સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“હમણાં જ માન્યકાળ છે”

“હમણાં જ માન્યકાળ છે”

“હમણાં જ માન્યકાળ છે”

“જુઓ, હમણાં જ માન્યકાળ છે; જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.”—૨ કોરીં. ૬:૨.

૧. કોઈ પણ સમયે આપણા માટે કયું કામ મહત્ત્વનું છે એ પારખવું કેમ જરૂરી છે?

 “પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે.” (સભા. ૩:૧) સુલેમાન અહીંયા એ વિષે જણાવી રહ્યા હતા કે દરેક મહત્ત્વનું કામ ક્યારે કરવું એ પારખવું જોઈએ. પછી ભલે એ ખેતીવાડી હોય, મુસાફરી હોય, વેપારધંધો હોય કે પછી કોઈની સાથે વાત કરવાની હોય. આપણે પણ એ પારખતા શીખવું જોઈએ કે કોઈ પણ સમયે આપણા માટે કયું કામ મહત્ત્વનું છે. બીજા શબ્દોમાં, કયું કામ પ્રથમ કરવું જોઈએ એ વિષે આપણે ચોક્કસ હોવા જોઈએ.

૨. આપણે કઈ રીતે કહી શકીએ કે ઈસુ પોતે જે સમયમાં જીવતા હતા એ વિષે જાણકાર હતા?

ઈસુ ધરતી પર હતા ત્યારે સારી રીતે જાણતા હતા કે તે કયા સમયમાં જીવી રહ્યા છે અને તેમણે શું કરવાનું છે. તે જાણતા હતા કે વર્ષો પહેલાં મસીહ વિષે જે ભવિષ્યવાણીઓ થઈ હતી એ હવે જલદી જ પૂરી થનાર છે. ઈસુને ખબર હતી કે પોતાના જીવનમાં કયું કામ મહત્ત્વનું છે. (૧ પીત. ૧:૧૧; પ્રકટી. ૧૯:૧૦) તેમના માટે પુષ્કળ કામ હતું. જેમ કે, લોકોને જણાવવાનું હતું કે આવનાર મસીહ તે પોતે જ છે. યહોવાહના રાજ્ય વિષે પણ બધાને જણાવવાનું હતું. ભવિષ્યમાં ઈશ્વરના રાજ્યમાં પોતાની સાથે રાજ કરનારાઓને પસંદ કરવાના હતા. તેમ જ એવા ખ્રિસ્તી મંડળનો પાયો નાખવાનો હતો, જે દુનિયાના છેડા સુધી પ્રચાર અને શિષ્યો બનાવવાનું કામ ફેલાવે.—માર્ક ૧:૧૫.

૩. ઈસુ સમય જોઈને કઈ રીતે વર્ત્યા?

પોતે કયા સમયમાં જીવે છે એ જાણતા હોવાથી યહોવાહની ઇચ્છા પૂરી કરવા ઈસુ ખૂબ જ ઉત્સાહી હતા. તેમણે શિષ્યોને આમ કહ્યું: ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’ (લુક ૧૦:૨; માલા. ૪:૫, ૬) ઈસુએ પ્રથમ બાર અને પછી સિત્તેર શિષ્યોને પસંદ કર્યા. તેઓને પ્રચાર માટે સ્પષ્ટ સૂચનો આપ્યા. પછી લોકોને ઉત્તેજિત કરતો આ સંદેશો જણાવવા તેઓને મોકલ્યા: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’ પછી ઈસુએ શું કર્યું? આપણે વાંચીએ છીએ: ‘ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.’—માથ. ૧૦:૫-૭; ૧૧:૧; લુક ૧૦:૧.

૪. કયા અર્થમાં પાઊલ ખ્રિસ્તને અનુસરનારા હતા?

