સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માન આપવાનું બાળકોને શીખવીએ

માન આપવાનું બાળકોને શીખવીએ

માન આપવાનું બાળકોને શીખવીએ

એક ગુજરાતી કહેવત છે: “માન આપે તે માન પામે.” એ બતાવે છે કે માન આપે એવી વ્યક્તિ સૌને ગમે છે. આપણે બીજાને માન બતાવીએ ત્યારે બીજાઓ પણ આપણી સાથે માનથી વર્તશે.

હોન્ડુરાસના એક સરકીટ ઓવરસીયરે જુદીજુદી ઉંમરના બાળકો સાથે ઘરથી ઘર પ્રચાર કામ કર્યું છે. એના વિષે તે જણાવે છે કે “મને જોવા મળ્યું છે કે લોકો પર મારા શબ્દો કરતાં પણ વધારે સારી અસર બાળકોના વાણી-વર્તનથી પડે છે.” આપણા યુવાનો સારું વર્તન બતાવે છે એ જોઈને કેટલો આનંદ થાય છે!

આજ-કાલ લોકો એકબીજાને માન આપતા નથી. તેથી, બીજાઓ સાથે કેવી રીતે વર્તવું એ ધ્યાનમાં રાખવાથી ખૂબ લાભ થાય છે. બાઇબલનું આ વચન આપણને એનાથી પણ વધારે કરવાનું ઉત્તેજન આપે છે: “ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ” કેળવીએ. (ફિલિ. ૧:૨૭; ૨ તીમો. ૩:૧-૫) બીજાઓને માન આપવાનું બાળકોને શીખવીએ એ ઘણું અગત્યનું છે. બાળકો દેખાડો પૂરતું જ નહિ પણ દિલથી માન આપે એવું તેઓને કેવી રીતે શીખવી શકીએ? *

બાળકો બીજાઓના સારાં વર્તનમાંથી શીખે છે

બાળકો જે જુએ એ શીખે છે. એટલે માબાપે પણ સારા વાણી-વર્તન કેળવવા જોઈએ. એની બાળકો પર સારી અસર પડશે. (પુન. ૬:૬, ૭) તેઓને નમ્રતા વિષે શીખવવું જ પૂરતું નથી, પણ સારું ઉદાહરણ બેસાડવું જોઈએ.

ચાલો પાઊલા બહેનનો * વિચાર કરીએ. તેની મમ્મીએ એકલા હાથે તેને સત્યમાં ઉછેરી હતી. બીજાઓને માન બતાવવું એ પાઊલાના સ્વભાવમાં હતું. તે એ ક્યાંથી શીખી? પાઊલા જણાવે છે: “મારી મમ્મી હંમેશા બીજાઓને માન આપતી. તેમની પાસેથી અમે પણ માન આપવાનું શીખ્યા.” વૉલ્ટર ભાઈનો દાખલો લઈએ. તેમણે પોતાના દીકરાઓને તેઓની મમ્મીને માન આપતાં શીખવ્યું, જે સત્યમાં ન હતી. તે કહે છે કે “હું મારી પત્ની વિષે કદી ખરાબ બોલતો નહિ. એ જોઈને મારા દીકરાઓ પણ તેઓની મમ્મીને માન આપતા શીખ્યા.” વૉલ્ટર પોતાના દીકરાઓને બાઇબલમાંથી શીખવતા અને મદદ માટે યહોવાહને પ્રાર્થના કરતા હતા. આજે તેમનો એક દીકરો યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચ ઑફિસમાં છે. બીજો દીકરો પાયોનિયર તરીકે સેવા આપે છે. તેઓને પોતાના મમ્મી-પપ્પા પર ખૂબ જ માન અને પ્રેમ છે.

બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.’ (૧ કોરીં. ૧૪:૩૩) યહોવાહ હંમેશા વ્યવસ્થિત રીતે બધું કરે છે. આપણે પણ તેમની જેમ ઘરમાં બધું સાફ અને વ્યવસ્થિત રાખવું જોઈએ. અમુક માબાપોએ બાળકોને આ બાબતો શીખવી છે: સવારે ઊઠીને પોતાની પથારી વાળવી, કપડાં વાળીને યોગ્ય જગ્યાએ રાખવાં અને ઘરમાં નાનાં-મોટા કામ કરવા. બાળકો ઘર ચોખ્ખું જોશે તો, તેઓ પણ પોતાની વસ્તુઓ અને રૂમ ચોખ્ખાં રાખશે.

