સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુએ યહોવાહનું ન્યાયીપણું કઈ રીતે જાહેર કર્યું?

ઈસુએ યહોવાહનું ન્યાયીપણું કઈ રીતે જાહેર કર્યું?

ઈસુએ યહોવાહનું ન્યાયીપણું કઈ રીતે જાહેર કર્યું?

‘ઈસુને પોતાની જાતના બલિદાન મારફતે માણસનાં પાપોનું પ્રાયશ્ચિત કરવા ઈશ્વરે આગળ કર્યા, ને માણસને શ્રદ્ધા દ્વારા જ એ પાપ-મુક્તિ મળે છે. આ પ્રમાણે ઈશ્વરે બતાવી આપ્યું છે કે તે પોતે અન્યાય નહોતા કરતા.’—રોમ [રૂમી] ૩:૨૫, સંપૂર્ણ.

૧, ૨. (ક) બાઇબલ આપણને મનુષ્યની હાલત વિષે શું શીખવે છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

 આપણે બાઇબલના એ અહેવાલથી જાણકાર છીએ કે એદન બાગમાં બળવો થયો હતો. આદમના પાપની અસર આપણે બધા અનુભવી રહ્યા છીએ. એ વિષે બાઇબલ કહે છે: ‘એક માણસથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણ આવ્યું.’ (રૂમી ૫:૧૨) ખરા માર્ગે ચાલવા ભલે આપણે સખત પ્રયત્ન કરીએ, તોય ભૂલો કરી બેસીએ છીએ. એટલે આપણને યહોવાહ તરફથી માફીની જરૂર છે. અરે, પ્રેરિત પાઊલે પણ નિસાસો નાખતા કહ્યું હતું: ‘જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે હું કરતો નથી. પણ ભૂંડું જે મારે ન કરવું જોઈએ તે મારાથી થઈ જાય છે. હું કેવી કફોડી પરિસ્થિતિમાં છું!’—રોમન ૭:૧૯, ૨૪, IBSI.

આપણા બધામાં પાપની અસર હોવાથી આ મહત્ત્વના સવાલો ઊભા થાય છે: એમ કઈ રીતે બની શકે કે નાઝારેથના ઈસુમાં જન્મથી જ પાપની કોઈ અસર ન હતી, અને તે શા માટે બાપ્તિસ્મા પામ્યા? ઈસુએ કઈ રીતે પોતાના જીવનથી બતાવી આપ્યું કે યહોવાહ ન્યાયી રાજા છે? સૌથી મહત્ત્વનું તો, ઈસુના મરણથી શું શક્ય બન્યું?

ઈશ્વરના ન્યાયી રાજ સામે શેતાને સવાલ ઉઠાવ્યો

૩. શેતાને કઈ રીતે હવાને છેતરી?

આપણા પ્રથમ માબાપ, આદમ અને હવાએ જાણીજોઈને યહોવાહના રાજ હેઠળ રહેવાનું ઠુકરાવી દીધું અને ‘જૂનો સર્પ જે શેતાન કહેવાય છે’ તેના કહેવા પ્રમાણે જીવવાનું પસંદ કર્યું. (પ્રકટી. ૧૨:૯) એમ કેવી રીતે બન્યું એનો વિચાર કરો. શેતાને સવાલ ઉઠાવ્યો કે યહોવાહ ન્યાયી રીતે રાજ કરી શકે છે કે કેમ. એ માટે તેણે હવાને પૂછ્યું: ‘શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’ યહોવાહની આજ્ઞાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને હવાએ જણાવ્યું કે અમારે ફક્ત એક જ વૃક્ષને અડકવાનું નથી, નહિતર અમે મરી જઈશું. પરંતુ યહોવાહ જૂઠું બોલે છે એવો આરોપ મૂકતા શેતાને કહ્યું: “તમે નહિ જ મરશો.” તેણે હવાને કપટથી કહ્યું કે યહોવાહ તેઓથી અમુક સારી બાબતો સંતાડે છે અને મના કરેલું ફળ ખાવાથી તે ઈશ્વર જેવી બની જશે. પછી તે પોતે જ સારું અને ખરાબ નક્કી કરી શકશે. શેતાનથી હવા છેતરાઈ ગઈ.—ઉત. ૩:૧-૫.

