સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાઈઓ, શું તમે ઈસુને આધીન છો?

ભાઈઓ, શું તમે ઈસુને આધીન છો?

ભાઈઓ, શું તમે ઈસુને આધીન છો?

“દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે.”—૧ કોરીં. ૧૧:૩.

૧. શું બતાવે છે કે યહોવાહ વ્યવસ્થાના ઈશ્વર છે?

 ‘ઓ અમારા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યાં, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં,’ પ્રકટીકરણ ૪:૧૧ કહે છે. યહોવાહે વિશ્વ અને એમાંની બધી જ વસ્તુઓ ઉત્પન્‍ન કરી હોવાથી તે સર્વના માલિક છે, સર્વોપરી છે. યહોવાહ ‘અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.’ તેમણે જે રીતે સ્વર્ગદૂતોને અલગ અલગ જવાબદારી સોંપી છે એમાં આ વ્યવસ્થા જોવા મળે છે.—૧ કોરીં. ૧૪:૩૩; યશા. ૬:૧-૩; હેબ્રી ૧૨:૨૨, ૨૩.

૨, ૩. (ક) યહોવાહે સૌથી પ્રથમ કોનું સર્જન કર્યું? (ખ) ઈસુ કોને આધીન રહે છે? શા માટે?

યહોવાહની કોઈ શરૂઆત નથી. વિશ્વની રચના કરી એના અગણિત વર્ષો પહેલેથી તેમનું અસ્તિત્વ છે. યહોવાહે સૌથી પ્રથમ એક સ્વર્ગદૂતને બનાવ્યો. તે યહોવાહનો સંદેશવાહક હોવાથી ‘શબ્દ’ નામે ઓળખાયો. આ ‘શબ્દ’ મારફતે જ વિશ્વમાં બીજી બધી વસ્તુઓનું સર્જન થયું. સમય જતાં આ સ્વર્ગદૂતે પૃથ્વી પર આવીને મનુષ્ય તરીકે જન્મ લીધો. તે ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાયા.—યોહાન ૧:૧-૩, ૧૪ વાંચો.

યહોવાહ અને તેમના પ્રથમજનિત દીકરાના અધિકાર વિષે બાઇબલ શું કહે છે? ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત પાઊલ આપણને જણાવે છે: ‘હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.’ (૧ કોરીં. ૧૧:૩) આ બતાવે છે કે ઈસુ પણ પિતા યહોવાહને આધીન રહે છે. સ્વર્ગમાં કે ધરતી પર આવી ગોઠવણ હોવી બહુ જરૂરી છે, કેમ કે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા એ બહુ મહત્ત્વનું છે. જેનાથી “બધાં ઉત્પન્‍ન થયાં” એ ‘શબ્દ’ ઈસુએ પણ યહોવાહને આધીન રહેવાની જરૂર છે.—કોલો. ૧:૧૬.

૪, ૫. યહોવાહને આધીન રહેવા વિષે ઈસુને કેવું લાગ્યું?

યહોવાહને આધીન રહેવા વિષે અને પૃથ્વી પર આવવા વિષે ઈસુને કેવું લાગ્યું? બાઇબલ જણાવે છે: ‘ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો: પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા; અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યા.’—ફિલિ. ૨:૫-૮.

ઈસુ હંમેશા યહોવાહની ઇચ્છા પ્રમાણે જ કરતા. તેમણે કહ્યું: ‘હું મારી મેળે કંઈ કરી શકતો નથી. હું ન્યાય ઠરાવું છું અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.’ (યોહા. ૫:૩૦) તેમણે એમ પણ કહ્યું: ‘જે કામો મારા પિતાને ગમે છે તે હું હંમેશા કરૂં છું.’ (યોહા. ૮:૨૯) પૃથ્વી પર જીવનના છેલ્લા તબક્કામાં ઈસુએ પ્રાર્થનામાં યહોવાહને કહ્યું: ‘જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરૂં કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે.’ (યોહા. ૧૭:૪) ઈસુએ પોતાના જીવનથી બતાવી આપ્યું કે યહોવાહ તેમનાથી મહાન છે. ઈસુ હંમેશા તેમને આધીન રહેવા ખુશ હતા.

