સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે યહોવાહને જ વળગી રહીશું!

આપણે યહોવાહને જ વળગી રહીશું!

આપણે યહોવાહને જ વળગી રહીશું!

“હું તો પ્રામાણિકપણે વર્તીશ.”—ગીત. ૨૬:૧૧.

૧, ૨. ઈશ્વરને વળગી રહેવા વિષે અયૂબે શું કહ્યું? અયૂબનો ૩૧મો અધ્યાય તેમના વિષે શું જણાવે છે?

 આજની જેમ પહેલાંના જમાનામાં પણ લોઢા કે લાકડાના ત્રાજવામાં વસ્તુઓ તોળવામાં આવતી. એક પલ્લાંમાં વસ્તુ અને બીજા પલ્લાંમાં વજનિયું મૂકવામાં આવતું. ઈશ્વરભક્તોએ ઇમાનદારીથી વર્તીને સાચાં કાટલાં વાપરવાનાં હતાં.—નીતિ. ૧૧:૧.

ઈશ્વરભક્ત અયૂબ શેતાન તરફથી આવતી કસોટી સહન કરતા હતા ત્યારે, તેમણે આમ કહ્યું: ‘ઈશ્વર ભલે મને અદલ ત્રાજવામાં તોળે, જેથી તે મારું પ્રમાણિકપણું જાણે.’ (અયૂ. ૩૧:૬) અયૂબે ઈશ્વરની ભક્તિને લગતા અમુક સંજોગો વિષે જણાવ્યું હતું. એ સંજોગોમાં ઈશ્વરભક્તોની કસોટી થઈ શકે છે. અયૂબના ૩૧માં અધ્યાયમાં જોવા મળે છે તેમ, અયૂબ પોતે એવી કસોટીમાંથી પાર ઊતર્યા હતા. તેમનો સરસ દાખલો આપણને પણ તેમની જેમ વર્તવા ઉત્તેજન આપે છે. એમ કરીશું તો આપણે ઈશ્વરભક્ત દાઊદની જેમ પૂરા ભરોસાથી કહી શકીશું કે ‘હું તો પ્રમાણિકપણે વર્તીશ.’—ગીત. ૨૬:૧૧.

૩. નાની-મોટી દરેક બાબતોમાં આપણે યહોવાહના કહેવા પ્રમાણે કરીએ એ કેમ જરૂરી છે?

અયૂબે આકરી કસોટીમાં પણ યહોવાહને વળગી રહીને સુંદર દાખલો બેસાડ્યો. ખરું કે અયૂબને થઈ હતી તેવી કસોટીઓ આજે આપણે સહન કરતા નથી. તોપણ આપણે યહોવાહને વળગી રહેવું હોય તો, નાની-મોટી દરેક બાબતોમાં તેમનું કહેવું માનીએ અને તેમને જ વિશ્વના માલિક માનીએ.—લુક ૧૬:૧૦ વાંચો.

વ્યભિચારથી દૂર રહીએ

૪, ૫. યહોવાહને વળગી રહેવા અયૂબે શું નક્કી કર્યું હતું?

યહોવાહને વળગી રહેવા માટે અયૂબની જેમ આપણાં વાણી-વર્તન અને વિચારો શુદ્ધ હોવા જોઈએ. અયૂબે કહ્યું કે ‘મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? જો મારૂં મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો હું મારા પડોશીના બારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં; તો મારી પત્ની બીજાનાં દળણાં દળે, અને તે બીજા પુરુષની થઈ જાય.’—અયૂ. ૩૧:૧, ૯, ૧૦.

અયૂબે પાકો નિર્ણય કર્યો હતો કે પોતે કોઈ પણ હિસાબે ઈશ્વરને વળગી રહેશે. એટલે તેમણે નક્કી કર્યું કે પારકી સ્ત્રી પર કદી બૂરી નજર નહિ કરે. અયૂબ પરણેલા હતા, એટલે તેમણે કોઈ કુંવારી સ્ત્રી સાથે પ્રેમનો ડોળ ન કર્યો કે બીજાની પત્ની પર દાનત ન બગાડી. ઈસુએ પણ પહાડ પરના ઉપદેશમાં જણાવ્યું હતું કે વ્યભિચાર વિષે ઈશ્વરને કેવું લાગે છે. યહોવાહના ભક્તો તરીકે આપણે એ સલાહ હંમેશાં યાદ રાખીએ.—માત્થી ૫:૨૭, ૨૮ વાંચો.

