સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ કેવું જીવન જીવ્યાં?

ઈસુ કેવું જીવન જીવ્યાં?

‘જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્‍ન છે.’—યોહાન ૪:૩૪.

ઈસુએ જે સંજોગોમાં ઉપરના શબ્દો કહ્યા એ બતાવે છે કે તેમના જીવનનો ધ્યેય શું હતો. તે સમરૂન અને એના પહાડી વિસ્તારોમાં શિષ્યો સાથે સવારથી મુસાફરી કરી રહ્યા હતા. (યોહાન ૪:૬) બપોર થઈ હોવાથી શિષ્યોને લાગ્યું કે ઈસુ ભૂખ્યા થયા હશે, એટલે તેમને ખાવા વિષે પૂછ્યું. (યોહાન ૪:૩૧-૩૩) જવાબમાં ઈસુએ ઉપરની કલમના શબ્દો કહેતાં પોતાના જીવનનો હેતુ જણાવ્યો. તેમના માટે ઈશ્વરનું કામ કરવું એ ખોરાક કરતાં પણ વધારે મહત્ત્વનું હતું. પોતાના વાણી-વર્તનથી બતાવી આપ્યું કે તે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા આવ્યા હતા. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં શું સમાયેલું હતું?

ઈશ્વરના રાજ્ય વિષે લોકોને જાહેર કરવું અને શીખવવું.

ઈસુના સેવાકાર્ય વિષે બાઇબલ કહે છે: ‘તે રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા આખા ગાલીલમાં ફર્યા.’ (માત્થી ૪:૨૩) ઈસુએ લોકોને ઈશ્વરના રાજ્ય વિષે ફક્ત જણાવ્યું જ નહિ, તેઓને શીખવ્યું અને સમજાવ્યું. ઈશ્વરનું રાજ્ય એ ઈસુના સંદેશાનો મુખ્ય વિષય હતો.

સેવાકાર્ય દરમિયાન ઈસુએ શીખવ્યું કે ઈશ્વરનું રાજ્ય શું છે અને એ શું કરશે. નીચે અમુક રાજ્ય વિષે મુદ્દા આપેલા છે. એ મુદ્દાને ટેકો આપતી અમુક કલમો આપેલી છે, જેમાં ઈસુના શબ્દો છે.

  • ઈશ્વરનું રાજ્ય એ સ્વર્ગીય સરકાર છે. યહોવાહે ઈસુને એ રાજ્યના રાજા તરીકે પસંદ કર્યા છે.—માત્થી ૪:૧૭; યોહાન ૧૮:૩૬.

  • એ રાજ્ય દ્વારા ઈશ્વરનું નામ રોશન થશે અને તેમની ઇચ્છા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી થશે.—માત્થી ૬:૯, ૧૦.

  • ઈશ્વરના રાજ્ય દ્વારા આખી પૃથ્વી એક સુંદર બગીચા જેવી બની જશે, જેને પારાદૈસ કહેવામાં આવે છે.—લુક ૨૩:૪૨, ૪૩.

  • ઈશ્વર નજીકમાં પોતાના રાજ્ય દ્વારા પોતાની ઇચ્છા પૂરી કરશે. *માત્થી ૨૪:૩, ૭-૧૨.

ઈસુના મહાન કામો.

ઈસુ ખાસ તો “ગુરુ” એટલે કે શિક્ષક તરીકે ઓળખાતા. (યોહાન ૧૩:૧૩) પૃથ્વી પરના તેમના સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય દરમિયાન તેમણે ઘણા મહાન કામો કર્યા. આવા કામો કરીને તેમણે બે બાબતો સાબિત કરી. એક કે ઈશ્વરે તેમને મોકલ્યા છે. (માત્થી ૧૧:૨-૬) બીજું કે એના દ્વારા તેમણે ઝલક આપી કે તે ઈશ્વરના રાજ્યના રાજા બનશે ત્યારે મોટા પાયે મહાન કામો કરશે. ચાલો જોઈએ કે તેમણે કેવા ચમત્કારો કર્યા હતા.

જરા વિચાર કરો કે એવા શક્તિશાળી રાજાના રાજમાં આપણું જીવન કેટલું સરસ હશે!

ઈશ્વર યહોવાહના ગુણો વિષે ઈસુએ શીખવ્યું.

યહોવાહ વિષે શીખવવાની વાત આવે ત્યારે ફક્ત તેમના દીકરા જ સૌથી સારી રીતે શીખવી શકે છે. એ દીકરા ઈસુ ખ્રિસ્ત છે. યહોવાહે સૌથી પ્રથમ દૂત ઈસુને ઉત્પન્‍ન કર્યા, એટલે ઈસુને “પ્રથમજનિત” કહેવામાં આવે છે. (કોલોસી ૧:૧૫) વિચાર કરો કે ઈસુ પાસે પિતાની ઇચ્છાઓ, ધોરણો અને કામ કરવાની રીત શીખવાની કેટલી સરસ તક હતી.

ઈસુ એટલે જ કહી શક્યા: “દીકરો કોણ છે, એ બાપ વિના બીજો કોઈ જાણતો નથી; તેમજ બાપ કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.” (લુક ૧૦:૨૨) તે સ્વર્ગમાં હતા ત્યારે યહોવાહ સાથે ઘણો સમય પસાર કર્યો. તે પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે સ્વર્ગીય જીવનની યાદોમાંથી યહોવાહ વિષે શીખવ્યું. તેમણે પૂરા ઉત્સાહથી એ જણાવ્યું. બીજા કોઈએ આ રીતે યહોવાહ વિષે શીખવ્યું ન હતું.—યોહાન ૮:૨૮.

ઈસુએ પોતાના પિતા વિષે સ્વર્ગમાં શીખેલી ઊંડી બાબતોને પૃથ્વી પર સાદી રીતે શીખવી. આમ લોકો એ બાબતોને સહેલાઈથી સમજી શક્યા અને જીવનમાં લાગુ પાડી શક્યા.

બે મહત્ત્વની રીત જોઈએ જેમાં ઈસુએ પોતાના પિતા વિષે જણાવ્યું.

  • ઈસુએ પોતાના શિક્ષણમાં યહોવાહનું નામ, હેતુ અને કામો વિષે જણાવ્યું.—યોહાન ૩:૧૬; ૧૭:૬, ૨૬.

  • ઈસુએ પોતાના કાર્યોથી યહોવાહના વ્યક્તિત્વના અલગ અલગ ગુણો રજૂ કર્યા. તેમણે પિતાનું એટલું સરસ રીતે અનુકરણ કર્યું કે તે જાણે કહી શક્યા, ‘જો તમારે જાણવું હોય કે પિતા કેવા છે તો મારી તરફ જુઓ.’—યોહાન ૫:૧૯; ૧૪:૯.

ઈસુ સાચે જ એક ઉમદા જીવન જીવ્યા. પણ એ સમજવાની જરૂર છે કે તે શા માટે મરણ પામ્યા. પછી ઈસુ વિષે જે શીખીએ એ પ્રમાણે જીવીએ તો એનાથી ઘણો ફાયદો થશે. (w11-E 04/01)

^ ઈશ્વરના રાજ્ય વિષે અને એ જલદી જ આવી રહ્યું છે એ વિષે વધારે જાણવા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક પવિત્ર બાઇબલ શું શીખવે છે? જુઓ. એમાં પ્રકરણ ૮ “ઈશ્વરનું રાજ્ય શું છે?” અને પ્રકરણ ૯ “શું દુનિયાનો ‘અંત’ નજીક છે?” વધારે માહિતી આપશે.