સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉત્સાહથી ઈસુને અનુસરીએ

ઉત્સાહથી ઈસુને અનુસરીએ

ઉત્સાહથી ઈસુને અનુસરીએ

‘તમે વર્તો છો, તેમ વધારે ને વધારે વર્તતા જાઓ.’—૧ થેસ્સા. ૪:૧.

૧, ૨. (ક) ઈસુના સમયમાં લોકો પાસે શું લહાવો હતો? (ખ) આપણે જે સમયમાં જીવી રહ્યાં છીએ એ પણ કેમ મહત્ત્વનો છે?

 શું તમે કદી કલ્પના કરી છે કે ઈસુ પૃથ્વી પર હતા એ સમયે આપણે પણ હોત તો કેવું સારું? ઘણાને એવું લાગે છે કે ઈસુના સમયમાં જીવ્યા હોત તો, તેમને જોઈ શક્યા હોત. તેમની પાસેથી ઘણું શીખી શક્યા હોત. તેમણે કરેલા ચમત્કારો જોઈ શક્યા હોત. અરે, ઈસુના હાથે સાજા થયા હોત. (માર્ક ૪:૧, ૨; લુક ૫:૩-૯; ૯:૧૧) ઈસુ પછીની કોઈ પેઢીએ એવાં મહાન કાર્યો જોયા નથી. તેમણે પૃથ્વી પર પોતાના ‘બલિદાન’ દ્વારા જે સિદ્ધ કર્યું એ ફરી કદી કરવું નહિ પડે. (હેબ્રી ૯:૨૬; યોહા. ૧૪:૧૯) ઈસુને એ મહાન કાર્યો કરતા જોવા એક મોટો આશીર્વાદ હતો!—લુક ૧૯:૩૭.

જોકે આપણે પણ મહત્ત્વના સમયમાં જીવી રહ્યાં છીએ. શા માટે? કેમ કે, બાઇબલ કહે છે આપણે “અંતના સમય”માં જીવી રહ્યાં છીએ. (દાની. ૧૨:૧-૪, ૯; ૨ તીમો. ૩:૧) આ સમયગાળામાં શેતાનને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો છે. જલદી જ તેને બાંધીને “ઊંડાણમાં નાખી” દેવામાં આવશે. (પ્રકટી. ૧૨:૭-૯, ૧૨; ૨૦:૧-૩) અંતના સમય દરમિયાન આપણી પાસે એક મોટો લહાવો છે. એ છે, દુનિયા ફરતે ‘રાજ્યની સુવાર્તા’ પ્રગટ કરવી. લોકોને સુંદર ભાવિ વિષે આશા આપવી. આ કામ ભાવિમાં ફરી કદી થવાનું નથી.—માથ. ૨૪:૧૪.

૩. સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ શિષ્યોને શું કરવાનું કહ્યું? અંત આવે એ પહેલાં તેઓએ શું કરવાનું હતું?

સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રે.કૃ. ૧:૮) શિષ્યોએ આખી પૃથ્વી પર લોકોને યહોવાહ વિષે શીખવવાનું હતું. શા માટે? તેઓએ અંત આવે એ પહેલાં બીજા ઘણાને શિષ્યો બનાવવાના હતા. (માથ. ૨૮:૧૯, ૨૦) ઈસુએ સોંપેલું કામ આપણે કઈ રીતે પૂરું કરી શકીએ?

૪. (ક) ૨ પીતર ૩:૧૧, ૧૨માં પીતરે શાના પર ભાર મૂક્યો? (ખ) કેવી બાબતો આપણા ઉત્સાહને ઠંડો પાડી શકે?

પ્રેરિત પીતરે જે કહ્યું એના પર વિચાર કરીએ: ‘પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? ઈશ્વરનો દિવસ આવે એની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.’ (૨ પીત. ૩:૧૧, ૧૨) પીતરના શબ્દો આપણને આ છેલ્લા દિવસોમાં ખાસ ધ્યાન રાખવાનું કહે છે. જીવનમાં યહોવાહની ભક્તિ પ્રથમ રાખીએ એ ખૂબ મહત્ત્વનું છે. એ ભક્તિમાં ઈશ્વરનો સંદેશો જાહેર કરવાનો પણ સમાવેશ થાય છે. દુનિયા ફરતે યહોવાહના સાક્ષીઓ પૂરા ઉત્સાહથી પ્રચાર કામ કરે છે, એ કેટલી ખુશીની વાત છે. આપણે પણ એવો ઉત્સાહ જાળવી રાખવો જોઈએ. એ સહેલું નથી કેમ કે શેતાન અને એનું દુષ્ટ જગત આપણા પર સતત પરીક્ષણો લાવે છે. તેમ જ, આપણી પોતાની નબળાઈને લીધે ઉત્સાહ ઠંડો પડી જઈ શકે. તેથી ચાલો જોઈએ કે કઈ રીતે આપણે ઉત્સાહથી ઈસુને અનુસરતા રહી શકીએ.

