સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?

સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?

સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?

‘જ્યારે તમે એકઠા થાવ ત્યારે જે કંઈ કરો બધું ઉત્તેજન મળે એ માટે કરો.’—૧ કોરીં. ૧૪:૨૬.

૧. પહેલો કોરીંથી ચૌદમા અધ્યાય પ્રમાણે આપણી સભાઓનો મહત્ત્વનો હેતુ શું છે?

 ‘આજની સભા કેટલી સરસ હતી!’ શું તમે આપણી કોઈ સભા પછી એવું જ કંઈક કહ્યું છે? હા, એમાં કોઈ નવાઈ નથી કે આપણી સભાઓમાંથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. પહેલી સદીની જેમ આજે પણ સભાઓનો હેતુ એ જ છે કે એનાથી બધાની યહોવાહમાં શ્રદ્ધા વધે. ઈશ્વરભક્ત પાઊલે કોરીંથ મંડળને લખેલા પહેલા પત્રમાં સમજાવ્યું કે સભાઓ શા માટે રાખવામાં આવે છે. ચૌદમા અધ્યાયમાં તેમણે વારંવાર ભાર મૂક્યો કે સભાઓમાં દરેક ભાગ એ રીતે રજૂ કરવામાં આવે કે ‘મંડળીને ઉત્તેજન મળે.’—૧ કોરીંથી ૧૪:૩, ૧૨, ૨૬ વાંચો. *

૨. (ક) શાના લીધે સભાઓમાંથી ઉત્તેજન મળે છે? (ખ) આપણે કયા પ્રશ્નની ચર્ચા કરીશું?

આપણી સભાઓ પર ખાસ તો ઈશ્વરની શક્તિ હોવાથી, એમાં ઘણું શીખવા મળે છે. એમાંથી ખૂબ ઉત્તેજન પણ મળે છે. એટલે જ આપણે દરેક સભાની શરૂઆતમાં દિલથી પ્રાર્થના કરીએ છીએ કે એના પર યહોવાહનો આશીર્વાદ આવે. એ ઉપરાંત સભામાં રજૂ કરવામાં આવતા ભાગોમાંથી વધારે ઉત્તેજન મેળવવા દરેક જણ મદદ કરી શકે છે. એ માટે આપણે પોતે શું કરવું જોઈએ, જેથી દર અઠવાડિયે સભાઓમાંથી બધાને ઉત્તેજન મળે અને યહોવાહમાં શ્રદ્ધા વધે?

૩. આપણી સભાઓ કેટલી મહત્ત્વની છે?

એનો જવાબ મેળવવા ચાલો આપણે જોઈએ કે સભાઓ લેનારા ભાઈઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે એ પણ જોઈશું કે મંડળમાં દરેક જણ શું કરી શકે, જેનાથી સભામાંથી બધાને ઉત્તેજન મળે. એ ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે આપણે સભાઓમાં ભેગા મળીને યહોવાહની ભક્તિ કરીએ છીએ. એ માટે સભાઓમાં જવું અને એમાં બની શકે એટલો ભાગ લેવો એ ખૂબ જ જરૂરી છે.—ગીત. ૨૬:૧૨; ૧૧૧:૧; યશા. ૬૬:૨૨, ૨૩.

બાઇબલ વિષે વધારે શીખવતી સભા

૪, ૫. ચોકીબુરજના અભ્યાસ લેખની ચર્ચાથી શું લાભ થાય છે?

દર અઠવાડિયે સભામાં ચોકીબુરજના એક અભ્યાસ લેખની ચર્ચા થાય છે. એમાંથી આપણે બધા લાભ લેવા માગીએ છીએ. એનો મુખ્ય હેતુ સમજવા ચાલો જોઈએ કે આપણે કેમ ચોકીબુરજના અભ્યાસ લેખોની ચર્ચા કરીએ છીએ. એ પણ જોઈશું કે એમાં કયા ફેરફાર થયા છે.

આપણે ચોકીબુરજના અભ્યાસ લેખની મદદથી બાઇબલ વિષે વધારે શીખીએ છીએ. દર અઠવાડિયે એની ચર્ચા દ્વારા આપણને બાઇબલની “સ્પષ્ટ” સમજણ મળે છે. નહેમ્યાહના જમાનાની જેમ, આજે પણ શાસ્ત્ર ‘વાંચીને સમજાવવામાં’ આવે છે.—નહે. ૮:૮; યશા. ૫૪:૧૩.