કદીયે કપટ ન કરીએ

૬, ૭. (ક) અયૂબની જેમ આપણી પ્રમાણિકતાને પણ યહોવાહ કઈ રીતે પારખે છે? (ખ) આપણે કેમ કપટી કે બેઇમાન ન બનવું જોઈએ?

યહોવાહની દિલથી ભક્તિ કરવા આપણે ક્યારેય કપટ ન કરવું જોઈએ. (નીતિવચનો ૩:૩૧-૩૩ વાંચો.) અયૂબે આમ કહ્યું: ‘જો મેં કપટ કર્યું હોય, અથવા જો મારો પગ ઠગાઈ તરફ દોડ્યો હોય, તો ઈશ્વર મને અદલ ત્રાજવામાં તોળે, જેથી તે મારું પ્રમાણિકપણું જાણે.’ (અયૂ. ૩૧:૫, ૬) યહોવાહ સર્વ મનુષ્યોને “અદલ ત્રાજવામાં” તોળે છે. અયૂબની જેમ આપણી પ્રમાણિકતાનો પણ યહોવાહ પોતાનાં ધોરણો પ્રમાણે અદલ ઇન્સાફ કરે છે.

જો આપણે કપટથી કે બેઇમાનીથી વર્તીશું, તો યહોવાહના માર્ગથી ભટકી જઈશું. જેઓ યહોવાહને વળગી રહે છે, તેઓ ‘શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરે છે અને કાવતરાં કરતા નથી.’ (૨ કોરીં. ૪:૧, ૨) જરા વિચારો કે આપણે મંડળના કોઈ ભાઈ-બહેન સાથે કપટ અથવા બેઇમાની કરીએ અને તે ઇન્સાફ માટે યહોવાહને પોકારી ઊઠે. જો એમ થાય તો શું થશે? આપણે જેવું વાવીશું એવું લણીશું! એક ઈશ્વરભક્તે આવી પ્રાર્થના કરી: ‘મારા દુઃખમાં મેં યહોવાહને પોકાર કર્યો, અને તેણે મારૂં સાંભળ્યું. હે યહોવાહ, જૂઠા હોઠોથી અને કપટી જીભથી મને બચાવ.’ (ગીત. ૧૨૦:૧, ૨) ભૂલીએ નહિ કે યહોવાહ “હૃદયને તથા અંતઃકરણને પારખે છે.” એટલે તે જોઈ શકે છે કે આપણે ખરેખર કેવા છીએ.—ગીત. ૭:૮, ૯.

બધા સાથે સારી રીતે વર્તીએ

૮. અયૂબ બીજાઓ સાથે કેવું વર્તન રાખતા?

યહોવાહને વળગી રહેવા આપણે અયૂબ જેવા બનીએ. તે ન્યાયી અને નમ્ર હતા. તે બીજાઓનું હંમેશાં ભલું ચાહતા. તેમણે આમ કહ્યું: ‘મારા દાસને કે મારી દાસીને મારી સાથે તકરાર થઈ હોય ત્યારે, મેં તેમનો દાવો તુચ્છ ગણ્યો હોય તો, જ્યારે ઈશ્વર ઊભા થાય ત્યારે હું શું કરીશ? અને તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેમને શો ઉત્તર આપું? જેમણે મને ગર્ભમાં બનાવ્યો, તેમણે જ શું તેને પણ બનાવ્યો નથી? અને એક જ ઈશ્વરે અમને બેઉને ગર્ભમાં ઘડ્યા નથી?’—અયૂ. ૩૧:૧૩-૧૫.

૯. અયૂબે પોતાના દાસો સાથે કેવું વર્તન રાખ્યું? આપણે પણ શું કરવું જોઈએ?

અયૂબના જમાનામાં અદાલતની ગોઠવણ બહુ સરસ હતી. લોકો સહેલાઈથી ઇન્સાફ મેળવી શકતા. અરે, દાસો પણ છૂટથી ઇન્સાફ માગવા જઈ શકતા. અયૂબ પોતાના દાસો સાથે કદી બેઇમાની ન કરતા, પણ દયાભાવથી વર્તતા. યહોવાહને વળગી રહેવા આપણે પણ આવા ગુણો કેળવવા જોઈએ. ખાસ કરીને મંડળના વડીલોને એવા ગુણો કેળવવાથી ઘણો લાભ થશે.