૪. માણસજાત કઈ રીતે શેતાનના રાજ હેઠળ આવી?

ટૂંકમાં, શેતાન એવું કહેવા માગતો હતો કે માણસને ઈશ્વરની કોઈ જરૂર નથી. ઈશ્વર વગર તેઓ વધારે સુખેથી જીવી શકશે. યહોવાહના ન્યાયી રાજને વળગી રહેવાને બદલે, આદમે પોતાની પત્નીનું સાંભળ્યું અને મના કરેલું ફળ ખાધું. આ રીતે આદમ યહોવાહની નજરમાં પાપી બન્યો. તેણે સર્વ મનુષ્યોને પણ પાપ અને મરણની ગુલામીમાં ધકેલી દીધા. ત્યારથી માણસજાત ‘આ જગતનો દેવ’ શેતાનના રાજ હેઠળ આવી.—૨ કોરીં. ૪:૪; રૂમી ૭:૧૪.

૫. (ક) યહોવાહે કઈ રીતે સાબિતી આપી કે તે જે કહે છે એ સાચું પડે છે? (ખ) આદમ અને હવાના આવનાર સંતાનો માટે ઈશ્વરે કઈ આશા આપી?

યહોવાહે પહેલેથી જણાવ્યું હતું તેમ, આદમ અને હવાને મોતની સજા ફરમાવી. (ઉત. ૩:૧૬-૧૯) શું એનાથી યહોવાહના મૂળ મકસદ પર પાણી ફરી વળ્યું? જરાય નહિ! તેઓને મોતની સજા ફરમાવી ત્યારે, યહોવાહે એક વચન પણ આપ્યું જેનાથી તેઓના આવનાર સંતાનોને સુંદર આશા મળી. યહોવાહે પોતાનો મકસદ જણાવતા કહ્યું કે તે એક “સંતાન” લાવશે. શેતાન એ સંતાનની “એડી છૂંદશે.” પછી વચનનું સંતાન એ ઇજામાંથી સાજું થશે અને શેતાનનું “માથું છૂંદશે.” (ઉત. ૩:૧૫) એ વિષે વધારે જણાવતા બાઇબલ ઈસુ ખ્રિસ્ત વિષે કહે છે: ‘શેતાનનાં કામનો નાશ કરવા માટે ઈશ્વરનો પુત્ર પ્રગટ થયો.’ (૧ યોહા. ૩:૮) પરંતુ ઈસુના વાણી-વર્તન અને મરણથી કઈ રીતે ઈશ્વરનું ન્યાયીપણું જાહેર થયું?

ઈસુના બાપ્તિસ્માનો અર્થ

૬. આપણે કઈ રીતે કહી શકીએ કે ઈસુમાં આદમના પાપની જરાય અસર ન હતી?

