સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર વિષે ઈસુએ શું શીખવ્યું?

ઈશ્વર વિષે ઈસુએ શું શીખવ્યું?

ઈશ્વર વિષે ઈસુએ શું શીખવ્યું?

‘દીકરાને બાપ વિના બીજો કોઈ જાણતો નથી. તેમ જ બાપને દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.’—લુક ૧૦:૨૨.

પૃથ્વી પર આવ્યા પહેલાં ઈસુ સ્વર્ગમાં હતા. ઈશ્વરે તેમને સૌથી પહેલા ઉત્પન્‍ન કર્યા હતા. એટલે ઈશ્વરની સાથે ઈસુ યુગોના યુગોથી રહેતા હતા. (કોલોસી ૧:૧૫) એટલે ઈશ્વરના વિચારો, લાગણીઓ અને કંઈ પણ કરવાની તેમની રીતથી તે સારી રીતે જાણકાર હતા. ઈસુ જ્યારે પૃથ્વી પર આવ્યા, ત્યારે તેમના પિતા વિષે જણાવવાની તેમને ઘણી જ હોંશ હતી. આપણે ઈસુ પાસેથી ઈશ્વર વિષે ઘણું શીખી શકીએ છીએ.

ઈશ્વરનું નામ: ઈશ્વરનું નામ યહોવાહ છે. * ઈસુને મન એ નામ ઘણું મહત્ત્વનું. એ નામ વિષે તે બધાને જણાવવા માગતા હતા. ખુદ ઈસુના નામનો અર્થ થાય, “યહોવાહ તારણહાર છે.” ઈસુ જાણતા હતા કે જો લોકો ઈશ્વરનું નામ અને એનું મહત્ત્વ નહિ જાણે, તો ઈશ્વર વિષેનું સત્ય કઈ રીતે સમજી શકશે? એમાં કોઈ શંકા નથી કે તેમણે ઈશ્વરને “યહોવાહ” નામથી બોલાવ્યા અને બીજાઓને એ નામ જણાવ્યું. એટલે જ તે પોતાના મરણની આગલી રાત્રે, યહોવાહને પ્રાર્થના કરી શક્યા કે ‘મેં તારૂં નામ જણાવ્યું છે.’—યોહાન ૧૭:૨૬.

ઈશ્વર પ્રેમના સાગર: ઈસુએ એકવાર પ્રાર્થનામાં ઈશ્વરને કહ્યું, “જગતનો પાયો નાખ્યા અગાઉ તેં મારા પર પ્રેમ રાખ્યો.” (યોહાન ૧૭:૨૪) યહોવાહની પ્રેમભરી છત્રછાયાનો અનુભવ ઈસુએ સ્વર્ગમાં કર્યો. તે ચાહતા હતા કે સર્વ લોકો પણ એવા પ્રેમ વિષે જાણે, એનો અનુભવ કરે.

યહોવાહનો પ્રેમ સાગર જેવો વિશાળ છે, એમ જણાવવા ઈસુએ કહ્યું, ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકનોએક દીકરો આપ્યો. એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) અહીં “જગત” માટેના ગ્રીક શબ્દનો અર્થ “પૃથ્વી” નહિ, પણ આખી માણસજાત થાય છે. ઈશ્વરનો મનુષ્ય માટેનો પ્રેમ એટલો મહાન છે કે તેમણે પોતાનો સૌથી વહાલો દીકરો આપી દીધો. એ દીકરાની કુરબાનીમાં જે કોઈ વિશ્વાસ મૂકે, તે પાપ અને મરણની જંજીરમાંથી આઝાદ થાય છે. તેઓને અમર જીવનની આશા મળે છે. ઈશ્વરનો આવો મહાન પ્રેમ આપણી સમજની બહાર છે!—રૂમી ૮:૩૮, ૩૯.

ઈસુએ આપણને બીજી એક હકીકત પણ જણાવી કે યહોવાહને મન એકેએક ભક્ત અનમોલ છે. ઈસુએ યહોવાહને ઘેટાંપાળક સાથે સરખાવ્યા, જે દરેક ઘેટાંની ખૂબી જાણે છે અને દરેકને અનમોલ ગણે છે. (માત્થી ૧૮:૧૨-૧૪) ઈસુએ કહ્યું કે ચકલી ભોંય પર ચણવા આવે એ પણ યહોવાહની જાણ બહાર રહેતું નથી. પછી તેમણે કહ્યું, ‘તમારા માથાના તો વાળ પણ બધા ગણેલા છે.’ (માત્થી ૧૦:૨૯-૩૧) જો ચકલી માળામાં ન હોય એ પણ યહોવાહ જાણતા હોય, તો શું તે પોતાના દરેક ભક્ત વિષે જાણીને તેની વધારે સંભાળ નહિ રાખે? જો તે આપણા માથાના વાળ પણ ગણી શકે છે, તો એ જાણી ન શકે કે આપણને જીવનમાં શું જરૂરી છે, શાની તકલીફ કે ચિંતા છે?

