સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની ભક્તિ ગંભીરતાથી કરીએ

યહોવાહની ભક્તિ ગંભીરતાથી કરીએ

યહોવાહની ભક્તિ ગંભીરતાથી કરીએ

‘જે કંઈ ગંભીર હોય, એવી બાબતોનો વિચાર કરો.’​—ફિલિ. ૪:૮, NW.

૧, ૨. આજે ઘણા લોકો કેમ મોજશોખ તરફ ફરે છે? આપણે કેવા સવાલો પર ચર્ચા કરીશું?

 આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જેમાં કદીયે આટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો નથી. જેઓનો ઈશ્વર સાથે સંબંધ નથી તેઓને આ “સંકટના વખતો” સહન કરવા બહુ જ અઘરું લાગે છે. (૨ તીમો. ૩:૧-૫) તેઓ માંડ માંડ દિવસો કાઢે છે. ઘણા લોકો જીવનની ચિંતાઓથી છુટકારો મેળવવા મોજશોખ અને મનોરંજન તરફ ફરે છે.

ઘણા લોકો તણાવને દૂર કરવા મોજશોખને જીવનમાં પહેલું રાખે છે. જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ તેઓની જેમ જીવવા લાગીશું. મોજશોખમાં ડૂબી ન જઈએ એ માટે શું કરવું જોઈએ? શું આપણે હંમેશાં જીવનમાં ગંભીર રહેવું જોઈએ? આપણે કઈ રીતે મોજશોખ અને જરૂરી કામો વચ્ચે સમતોલ રહી શકીએ? આપણે વધારે પડતા ગંભીર ન બનીએ કે મોજશોખમાં ડૂબી ન જઈએ, એ માટે બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે?

મોજશોખમાં ડૂબી ન જઈએ

૩, ૪. ગંભીર રહેવા વિષે બાઇબલ કઈ સલાહ આપે છે?

આ દુનિયા “વિલાસ પર પ્રીતિ” રાખવાને વધારે મહત્ત્વનું ગણે છે. (૨ તીમો. ૩:૪) જો આપણે એ પ્રમાણે કરીશું તો યહોવાહ સાથેનો આપણો સંબંધ તૂટી જશે. (નીતિ. ૨૧:૧૭) ગંભીરતાને લઈને પાઊલે તીમોથી અને તીતસને લખેલા પત્રમાં સરસ સલાહ આપી હતી. એ સલાહને લાગુ પાડવાથી આપણે દુનિયાના વિચારોથી દૂર રહી શકીશું.​—૧ તીમોથી ૨:૧, ૨; તીતસ ૨:૨-૮ વાંચો.

પાઊલની સદીઓ પહેલાં સુલેમાન થઈ ગયા હતા. સુલેમાને જણાવ્યું હતું કે મોજશોખ કરી શકીએ, પણ જીવનની અગત્યની બાબતો માટે જરૂર સમય કાઢવો જોઈએ. (સભા. ૩:૪; ૭:૨-૪) આપણું જીવન બહુ ટૂંકું છે, એટલે તારણ મેળવવા વધારે ‘પ્રયત્ન કરવો’ જોઈએ. (લુક ૧૩:૨૪) ‘જે કંઈ ગંભીર હોય, એવી બાબતોનો’ પહેલાં વિચાર કરવો જોઈએ. (ફિલિ. ૪:૮, ૯, NW) ખ્રિસ્તીઓ તરીકે આ સલાહ દિલમાં ઉતારવી જોઈએ. એ આપણા જીવનના દરેક પાસામાં લાગુ પડે છે.

૫. આપણે શાને મહત્ત્વનું ગણવું જોઈએ?

યહોવાહ અને ઈસુ મહેનતુ છે. આપણે પણ મહેનત કરવાને ખૂબ જ મહત્ત્વનું ગણવું જોઈએ. (યોહા. ૫:૧૭) કદાચ એ જોઈને લોકો આપણી મહેનતના વખાણ કરે અને આપણામાં ભરોસો મૂકે. કુટુંબના શિર પોતાની જવાબદારીને ખૂબ જ મહત્ત્વની ગણે છે. એટલે તે કુટુંબની સંભાળ રાખવા સખત મહેનત કરે છે. જો એમ ના કરે તો તેમણે “વિશ્વાસનો ત્યાગ” કરીને યહોવાહનો નકાર કર્યો છે.​—૧ તીમો. ૫:૮.