ઈશ્વરે સોંપેલી જવાબદારી નિભાવીએ

૫, ૬. (ક) પાઊલે યરૂશાલેમના મંડળના કેમ વખાણ કર્યા? અને તેઓને કઈ ચેતવણી આપી? (ખ) ઈશ્વરે સોંપેલી જવાબદારીને શા માટે હલકી ન ગણવી જોઈએ?

પ્રેરિત પાઊલે યરૂશાલેમના મંડળને પત્ર લખ્યો હતો. એમાં તેમણે ભાઈ-બહેનોના વખાણ કર્યા હતા કેમ કે, તેઓ પરીક્ષણ હેઠળ પણ વિશ્વાસુ રહ્યાં હતાં. પાઊલે તેઓને લખ્યું: ‘પૂર્વના દિવસોનું સ્મરણ કરો, એ સમયે તમે પ્રકાશિત થયા પછી, દુઃખોનો મોટો હુમલો સહન કર્યો.’ આ બતાવે છે કે ભાઈ-બહેનોએ જે વિશ્વાસ બતાવ્યો એ યહોવાહ ભૂલી ગયા નહિ. (હેબ્રી ૬:૧૦; ૧૦:૩૨-૩૪) પાઊલે કરેલા વખાણથી ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળ્યું હશે. જોકે એ જ પત્રમાં પાઊલે તેઓને ચેતવણી પણ આપી. જો તેઓ ધ્યાન નહિ રાખે તો યહોવાહની ભક્તિ માટેનો ઉત્સાહ ઠંડો પડી જશે. તેમણે એ પણ કહ્યું કે ઈશ્વરની આજ્ઞાનો “અનાદર” ન કરવો જોઈએ. તેમ જ, આજ્ઞા ન પાળવામાં કોઈ બહાના ન કાઢવા જોઈએ.—હેબ્રી ૧૨:૨૫.

બહાના ન કાઢવા વિષેની પાઊલની સલાહ આપણને પણ લાગુ પડે છે. આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે યહોવાહે સોંપેલી જવાબદારીને હલકી ન ગણીએ. યહોવાહની ભક્તિમાં આપણો ઉત્સાહ કદી પણ ઠંડો પડવા ન દઈએ. (હેબ્રી ૧૦:૩૯) ઈશ્વરની ભક્તિ આપણા માટે જીવન-મરણનો સવાલ છે.—૧ તીમો. ૪:૧૬.

૭, ૮. (ક) ઈશ્વરની ભક્તિમાં ઉત્સાહ જાળવી રાખવા આપણે શું કરી શકીએ? (ખ) જો આપણો ઉત્સાહ ઠંડો પડવા લાગ્યો હોય તો, આપણે યહોવાહ અને ઈસુ વિષે શું યાદ રાખવું જોઈએ?

આપણે શું કરી શકીએ જેથી ઈશ્વરે સોંપેલી જવાબદારી નિભાવવામાં બહાના ન કાઢીએ? એક રીત છે કે ઈશ્વરને જે સમર્પણ કર્યું છે એના પર આપણે નિયમિત મનન કરીએ. આપણે સમર્પણ વખતે ઈશ્વરને વચન આપ્યું હતું કે તેમની ઇચ્છા જીવનભર પ્રથમ રાખીશું. આપણે એ વચન હંમેશા નિભાવવાની જરૂર છે. (માત્થી ૧૬:૨૪ વાંચો.) તેથી સમયે સમયે આપણે પોતાને આ સવાલો પૂછવા જોઈએ: ‘બાપ્તિસ્મા વખતે મને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાનો જે ઉત્સાહ હતો, એ શું હજુ પણ છે? કે પછી વર્ષો પસાર થતાં ગયાં તેમ મારો ઉત્સાહ ઠંડો પડવા લાગ્યો છે?’