લોભી નહિ, ઉદાર બનીએ

૧૦, ૧૧. (ક) શું બતાવે છે કે અયૂબ ઉદાર અને મદદરૂપ હતા? (ખ) અયૂબ ૩૧:૧૬-૨૫ વાંચીને કદાચ કઈ સલાહ યાદ આવે?

૧૦ અયૂબ સ્વાર્થી અને લોભી ન હતા. તે ઉદાર હતા અને બધાને મદદ કરતા. તેમણે આમ કહ્યું: ‘જો મેં વિધવાની આંખોને નિરાશ કરી હોય, અથવા મારો કોળિયો મેં એકલાએ જ ખાધો હોય, અને તેમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય, જો મેં કોઈને વસ્ત્રની અછતથી મરતાં જોયો હોય, દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષના જાણીને મેં અનાથની વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો હોય, તો મારો ભુજ ખભામાંથી ખરી પડો. મારો હાથ ભાંગી જાઓ.’ અને અયૂબે સોના પર “ભરોસો” રાખ્યો હોત તો, તે ઈશ્વરને વળગી રહ્યા ન હોત.—અયૂ. ૩૧:૧૬-૨૫.

૧૧ અયૂબના એ શબ્દોથી ઈશ્વરભક્ત યાકૂબના આ શબ્દો યાદ આવી શકે: ‘વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને દૂર રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની આગળ શુદ્ધ અને નિર્મળ ધાર્મિકતા છે.’ (યાકૂ. ૧:૨૭) તેમ જ, ઈસુની આ ચેતવણી પણ યાદ આવી શકે: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” પછી ઈસુએ એક ધનવાન માણસનો દાખલો આપ્યો, જે ખૂબ જ લોભી હતો. પણ મરણ પામ્યો ત્યારે તે ‘ઈશ્વર પ્રત્યે ધનવાન ન હતો.’ (લુક ૧૨:૧૫-૨૧) આપણે જો યહોવાહને વળગી રહેવા માંગતા હોય, તો ચીજવસ્તુઓના મોહમાં પડીને એનો લોભ ન રાખીએ. કોઈ પણ ચીજનો મોહ મૂર્તિપૂજા છે, કેમ કે એમાં વ્યક્તિઓનું ધ્યાન યહોવાહની ભક્તિને બદલે એ ચીજમાં ડૂબેલું રહે છે. (કોલો. ૩:૫) યહોવાહની ભક્તિ સાથે લોભનો મેળ કદીયે ન ખાય.

યહોવાહની જ ભક્તિ કરીએ

૧૨, ૧૩. મૂર્તિપૂજા ન કરવા વિષે અયૂબે કેવો દાખલો બેસાડ્યો?

૧૨ યહોવાહના ખરા ભક્તો તેમના માર્ગથી ભટકી જતા નથી. અયૂબ પણ હંમેશાં યહોવાહના માર્ગે ચાલ્યા. એટલે તેમણે આમ કહ્યું: ‘મેં પ્રકાશતા સૂર્યને, અથવા તો તેજસ્વી ચંદ્રને જોયો હોય; ત્યારે મારૂં હૃદય છૂપી રીતે લોભાયું હોય અને મારા મોંએ મારા હાથનું ચુંબન કર્યું હોય; તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત, કેમ કે સ્વર્ગમાં રહેનાર ઈશ્વરનો મેં ઇનકાર કર્યો હોત.’—અયૂ. ૩૧:૨૬-૨૮.

૧૩ અયૂબે સૂર્ય-ચંદ્ર જેવી વસ્તુઓની ભક્તિ કરી નહિ. એવી વસ્તુઓને જોઈને તેમનું મન કદીયે લોભાયું નહિ. તેમણે એ જોઈને ‘પોતાના મોંથી હાથનું ચુંબન પણ કર્યું નહિ.’ જો એમ કર્યું હોત તો એ યહોવાહનો ઇન્કાર કરીને મૂર્તિપૂજા કર્યા બરાબર ગણાયું હોત. (પુન. ૪:૧૫, ૧૯) આપણે પણ કોઈ પ્રકારની મૂર્તિપૂજા ન કરીએ. ફક્ત યહોવાહની જ ભક્તિ કરીએ.૧ યોહાન ૫:૨૧ વાંચો.

