સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ખ્રિસ્ત આપણા આગેવાન છે’

‘ખ્રિસ્ત આપણા આગેવાન છે’

‘ખ્રિસ્ત આપણા આગેવાન છે’

“તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી [આગેવાન] છે.”—માથ. ૨૩:૧૦.

૧. યહોવાહના ભક્તોના આગેવાન કોણ છે અને શા માટે?

 આજે મોટા ભાગના ધર્મોમાં આગેવાન માણસો છે. જેમ કે કેથલિક પંથના વડા પોપ છે. પણ યહોવાહના ભક્તોમાં કોઈ મનુષ્ય આગેવાન નથી. તેઓ કોઈ માણસને પગલે ચાલતા નથી કે તેના શિષ્યો નથી. તેઓ ફક્ત ઈસુને આગેવાન માને છે, જેમના વિષે યહોવાહે અગાઉથી આમ જણાવ્યું હતું: “મેં તેને લોકોને સારૂ સાક્ષી, તેઓને સારૂ સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.” (યશા. ૫૫:૪) આખી દુનિયામાં અભિષિક્તો અને “બીજાં ઘેટાં” ફક્ત યહોવાહે આપેલા આગેવાન સિવાય બીજા કોઈને પગલે ચાલતા નથી. (યોહા. ૧૦:૧૬) ઈસુના આ શબ્દો સાથે તેઓ સહમત છે: “એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી [આગેવાન] છે.”—માથ. ૨૩:૧૦.

ઈસ્રાએલની આગેવાની લેતો દૂત

૨, ૩. ઈસ્રાએલના જમાનામાં ઈશ્વરના પ્રથમ દીકરાએ કયો ભાગ ભજવ્યો?

પહેલી સદીમાં ખ્રિસ્તી મંડળ સ્થપાયું એની સદીઓ પહેલાં, યહોવાહે એક સ્વર્ગદૂતને ઈસ્રાએલના આગેવાન બનાવ્યા હતા. મિસરમાંથી ઈસ્રાએલીઓને બહાર લાવ્યા પછી યહોવાહે તેઓને આમ કહ્યું: “જો, માર્ગે તને સંભાળવાને માટે, ને મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું. તેની વાતને ધ્યાન દેજે, ને તેની વાણી સાંભળજે; તેને ક્રોધ ચઢાવીશ નહિ; કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ; કારણ કે મારૂં નામ તેનામાં છે.” (નિર્ગ. ૨૩:૨૦, ૨૧) આ કલમ પરથી આપણને ખબર પડે છે કે ‘યહોવાહનું નામ’ ધરાવતા તે દૂત, તેમના પ્રથમ દીકરા હતા.

ધરતી પર આવ્યા પહેલાં ઈશ્વરના તે દીકરા, સ્વર્ગમાં મીખાએલ નામથી ઓળખાતા. દાનીયેલમાં મીખાએલને ઈસ્રાએલના “સરદાર” કહેવામાં આવે છે. (દાની. ૧૦:૨૧) ઈશ્વરભક્ત યહુદા જણાવે છે કે દાનીયેલના જમાનાની સદીઓ પહેલાં, મીખાએલ દૂત ઈસ્રાએલીઓને માર્ગદર્શન આપતા હતા. દાખલા તરીકે, શેતાન ઇચ્છતો હતો કે મુસાના શબનો ઉપયોગ કરીને કદાચ કોઈક રીતે ઈસ્રાએલીઓ પાસે મૂર્તિપૂજા કરાવે. એવું ન થાય માટે મીખાએલે યોગ્ય પગલાં ભર્યાં, જેના વિષે યહુદા આમ જણાવે છે: ‘મીખાએલ પ્રમુખ દૂતે જ્યારે શેતાનની સાથે મુસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું, કે પ્રભુ યહોવાહ તને ધમકાવો.’ (યહુ. ૯) એ બનાવના અમુક સમય પછી ઈસ્રાએલીઓએ યરેખો શહેરને ઘેરી લીધું ત્યારે, “યહોવાહના સૈન્યના સરદાર” મીખાએલે યહોશુઆને ખાતરી આપી કે ઈશ્વર તેની સાથે છે. (યહોશુઆ ૫:૧૩-૧૫ વાંચો.) એ બનાવના વર્ષો પછી, દાનીયેલને મહત્ત્વનો સંદેશો આપવા જતા યહોવાહના દૂતને, શેતાનના જોરાવર દૂતે અટકાવ્યો. એ સમયે પણ મીખાએલ યહોવાહના દૂતની મદદે આવી પહોંચે છે.—દાની. ૧૦:૫-૭, ૧૨-૧૪.