૬. (ક) ચોકીબુરજના અભ્યાસ લેખોમાં કયો ફેરફાર કરવામાં આવ્યો છે? (ખ) કલમની બાજુમાં “વાંચો” લખ્યું હોય ત્યારે દરેકે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

બાઇબલ આપણું ધર્મશાસ્ત્ર હોવાથી, હવે ચોકીબુરજના અભ્યાસ લેખોમાં ટાંકેલી અમુક કલમોની બાજુમાં “વાંચો” એવું લખેલું હોય છે. દરેકને ઉત્તેજન આપવામાં આવે છે કે આવી કલમો વંચાય ત્યારે, પોતાના બાઇબલમાંથી એ સાથે સાથે જોવી જોઈએ. (પ્રે.કૃ. ૧૭:૧૧) એનાથી કેવો ફાયદો થાય છે? જ્યારે ઈશ્વરની સલાહ આપણા પોતાના બાઇબલમાંથી વાંચીએ, ત્યારે એ દિલમાં ઊતરી જાય છે. (હેબ્રી ૪:૧૨) તેથી, એવી કલમો મોટેથી વાંચવામાં આવે એ પહેલાં, ચોકીબુરજ લેનાર ભાઈએ કલમ ખોલવા બધાને પૂરતો સમય આપવો જોઈએ. આમ, બધા પોતાના બાઇબલમાં એ કલમ પર ધ્યાન આપી શકશે.

શ્રદ્ધા બતાવવાની વધારે તક મળે છે

૭. અભ્યાસ લેખની ચર્ચા કરતી વખતે શાની તક મળે છે?

ચોકીબુરજના અભ્યાસ લેખોમાં બીજો કયો ફેરફાર થયો છે? એમાં પહેલાં કરતાં હવે ઓછા ફકરા હોવાથી, એ વાંચવામાં થોડો સમય લાગે છે. એટલે દરેકને પોતાની શ્રદ્ધા બતાવવા જવાબ આપવાની ઘણી તકો મળે છે. એ માટે આપણે કદાચ સવાલનો સીધેસીધો જવાબ આપી શકીએ. અમુક કલમ કઈ રીતે લાગુ પડે છે એ જણાવી શકીએ. બાઇબલના સિદ્ધાંત લાગુ પાડવાથી થતા લાભ વિષે ટૂંકમાં કોઈ અનુભવ જણાવી શકીએ. અથવા તો બીજી કોઈ રીતે જવાબ આપી શકીએ. લેખમાંનાં ચિત્રોની ચર્ચા કરવા પણ અમુક સમય વાપરવો જોઈએ.—ગીતશાસ્ત્ર ૨૨:૨૨; ૩૫:૧૮; ૪૦:૯ વાંચો.

૮, ૯. ચોકીબુરજ લેનાર ભાઈ શું ભાગ ભજવે છે?

જોકે, બધાને જવાબ આપવાની વધારે તક મળે એ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એ જ કે બધા ટૂંકમાં જવાબ આપે અને ચોકીબુરજ લેનાર ભાઈ પોતે ઓછું બોલે. ચોકીબુરજ લેનાર ભાઈ બધાને મિટિંગમાંથી ઉત્તેજન મળે એ માટે શું કરી શકે? તેમ જ, ભાઈ-બહેનોના વધારે જવાબ મેળવવા તેમને શું મદદ કરી શકે?

એનો જવાબ મેળવવા એક ઉદાહરણ લઈએ. સારી રીતે ચલાવેલો ચોકીબુરજનો અભ્યાસ એક સુંદર ગુલદસ્તા જેવો છે, જે જોતા જ ગમી જાય. ગુલદસ્તામાં જેમ અનેક ફૂલો હોય છે, એમ ચોકીબુરજના અભ્યાસમાં ભાઈ-બહેનોના ઘણા જવાબ હોય છે. ગુલદસ્તામાં રંગ-બે-રંગી નાનાં-મોટાં ફૂલો હોય છે. એ જ રીતે, ભાઈ-બહેનોના જુદી જુદી રીતે અપાયેલા જવાબ લાંબા-ટૂંકા હોય છે. એમાં ચોકીબુરજ લેનાર શું ભાગ ભજવે છે? તે કોઈક વાર જે કંઈ કહે એ જાણે કે ગુલદસ્તાને સજાવતાં અમુક લીલાં પાન જેવું હોય છે. એ લીલાં પાન યોગ્ય જગ્યાએ ગોઠવવાથી ફૂલને ઢાંકી દેતા નથી, પણ ગુલદસ્તાને વધારે સુંદર બનાવે છે. એ જ રીતે અભ્યાસ લેનાર ભાઈ પોતે જે કંઈ કહે એના પર ભાર મૂકવાને બદલે, જવાબ આપનાર ભાઈ-બહેનોના વિચારો સાથે સારી રીતે ભળી જવું જોઈએ. ભાઈ-બહેનોના જુદા જુદા જવાબો અને અભ્યાસ લેનારના અમુક યોગ્ય વિચારો ભેગા કરીએ ત્યારે, જાણે કે એ સુંદર શબ્દોનો ગુલદસ્તો બને છે, જેનાથી બધાને ઉત્તેજન મળે છે.