ભક્તિને ગંભીરતાથી પણ આનંદથી કરીએ

૬. શા માટે યહોવાહની ભક્તિને ગંભીરતાથી લેવી જોઈએ?

યહોવાહ માટે ખૂબ જ મહત્ત્વનું છે કે તેમની ઇચ્છા પ્રમાણે જ ભક્તિ થાય. એટલે જ્યારે ઈસ્રાએલીઓ યહોવાહની ભક્તિથી ફંટાઈ જતા ત્યારે તેઓને ખરાબ પરિણામ ભોગવવું પડતું. (યહો. ૨૩:૧૨, ૧૩) પહેલી સદીમાં ઈશ્વર ભક્તોએ સાચી ભક્તિમાં ખોટું શિક્ષણ ઘૂસી ન જાય માટે સખત લડત આપવી પડી. (૨ યોહા. ૭-૧૧; પ્રકટી. ૨:૧૪-૧૬) એવી જ રીતે આપણે પણ સાચી ભક્તિને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ.​—૧ તીમો. ૬:૨૦.

૭. પ્રચાર કાર્ય માટે પાઊલે કેવી તૈયારી કરી?

પ્રચાર કરવાથી આપણને આનંદ મળે છે. એ આનંદ જળવાઈ રહે એ માટે આપણે પહેલેથી તૈયારી કરવી જોઈએ. પાઊલે પણ પહેલેથી લોકોનો વિચાર કર્યો હતો. તેમણે લખ્યું: ‘હરકોઈ રીતે કેટલાએકને તારવા સારૂ હું સર્વની સાથે સર્વના જેવો થયો. હું સુવાર્તાની ખાતર સર્વ કરૂં છું.’ (૧ કોરીં. ૯:૨૨, ૨૩) પાઊલે લોકોને ઈશ્વર સાથે સંબંધ બાંધવા મદદ કરી. એ કામથી તેમને ઘણો આનંદ મળ્યો. તેમણે અગાઉથી વિચાર કર્યો કે લોકોની જરૂરિયાતને કઈ રીતે પૂરી પાડવી. આમ તેમણે લોકોને યહોવાહની ભક્તિ કરવાનું ઉત્તેજન આપ્યું.

૮. (ક) લોકોને સત્ય શીખવવા આપણે શું કરવા તૈયાર રહેવું જોઈએ? (ખ) બાઇબલ સ્ટડી ચલાવવાથી આપણને શું મળી શકે?

પાઊલ માટે પ્રચાર કરવો બહુ જ મહત્ત્વનું હતું. તે યહોવાહની અને સાંભળનારની “સેવા” કરવા તૈયાર હતા. (રૂમી ૧૨:૧૧; ૧ કોરીં. ૯:૧૯) શું આપણે પણ બાઇબલમાંથી શીખવવાની જવાબદારી ગંભીરતાથી લઈએ છીએ? પછી ભલે આપણે સ્ટડી ચલાવતા હોય, સભાઓમાં શીખવતા હોય કે કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે શીખવતા હોય. શું આપણને લોકોના જીવનની ચિંતા છે? કદાચ નિયમિત રીતે બાઇબલ અભ્યાસ ચલાવવો આપણને એક બોજ લાગી શકે. ખરું કે એમ કરવા આપણે અમુક બાબતો જતી કરવી પડે. પણ એ પ્રમાણે કરીને આપણે ઈસુનું કહ્યું કરીએ છીએ કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રે.કૃ. ૨૦:૩૫) જ્યારે આપણે કોઈને જીવનના માર્ગ પર ચાલતા શીખવીએ, ત્યારે જે ખુશી મળે છે એની સરખામણી કશાની સાથે થઈ શકે નહિ.

