્યાયો તેઓ વિષે વધારે માહિતી આપે છે.

^ કનાનીઓનો મુખ્ય દેવ બઆલ હતો અને આશતારોથ દેવી બઆલની પત્ની ગણાતી.