સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર કેમ કંઈ કરતા નથી?

ઈશ્વર કેમ કંઈ કરતા નથી?

ઈશ્વર કેમ કંઈ કરતા નથી?

‘હે યહોવાહ, તું કેમ દૂર રહે છે? સંકટના સમયમાં તું કેમ સંતાઈ જાય છે?’ *ગીતશાસ્ત્ર ૧૦:૧.

મુખ્ય સમાચારો પર ફક્ત નજર નાખવાથી ખ્યાલ આવે છે કે આપણે “સંકટના સમયમાં” જીવી રહ્યા છીએ. આપણે ગુનાખોરી કે અકસ્માતનો ભોગ બનીએ કે પછી કુટુંબમાં કોઈનું મરણ થાય ત્યારે આવા સવાલો મનમાં ઊભા થાય છે: ‘શું ઈશ્વર આ બધું જોતા નથી? તે કેમ કંઈ કરતા નથી? શું ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે?’

આવા સવાલ થયા હોય તો, શું તમને કદી એવું થયું છે કે આપણું આવું વિચારવું ખરું ન પણ હોય? એ સમજવા એક દાખલો લઈએ. એક નાનું બાળક નારાજ થઈ ગયું છે, કેમ કે તેના પપ્પા કામે ગયા છે. પપ્પા બહુ યાદ આવતા હોવાથી બાળક ઇચ્છે છે કે તે જલદી ઘરે આવી જાય. પણ તે જલદી ઘરે આવતા નથી. એટલે બાળક વિચારે છે કે પપ્પાએ તેને ત્યજી દીધું છે. આખો દિવસ રડતું જઈને તે વારંવાર પૂછે છે કે ‘પપ્પા ક્યાં છે?’

આપણે તરત જ જોઈ શકીએ છીએ કે બાળકની સમજણમાં ભૂલ છે. હકીકતમાં એ ઘડીએ તેના પિતા તો કુટુંબના ભરણપોષણ માટે કામ કરી રહ્યા છે. કદાચ એ બાળકની જેમ આપણે પણ દુઃખમાં વિચારવા લાગીએ કે ‘ઈશ્વર ક્યાં છે?’

દાખલા તરીકે, અમુક લોકો એવું ચાહે છે કે જુલમ કરનારાઓને ઈશ્વર તરત જ સજા ફટકારે. તો બીજા લોકો બસ એવું ચાહે છે કે ઈશ્વર તેમને નોકરી આપે, જીવન સાથી શોધી આપે કે પછી લોટરી લગાડે.

ઈશ્વર જો તરત જ ગુનેગારને સજા ન કરે અથવા કોઈ માંગ પૂરી ન કરે તો અમુક લોકોને લાગશે કે તેમને આપણા દુઃખની કંઈ પડી નથી. કે પછી તે એનાથી અજાણ છે. પણ એ ખરું નથી. હકીકતમાં તો મનુષ્યનું ભલું કરવા યહોવાહ અત્યારે એક ગોઠવણ કરી રહ્યા છે. પણ લોકો વિચારે છે એ રીતે તે ગોઠવણ કરતા નથી.

તમને થશે, કે ઈશ્વર કેવી ગોઠવણ કરી રહ્યા છે? એ સવાલનો જવાબ મેળવવા આપણે માનવ ઇતિહાસની શરૂઆતમાં જવું પડશે. ત્યારે એવું કંઈક બન્યું હતું જેનાથી ઈશ્વર સાથેનો મનુષ્યનો સંબંધ કપાઈ ગયો. પણ એ હદે નહિ કે ફરી બંધાઈ જ ન શકે.

આદમના પાપની અસર

કલ્પના કરો કે ઘણાં વર્ષોથી કોઈ ઘર ખંડેર પડ્યું છે. એની છત પડું પડું થઈ રહી છે. દરવાજા એના મિજાગરામાંથી ખરી પડ્યા છે. લોકોએ બહારથી ઘરનો ડાટ વાળી નાખ્યો છે. એક સમયે ઘર ખૂબ સુંદર હતું પણ હવે એવું રહ્યું નથી. ખંડેર ઘરની હાલત સુધારવા માટે સખત મહેનત માગી લેશે. એ કંઈ રાતોરાત પહેલા જેવું થઈ જવાનું નથી.