૯, ૧૦. (ક) ગંભીર હોવાનો અર્થ શું નથી થતો? (ખ) વડીલોએ કેવો સ્વભાવ કેળવવો જોઈએ?

ગંભીર થવાનો અર્થ એ નથી કે આપણે હળવાશની પળો ના માણી શકીએ, બીજાઓ સાથે મોજમઝા ના કરી શકીએ. ઈસુનો વિચાર કરો. તેમણે લોકોને શીખવવાની સાથે આરામ કરવા અને બીજાઓ સાથે દોસ્તી બાંધવા પણ ઉત્તેજન આપ્યું. (લુક ૫:૨૭-૨૯; યોહા. ૧૨:૧, ૨) ગંભીર થવાનો અર્થ એ પણ નથી કે હંમેશાં કડક સ્વભાવ રાખીએ. જો ઈસુએ એવું કર્યું હોત તો લોકો તેમની પાસે આવ્યા ના હોત. ઈસુ બહુ જ મળતાવડા સ્વભાવના હતા, એટલે બાળકોને પણ તેમની પાસે જવું ગમતું. (માર્ક ૧૦:૧૩-૧૬) શું આપણે ઈસુ જેવો સ્વભાવ કેળવી શકીએ?

૧૦ એક ભાઈ પોતાના મંડળના વડીલ વિષે જણાવતા કહે છે, ‘તે વડીલ પોતાની પાસે ઘણી અપેક્ષા રાખે છે, પણ બીજાઓ પાસેથી એવી ઊંચી અપેક્ષા રાખતા નથી.’ તમે ભાઈ-બહેનો પાસે કેવી અપેક્ષા રાખો છો? બીજાઓ માટે થોડી અપેક્ષા રાખવી એ યોગ્ય છે. દાખલા તરીકે માબાપ પોતાના બાળકો પાસે યોગ્ય અપેક્ષા રાખે છે. તેઓ એ અપેક્ષા પૂરી કરવા બાળકોને મદદ કરે છે, ત્યારે બાળકો એ કામ ખુશી ખુશી કરે છે. એવી જ રીતે વડીલો પણ મંડળના સભ્યોને પ્રગતિ કરવા ઉત્તેજન આપી શકે, યોગ્ય સૂચનો આપી શકે. જ્યારે પ્રેમથી સૂચનો આપવામાં આવે ત્યારે ભાઈ-બહેનો ખુશીથી એ પાળે છે. (રૂમી ૧૨:૩) એક બહેન કહે છે, ‘જો વડીલ દરેક વાતને મજાક બનાવી દે તો મને નહિ ગમે. જો તે દરેક વખતે ગંભીર રહેશે તો પણ તેમની સાથે વાત કરવાનું મન નહિ થાય.’ બીજા એક બહેનને લાગે છે કે ‘અમુક વડીલો ખૂબ જ કડક હોય છે, એટલે તેઓ પાસે જતા ડર લાગે છે.’ યહોવાહ આનંદી ઈશ્વર છે, એ કારણે આપણે તેમની ભક્તિ આનંદથી કરવી જોઈએ. (૧ તીમો. ૧:૧૧) વડીલો ખ્યાલ રાખો કે તમે એવું કંઈ ન કરો, જેથી ભાઈ-બહેનોની ભક્તિનો આનંદ છીનવાઈ જાય.

મંડળમાં જવાબદારી ઉપાડવાની ઇચ્છા બતાવો

૧૧. જે ભાઈઓ ‘સારા કામની ઇચ્છા રાખે છે’ તેઓએ શું કરવું જોઈએ?