વેર ન રાખીએ, ઢોંગી ન બનીએ

૧૪. શું બતાવે છે કે અયૂબ વેર રાખતા ન હતા?

૧૪ અયૂબ ન તો કોઈ વેર રાખતા, ન તો તે ક્રૂર હતા. તેમને ખબર હતી કે એ યહોવાહની નજરમાં ખોટું છે. તેમણે કહ્યું કે ‘મારા પર વેર રાખનારાઓના નાશથી હું હર્ષ પામ્યો હોઉં, અથવા તેને નુકસાન થયું હોય ત્યારે મને ખુશી થઈ હોય’ એવું બન્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે ‘વેર રાખનારને શાપ દઈને તેનો જીવ જાય એવું માગીને મારા મોંને મેં પાપ કરવા દીધું નહિ.’—અયૂ. ૩૧:૨૯, ૩૦.

૧૫. આપણા વેરી પર આફત આવે ત્યારે કેમ ખુશ ન થવું જોઈએ?

૧૫ અયૂબના વેરી પર આફત આવી, તોપણ તે ખુશ થયા નહિ. પછીથી નીતિવચનોમાં આ ચેતવણી આપવામાં આવી: ‘તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તેને નુકસાન થાય ત્યારે તું રાજી ન થા; કદાચ યહોવાહ તે જુએ, અને તેથી તે તારા પર નારાજ થાય અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે.’ (નીતિ. ૨૪:૧૭, ૧૮) યહોવાહ બધાનું દિલ જોઈ શકે છે. કોઈ પર આફત આવી પડે અને આપણે ખુશ થઈએ તો, માણસ ભલે ન જુએ પણ યહોવાહ જોઈ શકે છે. એ તેમને જરાય પસંદ નથી. (નીતિ. ૧૭:૫) યહોવાહ સમય આવ્યે આપણો ન્યાય કરશે, કેમ કે તે કહે છે: “વેર વાળવું તથા બદલો લેવો એ મારું” કામ છે.—પુન. ૩૨:૩૫.

૧૬. આપણે પૈસાવાળા ન હોઈએ તોપણ કઈ રીતે મહેમાનોનો આવકાર કરી શકીએ?

૧૬ અયૂબને મહેમાનો ગમતા. (અયૂ. ૩૧:૩૧, ૩૨) આપણે ભલે પૈસાવાળા ન હોઈએ તોપણ “પરોણાગત કરવામાં તત્પર” રહી શકીએ. (રૂમી ૧૨:૧૩) ઘરે આવેલા મહેમાનને બીજું કંઈ નહિ તો સાદું ભોજન પણ આપી શકીએ. એ ન ભૂલીએ કે ‘વેરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં, પ્રેમી જનને ત્યાં ભાજીનું ભોજન ઉત્તમ છે.’ (નીતિ. ૧૫:૧૭) ભાઈ-બહેનો સાથે પ્રેમભર્યા વાતાવરણમાં સાદું ભોજન પણ મીઠું લાગે છે અને એકબીજાને ઉત્તેજન મળે છે.

૧૭. આપણે કેમ મોટું પાપ સંતાડવાની કોશિશ ન કરવી જોઈએ?

૧૭ અયૂબ ઢોંગી ન હતા, એટલે તેમને ત્યાં મહેમાન બનવાનું કોઈને પણ ગમ્યું હોત. તે પહેલી સદીના મંડળની એવી વ્યક્તિઓ જેવા ન હતા જેઓ “પોતાના સ્વાર્થને સારૂ ખુશામત કરનારા” હતા. (યહુ. ૩, ૪, ૧૬) અયૂબ પોતાના ‘અન્યાય છુપાવનારા’ પણ ન હતા. બીજાઓ શું કહેશે એવો કોઈ ડર તેમને ન હતો. તે ચાહતા હતા કે યહોવાહ તેમને ચકાસે, જેથી કોઈ ભૂલ દેખાય તો પોતે સ્વીકારી શકે. (અયૂ. ૩૧:૩૩-૩૭) આપણાથી કોઈ મોટું પાપ થઈ જાય તો, બદનામ થવાના ડરને લીધે એ સંતાડીએ નહિ. આપણે યહોવાહને માર્ગે ચાલતા રહેવા શું કરી શકીએ? પોતાની ભૂલ સ્વીકારીએ, પસ્તાવો કરીએ અને ભાઈઓ પાસેથી મદદ લઈએ. તેમ જ, પોતાનામાં સુધારો કરવા બનતું બધું જ કરીએ.—નીતિ. ૨૮:૧૩; યાકૂ. ૫:૧૩-૧૫.

ઈશ્વરની અદાલતમાં અયૂબ જવા તૈયાર

૧૮, ૧૯. (ક) અયૂબે કોઈનો ફાયદો ઉઠાવ્યો ન હતો એ શાના પરથી દેખાઈ આવે છે? (ખ) અયૂબમાં કોઈ દોષ માલૂમ પડે તો તે શું કરવા તૈયાર હતા?

૧૮ અયૂબ પ્રમાણિક અને વાજબી હતા. એટલે તે કહી શક્યા: “જો મારી જમીન મારી વિરૂદ્ધ બૂમ પાડતી હોય, અને તેમાંના ચાસ એકત્ર થઈને રડતા હોય; જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વગર ખાધી હોય, અથવા તેના ધણીઓના જીવ મેં ખોવડાવ્યા હોય; તો, ઘઉંને બદલે કાંટા, અને જવને બદલે નીંદણ તેમાં ઊગો.” (અયૂ. ૩૧:૩૮-૪૦) અયૂબે કદીયે બીજાની જમીન પચાવી પાડી ન હતી. તેમણે ક્યારેય મજૂરોનો ફાયદો ઉઠાવ્યો ન હતો. તેમની જેમ આપણે પણ જીવનની નાની-મોટી બાબતોમાં યહોવાહનાં ન્યાયી ધોરણોને વળગી રહેવું જોઈએ.

૧૯ અયૂબે પોતાને દિલાસો આપવા આવેલા ત્રણ મિત્રો અને યુવાન એલીહૂને જણાવ્યું કે તે કેવી રીતે જીવ્યા હતા. અયૂબે જણાવ્યું કે કોઈ તેમની સામે દાવો માંડવા માંગતું હોય તો ભલે માંડે. તે પોતે એના પર પોતાનું “ચિહ્‍ન” અથવા તો જાણે સિક્કો મારી આપશે. જો તેમનામાં કોઈ દોષ માલૂમ પડે, તો અયૂબ એની સજા ભોગવવા તૈયાર હતા. અયૂબે જાણે ભગવાનની અદાલતમાં પોતાનો કેસ દાખલ કર્યો અને તેમના ન્યાયની રાહ જોવા લાગ્યા. આમ, “અયૂબના શબ્દો સમાપ્ત થયા.”—અયૂ. ૩૧:૩૫, ૪૦.

તમે પણ ઈશ્વરને માર્ગે ચાલી શકો છો

૨૦, ૨૧. (ક) અયૂબ શાને લીધે ઈશ્વરને માર્ગે ચાલતા રહ્યા? (ખ) યહોવાહ માટે પ્રેમ કેળવવા આપણે શું કરી શકીએ?

૨૦ અયૂબ યહોવાહ ઈશ્વરને ખૂબ ચાહતા હોવાથી તેમના માર્ગે ચાલતા રહ્યા. યહોવાહ પણ અયૂબને ચાહતા હોવાથી તેમને મદદ કરી. અયૂબે કહ્યું કે “તેં મને જીવન તથા કૃપા આપ્યાં છે, અને તારી નિગાહબાનીએ મારૂં રક્ષણ કર્યું છે.” (અયૂ. ૧૦:૧૨) અયૂબ સર્વ લોકો સાથે પણ પ્રેમથી વર્તતા. તે જાણતા હતા કે બધા પર પ્રેમ ન રાખનારને ઈશ્વરનો ડર નથી. (અયૂ. ૬:૧૪) યહોવાહને માર્ગે ચાલનારા તેમના પર ઘણો પ્રેમ રાખે છે. સર્વ લોકો સાથે પણ પ્રેમથી વર્તે છે.—માથ. ૨૨:૩૭-૪૦.