‘ઈશ્વરને સ્તુતિનાં અર્પણ’ હંમેશાં ચઢાવીએ

૧૦. શરૂઆતના ખ્રિસ્તીઓને સભાઓ વિષે કેવું લાગતું?

૧૦ પાઊલે ૧ કોરીંથી ૧૪:૨૬-૩૩માં જે જણાવ્યું, એના પરથી સમજી શકાય કે પહેલી સદીની સભાઓ કેવી રીતે ચાલતી. આ કલમો પરથી બાઇબલના એક વિદ્વાને લખ્યું કે શરૂઆતના ખ્રિસ્તીઓને સભાઓ વિષે કેવું લાગતું. “તેઓ સભામાં જવાને એક લહાવો ગણતા. તેઓ વિચારતા કે ત્યાં બધાને ઉતેજન મળે એવું કંઈક કહેવાની મારી પણ જવાબદારી છે. કોઈ પણ ત્યાં એવું ધારીને ન આવતા કે હું જઈને ફક્ત સાંભળીશ. તેઓ ફક્ત લેવા જ નહિ, આપવા માટે પણ આવતા.” શરૂઆતના ખ્રિસ્તીઓ મંડળની સભાઓને પોતાની શ્રદ્ધા બતાવવાની તક ગણતા હતા.—રૂમી ૧૦:૧૦.

૧૧. (ક) સભામાં બધાને ખાસ કરીને શાનાથી ઉત્તેજન મળે છે અને શા માટે? (ખ) સભામાં વધુ સારી રીતે જવાબ આપવા કયાં સૂચનો લાગુ પાડી શકાય? (ફૂટનોટ જુઓ.)

૧૧ સભામાં જવાબ આપીને આપણે પોતાની શ્રદ્ધા બતાવીએ છીએ, જેનાથી ‘મંડળને ઉત્તેજન મળે છે.’ આપણે ભલે થોડાં કે ઘણાં વર્ષોથી સભામાં આવતા હોઈએ, પણ ભાઈ-બહેનોના જવાબથી આપણો ઉત્સાહ વધે છે. ઘણાં વર્ષોથી યહોવાહની ભક્તિ કરતા ઘરડા ભાઈ-બહેનોના જવાબોમાં તેઓની શ્રદ્ધા જોઈને યહોવાહની ભક્તિમાં મંડ્યા રહેવા આપણી ધગશ પણ વધે છે. જ્યારે કોઈ વડીલ મંડળને શાબાશી આપતા બે બોલ કહે ત્યારે બધાને કેટલું ઉત્તેજન મળે છે! તેમ જ, યહોવાહને ચાહતા હોવાથી બાળકો એક પછી એક જવાબ આપે છે, એ સાંભળીને આપણને કેટલો આનંદ થાય છે! આપણે સર્વ જવાબ આપીને મંડળની હોંશ વધારીએ છીએ. *

૧૨. (ક) મુસા અને યિર્મેયાહના દાખલામાંથી શું શીખી શકીએ? (ખ) સભામાં જવાબ આપવા પ્રાર્થના કેવી રીતે મદદ કરે છે?

