સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે

સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે

સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે

‘ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.’—ગલા. ૫:૧૬.

૧. પેન્તેકોસ્તના દિવસે કયા બે પ્રકારના બાપ્તિસ્મા થયા?

 ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તના દિવસે એક ખાસ બનાવ બન્યો. યહોવાહે પોતે ઈસુના શિષ્યોને અજોડ રીતે બાપ્તિસ્મા આપ્યું. કઈ રીતે? તેઓ પર આશીર્વાદ રેડીને! એ પછી તેઓ અલગ અલગ ભાષા બોલવા લાગ્યા અને ઈશ્વરની શક્તિથી ચમત્કારો કરી શક્યા. (૧ કોરીં. ૧૨:૪-૧૦) એ જ દિવસે લોકોએ એ શક્તિની સાબિતી જોઈ. પ્રેરિત પીતરનું પ્રવચન સાંભળીને ઘણાના ‘મન વીંધાઈ ગયાં.’ પીતરે કહ્યું તેમ તેઓએ પસ્તાવો કર્યો અને પાણીનું બાપ્તિસ્મા લીધું. બાઇબલ જણાવે છે: “તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તેજ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.” (પ્રે.કૃ. ૨:૨૨, ૩૬-૪૧) ઈસુએ આજ્ઞા આપી હતી તેમ તેઓએ પિતા તથા દીકરા તથા ઈશ્વરની શક્તિને નામે પાણીનું બાપ્તિસ્મા લીધું.—માથ. ૨૮:૧૯.

૨, ૩. (ક) યહોવાહના આશીર્વાદથી બાપ્તિસ્મા પામવું અને ઈશ્વરની શક્તિના નામે પાણીનું બાપ્તિસ્મા લેવું, એમાં શું ફરક છે? (ખ) પાણીનું બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ?

યહોવાહે પોતાનો આશીર્વાદ રેડીને અજોડ રીતે બાપ્તિસ્મા આપ્યું એ શું બતાવે છે? એ જ કે તેઓ જાણે નવો જન્મ લઈને ઈશ્વરના દીકરા બને છે. (યોહા. ૩:૩) તેઓ ઈશ્વરના રાજમાં ખાસ કામ કરવા પસંદ કરાયા છે. ભાવિમાં તેઓ રાજાઓ અને યાજકો તરીકેની જવાબદારી નિભાવશે. તેઓ જાણે ખ્રિસ્તના શરીરનો ભાગ બને છે. (૧ કોરીં. ૧૨:૧૩; ગલા. ૩:૨૭; પ્રકટી. ૨૦:૬) પેન્તેકોસ્તના દિવસથી યહોવાહે આશીર્વાદ રેડીને આ રીતે બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યું. જેઓનું આ રીતે બાપ્તિસ્મા થાય છે તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. (રૂમી ૮:૧૫-૧૭) પણ આજે અનેક લોકો દર વર્ષે સંમેલનોમાં ઈશ્વરની શક્તિના નામે પાણીનું બાપ્તિસ્મા લે છે એ શું બતાવે છે?

જે કોઈ યહોવાહને પોતાનું જીવન સમર્પણ કરે છે તેઓ એની સાબિતી આપવા પાણીનું બાપ્તિસ્મા લે છે. સ્વર્ગમાં જવા પસંદ થયા છે તેઓએ પણ પહેલાં પાણીનું બાપ્તિસ્મા લીધું હોય છે. પૃથ્વી પર જીવનની આશા છે એવા હજારો લોકો માટે પણ આજે પાણીનું બાપ્તિસ્મા લેવું જરૂરી છે. એટલે ભલે વ્યક્તિને સ્વર્ગની કે પૃથ્વી પર રહેવાની આશા હોય, તે ‘પિતા તથા દીકરા તથા ઈશ્વરની શક્તિને નામે બાપ્તિસ્મા’ લે છે પછી જ યહોવાહ તેને સ્વીકારે છે. આ રીતે બાપ્તિસ્મા લીધા પછી તેણે ‘ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવું’ જોઈએ. (ગલાતી ૫:૧૬ વાંચો.) શું તમે સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન સ્વીકારો છો?

‘ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ’

૪. ‘ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવાનો’ શું અર્થ થાય?

‘ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવાનો’ શું અર્થ થાય? એ જ કે ઈશ્વરની દોરવણી પ્રમાણે જીવન જીવીએ. તેમ જ, સ્વીકારીએ કે ઈશ્વરની અજોડ શક્તિ આપણને અસર કરી શકે છે. ગલાતીનો પાંચમો અધ્યાય સમજાવે છે કે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવું અને ‘દેહનાં કામો’ પ્રમાણે ચાલવામાં મોટો ફરક છે.—ગલાતી ૫:૧૭, ૧૮ વાંચો.

