સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું એદન બાગ ખરેખર હતો?

શું એદન બાગ ખરેખર હતો?

શું એદન બાગ ખરેખર હતો?

શું તમે આદમ, હવા અને એદન બાગ વિષે સાંભળ્યું છે? આજે ઘણા લોકો એના વિષે સારી રીતે જાણે છે. એ તમે બાઇબલના ઉત્પત્તિના પુસ્તકમાંથી વાંચી શકો. (ઉત્પત્તિ ૧:૨૬–૩:૨૪) ચાલો એ વાર્તાની ઝલક જોઈએ:

ઈશ્વર યહોવાહે * માટીમાંથી સૌથી પહેલો માણસ બનાવ્યો. તેનું નામ આદમ પાડ્યું. તેને એદન નામના પ્રદેશમાંનો બાગ રહેવા માટે આપ્યો. ખુદ ઈશ્વરે એ બાગ બનાવ્યો હતો. એ સુંદર હતો અને એમાં પુષ્કળ પાણી હતું. એ ફળ-ફળાદી વાળા વૃક્ષોથી ભરપૂર હતો. એની વચમાં “ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ” પણ હતું. ઈશ્વરે તેઓને એ વૃક્ષનું ફળ ખાવાની મના કરી હતી. અને જણાવ્યું હતું કે તેઓ એ ખાશે તો મરણ પામશે. સમય જતાં યહોવાહે આદમ માટે જીવનસાથી બનાવી. આદમની પાંસળીમાંથી સ્ત્રી, એટલે કે હવાને બનાવી. ઈશ્વરે તેઓને બગીચાની દેખરેખ રાખવાનું કામ સોંપ્યું. અને તેઓને બાળકો પેદા કરીને આખી પૃથ્વીને ભરી દેવાનું કહ્યું.

હવા એકલી હતી ત્યારે સાપે તેની સાથે વાત કરી. તેને મના કરેલું ફળ ખાવા લલચાવી. તેણે કહ્યું કે ઈશ્વર ખોટું બોલી રહ્યા છે અને તમે તેમના જેવા ન થાઓ માટે એ ફળ તમારાથી દૂર રાખી રહ્યાં છે. હવા તેની લાલચમાં આવી ગઈ અને એ ફળ ખાધું. પછી આદમે પણ એ ફળ ખાઈને ઈશ્વરની આજ્ઞા તોડી. તેથી યહોવાહ ઈશ્વરે આદમ-હવા અને સાપને સજા ફરમાવી. પછી આદમ-હવાને એ સુંદર બાગમાંથી કાઢી મૂક્યા અને સ્વર્ગદૂતોને એના દરવાજે ચોકીદાર તરીકે રાખ્યા.

એક સમયે નિષ્ણાતો, વિદ્વાનો અને ઇતિહાસકારો બાઇબલના ઉત્પત્તિના પુસ્તકને ખરું માનતા હતા. જ્યારે આજે તેઓની એના વિષેની શંકા વધી રહી છે. પણ તેઓ કયા કારણે આદમ-હવાની ઉત્પત્તિ અને એદન બાગ પર શંકા ઉઠાવે છે? તેઓ શંકા ઉઠાવતા સવાલો કરે છે એમાંના ચારની ચર્ચા કરીએ.

૧. શું હકીકતમાં એદન બાગ હતો?