હવે વિચાર કરો કે છએક હજાર વર્ષ પહેલા શું બન્યું હતું. એક સ્વર્ગદૂત ઈશ્વરની વિરુદ્ધ ગયો અને તે શેતાન બન્યો. તેણે આદમ અને હવાને પણ ઈશ્વર વિરુદ્ધ જવા ઉશ્કેર્યા. એ બનાવ પહેલા ન તો તેઓ બીમાર થતા કે ન આજની જેમ ઘરડા થતા. તેઓ અને તેઓના આવનાર બાળકો માટે કાયમ જીવવાનો આશીર્વાદ રહેલો હતો. (ઉત્પત્તિ ૧:૨૮) પણ તેઓ જાણીજોઈને ઈશ્વરની વિરુદ્ધ ગયા. એ ઘોર પાપ હતું. આદમ અને હવાએ એ હદે ઈશ્વર સાથેનો નાતો તોડી નાખ્યો કે તેમણે આવનાર પેઢીઓનું જીવન પણ અંધકારમય કરી નાખ્યું.

આદમ અને હવા ઈશ્વર વિરુદ્ધ ગયા એની મનુષ્યો પર બહુ બૂરી અસર પડી. એ વિષે બાઇબલ જણાવે છે: ‘આદમથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ. અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.’ (રૂમી ૫:૧૨) આદમે કરેલા પાપને લીધે સર્વ મનુષ્યમાં મરણ આવ્યું. એટલું જ નહિ, તેઓ ઈશ્વરથી પણ દૂર થઈ ગયા જેની તેઓના તન-મન પર બૂરી અસર થઈ. એટલે આપણી હાલત પેલા ખંડેર ઘર જેવી છે. ઈશ્વરભક્ત અયૂબે મનુષ્યની ખરી હાલત વિષે કહ્યું, કે તેઓનું ‘જીવન ટૂંકું અને સંકટથી ભરપૂર છે.’—અયૂબ ૧૪:૧.

આદમ અને હવાએ પાપ કર્યા પછી શું ઈશ્વરે તેઓના સંતાનોને ત્યજી દીધા? જરાય નહિ! હકીકતમાં એ સમયથી આજની તારીખ સુધી મનુષ્યના ભલા માટે ઈશ્વર યોગ્ય ગોઠવણ કરી રહ્યા છે. તે શું કરી રહ્યા છે એ જાણવા માટે ચાલો આપણે ત્રણ બાબતોનો વિચાર કરીએ. જેમ ખંડેર ઘરને પહેલા જેવું સુંદર બનાવવા સમારકામ કરવું પડે છે તેમ, મનુષ્યને પણ પહેલાં જેવી સુંદર સ્થિતિમાં લાવવા ઈશ્વરે યોગ્ય ગોઠવણ કરી છે.

૧ ઘરની હાલત તપાસ્યા પછી માલિક નક્કી કરશે કે એને સમું કરવું જોઈએ કે તોડી પાડવું જોઈએ.

એદન બાગમાં આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે યહોવાહે તરત જ જણાવ્યું કે તેઓને ભવિષ્યમાં થનાર સંતાનો માટે પોતે કેવાં પગલાં લેશે. તેમણે જણાવ્યું કે આદમે પાપ કર્યા પહેલાંની સ્થિતિમાં મનુષ્યને ફરી લાવવા તે શું કરશે. પાપ કરવા ઉશ્કેરનાર સ્વર્ગદૂત એટલે કે શેતાનને યહોવાહે આમ કહ્યું: ‘તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.’—ઉત્પત્તિ ૩:૧૫.

ઉપર જોયું તેમ, યહોવાહે વચન આપ્યું કે તેમની વિરુદ્ધ જનાર શેતાનનો તે નાશ કરશે. (રૂમી ૧૬:૨૦; પ્રકટીકરણ ૧૨:૯) એ ઉપરાંત યહોવાહે વચન આપ્યું કે ભાવિમાં તે એક સંતાન ઊભું કરશે, જે મનુષ્યને પાપ અને મરણની જંજીરમાંથી છોડાવશે. * (૧ યોહાન ૩:૮) આ રીતે યહોવાહે વચન આપ્યું કે તે મનુષ્યનો નાશ નહિ કરે, પણ ફરીથી તેઓને સુંદર સ્થિતિમાં પાછા લાવશે. પણ એ માટે સમય લાગશે.

૨ ઘરનો માલિક પહેલેથી નકશો બનાવડાવે છે કે સમારકામ કર્યા પછી ઘર કેવું દેખાવું જોઈએ.

યહોવાહે ઈસ્રાએલ પ્રજાને અનેક નીતિ નિયમો અને તેમની ભક્તિ માટે કેવો મંડપ કે મંદિર બાંધવું જોઈએ એની વિગતો જણાવી. બાઇબલ જણાવે છે: ‘એ વસ્તુઓ તો થનાર વાતોનો પડછાયો છે.’ (કોલોસી ૨:૧૭) જેમ ઘરનો નકશો બતાવે છે કે ઘર કેવું દેખાશે, તેમ નિયમો અને મંડપ વિષેની વિગતો ભાવિમાં થનાર મોટી બાબતોને બતાવતી હતી.