ભવિષ્યવાણી પ્રમાણે “સરદાર” આવ્યા

૪. આવનાર મસીહ વિષે કઈ ભવિષ્યવાણી કરવામાં આવી હતી?

આગળનો બનાવ બન્યો એ પહેલાં, યહોવાહે ગાબ્રીએલ દૂતને દાનીયેલ પાસે મોકલ્યા. તે દૂતે આવનાર ‘અભિષિક્ત સરદાર’ વિષેની ભવિષ્યવાણી જણાવવાની હતી. (દાની. ૯:૨૧-૨૫) * યહોવાહે જણાવેલા સમય પ્રમાણે, ઈસવીસન ૨૯માં યોહાન દ્વારા ઈસુ બાપ્તિસ્મા પામ્યા. યહોવાહની શક્તિથી ભરપૂર થયા. આમ, તે મસીહ એટલે કે યહોવાહના અભિષિક્ત બન્યા. (માથ. ૩:૧૩-૧૭; યોહા. ૧:૨૯-૩૪; ગલા. ૪:૪) મસીહ તરીકે તે અજોડ સરદાર કે આગેવાન બનવાના હતા.

૫. ઈસુએ પોતાને સોંપાયેલા કાર્યમાં કઈ રીતે આગેવાની લીધી?

ઈસુએ ધરતી પર આવીને યહોવાહે સોંપેલું કામ શરૂ કર્યું, ત્યારથી જ સાબિતી આપી કે પોતે ‘અભિષિક્ત સરદાર’ છે. એના અમુક દિવસોમાં જ ઈસુએ શિષ્યો પસંદ કર્યા અને પ્રથમ ચમત્કાર પણ કર્યો. (યોહા. ૧:૩૫–૨:૧૧) ત્યારથી ઈસુ જ્યાં પણ યહોવાહના રાજ્યનો સંદેશ જણાવવા જતા, ત્યાં શિષ્યો તેમની સાથે જતા. (લુક ૮:૧) ઈસુએ તેઓને પ્રચાર કરતા શીખવ્યું, એ કાર્યમાં આગેવાની લીધી અને સરસ દાખલો બેસાડ્યો. (લુક ૯:૧-૬) મંડળના વડીલોએ પણ આ કાર્યમાં ઈસુની જેમ જવાબદારી ઉપાડવી જોઈએ.

૬. ઈસુએ કઈ રીતે સાબિત કર્યું કે પોતે ખરા ઘેટાંપાળક અને આગેવાન છે?

ઈસુએ બીજી એક રીતે પણ સાબિત કર્યું કે પોતે આગેવાન છે. તે બધાની સાથે ઘેટાંપાળકની જેમ પ્રેમથી વર્તતા. પૂર્વના ઘેટાંપાળકો ઘેટાંની આગળ આગળ ચાલતા. એ વિષે એક પુસ્તક આમ કહે છે: ‘ઘેટાંપાળક ટોળાની આગળ ફક્ત ચાલતા જ નહિ, પણ ખાતરી કરતા કે માર્ગ સલામત છે કે નહિ. તે પોતાની લાકડી વડે ઘેટાંને લીલાંછમ ઘાસ તરફ દોરતા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ કરતા.’ (ધ લૅન્ડ ઍન્ડ ધ બુક, વિલિયમ એમ. થૉમસન) ઈસુએ પોતાનાં કામોથી બતાવ્યું કે પોતે ખરા પાળક અને આગેવાન છે. તેમણે કહ્યું: “હું ઉત્તમ ઘેટાંપાળક છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારૂ પોતાનો જીવ આપે છે. મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.” (યોહા. ૧૦:૧૧, ૨૭) એ પ્રમાણે ઈસુએ બધા શિષ્યો માટે જીવ આપી દીધો. પણ યહોવાહે તેમને “રાજા તથા તારનાર થવાને” સજીવન કર્યા.—પ્રે.કૃ. ૫:૩૧; હેબ્રી ૧૩:૨૦.

ખ્રિસ્તી મંડળના આગેવાન

૭. ઈસુ શાની મદદથી મંડળોની દેખભાળ રાખે છે?