યહોવાહ માટે ભક્તિભાવ અને જોશ બતાવવામાં ઈસુએ શિષ્યો માટે સૌથી સારો દાખલો બેસાડ્યો હતો. એટલે જ પાઊલે ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા આમ કહ્યું હતું: “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીં. ૧૧:૧) કયા અર્થમાં પાઊલ ખ્રિસ્તને અનુસરનારા હતા? પ્રચારની વાત આવતી ત્યારે એ કાર્ય પૂરું કરવામાં પાઊલે કોઈ કસર છોડી ન હતી. પ્રચાર કાર્ય વિષે તેમણે મંડળોને લખેલા પત્રમાં આમ જણાવ્યું: ‘આળસુ ન થાઓ,’ ‘પ્રભુ યહોવાહની સેવા કરો,’ ‘પ્રભુ યહોવાહના કામમાં સદા મચ્યા રહો’ અને ‘પ્રભુ યહોવાહને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.’ (રૂમી ૧૨:૧૧; ૧ કોરીં. ૧૫:૫૮; કોલો. ૩:૨૩) દમસ્કને માર્ગે ઈસુએ આપેલા દર્શનને પાઊલ કદી ભૂલ્યા નહિ હોય. શિષ્ય અનાન્યાએ કહેલા ઈસુના આ શબ્દોની પણ તેમના પર ઊંડી અસર પડી હશે: ‘વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.’—પ્રે.કૃ. ૯:૧૫; રૂમી ૧:૧, ૫; ગલા. ૧:૧૬.

ખાસ માન્યકાળ

૫. પૂરા ઉત્સાહથી સેવાકાર્ય કરવા પાઊલને શાનાથી ઉત્તેજન મળ્યું?

પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક વાંચવાથી સાફ જોવા મળે છે કે સેવાકાર્યમાં પાઊલ કેટલા જોશીલા અને ઉત્સાહી હતા. (પ્રે.કૃ. ૧૩:૯, ૧૦; ૧૭:૧૬, ૧૭; ૧૮:૫) પાઊલ જાણતા હતા કે પોતે જે સમયમાં જીવે છે એ ખૂબ મહત્ત્વનો છે. તેમણે કહ્યું: “જુઓ, હમણાં જ માન્યકાળ છે; જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.” (૨ કોરીં. ૬:૨) જેઓ બાબેલોનમાં બંદીવાન હતા તેઓ માટે ઈસવીસન પૂર્વે ૫૩૭ માન્યકાળ હતો. એટલે કે પોતાના વતનમાં પાછા ફરવા માટે એ યોગ્ય સમય હતો. (યશા. ૪૯:૮, ૯) તો પછી જ્યારે પાઊલે “માન્યકાળ”નો ઉલ્લેખ કર્યો ત્યારે તે શાની વાત કરતા હતા? આગળ પાછળની કલમો પરથી જોવા મળે છે કે પાઊલના મનમાં શું હતું.

૬, ૭. આજે અભિષિક્તોને કયું મહાન કામ સોંપવામાં આવ્યું છે? અને તેઓને એ કામમાં કોણ સાથ આપી રહ્યું છે?

માન્યકાળ વિષે વાત કરી એ પહેલા પાઊલે જણાવ્યું હતું કે તેમને અને સાથી અભિષિક્તોને એક મહાન કામ સોંપવામાં આવ્યું છે. (૨ કોરીંથી ૫:૧૮-૨૦ વાંચો.) એ વિષે સમજાવતા પાઊલ જણાવે છે કે યહોવાહે તેઓને “સમાધાન પ્રગટ કરવાની સેવા” માટે પસંદ કર્યા હતા. એટલે કે તેઓએ ‘ઈશ્વર સાથે સમાધાન કરવા’ લોકોને આજીજી કરવાની હતી. બીજા શબ્દોમાં, ઈશ્વર સાથે તૂટી ગયેલો સંબંધ ફરી બાંધવાનો હતો.

એદન બાગમાં પ્રથમ મનુષ્યે બળવો કર્યો ત્યારથી સર્વ લોકો ઈશ્વરથી વિખૂટા પડી ગયા છે. (રૂમી ૩:૧૦, ૨૩) એ કારણથી ઈશ્વર અને તેમના હેતુઓથી મનુષ્ય અજાણ છે. એટલું જ નહિ, તે દુઃખ સહીને મરણ પામે છે. પાઊલે લખ્યું: ‘આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને ઘણી વેદનાથી પીડાય છે.’ (રૂમી ૮:૨૨) પરંતુ ઈશ્વરે લોકોને તરછોડી દીધા નથી. તેમણે તો તેઓને આગ્રહ કરીને એવા પગલાં લીધા છે જેથી તેઓ પોતાની તરફ પાછા ફરી શકે અને સુલેહ કરે. એ સેવાકાર્ય ઈશ્વરે પાઊલ અને તેમની સાથેના અભિષિક્તોને સોંપ્યું હતું. જેઓ ઈસુમાં વિશ્વાસ મૂકે તેઓ માટે એ “માન્યકાળ”નો સમય “તારણનો દિવસ” સાબિત થવાનો હતો. આજે સર્વ અભિષિક્ત જનો અને “બીજાં ઘેટાં” સાથે મળીને લોકોને ઈશ્વર સાથે સુલેહ કરવા આમંત્રણ આપી રહ્યા છે, જેથી તેઓ “માન્યકાળ”નો લાભ લઈ શકે.—યોહા. ૧૦:૧૬.

