સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૩ કેવી રીતે કરવી જોઈએ?

૩ કેવી રીતે કરવી જોઈએ?

પ્રાર્થના

૩ કેવી રીતે કરવી જોઈએ?

ઘણા ધર્મો પ્રાર્થના કરવા વિષે આ બાબતો પર વધારે ભાર મૂકે છે: ઊભા રહીને કે બેસીને પ્રાર્થના કરવી, કેવા શબ્દો વાપરવા, કેવી વિધિ કરવી. જોકે, બાઇબલ આ મહત્ત્વનો સવાલ વિચારવા મદદ કરે છે કે ‘કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ?’

બાઇબલમાં ઈશ્વરભક્તોનું અનેક રીતે પ્રાર્થના કરતા વર્ણન થયું છે. સંજોગો પ્રમાણે તેઓ મનમાં કે મોટેથી પ્રાર્થના કરતા. આકાશ તરફ જોઈને અથવા માથું નમાવીને પ્રાર્થના કરતા. મૂર્તિઓ, માળા કે પ્રાર્થના-પોથી વાપરવાને બદલે, તેઓ દિલથી પ્રાર્થના કરતા. શાને લીધે ઈશ્વરે તેઓની પ્રાર્થના સાંભળી હતી?

આગળના લેખમાં જોઈ ગયા તેમ, આ ઈશ્વરભક્તોએ ખરા ઈશ્વર યહોવાહને જ પ્રાર્થના કરી હતી. પ્રાર્થના વિષે બીજી એક મહત્ત્વની બાબત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એના વિષે પહેલો યોહાન ૫:૧૪ આમ જણાવે છે: ‘તેમના પર આપણને ભરોસો છે કે જો તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.’ એટલે પ્રાર્થના ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવી જોઈએ. એનો શું અર્થ થાય?

ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરવા, પહેલા તો તેમની ઇચ્છા જાણવી જોઈએ. બાઇબલ એ જણાવે છે, એટલે એનું જ્ઞાન લેવું બહુ જરૂરી છે. શું એનો અર્થ એ થાય કે આપણને બાઇબલનું બધું જ જ્ઞાન નહિ હોય તો, યહોવાહ પ્રાર્થના નહિ સાંભળે? ના, એવું નથી. પણ ઈશ્વર ચાહે છે કે આપણે તેમની ઇચ્છા વિષે શીખીએ, સમજીએ અને એ પ્રમાણે વર્તીએ. (માત્થી ૭:૨૧-૨૩) તેમ જ, તેમની ઇચ્છા પ્રમાણે જ પ્રાર્થના કરીએ.

યહોવાહ અને તેમની ઇચ્છા વિષે શીખીએ તેમ, તેમનામાં આપણી શ્રદ્ધા વધતી જશે. યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે એ માટે શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. ઈસુએ કહ્યું હતું કે “જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.” (માત્થી ૨૧:૨૨) શ્રદ્ધા રાખવાનો અર્થ એ નથી કે સાવ ભોળિયા બનવું. એનો અર્થ થાય કે જે અદૃશ્ય છે, એમાં પણ પૂરતી માહિતી અને પુરાવાને આધારે માનવું. (હેબ્રી ૧૧:૧) ભલે આપણે યહોવાહ ઈશ્વરને જોઈ શકતા નથી, પણ બાઇબલમાં અઢળક પુરાવા છે કે તે સાચે જ છે. તેમના પર પૂરો ભરોસો રાખી શકાય એમ છે. પૂરી શ્રદ્ધાથી તેમને પ્રાર્થના કરનારાને તે જવાબ પણ આપે છે. એટલું જ નહિ, વધારે શ્રદ્ધા કેળવવા મદદ માટે આપણે તેમને વિનંતી પણ કરી શકીએ. આપણને જે જરૂર છે, એ યહોવાહ ખુશીથી આપે છે.—લુક ૧૭:૫; યાકૂબ ૧:૧૭.

પ્રાર્થના વિષે હજુ એક મહત્ત્વની બાબત રહેલી છે. ઈસુએ કહ્યું કે ‘મારા વિના પિતાની પાસે કોઈ આવતું નથી.’ (યોહાન ૧૪:૬) એટલે આપણે ઈસુ દ્વારા યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. ઈસુએ તેમના નામે પ્રાર્થના કરવાનું શિષ્યોને જણાવ્યું હતું. (યોહાન ૧૪:૧૩; ૧૫:૧૬) એનો અર્થ એ નથી કે ઈસુને પ્રાર્થના કરવી. પણ તેમના નામે પ્રાર્થના કરવી જોઈએ. એમ કરીને આપણે યાદ રાખીએ છીએ કે ઈસુના લીધે જ યહોવાહને પ્રાર્થના કરવાનું શક્ય બન્યું છે.

ઈસુના શિષ્યોએ તેમને એક વાર પૂછ્યું હતું: ‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવ.’ (લુક ૧૧:૧) તેઓના કહેવાનો મતલબ શું હતો? એ નહિ કે કેવી રીતે પ્રાર્થના કરવી, જે આપણે હમણાં જોઈ ગયા. પણ તેઓ તો જાણવા માંગતા હતા કે ‘શાના વિષે પ્રાર્થના કરવી જોઈએ?’ (w10-E 10/01)

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

યહોવાહની ઇચ્છા પ્રમાણે, પૂરી શ્રદ્ધાથી અને ઈસુના નામે પ્રાર્થના કરવી જોઈએ