એવી શંકા ઉઠાવવાનું કારણ શું છે? એની પાછળ ફિલસૂફીનો હાથ હોઈ શકે. સદીઓથી ધર્મશાસ્ત્રીઓ કલ્પના કરે છે કે એદન બાગ હજી પણ ક્યાંક છે. અરે, ગ્રીક ફિલોસોફરો, પ્લેટો અને એરિસ્ટોટલની વાતમાં ચર્ચો પણ આવી ગયા છે. એ ફિલોસોફરો માનતા હતા કે પૃથ્વી પર નહિ પણ ફક્ત સ્વર્ગમાં જ બધું સંપૂર્ણ છે. તેથી ધર્મશાસ્ત્રીઓ દાવો કરતા હતા કે એદન બાગ સ્વર્ગની નજીક આવેલો હોવો જોઈએ. * કેટલાક કહેતા હતા કે એ બાગ ખૂબ ઊંચા પર્વતના શિખર પર આવેલો હતો, જેથી દુષ્ટ જગતની એને અસર ન થાય. વળી, બીજા માનતા હતા કે એ ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવે આવેલો હતો. અમુક એવું પણ માનતા હતા કે એ ચંદ્ર પાસે કે એની ઉપર આવેલો હતો. તેથી એદન બાગ ઘડી કાઢેલી વાર્તા લાગે છે એમાં કંઈ નવાઈ નથી. આજે અમુક વિદ્વાનો પણ માને છે કે ધરતી પર એદન જેવી કોઈ જગ્યા જ નથી.

જોકે બાઇબલ એદન બાગ વિષે એવું શીખવતું નથી. ઉત્પત્તિ ૨:૮-૧૪માં એ જગ્યાનું વિગતવાર વર્ણન જોઈ શકીએ છીએ. એ બાગ એદન નામના પ્રદેશમાં પૂર્વ દિશાએ આવેલો હતો. એમાં એક નદી વહેતી હતી જેના ચાર ફાંટા પડતા હતા. એના નામ અને કઈ દિશામાં વહેતા એ પણ છે. આ માહિતીને આધારે ઘણા વિદ્વાનો ખોટી આશા બાંધે છે કે એ જગ્યાએ એદન બાગની નિશાનીઓ મળશે. એટલે તેઓએ બાઇબલના આ અહેવાલને ખણખોંદી નાખ્યો છે. આખરે તેઓના વિચારોમાં વિરોધાભાસ જોવા મળે છે. શું તેથી આપણે એવું માની લેવું જોઈએ કે એદન પ્રદેશ, બાગ, નદીઓનું વર્ણન ખોટું કે દંતકથા છે?

આનો વિચાર કરો: એદન બાગમાં જે બન્યું એના આજે લગભગ ૬,૦૦૦ વર્ષ થયા. એ બનાવના લગભગ ૨,૫૦૦ વર્ષ પછી મુસાએ એના વિષે લખ્યું. એ વિષે તેમણે કદાચ કોઈની પાસેથી સાંભળ્યું હશે અથવા અમુક લખાણો તપાસ્યા હોઈ શકે. એ સમયે પણ એદન બાગ તો ઇતિહાસ થઈ ગયો હતો. એનાથી શું તમને નથી લાગતું કે કેટલાક ભૌગોલિક ચિહ્‍નો જેમ કે, નદીનું વહેણ અનેક સદીઓમાં બદલાઈ શકે? પૃથ્વીનું સ્તર હંમેશા બદલાતું રહે છે. જ્યાં એદન બાગ હતો એમ માનવામાં આવે છે એ પ્રદેશમાં વારંવાર ધરતીકંપ થાય છે. અત્યાર સુધીના મોટા ધરતીકંપોમાંથી ૧૭ ટકા આ પ્રદેશમાં થયા હતા. એના લીધે જમીનમાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. નુહના દિવસોમાં આવેલા પૂરે પૃથ્વીના ભૂગોળને બદલી નાખ્યું હોય શકે. પણ કેટલી હદે એ આપણે જાણતા નથી. *

ચાલો જાણવા જેવી કેટલીક સત્ય હકીકતો જોઈએ: ઉત્પત્તિનો અહેવાલ એદન બાગને હકીકત તરીકે દર્શાવે છે. એમાં વર્ણવેલી ચારમાંથી બે નદીઓ છે, યુફ્રેટિસ અને તીગ્રિસ (હિદ્દેકેલ). એ આજે પણ છે અને કેટલીક જગ્યાએ એમના વહેણ ઘણા નજીક નજીક વહે છે. અહેવાલ એ પણ જણાવે છે કે કયા વિસ્તારમાંથી નદીઓ વહે છે. તેમ જ, એ વિસ્તાર કેવા ખનીજો માટે જાણીતો છે. આ માહિતી વાંચનાર ઈસ્રાએલીઓ માટે એ ફક્ત જાણકારી હતી.