પિતાને આધીન રહેવાથી ઈસુ આશીર્વાદ પામ્યા

૬. ઈસુએ કેવા સુંદર ગુણો બતાવ્યા?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે યહોવાહ જેવા સુંદર ગુણો બતાવ્યા. તેમણે જે રીતે પિતા યહોવાહને પ્રેમ બતાવ્યો એ સૌથી મહાન હતો. એટલે જ તે કહી શક્યા: ‘હું પિતા પર પ્રેમ રાખું છું.’ (યોહા. ૧૪:૩૧) અરે, તેમણે લોકોને પણ અનહદ પ્રેમ બતાવ્યો. (માત્થી ૨૨:૩૫-૪૦ વાંચો.) ઈસુ દયાના સાગર હતા. બીજાનો હંમેશા વિચાર કરતા. તે કઠોર, જુલમી કે ઘમંડી ન હતા. તેમણે કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માથ. ૧૧:૨૮-૩૦) નાની-મોટી ઉંમરના બધા ઈસુ પાસે જતા. ખાસ કરીને અન્યાય સહેતા લોકોને ઈસુ પાસે જવું બહુ ગમતું. તેઓને ઈસુના પ્રેમાળ સ્વભાવથી અને તેમના સંદેશાથી ખૂબ દિલાસો મળતો.

૭, ૮. મુસાના નિયમ પ્રમાણે લોહીવા થયેલી સ્ત્રીને શું કરવાની મનાઈ હતી? પણ ઈસુ એ સ્ત્રી સાથે કેવી રીતે વર્ત્યા?

સ્ત્રીઓ સાથે ઈસુનો કેવો વર્તાવ હતો એનો વિચાર કરો. સદીઓથી સ્ત્રીઓને ઘણા પુરુષો ઊતરતી ગણે છે. ઈસુના જમાનાના ઈસ્રાએલી ધર્મગુરુઓ પણ સ્ત્રીઓને તુચ્છ ગણતા. પણ ઈસુ તો સ્ત્રીઓ સાથે માનની વર્તતા. બાર વર્ષથી લોહીવાથી (રક્તસ્ત્રાવ) પીડાતી સ્ત્રીનો દાખલો લો. તેણે ‘ઘણા વૈદો પાસે ઇલાજ કરાવીને ઘણું દુઃખ સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું.’ પણ સાજી થવાને બદલે તે ‘વધારે માંદી થઈ હતી.’ મુસાને આપેલા નિયમ પ્રમાણે, તે અશુદ્ધ ગણાતી હતી. જે કોઈ તેને અડકે તે પણ અશુદ્ધ બનતો.—લેવી. ૧૫:૧૯, ૨૫.

એ સ્ત્રીને ખબર પડી કે ઈસુ લોકોને સાજા કરી રહ્યા છે. તે એમ વિચારીને લોકોના ટોળામાં ભળી ગઈ, કે: “જો હું માત્ર તેના લૂગડાને અડકું તો હું સાજી થઈશ.” તે ઈસુને અડકી અને તરત જ સાજી થઈ ગઈ. ઈસુ જાણતા હતા કે નિયમ પ્રમાણે એ સ્ત્રીએ તેમના કપડાંને અડકવાનું ન હતું. તોપણ તેમણે સ્ત્રીને ધમકાવી નહિ. એના બદલે તેની સાથે પ્રેમથી વર્ત્યા. ઈસુને ખબર હતી કે આટલાં વર્ષ બીમારીથી રિબાઈ હોવાથી સ્ત્રીએ ઘણું દુઃખ સહ્યું છે અને એમાંથી છૂટવા તે તરસી રહી છે. ઈસુને તેના પર ખૂબ જ દયા આવી. તેમણે સ્ત્રીને કહ્યું: “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”—માર્ક ૫:૨૫-૩૪.

૯. શિષ્યો બાળકોને ઈસુ પાસે આવતા રોકતા હતા ત્યારે, ઈસુએ શું કર્યું?