જો એવું લાગતું હોય કે આપણો ઉત્સાહ ઠંડો પડી રહ્યો છે, તો શું કરવું જોઈએ? ફરીથી ઉત્સાહી થવા ઈશ્વરભક્ત સફાન્યાહના આ શબ્દો યાદ કરીએ: ‘તારા હાથ ઢીલા ન પડો. તારો ઈશ્વર યહોવાહ તારા મધ્યે છે. તે સમર્થ તારણહાર છે. તે તારે માટે બહુ હરખાશે.’ (સફા. ૩:૧૬, ૧૭) આ શબ્દો બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થએલા ઈસ્રાએલીઓને લાગુ પડતા હતા. જોકે આ શબ્દો આપણા માટે પણ સાચા છે. આપણે પણ યહોવાહે સોંપેલું કામ કરીએ છીએ. એટલે હંમેશા યાદ રાખીએ કે એ જવાબદારી નિભાવવા યહોવાહ અને ઈસુ આપણને મદદ અને હિંમત આપશે. (માથ. ૨૮:૨૦; ફિલિ. ૪:૧૩) જો આપણે પૂરા ઉત્સાહથી યહોવાહનું કામ કરતા રહીશું તો, તે ચોક્કસ આપણને આશીર્વાદ આપશે. તેમની ભક્તિમાં પ્રગતિ કરવા આપણને મદદ કરશે.

ઉત્સાહથી ‘ઈશ્વરના રાજ્યને પહેલાં શોધો’

૯, ૧૦. ઈસુએ જમણવારના દૃષ્ટાંતમાં શું સમજાવ્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?

ફરોશીઓના આગેવાનના ઘરે જમતી વખતે ઈસુએ એક મોટા જમણવારનું દૃષ્ટાંત આપ્યું હતું. એ દૃષ્ટાંતથી તેમણે સમજાવ્યું કે અલગ અલગ લોકોને સ્વર્ગના રાજ્યમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. તેમણે એ પણ સમજાવ્યું કે ‘બહાના કાઢવાʼનો શું અર્થ થાય. (લુક ૧૪:૧૬-૨૧ વાંચો.) ઈસુના દૃષ્ટાંતમાં આમંત્રિત મહેમાનોએ જમણવારમાં ન આવવા બહાના કાઢ્યા. એકે કહ્યું કે તેણે નવા ખરીદેલા ખેતરની તપાસ કરવા જવાનું છે. બીજાએ કહ્યું કે તેણે ખરીદેલા ઢોરને તપાસવા જવાનું છે. ત્રીજાએ કહ્યું: ‘હું આવી શકતો નથી, કેમ કે મેં હમણાં જ લગ્‍ન કર્યા છે.’ કેવાં બહાનાં! જેઓ ખેતર કે ઢોરઢાંક ખરીદે તેઓ શું એની તપાસ પહેલાં નહિ કરે? ખરીદ્યા પછી તપાસ કરવાનો શું ફાયદો? લગ્‍ન કર્યા હોય તોય શું થયું? આવું મહત્ત્વનું આમંત્રણ શું ન સ્વીકારી શકાય? આપણે સમજી શકીએ કે આવાં નજીવાં બહાનાંઓને લીધે યજમાન કેમ ગુસ્સે થયા!

૧૦ આપણે બધા જ આ દૃષ્ટાંતમાંથી કંઈક શીખી શકીએ છીએ. આપણે કદીએ રોજિંદા જીવનની બાબતોને એટલું મહત્ત્વ ન આપીએ કે જેથી ઈશ્વરની ભક્તિને બાજુએ મૂકી દઈએ. જો રોજિંદા જીવનની બાબતોને વધારે ધ્યાન આપીશું તો, યહોવાહની ભક્તિમાં ધીમે ધીમે ઉત્સાહ ઠંડો પડી જશે. (લુક ૮:૧૪ વાંચો.) એવું ન થાય માટે ઈસુની આ સલાહ પ્રમાણે જીવીએ: ‘પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો.’ (માથ. ૬:૩૩) આજે નાના-મોટા બધા ભાઈ-બહેનોને એ સલાહ પાળતા જોઈને આપણને કેટલું ઉત્તેજન મળે છે! અરે ઘણાઓએ પ્રચાર કામમાં વધારે સમય આપવા પોતાનું જીવન સાદું બનાવ્યું છે. તેઓ પોતાના જ અનુભવમાંથી શીખ્યા છે કે ઉત્સાહથી ‘ઈશ્વરના રાજ્યને પહેલાં’ રાખવાથી જીવનમાં સુખ અને સંતોષ મળે છે.