૮. શાને લીધે સમાધાન કે સુલેહશાંતિનું કાર્ય વધારે અજોડ બને છે?

યહોવાહ પોતાની તરફ પાછા ફરવા મનુષ્યને જે આગ્રહ કરે છે એ સાચે જ અજોડ છે. જરા વિચાર કરો, એદન બાગમાં આદમ અને હવા જાણીજોઈને યહોવાહની વિરુદ્ધ ગયા અને તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. એટલે તેઓના સંતાનો, સર્વ મનુષ્યોનો પણ તેમની સાથેનો સંબંધ તૂટી ગયો. એ સંબંધ બાંધવા યહોવાહે પોતે સામેથી પગલા લીધા છે! (૧ યોહા. ૪:૧૦, ૧૯) તેમણે શું કર્યું? પાઊલે કહ્યું: “ઈશ્વરે માણસોના પાપને લેખામાં લીધા વગર ખ્રિસ્ત મારફતે જગત સાથે સમાધાન સાધ્યું હતું, અને હવે તેણે એ સમાધાનનો સંદેશો પહોંચાડવાનું કામ અમને સોંપ્યું છે.”—૨ કોરિંથ ૫:૧૯, સંપૂર્ણ; યશા. ૫૫:૬.

૯. યહોવાહની દયાની કદર બતાવવા પાઊલે શું કર્યું?

ઈસુનું બલિદાન આપીને યહોવાહે માર્ગ ખોલ્યો, જેથી જે કોઈ એમાં વિશ્વાસ મૂકે તેનાં પાપ માફ થાય અને ઈશ્વર સાથે ફરીથી સંબંધ જોડી શકે. એમ કરવા યહોવાહ પોતાના ભક્તોને બધે જ મોકલે છે, જેથી સમય છે ત્યાં સુધી તેઓ સર્વ લોકોને ઈશ્વરની સાથે સમાધાન કરવા આજીજી કરે. (૧ તીમોથી ૨:૩-૬ વાંચો.) યહોવાહની ઇચ્છા શું છે એ પાઊલ સમજ્યા હતા. પોતે કયા સમયમાં જીવી રહ્યા છે એ પણ તેમણે પારખ્યું હતું. એટલે જ તેમણે ‘સમાધાન કરવાની સેવામાં’ તનતોડ મહેનત કરી જેથી ઈશ્વર સાથે લોકો સંબંધ બાંધી શકે. આજે પણ યહોવાહની ઇચ્છા બદલાઈ નથી. સર્વ લોકો તેમની સાથે સંબંધ બાંધી શકે એ માટે તે જાણે હાથ ફેલાવીને ઊભા છે. પાઊલે કહ્યું હતું કે ‘હમણાં જ માન્યકાળ છે; હમણાં જ તારણનો દિવસ છે.’ એ શબ્દો આજે પણ લાગુ પડે છે. યહોવાહ સાચે જ દયાના સાગર અને પ્રેમાળ ઈશ્વર છે!—નિર્ગ. ૩૪:૬, ૭.

ઈશ્વરની કૃપા વિષે બેદરકાર ન બનીએ

૧૦. પહેલી સદીમાં અને આજે અભિષિક્તો માટે ‘તારણના દિવસʼનો શું અર્થ થાય છે?