સજીવન કરાયેલા ઈસુ સ્વર્ગમાં ગયા એના થોડા સમય પહેલાં, શિષ્યોને કહ્યું: ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.’ (માથ. ૨૮:૧૮) યહોવાહે ઈસુ દ્વારા શિષ્યોને શક્તિ આપી, જેથી તેઓ સત્યમાં દૃઢ થાય. (યોહા. ૧૫:૨૬) ઈસવીસન ૩૩ના પેન્તેકોસ્તના દિવસે ઈસુએ યહોવાહની શક્તિથી શિષ્યોને ભરપૂર કર્યા. (પ્રે.કૃ. ૨:૩૩) એમ કરવાથી પ્રથમ ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ. આમ, ઈસુને યહોવાહે ધરતી પરના મંડળના આગેવાન બનાવ્યા. (એફેસી ૧:૨૨; કોલોસી ૧:૧૩, ૧૮ વાંચો.) યહોવાહની શક્તિથી ઈસુ મંડળને માર્ગદર્શન આપે છે. એમાં મદદ કરવા સ્વર્ગદૂતોને પણ ‘ઈસુને આધીન કરાયા છે.’—૧ પીત. ૩:૨૨.

૮. પહેલી સદીમાં ઈસુએ પોતાના શિષ્યોને કોના દ્વારા માર્ગદર્શન આપ્યું? આજે કોના દ્વારા માર્ગદર્શન આપે છે?

યહોવાહની શક્તિથી પસંદ થયેલા “માણસોને દાન” તરીકે ઈસુએ મંડળને આપ્યા છે. તેઓમાંથી “કેટલાક પાળકો તથા ઉપદેશકો” છે. (એફે. ૪:૮, ૧૨) પ્રેરિત પાઊલે મંડળના વડીલોને આમ અરજ કરી: ‘તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર ઈશ્વરની શક્તિએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, અને ઈશ્વરની મંડળીનું પાલન કરો.’ (પ્રે.કૃ. ૨૦:૨૮) ખ્રિસ્તી મંડળની શરૂઆતથી જ યહોવાહની શક્તિથી બધા વડીલો પસંદ કરવામાં આવ્યા હતા. પ્રેરિતો અને યરૂશાલેમ મંડળના વડીલો, ગવર્નિંગ બૉડી તરીકે આગેવાની લેતા હતા. ઈસુ એ ગોઠવણ દ્વારા ધરતી પરના સર્વ અભિષિક્ત ‘ભાઈઓને’ માર્ગદર્શન આપતા હતા. (હેબ્રી ૨:૧૧; પ્રે.કૃ. ૧૬:૪, ૫) આ છેલ્લા સમયમાં ઈસુએ ધરતી પરની “પોતાની બધી સંપત્તિ” સંભાળવાની જવાબદારી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગને સોંપી છે. એ જવાબદારી ઉપાડવા તેઓમાંના અમુક વડીલો ગવર્નિંગ બૉડી તરીકે આગેવાની લે છે. (માથ. ૨૪:૪૫-૪૭) સર્વ અભિષિક્તો અને ‘બીજાં ઘેટાં’ ગવર્નિંગ બૉડીના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. એ રીતે તેઓ ઈસુની આગેવાની હેઠળ ચાલે છે.

શરૂઆતથી પ્રચાર કાર્યને માર્ગદર્શન આપતા ઈસુ

૯, ૧૦. યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવવા ઈસુએ શું કર્યું?

ઈસુએ શરૂઆતથી જ દુનિયા ફરતે ઈશ્વરનો સંદેશ જણાવવાના અને શિષ્ય બનાવવાના કામને માર્ગદર્શન આપ્યું. તેમણે નક્કી કર્યું કે સર્વ લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર કઈ રીતે પહોંચાડવી. એટલે તેમણે પોતાના પ્રેરિતોને આ આજ્ઞા આપી: ‘તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. પણ તેના કરતાં ઈસ્રાએલના ઘરનાં ખોવાએલાં ઘેટાંની પાસે જાઓ. અને તમે જતાં જતાં એમ જાહેર કરો, કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’ (માથ. ૧૦:૫-૭) ઈસુના શિષ્યોએ યહુદી અને યહુદી બનેલા લોકોમાં એમ જ કર્યું, ખાસ કરીને ઈસવીસન ૩૩ના પેન્તેકોસ્ત પછી તો વધારે હોંશથી ખુશખબર ફેલાવી.—પ્રે.કૃ. ૨:૪, ૫, ૧૦, ૧૧; ૫:૪૨; ૬:૭.