શું દંતકથાઓ કે બાળવાર્તાઓ આવી હોય છે? કે પછી એમાં ખાસ માહિતી બાકાત રાખવામાં આવે છે જેથી એનો કોઈ પુરાવો જ ન મળે. ઘણી બાળવાર્તાઓ આ રીતે ચાલુ થાય છે કે “એક સમયે દૂર દેશમાં. . .” જ્યારે ઇતિહાસ જરૂરી માહિતીઓ પૂરી પાડે છે. એદન બાગનો અહેવાલ પણ ઇતિહાસ છે.

૨. શું ખરેખર આદમને માટીમાંથી બનાવ્યો હતો અને હવાને આદમની પાંસળીમાંથી?

આજે વિજ્ઞાન સાબિતી આપે છે કે માનવ શરીર અલગ અલગ તત્ત્વોનું બનેલું છે. જેમ કે હાઇડ્રોજન, ઑક્સિજન અને કાર્બન. આ બધા તત્ત્વો પણ માટીમાં મળી આવે છે. પરંતુ આ બધા તત્ત્વો માનવ શરીરમાં કઈ રીતે આવ્યા?

કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જીવન એની જાતે આવ્યું છે. તેમ જ, શરૂઆતમાં જીવ કોષ એકદમ સાદો હતો અને લાખો વર્ષો દરમિયાન એ વિકસીને વધારે જટિલ બનતો ગયો. ખરેખર તો એ “સાદુ” કહેવાય જ નહિ. કારણ કે નરી આંખે ન દેખાતા એકકોષી સજીવની રચના પણ ખૂબ જ જટિલ હોય છે. આજે એવો કોઈ પુરાવો નથી કે જીવન એની જાતે આવ્યું હોય. સર્વ સજીવો જોરદાર પુરાવો આપે છે કે તેઓ પોતાની મેળે આવી નથી ગયા પણ તેઓને રચવામાં આવ્યા છે. *રૂમી ૧:૨૦.

હવે કલ્પના કરો કે તમે સુંદર સંગીત સાંભળો છો, કોઈ પેઇન્ટિંગની પ્રશંસા કરો છો કે પછી કોઈ ટૅક્નોલૉજીના વખાણ કરો છો. પછી શું તમે એમ કહેશો આ બધું એની મેળે આવ્યું છે? જરાય નહિ! પણ એ બધું માણસના શરીરની જટિલતા, સુંદરતા કે બુદ્ધિની તોલે કદી પણ આવી ન શકે. તો પછી, આપણે કઈ રીતે કહી શકીએ કે માણસના કોઈ રચનાર જ નથી? વધુમાં બાઇબલ જણાવે છે કે ધરતી પરના સર્વ જીવમાંથી ફક્ત મનુષ્યને જ ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બનાવ્યો છે. (ઉત્પત્તિ ૧:૨૬) એટલે ફક્ત મનુષ્યોમાં જ નવી નવી વસ્તુઓ બનાવવાની ક્ષમતા છે. એ તો ઈશ્વર તરફથી દાન છે. તેથી આપણે સુંદર સંગીત, ચિત્રો અને આધુનિક ચીજવસ્તુઓ બનાવી શકીએ છીએ. તો પછી, શું ઈશ્વર આપણા કરતાં પણ વધુ સુંદર વસ્તુઓ બનાવી ન શકે?