૧૧. બાઇબલનો કયો અહેવાલ શીખવે છે કે દિલથી અને ઉત્સાહથી ભક્તિ કરવી મહત્ત્વની છે?

૧૧ ઈશ્વરની ભક્તિમાં ઉત્સાહ બતાવતા રહેવું મહત્ત્વનું છે. એ વિષે ચાલો ઈસ્રાએલના રાજા યોઆશનો વિચાર કરીએ. સીરિયાનું (અરામ) લશ્કર ઈસ્રાએલીઓ સામે લડવા આવ્યું હતું. એટલે યોઆશ રાજા ભયભીત થઈને એલીશા પ્રબોધકને મળવા ગયા. પ્રબોધકે તેને બારીમાંથી સીરિયા તરફ એક તીર મારવાનું કહ્યું. એનો અર્થ હતો કે યહોવાહ તેઓને જીત અપાવશે. એનાથી તો રાજાની ચિંતા દૂર થવી જોઈતી હતી. પણ પછી શું થયું? પ્રબોધક જ્યારે રાજાને જમીનમાં તીર મારવા કહે છે ત્યારે રાજાએ એટલો ઉત્સાહ બતાવ્યો નહિ. તેણે ત્રણ જ તીર માર્યા. આ જોઈને એલીશા ઘણા ગુસ્સે થયા. જો રાજાએ પાંચ કે છ તીર માર્યા હોત તો, ‘અરામીઓને હરાવીને તેઓનો નાશ’ થાય ત્યાં સુધી જીત મળત. પણ યોઆશે પૂરો ઉત્સાહ બતાવ્યો નહિ એટલે તેને પૂરી સફળતા મળી નહિ. ફક્ત ત્રણ વાર અમુક હદે સીરીયા પર જીત મેળવી. (૨ રાજા. ૧૩:૧૪-૧૯) આ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે પૂરા દિલથી અને ઉત્સાહથી યહોવાહની ભક્તિ કરીશું ત્યારે જ આપણને આશીર્વાદ મળશે.

૧૨. (ક) જીવનની મુશ્કેલીઓનો સામનો કરતી વખતે કઈ રીતે ઈશ્વરની ભક્તિમાં ઉત્સાહ જાળવી રાખી શકીએ? (ખ) પ્રચાર કામમાં મંડ્યા રહેવાથી તમને કેવા લાભ થયા છે?

૧૨ આપણે બધાય યહોવાહની ભક્તિ ઉત્સાહ અને પ્રેમથી કરવા ચાહીએ છીએ. પણ એમ કરવું સહેલું નથી કેમ કે, જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. ઘણા ભાઈ-બહેનોને સંજોગોને લીધે પૈસેટકે તાણ પડે છે. અમુકની તબિયત સારી ન હોવાથી યહોવાહની ભક્તિમાં ચાહતા હોય એટલું કરી શકતા નથી. આવા સંજોગોમાં પણ આપણે ઉત્સાહ જાળવી રાખવા અમુક પગલાં ભરી શકીએ. એમ કરીને ઈસુને તન-મનથી અનુસરી શકીશું. બાજુના બૉક્સમાં “ઈસુને અનુસરવા માટેનાં અમુક સૂચનો” જુઓ. એમાં અમુક સૂચનો અને કલમો છે જે તમને મદદ કરશે. જો તમે એ પ્રમાણે કરશો તો ઘણો ફાયદો થશે. ગેરમાર્ગે ફંટાઈ ન જવા પ્રચાર કામમાં મંડ્યા રહો. એનાથી ઘણી ખુશી અને સંતોષ મળે છે. (૧ કોરીં. ૧૫:૫૮) જો આપણે પૂરા જોશથી યહોવાહની ભક્તિ કરીશું તો, ‘ઈશ્વરનો દિવસ આવે એની આતુરતાથી અપેક્ષા રાખવા’ મદદ મળશે.—૨ પીત. ૩:૧૨.