૧૧ પાઊલે મંડળના ભાઈઓને વધારે જવાબદારી ઉપાડવા ઉત્તેજન આપ્યું હતું. જોકે તે એ કહેવા માગતા ન હતા કે વ્યક્તિ ઊંચી પદવી મેળવવા માટે જવાબદારી ઉપાડે. તેમણે લખ્યું ‘જો કોઈ માણસ જવાબદારી ઉપાડવાની ઇચ્છા રાખે છે, તો તે સારા કામની ઇચ્છા રાખે છે.’ (૧ તીમો. ૩:૧,) જે ભાઈઓ ‘સારા કામની ઇચ્છા રાખે છે’ તેઓએ સારા ગુણો કેળવવા જોઈએ. ભાઈ-બહેનોની સેવા કરવા સખત મહેનત કરવી જોઈએ. એક વરસથી બાપ્તિસ્મા પામેલા હોય એવા ભાઈઓને સેવકાઈ ચાકર તરીકે પસંદ કરવામાં આવી શકે. તેઓ વાજબી હદ સુધી ૧ તીમોથી ૩:૮-૧૩માં જણાવેલી જરૂરિયાતો પ્રમાણે જીવતા હોવા જોઈએ. આઠમી કલમ મુજબ ‘સેવકાઈ ચાકર પણ ગંભીર’ હોવા જોઈએ.

૧૨, ૧૩. યુવાન ભાઈઓ કઈ રીતે વધારે જવાબદારી ઉપાડવાની ઇચ્છા પૂરી કરી શકે?

૧૨ શું તમે બાપ્તિસ્મા પામેલા આશરે ૧૮-૧૯ વર્ષના ભાઈ છો? શું તમે ભક્તિને ગંભીરતાથી લો છો? એમ હોય તો તમે કઈ રીતે વધારે જવાબદારી ઉપાડવાની ઇચ્છા પૂરી કરી શકો? પ્રચાર કરવાની આવડત કેળવો. નાના-મોટા બધા સાથે પ્રચારમાં જાવ. બાઇબલ અભ્યાસ મેળવવાની કોશિશ કરો. જ્યારે મંડળમાં મળતા સૂચનો પ્રમાણે બાઇબલ અભ્યાસ ચલાવશો ત્યારે તમે શીખવવાની આવડતમાં વધારો કરશો. બાઇબલ સ્ટડી ચલાવવાથી તમે હમદર્દી બતાવતા શીખશો. વિદ્યાર્થી ફેરફાર કરવા ચાહે, ત્યારે તમે સમજી-વિચારીને અને ધીરજથી તેને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડતા શીખવી શકશો.

૧૩ યુવાન ભાઈઓ, શક્ય હોય તેમ વૃદ્ધ ભાઈ-બહેનોને મદદ કરો. કિંગ્ડમ હૉલની દેખરેખ અને સફાઈ માટે મદદ કરો. જ્યારે યુવાન ભાઈઓ એમ કરે છે, ત્યારે એ સાબિતી આપે છે કે તેઓ યહોવાહની ભક્તિને અગત્યની ગણે છે. યુવાન ભાઈઓ, કેમ નહિ કે તમે તીમોથીની જેમ મંડળની જવાબદારી સારી રીતે નિભાવતા શીખો!​—ફિલિપી ૨:૧૯-૨૨ વાંચો.

૧૪. યુવાન ભાઈઓ જવાબદારી ઉપાડવા તૈયાર છે, એની ‘પારખ’ કઈ રીતે થઈ શકે?

૧૪ મંડળમાં ઘણા યુવાનો “જુવાનીના વિષયોથી નાસી” જઈને “ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ” જેવા સારા ગુણો કેળવે છે. (૨ તીમો. ૨:૨૨) વડીલો, તમે એવા યુવાનોનો ઉપયોગ કરી શકો. ‘તેઓની પ્રથમ પારખ’ કરવા અમુક જવાબદારીઓ સોંપો. પછી જુઓ કે તેઓ વધારે જવાબદારી ઉપાડવા તૈયાર છે કે કેમ. એમ કરવાથી તેઓની ‘પ્રગતિ સર્વના જાણવામાં આવશે.’​—૧ તીમો. ૩:૧૦; ૪:૧૫.

મંડળ અને કુટુંબની જવાબદારી ગંભીરતાથી ઉપાડીએ

૧૫. ૧ તીમોથી ૫:૧, ૨ પ્રમાણે બીજાઓ સાથેના વ્યવહારમાં ગંભીર રહેવા શું કરવું જોઈએ?