દાખલા તરીકે, પાપની માફી મેળવવા માટે ઈસ્રાએલીઓ પ્રાણીનું બલિદાન ચઢાવતા. (લેવીય ૧૭:૧૧) તેઓ જે કરતા એ સદીઓ પછી આપવામાં આવનાર એક બલિદાનને દર્શાવતું હતું. એ બલિદાન દ્વારા મનુષ્યને પાપ અને મરણમાંથી ખરી આઝાદી મળવાની હતી. * ઈસ્રાએલીઓ જ્યાંથી ભક્તિ કરતા હતા એ મંડપ કે મંદિરની રચના દર્શાવતી હતી કે ભાવિમાં મસીહ કેવાં પગલાં લેશે. જેમ કે, પોતાનું બલિદાન આપ્યા પછી સ્વર્ગમાં જશે ત્યાં સુધી તે શું કરશે.—પાન ૭ પરનું ચિત્ર જુઓ.

૩ નકશા પ્રમાણે જ ઘરનું સમારકામ કરી શકે એવી યોગ્ય વ્યક્તિને પસંદ કરવામાં આવે છે.

ઈશ્વરે જે મસીહ વિષે વચન આપ્યું હતું એ ઈસુ હતા. તેમણે મનુષ્યને પાપ અને મરણમાંથી છોડાવવા પોતાનું જીવન બલિદાન કરી દીધું. ઈસ્રાએલીઓ જે બલિદાનો ચઢાવતા એ આગળ જતા ઈસુના બલિદાનને દર્શાવતું હતું. એટલે જ યોહાન બાપ્તિસ્મકે ઈસુ વિષે કહ્યું કે તે ‘ઈશ્વરનું હલવાન છે જે જગતનું પાપ દૂર કરે છે.’ (યોહાન ૧:૨૯) યહોવાહે સોંપેલી જવાબદારી ઈસુએ ખુશી ખુશી સ્વીકારી હતી. તેમણે કહ્યું: “હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.”—યોહાન ૬:૩૮.

ઈશ્વરની ઇચ્છા હતી કે ઈસુ ‘ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપે.’ એટલું જ નહિ, લોકોને શિષ્ય બનાવે અને ઈશ્વરના રાજ્યમાં પોતાની સાથે રાજ કરવા પસંદ કરે. ઈસુએ એમ જ કર્યું. (માત્થી ૨૦:૨૮; લુક ૨૨:૨૯, ૩૦) એ રાજ્ય મનુષ્યો માટેનો ઈશ્વરનો મકસદ પૂરો કરશે. એટલે જ ઈશ્વરના રાજ્યના સંદેશાને ‘સુવાર્તા’ કે ‘ખુશખબર’ કહેવાય છે. કેમ કે એ સંદેશો જણાવે છે કે ઈશ્વરે દુનિયાનો વહીવટ પોતાના હાથમાં લઈ લેવા સ્વર્ગમાં સરકાર સ્થાપી છે.—માત્થી ૨૪:૧૪; દાનીયેલ ૨:૪૪. *

પાપ અને મરણમાંથી જલદી જ છુટકારો

ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા એ પહેલાં તેમણે શિષ્યોને કહ્યું હતું: ‘સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.’—માત્થી ૨૮:૧૯, ૨૦.

ઉપરના શબ્દો બતાવે છે કે ઈસુના બલિદાનથી તરત જ મનુષ્યોને પાપ અને મરણમાંથી છુટકારો મળી ગયો ન હતો. એ તો ‘જગતના અંત’ પછી, ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર રાજ શરૂ કરે ત્યારે જ મળશે. એ સમય હવે બહુ જ નજીક છે, કેમ કે બાઇબલમાં ઈસુએ ‘જગતના અંત’ વિષેની જે નિશાનીઓ આપી હતી એ આજે પૂરી થઈ રહી છે. *માત્થી ૨૪:૩-૧૪; લુક ૨૧:૭-૧૧; ૨ તીમોથી ૩:૧-૫.