તમારા સંજોગો તપાસી જુઓ

૧૩. કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણે તન-મનથી યહોવાહની ભક્તિ કરીએ છીએ કે નહિ?

૧૩ પ્રચારમાં કેટલો સમય આપીએ છીએ એનાથી નક્કી નથી થતું કે આપણે યહોવાહની ભક્તિ તન-મનથી કરીએ છીએ કે નહિ. આપણા દરેકના સંજોગો અલગ અલગ છે. દાખલા તરીકે, બીમાર વ્યક્તિ મહિનામાં માંડ બે કલાક પ્રચાર કરે છે. તેણે બનતું બધું કર્યું હોવાથી યહોવાહ તેની થોડી સેવાથી પણ ખુશ છે. (વધુ માહિતી: માર્ક ૧૨:૪૧-૪૪.) એટલે પોતાના સંજોગો અને ક્ષમતાની તપાસ કરીને જોવું જોઈએ કે યહોવાહની ભક્તિ તન-મનથી કરીએ છીએ કે નહિ. આપણે ઈસુની જેમ વિચારવું જોઈએ. (રૂમી ૧૫:૫ વાંચો; ૧ કોરીં. ૨:૧૬) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે જીવનમાં શું પ્રથમ રાખ્યું? તેમણે કાપરનાહુમના લોકોને કહ્યું: ‘મારે ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારું મને મોકલવામાં આવ્યો છે.’ (લુક ૪:૪૩; યોહા. ૧૮:૩૭) આપણે ઈસુ જેવો જ ઉત્સાહ બતાવવો જોઈએ. એ માટે સંજોગોની તપાસ કરીએ અને જોઈએ કે પ્રચાર કાર્યમાં હજુ વધારે કરી શકીએ છીએ કે કેમ.—૧ કોરીં. ૧૧:૧.

૧૪. આપણે કઈ રીતે પ્રચાર કામમાં વધારે કરી શકીએ?

૧૪ પોતાના સંજોગોની તપાસ કરવાથી કદાચ જોવા મળે કે આપણે પ્રચાર કાર્યમાં વધારે સમય કાઢી શકીએ છીએ. (માથ. ૯:૩૭, ૩૮) દાખલા તરીકે, હજારો યુવાનોએ સ્કૂલ પૂરી કરીને પ્રચારમાં વધારે કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં તેઓ ઉત્સાહથી પાયોનિયરીંગ કરવાનો ઘણો આનંદ અનુભવી રહ્યાં છે. શું તમને પણ એ આનંદ માણવો છે? અમુક ભાઈ-બહેનોએ પોતાના સંજોગોની તપાસ કરી અને નક્કી કર્યું કે એવી જગ્યા કે દેશોમાં જશે જ્યાં બહુ પ્રચાર થયો નથી. જ્યારે કે અમુક બીજી ભાષા શીખે છે જેથી પોતાના વિસ્તારમાં રહેતા બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવી શકે. ખરું કે પ્રચારમાં વધારે કરવું સહેલું નથી, પણ એમ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે. તેમ જ ઘણા લોકોને “સત્યનું સંપૂર્ણ જ્ઞાન” લેવા મદદ કરીએ છીએ.—૧ તીમો. ૨:૩, ૪; ૨ કોરીં. ૯:૬.

બાઇબલના દાખલાઓને અનુસરીએ

૧૫, ૧૬. ઈસુના ઉત્સાહી અનુયાયી બનવા આપણે કોના દાખલાને અનુસરી શકીએ?

૧૫ ઈસુએ જ્યારે અમુક લોકોને પોતાના શિષ્યો બનવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેઓએ શું કર્યું? માત્થી વિષે શાસ્ત્ર જણાવે છે: “તે સઘળું મૂકીને ઊઠ્યો ને તેની પાછળ ગયો.” (લુક ૫:૨૭, ૨૮) પીતર અને આંદ્રયા માછલી પકડતા હતા. પણ જ્યારે ઈસુએ તેઓને શિષ્યો બનવા કહ્યું ત્યારે “તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા.” ઈસુ ત્યાર બાદ યાકૂબ અને યોહાનને મળે છે, જેઓ પોતાના પિતા સાથે તેઓની જાળને સીવતા હતા. ઈસુએ તેઓને પોતાના પાછળ ચાલવા કહ્યું ત્યારે તેઓ પણ “તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ ગયા.”—માથ. ૪:૧૮-૨૨.