માબાપો, તમારું બાળક સ્કૂલમાં જે શીખે છે એ વિષે તેને કેવું લાગે છે? શિક્ષક તેમની પાછળ જે મહેનત કરે છે એની શું તે કદર કરે છે? શું તમે પણ શિક્ષકની કદર કરો છો? શિક્ષકોની શીખવવાની રીત અને બાળકોની મહેનતની કદર કરશો તો, એની બાળકો પર સારી અસર પડશે. બાળકોને ઉત્તેજન આપો કે તેઓ પોતાના શિક્ષકોની કદર બતાવતા રહે. જ્યારે આપણી માટે કોઈ કામ કરે ત્યારે માન બતાવવા તેની કદર કરવી જોઈએ. પછી ભલે એ શિક્ષક, ડૉક્ટર, દુકાનદાર કે બીજું કોઈ હોય. (લુક ૧૭:૧૫, ૧૬) બાળકો સ્કૂલમાં સારી રીતે વર્તીને પ્રેમભાવ રાખે છે. એનાથી તેઓ સ્કૂલના બીજા બાળકોથી અલગ તરી આવે છે. એ માટે તેઓને શાબાશી આપવી જોઈએ.

આપણે યહોવાહના ભક્ત હોવાથી મંડળમાં બધાની સાથે માનથી વર્તવું જોઈએ. મંડળમાં નાનાં-મોટા બાળકો બધાની સાથે પ્રેમભાવથી વર્તે છે, “પ્લીઝ” અને “થેંક્યું” કહે છે એ સાંભળીને આપણને કેટલો આનંદ થાય છે. ભાઈઓ શીખવતા હોય ત્યારે આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. એમ કરવાથી યહોવાહને માન બતાવીએ છીએ. તેમ જ, યુવાનોને પણ ધ્યાનથી સાંભળવા ઉત્તેજન આપી શકીશું. મિટિંગમાં ભાઈ-બહેનોના સારા વર્તન જોઈને બાળકો પણ આડોશી-પાડોશી સાથે માનથી વર્તશે. ચાર વર્ષના એન્ડ્રુનો વિચાર કરો. મોટા લોકો વાત કરતા હોય અને ત્યાંથી નીકળવું હોય ત્યારે તે “એક્સક્યુઝમી” કહીને પસાર થાય છે.

સારું વર્તન રાખવા વિષે માબાપ પોતાના બાળકોને બીજી કઈ રીતે મદદ કરી શકે? બાઇબલમાં એ વિષે ઘણા દાખલાઓ છે. સમય કાઢીને માબાપે એમાંથી શીખવવું જોઈએ. એમ કરવું કંઈ અઘરું નથી.—રૂમી ૧૫:૪.

બાઇબલના દાખલામાંથી શીખવીએ

શમૂએલની માતાએ તેને પ્રમુખ યાજક એલીને નમન કરતાં શીખવ્યું. જ્યારે તે શમૂએલને ઉપાસનાના મંડપમાં લઈ ગઈ ત્યારે કદાચ શમૂએલ ત્રણ કે ચાર વર્ષના હતા. (૧ શમૂ. ૧:૨૮) શું તમે તમારાં નાનાં બાળકોને આમ કહેતા શીખવો છો? જેમ કે, ગુડ મૉર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ કે એના જેવું જે કંઈ યોગ્ય હોય. તમારાં બાળકો પણ યુવાન શમૂએલની જેમ “યહોવાહની તેમ જ માણસોની કૃપા” પામશે.—૧ શમૂ. ૨:૨૬.

સારું અને ખરાબ વર્તન કોને કહેવાય એ વિષે તમે બાઇબલના દાખલામાંથી બાળકોને શીખવી શકો. દાખલા તરીકે, ઈસ્રાએલનો અહાઝયાહ રાજા યહોવાહને બેવફા હતો. તેણે ઈશ્વરભક્ત એલીયાહને પકડવા ‘જમાદારને તેના પચાસ સિપાઈઓ સાથે’ મોકલ્યો. જમાદારે જઈને એલીયાહને પોતાની સાથે આવવા હુકમ કર્યો. ઈશ્વરભક્ત સાથે આવો વર્તાવ કરવો યોગ્ય ન હતો. એલીયાહે શું જવાબ આપ્યો? તેણે કહ્યું: “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્‍નિ ઊતરીને તને તથા તારા પચાસ સિપાઈઓને ભસ્મ કરી નાખો.” ખરેખર એવું જ થયું. “આકાશમાંથી અગ્‍નિએ ઊતરીને તેને તથા તેના પચાસ સિપાઈઓને ભસ્મ કર્યા.”—૨ રાજા. ૧:૯, ૧૦.

રાજાએ ફરીથી બીજા જમાદારને ૫૦ સિપાઈઓ સાથે એલીયાહને પકડવા મોકલ્યો. તેણે પણ એલીયાહને પોતાની સાથે આવવા હુકમ કર્યો. આ વખતે પણ અગ્‍નિથી એ સિપાઈઓ ભસ્મ થઈ ગયા. એ પછી રાજાએ ત્રીજા જમાદારને ૫૦ સિપાઇઓ સાથે મોકલ્યો. તેણે એલીયાહ સાથે માનથી વાત કરી. એલીયાહને હુકમ કરવાને બદલે ઘૂંટણે પડીને આજીજી કરી: ‘હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તારા આ પચાસ દાસોના જીવ તારી દૃષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ. જો, અગ્‍નિએ આકાશમાંથી ઊતરીને પહેલા બે જમાદારોને તેઓના પચાસ પચાસ સિપાઇઓ સહિત ભસ્મ કર્યા છે; પણ હવે મારો જીવ તારી દૃષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.’ ત્રીજો જમાદાર સિપાઈઓ સાથે એલીયાહને પકડવા આવ્યો હતો. પણ તેણે માનથી વાતથી કરી, શું આ વખતે પણ ઈશ્વરને અગ્‍નિ મોકલવાની એલીયાહ વિનંતી કરશે? ના, ઉલટું યહોવાહના દૂતે એલીયાહને એ જમાદાર સાથે જવા જણાવ્યું. (૨ રાજા. ૧:૧૧-૧૫) આ બતાવે છે કે માન આપવું કેટલું મહત્ત્વનું છે.

હવે પાઊલ કઈ રીતે વર્ત્યા એ જોઈએ. રોમી સૈનિકો પાઊલને યરૂશાલેમના મંદિરમાંથી પકડીને કેદમાં લઈ જતા હતા. એ વખતે પાઊલે ધારી ન લીધું કે પોતાના બચાવમાં બોલવું એ તેમનો હક્ક છે. તેમણે સૈનિકોના સરદારને માનથી પૂછ્યું કે શું “મને તમારી સાથે બોલવાની રજા છે?” એનું શું પરિણામ આવ્યું? પાઊલને પોતાના બચાવમાં બોલવાની તક મળી.—પ્રે.કૃ. ૨૧:૩૭-૪૦.

ઈસુ ખ્રિસ્ત પર મુકદ્દમો ચાલતો હતો ત્યારે તેમને લાફા મારવામાં આવ્યા. તે જાણતા હતા કે પોતાના બચાવમાં શું કહેવું. તેમણે કહ્યું: “જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર; પણ જો ખરૂં કહ્યું હોય, તો તું મને કેમ મારે છે?” ઈસુએ જે રીતે કહ્યું એમાં કોઈ ભૂલ ન કાઢી શક્યું.—યોહા. ૧૮:૨૨, ૨૩.

બાઇબલના બીજા અનેક દાખલાઓમાંથી આપણે શીખી શકીએ કે સખત ઠપકો મળે ત્યારે શું કરવું. આપણાથી કંઈ ખોટું થયું હોય કે બેદરકારી બતાવી હોય ત્યારે શું કરવું. (ઉત. ૪૧:૯-૧૩; પ્રે.કૃ. ૮:૨૦-૨૪) દાખલા તરીકે, અબીગાઈલના પતિ નાબાલે દાઊદ સાથે ખરાબ વર્તન કર્યું હતું. એ માટે અબીગાઈલે દાઊદની માફી માંગી. તેમ જ, તેણે દાઊદને ખાવા-પીવાનું પણ ભેટ તરીકે આપ્યું. અબીગાઈલના સારા વર્તનથી દાઊદ ઘણા પ્રભાવિત થયા. એટલે નાબાલના મરણ પછી દાઊદે તેની સાથે લગ્‍ન કર્યા.—૧ શમૂ. ૨૫:૨૩-૪૧.

બાળકોને શીખવવું જોઈએ કે સારા-ખરાબ સંજોગોમાં પણ બીજાઓને માન આપવું મહત્ત્વનું છે. આમ કરવાથી ‘લોકોની આગળ તેઓનું અજવાળું’ પ્રકાશતું રહેશે. એનાથી ઈશ્વરને મહિમા મળશે.—માથ. ૫:૧૬. (w11-E 02/15)

[ફુટનોટ્‌સ]

^ માબાપોએ પોતાનાં બાળકને શીખવવું જોઈએ કે મોટાઓને કેવી રીતે માન બતાવવું જોઈએ. તેમ જ, જો કોઈ ખોટા ઇરાદાથી આવે તો તેની સાથે કેવી રીતે વર્તવું જોઈએ. લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકના પાન ૧૭૦-૧૭૧ જુઓ.

^ અમુક નામો બદલવામાં આવ્યાં છે.