તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો
કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ
તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો
તરુણ વયની હેતલ * કહે છે: ‘અમુક સમયે મને સેક્સ વિષે જાણવાની ઘણી જીજ્ઞાસા થાય છે. પણ એવું લાગે છે કે એના વિષે મમ્મી-પપ્પાને પૂછીશ તો એવું સમજશે કે હું કંઈક ખોટું કરી રહી છું.’
હેતલની મમ્મી આશા કહે છે: ‘મારે શાંતિથી હેતલ સાથે બેસીને સેક્સ વિષે સમજણ આપવી છે પણ તે ઘણી બીઝી હોય છે. તે નવરી પડે તો હું વાત કરું.’
આજે જ્યાં જુઓ ત્યાં સેક્સ વિષે ચિત્રો કે માહિતી જોવા મળે છે. જેમ કે ટીવી કે ફિલ્મોમાં, રસ્તા પર લગાવેલા જાહેરાત બોર્ડ પર. એવું લાગે છે કે ફક્ત માબાપ અને બાળકો જ એના પર ખુલ્લી રીતે વાત કરતા અચકાય છે. કૅનેડામાં રહેતો તરુણ વયનો મીખાએલ કહે છે: “હું એટલું જ ઇચ્છું છું કે બધાં માબાપ આ હકીકત સમજે, સેક્સ વિષે તેમની સાથે વાત કરતા અમારા જેવા યુવાનિયાઓને ખૂબ ગભરામણ થાય છે ને શરમ આવે છે. જ્યારે કે મિત્રો સાથે અમે બિંદાસ વાત કરી શકીએ છીએ.”
ઘણી વાર માબાપ પણ પોતાનાં બાળકો સાથે સેક્સ વિષે વાત કરતાં અચકાય છે. ડેબ્રા ડબલ્યુ હાફનર એક હેલ્થ એજ્યુકેટર છે. તે સેક્સ એજ્યુકેશન વિષે પોતાના એક પુસ્તકમાં (બીયોંડ ધ બીગ ટૉક) જણાવે છે: ‘ઘણાં માબાપે મને કહ્યું છે કે બાળક તરુણ વયનું થવા લાગે ત્યારે તેઓ સેક્સ વિષે સમજ આપતું પુસ્તક લાવીને તેમના રૂમમાં મૂકી દે છે પણ એ વિષે કદી વાત જ કરતા નથી.’ હાફનર કહે છે કે એનાથી બાળકોને માબાપ તરફથી આવો સંદેશો મળે છે: ‘અમે ઇચ્છીએ છીએ કે તમે પોતાના શરીર અને સેક્સ વિષે સમજણ મેળવો. પણ અમે તમારી સાથે એના વિષે વાત નહિ કરીએ.’
માબાપો, તમારે એમ ન કરવું જોઈએ. એ બહુ મહત્ત્વનું છે કે તમે પોતે તમારા બાળકને સેક્સ વિષે ખરી સમજણ આપો. આ ત્રણ કારણોનો વિચાર કરો:
૧. સેક્સ વિષે દુનિયાની સમજણ બદલાઈ છે. વીસ વર્ષનો જેમ્સ કહે છે: ‘હવે લોકો એવું નથી વિચારતા કે ફક્ત પતિ-પત્ની વચ્ચે જ સેક્સ રીલેશન હોય. આજે તો લોકો માટે ઓરલ સેક્સ (મુખ મૈથુન), એનલ સેક્સ (ગુદામૈથુન), સાઇબર સેક્સ અને “સેક્સટિંગ” (ફોન પર અશ્લીલ સંદેશા કે ચિત્રો મોકલવા) સામાન્ય બની ગયું છે.’
૨. તમારું બાળક કદાચ નાની ઉંમરથી જ સેક્સ વિષે ખોટી માહિતી મેળવશે. શીલા નામની એક માતા કહે છે: ‘બાળકો સ્કૂલે જવાનું શરૂ કરે ત્યારથી જ જાતીયતા વિષે વાતો સાંભળવા લાગે છે. તમે જે રીતે તેઓને ખરી સમજણ આપવા ચાહો છો એવી તેઓને બહારથી મળતી નથી.’