૧૦ યહોવાહે પોતાની સાથે સમાધાન કરવા જે માર્ગ ખોલ્યો એનો સૌથી પહેલાં કોને લાભ થયો? ‘ખ્રિસ્તʼને પગલે ચાલનારા અભિષિક્તોને. (૨ કોરીં. ૫:૧૭, ૧૮) ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તથી તેઓ માટે “તારણનો દિવસ” શરૂ થયો. ત્યારથી અભિષિક્તોને “સમાધાનનો સંદેશો” ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજે પણ બાકી રહેલા અભિષિક્ત જનો ‘સમાધાન પ્રગટ કરવાની સેવામાં’ ભાગ લઈ રહ્યા છે. પ્રેરિત યોહાને જોયેલા સંદર્શન પરથી તેઓ જાણે છે કે ‘પૃથ્વી પર કોઈ પવન ન થાય એ માટે ચાર સ્વર્ગદૂતોએ પૃથ્વીના ચાર ખૂણા પર વાયુને અટકાવી રાખ્યો છે.’ તેથી લોકો માટે હજી પણ “માન્યકાળ” અને “તારણનો દિવસ” રહેલો છે. (પ્રકટી. ૭:૧-૩) એ કારણથી વીસમી સદીની શરૂઆતથી બાકી રહેલા અભિષિક્ત જનો પૂરા જોશથી પૃથ્વીના ચારે ખૂણે ‘સમાધાન પ્રગટ કરવાની સેવા’ કરી રહ્યા છે.

૧૧, ૧૨. વીસમી સદીની શરૂઆતમાં અભિષિક્ત ખ્રિસ્તીઓ સમય પારખીને કઈ રીતે વર્ત્યા? (ઉપરનું ચિત્ર જુઓ.)

૧૧ દાખલા તરીકે, જેહોવાઝ વિટ્‌નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગડમ પુસ્તકમાં જણાવ્યું છે તેમ ઓગણીસમી સદીના અંતમાં, “ચાર્લ્સ ટૅઝ રસેલ અને તેમના સાથીદારોને પૂરો ભરોસો હતો કે તેઓ કાપણીના સમયમાં જીવી રહ્યા છે. અને લોકોને તારણનો સંદેશો સાંભળવાની જરૂર છે.” એ વિષે તેઓએ શું કર્યું? પોતે કાપણીના સમયમાં એટલે કે ‘તારણના દિવસમાં’ જીવી રહ્યા છે, એ ખબર પડ્યા પછી આ ભાઈઓએ લોકોને ફક્ત કોઈ સત્સંગમાં બોલાવીને સંતોષ ન માન્યો. એવું તો પાદરીઓ લાંબા સમયથી કરી રહ્યા હતા. એ અભિષિક્ત જનો એવી રીતો શોધવા લાગ્યા જેથી યહોવાહના રાજ્યની ખુશખબર સારી રીતે ફેલાવી શકે. એમ કરવા તેઓ આધુનિક સાધનો વાપરવા લાગ્યા.

૧૨ એ સમયે યહોવાહના રાજ્ય વિષે ખુશખબર ફેલાવવા ફક્ત થોડા જ ભાઈ-બહેનો હતા. તેઓ ઉત્સાહથી નાની-મોટી પત્રિકા, મૅગેઝિન અને પુસ્તકો લોકોને આપવા લાગ્યા. એ ઉપરાંત તેઓએ હજારો છાપાઓમાં આપવા માટે લેખો અને પ્રવચનો તૈયાર કર્યા. તેઓએ અમેરિકા અને બીજા દેશોના રેડિયો સ્ટેશન પર બાઇબલ આધારિત અનેક પ્રવચનો આપ્યા. અરે, તેઓએ રાજ્યનો સંદેશો ફેલાવવા એવાં ચલચિત્રો પણ બનાવ્યા જેમાં અવાજ પણ જોડી શકાય. એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફક્ત મૂંગા ચલચિત્રો બનાવતી. કેમ કે એમાં અવાજ ઉમેરવાની આવડત તેઓ પાસે ન હતી. જ્યારે કે ભાઈઓ ફિલ્મ સાથે તાલમેલથી અવાજ પણ રાખતા, જેનાથી એ બોલતું ચલચિત્ર બનતું. તેઓના આવા પ્રયાસથી કેવું પરિણામ આવ્યું? આજે દુનિયામાં સિત્તેર લાખથી વધારે લોકો સત્ય સ્વીકારીને બાઇબલનો આ સંદેશો જાહેર કરી રહ્યા છે: ‘ઈશ્વરની સાથે સમાધાન કરો.’ વીસમી સદીની શરૂઆતમાં ફક્ત થોડા જ ભાઈ-બહેનો હતા અને તેઓ પાસે બહુ આવડત પણ ન હતી. તોપણ તેઓએ પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવીને આપણા માટે કેવો સુંદર દાખલો બેસાડ્યો!