સ્વર્ગમાંના પિતા: આપણે અગાઉના લેખમાં જોઈ ગયા તેમ, ઈસુને ખુદ યહોવાહે ઉત્પન્‍ન કર્યા હતા. એટલે નવાઈ નથી કે યહોવાહની વાત કરતી વખતે ઈસુ મોટે ભાગે તેમને ‘પિતા’ કહેતા. બાર વર્ષના હતા ત્યારે ઈસુએ મંદિરમાં યહોવાહને ‘મારા પિતા’ તરીકે ઓળખાવ્યા. બાઇબલમાં નોંધેલા એ ઈસુના પહેલા શબ્દો હતા. (લુક ૨:૪૯) માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોમાં યહોવાહ માટે વપરાયેલો શબ્દ ‘પિતા’ લગભગ ૧૯૦ વાર આવે છે. યહોવાહની વાત કરતી વખતે ઈસુએ ‘તમારા પિતા,’ ‘અમારા પિતા’ અને ‘મારા પિતા’ જેવા શબ્દો વાપર્યા હતા. (માત્થી ૫:૧૬; ૬:૯; ૭:૨૧) એમ કરીને ઈસુ બતાવવા માગતા હતા કે આપણા જેવા સામાન્ય ઇન્સાન પણ યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધી શકે છે.

દયાળુ અને માફી આપવા તૈયાર: ઈસુ જાણતા હતા કે આપણા જેવા પાપી ઇન્સાનને યહોવાહની દયા અને માફીની ઘણી જરૂર છે. ઈસુએ ઉડાઉ દીકરાનું ઉદાહરણ આપ્યું. એમાં પસ્તાવો કરનાર ઉડાઉ દીકરાને, દરિયાદિલ પિતા ખુલ્લા હાથે આવકારે છે. એના પરથી ઈસુ શીખવે છે કે યહોવાહ એ પિતા જેવા છે. (લુક ૧૫:૧૧-૩૨) યહોવાહ આતુર મને રાહ જુએ છે કે ક્યારે આપણે પસ્તાવો કરીને ફેરફાર કરીએ. પછી તે દરિયાદિલ પિતાની જેમ તરત દયા બતાવીને માફ કરે છે. ઈસુ સમજાવે છે, ‘હું તમને કહું છું કે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.’ (લુક ૧૫:૭) એવા દયાળુ ઈશ્વર કોને ન ગમે!

પ્રાર્થનાના સાંભળનાર: ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે, તેમણે નજરે જોયું કે યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. યહોવાહને પોતાના ભક્તોની પ્રાર્થનાથી ઘણી ખુશી થાય છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) એટલે જ ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે, શિષ્યોને શીખવ્યું કે કઈ રીતે અને કેવી બાબતો માટે પ્રાર્થના કરવી. તેમણે શિખામણ આપી કે ‘તમે અમથો લવારો ન કરો.’ ઈસુએ આવી પ્રાર્થના કરવાની અરજ કરી કે ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થાય.’ આપણે રોજની જરૂરિયાત, પાપોની માફી અને લાલચો સામે રક્ષણ પણ માગી શકીએ. (માત્થી ૬:૫-૧૩) ઈસુએ શીખવ્યું કે જ્યારે પૂરા ભરોસાથી યહોવાહને પ્રાર્થના કરીએ, ત્યારે તે પિતાની જેમ સાંભળે છે અને જવાબ આપે છે.—માત્થી ૭:૭-૧૧.

ઈસુએ હંમેશાં યહોવાહ અને તેમના સુંદર ગુણો વિષે શીખવવાની તકો શોધી. યહોવાહ વિષે બીજું એવું કંઈક હતું, જેના વિષે શીખવવાની ઈસુને તમન્‍ના હતી. એ પૃથ્વી અને મનુષ્ય માટે યહોવાહની ઇચ્છા પૂરી કરવા વિષે હતું. ઈસુએ એને પોતાના સંદેશાનો મુખ્ય વિષય બનાવ્યો. (w10-E 04/01)

[ફુટનોટ્‌સ]

^ બાઇબલના મૂળ લખાણમાં “યહોવાહ” નામ આશરે ૭,૦૦૦ વખત જોવા મળે છે. એ નામનો અર્થ થાય કે “હું જે છું તે છું.” (નિર્ગમન ૩:૧૪) એટલે કે ઈશ્વર પોતે જે કરવા ધારે એ પૂરું કરી શકે છે. ઈશ્વરનું નામ ખાતરી આપે છે કે તે જે ધારે એ ચોક્કસ કરશે. તેમનું એકેય વચન નિષ્ફળ જશે નહિ.