સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પૃથ્વી સર્વ લોકોનું પેટ ભરી શકશે?

શું પૃથ્વી સર્વ લોકોનું પેટ ભરી શકશે?

વાચકો તરફથી પ્રશ્નો

શું પૃથ્વી સર્વ લોકોનું પેટ ભરી શકશે?

▪ આપણી સુંદર ધરતી પાસે જીવન ટકાવી રાખવાની અજોડ ક્ષમતા છે. પણ જેમ દુનિયાની વસ્તીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેમ પૃથ્વીના કુદરતી તત્ત્વોનો વપરાશ પણ ઝડપથી થઈ રહ્યો છે. એટલે ઘણાને ચિંતા થાય છે: ‘શું જીવન ટકાવી રાખવા પૃથ્વી પૂરતો ખોરાક-પાણી આપી શકશે?’

જોકે આપણે ચિંતા કરવાની જરૂર નથી. યહોવાહે મનુષ્યને ચારેક હજાર વર્ષો પહેલાં આ વચન આપ્યું હતું: “પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાઢ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહિ.” (ઉત્પત્તિ ૮:૨૨) એટલે આપણને પૂરી ખાતરી છે કે દરરોજ સૂરજ ઊગશે. એવી જ રીતે આપણે ખાતરી રાખી શકીએ કે જીવન ટકાવી રાખવા પૃથ્વી પૂરતો ખોરાક-પાણી આપતી રહેશે.

૨૦૦૪માં વાતાવરણ વિષે એક રિપોર્ટ બહાર પડ્યો હતો. એનો વિષય હતો: ‘શું ધરતી સર્વ લોકોનું પેટ ભરી શકે છે?’ એ રિપોર્ટ લખનાર આલેક્સ કરબી કહે છે: ‘આ ધરતી દરેક વ્યક્તિ માટે પૂરતો ખોરાક ઉત્પન્‍ન કરે છે. પણ મોટે ભાગે જ્યાં જરૂર છે ત્યાં ખોરાક પહોંચતો નથી. અથવા ખરીદવો ખૂબ મોંઘો હોય છે. કે પછી એને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી. તેથી દરેક વ્યક્તિને પૂરતો ખોરાક મળી રહે એ વિજ્ઞાનીઓના હાથમાં નથી, પણ રાજનેતાઓના હાથમાં છે.’ જો ધરતીની સારી દેખરેખ રાખવામાં આવે અને એની ઊપજને વ્યવસ્થિત રીતે વહેંચવામાં આવે તો, કોઈ પણ કારણે અછત ઊભી નહિ થાય. દાખલા તરીકે, પ્રાચીન ઇસ્રાએલના સમયમાં ઈશ્વરે જમીનની દેખરેખ રાખવા લેવીય ૨૫:૪માં આ માર્ગદર્શન આપ્યું હતું: ‘સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ.’ લોકોએ દર સાતમે વર્ષે ખેતરમાં વાવણી કરવાની ન હતી. તોપણ યહોવાહે વચન આપ્યું હતું કે તેઓને એટલો ખોરાક આપશે જેનાથી તેઓને કદી ખોટ પડશે નહિ. તેઓએ અછતની ચિંતા કરવાની જરૂર ન હતી.—લેવીય ૨૬:૩-૫.

ખરું કે આજે ધરતીને થતું નુકસાન અટકાવવા નક્કર પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પણ ઘણાને લાગે છે કે એ પગલાં બહુ મોડાં ભર્યાં છે અને હજી વધારે કંઈક કરવાની જરૂર છે. તો પછી, એનો હલ શું છે? પ્રકટીકરણ ૧૧:૧૮ કહે છે કે ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો યહોવાહ નાશ કરશે.’ યહોવાહ પૃથ્વીને થતું નુકસાન અટકાવશે. પૃથ્વીને નુકસાન કરનારા સ્વાર્થી લોકોનો નાશ કરશે. એવાં પગલાં ભરશે જેથી ઉજ્જડ જગ્યાઓમાં પણ પૂરતા ખોરાક-પાણી મળે. ઈશ્વરના આ હેતુને પૂરો થતા કોઈ પણ વ્યક્તિ રોકી શકતું નથી. યહોવાહ ઈશ્વરને પોતાના રાજા તરીકે દિલથી સ્વીકારે છે તેઓ ગીતશાસ્ત્ર ૭૨:૧૬ના આ શબ્દો સાચા પડતા જોશે: ‘દેશમાં અને પર્વતોના શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે.’

અપાર પ્રેમ અને ડહાપણથી યહોવાહે માણસો માટે એક મકસદ કર્યો છે: માણસો આ સુંદર ધરતી પર હંમેશ માટે જીવે અને એની કાળજી રાખે. (ઉત્પત્તિ ૧:૨૮) તેમના રાજ હેઠળ લોકો શીખશે કે કઈ રીતે આ ધરતીના કુદરતી તત્ત્વોનો સારો ઉપયોગ કરી શકાય, જેથી પૃથ્વીને નુકસાન ન થાય. ઈશ્વર આપણી સર્વ ઇચ્છાઓ પૂરી કરશે એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬. (w10-E 03/01)

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

‘દરેક વ્યક્તિને પૂરતો ખોરાક મળી રહે એ વિજ્ઞાનીઓના હાથમાં નથી, પણ રાજનેતાઓના હાથમાં છે’