બાઇબલ જણાવે છે કે આદમની પાંસળીમાંથી હવાને બનાવી. પણ અમુકને કેમ એ વાત ગળે ઊતરતી નથી? * કદાચ ઈશ્વર બીજી કોઈ રીતે સ્ત્રીને બનાવી શકત. જોકે તેમણે સ્ત્રીને આ રીતે બનાવી એમાં મહત્ત્વનો અર્થ રહેલો છે. ઈશ્વર ચાહતા હતા કે પુરુષ અને સ્ત્રી પરણે અને તેઓ વચ્ચે પાકો નાતો બંધાય. એ હદે કે તેઓ ‘એક દેહની’ જેમ જીવે. (ઉત્પત્તિ ૨:૨૪) સ્ત્રી અને પુરુષ જીવનસાથી છે અને તેઓ એકબીજા સાથે પાકો સંબંધ બાંધે છે. એ શું પુરાવો નથી આપતો કે સર્જનહાર ઈશ્વર બુદ્ધિમાન અને ખૂબ જ પ્રેમાળ છે?

આજે જનીનનો અભ્યાસ કરનારા સ્વીકારે છે કે આપણે બધા એક પુરુષ અને સ્ત્રીમાંથી આવ્યા છે. આ બધી હકીકત જાણ્યા પછી પણ શું હજીયે ઉત્પત્તિના અહેવાલમાં માનવું અઘરું લાગે છે?

૩. શું ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ અને જીવનનું વૃક્ષ દંતકથા છે?

ઉત્પત્તિનો અહેવાલ એવું નથી શીખવતું કે આ બે વૃક્ષોમાં કોઈ અજોડ શક્તિ હોય. ખરેખર તો, એ સામાન્ય વૃક્ષો હતા. યહોવાહે એનો ઉપયોગ કર્યો જેની પાછળ ઊંડો અર્થ રહેલો હતો.

માણસો પણ અમુક વસ્તુઓ કેટલીક વખત એ રીતે વાપરે છે. ધારો કે ન્યાયાધીશ કોઈને અદાલતનો તિરસ્કાર કરવા બદલ શિક્ષા કરવાની ચેતવણી આપે છે. શું ન્યાયાધીશ અદાલતના ફર્નિચર, દીવાલ પરના ચિત્રો માટે એમ કહે છે? ના, જરાય નહિ. ન્યાયાધીશ તો અદાલતના રૂમને નહિ પણ ન્યાય પ્રણાલીનું તિરસ્કાર ન થાય એ માટે એમ કહે છે. એવી જ રીતે, ઘણા રાજાઓ પણ ચિહ્‍નો, મુગટ, રાજદંડને પોતાની સત્તાના પ્રતિક તરીકે વાપરતા. યહોવાહે પણ એવું જ કર્યું હતું.

એ બે વૃક્ષો શું દર્શાવતા હતા? એ વિષે સમજી ન શકાય એવી અનેક બાબતો લોકો કહે છે. જ્યારે કે બાઇબલ એનો વાજબી અને સહેલો જવાબ આપે છે. પણ એનો ઊંડો અર્થ રહેલો છે. ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ દર્શાવતું હતું કે ફક્ત ઈશ્વરને સારું-ખરાબ નક્કી કરવાનો હક્ક છે. (યિર્મેયાહ ૧૦:૨૩) તેથી એ વૃક્ષનું ફળ ચોરીને ખાવું એ તો ગુનો જ કહેવાય. જીવનનું વૃક્ષ દર્શાવતું હતું કે ઈશ્વર જ અમર જીવનનું દાન આપી શકે છે.—રૂમી ૬:૨૩.

૪. શું બોલતો સાપ દંતકથા છે?

જો આપણે બાઇબલની બીજી માહિતીથી અજાણ હોઈએ, તો ઉત્પત્તિમાંના સાપ વિષેની વાત આપણા ગળે જ ન ઉતરે. જોકે, બાઇબલ એના પર વધારે પ્રકાશ ફેંકે છે.