૫. ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી કેવાં કામોથી દૂર રહીશું?

જો તમે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે જીવતા હોવ, તો ‘દેહનાં કામોથી’ દૂર રહેશો. ‘દેહનાં કામોમાં’ આવી બાબતોનો સમાવેશ થાય છે: “વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ અને વિલાસ.” (ગલા. ૫:૧૯-૨૧) વ્યક્તિ ઈશ્વરની શક્તિથી ‘શરીરની ખોટી ઇચ્છાઓને મારી નાખી’ શકે. (રૂમી ૮:૫, ૧૩) આમ વ્યક્તિ પોતાની ઇચ્છા પ્રમાણે નહિ, પણ ઈશ્વરને ગમે એવી બાબતો વિચારશે અને કરશે.

૬. દાખલાથી સમજાવો કે સદ્‍ગુણો કેળવવા શું કરવું જોઈએ?

ઈશ્વરની શક્તિ અસર કરે તેમ, આપણે સદ્‍ગુણો કેળવીએ છીએ. (ગલા. ૫:૨૨, ૨૩) એ કંઈ આપોઆપ કેળવી શકતા નથી. દાખલા તરીકે, ખેડૂત જમીનને ખેડે છે. પણ સૂર્યપ્રકાશ અને પાણી વગર તે પાક મેળવવાની આશા રાખી શકતો નથી. ઈશ્વરની શક્તિ સૂર્યપ્રકાશ જેવી છે. એના વગર આપણે સારા ગુણો કેળવી શકતા નથી. ખેડૂતની જેમ આપણે પણ સખત મહેનત કરીશું, તો જ સારો બદલો મળશે. (નીતિ. ૧૦:૪) આપણે મહેનત કરીને ઈશ્વરનું માર્ગદર્શન જેટલું દિલમાં ઉતારીશું, તેટલા વધારે પ્રમાણમાં સદ્‍ગુણો બતાવીશું. તેથી પોતાને પૂછો, ‘સદ્‍ગુણો કેળવવા શું હું ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલુ છું?’

૭. સદ્‍ગુણો કેળવવા હોય તો, શું કરવાની જરૂર છે?

સારો પાક મેળવવા ખેડૂતે પાણી નાખવું પડે છે. એવી જ રીતે, સારા ગુણો કેળવવા આપણને જીવન આપનાર પાણીની જરૂર છે. એ આપણને બાઇબલ અને મંડળની સભાઓમાંથી મળે છે. (યશા. ૫૫:૧) આપણે લોકોને શીખવ્યું હશે કે બાઇબલ ઈશ્વરના માર્ગદર્શનથી લખાયું છે. (૨ તીમો. ૩:૧૬) આપણે જાણીએ છીએ કે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર આપણને બાઇબલની સાચી સમજણ આપે છે. (માથ. ૨૪:૪૫-૪૭) એટલે ઈશ્વરની દોરવણી પ્રમાણે જીવવા, બાઇબલ વાંચીને એને દિલમાં ઉતારવું બહુ જરૂરી છે. એમ કરવાથી બાઇબલ સમયના ઈશ્વર ભક્તોને અનુસરીએ છીએ, જેઓએ શાસ્ત્રને “ખંતથી તપાસીને શોધ” કરી હતી. સ્વર્ગદૂતોએ પણ યહોવાહના શિક્ષણમાં ઊંડો રસ બતાવ્યો છે, જેથી તેઓ સંતાન વિષેની ભવિષ્યવાણી અને ખ્રિસ્તના મંડળ વિષે વધારે જાણી શકે.—૧ પીતર ૧:૧૦-૧૨ વાંચો.

ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને દોરે છે?

૮. યહોવાહ પાસે તેમની શક્તિ માંગવી કેમ જરૂરી છે?