૧૫ ગંભીર રહેવાનો અર્થ એ પણ થાય કે ભાઈ-બહેનોને માન આપવું. બીજાઓને માન આપવા વિષે પાઊલે તીમોથીને ઉત્તેજન આપ્યું. (૧ તીમોથી ૫:૧, ૨ વાંચો.) ખાસ કરીને વિરુદ્ધ જાતિની કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર કરતા હોવ, ત્યારે આ માર્ગદર્શન પાળવું બહુ જરૂરી છે. અયૂબે પત્નીને અને સ્ત્રીઓને ખૂબ જ માન આપ્યું. આપણે તેમના દાખલાને અનુસરવું જોઈએ. તેમણે હંમેશાં ખ્યાલ રાખ્યો કે સ્ત્રીઓને ખોટી નજરે ના જુએ. (અયૂ. ૩૧:૧) જો આપણે ભાઈ-બહેનોને માન આપીશું તો લગ્‍નના ઇરાદા વગર તેઓ સાથે પ્રેમ કરવાનો ડોળ નહિ કરીએ. તેઓમાં ખોટી રીતે રસ નહિ બતાવીએ. એવું કંઈ પણ નહિ કરીએ જેથી તેઓને આપણી દોસ્તી ના ગમે. જ્યારે વ્યક્તિઓ લગ્‍ન પહેલાં એકબીજાને ઓળખવા વાતચીત કરતા હોય, ત્યારે એકબીજાને માન આપવું બહુ જરૂરી છે. ભક્તિને ગંભીર ગણતા ભાઈ-બહેનો કદી પણ બીજાઓની લાગણીઓ સાથે રમશે નહિ.​—નીતિ. ૧૨:૨૨.

૧૬. કુટુંબના શિર વિષે કઈ રીતે બાઇબલના વિચારો દુન્યવી વિચારોથી સાવ અલગ છે?

૧૬ કુટુંબમાં ઈશ્વરે આપણને જે જવાબદારી સોંપી છે એ ગંભીર રીતે નિભાવવી જોઈએ. જોકે ફિલ્મ અને સિરિયલમાં પતિ અને પિતાને બેવકૂફ હોય એ રીતે બતાવવામાં આવે છે. જ્યારે કે બાઇબલમાં કુટુંબના શિરને ઘણું માન આપવામાં આવે છે. ઈશ્વરે, પતિને ‘પત્નીના શિર’ તરીકેની જવાબદારી સોંપી છે.​—એફે. ૫:૨૩; ૧ કોરીં. ૧૧:૩.

૧૭. આપણે કુટુંબ તરીકે ભક્તિની જવાબદારીને ગંભીરતાથી લઈએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

૧૭ પિતાએ કુટુંબની જરૂરિયાત પૂરી પાડવી જોઈએ. કુટુંબને ઈશ્વરની ભક્તિમાં માર્ગદર્શન આપવું જોઈએ. જો એમ નહિ કરે તો તે ડહાપણ બતાવતા નથી. (પુન. ૬:૬, ૭) કુટુંબના શિર, મંડળમાં વધારે જવાબદારી ઉપાડવા ઇચ્છતા હોય તો તેમણે શું કરવું જોઈએ? ૧ તીમોથી ૩:૪ કહે છે કે તમે ‘પોતાના ઘરનાંને સારી રીતે ચલાવનાર, અને છોકરાંને ગંભીરતાથી આધીન રાખનાર હોવા જોઈએ.’ એ માટે કુટુંબના શિર વિચારી શકે કે ‘શું હું નિયમિત રીતે કુટુંબ સાથે ભક્તિ કરવા સમય કાઢું છું?’ અફસોસ કે અમુક પત્નીઓએ પતિને ભક્તિમાં આગેવાની લેવા આજીજી કરવી પડે છે. એટલે દરેક પતિએ તપાસ કરવી જોઈએ કે તે પોતાની જવાબદારી ગંભીરતાથી નિભાવે છે કે નહિ. પત્નીઓએ પણ કુટુંબમાં ભક્તિ કરવાની ગોઠવણને ટેકો આપવો જોઈએ. એને સફળ બનાવવા પતિને પૂરો સહકાર આપવો જોઈએ.

