સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“અંત” એટલે શું?

“અંત” એટલે શું?

“અંત” એટલે શું?

“. . . અને ત્યારે જ અંત આવશે.”​—માત્થી ૨૪:૧૪.

છેલ્લા અમુક વર્ષોમાં ઘણા લોકો દુનિયાના અંત વિષે વાત કરી રહ્યા છે. પુસ્તકો, ફિલ્મો અને મૅગેઝિન જાતજાતની આફતો વિષે જણાવે છે. પછી ભલેને એ વિજ્ઞાનને લગતા હોય કે કૉમિક્સ હોય. અમુક કહે છે કે ન્યુક્લિયર વોરથી બધું ખતમ થઈ જશે. તો કેટલાક કહે છે કે મોટી ઉલ્કા પૃથ્વી સાથે અથડાઈને એનો નાશ કરશે. ઘણાનું માનવું છે કે ગંભીર મરકીથી કે ગ્લોબલ વૉર્મિંગથી સર્વનો નાશ થશે. અરે અમુક એ પણ કહે છે કે બીજા ગ્રહોમાંથી કોઈ જીવ (પરગ્રહવાસી) આવીને પૃથ્વીને ભસ્મ કરી નાખશે.

અંત વિષે ધર્મો પણ જાતજાતના વિચારો શીખવે છે. ઘણા કહે છે, ‘અંતમાં’ પૃથ્વીના સર્વ જીવોનો નાશ થશે. માત્થી ૨૪:૧૪ના શબ્દો પર એક ફિલસૂફે કહ્યું, ‘આખા બાઇબલમાં આ કલમ સૌથી મહત્ત્વની છે. આ યુગનો અંત એટલો ગંભીર હશે કે આપણામાંના થોડા જ લોકો એનો વિચાર કરવાની હિંમત કરે છે.’

જે લોકો આવું વિચારે છે તેઓ એક મહત્ત્વની બાબત ભૂલી જાય છે. તેઓ ભૂલી જાય છે કે ઈશ્વરે પૃથ્વીને ‘ઉજ્જડ રહેવા સારૂં બનાવી નથી,’ પણ હંમેશ માટે રહેવા “સ્થાપન કરી” છે. (યશાયાહ ૪૫:૧૮) ઈસુએ “અંત” વિષે વાત કરી ત્યારે તે પૃથ્વી અને સર્વ મનુષ્યોના અંત વિષે વાત કરતા ન હતા. તે કહેવા માગતા હતા કે દુષ્ટ લોકોનો અંત આવશે. એવા લોકોનો જેઓ જાણીજોઈને યહોવાહના માર્ગદર્શન વિરુદ્ધ જીવે છે.

એક દાખલાનો વિચાર કરો. તમારી પાસે એક સુંદર મોટું ઘર છે. તમે અમુક લોકોને એ ઘર એમ જ રહેવા આપ્યું છે. એમાં રહેનારા કેટલાંક લોકો એકબીજા સાથે શાંતિથી રહે છે, અને ઘરને સારી રીતે રાખે છે. જ્યારે કે બીજા અમુક ખૂબ ધમાલ કરે છે, સારા લોકોને હેરાન કરે છે અને ઘરને પણ નુકસાન કરે છે. તમે તેઓને રોકવા કોશિશ કરો છો, ત્યારે તેઓ તમારી સામા થાય છે.

આવા સંજોગમાં તમે શું કરશો? શું તમે ઘરને તોડી નાખશો? ના, તમે ફક્ત ખરાબ લોકોને ઘરમાંથી કાઢી નાખશો. પછી ઘરને રિપેર કરાવશો.

યહોવાહ પણ આવું કંઈક કરવાના છે. ગીતશાસ્ત્રના એક લેખક દ્વારા તેમણે કહ્યું, ‘દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવાહ પર ભરોસો રાખનારાઓ પૃથ્વીનું વતન પામશે. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’​—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.

ઈશ્વરભક્ત પીતરે પણ આ વિષય પર વાત કરી હતી. ઈશ્વર પ્રેરણાથી તેમણે લખ્યું, ‘આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી; તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું.’ (૨ પીતર ૩:૫, ૬) આ કલમમાં પીતર, નુહના જમાનાના જળપ્રલયનો ઉલ્લેખ કરે છે. એ સમયમાં પૃથ્વીનો નહિ, પણ દુષ્ટ લોકોનો નાશ થયો હતો. આ જળપ્રલય ‘અધર્મીઓ માટે ઉદાહરણ’ પૂરું પાડે છે.​—૨ પીતર ૨:૬.

એ જણાવ્યા પછી પીતરે કહ્યું, ‘આકાશ તથા પૃથ્વી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને સારૂ તૈયાર છે.’ એ બતાવે છે કે પૃથ્વીનો નાશ નહિ પણ ફક્ત અધર્મીઓનો નાશ થશે. તો આપણે શાની રાહ જોઈએ છીએ? “તેના વચન પ્રમાણે નવાં આકાશ [ઈશ્વરનું સ્વર્ગીય રાજ્ય] તથા નવી પૃથ્વી [ઈશ્વર ભક્તોથી બનેલી પ્રજા] જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.”​—૨ પીતર ૩:૭, ૧૩.

બાઇબલમાં આપેલી ભવિષ્યવાણી બતાવે છે કે દુષ્ટતાનો “અંત” ખૂબ નજીક છે. એ કઈ રીતે કહી શકીએ? માત્થી ૨૪:૩-૧૪ અને ૨ તીમોથી ૩:૧-૫ વાંચો. *

માત્થી ૨૪:૧૪ એટલી સહેલી છે કે બાળક પણ સમજી શકે. જોકે આપણે જોઈ ગયા તેમ એ કલમ વિષે લોકો કેટલી મૂંઝવણમાં છે. એની પાછળ એક ખાસ કારણ રહેલું છે. શેતાને લોકોને અંધારામાં રાખ્યા છે, જેથી તેઓ બાઇબલના અનમોલ વચનો સમજી ન શકે. (૨ કોરીંથી ૪:૪) બીજું કારણ એ છે કે ઈશ્વરે તેમના હેતુ વિષેની માહિતી ઘમંડી લોકોને આપી નથી. એ જ્ઞાન તે ફક્ત નમ્ર લોકોને જ આપે છે. એ વિષે ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરૂં છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તેં એ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.” (માત્થી ૧૧:૨૫) સાચે જ નમ્ર હોવાથી આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય ખરેખર શું છે, અને ભાવિમાં એ કેવા આશીર્વાદ લાવશે. એ વિષે જાણવું આપણા માટે કેટલો મોટો લહાવો છે. ચાલો આપણે એ રાજ્યને ટેકો આપતા રહીએ અને આશીર્વાદ મેળવતા રહીએ. (w11-E 03/01)

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૯ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૯ પર ચિત્ર]

ઈશ્વરનું રાજ્ય સર્વ દુષ્ટતાનો “અંત” લાવશે