૧૨ શરમાળ ભાઈ કે બહેનને જવાબ આપવાનું મુશ્કેલ લાગી શકે. જો તમને એવું લાગતું હોય, તો હિંમત ન હારશો. ઈશ્વરભક્ત મુસા અને યિર્મેયાહ બંનેને એવું જ લાગ્યું હતું. તેઓએ યહોવાહને જણાવ્યું કે તેઓ બધાની આગળ બોલી નહિ શકે. (નિર્ગ. ૪:૧૦; યિર્મે. ૧:૬) તોપણ, યહોવાહે પોતાનો સંદેશો જણાવવા તેઓને મદદ કરી. એવી જ રીતે તે તમને પણ મદદ કરશે, જેથી તમે યહોવાહની ભક્તિ કરવા સભામાં જવાબ આપી શકો. (હેબ્રી ૧૩:૧૫ વાંચો.) જવાબ આપવાનો ડર લાગતો હોય તો, યહોવાહની મદદ મેળવવા તમે શું કરી શકો? એક તો સભાની પૂરી તૈયારી કરો. પછી સભામાં જતાં પહેલાં, યહોવાહને પ્રાર્થના કરો કે જવાબ આપવા તમને હિંમત આપે. (ફિલિ. ૪:૬) ‘તેમની ઇચ્છા પ્રમાણે’ મદદ માગતા હોવાથી, તમે ખાતરી રાખી શકો કે યહોવાહ જરૂર તમારી પ્રાર્થનાનો જવાબ આપશે.૧ યોહા. ૫:૧૪; નીતિ. ૧૫:૨૯.

હિંમત, દિલાસો અને ઉત્તેજન આપતી સભાઓ

૧૩. (ક) સભામાં દરેકને કેવું લાગવું જોઈએ? (ખ) વડીલોએ ખાસ કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

૧૩ પાઊલે સભાનો હેતુ જણાવતા કહ્યું કે એનાથી દરેકને હિંમત, ‘ઉત્તેજન અને દિલાસો’ મળવા જોઈએ. * (૧ કોરીં. ૧૪:૩) વડીલો સભામાં ટોક આપતી વખતે શું કરી શકે, જેથી ભાઈ-બહેનોની હોંશ વધે અને તેઓને દિલાસો મળે? એનો જવાબ મેળવવા ચાલો જોઈએ કે સજીવન થયા પછી ઈસુએ શિષ્યો સાથે ગોઠવેલી એક સભા કેવી રીતે ચલાવી.

૧૪. (ક) ઈસુએ ગોઠવેલી સભા પહેલાં શું બન્યું હતું? (ખ) ઈસુએ પ્રેરિતો પાસે આવીને વાત કરી એનાથી તેઓને કેવું લાગ્યું હશે? શા માટે?

૧૪ એ સભા પહેલાંના બનાવોનો વિચાર કરો. ઈસુને મારી નાખવામાં આવ્યા એ પહેલાં, ભવિષ્યવાણી પ્રમાણે શિષ્યો ‘તેમને મૂકીને નાસી ગયા.’ અરે, તેઓ ‘દરેક પોતપોતાનાં’ ઘરે ચાલ્યા ગયા. (માર્ક ૧૪:૫૦; યોહા. ૧૬:૩૨) સજીવન થયા પછી, ઈસુએ નિરાશામાં ડૂબી ગયેલા પોતાના શિષ્યોને ખાસ સભા માટે બોલાવ્યા. * એટલે “અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા.” તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઈસુએ તેઓની પાસે આવીને વાત કરી. (માથ. ૨૮:૧૦, ૧૬, ૧૮) ઈસુએ એ સભાની ગોઠવણ કરી એનાથી પ્રેરિતોને કેટલું ઉત્તેજન મળ્યું હશે, એની કલ્પના કરો! ઈસુએ શાના વિષે ચર્ચા કરી?

૧૫. (ક) ઈસુએ શાના વિષે વાત ન કરી અને શાના વિષે કરી? (ખ) ઈસુના પ્રેરિતો પર એ સભાની કેવી અસર થઈ?

૧૫ ઈસુએ આવી જાહેરાત કરીને સભાની શરૂઆત કરી: “સર્વ અધિકાર મને અપાયો છે.” પછી તેમણે શિષ્યોને આ કામ સોંપ્યું: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” છેલ્લે, તેઓને પ્રેમથી ખાતરી આપી કે “હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૧૮-૨૦) તમે નોંધ કર્યું કે ઈસુએ શું ન કર્યું? તેમણે તેઓને ધમકાવ્યા નહિ અથવા સવાલો પૂછ્યા નહિ કે તેઓ કેમ પાછા આવ્યા? કે પછી તેઓની શ્રદ્ધા નબળી પડી ગઈ હતી, એ વિષે પૂછ-પૂછ કરીને દાઝ્યા પર ડામ ન દીધો. પણ તેઓને ભારે જવાબદારી સોંપીને ખાતરી આપી કે યહોવાહ અને ઈસુ તેઓને ખૂબ જ ચાહે છે. ઈસુએ જે રીતે સભા ચલાવી એનાથી પ્રેરિતોને કેવું લાગ્યું? તેઓને ખૂબ જ દિલાસો, ઉત્તેજન અને હિંમત મળ્યા. એ કારણે અમુક સમય પછી તેઓ ફરીથી જોરશોરથી શુભસંદેશ વિષે ‘શીખવવા અને પ્રગટ કરવા’ લાગ્યા.—પ્રે.કૃ. ૫:૪૨.