૧૩. યહોવાહનો કયો હેતુ ધ્યાનમાં રાખવો જોઈએ?

૧૩ પાઊલે કહ્યું: “હમણાં જ માન્યકાળ છે.” એ આજે પણ ખરું છે. આપણે યહોવાહનું સત્ય સાંભળીને સ્વીકાર્યું હોવાથી તેમની સાથે સમાધાન કરી શક્યા. તેમની કૃપા માટે આપણે આભારી છીએ. સત્ય વિષે શીખવાથી આપણે પાઊલના આ શબ્દો દિલમાં ઉતારીએ છીએ: ‘તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપા વિષે બેદરકાર ન બનો.’ (૨ કોરીં. ૬:૧) ખ્રિસ્ત દ્વારા ‘જગતનું સમાધાન કરવામાં’ આવે એ હેતુથી યહોવાહે આ કૃપા બતાવી છે.—૨ કોરીં. ૫:૧૯.

૧૪. ખુશખબર ફેલાવવાની આજે ઘણા દેશોમાં કેવી તક ખૂલી રહી છે?

૧૪ મોટા ભાગના લોકો શેતાનની મુઠ્ઠીમાં છે. તેઓ યહોવાહથી વિખૂટા પડી ગયા હોવાથી તેમની કૃપા અને હેતુ વિષે અજાણ છે. (૨ કોરીં. ૪:૩, ૪; ૧ યોહા. ૫:૧૯) દુનિયાની હાલત બગડતી હોવાથી ઘણા લોકો સત્ય તરફ આકર્ષાય છે. તેઓ શીખે છે કે લોકો ઈશ્વરથી વિખૂટા પડી ગયા હોવાથી દુનિયા દુષ્ટ થઈ ગઈ છે. ઘણા દેશોમાં આપણા સંદેશા પર ધ્યાન આપતા ન હતા. પણ આજે ત્યાં ઘણા લોકો એ સ્વીકારીને યહોવાહ તરફ ફરી રહ્યા છે. શું આપણે પૂરા દિલથી માનીએ છીએ કે હમણાં જ જોરશોરથી લોકોને જણાવવાની જરૂર છે: ‘ઈશ્વરની સાથે સમાધાન કરો’?

૧૫. લોકોને કેવો સંદેશો જણાવવો જોઈએ?

૧૫ લોકોને આપણે એ જ જણાવવા નથી જતા કે ઈશ્વરને ભજશો તો તમારી મુશ્કેલીઓ દૂર થશે અને સુખી થશો. જોકે લોકો ચર્ચમાં એવું જ સાંભળવા જાય છે. ચર્ચ પણ લોકોને આકર્ષવા એવો જ બોધ આપે છે. (૨ તીમો. ૪:૩, ૪) જોકે એ આપણો હેતુ નથી. આપણે તો લોકોને જણાવીએ છીએ કે યહોવાહને આપણા પર ખૂબ પ્રેમ છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા તે આપણા પાપ માફ કરવા તૈયાર છે. આ સંદેશો સ્વીકારીને લોકો ઈશ્વર સાથે નાતો બાંધી શકશે. (રૂમી ૫:૧૦; ૮:૩૨) ‘માન્યકાળનો’ સમય ઝડપથી પૂરો થઈ રહ્યો હોવાથી ચાલો આપણે એમાં પૂરો ભાગ લઈએ.

‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી’ બનીએ

૧૬. ભક્તિમાં હિંમત અને ઉત્સાહ જાળવી રાખવા પાઊલને ક્યાંથી મદદ મળી?