૩. તમારા બાળકના મનમાં સેક્સ વિષે સવાલો હોય છે પણ તેઓ એ વિષે તમારી સાથે વાત શરૂ કરતા ખૂબ અચકાય છે. ‘સાચું કહું તો મને ખબર જ નથી પડતી
કે મારા મમ્મી પપ્પા સાથે સેક્સ વિષે કેવી રીતે વાત કરું,’ આવું બ્રાઝિલમાં રહેતી ૧૫ વર્ષની આના કહે છે.માબાપો, બાળકો સાથે વાત કરીને સેક્સની સમજણ આપવી એ ઈશ્વરે તમને સોંપેલી જવાબદારીનો એક ભાગ છે. (એફેસી ૬:૪) ખરું કે એના વિષે વાત કરવી તમારા માટે અને બાળકો માટે અઘરું લાગી શકે. પરંતુ એમ કરવાથી તમારા બાળકોને ઘણો લાભ થશે. ખરું કહીએ તો, ૧૪ વર્ષની દાનીયેલા સાથે ઘણા યુવાનો સહમત થાય છે. તે કહે છે: ‘અમને કોઈ ટીચર પાસેથી કે ટીવી પ્રોગ્રામ પરથી નહિ, પણ અમારા માબાપ પાસેથી સેક્સ વિષે જાણવું છે.’ ખરું કે આવા વિષય પર વાત કરવી સહેલી નથી, તોપણ બાળકોને ખરી સમજણ આપવી ખૂબ જ મહત્ત્વનું છે. પણ સવાલ થાય કે એના વિષે વાત કેવી રીતે કરવી? *
બાળકની ઉંમર પ્રમાણે સમજણ આપો
બાળક બીજાઓ સાથે હળતું મળતું થાય ત્યારથી જ તે સેક્સ વિષે સાંભળવા લાગે છે. આપણે આ દુષ્ટ દુનિયાના છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ જેમાં લોકો દિવસે દિવસે વધારે બગડી રહ્યા છે. (૨ તીમોથી ૩:૧, ૧૩) દુઃખની વાત છે કે ઘણા બાળકો, હવસખોર લોકોનો ભોગ બન્યા છે.
એ કારણથી જ તમે પોતાનાં બાળકોને કાચી ઉંમરે ખરું શિક્ષણ આપો એ ખૂબ જ મહત્ત્વનું છે. જર્મનીમાં રહેતી રીનેટ નામની માતા કહે છે: ‘તેઓ તરુણ થાય પછી તેઓને એના વિષે શીખવશો એમ વિચારીને બેસી રહેશો તો, એ સમય આવશે ત્યારે શરમને કારણે તેઓ કદાચ વાત પણ નહિ કરે.’ એવું ન થાય માટે બાળકની ઉંમર પ્રમાણે તેને સેક્સ વિષે ખરું શિક્ષણ આપવું જોઈએ.
સ્કૂલે જાય એ પહેલા: બાળકોને જાતીય અંગોના ખરા નામ શીખવો. એ પણ ભારપૂર્વક જણાવો કે એ અંગોને કોઈને પણ અડકવા ન દેવા જોઈએ. મેક્સિકોની જુલિયા નામની માતા કહે છે: ‘મારો દીકરો ફક્ત ત્રણ વર્ષનો હતો ત્યારથી હું તેને એના વિષે શીખવવા લાગી. મને એ ચિંતા હતી કે બાળકો સાચવનાર અથવા બીજા કોઈ મોટાં બાળકો કે ટીચર તેને શિકાર ન બનાવે. પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એ જાણવાની તેને જરૂર હતી.’
આમ કરી જુઓ: તમારા બાળકને શીખવો કે તેમના જાતીય અંગોને અડવા કે પંપાળવા કોઈ પ્રયાસ કરે તો તરત જ તેઓને કઈ રીતે અટકાવવા. દાખલા તરીકે, તમારા બાળકને શીખવો કે આવા સમયે આમ કહે: ‘એમ ન કર, હું મમ્મી પપ્પાને કહી દઈશ.’ બાળકને શીખવો કે કોઈ એવું કરે તો જરાય ડર્યા વગર તમને જણાવે. પછી ભલે એ વ્યક્તિ કોઈ ગીફ્ટની લાલચ આપે કે પછી કોઈને ન કહેવાની ધમકી આપે. *
પ્રાઇમરી સ્કૂલના બાળકો માટે: આ વર્ષોમાં બાળકોને તેઓની સમજણ પ્રમાણે ધીમે ધીમે શીખવવું જોઈએ. સમીર નામે પિતા કહે છે: ‘વાત શરૂ કરતા પહેલાં એ જાણવા પ્રયત્ન કરો કે એના વિષે બાળક કેટલું જાણે છે. અને એ વિષે તેઓને વધારે જાણવું છે કે કેમ. ન જાણવું હોય તો દબાણ ન કરશો. તમે બાળકો સાથે નિયમિત સમય કાઢશો તો તેઓ એ વિષે વાત કરવા તૈયાર થશે.’