બાઇબલ વાંચીને દિલમાં ઉતારવું જ પૂરતું નથી. આપણે યહોવાહ પાસે મદદ અને માર્ગદર્શન મેળવવા વિનંતી કરતા રહેવું જોઈએ. પણ ‘આપણે માંગીએ કે કલ્પીએ એના કરતાં, યહોવાહ આપણે સારૂ પુષ્કળ કરી શકે છે.’ (એફે. ૩:૨૦; લુક ૧૧:૧૩) તો પછી, સવાલ થાય કે: “જો ‘કંઈ માગ્યા અગાઉ ઈશ્વર જાણતા હોય,’ તો પ્રાર્થના કરવાની શી જરૂર છે?” (માથ. ૬:૮) ઈશ્વરની શક્તિની માંગણી કરવાથી બતાવીએ છીએ કે આપણને યહોવાહમાં ભરોસો છે. એ સમજવા, માનો કે તમારો મિત્ર તમારી પાસે મદદ માંગે છે. તમે તેને ચોક્કસ મદદ કરશો કેમ કે, તેણે તમારા પર ભરોસો મૂકીને મદદ માંગી. (વધુ માહિતી: નીતિવચનો ૩:૨૭.) એવી જ રીતે, આપણે ઈશ્વર પાસે તેમની શક્તિ માંગીશું તો તે ચોક્કસ જોઈતી મદદ પૂરી પાડશે.—નીતિ. ૧૫:૮.

૯. તમે કઈ રીતે ઈશ્વરની શક્તિ મેળવી શકો?

ઈશ્વરની શક્તિ મેળવવા સભાઓ અને સંમેલનોમાં ધ્યાનથી સાંભળવું ખૂબ જરૂરી છે. એમ કરવાથી તમે “દેવના ઊંડા વિચારોને” સમજી શકશો. (૧ કોરીં. ૨:૧૦) સભાઓમાં નિયમિત રીતે જવાબ આપવાથી પણ ફાયદા થાય છે. જરા વિચાર કરો: તમે ગયા મહિને સભાઓમાં કેટલી વાર જવાબો આપ્યા? એમાંથી કેટલા જવાબમાં તમારો વિશ્વાસ દેખાઈ આવતો હતો? શું તમને લાગે છે કે જવાબ આપવામાં હજુ સુધારો કરવાની જરૂર છે? જો જરૂર લાગે તો, આવતા અઠવાડિયાઓમાં શું કરશો એ પહેલાંથી નક્કી કરો. સુધારો કરવાની તમારી મહેનત જોઈને યહોવાહ ચોક્કસ તમને મદદ પૂરી પાડશે. યહોવાહની મદદથી તમે સભાઓમાંથી વધારે લાભ મેળવી શકશો.

૧૦. ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવામાં બીજાઓને શું આમંત્રણ આપીશું?

૧૦ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવામાં પ્રકટીકરણ ૨૨:૧૭નું આ આમંત્રણ સ્વીકારવું જરૂરી છે: ‘ઈશ્વરની શક્તિ તથા કન્યા બન્‍ને કહે છે, કે આવ. જે સાંભળે છે તે એમ કહે, કે આવ. અને જે તરસ્યો હોય તે આવે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે.’ અહીં કન્યા, અભિષિક્ત કરાએલા લોકોને રજૂ કરે છે. તેઓ દ્વારા ઈશ્વરની શક્તિ બધાને જીવનનું પાણી પીવાનું આમંત્રણ આપે છે. જો તમે એ સ્વીકાર્યું હોય તો, શું બીજાઓને પણ એ આમંત્રણ આપો છો? જીવ બચાવવાના કામમાં ભાગ લેવો ખરેખર એક મોટો લહાવો છે!

૧૧, ૧૨. પ્રચાર કામમાં ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને મદદ કરે છે?

૧૧ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે લોકોના જીવ બચાવવાનું કામ ચાલી રહ્યું છે. ઈશ્વરની શક્તિએ પ્રથમ સદીના શિષ્યોને પણ પ્રચાર કામમાં માર્ગદર્શન આપ્યું હતું. દાખલા તરીકે, પ્રેરિત પાઊલ અને તેમના સાથીઓને ‘ઈશ્વરની શક્તિએ આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી.’ તેઓને બીથુનીઆ જવાની પણ મના કરી હતી. આપણે જાણતા નથી કે ઈશ્વરની શક્તિએ તેઓને કઈ રીતે એ જગ્યાઓમાં જતા રોક્યા. પણ એક વાત સાફ છે કે ઈશ્વરની શક્તિ તેઓને માર્ગદર્શન આપતી હતી. પાઊલને સંદર્શનમાં મકદોનિયાનો એક માણસ મદદ માટે આજીજી કરતો હતો. એટલે પાઊલ અને તેમના સાથીઓ યુરોપમાં ગયા.—પ્રે.કૃ. ૧૬:૬-૧૦.

૧૨ એવી જ રીતે, આજે પણ યહોવાહની શક્તિ દુનિયાભરમાં પ્રચાર કામ કરવા માર્ગદર્શન આપે છે. જોકે આજે સંદર્શન દ્વારા કોઈને માર્ગદર્શન મળતું નથી. પણ યહોવાહ પોતાની શક્તિથી અભિષિક્ત ભાઈ-બહેનોને માર્ગદર્શન આપે છે. આ જ શક્તિ સર્વ ભાઈ-બહેનોને પ્રચાર અને શીખવવાના કામમાં બનતું બધું જ કરવા પ્રેરે છે. તમે પણ ચોક્કસ આ મહત્ત્વના કામમાં ભાગ લેતા હશો. એ કામમાં વધારે આનંદ મેળવવા શું કરી શકાય?

