સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨ કોને કરવી જોઈએ?

૨ કોને કરવી જોઈએ?

પ્રાર્થના

૨ કોને કરવી જોઈએ?

શું એ સાચું છે કે તમે કોઈ પણ નામે પ્રાર્થના કરો, ઈશ્વર સાંભળે છે? કદાચ આજે મોટા ભાગના લોકો ‘હા’ કહેશે. ઘણાને એવું માનવું ગમે છે કે જુદા જુદા ધર્મો એકબીજાને સ્વીકારે અને એકબીજામાં ભળી જાય. પરંતુ શું એમ માનવું ખોટું હોઈ શકે કે કોઈ પણ નામે પ્રાર્થના કરો, ઈશ્વર એ સાંભળે છે?

બાઇબલ શીખવે છે કે આજે મોટા ભાગના લોકો સાચા ઈશ્વરને પ્રાર્થના કરતા નથી. પહેલાના જમાનામાં ઘણા લોકો મૂર્તિઓને પ્રાર્થના કરતા. એમ કરવાની ઈશ્વરે વારંવાર મના કરી હતી. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૧૫:૪-૬ મૂર્તિઓ વિષે કહે છે કે “તેઓને કાન છે, પણ સાંભળતી નથી.” તો પછી, સાંભળી ન શકે એવા ભગવાનને પ્રાર્થના કરવાનો શું ફાયદો?

એની સાબિતી આપતા બાઇબલના આ એક બનાવનો વિચાર કરો. લોકોએ બનાવેલા બઆલ નામના એક દેવના ભક્તોને ઈશ્વરભક્ત એલીયાહે આ પડકાર ફેંક્યો: ‘તમે તમારા દેવને પ્રાર્થના કરો અને હું મારા ઈશ્વરને પ્રાર્થના કરીશ.’ પછી તેમણે પૂરા ભરોસાથી કહ્યું કે ‘જે જવાબ આપે એ જ સાચો ઈશ્વર!’ બઆલના ભક્તોએ એ પડકાર ઝીલીને મોટેથી લાંબી-લાંબી ઘણી પ્રાર્થનાઓ કરી. પણ તેઓની પ્રાર્થનાઓનો કોઈ જવાબ મળ્યો નહિ. એ વિષે બાઇબલ કહે છે કે “કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.” (૧ રાજાઓ ૧૮:૨૯) પણ એલીયાહનો વારો આવ્યો ત્યારે શું થયું?

એલીયાહે પોતાના ઈશ્વરને અર્પણ ચઢાવીને પ્રાર્થના કરી. તરત જ તેમના ઈશ્વરે પ્રાર્થનાનો જવાબ આપવા, આકાશમાંથી અગ્‍નિ મોકલીને એ અર્પણ ભસ્મ કર્યું. એલીયાહની પ્રાર્થના કેમ સાંભળવામાં આવી અને બઆલના ભક્તોની નહિ? એનો જવાબ ૧ રાજાઓ ૧૮:૩૬, ૩૭માં મળી આવતી એલીયાહની પ્રાર્થનામાં છે. બાઇબલની મૂળ હેબ્રી ભાષામાં એ પ્રાર્થના ફક્ત ત્રીસેક શબ્દોની છે. જોકે એમાં એલીયાહે ત્રણ વાર ખરા ઈશ્વરનું નામ, યહોવાહ વાપર્યું.

કનાન દેશના દેવ, બઆલનો અર્થ થાય “માલિક” અથવા “સ્વામી.” લોકો એને વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામથી ઓળખતા. પણ આખા વિશ્વમાં ખરા ઈશ્વર એક જ છે, જેમનું નામ યહોવાહ છે! તેમનાં અનેક નામો નથી. તેમણે પોતાના ભક્તોને કહ્યું: “હું યહોવાહ છું; એ જ મારૂં નામ છે; હું મારૂં ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.”—યશાયાહ ૪૨: ૮.

શું એલીયાહ અને બઆલ ભક્તોએ એક જ ઈશ્વરને પ્રાર્થના કરી હતી? ના. બઆલની ભક્તિમાં લોકો વેશ્યાગીરી અને માનવ બલિદાન ચડાવવાં જેવાં કામો કરતા. જ્યારે કે યહોવાહની ભક્તિ એકદમ શુદ્ધ અને પવિત્ર હતી. તેમનું શિક્ષણ લોકોને ખોટાં કામોથી આઝાદ કરીને સારા સંસ્કાર શીખવતું. તેમ જરા વિચારો: જો તમારા જિગરી દોસ્તને કોઈ પત્ર મોકલવા માંગતા હોવ, તો તમે તેના બદલે શું એવા કોઈનું સરનામું લખશો, જે ગુંડાગીરી કરતો હોય? ચોક્કસ નહિ!

યહોવાહ સરજનહાર છે, તે આપણા પિતા છે. એટલે તેમને જ પ્રાર્થના કરવી જોઈએ. * ઈશ્વરભક્ત યશાયાહે કહ્યું કે ‘હે યહોવાહ, તું અમારો પિતા છે.’ (યશાયાહ ૬૩:૧૬) ઈસુએ પોતાના શિષ્યોને યહોવાહ વિષે કહ્યું: ‘જે મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર છે, તેમની પાસે હું ચઢી જાઉં છું.’ (યોહાન ૨૦:૧૭) ઈસુના પિતા યહોવાહ છે. ઈસુએ તેમને જ પ્રાર્થના કરી. તેમણે પોતાના શિષ્યોને પણ શીખવ્યું કે યહોવાહને જ પ્રાર્થના કરે.—માત્થી ૬:૯.

શું બાઇબલ એમ શીખવે છે કે ઈસુ, મરિયમ, સંતો કે સ્વર્ગદૂતોને પ્રાર્થના કરવી જોઈએ? ના. બાઇબલ શીખવે છે કે ફક્ત યહોવાહને જ પ્રાર્થના કરવી જોઈએ. એ માટે બે કારણો વિચારો. પહેલું, પ્રાર્થના એ ભક્તિનો ભાગ છે અને બાઇબલ પ્રમાણે ફક્ત યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ. (નિર્ગમન ૨૦:૫) બીજું, બાઇબલ યહોવાહને “પ્રાર્થનાના સાંભળનાર” કહે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) યહોવાહે ઘણી જવાબદારીઓ પોતાના ભક્તોને સોંપી છે. પણ તેમનું વચન છે કે આપણી પ્રાર્થનાઓ તે પોતે જ સાંભળશે. એ જવાબદારી તેમણે બીજા કોઈને સોંપી નથી.

જો તમે ચાહતા હોવ કે ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે, તો આ સલાહ પાળો: “જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે, તે તારણ પામશે.” (યોએલ ૨:૩૨) શું એનો અર્થ એ થાય કે યહોવાહ બધી જ પ્રાર્થનાઓ સાંભળે છે? કે પછી તે આપણી પ્રાર્થનાઓ સાંભળે એ માટે આપણે કંઈ કરવાની જરૂર છે? (w10-E 10/01)

[ફુટનોટ્‌સ]

^ કેટલીક ધાર્મિક માન્યતાઓ જણાવે છે કે ઈશ્વરનું નામ બોલવું ન જોઈએ, અરે પ્રાર્થનામાં પણ નહિ. જોકે, બાઇબલની મૂળ ભાષાઓમાં એ નામ લગભગ ૭,૦૦૦ વાર આવે છે. યહોવાહના ભક્તોએ પણ પ્રાર્થના અને ભજનોમાં અનેક વાર તેમનું નામ વાપર્યું છે.