આમ કરી જુઓ: એક જ સમયે લાંબી ચર્ચા કરવાને બદલે અવારનવાર ટૂંકી ચર્ચા કરો. (પુનર્નિયમ ૬:૬-૯) આમ કરશો તો, એક જ સમયે પુષ્કળ માહિતી મેળવીને બાળકો થાકી નહિ જાય. એટલું જ નહિ, મોટા થતા જશે તેમ તેઓની સમજણ પ્રમાણે તમારી પાસેથી વધારે માહિતી મળતી રહેશે.
કિશોર વયના બાળકો માટે: તમારા બાળકોને આ ઉંમરે સેક્સ વિષયમાં પોતાના શરીર વિષે, લાગણીઓ અને નૈતિક ધોરણો વિષે પૂરતી માહિતી આપો. આપણે આગળ જોઈ ગયા એ ૧૫ વર્ષની આના આમ કહે છે: ‘મારી સ્કૂલમાં છોકરા છોકરીઓ મન થાય ત્યારે કોઈની પણ સાથે સેક્સ માણે છે. યહોવાહની ભક્ત હોવાથી મારે એના વિષે પૂરતી સમજણ મેળવવાની જરૂર છે. ખરું કે સેક્સ વિષે વાત કરવી સહેલું નથી, તોપણ મારે એના વિષે પૂરતું જાણવું છે.’ *
ધ્યાન રાખજો: સેક્સ વિષે કોઈ સવાલ હોય તો, તરુણો કદાચ મમ્મી-પપ્પાને પૂછતા અચકાશે. તેઓને લાગશે કે ‘પોતે કોઈ ખોટું કામ કરે છે એવું મમ્મી-પપ્પા માની લેશે તો?’ સ્ટીવન નામે એક પિતાને પોતાના દીકરા વિષે એવું જ જોવા મળ્યું. તે કહે છે: ‘શરૂ શરૂમાં તો અમારો દીકરો સેક્સ વિષે
વાત કરવા તૈયાર જ ન હતો. પછીથી અમને ખબર પડી કે, ‘અમે તેના પર શંકા કરીએ છીએ’ એવું માનીને તે વાત કરતા અચકાતો હતો. અમે તેને પ્રેમથી સમજાવ્યું કે તેના વિષે કોઈ શંકા નથી કરતા, બસ એ જ ખાતરી કરવા માગીએ છીએ કે ખરાબ સંગતનો સારી રીતે સામનો કરવા તે તૈયાર છે કે કેમ.’આમ કરી જુઓ: તમારા તરુણ બાળકોને સેક્સને લગતા કોઈ વિષય પર સીધે સીધું પૂછવાને બદલે, એવું પૂછો કે તેના ક્લાસના છોકરા છોકરીઓ એ વિષે શું માને છે. દાખલા તરીકે, તમે આમ પૂછી શકો: ‘આજે ઘણાનું માનવું છે કે ઓરલ સેક્સ કરવું એ સેક્સ ન કહેવાય. તારા ક્લાસના છોકરાઓ એ વિષે શું માને છે?’ આ રીતે સવાલ કરવાથી તમારા બાળકો કદાચ ખુલ્લા મને પોતાના વિચારો જણાવશે.
વાત કરવા શરમાશો નહિ
ખરું કે બાળકો સાથે સેક્સ વિષે વાત કરવી તમારા માટે એટલું સહેલું નથી. પણ એમ કરવાથી કુટુંબનું જ ભલું થશે. ડાયના નામની એક મા કહે છે: ‘સમય જાય તેમ શરમ ધીમે ધીમે ઓછી થઈ જશે. સેક્સ વિષે બાળકને ખરી સમજણ આપવાથી માબાપ સાથે તેનો સંબંધ પાકો થશે.’ આગળ જણાવેલ સ્ટીવન પણ સહમત થતા કહે છે: ‘અવારનવાર કોઈ પણ વિષય પર કુટુંબ સાથે ખુલ્લી રીતે વાત કરવામાં આવે તો સારું થશે. એનાથી જરૂર હોય ત્યારે સેક્સ જેવા અઘરા વિષયો પર વાત કરવી સહેલું બનશે. ખરું કે આવી બાબતો પર વાત કરવામાં થોડી ઘણી શરમ તો આવશે જ. પણ ખુલ્લી રીતે વાત કરવાથી કુટુંબ મજબૂત બનશે.’ (w10-E 11/01)
[ફુટનોટ્સ]
^ આ લેખમાં નામ બદલવામાં આવ્યા છે.