૧૩. પ્રચારમાં આનંદ વધારવા શું કરવું જોઈએ? અનુભવથી સમજાવો.

૧૩ આનંદ વધારવા આપણે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એ માટે યહોવાહની સંસ્થા તરફથી મળતા સૂચનો સ્વીકારવા જોઈએ. ચાલો જાપાનમાં રહેતી મિહીકો નામની યુવતીનો અનુભવ જોઈએ. તેણે પાયોનિયરીંગ શરૂ કર્યું ત્યારે ફરીમુલાકાત કરવી ખૂબ અઘરી લાગતી. તેને થતું કે ‘ઘરમાલિકને રસ જગાડવા કયા વિષય પર વાત કરવી જોઈએ એ મને ખબર નથી.’ આશરે એ જ સમયમાં આપણી રાજ્ય સેવામાં ફરીમુલાકાત કરવાના અમુક સૂચનો આપ્યા હતા. એ વખતે અ સેટિસ્ફાઈંગ લાઈફ—હાઉ ટુ અટેઈન ઈટ બ્રોશર બહાર પડ્યું હતું. એ ખાસ કરીને જાપાની લોકો માટે છે. એ બ્રોશરનો પ્રચારમાં અને ફરીમુલાકાતમાં કઈ રીતે ઉપયોગ કરવો એના સૂચનો આપ્યા હતા. મિહીકોએ એ સૂચનો લાગુ પાડ્યા. થોડા જ સમયમાં તે અનેક લોકોને બાઇબલમાંથી શીખવવા લાગી, જેઓમાંથી અમુકે પહેલાં શીખવાની ના પાડી હોઈ શકે. તે કહે છે, ‘એક સમયે હું ૧૨ વ્યક્તિઓને બાઇબલમાંથી શીખવતી હતી. એટલે નવા લોકોને અમુક સમય માટે રાહ જોવાનું કહેવું પડ્યું!’ સાચે જ, ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું અને તેમની સંસ્થાના સૂચનો સ્વીકારીશું તો, ઘણા આશીર્વાદ મળશે.

ઈશ્વરની શક્તિ પર આધાર રાખો

૧૪, ૧૫. (ક) કઈ રીતે તમે સમર્પણ પ્રમાણે જીવી શકો? (ખ) તમે કઈ રીતે સારા મિત્રો બનાવી શકો?

૧૪ યહોવાહના સેવક બન્યા પછી તમારી પાસે સેવાકાર્ય કરવાની જવાબદારી છે. (રૂમી ૧૦:૧૪) કદાચ તમને લાગે કે આ જવાબદારી તમે પૂરી રીતે નિભાવી નહિ શકો. પણ અભિષિક્ત ભાઈ-બહેનોના કિસ્સામાં બને છે તેમ યહોવાહ તમને પણ એ જવાબદારી નિભાવવા મદદ કરે છે. (૨ કોરીંથ ૩:૫ વાંચો.) જો તમે બનતું બધું કરશો અને યહોવાહની શક્તિ પર આધાર રાખશો તો, સમર્પણ પ્રમાણે જીવી શકશો.

૧૫ જોકે જીવનમાં વારંવાર ભૂલો થતી હોવાથી સમર્પણ પ્રમાણે જીવવું સહેલું નથી. વધુમાં, તમે જીવનમાં કરેલા ફેરફારો જોઈને તમારા જૂના મિત્રો સમજશે નહિ અને કદાચ “તમારી નિંદા” કરશે. (૧ પીત. ૪:૪) આમ હોવા છતાં કદી ન ભૂલો કે હવે તમે નવા મિત્રો બનાવ્યા છે, એમાં ખાસ મિત્રો તો યહોવાહ અને ઈસુ છે. (યાકૂબ ૨:૨૧-૨૩ વાંચો.) એ પણ જરૂરી છે કે તમે મંડળના ભાઈબહેનોને સારી રીતે જાણો. કેમ કે, તેઓ પણ યહોવાહના દુનિયાભરના ભક્તો સાથે જોડાયેલા છે. (૧ પીત. ૨:૧૭; નીતિ. ૧૭:૧૭) યહોવાહ તેમની શક્તિ દ્વારા તમને એવા મિત્રો બનાવવા મદદ કરશે જેઓ તમને સારા ગુણો કેળવવા ઉત્તેજન આપે.