બાળકોને ઈસુ પાસે જવાનું ખૂબ ગમતું. એક પ્રસંગે લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લઈ આવ્યા ત્યારે, શિષ્યોએ તેઓને ધમકાવ્યા. શિષ્યોને લાગ્યું કે ઈસુ પાસે બાળકો માટે સમય નથી. પણ ઈસુ એવું વિચારતા ન હતા. બાઇબલનો અહેવાલ જણાવે છે: ‘ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, કે બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે. પછી તેમણે બાળકોને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.’—માર્ક ૧૦:૧૩-૧૬.

૧૦. ઈસુએ કેવી રીતે સુંદર ગુણો કેળવ્યા હતા?

૧૦ ઈસુએ લોકોને જે સારા ગુણો બતાવ્યા એ કેવી રીતે કેળવ્યા હતા? ધરતી પર આવ્યા એ પહેલા યુગોના યુગો તે યહોવાહ સાથે સ્વર્ગમાં હતા. યહોવાહ જે રીતે વર્તતા એ જોઈને ઈસુ ઘણું શીખ્યા હતા. (નીતિવચનો ૮:૨૨, ૨૩, ૩૦ વાંચો.) યહોવાહ વિશ્વના માલિક હોવા છતાં સ્વર્ગદૂતો અને મનુષ્યો સાથે પ્રેમથી વર્તતા હતા. એ જોઈને ઈસુએ પણ એવો સુંદર સ્વભાવ કેળવ્યો. ઈસુ જો યહોવાહના કહેવા પ્રમાણે ચાલ્યા ન હોત તો, શું પોતાની મેળે એવો સ્વભાવ કેળવી શક્યા હોત? જરાય નહિ. પિતાને આધીન રહેવું ઈસુને ખૂબ જ ગમતું. યહોવાહને પણ આવા દીકરાથી ગર્વ થતો. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમના વાણી-વર્તનમાં યહોવાહ જેવા જ ગુણો દેખાઈ આવ્યા. હાલમાં યહોવાહે સ્વર્ગમાં ઈસુને રાજા બનાવ્યા છે. ઈસુને આધીન રહેવું આપણા માટે કેવો મોટો લહાવો છે!

ઈસુ જેવા ગુણો કેળવીએ

૧૧. (ક) આપણે કોના જેવા ગુણો કેળવવા સખત મહેનત કરવી જોઈએ? (ખ) ખાસ કરીને મંડળના ભાઈઓએ કેમ ઈસુ જેવા ગુણો કેળવવા મહેનત કરવી જોઈએ?

૧૧ મંડળમાં બધાએ અને ખાસ કરીને ભાઈઓએ ઈસુ જેવા ગુણો કેળવવા સખત મહેનત કરવી જોઈએ. આગળ જોઈ ગયા તેમ, બાઇબલ કહે છે: “દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે.” ઈસુએ તેમના શિર યહોવાહનું પૂરે-પૂરી રીતે અનુકરણ કર્યું હતું. એજ રીતે મંડળના ભાઈઓએ પણ ઈસુનું અનુકરણ કરવા બનતું બધું જ કરવું જોઈએ. પ્રેરિત પાઊલે પણ ખ્રિસ્તી બન્યા પછી એમ જ કર્યું હતું. એટલે જ તે ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શક્યા: “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીં. ૧૧:૧) પ્રેરિત પીતરે પણ કહ્યું કે ‘એને માટે જ તમને તેડવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેમને પગલે ચાલો, માટે ખ્રિસ્તે તમને નમૂનો આપ્યો છે.’ (૧ પીત. ૨:૨૧) પીતરે આપેલા ઉત્તેજન પ્રમાણે કરવા ભાઈઓ માટે બીજું કારણ પણ રહેલું છે. તેઓ જ મંડળની અંદર વડીલો કે સેવકાઈ ચાકર તરીકે સેવા આપે છે. યહોવાહને અનુસરવામાં ઈસુને બહુ જ આનંદ મળતો. એ જ રીતે, મંડળના ભાઈઓએ પણ આનંદથી ઈસુને અનુસરવું જોઈએ, તેમના જેવા ગુણો કેળવવા જોઈએ.