૧૬. ઈસુની જેમ વડીલો બધાને ઉત્તેજન આપવા કેવી રીતે સભાઓ ચલાવે છે?

૧૬ ઈસુની જેમ વડીલો પણ આજે સભાને એવી તક ગણે છે, જેમાં ભાઈ-બહેનોને યહોવાહના અપાર પ્રેમની ખાતરી આપી શકે. (રૂમી ૮:૩૮, ૩૯) તેઓ પોતાની ટૉકમાં ભાઈ-બહેનોની નબળાઈ વિષે નહિ, પણ યહોવાહની ભક્તિમાં તેઓના જોશ વિષે વાત કરે છે. ભાઈ-બહેનો પર તેઓ કોઈ શંકા કરતા નથી. અરે, વડીલોનાં વાણી-વર્તન બતાવે છે કે તેઓને મન તો દરેક ભાઈ-બહેનને યહોવાહ માટે અતૂટ પ્રેમ છે. દરેક જણ યહોવાહની નજરમાં જે સારું છે એ કરવા પ્રયત્ન કરે છે. (૧ થેસ્સા. ૪:૧, ૯-૧૨) ખરું કે અમુક બાબતમાં સુધારો કરવા વડીલોએ મંડળને સલાહ-સૂચના આપવી પડે છે. પણ જો ફક્ત અમુક વ્યક્તિઓએ જ સુધારો કરવાની જરૂર દેખાય, તો વડીલોએ તેઓ સાથે એકાંતમાં વાત કરવી જોઈએ. (ગલા. ૬:૧; ૨ તીમો. ૨:૨૪-૨૬) ટૉક દ્વારા મંડળને સલાહ-સૂચન આપતી વખતે, યોગ્ય હોય ત્યાં શાબાશી પણ આપવી જોઈએ. (યશા. ૩૨:૨) વડીલોએ એવી રીતે ટૉક આપવી જોઈએ કે સભામાં બધાને તાજગી મળે, જેથી તેઓ વધારે હોંશથી યહોવાહની ભક્તિ કરે.—માથ. ૧૧:૨૮; પ્રે.કૃ. ૧૫:૩૨.

મનને શાંતિ આપતી સભાઓ

૧૭. (ક) પહેલાં કરતાં આજે કેમ વધારે મહત્ત્વનું છે કે સભામાંથી બધાને મનની શાંતિ મળે? (ખ) સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરશો? (“ પોતાને અને બીજાને સભા દ્વારા ઉત્તેજન આપવાની દસ રીત” બૉક્સ જુઓ.)

૧૭ શેતાનની દુનિયામાં દિવસે દિવસે જુલમ વધતો જાય છે. એટલે આપણે બનતો પ્રયત્ન કરવો જોઈએ કે સભામાં આવેલા દરેક શાંતિ અને સલામતી અનુભવે. (૧ થેસ્સા. ૫:૧૧) અમુક વર્ષો પહેલાં એક બહેન અને તેમના પતિએ એક મોટી કસોટી સહી હતી. એ સમયને યાદ કરતા બહેન કહે છે: “કિંગ્ડમ હૉલમાં આવવાથી એવું લાગતું કે અમે યહોવાહની છાયામાં સલામત હતા. ભાઈ-બહેનો સાથે સભામાં એવું લાગતું કે અમે યહોવાહ પર અમારો બોજો નાખી શક્યા. અમને મનની શાંતિ મળી.” (ગીત. ૫૫:૨૨) સભાઓમાં આવનાર દરેકને એવું જ ઉત્તેજન અને દિલાસો મળે એવી આપણી આશા છે. એ માટે ચાલો આપણે દરેક જણ બનતો પ્રયત્ન કરીએ, જેથી સભામાંથી બધાને તાજગી મળે. (w10-E 10/15)

[ફુટનોટ્‌સ]

^ પહેલી સદીની સભાઓમાં ‘અન્ય ભાષાઓ બોલવા’ અને ‘પ્રબોધ કરવા’ જેવાં દાનો આપવામાં આવતાં હતાં. એ સમય જતાં બંધ થશે, એવું પહેલેથી કહેવામાં આવ્યું હતું. એટલે જ આજે આપણી સભાઓમાં એવું થતું નથી. (૧ કોરીં. ૧૩:૮; ૧૪:૫) તેમ છતાં, પાઊલની સલાહ આપણને એ સમજવા મદદ કરશે કે આજે સભાઓ કેવી રીતે ચલાવવી જોઈએ.

^ સભામાં સારી રીતે જવાબ આપવાનાં સૂચનો માટે ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧, ૨૦૦૩, પાન ૧૯-૨૨ જુઓ.

^ “ઉત્તેજન” અને “દિલાસા” માટે વપરાયેલા ગ્રીક શબ્દો વચ્ચેનો ફરક સમજાવતા વાઈન્સ એક્સપોઝીટરી ડિક્શનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડસ આમ કહે છે: “દિલાસો” શબ્દ ‘ઉત્તેજન કરતાં વધારે કોમળ લાગણી’ બતાવે છે.—વધુ માહિતી: યોહાન ૧૧:૧૯.

^ અમુક વર્ષો પછી જ્યારે પાઊલે કહ્યું કે ઈસુ “પાંચસો કરતાં વધારે ભાઈઓને” દેખાયા હતા, ત્યારે તે આ બનાવ વિષે વાત કરતા હોઈ શકે.—૧ કોરીં. ૧૫:૬.

કેવી રીતે સમજાવશો?

• સભાઓ કેટલી મહત્ત્વની છે?

• સભામાં જવાબ આપવાથી કેવી રીતે ‘મંડળને ઉત્તેજન’ મળે છે?

• ઈસુએ શિષ્યો સાથે જે રીતે સભા ચલાવી એમાંથી શું શીખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]

 પોતાને અને બીજાઓને સભા દ્વારા ઉત્તેજન આપવાની દસ રીત

પહેલેથી તૈયારી કરીએ. સભામાં જે વિષયો પર ચર્ચા થશે એની પહેલેથી તૈયારી કરીશું તો, વધારે મજા આવશે અને એની આપણા જીવન પર વધારે અસર થશે.

સભા ચૂકીએ નહિ. સભામાં ઘણાને જોઈને બધાની હોંશ વધે છે. તમને જોઈને બીજાઓને ઉત્તેજન મળશે.

વહેલા આવીએ. સભા શરૂ થાય એ પહેલાં આવીને બેસી જઈએ, જેથી શરૂઆતનું ગીત અને પ્રાર્થનામાં ભાગ લઈ શકીએ. એ પણ યહોવાહની ભક્તિનો એક ભાગ છે.

જરૂરી પુસ્તકો લાવીએ. સભામાં પોતાનું બાઇબલ અને જરૂરી પુસ્તકો લાવીએ. એમાંથી ચર્ચા થાય ત્યારે એ માહિતી જોવાથી વધારે સમજણ પડશે.

ધ્યાન ફંટાવા ન દઈએ. દાખલા તરીકે, સભા દરમિયાન એસએમએસ વાંચીએ-કરીએ નહિ. દરેક બાબતને યોગ્ય સમય, યોગ્ય જગ્યા હોય છે.

સભામાં ભાગ લઈએ. જેટલા વધારે જવાબ આપે એટલું વધારે ઉત્તેજન મળે છે. જુદી જુદી રીતે અપાયેલા જવાબોથી બધાને તાજગી મળે છે.

ટૂંકો જવાબ આપીએ. એમ કરવાથી વધારે ભાઈ-બહેનોને જવાબ આપવાનો મોકો મળે છે.

જવાબદારી પૂરી કરીએ. દેવશાહી સેવા શાળામાં ટૉક મળે કે પછી સેવા સભામાં કોઈ ભાગ લેવાનો હોય તો, પૂરેપૂરી તૈયારી કરો. પહેલેથી પ્રેક્ટિસ કરો. શક્ય હોય ત્યાં સુધી એ કેન્સલ ન કરશો.

ભાગ લેનારને શાબાશી આપીએ. ટૉક કે જવાબ આપનારને શાબાશી આપો.

સંગત. સભા પહેલાં અને પછી ઉત્તેજન મળે એવી રીતે પ્રેમથી વાતચીત કરીએ. એનાથી સભામાં આવવાનો લાભ થાય છે અને આનંદ મળે છે.