૧૬ બીજો દાખલો શાઊલનો છે, જે પછીથી પ્રેરિત પાઊલ તરીકે ઓળખાયા. તે પહેલાં ખ્રિસ્તના અનુયાયીઓની સખત સતાવણી કરતા હતા. પણ પછીથી તેમણે પોતાનું જીવન બદલ્યું અને ઈસુના ‘પસંદ કરાએલા પાત્ર બન્યા.’ પછી ‘પાઊલે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા, કે તે ઈશ્વરના દીકરા છે.’ (પ્રે.કૃ. ૯:૩-૨૨) પાઊલના જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સતાવણી આવી. પણ તેમણે કદીએ પોતાનો ઉત્સાહ ઠંડો પડવા ન દીધો.—૨ કોરીં. ૧૧:૨૩-૨૯; ૧૨:૧૫.

૧૭. (ક) ઈસુને અનુસરવામાં તમારી ઇચ્છા શું છે? (ખ) તન-મનથી યહોવાહની ભક્તિ કરવાથી આપણને કેવા આશીર્વાદો મળે છે?

૧૭ શિષ્યોએ કોઈ પણ બહાનું કાઢ્યા વગર તરત જ ઈસુનું આમંત્રણ સ્વીકાર્યું. આપણે પણ તેઓના સારા દાખલાને અનુસરવું જોઈએ. (હેબ્રી ૬:૧૧, ૧૨) પૂરા ઉત્સાહ અને દિલથી ઈસુને અનુસરવાથી આપણને કેવા આશીર્વાદો મળે છે? ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં આપણને ખરો આનંદ મળે છે. મંડળમાં આપણે જે સેવા આપીએ છીએ અને જે જવાબદારી ઉઠાવીએ છીએ એનાથી પણ આપણને ઘણો સંતોષ મળે છે. (ગીત. ૪૦:૮; ૧ થેસ્સાલોનીકી ૪:૧ વાંચો.) જો આપણે પૂરા ઉત્સાહથી અને તન-મનથી ઈસુને અનુસરીશું તો, આપણને અઢળક આશીર્વાદો મળશે. મનની શાંતિ અને સંતોષ પણ મળશે. એ ઉપરાંત, યહોવાહ ખુશ થશે અને આપણને હંમેશ માટે જીવવાની આશા મળશે.—૧ તીમો. ૪:૧૦. (w10-E 04/15)

શું તમને યાદ છે?

• આપણને કયું મહત્ત્વનું કામ સોંપવામાં આવ્યું છે? એને કેવું ગણવું જોઈએ?

• આપણે કેમ બહાના ન કાઢવા જોઈએ?

• આપણે પોતાના સંજોગો વિષે શું તપાસવું જોઈએ?

• ઈસુને અનુસરવા આપણને શું મદદ કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]

ઈસુને અનુસરવા માટેનાં અમુક સૂચનો

▪ દરરોજ બાઇબલ વાંચો અને એના પર મનન કરો.—ગીત. ૧:૧-૩; ૧ તીમો. ૪:૧૫.

▪ ઈશ્વર પાસે શક્તિ અને માર્ગદર્શન માટે વારંવાર પ્રાર્થના કરો.—ઝખા. ૪:૬; લુક ૧૧:૯, ૧૩.

▪ પ્રચાર કામમાં પૂરો ઉત્સાહ બતાવે છે તેઓની સંગતમાં રહો.—નીતિ. ૧૩:૨૦; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

▪ હંમેશાં ધ્યાનમાં રાખો કે આપણે છેલ્લાં દિવસોમાં જીવી રહ્યાં છીએ.—એફે. ૫:૧૫, ૧૬.

▪ ધ્યાન રાખો કે બહાના કાઢવાથી ખરાબ પરિણામ આવે છે.—લુક ૯:૫૯-૬૨.

▪ યહોવાહને સમર્પણમાં આપેલું વચન હંમેશાં યાદ રાખો. તેમ જ યહોવાહની ભક્તિ કરવાથી અને ઈસુને અનુસરવાથી જે અઢળક આશીર્વાદો મળ્યા છે, એને વારંવાર યાદ કરો.—ગીત. ૧૧૬:૧૨-૧૪; ૧૩૩:૩; નીતિ. ૧૦:૨૨.