સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૈસા અને સંપત્તિને નહિ, પણ લોકોને ચાહનારા બનો

પૈસા અને સંપત્તિને નહિ, પણ લોકોને ચાહનારા બનો

પહેલી ચાવી

પૈસા અને સંપત્તિને નહિ, પણ લોકોને ચાહનારા બનો

બાઇબલ શું શીખવે છે? ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.’—૧ તીમોથી ૬:૧૦.

કેવી મુશ્કેલી આવે છે? જાહેરાત બનાવનારા સર્વ પર એવું દબાણ મૂકે છે કે જેથી આપણી પાસે જે હોય એનાથી અસંતુષ્ટ થઈએ. તેઓ ચાહે છે કે આપણે નવામાં નવી, સૌથી સારી અને મોટી ચીજ-વસ્તુઓ મેળવવા કામ કરતા જ રહીએ. પૈસો એવી વસ્તુ છે કે આપણે ધ્યાન ન રાખીએ તો સહેલાઈથી એના પ્રેમમાં પડી જઈએ. એ કારણથી બાઇબલ ચેતવે છે જે કોઈ એની મોહમાયામાં પડશે તેને કદી સંતોષ નહિ થાય. બુદ્ધિશાળી રાજા સુલેમાને લખ્યું: “પૈસા પર પ્રેમ રાખનારો કદી પૈસાથી સંતુષ્ટ થતો નથી. ધનસંપત્તિ પર પ્રેમ રાખનાર તેની સમૃદ્ધિથી તૃપ્ત થતો નથી.”—સભાશિક્ષક ૫:૧૦, કોમન લેંગ્વેજ.

તમે શું કરી શકો? ઈસુને ચીજવસ્તુઓ નહિ, પણ લોકો વધારે વહાલા હતા. તમે પણ તેમના પગલે ચાલો. ઈસુને લોકો એટલા પ્યારા હતા કે તેઓ માટે બધું જ જતું કરવા તૈયાર હતા. અરે, તેઓ માટે ઈસુએ પોતાનો જીવ પણ આપી દીધો. (યોહાન ૧૫:૧૩) તેમણે કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે” ખુશી મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) જો આપણે પણ લોકો માટે સમય કાઢીશું, ગજા પ્રમાણે મદદ કરતા રહીશું તો તેઓ પણ આપણને મદદ કરશે. ઈસુએ કહ્યું હતું: ‘આપતા રહો તો લોકો તમને આપશે.’ (લુક ૬:૩૮) જે કોઈ પૈસા કે માલમિલકત પાછળ પડે છે તે પોતા પર દુઃખ લાવે છે. (૧ તીમોથી ૬:૯, ૧૦) જ્યારે કે ખરો સંતોષ બીજાઓને ચાહવાથી અને તેઓનો પ્રેમ અનુભવવાથી મળે છે.

આ સવાલો પર વિચાર કરો: ‘શું હું મારું જીવન સાદું બનાવી શકું? મારી પાસે જે વસ્તુઓ છે એને ઘટાડી શકું? અથવા હું નવી નવી વસ્તુઓ ખરીદવાનું ઓછું કરી શકું?’ એમ કરશો તો તમે અનુભવશો કે જીવનમાં વધારે મહત્ત્વની બાબતો કરવા હવે તમારી પાસે વધુ સમય અને શક્તિ છે. જેમ કે, લોકોને મદદ કરવી અને આપણને સઘળું આપનાર ઈશ્વરની ભક્તિ કરવી.—માત્થી ૬:૨૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮. (w10-E 11/01)

[પાન ૪ પર ચિત્ર]

‘આપતા રહો તો લોકો તમને આપશે’