સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુના માર્ગે ચાલવા શું કરવું જોઈએ?

ઈસુના માર્ગે ચાલવા શું કરવું જોઈએ?

ઈસુ પાસેથી શીખીએ

ઈસુના માર્ગે ચાલવા શું કરવું જોઈએ?

લોકો ઈસુમાં વિશ્વાસ મૂકતા ત્યારે તે તેઓને કહેતા, કે “મારી પાછળ આવ.” (માત્થી ૯:૯; ૧૯:૨૧) ઈસુને માર્ગે ચાલવામાં કે તેમના શિષ્ય બનવામાં શું સમાયેલું છે? ચાલો એનો જવાબ મેળવવા આ ત્રણ સવાલો પર ચર્ચા કરીએ.

બીજાઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ?

▪ ઈસુના શિષ્ય બન્યા પછી વ્યક્તિની શું ફરજ બને છે? એ જ કે ઈસુની બધી આજ્ઞાઓ પાળવી. દાખલા તરીકે, બીજાઓ સાથે કેવી રીતે વર્તવું એ વિષે ઈસુએ કહ્યું હતું: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) પણ જો કોઈ તમારી લાગણીઓ દુભાવે તો શું? ત્યારે શું કરવું એ વિષે ઈસુએ કહ્યું કે “કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે તો તેની સાથે સમાધાન કરી લે.” (માત્થી ૫:૨૫, કોમન લેંગ્વેજ) તેમણે પોતાના શિષ્યોને એમ પણ કહ્યું કે ‘જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો ઈશ્વર પણ તમારા અપરાધ માફ નહિ કરશે.’—માત્થી ૬:૧૫.

પરિણીત લોકોને સલાહ આપતા ઈસુએ કહ્યું કે “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” ઈસુને પગલે ચાલતા શિષ્યો, તેમના શિક્ષણને ફક્ત યાદ જ રાખતા નથી, એને દિલમાં પણ ઉતારે છે.—માત્થી ૫:૨૭, ૨૮.

ઈસુના શિષ્યો પોતાની સુખ સગવડનાં ભોગે પણ બીજાઓને મદદ કરવા દોડી જાય છે. ઈસુએ પણ એમ જ કર્યું હતું. દાખલા તરીકે, એક વાર ઈસુ અને તેમના શિષ્યો પ્રચાર કરીને ખૂબ થાકી ગયા હતા. તેઓને આરામ કરવાનો કે જમવાનો પણ સમય મળ્યો ન હતો. એટલે ઈસુ તેઓને એકાંત જગ્યાએ આરામ કરવા હોડીમાં લઈ ગયા. પણ લોકોને ખબર પડી કે ઈસુ ક્યાં જઈ રહ્યા છે, ત્યારે તેઓ દોડીને પહેલા ત્યાં પહોંચી ગયા. બાઇબલ આગળ જણાવે છે, કે ઈસુએ ‘ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.’ (માર્ક ૬:૩૦-૩૪) આપણે મુશ્કેલ સંજોગોમાં પણ, ઈશ્વરની આજ્ઞા પાળીએ અને ઈસુની જેમ વર્તીએ.

ઈશ્વરના રાજ્યનો સંદેશો કેમ ફેલાવવો જોઈએ?

▪ ઈસુએ પોતાના શિષ્યોને ઈશ્વરના રાજ્યનો સંદેશો જાહેર કરવાનું શીખવ્યું હતું. તેમણે કહ્યું: ‘જઈને પ્રગટ કરો કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’ (માત્થી ૧૦:૭) ઈસુના શિષ્યો પાસે ખૂબ જ મહત્ત્વનો સંદેશો છે. ઈસુએ પ્રાર્થનામાં આમ જણાવ્યું: ‘અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.’—યોહાન ૧૭:૩.

ઈસુએ ભાખ્યું હતું કે લાખોને લાખો શિષ્યો, ઈશ્વરનો સંદેશો જાહેર કરવામાં ભાગ લેશે. તેમણે કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) જો તમે ઈશ્વરના રાજ્ય વિષે શીખ્યા હશો અને બાઇબલમાં માનતા હશો, તો બીજાઓને એ વિષે જણાવવામાં ચોક્કસ આનંદ મળશે. ઈસુના ઘણા શિષ્યો પોતાનાં સગાં-વહાલાંઓને ઈશ્વરના રાજ્ય વિષે જણાવીને પ્રચારની શરૂઆત કરે છે.—યોહાન ૧:૪૦, ૪૧.

તમારે બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ?

▪ ઈસુએ યરદન નદીમાં બાપ્તિસ્મા લીધું ત્યારે પ્રાર્થના કરતા આવું કંઈક કહ્યું હતું: ‘હે ઈશ્વર, તારી ઇચ્છા પૂરી કરવાને હું આવ્યો છું.’ (હેબ્રી ૧૦:૭) જો તમે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહતા હોવ તો તમારે પણ બાપ્તિસ્મા લેવું જોઈએ. ઈસુએ પણ આજ્ઞા આપી હતી કે ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા દીકરા તથા પવિત્ર શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.’—માત્થી ૨૮:૧૯.

બાપ્તિસ્મા લીધા પછી આપણને કેવી જવાબદારી અને આશીર્વાદ મળે છે? બાપ્તિસ્મા પામેલા ઈસુના શિષ્યો તન-મનથી ઈશ્વરની ભક્તિ કરે છે. ઈસુએ નિયમ શાસ્ત્રમાંથી જણાવતા કહ્યું: ‘ઈશ્વર યહોવાહ પર તું પૂરા હૃદયથી, ને પૂરા જીવથી, ને પૂરા મનથી પ્રીતિ કર.’ (માત્થી ૨૨:૩૭) તેમણે એમ પણ કહ્યું કે “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો.” (માત્થી ૧૬:૨૪) બાપ્તિસ્મા લઈને વ્યક્તિ બતાવે છે કે તે હવે પોતાની ઇચ્છા પ્રમાણે નહિ, પણ ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે જીવશે. વ્યક્તિ બાપ્તિસ્મા લીધા પછી યહોવાહ સાથે ખાસ સંબંધમાં બંધાઈ હોવાથી તે તન-મનથી તેમની ભક્તિ કરવા શુદ્ધ હૃદય માંગી શકે છે.—૧ પીતર ૩:૨૧. (w10-E 05/01)

વધારે માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા આ પુસ્તકનું પ્રકરણ ૧૮ જુઓ: