સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એદન બાગ, મનુષ્યનું પહેલું ઘર?

એદન બાગ, મનુષ્યનું પહેલું ઘર?

એદન બાગ, મનુષ્યનું પહેલું ઘર?

ક લ્પના કરો કે તમે એક બગીચામાં છો. એ એકદમ શાંત અને વિશાળ છે. ત્યાં ધ્યાન ભટકાવી નાખે એવી કોઈ બાબતો નથી. શહેરનું ઘોંઘાટિયું વાતાવરણ પણ નથી. તમને કોઈ જાતની ચિંતાઓ નથી. કોઈ જાતની બીમારી, પીડા કે આડ-અસર નથી. તમે એકદમ તંદુરસ્ત છો. તમારી બધી જ ઇન્દ્રિયો તેજદાર છે. તમારું રોમે રોમ ખીલી ઊઠ્યું છે!

રંગબેરંગી ફૂલો પથરાયેલા છે. ઝરણાના પાણીના ઝળકાટથી તમારી આંખો અંજાઈ જાય છે. તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી છે. તડકા-છાંયડામાં પાંદડાં અને ઘાસની લીલી ચાદર સુંદર રીતે લહેરાઈ રહી છે. મંદ મંદ પવન તમને સ્પર્શી રહ્યો છે. એમાંની ખુશબૂ તમારા મનને પ્રફુલ્લિત કરી રહી છે. પાંદડાનો ખડખડાટ, ખડક પર પડતા પાણીની થપાટો સંભળાય છે. પક્ષીઓનો મધુર કલરવ અને જીવડાંઓનો ગુંજરાવ કાને પડી રહ્યો છે. શું તમને ત્યાં જ કાયમ રહેવાનું મન ન થાય!

દુનિયા ફરતે ઘણા લોકો માને છે કે ઉપર વર્ણવ્યું એવી જગ્યાએ માણસની શરૂઆત થઈ હતી. સદીઓથી યહુદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના લોકો માને છે કે આદમ અને હવાને ઈશ્વરે એદન બાગમાં મૂક્યા. બાઇબલ જણાવે છે કે તેમનું જીવન સુખ-શાંતિથી ભરપૂર હતું. તેઓ એકબીજા સાથે અને પ્રાણીઓ સાથે હળીમળીને રહેતાં હતાં. તેઓનો ઈશ્વર સાથે પણ સારો સંબંધ હતો. ઈશ્વરે તેમને એ સુંદર જગ્યામાં હંમેશ માટે જીવવાનું વચન આપ્યું હતું.—ઉત. ૨:૧૫-૨૪.

હિંદુ ધર્મમાં પણ માને છે કે પહેલાના સમયમાં નંદનવન હતું. અરે, બૌદ્ધ ધર્મના લોકો પણ માને છે કે જ્યારે બુદ્ધ કે મહાપુરુષ આવશે ત્યારે, સોનેરી યુગ હશે. આફ્રિકાના ઘણા ધર્મોની અનેક વાર્તાઓ પણ આદમ અને હવાના અહેવાલને મળતી આવે છે.

માણસની શરૂઆત સુંદર બગીચામાં થઈ હોય એવું ઘણા ધર્મ અને સમાજ માને છે. એક લેખકે એ વિષે જણાવ્યું કે “ઘણા સમાજમાં એવી માન્યતા છે કે સુંદર બગીચામાં મનુષ્યની શરૂઆત થઈ હતી. જ્યાં બીમારી કે ઘડપણ જેવું ન હતું, આઝાદી અને ભરપૂર સુખ-શાંતિ હતી. કશાની ખોટ ન હતી. ધાકધમકી, ચિંતા કે લડાઈ-ઝઘડા જેવું કંઈ ન હતું. આ બધી માન્યતાઓ બતાવે છે કે માણસે જે ગુમાવ્યું એની તેઓના દિલમાં ખોટ સાલે છે. એટલે એ પાછું મેળવવા તેઓ ઝંખે છે.”

શું એવું બની શકે કે આ બધી વાર્તાઓનું એક જ મૂળ હોય? શું માણસજાતના મનમાં હજી પણ આ યાદો રોપાયેલી છે? શું હકીકતમાં એદન બાગ હતો? આદમ અને હવા હતા?

પણ શંકા ઉઠાવનારાઓ કેટલાંક આ વાતની મજાક ઉડાવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં ઘણા માને છે કે આ બધી ફક્ત ખોટી વાતો કે દંતકથાઓ છે. ધર્મમાં માનતા નથી એવા લોકો જ આવું નથી કહેતા. અરે, અમુક ધર્મગુરુઓ પણ શીખવે છે કે એદન બાગની વાત જૂઠાણું છે. અસલમાં એવી કોઈ જગ્યા જ ન હતી. તેઓ કહે છે કે આ વાત તો ફક્ત ઉપજાવેલી વાર્તા, દંતકથા કે બોધકથા છે.

ખરું કે બાઇબલમાં ઘણી બોધકથા છે. એમાં ઈસુએ આપેલા ઘણા બોધ તો બહુ જાણીતા છે. પણ બાઇબલમાં એદન બાગનો અહેવાલ કંઈ બોધકથા તરીકે નથી થયો. એ તો હકીકત હતો. જો આ ખરેખર ઉપજાવેલી વાત જ હોય, તો શું બાઇબલ પર ભરોસો મૂકવો જોઈએ? ચાલો જોઈએ કે કેમ કેટલાંક લોકો એદન બાગ વિષે શંકા ઉઠાવે છે અને તેઓનું કહેવું ખરું છે કે નહિ? પછી જોઈશું કે એ અહેવાલ વિષે બધાએ કેમ જાણવું જોઈએ. (w11-E 01/01)