૧૬. પાઊલની જેમ તમે કઈ રીતે ‘નિર્બળતામાં આનંદ માણી શકો’?

૧૬ મંડળના ભાઈ-બહેનોથી તમને ઘણી મદદ અને ઉત્તેજન મળતું હશે. તેમ છતાં, તમને રોજબરોજની મુશ્કેલી સહેવી અઘરી લાગી શકે. એનાથી તમને લાગે કે તમારી ધીરજ ખૂટી જશે અને તમને આશાનું કોઈ કિરણ ન દેખાય. આવા સમયે તમારે ખાસ કરીને યહોવાહ તરફ ફરવું જોઈએ અને તેમની શક્તિ માંગવી જોઈએ. પાઊલે લખ્યું: “જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૪:૭-૧૦; ૧૨:૧૦ વાંચો.) પાઊલ જાણતા હતા કે ભલે ગમે તેવી નબળાઈઓ હોય, વ્યક્તિને ઈશ્વરની શક્તિ હિંમત આપે છે. તેથી તમે નબળાઈ અનુભવો અને મદદની જરૂર લાગે ત્યારે ઈશ્વરની શક્તિ તમને હિંમત આપશે. પાઊલે લખ્યું કે તે ‘નિર્બળતામાં આનંદ માણે છે.’ એટલે કે જ્યારે તે કમજોર થઈ જતા ત્યારે ઈશ્વરની શક્તિ અનુભવતા હતા. તમે પણ ઈશ્વરની શક્તિનો અનુભવ કરી શકો છો.—રૂમી ૧૫:૧૩.

૧૭. મંઝિલે પહોંચવા શું મદદ કરે છે? કઈ રીતે?

૧૭ ઈશ્વરને કરેલા સમર્પણ પ્રમાણે જીવવા તેમની શક્તિની જરૂર છે. એ સમજવા એક દાખલો લઈએ. ધારો કે તમે દરિયામાં પવનથી ચાલતી હોડી ચલાવી રહ્યાં છો. ભલે દરિયાના મોજાં તમને બીજી તરફ ખેંચે પણ પવનની મદદથી તમે મંઝિલે પહોંચો છો. એ પવનને ઈશ્વરની શક્તિ સાથે સરખાવી શકીએ. એની મદદથી તમે હંમેશ માટે ઈશ્વરની ભક્તિ કરવાની મંઝિલે પહોંચી શકો છો. યહોવાહની શક્તિથી તમે દુનિયાના લોકો સાથે ખેંચાઈ નહિ જાઓ. (૧ કોરીં. ૨:૧૨) બાઇબલ અને ઈશ્વરના સંગઠન દ્વારા તેમની શક્તિ તમને સમર્પણ પ્રમાણે જીવવા મદદ કરશે.

૧૮. તમે મનમાં શું ગાંઠ વાળશો? શા માટે?

૧૮ શું તમે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખો છો? તેઓની સંગતનો આનંદ માણો છો? તેમ છતાં, તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું ન હોય તો પોતાને પૂછો: ‘આ પગલું ભરતા હું શા માટે અચકાવું છું?’ જો તમે યહોવાહની શક્તિની કદર કરતા હોવ અને સ્વીકારતા હોવ કે એ તેમની ઇચ્છા પૂરી કરવામાં મોટો ભાગ ભજવે છે તો, શું કરવું જોઈએ? જે શીખ્યા છો એ પ્રમાણે કરવા તરત પગલાં ભરો. આમ કરવાથી યહોવાહ તમને પોતાની શક્તિ અને ઘણા આશીર્વાદ આપશે. જો તમે ઘણા વર્ષો પહેલાં બાપ્તિસ્મા પામ્યા હોય તો, ચોક્કસ ઈશ્વરની શક્તિનો અનુભવ કર્યો હશે. તમે જોયું અને અનુભવ્યું હશે કે ઈશ્વરે કઈ રીતે તમને પોતાની શક્તિથી હિંમત આપી. એટલે મનમાં ગાંઠ વાળો કે તમે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહેશો. એમ કરશો તો, તમને હંમેશ માટે ઈશ્વરની શક્તિ મળશે. (w10-E 03/15)

તમને યાદ છે?

• ‘ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવાનો’ શું અર્થ થાય?

• ‘ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવા’ તમને શું મદદ કરી શકે?

• તમે કઈ રીતે સમર્પણ પ્રમાણે જીવી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

ઈશ્વરનું માર્ગદર્શન દિલમાં ઉતારવા મહેનત માંગી લે છે

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

શું તમે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે જીવો છો?