સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૭ શું ઈશ્વર એનો જવાબ આપશે?

૭ શું ઈશ્વર એનો જવાબ આપશે?

પ્રાર્થના

૭ શું ઈશ્વર એનો જવાબ આપશે?

આ સવાલનો જવાબ જાણવાનું કોને ન ગમે. બાઇબલ શીખવે છે કે યહોવાહ ચોક્કસ પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ આપે છે. પણ તમે કહેશો કે ‘શું તે મારી પ્રાર્થનાનો જવાબ આપશે?’ એનો આધાર મોટાભાગે તમારા પર છે. કેમ એવું?

ઈસુએ યહુદી ધર્મગુરુઓને ખુલ્લા પાડ્યા, કેમ કે તેઓ દેખાડો કરવા પ્રાર્થના કરતા. તેઓ લોકોની નજરે ધાર્મિક દેખાવા માગતા હતા. એટલે ઈસુએ કહ્યું કે તેઓ “પોતાનો બદલો પામી ચૂક્યા છે.” એ ધર્મગુરુઓને લોકોની વાહ વાહ જોઈતી હતી, એ મળી ગઈ. પણ મહત્ત્વનું તો એ હતું કે યહોવાહ તેઓની પ્રાર્થના સાંભળે, જે ન બન્યું. (માત્થી ૬:૫) આજે પણ ઘણા લોકો ઈશ્વરની નહિ, પોતાની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરે છે. પરંતુ આપણે જોઈ ગયા તેમ, જેઓ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવતા નથી તેઓની પ્રાર્થના યહોવાહ સાંભળતા નથી.

શું યહોવાહ તમારી પ્રાર્થનાનો જવાબ આપશે? એનો આધાર તમારી નાતજાત, દેશ કે પછી તમે સમાજમાં કેવી પદવી ધરાવો છો, એના પર નથી. બાઇબલ આવી ખાતરી આપે છે: ‘ઈશ્વર ભેદભાવ રાખતા નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) શું તમે પણ એવા છો? જો તમે ઈશ્વરની બીક રાખીને જીવતા હોવ, તો તેમના કહેવા પ્રમાણે જ ચાલશો. તે નારાજ થાય એવું કંઈ નહિ કરો. તેમ જ, ન્યાયીપણું કરશો. એટલે કે પોતાની કે બીજાની નજરે ખરું લાગે એ કરવાને બદલે, ઈશ્વરની નજરે જે ખરું હોય એ કરશો. ઈશ્વર પાસેથી જવાબ મળે એવી પ્રાર્થના કરવા બાઇબલ તમને પણ મદદ કરશે. *

ઘણા લોકો ચાહે છે કે યહોવાહ ચમત્કાર કરીને તેઓની પ્રાર્થનાનો જવાબ આપે. જોકે, પહેલાના જમાનામાં પણ ઈશ્વરે કોઈક જ વાર ચમત્કાર કર્યા હતા. અરે, અમુક વાર એકથી બીજા ચમત્કાર વચ્ચે સદીઓ વીતી ગઈ હતી. બાઇબલ જણાવે છે કે ઈસુના પ્રેરિતોના સમય પછી ચમત્કારો બંધ થયા. (૧ કોરીંથી ૧૩:૮-૧૦) તો પછી શું આજે ઈશ્વર પ્રાર્થનાનો જવાબ નથી આપતા? એવું નથી. ચાલો આપણે અમુક એવી પ્રાર્થનાનો વિચાર કરીએ, જેનો ઈશ્વર જવાબ આપે છે.

ઈશ્વર સમજણ આપે છે. યહોવાહ પાસે અપાર સમજણ છે. જેઓ તેમનું માર્ગદર્શન મેળવીને એ પ્રમાણે જીવવા ચાહે છે, તેઓને યહોવાહ ઉદારતાથી સમજણ આપે છે.—યાકૂબ ૧:૫.

યહોવાહ પોતાની શક્તિ આપે છે, જેનાથી લાભ થાય છે. ઈશ્વરની શક્તિથી વધારે ચઢિયાતું કશું નથી. એ કોઈ પણ કસોટી સહેવા મદદ કરી શકે. મુશ્કેલીમાં હોઈએ ત્યારે મનની શાંતિ આપી શકે. ઈશ્વર જેવા ગુણો કેળવવા મદદ કરી શકે. (ગલાતી ૫:૨૨, ૨૩) ઈસુએ શિષ્યોને ખાતરી આપી કે ઈશ્વર પોતાની શક્તિ આપવામાં કોઈ કચાશ નથી રાખતા.—લુક ૧૧:૧૩.

ઈશ્વરને શોધે છે તેઓને તે જ્ઞાન આપે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭) દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ ખરા ઈશ્વર વિષે જાણવા ચાહે છે. જેમ કે, ઈશ્વરનું નામ શું છે? તેમણે કેમ ધરતી અને મનુષ્યો બનાવ્યા છે? તેમ જ, મનુષ્યો કઈ રીતે દિલથી ઈશ્વરની ભક્તિ કરી શકે? (યાકૂબ ૪:૮) આવા લોકોને યહોવાહના સાક્ષીઓ વારંવાર મળે છે અને ખુશીથી એવા સવાલોના જવાબ આપે છે.

શું તમે પણ એ જ કારણે આ મૅગેઝિન મેળવ્યું છે? શું તમે પણ યહોવાહ વિષે વધારે શીખવા માંગો છો? કદાચ આ રીતે તે તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે. (w10-E 10/01)

[ફુટનોટ્‌સ]

^ પ્રાર્થના વિષે વધારે માહિતી મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકનું પ્રકરણ ૧૭ જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.