ઈસુની આજ્ઞા પાળીને આજે યહોવાહના સાક્ષીઓ ૨૩૬ દેશોમાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. તમે આ મૅગેઝિન વાંચી રહ્યા છો એ પણ તમને ઈશ્વરના રાજ્ય વિષે અને ભાવિમાં એ શું કરશે એ વિષે વધારે જાણવા મદદ કરશે. ચોકીબુરજના બીજા પાન પર તમને આમ વાંચવા મળશે: ‘આ મૅગેઝિનમાં ખુશખબર છે કે યહોવાહનું રાજ્ય થોડા જ સમયમાં ખરાબ લોકોનો નાશ કરશે, આ દુનિયાને સુંદર બનાવશે. યહોવાહે, ઈસુ ખ્રિસ્તને એ રાજ્યના રાજા બનાવ્યા છે. ઈસુએ પોતાનું જીવન બલિદાન આપ્યું, જેથી આપણે સર્વ હંમેશ માટે સુખ-શાંતિમાં જીવી શકીએ.’

ખરું કે હજી પણ આતંકવાદી હુમલાઓ કે કુદરતી આફતો વિષે આપણા સાંભળવામાં આવે છે. કે પછી આપણા પોતાના જીવનમાં કોઈ કરૂણ બનાવ બની શકે છે. પણ બાઇબલમાંથી શીખવાથી તમને ખાતરી મળશે કે ઈશ્વરે આપણને તજી દીધા નથી. તે તો ‘આપણામાંના કોઈથી દૂર નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭) અને આપણા પ્રથમ માતા-પિતાએ અમર જીવનનો જે આશીર્વાદ ગુમાવી દીધો હતો એ પાછો આપવાનું ઈશ્વરનું વચન જરૂર પૂરું થશે.—યશાયાહ ૫૫:૧૧. (w10-E 05/01)

[ફુટનોટ્‌સ]

^ પવિત્ર બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું નામ યહોવાહ છે.

^ ઉત્પત્તિ ૩:૧૫ની વધુ સમજણ માટે ડ્રો ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકનું ૧૯મું પ્રકરણ જુઓ, જે હિંદીમાં પણ છે. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પાંચમું પ્રકરણ જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ ઈશ્વરના રાજ્ય વિષે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું આઠમું પ્રકરણ જુઓ.

^ ઈશ્વરના રાજ્ય વિષે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું નવમું પ્રકરણ જુઓ.

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

“અસલની નકલ”

ઈશ્વરનો મંડપ શું બતાવતું હતું

વેદી

ઈસુના બલિદાનને સ્વીકારવાની ઈશ્વરની ઇચ્છાને બતાવે છે.—હેબ્રી ૧૩:૧૦-૧૨.

પ્રમુખયાજક

ઈસુ.—હેબ્રી ૯:૧૧.

પ્રાયશ્ચિત્ત દિવસે પ્રમુખયાજક લોકોના પાપ માટે બલિદાનો ચઢાવતાં.—લેવીય ૧૬:૧૫, ૨૯-૩૧.

નીસાન ૧૪, ઈસવીસન ૩૩ના રોજ ઈસુએ આપણા માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું.—હેબ્રી ૧૦:૫-૧૦; ૧ યોહાન ૨:૧, ૨.

પવિત્ર

યહોવાહની શક્તિથી અભિષિક્ત થયા પછીનું ઈસુનું જીવન.—માત્થી ૩:૧૬, ૧૭; રૂમી ૮:૧૪-૧૭; હેબ્રી ૫:૪-૬.

પડદો

ઈસુનું શરીર જાણે એક પડદો છે, જે તેમના પૃથ્વી પરના જીવનને સ્વર્ગના જીવનથી અલગ પાડે છે.—૧ કોરીંથી ૧૫:૪૪, ૫૦; હેબ્રી ૬:૧૯, ૨૦; ૧૦:૧૯, ૨૦.

પ્રમુખયાજક પડદો હટાવીને પવિત્ર ભાગમાંથી પરમપવિત્ર ભાગમાં જતા.

સજીવન થયા પછી, ઈસુ ‘પડદાની બીજી બાજુ’ ગયા. એટલે કે ‘આપણા માટે ઈશ્વરની સમક્ષ હાજર થવા’ સ્વર્ગમાં ચઢી ગયા.—હેબ્રી ૯:૨૪-૨૮.

પરમપવિત્ર

સ્વર્ગ.—હેબ્રી ૯:૨૪.

પરમપવિત્ર ભાગમાં ગયા પછી પ્રમુખયાજક બલિદાન કરેલા પ્રાણીનું અમુક લોહી કરારકોશ આગળ છાંટતા.—લેવીય ૧૬:૧૨-૧૪.

ઈસુએ પોતાના વહેવડાવેલા લોહીની અમૂલ્ય કિંમત ચૂકવી, જેનાથી આપણા પાપની માફી મળે છે.—હેબ્રી ૯:૧૨, ૨૪; ૧ પીતર ૩:૨૧, ૨૨.