ઈસુ મોટા થયા ત્યારે કોની બરાબર હતા? પાપ કર્યા પહેલાના આદમ જેવા તે સંપૂર્ણ હતા. (રૂમી ૫:૧૪; ૧ કોરીં. ૧૫:૪૫) એનો અર્થ એ થાય કે ઈસુ જન્મ્યા ત્યારે તેમનામાં પાપની કોઈ અસર ન હતી. પણ એ કેવી રીતે બની શકે? એના વિષે સ્વર્ગદૂત ગાબ્રીએલે ઈસુની માતા મરિયમને સ્પષ્ટ સમજણ આપતા કહ્યું: ‘પવિત્ર શક્તિ તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો કહેવાશે.’ (લુક ૧:૩૫) મરિયમે ઈસુને નાનપણથી જ જણાવ્યું હશે કે તેમનો જન્મ કઈ રીતે થયો હતો. એટલે જ એક સમયે પાલક પિતા યુસફ અને માતા મરિયમ બાળક ઈસુને મંદિરમાં શોધતા હતા ત્યારે, તેમણે કહ્યું: “શું તમે જાણતાં નહોતાં કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ?” (લુક ૨:૪૯) આમ, નાનપણથી જ ઈસુ જાણતા હતા કે પોતે ઈશ્વરના દીકરા છે. તેથી યહોવાહનું ન્યાયીપણું બધાને જાહેર કરવું તેમના માટે સૌથી મહત્ત્વનું હતું.

૭. ઈસુ કઈ રીતે અનમોલ હતા?

ઈસુ નિયમિત સભાસ્થાનોમાં જતા. એ બતાવે છે કે યહોવાહની ભક્તિ તેમના માટે સર્વસ્વ હતું. ઈસુ તન-મનથી સંપૂર્ણ હતા. એટલે હેબ્રી શાસ્ત્રવચનોમાંથી તે જે કંઈ વાંચતા અને શીખતા, એને પૂરી રીતે સમજી જતા હતા. (લુક ૪:૧૬) તે બીજી એક રીતે પણ અનમોલ હતા. તેમની પાસે પાપ વગરનું સંપૂર્ણ શરીર હતું. એટલે તે સર્વ મનુષ્યને છોડાવવા માટે પોતાનું શરીર બલિદાન કરી શકતા હતા. ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે પ્રાર્થના કરતા હતા. એ સમયે તે કદાચ ગીતશાસ્ત્ર ૪૦:૬-૮માં પોતાના વિષે લખાયેલા શબ્દો પર મનન કરતા હતા.—લુક ૩:૨૧; હેબ્રી ૧૦:૫-૧૦ વાંચો. *

૮. યોહાન બાપ્તિસ્મક શા માટે ઈસુને બાપ્તિસ્મા લેવાથી રોકતા હતા?

યોહાન બાપ્તિસ્મકે પહેલાં તો ઈસુને બાપ્તિસ્મા લેવાથી રોક્યા. શા માટે? કારણ કે યોહાન તો યહોવાહે મુસાને આપેલા નિયમ વિરુદ્ધ કરેલા પાપનો પસ્તાવો દર્શાવવા યહુદીઓને બાપ્તિસ્મા આપતા હતા. ઈસુના નજીકના સગા તરીકે, યોહાન એ જરૂર જાણતા હતા કે ઈસુમાં કોઈ દોષ ન હોવાથી તેમને પાપનો પસ્તાવો કરવાની જરૂર નથી. પરંતુ ઈસુએ યોહાનને ખાતરી અપાવતા કહ્યું કે બાપ્તિસ્મા પામવું તેમના માટે યોગ્ય છે. ઈસુએ તેમને સમજાવતા કહ્યું: ‘હમણાં એમ થવા દે. કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણા માટે યોગ્ય છે.’—માથ. ૩:૧૫.

૯. ઈસુનું બાપ્તિસ્મા શું રજૂ કરતું હતું?