૧૨, ૧૩. વડીલોએ મંડળની કઈ રીતે સંભાળ રાખવી જોઈએ?

૧૨ ઈસુ જેવા ગુણો કેળવવાની મંડળના વડીલોની ફરજ છે. પ્રેરિત પીતરે પણ વડીલોને આ ઉત્તેજન આપ્યું હતું: ‘ઈશ્વરનું જે ટોળું તમારી દેખરેખમાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો; નીચ લોભને સારૂ નહિ, પણ હોંશથી કરો; વળી તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહિ, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ.’ (૧ પીત. ૫:૧-૩) એટલે મંડળના વડીલો સાહેબગીરી કરનારા, કઠોર, જુલમી કે જોહુકમી કરનારા ન હોવા જોઈએ. ઈસુએ તેઓને મંડળની સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. એટલે તેઓએ તો ઈસુનો દાખલો અનુસરીને પ્રેમાળ, બીજાનો વિચાર કરનારા, નમ્ર અને માયાળુ બનવું જોઈએ.

૧૩ મંડળમાં આગેવાની લેનારા ભાઈઓએ ભૂલવું ન જોઈએ કે તેઓથી પણ કોઈ વાર ભૂલો થઈ જાય છે. (રૂમી ૩:૨૩) તેથી તેઓએ ઈસુ વિષે શીખતા રહેવા તત્પર રહેવું જોઈએ અને તેમના જેવો પ્રેમ બતાવવો જોઈએ. યહોવાહ અને ઈસુ લોકો સાથે કઈ રીતે વર્તે છે એનો તેઓએ વિચાર કરવો જોઈએ. તેઓને અનુસરવા બનતું બધું જ કરવું જોઈએ. પીતર આપણને ઉત્તેજન આપે છે: ‘તમે સઘળા એકબીજાની સેવા કરવાને સારૂ નમ્રતા પહેરી લો; કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.’૧ પીત. ૫:૫.

૧૪. વડીલોએ કઈ હદે બીજાઓને માન આપવું જોઈએ?

૧૪ મંડળ યહોવાહનું હોવાથી, એના જવાબદાર ભાઈઓએ ઈસુ જેવા ગુણો કેળવવા જ જોઈએ. રૂમી ૧૨:૧૦ કહે છે: “ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” વડીલો અને સેવકાઈ ચાકરોએ બીજાઓને માન આપવામાં પહેલ કરવી જોઈએ. જેમ મંડળના બીજા ભાઈબહેનોએ કરવું જોઈએ તેમ, આ જવાબદાર ભાઈઓએ પણ કોઈ તકરાર કે અભિમાન વગર બીજાઓને માન આપવું જોઈએ. તેઓએ ‘નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા’ જોઈએ. (ફિલિ. ૨:૩) મંડળમાં આગેવાની લેતા ભાઈઓએ હંમેશા એ રીતે વર્તવું જોઈએ, જાણે કે બીજાઓ તેઓ કરતાં ચઢિયાતા છે. એમ કરવાથી તેઓ પાઊલની આ સલાહ પ્રમાણે ચાલે છે: વિશ્વાસમાં “અશક્તોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે. આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને સારૂ તેની ઉન્‍નતિને અર્થે ખુશ કરવો. કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો.”—રૂમી ૧૫:૧-૩.

‘પત્નીને માન આપો’

૧૫. પતિએ પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૧૫ હવે ચાલો જોઈએ કે પ્રેરિત પીતર પતિઓને શું સલાહ આપે છે. તેમણે લખ્યું: ‘પતિઓ, તમારી પત્ની નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો. તેને માન આપો.’ (૧ પીત. ૩:૭) વ્યક્તિને માન આપવું એટલે તેના માટે ઊંડો પ્રેમભાવ હોવો. જ્યાં સુધી કોઈ ખોટો નિર્ણય લેવાતો ન હોય ત્યાં સુધી પત્નીના વિચારો, જરૂરિયાતો અને લાગણીઓને પણ પતિએ ધ્યાનમાં લેવા જોઈએ. એમ કરીને તે પત્ની સાથે માનથી વર્તે છે.