^ આ લેખ બતાવે છે કે તમારા બાળકનું રક્ષણ કરવા તેને જાતીયતા વિષે ખરી સમજણ આપવી ખૂબ જરૂરી છે. બાળકોમાં સારા સંસ્કાર કઈ રીતે સિંચવા, એ વિષે આ મૅગેઝિનમાં સમય જતા વધારે લેખો આવશે.
^ લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકના પાન ૧૭૧માંથી આ વિચારો લીધા છે. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
^ કિશોર વયના તમારા બાળકો સાથે ચર્ચા કરવા પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી) વોલ્યુમ ૨, પ્રકરણ ૧-૫, ૨૮,૨૯ અને ૩૩ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૧૪ પર બોક્સ/ચિત્ર]
આ સવાલો પર વિચાર કરો . . .
દુનિયા ફરતે યુવાનો આ વિષય પર શું કહે છે એ વાંચો અને પછીના સવાલ પર વિચાર કરો.
• ‘મારા માબાપ મને સેક્સ વિષે લેખો વાંચવાનું કહે છે, પછી કોઈ સવાલ હોય તો તેઓને પૂછવા કહે છે. પણ હું ઇચ્છું છું કે તેઓ એના વિષે મારી સાથે વાત કરે.’—આન્ના, બ્રાઝિલ.
તમને કેમ લાગે છે કે પોતાનાં બાળકને સેક્સ વિષે પુસ્તકો આપવા કરતાં, એના વિષે સમજાવવું ખૂબ જ મહત્ત્વનું છે?
• ‘સેક્સ વિષે મેં એવી એવી વાતો સાંભળી છે કે જેના વિષે મારા પપ્પાને કંઈ ખબર જ નથી. જો હું એ વિષે તેમને પૂછું, તો તે ચોંકી જશે.’—કેન, કેનેડા.
શાના ડરને લીધે તમારો દીકરો કે દીકરી તમારી સાથે વાત કરતા કદાચ ગભરાતા હશે?
• ‘મેં છેવટે હિંમત કરીને મારા માબાપને સેક્સ વિષે ખરી સમજણ મેળવવા પૂછ્યું તો, તેઓએ જાણે મારી ઊલટતપાસ કરતા હોય એમ કહ્યું કે, તને એના વિષે જાણવાની શું જરૂર છે? તું કંઈ કરી બેઠી તો નથી ને?’—મસામી, જાપાન.
તમારું બાળક સેક્સ વિષે કોઈ સવાલ પૂછે ત્યારે તમે કેવો જવાબ આપો છો? શું એનાથી તે બીજી વાર સવાલો પૂછશે કે પછી સાવ બંધ કરી દેશે?
• ‘જો મારા માબાપ મને જણાવે કે તેઓ પણ મારી ઉંમરના હતા ત્યારે આવા સવાલો પૂછતા હતા અને હું એ સવાલો પૂછું એમાં કંઈ ખોટું નથી, તો મને ઘણી મદદ મળશે.’—લીઝેટ, ફ્રાંસ.
માબાપો, સેક્સની સમજણ મેળવવા બાળક અચકાયા વગર તમારી સાથે વાત કરે એ માટે તમે કેવી મદદ કરી શકો?
• ‘મારી મમ્મી મને સેક્સ વિષે સાવ હળવાશથી સવાલો પૂછે છે. મને લાગે છે કે એ બહુ મહત્ત્વનું છે. એનાથી બાળકને એવું નહિ લાગે કે માબાપ તેને શંકાની નજરે જુએ છે.’—જેરાલ્ડ, ફ્રાંસ.
તમે બાળકો જોડે સેક્સને લઈને કેવી રીતે વાત કરો છો? તમે જે રીતે વાત કરો છો એમાં શું સુધારો કરવાની જરૂર છે?