૧૬ યહોવાહની ભક્તિમાં ઉત્સાહ વધતો રહે માટે આપણે શું કરવું જોઈએ? જો કોઈ શરમાળ કે ઓછાબોલું હોય તો બધાની સાથે વાત કરવી કે હળવું-મળવું અઘરું બને છે. જોકે, આપણે યાદ રાખવું જોઈએ કે ઉત્સાહ બતાવવાનો અર્થ એ નથી કે વ્યક્તિના સ્વભાવ કે હાવભાવમાં એ દેખાઈ આવે. ઉત્સાહ વધારવા વિષે પાઊલે પોતાના સમયના ખ્રિસ્તીઓને અરજ કરી કે ‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી થઈએ.’ (રૂમી ૧૨:૧૧) યહોવાહની શક્તિની મદદ મળી હોવાથી પાઊલે હિંમતથી પ્રચાર કામ ચાલુ રાખ્યું. ઈસુએ પાઊલને શિષ્ય બનવા બોલાવ્યા ત્યારથી લઈને ત્રીસથી પણ વધારે વર્ષો દરમિયાન તેમણે સેવાકાર્ય ચાલુ રાખ્યું. એ વર્ષોમાં પાઊલને અનેક વાર જેલ થઈ, આખરે તે દુશ્મનોના હાથે રોમમાં માર્યા ગયા. છેલ્લા શ્વાસ સુધી તેમનો ઉત્સાહ અડગ રહ્યો. એ માટે તે હંમેશાં યહોવાહની મદદ માગતા. યહોવાહ પોતાની શક્તિ દ્વારા તેમને બળ આપતા. પાઊલે કહ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિ. ૪:૧૩) પાઊલના દાખલામાંથી શીખીશું તો સાચે જ આપણને લાભ થશે!

૧૭. યહોવાહની ભક્તિમાં “ઉત્સાહી” રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૭ રૂમી ૧૨:૧૧માં “ઉત્સાહ” માટે પાઊલે જે ગ્રીક શબ્દ વાપર્યો હતો એનો અર્થ થાય, “ઊકળવું.” તપેલીમાંના પાણીને ગરમી મળતી રહે તો જ એ ઊકળ્યા કરશે. એવી જ રીતે આપણને “ઉત્સાહી” રહેવા માટે કાયમ ‘યહોવાહની શક્તિની’ જરૂર છે. એ મેળવવા યહોવાહે કરેલી બધી જોગવાઈનો લાભ લઈશું તો જ આપણી શ્રદ્ધા અડગ રહેશે. જેમ કે, નિયમિત રીતે વ્યક્તિગત અને કુટુંબ સાથે અભ્યાસ કરવો, પ્રાર્થના કરવી અને સભાઓમાં ભાઈ-બહેનોની સંગત માણવી. એમ કરતા રહીશું તો યહોવાહની ભક્તિ માટે આપણો “ઉત્સાહ” વધતો જશે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૦; ૧૮:૫ વાંચો.

૧૮. પોતાનું જીવન યહોવાહને સોંપી દીધું હોવાથી આપણા માટે શું મહત્ત્વનું હોવું જોઈએ?

૧૮ કોઈ વ્યક્તિ પૂરા ખંતથી કામ પાછળ લાગુ રહે તો એમાં ઠંડા પડ્યા વગર એ કામ પૂરું કરશે. આપણે પણ ઈસુની જેમ પોતાનું જીવન યહોવાહને સોંપી દીધું છે. એટલે યહોવાહની ઇચ્છા પૂરી કરવા આપણે ઈસુની જેમ બનતું બધું કરીશું. (હેબ્રી ૧૦:૭) આજે તે ચાહે છે કે બની શકે એટલા લોકો તેમની સાથે સમાધાન કરે. તેઓ એમ કરી શકે માટે તેઓને મદદ કરીએ. એ જ આપણી માટે સૌથી તાકીદનું અને મહત્ત્વનું કામ છે. તો ચાલો આપણે પણ ઈસુ અને પાઊલની જેમ તન-મનથી યહોવાહની ભક્તિમાં ઉત્સાહી રહીએ. (w10-E 12/15)

તમે કેવી રીતે સમજાવશો?

• પાઊલ અને બીજા અભિષિક્તોને સોંપેલી “સમાધાન પ્રગટ કરવાની સેવા” શું છે?

• આજે અભિષિક્તો કઈ રીતે ‘માન્યકાળનો’ સૌથી સારો ઉપયોગ કરી રહ્યા છે?

• યહોવાહની ભક્તિમાં “ઉત્સાહી” રહેવા આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર ચિત્ર]

દમસ્કના માર્ગે ઈસુએ આપેલું દર્શન પાઊલ કદી ભૂલ્યા નહિ હોય