૧૬. પતિઓ પોતાની પત્નીને માન ન આપે તો બાઇબલ કઈ ચેતવણી આપે છે?

૧૬ પતિઓને ચેતવણી આપતા પીતરે કહ્યું હતું કે “તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે” માટે પત્નીને માન આપો. (૧ પીત. ૩:૭) એ બતાવી આપે છે કે જેઓ પોતાની પત્ની સાથે પ્રેમથી વર્તતા નથી તેઓ વિષે યહોવાહને કેવું લાગે છે. પત્નીને માન ન આપે તો, યહોવાહ પતિની પ્રાર્થના સાંભળતા નથી. બીજી બાજુ, પતિઓ માન આપે છે ત્યારે, પત્નીઓ પણ તેઓ સાથે પ્રેમથી વર્તે છે, ખરું ને?

૧૭. પતિએ પોતાની પત્નીને કઈ હદ સુધી પ્રેમ બતાવવો જોઈએ?

૧૭ પત્નીને પ્રેમ બતાવવા વિષે બાઇબલ આ સલાહ આપે છે: ‘પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે, જેમ પ્રભુ ઈસુ પણ મંડળીનું કરે છે તેમ. દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે.’ (એફે. ૫:૨૮, ૨૯, ૩૩) પતિએ પોતાની પત્નીને કઈ હદ સુધી પ્રેમ બતાવવો જોઈએ? પાઊલે લખ્યું: “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” (એફે. ૫:૨૫) ઈસુએ બીજાઓ માટે પોતાનો જીવ આપી દીધો તેમ પતિઓએ પણ પત્ની માટે જીવ આપવા તૈયાર હોવું જોઈએ. જ્યારે પતિ કોઈ સ્વાર્થ વગર પત્ની સાથે પ્રેમથી વર્તે, તેના વિચારો ધ્યાનમાં લે અને તેનું ધ્યાનથી સાંભળે ત્યારે, પત્ની પણ રાજી ખુશીથી પતિને આધીન રહે છે.

૧૮. લગ્‍નજીવનમાં પતિને જવાબદારી ઉપાડવા યહોવાહે કઈ મદદ પૂરી પાડી છે?

૧૮ પત્નીને આ રીતે માન આપવું એ શું પતિના ગજા બહારની વાત છે? ના, જરાય નહિ. પતિઓ ન કરી શકે એવું કંઈ પણ કરવાનું યહોવાહ કદી કહેશે નહિ. પત્નીને દિલથી માન આપી શકે એ માટે તેઓ યહોવાહની અપાર શક્તિની મદદ માગી શકે છે. ઈસુએ કહ્યું: ‘જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો સ્વર્ગમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે શક્તિ આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’ (લુક ૧૧:૧૩) પતિઓ માટે ખૂબ જરૂરી છે કે યહોવાહની શક્તિ માટે પ્રાર્થના કરે, જેથી બીજાઓ સાથે અને ખાસ કરીને પત્ની સાથે સારી રીતે વર્તી શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૨ વાંચો.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ સાચે જ ઈસુને આધીન રહેવું અને તેમણે જે દાખલો બેસાડ્યો એને અનુસરવું ભાઈઓ માટે મોટી જવાબદારી છે. પણ બહેનો વિષે શું, ખાસ કરીને પત્નીઓ? હવે પછીના લેખમાં જોઈશું કે યહોવાહની ગોઠવણમાં તેઓની શું ભૂમિકા છે. (w10-E 05/15)

શું તમને યાદ છે?

• ઈસુની જેમ આપણે કેવા ગુણો કેળવવા જોઈએ?

• વડીલોએ મંડળની કઈ રીતે દેખભાળ રાખવી જોઈએ?

• પતિએ પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

બીજાઓને માન આપવામાં ઈસુને અનુસરીએ