૧૦ એ પછી યહોવાહની શક્તિ દ્વારા ઈસુએ રાજ્યનો સંદેશો ફક્ત યહુદીઓમાં જ નહિ, સમરૂનીઓ અને બિનયહુદીઓમાં પણ ફેલાય એવું માર્ગદર્શન આપ્યું. (પ્રે.કૃ. ૮:૫, ૬, ૧૪-૧૭; ૧૦:૧૯-૨૨, ૪૪, ૪૫) એ ઉપરાંત બીજા દેશોમાં ખુશખબર ફેલાવવા, ઈસુએ તાર્સસના શાઊલને ખ્રિસ્તી બનવા ઉત્તેજન આપ્યું. ઈસુએ પોતાના શિષ્ય અનાન્યાને આમ કહ્યું: ‘ઊઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઊલ નામે તાર્સસના એક માણસ વિષે યહુદાહના ઘરમાં ખબર કાઢ. તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ અને ઈસ્રાએલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે.’ (પ્રે.કૃ. ૯:૩-૬, ૧૦, ૧૧, ૧૫) એ “પસંદ” કરાયેલા માણસ પ્રેરિત પાઊલ તરીકે ઓળખાયા.—૧ તીમો. ૨:૭.

૧૧. યહોવાહની શક્તિની મદદથી ઈસુએ કઈ રીતે સંદેશો ફેલાવવાનું કામ આગળ વધાર્યું?

૧૧ બીજા દેશોમાં ખુશખબર ફેલાવવાનો સમય આવ્યો ત્યારે, ઈશ્વરની શક્તિ દ્વારા ઈસુએ પાઊલને માર્ગદર્શન આપ્યું. પાઊલે એશિયા માઈનોર અને યુરોપ સુધી ખુશખબર ફેલાવવા અનેક મુસાફરી કરી. એ વિષે લુકે આમ લખ્યું: ‘અરામી અંત્યોખ મંડળના ખ્રિસ્તી પ્રબોધકો અને શિક્ષકો બધાની આગળ પ્રભુ યહોવાહની ભક્તિ કરતા અને ઉપવાસ કરતા હતા, ત્યારે ઈશ્વરની શક્તિએ તેઓને કહ્યું, કે જે કામ કરવા મેં બાર્નાબાસ અને શાઊલને બોલાવ્યા છે તે કામને માટે તેઓને મારે સારુ જુદા પાડો. ત્યારે તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને, તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.’ (પ્રે.કૃ. ૧૩:૨, ૩) બીજા દેશો પણ પોતાના વિષે જાણે, એ માટે ઈસુએ પોતે તાર્સસના શાઊલને “પસંદ” કર્યા હતા. આ બતાવે છે કે ખુશખબર ફેલાવવા, મંડળના આગેવાન ઈસુએ આ નવી રીતે ઉત્તેજન આપ્યું હતું. યહોવાહની શક્તિથી ઈસુ માર્ગદર્શન આપતા હતા, એ પાઊલની બીજી મુસાફરીમાં દેખાઈ આવ્યું. અહેવાલ સાફ બતાવે છે કે ઈસુએ પાઊલ અને તેમના સાથીઓને માર્ગદર્શન આપ્યું. તેમણે તેઓને સંદર્શનો દ્વારા જણાવ્યું કે કયા દેશમાં ક્યારે પ્રચાર કરવો. આ રીતે તેઓ સંદેશો ફેલાવતા યુરોપ સુધી પહોંચ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૬-૧૦ વાંચો.

મંડળની આગેવાની લેતા ઈસુ

૧૨, ૧૩. પ્રકટીકરણનું પુસ્તક કઈ રીતે બતાવે છે કે ઈસુ દરેક મંડળની હાલત સારી રીતે જાણે છે?

૧૨ પહેલી સદીમાં અભિષિક્તોથી બનેલાં મંડળોની હાલત ઈસુ સારી રીતે જાણતા હતા. બધાં મંડળમાં દરેકની શ્રદ્ધા કેવી છે, એ પણ જાણતા હતા. પ્રકટીકરણના બીજા અને ત્રીજા અધ્યાયમાં એ જોવા મળે છે. એશિયા માઈનોરમાં આવેલાં સાતેય મંડળોને ઈસુ નામથી જાણતા હતા. (પ્રકટી. ૧:૧૧) આપણને ખાતરી છે કે એ સમયના બીજાં મંડળોની પ્રગતિ વિષે પણ ઈસુ સારી રીતે જાણતા હશે.—પ્રકટીકરણ ૨:૨૩ વાંચો.