૨૧ યહોવાહ માટે પ્રેમ કેળવવા આપણે શું કરી શકીએ? દરરોજ બાઇબલ વાંચીએ. તેમના વિષે જે શીખીએ એના પર મનન કરીએ. દિલથી પ્રાર્થના કરીને તેમની સ્તુતિ કરીએ અને તેમની ભલાઈની કદર કરીએ. (ફિલિ. ૪:૬, ૭) યહોવાહના લોકો સાથે ભેગા મળીને ગીતો ગાઈએ અને તેઓની સંગતનો લાભ મેળવીએ. (હેબ્રી ૧૦:૨૩-૨૫) યહોવાહ વિષે લોકોને જણાવીએ અને તેમનું “તારણ પ્રગટ” કરીએ તેમ, તેમના માટેનો આપણો પ્રેમ વધશે. (ગીત. ૯૬:૧-૩) આમ કરવાથી યહોવાહ માટેનો પ્રેમ કેળવીને તેમને વળગી રહી શકીશું. આપણે પણ એક ઈશ્વરભક્તની જેમ આમ કહી શકીશું: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારૂં કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.”—ગીત. ૭૩:૨૮.

૨૨, ૨૩. યહોવાહને વળગી રહેનારા પહેલાના ભક્તોએ શું કર્યું? આપણે યહોવાહને વિશ્વના માલિક ગણતા હોવાથી શું કરીએ છીએ?

૨૨ સદીઓથી યહોવાહે પોતાના ભક્તોને અલગ અલગ જવાબદારી સોંપી છે. જેમ કે, નુહે વહાણ બાંધ્યું અને તે “ન્યાયીપણાના ઉપદેશક” બન્યા. (૨ પીત. ૨:૫) યહોશુઆ ઈસ્રાએલીઓને વચનના દેશમાં લઈ ગયા. એ માટે તેમને શામાંથી મદદ મળી? તેમણે ‘દિવસ અને રાત નિયમશાસ્ત્ર’ વાંચ્યું અને એમાં આપેલી સલાહ પ્રમાણે જીવ્યા. (યહો. ૧:૭, ૮) પહેલી સદીના ખ્રિસ્તીઓએ શિષ્યો બનાવ્યા અને તેઓ શાસ્ત્રમાંથી સંશોધન કરવા નિયમિત ભેગા મળતા.—માથ. ૨૮:૧૯, ૨૦.

૨૩ આપણે પણ યહોવાહને જ વિશ્વના માલિક ગણીને, તેમને વળગી રહીએ છીએ. એ માટે આપણે યહોવાહના ન્યાયીપણા વિષે લોકોને જણાવીને શિષ્યો બનાવીએ છીએ. બાઇબલની સલાહ પ્રમાણે જીવીએ છીએ. સભાઓ અને નાનાં-મોટાં સંમેલનોમાં યહોવાહના ભક્તો સાથે ભેગા મળીએ છીએ. આમ કરવાથી આપણને હિંમત મળે છે, શ્રદ્ધા વધે છે અને યહોવાહની ઇચ્છા પૂરી કરી શકીએ છીએ. આ બધું કરવું એટલું મુશ્કેલ નથી, કેમ કે આપણી પાસે યહોવાહ અને ઈસુનો પૂરેપૂરો સાથ છે. (પુન. ૩૦:૧૧-૧૪; ૧ રાજા. ૮:૫૭) તેમ જ, “બંધુમંડળ” એટલે કે આપણા સર્વ ભાઈ-બહેનોનો સાથ છે. તેઓ પણ યહોવાહને વળગી રહે છે અને તેમને જ વિશ્વના માલિક ગણે છે.—૧ પીત. ૨:૧૭. (w10-E 11/15)

આપણે શું શીખ્યા?

• યહોવાહની જેમ આપણને પણ વ્યભિચાર વિષે કેવું લાગવું જોઈએ?

• અયૂબના કયા ગુણો તમને બહુ ગમ્યા?

અયૂબ ૩૧:૨૯-૩૭ પ્રમાણે અયૂબ કઈ રીતે વર્ત્યા?

• આપણે કેમ યહોવાહને વળગી રહી શકીએ છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]

અયૂબની જેમ આપણે પણ યહોવાહને વળગી રહી શકીએ છીએ!

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમે પણ યહોવાહને વળગી રહી શકો છો!