કોની મદદથી સાપ બોલ્યો? સાપ જે રીતે બોલ્યો એ કિસ્સાને લઈને ઈસ્રાએલીઓ બીજી વિગતો પણ સારી રીતે જાણતા હતા. તેઓ જાણતા હતા કે પ્રાણીઓ વાત નથી કરી શકતા. પરંતુ, કોઈ સ્વર્ગ દૂત પ્રાણી વતી બોલી શકે. દાખલા તરીકે, મુસાએ બલઆમનો અહેવાલ લખ્યો હતો. ઈશ્વરે પોતાનો સ્વર્ગ દૂત મોકલ્યો, જે બલઆમના ગધેડા દ્વારા માણસની જેમ બોલ્યો.ગણના ૨૨:૨૬-૩૧; ૨ પીતર ૨:૧૫, ૧૬.

શું દુષ્ટ દૂતો જેઓ ઈશ્વરના દુશ્મનો છે તેઓ પણ આવા ચમત્કાર કરી શકે છે? મુસાની આગળ મિસરના જાદુગરોએ પણ ઈશ્વરના ચમત્કારની અમુક નકલ કરી હતી. જેમ કે, તેઓએ લાકડીથી સાપ બનાવ્યો. એ બતાવે છે કે દુષ્ટ દૂતો પણ ચમત્કાર કરી શકે.—નિર્ગમન ૭:૮-૧૨.

અયૂબનું પુસ્તક પણ મુસાએ ઈશ્વરની પ્રેરણાથી લખ્યું છે. એ શીખવે છે કે ઈશ્વરના મુખ્ય દુશ્મન શેતાને સવાલ ઉઠાવ્યો કે ઈશ્વરભક્તો સ્વાર્થને ખાતર તેમની ભક્તિ કરે છે. (અયૂબ ૧:૬-૧૧; ૨:૪, ૫) એ પરથી, શું ઈસ્રાએલીઓ માનતા હતા કે ઈશ્વરને બેવફા બનવા શેતાને સાપ દ્વારા બોલીને હવાને લલચાવી? હા, કદાચ તેઓ એમ માનતા હોય.

શું સાપની પાછળ શેતાનનો હાથ હતો? હા, ઈસુએ શેતાનને “જૂઠો અને જૂઠાનો બાપ” કહ્યો. (યોહાન ૮:૪૪) “જૂઠાનો બાપ” એટલા માટે કે તે જ પ્રથમ વાર જૂઠું બોલનાર હતો. એ પ્રથમ જૂઠ એટલે કે હવા સાથે કરેલી સાપની વાતચીત. ઈશ્વરે ચેતવણી આપી હતી કે ભલુંભૂંડું જાણવાનું ફળ ખાવાથી મરણ આવશે. જ્યારે સાપે એટલે શેતાને એકદમ અલગ કહ્યું કે “તમે નહિ જ મરશો.” (ઉત્પત્તિ ૩:૪) ઈસુ જાણતા હતા કે શેતાને સાપનો ઉપયોગ કર્યો હતો. એટલા માટે ઈસુએ પ્રેરિત યોહાનને દર્શન આપ્યું એમાં શેતાનને “જૂનો સર્પ” કહ્યો.—પ્રકટીકરણ ૧:૧; ૧૨:૯.

શું હજુય એ માનવું અઘરું લાગે છે કે દુષ્ટ દૂત સાપ દ્વારા વાત કરી શકે? દૂતોની સામે શક્તિશાળી માણસની પણ કંઈ વિસાત નથી. તોપણ માણસો પાસે એવી આવડતો છે કે નિર્જીવ વસ્તુઓને પણ જીવંત રૂપ આપી શકે. જેમ કે, કઠપૂતળીનો ખેલ.

માનવામાં આવે એવો પુરાવો

શું તમને લાગતું નથી કે ઉત્પત્તિના અહેવાલ પર પાયા વગરની શંકાઓ ઉઠાવવામાં આવે છે? જ્યારે બીજી તર્ફે ઘણા પુરાવા બતાવે છે કે એ ખરો ઇતિહાસ છે.

