સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હંમેશાં કદર કરતા રહો

હંમેશાં કદર કરતા રહો

ત્રીજી ચાવી

હંમેશાં કદર કરતા રહો

બાઇબલ શું શીખવે છે? ‘સર્વ સંજોગોમાં આભાર માનો.’—૧ થેસ્સાલોનીકી ૫:૧૮, IBSI.

કેવી મુશ્કેલી આવે છે? આપણે ચારે બાજુથી અભિમાની અને બેકદર લોકોથી ઘેરાયેલા છીએ. સાવધ ન રહીએ તો આપણને પણ તેઓનો રંગ લાગશે. (૨ તીમોથી ૩:૧, ૨) આજે ભાગદોડ ભર્યા જીવનમાં પણ કદાચ આપણે વધારે ને વધારે પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગીએ. કદાચ પોતાના પર આવતી મુશ્કેલીઓથી થાકી જઈશું, અથવા મનગમતા શોખમાં ખૂબ રચ્યાપચ્યા રહીશું. પરિણામે, આપણી પાસે જે છે એની કદર કરવા સમય જ નહિ રહે. તેમ જ જેમણે મદદ કરી છે તેઓની કદર કરવા સમય નહિ મળે.

તમે શું કરી શકો? તમે ઘણી બાબતોનો હાલમાં આનંદ માણતા હશો. એની કદર કરવા સમય કાઢો. ખરું કે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોવાથી તમે થાકી જતા હશો. પરંતુ દાઊદ રાજાનો વિચાર કરો. જીવનમાં આવતી મુશ્કેલીઓને લીધે તે કોઈ વાર થાકીને લોથપોથ થઈ જતા. અરે, કોઈ વાર તો તેમનું દિલ બહેર મારી જતું. એવા સંજોગોમાં પણ તેમણે યહોવાહ ઈશ્વરને પ્રાર્થના કરી: ‘હું તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું અને તમારા હાથનાં કામોનો વિચાર કરું છું.’ (ગીતશાસ્ત્ર ૧૪૩:૩-૫) દાઊદ રાજા પર અનેક કસોટીઓ આવી હતી તોપણ તે ઈશ્વરનો ઉપકાર માનતા રહ્યા અને કાયમ સંતુષ્ટ રહ્યા.

બીજાઓએ તમને કઈ કઈ રીતે મદદ કરી છે એનો વિચાર કરો અને એની કદર વ્યક્ત કરો. એમ કરવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. એક સમયે મરિયમે ઈસુના માથા અને પગ પર કીમતી અત્તર રેડ્યું ત્યારે અમુકે કહ્યું: “અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો?” * એવી કચકચ કરનારાઓને લાગ્યું કે એ મોંઘું અત્તર વેચીને ગરીબોને મદદ કરી શક્યા હોત. પણ ઈસુએ તેઓને કહ્યું: “એને રહેવા દો; એને કેમ સતાવો છો?” પછી તેમણે કહ્યું: “એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે.” (માર્ક ૧૪:૩-૮; યોહાન ૧૨:૩) મરિયમે શું ન કર્યું એના પર ધ્યાન આપવાને બદલે તેણે જે કર્યું એની ઈસુએ કદર વ્યક્ત કરી.

અમુક લોકો કોઈ કુટુંબીજન કે મિત્ર ગુમાવ્યા પછી જ એની કદર કરવા લાગે છે, અથવા અમુક લહાવા ગુમાવ્યા પછી જ વ્યક્તિને એની કદર થાય છે. એવું ન થાય માટે તમે હમણાં જેનો આનંદ માણી રહ્યા છો એની કદર કરતા શીખો! તમે જે જે બાબતો માટે આભારી છો એને કદાચ મનમાં કે નોટબુકમાં લખી લઈ શકો.

શરૂઆતથી જ “દરેક ઉત્તમ દાન” યહોવાહ ઈશ્વર પાસેથી આવે છે. એ માટે આપણે પ્રાર્થનામાં તેમનો ઉપકાર માનવો જોઈએ. (યાકૂબ ૧:૧૭) આપણે દરરોજ એમ કરતા રહીશું તો બીજાઓની કદર કરવાનું ભૂલીશું નહિ, તેમ જ સંતુષ્ટ રહેવા મદદ મળશે.—ફિલિપી ૪:૬, ૭. (w10-E 11/01)

[ફુટનોટ્‌સ]

^ પહેલી સદીમાં મહેમાનના માથા પર તેલ રેડવું તેમનો આવકાર કરવાને બતાવતું હતું. તેમ જ મહેમાનના પગ પર તેલ રેડવું એ નમ્રતાને દર્શાવતું.

[પાન ૬ પર ચિત્ર]

તમારા માટે બીજાઓ જે કંઈ કરે છે એની તમે કદર કરો છો?