ઈસુ સંપૂર્ણ હોવાથી કદાચ જાણતા હશે કે તેમનામાં આદમની જેમ સંપૂર્ણ બાળકોના પિતા બનવાની ક્ષમતા છે. પણ ઈસુએ એવો મનમાં વિચાર પણ ન કર્યો, કેમ કે એ યહોવાહની ઇચ્છા ન હતી. યહોવાહે તો વચન આપેલા સંતાન કે મસીહાની ભૂમિકા ભજવવા ઈસુને પૃથ્વી પર મોકલ્યા હતા. એમાં ઈસુએ પાપ વગરનું પોતાનું સંપૂર્ણ જીવન બલિદાન કરવાનું હતું. (યશાયાહ ૫૩:૫, ૬, ૧૨ વાંચો.) આ બતાવે છે કે ઈસુએ જે મકસદથી બાપ્તિસ્મા લીધું હતું, એ આપણા બાપ્તિસ્માથી અલગ હતું. તેમણે બાપ્તિસ્માથી આપણી જેમ યહોવાહને સમર્પણ કરવાનું ન હતું, કેમ કે ઈશ્વરને સમર્પિત ઈસ્રાએલ પ્રજામાં જ તેમનો જન્મ થયો હતો. ઈસુનું બાપ્તિસ્મા તો શાસ્ત્રમાં મસીહ વિષે જણાવ્યું હતું એ પ્રમાણે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પોતાને રજૂ કરવાને બતાવતું હતું.

૧૦. મસીહા તરીકે યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ માટે શાનો સમાવેશ થતો હતો? એ જવાબદારી પૂરી કરવા વિષે ઈસુને કેવું લાગ્યું?

૧૦ ઈસુ માટે યહોવાહની ઇચ્છામાં બીજા શાનો સમાવેશ થતો હતો? તેમણે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાની હતી. શિષ્યો બનાવવાના હતા. અને તેઓને આવનાર દિવસોમાં શિષ્યો બનાવવાના કામ માટે તૈયાર કરવાના હતા. એટલું જ નહિ, ઈસુએ પોતાની ઇચ્છાથી સતાવણી સહેવાની હતી. ક્રૂર મરણ સહેવાનું હતું, જેથી યહોવાહના ન્યાયી રાજને પોતે વળગી રહ્યા છે એ સાબિત કરી શકે. ઈસુ પોતાના જીવથી પણ વધારે યહોવાહ પિતાને ચાહતા હતા, એટલે તેમની ઇચ્છા પૂરી કરવામાં તેમને અનેરો આનંદ મળતો. પોતાનું જીવન બલિદાન કરી દેવામાં તેમને પરમ સંતોષ મળતો હતો. (યોહા. ૧૪:૩૧) ઈસુ એ જાણીને પણ ખુશ હતા કે પોતાના બલિદાનની કિંમત યહોવાહને ચૂકવીને તે આપણને પાપ અને મરણની ગુલામીમાંથી છોડાવી શકે છે. ઈસુએ એ મોટી જવાબદારી ઉપાડવા પોતાને રજૂ કર્યા ત્યારે શું યહોવાહે એ માન્ય કર્યું? હા, ચોક્કસ!

૧૧. યહોવાહે કઈ રીતે બતાવ્યું કે તેમણે વચન આપેલા મસીહા તરીકે ઈસુને માન્ય કર્યા છે?

૧૧ યરદન નદીમાં બાપ્તિસ્મા લઈને ઈસુ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે, યહોવાહે તેમને મસીહા તરીકે માન્ય કર્યા. સુવાર્તાના ચારેય લેખકોએ પણ એની સાક્ષી આપી. યોહાન બાપ્તિસ્મક નજરે જોયેલો બનાવ વર્ણવતા કહે છે: ‘પવિત્ર શક્તિને કબૂતરની પેઠે આકાશથી ઊતરતી મેં જોઈ. એ તેના પર રહી. મેં જોયું છે, અને સાક્ષી આપી છે કે તે જ ઈશ્વરનો દીકરો છે.’ (યોહા. ૧:૩૨-૩૪) યહોવાહે એ પ્રસંગે એમ પણ કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”—માથ. ૩:૧૭; માર્ક ૧:૧૧; લુક ૩:૨૨.

ઈસુ મરણ સુધી વફાદાર રહ્યા

૧૨. ઈસુએ બાપ્તિસ્મા પછી સાડા ત્રણ વર્ષ શું કર્યું?