દાખલા તરીકે, બાઇબલમાં ઈસુને ‘વિશ્વાસુ તથા ખરા સાક્ષી’ તરીકે ઓળખવામાં આવે છે. (પ્રકટીકરણ ૩:૧૪) તે સંપૂર્ણ હતા. તેમના હોઠ પર જૂઠ નહિ પણ સત્ય જ હતું. તેમણે કદી સત્યને મચકોડ્યું ન હતું. તે પૃથ્વી પર આવ્યા એ પહેલાં યુગોના યુગોથી સ્વર્ગમાં હતા. અને “જગત ઉત્પન્‍ન” થયું ત્યારથી તે યહોવાહ પિતા સાથે છે. (યોહાન ૧૭:૫) જ્યારે પ્રથમ માણસ આદમને બનાવવામાં આવ્યો ત્યારે ઈસુ સ્વર્ગમાં હતા. એ વિશ્વાસુ સાક્ષી શું કહે છે?

ઈસુએ જણાવ્યું કે આદમ અને હવા દંતકથા નહિ પણ હકીકતમાં હતા. લગ્‍ન વિષે યહોવાહે ઘડેલા ધોરણો સમજાવતી વખતે ઈસુએ આદમ-હવાના લગ્‍નનો ઉલ્લેખ કર્યો. એમાં એ પણ જણાવ્યું કે એક પતિની એક જ પત્ની હોવી જોઈએ. (માત્થી ૧૯:૩-૬) જો હકીકતમાં એદન બાગ અને આદમ-હવા દંતકથા જ હોય, તો ઈસુ છેતરાઈ ગયા હતા અથવા તે જૂઠું બોલતા હતા. બેમાંથી એક ય શક્ય નથી. જ્યારે એદન બાગમાં આ ઘટના બની ત્યારે ઈસુ સ્વર્ગમાંથી એ જોતા હતા. એનાથી વધારે બીજો કયો પુરાવો જોઈએ?

ઉત્પત્તિના અહેવાલ પર શંકા કરીશું તો, ઈસુ ખ્રિસ્ત પર શંકા ઉઠાવ્યા બરાબર છે. એવી શંકાઓને લીધે બાઇબલનો મુખ્ય વિષય અને દિલાસો આપનારા વચનો પર આપણો ભરોસો જ નહિ બેસે. એવું કેવી રીતે બની શકે એ વિષે ચાલો જોઈએ. (w11-E 01/01)

[ફુટનોટ્‌સ]

^ બાઇબલમાં ઈશ્વરનું નામ યહોવાહ છે.

^ બાઇબલ આવું શીખવતું નથી. પણ એ શીખવે છે કે ઈશ્વરનું સર્વ કામ સંપૂર્ણ છે. પરંતુ બીજા કોઈકે આ દુનિયા બગાડી છે. (પુનર્નિયમ ૩૨:૪, ૫) જ્યારે કે યહોવાહે જે સર્વ બનાવ્યું એ સૌથી ‘ઉત્તમ’ હતું.—ઉત્પત્તિ ૧:૩૧.

^ નુહના સમયમાં ઈશ્વર જે જળપ્રલય લાવ્યા એનાથી એદન બાગની નિશાની ભૂંસાઈ ગઈ. હઝકીએલ ૩૧:૧૮ જણાવે છે કે “એદનનાં વૃક્ષો” ઈસવીસન પૂર્વે સાતમી સદી સુધીમાં લુપ્ત થઈ ગયા હતા. તેથી આજે એદન બાગ શોધી રહ્યાં છે તેઓ નકામાં ફાંફાં મારી રહ્યાં છે.

^ વધારે માહિતી માટે ધ ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન વર્થ આસ્કીંગ પુસ્તિકા જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

^ આજે મેડિકલ સાયન્સે શોધી કાઢ્યું છે કે પાંસળીમાં સાજા થવાની અજોડ ક્ષમતા છે. જો પાંસળીના પેશીકોષો સલામત હોય, તો પાંસળી ફરીથી ઉગી શકે છે. જ્યારે કે શરીરના બીજા હાડકાંઓમાં એવું શક્ય નથી.