૧૩ ઈસુએ એવાં મંડળોના વખાણ કર્યા, જેઓએ સતાવણી સહી હતી; યહોવાહના શિક્ષણને વળગી રહ્યા હતા અને ખોટું શિક્ષણ ફેલાવનારાથી દૂર રહ્યા હતા. (પ્રકટી. ૨:૨, ૯, ૧૩, ૧૯; ૩:૮) એ જ સમયે ઈસુએ અમુકને ઠપકો આપ્યો, કેમ કે તેઓ યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયા હતા, મૂર્તિપૂજા અને વ્યભિચાર ચલાવી લેતા હતા. એટલું જ નહિ, મંડળમાં ભાગલા પાડનારાને તેઓ ચલાવી લેતા હતા. (પ્રકટી. ૨:૪, ૧૪, ૧૫, ૨૦; ૩:૧૫, ૧૬) ઈસુ સૌથી સારા આગેવાન હોવાથી, જેઓને કડક ઠપકો આપ્યો તેઓને પણ પ્રેમથી આમ કહ્યું: “હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરૂં છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.” (પ્રકટી. ૩:૧૯) ઈશ્વરની શક્તિથી ઈસુ સ્વર્ગમાંથી શિષ્યોના મંડળોને માર્ગદર્શન આપતા હતા. એ મંડળોને આપેલા સંદેશાના અંતે ઈસુએ કહ્યું: ‘ઈશ્વરની શક્તિ મંડળીઓને જે કહે છે એ જેને કાન છે તે સાંભળે.’—પ્રકટી. ૩:૨૨.

૧૪-૧૬. (ક) ઈસુએ કઈ રીતે આગેવાન તરીકે યહોવાહના લોકોને હિંમતથી માર્ગદર્શન આપ્યું? (ખ) ઈસુ “જગતના અંત સુધી” શિષ્યો સાથે છે, એના લીધે શું શક્ય બન્યું છે? (ગ) હવે પછીના લેખમાં આપણે શાના વિષે શીખીશું?

૧૪ આપણે જોયું કે સ્વર્ગદૂત મીખાએલ એટલે ઈસુ ઈસ્રાએલી પ્રજાના સૌથી સારા આગેવાન હતા. સદીઓ પછી ઈસુએ હિંમતથી આગેવાની લીધી અને પ્રેમાળ ઘેટાંપાળકની જેમ શિષ્યોની સંભાળ રાખી. યહોવાહના રાજ્યનો સંદેશ જણાવવામાં ઈસુએ આગેવાની લીધી. સજીવન થયા પછી તેમણે એ સંદેશો બીજા દેશોમાં પણ ફેલાવવા માર્ગદર્શન આપ્યું.

૧૫ યહોવાહની શક્તિની મદદથી ઈસુ આખી દુનિયામાં રાજ્યનો સંદેશો ફેલાવવા માર્ગદર્શન આપશે. સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ શિષ્યોને કહ્યું: ‘ઈશ્વરની શક્તિ તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.’ (પ્રે.કૃ. ૧:૮; ૧ પીતર ૧:૧૨ વાંચો.) ઈસુના માર્ગદર્શન દ્વારા પહેલી સદીમાં ઘણા દેશોમાં સંદેશો જણાવવામાં આવ્યો હતો.—કોલો. ૧:૨૩.

૧૬ ઈસુએ એમ પણ જણાવ્યું હતું કે દુષ્ટ દુનિયાના અંત સુધી આ કાર્ય ચાલુ રહેશે. તેમણે શિષ્યોને સર્વ દેશોમાં ખુશખબર ફેલાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ સોંપ્યું. પછી તેઓને આ વચન આપ્યું: “જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૧૯, ૨૦) ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા ત્યારથી, શિષ્યોને પહેલાં કરતાં વધારે માર્ગદર્શન આપવા લાગ્યા છે. કઈ રીતે? ચાલો એ વિષે હવે પછીના લેખમાં જોઈએ. (w10-E 09/15)

[ફુટનોટ્‌સ]

^ એના વિષે વધારે જાણવા દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ.

મુખ્ય મુદ્દાઓ

• યહોવાહના દીકરાએ ઈસ્રાએલીઓની સારી રીતે આગેવાની લેવા શું કર્યું?

• ઈસુ શાના દ્વારા મંડળોને માર્ગદર્શન આપે છે?

• ઈસુએ કઈ રીતે ખુશખબર ફેલાવવા માર્ગદર્શન આપ્યું છે?

• શું બતાવે છે કે ઈસુ દરેક મંડળની હાલત સારી રીતે જાણે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

“હું તારી આગળ દૂતને મોકલું છું”

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

પહેલાંની જેમ, મંડળની સંભાળ રાખવા ઈસુએ “માણસોને દાન” તરીકે આપ્યા છે