૧૨ બાપ્તિસ્મા પછી સાડા ત્રણ વર્ષ સુધી ઈસુએ સેવાકાર્યમાં જીવન સમર્પિત કરી દીધું. તેમણે લોકોને યહોવાહ વિષે અને તેમના ન્યાયી રાજ વિષે શીખવ્યું. વચનના દેશમાં તેમણે ચારે બાજુ ચાલીને થકવી નાખતી મુસાફરી કરી. આમ, લોકોને સત્ય શીખવવામાં કશું પણ તેમની આડે આવી શક્યું નહિ. (યોહા. ૪:૬, ૩૪; ૧૮:૩૭) ઈસુએ લોકોને ઈશ્વરના રાજ્ય વિષે શીખવ્યું. ચમત્કારથી બીમાર લોકોને સાજા કર્યા, ભૂખ્યા ટોળાંને ખવડાવ્યું અને ગુજરી ગયેલાને સજીવન કર્યા. એમ કરીને તેમણે બતાવ્યું કે ઈશ્વરનું રાજ્ય મનુષ્ય પર કેવા આશીર્વાદો વરસાવશે.—માથ. ૧૧:૪, ૫.

૧૩. પ્રાર્થના વિષે ઈસુએ શું શીખવ્યું?

૧૩ લોકોને જે રીતે શીખવ્યું અને સાજા કર્યા એ માટે ઈસુએ પોતે જશ ન લીધો પણ નમ્રપણે યહોવાહને મહિમા આપ્યો. આપણા માટે કેવો સરસ દાખલો! (યોહા. ૫:૧૯; ૧૧:૪૧-૪૪) ઈસુએ એ પણ શીખવ્યું કે આપણે સૌથી મહત્ત્વની કઈ બાબતો વિષે પ્રાર્થના કરવી જોઈએ. આપણે આવા વિષયો પર ખાસ પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વરનું નામ, ‘યહોવાહ’ પવિત્ર મનાય. શેતાનનું જુલમી રાજ્ય નીકળી જાય અને યહોવાહનું ન્યાયી રાજ્ય આવે, જેથી ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી થાય.’ (માથ. ૬:૯, ૧૦) તેમ જ, ઈસુએ આપણને એવી પ્રાર્થનાના સુમેળમાં જીવવા અરજ કરી. એમ કરવા આપણે યહોવાહનું ‘રાજ્ય અને તેમના ન્યાયીપણાને’ જીવનમાં પ્રથમ મૂકવું જોઈએ.—માથ. ૬:૩૩.

૧૪. ઈસુમાં પાપની અસર ન હતી તોપણ શા માટે યહોવાહનો મકસદ પૂરો કરવા તેમને હિંમતની જરૂર પડી?

૧૪ જીવન બલિદાન કરવાનો સમય નજીક આવ્યો ત્યારે, ઈસુ પોતાની ભારે જવાબદારી પ્રત્યે વધારે સજાગ બન્યા. તેમના પર અદાલતમાં અન્યાયી રીતે મુકદમો ચાલવાનો હતો. તેમને ક્રૂર રીતે મોતની સજા થવાની હતી. યહોવાહનો મકસદ પૂરો કરવા અને તેમનું નામ પવિત્ર મનાવવા ઈસુએ એ બધું સહન કરવાનું હતું. એટલે જ મરણના પાંચ દિવસ પહેલાં તેમણે યહોવાહને પ્રાર્થનામાં કહ્યું: ‘હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.’ ઈસુએ આ રીતે માનવ સહજ પોતાની લાગણી ઠાલવી. પરંતુ તેમણે તરત જ પોતાનો નહિ, પણ યહોવાહનો વિચાર કરતા પ્રાર્થનામાં કહ્યું: ‘હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.’ યહોવાહે તરત જ જવાબમાં કહ્યું: “મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી કરીશ.” (યોહા. ૧૨:૨૭, ૨૮) કદી કોઈ મનુષ્ય પર આવી ન હોય એવી વિશ્વાસની આકરી કસોટી સહેવા પણ ઈસુ તૈયાર હતા. યહોવાહના ઉપરના શબ્દોથી ઈસુને ખૂબ હિંમત મળી. તેમને પૂરી ખાતરી થઈ કે હવે પોતે એ સાબિત કરી શકશે કે યહોવાહ વિશ્વના માલિક અને ન્યાયી રાજા છે. અને ઈસુએ એમ સાબિત કરી આપ્યું!

