સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુનો સંદેશો તમને કઈ રીતે અસર કરે છે?

ઈસુનો સંદેશો તમને કઈ રીતે અસર કરે છે?

ઈસુનો સંદેશો તમને કઈ રીતે અસર કરે છે?

“તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.”—યોહાન ૧૦:૧૦.

ઈસુ પૃથ્વી પર કંઈક લેવા નહિ, પણ આપવા આવ્યા હતા. તેમણે લોકોને અનમોલ સંદેશો આપ્યો, જેથી તેઓ ઈશ્વર અને તેમનો મકસદ જાણે. એ સંદેશો સાંભળીને અમલમાં મૂકનારા આજે જીવનમાં સુખી થાય છે. એની સાબિતી લાખો સાચા ખ્રિસ્તીઓ આપી શકે છે. * જોકે એ સંદેશામાં મહત્ત્વની એક બાબત છે: ઈસુએ આપણા સર્વ માટે પોતાનું જીવન કુરબાન કરીને સૌથી કીમતી ભેટ આપી. હવે આપણું સુખી ભાવિ એના પર રહેલું છે કે આપણે એ સંદેશો સાંભળીને શું કરીએ છીએ.

યહોવાહ અને ઈસુએ આપેલી કુરબાની: ઈસુ જાણતા હતા કે પોતે દુશ્મનોના હાથે રિબાઈ રિબાઈને માર્યા જશે. (માત્થી ૨૦:૧૭-૧૯) તોપણ તેમણે યહોવાહને મહિમા આપતા કહ્યું: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકનોએક દીકરો આપ્યો. એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) ઈસુએ એમ પણ કહ્યું કે પોતે ‘ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનું જીવન આપવાને આવ્યા છે.’ (માત્થી ૨૦:૨૮) ઈસુએ શા માટે એમ કહ્યું કે તેમનું જીવન આપવામાં આપશે, નહિ કે લેવામાં આવશે?

મનુષ્યને જન્મથી જ પાપ અને મરણનો વારસો મળ્યો છે. યહોવાહને મનુષ્ય પર અપાર પ્રેમ હોવાથી, તેમણે ગોઠવણ કરી કે આપણે એની અસરથી આઝાદ થઈએ. યહોવાહે પોતાના એકનાએક દીકરાને પૃથ્વી પર મોકલ્યો કે આપણને જીવન મળે. ઈસુ રાજીખુશીથી પૃથ્વી પર આવ્યા અને કોઈ પાપ વિનાનું પોતાનું જીવન કુરબાન કર્યું. એને ખંડણી કહેવાય છે, જે યહોવાહની મનુષ્યને આપેલી અનમોલ ભેટ છે. * એનાથી મનુષ્યને અમર જીવન મળી શકે છે.

તમારે શું કરવાની જરૂર છે? ઈસુએ આપેલી કુરબાનીની ભેટ શું તમારે માટે પણ છે? એ તમારા પર આધારિત છે. એ સમજવા એક દાખલો લો: કોઈ તમને સરસ ભેટ ધરે છે. પરંતુ જ્યાં સુધી તમે હાથ લંબાવીને એ લો નહિ, ત્યાં સુધી એ ભેટ તમારી નહિ થાય. એ જ રીતે યહોવાહે ઈસુની કુરબાની દ્વારા તમને અમર જીવન મેળવવાની તક આપી છે. પણ જ્યાં સુધી તમે પોતે એ ગોઠવણનો સ્વીકાર નહિ કરો, ત્યાં સુધી એના આશીર્વાદનો લાભ તમને નહિ મળે. એ ગોઠવણ સ્વીકારવા શું કરવાની જરૂર છે?

ઈસુએ કહ્યું કે તેમના પર ‘વિશ્વાસ કરનાર’ અમર જીવન પામશે. તમે જે રીતે જીવન જીવો, એના પરથી તમારો વિશ્વાસ દેખાઈ આવે છે. (યાકૂબ ૨:૨૬) ઈસુ પર વિશ્વાસ મૂકવાનો અર્થ એ થાય કે તેમના શિક્ષણ પ્રમાણે જીવવું. એ માટે તમારે ઈસુને અને ઈશ્વર યહોવાહને સારી રીતે ઓળખવાની જરૂર છે. ઈશ્વરને પ્રાર્થનામાં ઈસુએ કહ્યું કે ‘અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.’—યોહાન ૧૭:૩.

લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં ઈસુએ આપેલા સંદેશાએ દુનિયા ફરતે લાખો લોકોનાં જીવન બદલ્યાં છે. શું તમને એ સંદેશા વિષે વધારે જાણવું ગમશે? શું તમને જાણવું ગમશે કે તમે અને તમારું કુટુંબ કઈ રીતે હમણાં જ નહિ, પણ કાયમ માટે સુખચેનથી જીવી શકો? યહોવાહના સાક્ષીઓ તમને એ વિષે વધારે જણાવી શકશે. (w10-E 04/01)

[ફુટનોટ્‌સ]

^ ખ્રિસ્તી હોવાનો દાવો કરનારા બધા જ ઈસુના સાચા શિષ્યો નથી. સાચા શિષ્યો ઈસુના શિક્ષણ પ્રમાણે જ જીવે છે. ઈશ્વર અને તેમની ઇચ્છા વિષે ઈસુએ જે શીખવ્યું એ તેઓ પૂરી રીતે માને છે.—માત્થી ૭:૨૧-૨૩.

^ એ ભેટ વિષે શાસ્ત્રમાંથી વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૫, “ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી” જુઓ. એ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.