ઈસુના મરણથી શું સિદ્ધ થયું?

૧૫. મરતા પહેલાં શા માટે ઈસુએ એમ કહ્યું કે “સંપૂર્ણ થયું”?

૧૫ વધસ્તંભ પર જડાયેલા ઈસુએ રિબાઈ રિબાઈને છેલ્લા શ્વાસ લેતા કહ્યું, “સંપૂર્ણ થયું.” (યોહા. ૧૯:૩૦) બાપ્તિસ્માથી લઈને મરણ સુધી સાડા ત્રણ વર્ષમાં ઈસુ યહોવાહની મદદથી ઘણું સિદ્ધ કરી શક્યા. ઈસુ મરણ પામ્યા ત્યારે મોટો ધરતીકંપ થયો. એ બધું જોઈને તેમને વધસ્તંભ પર જડવાની જવાબદારી ઉપાડનાર રૂમી લશ્કરના અધિકારીએ કહ્યું: ‘ખરેખર એ ઈશ્વરનો દીકરો હતો.’ (માથ. ૨૭:૫૪) એ અધિકારીએ જોયું હતું કે જ્યારે ઈસુએ કહ્યું કે પોતે ઈશ્વરના દીકરા છે ત્યારે લોકોએ તેમની કેવી ઠઠ્ઠામશ્કરી કરી હતી. ઘણું દુઃખ સહીને પણ ઈસુ છેલ્લા શ્વાસ સુધી યહોવાહને વિશ્વાસુ રહ્યા અને સાબિત કર્યું કે શેતાન સાવ જૂઠો છે. જે કોઈ યહોવાહના રાજને વળગી રહે છે તેઓ વિષે શેતાને આવો આરોપ મૂક્યો છે: “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂ. ૨:૪) મરણ સુધી યહોવાહને વફાદાર રહીને ઈસુએ સાબિત કરી આપ્યું કે આદમ અને હવા પણ સાવ સહેલી કસોટીમાં યહોવાહને વિશ્વાસુ રહી શક્યા હોત. સૌથી મહત્ત્વનું તો, ઈસુ પોતાના જીવન અને મરણથી યહોવાહના ન્યાયી રાજને વળગી રહ્યા. આ રીતે તેમણે ઈશ્વરનું ન્યાયીપણું જાહેર કર્યું. (નીતિવચનો ૨૭:૧૧ વાંચો.) શું ઈસુના મરણથી બીજું કંઈ સિદ્ધ થયું છે? હા, ચોક્કસ.

૧૬, ૧૭. (ક) ઈસુ પહેલાં થઈ ગયેલા ભક્તો શા માટે યહોવાહની કૃપા પામી શક્યા? (ખ) ઈસુ વફાદાર રહ્યા હોવાથી યહોવાહે તેમને કયો આશીર્વાદ આપ્યો? આજે ઈસુ શું કરી રહ્યા છે?

૧૬ ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાં યહોવાહના બીજા ઘણા ભક્તો થઈ ગયા હતા. યહોવાહની કૃપાથી તેઓને સજીવન થવાની આશા મળી હતી. (યશા. ૨૫:૮; દાની. ૧૨:૧૩) પરંતુ તેઓ હજી આદમના પાપની અસરમાં હતા. એટલે સવાલ થાય કે શાને આધારે યહોવાહે તેઓને એવી સુંદર આશા આપી? બાઇબલ જણાવે છે: ‘ઈસુને જ ઈશ્વરે પોતાની જાતના બલિદાન મારફતે માણસનાં પાપોનું પ્રાયશ્ચિત કરવા આગળ કર્યા, ને માણસને શ્રદ્ધા દ્વારા જ એ પાપ-મુક્તિ મળે છે. આ પ્રમાણે ઈશ્વરે બતાવી આપ્યું છે કે ભૂતકાળમાં માણસોનાં પાપોને સહનશીલતાપૂર્વક જતાં કરીને પોતે અન્યાય નહોતા કરતા. અત્યારે, ચાલુ જમાનામાં જ તે પોતાનો ન્યાય ખુલ્લો કરવા માગતા હતા. ઈસુ ઉપર શ્રદ્ધા રાખનાર પાપીને નિર્દોષ ને પુણ્યશાળી ઠરાવીને તે પોતાનો ન્યાય દાખવે છે!’—રોમ [રૂમી] ૩:૨૫, ૨૬, સંપૂર્ણ.

૧૭ યહોવાહે ઈસુને સજીવન કર્યા ત્યારે, ધરતી પર આવ્યા પહેલાં તેમની પાસે જે પદવી હતી એનાથી પણ મોટી પદવી આપી. ઈસુને સ્વર્ગમાં અવિનાશીપણાનો અજોડ આશીર્વાદ મળ્યો છે. (હેબ્રી ૧:૩) પ્રમુખ યાજક અને રાજા તરીકે ઈસુ હવે તેમને પગલે ચાલતા સર્વ શિષ્યોને યહોવાહનું ન્યાયીપણું જાહેર કરવા મદદ કરતા રહે છે. ઈસુની જેમ આપણે પણ યહોવાહને વળગી રહીશું તો આપણને અજોડ આશીર્વાદો મળશે. યહોવાહ પોતે બદલો આપશે એ જાણીને આપણે કેટલા આભારી છીએ!—ગીતશાસ્ત્ર ૩૪:૩; હેબ્રી ૧૧:૬ વાંચો.

૧૮. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ હાબેલથી લઈને ઘણા ભક્તોનો યહોવાહ સાથે અતૂટ નાતો હતો. કેમ કે યહોવાહે વચન આપેલા સંતાનમાં તેઓને ખૂબ જ ભરોસો હતો. યહોવાહ જાણતા હતા કે તેમના દીકરા ઈસુ મરણ સુધી વફાદાર રહેશે અને તેમના દ્વારા જ ‘જગતના પાપ દૂર કરાશે.’ (યોહા. ૧:૨૯) ઈસુના બલિદાનથી આજે પણ લોકોને ફાયદો થાય છે. (રૂમી ૩:૨૬) ઈસુના બલિદાનથી તમારા પર કેવા આશીર્વાદો આવી શકે? એના વિષે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું. (w10-E 08/15)

[ફુટનોટ્‌સ]

^ અહીં પ્રેરિત પાઊલ ગ્રીક સેપ્ટ્યુઆજિંટ અનુવાદમાંથી ગીતશાસ્ત્ર ૪૦:૬-૮ના શબ્દો ટાંકતા હતા, જેમાં આ શબ્દો પણ છે: “મારે સારૂ તેં શરીર તૈયાર કર્યું છે.” પરંતુ આ શબ્દો આપણને આજે પ્રાપ્ય હેબ્રી શાસ્ત્રવચનોની હસ્તપ્રતોમાં જોવા મળતા નથી.

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહનું રાજ ન્યાયી નથી એ સવાલ કેવી રીતે ઊભો થયો?

• ઈસુનું બાપ્તિસ્મા શું રજૂ કરતું હતું?

• ઈસુના મરણથી શું સિદ્ધ થયું?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]

તમે જાણો છો કે ઈસુના બાપ્તિસ્માનો શું અર્થ થતો હતો?