૧૮. જીવનની મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવા બાળકો શું કરી શકે?

૧૮ બાળકોને ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ પણ જીવનની મહત્ત્વની બાબતો પર ધ્યાન આપે. (સભા. ૧૨:૧) ઉંમર મુજબ ઘરમાં કામકાજ કરતા શીખે. એનાથી તેઓને ઘણો ફાયદો થશે. (યિ.વિ. ૩:૨૭) રાજા દાઊદ, જ્યારે નાના હતા ત્યારે એક સરસ ઘેટાંપાળક બનતા શીખ્યા. વાજિંત્રો વગાડતા અને કવિતા કરતા શીખ્યા. એ આવડતોને લીધે તે ઈસ્રાએલના રાજાની સેવા કરી શક્યા. (૧ શમૂ. ૧૬:૧૧, ૧૨, ૧૮-૨૧) નાનપણમાં દાઊદે મોજ-મસ્તી તો કરી હશે. સાથે તે એવી કીમતી આવડતો શીખ્યા હશે, જેના દ્વારા તે યહોવાહની સ્તુતિ કરી શક્યા. ઘેટાંપાળક તરીકે તેમને જે ગુણો કેળવવા મળ્યા એનાથી તે ઈસ્રાએલી પ્રજાની સારી રીતે આગેવાની લઈ શક્યા. યુવાનો, તમે કેવી આવડતો શીખી રહ્યા છો? કેમ નહિ કે તમે એવી આવડતો શીખો જેનાથી તમે ભાવિમાં સારી રીતે જવાબદારી નિભાવી શકો. ઉપરાંત યહોવાહની સારી રીતે ભક્તિ કરી શકો.

સમતોલ બનીએ

૧૯, ૨૦. તમે કેવો સ્વભાવ કેળવવાનો નિર્ણય કરશો? તમે ભક્તિ માટે કેવું વલણ રાખશો?

૧૯ આપણે જીવનમાં વધારે પડતા ગંભીર કે કડક ન બનવું જોઈએ. તેમ જ ‘દોઢડાહ્યા ન’ બનવું જોઈએ. (સભા. ૭:૧૬) ઘરે, કામ પર કે પછી ભાઈ-બહેનો સાથે હોઈએ અને તણાવ ઊભો થાય ત્યારે શું કરી શકીએ? એવા સમયે થોડીક રમૂજ કરીને વાતાવરણને હળવું બનાવી શકીએ. ઘરમાં એકબીજાની નિંદા ના થાય એનો ખ્યાલ રાખવો જોઈએ, નહિતર ઘરની શાંતિ છીનવાઈ જશે. મંડળમાં બધા ભાઈ-બહેનોની સંગતનો આનંદ માણવો જોઈએ. ખુશમિજાજી બનતા શીખવું જોઈએ. આપણું બોલવું અને શીખવવું હંમેશાં ઉત્તેજન ભરેલું હોવું જોઈએ.​—૨ કોરીં. ૧૩:૧૦; એફે. ૪:૨૯.

૨૦ આપણે એવી દુનિયામાં રહીએ છીએ જેમાં મોટાભાગના લોકો યહોવાહને અને તેમના નિયમોને ગંભીરતાથી લેતા નથી. પણ યહોવાહના ભક્તો તરીકે આપણે તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ. તેમને વળગી રહેવા વિષે હંમેશાં વિચારવું જોઈએ. યહોવાહના સાક્ષીઓ ‘ગંભીરતાથી’ યહોવાહની ભક્તિ કરે છે. એ સંગઠનનો ભાગ હોવાથી આપણને કેટલો આનંદ મળે છે. તેથી ચાલો આપણે જીવનને કીમતી ગણીએ અને યહોવાહની ભક્તિ ગંભીરતાથી કરીએ. (w11-E 04/15)

જવાબમાં શું કહેશો?

• લોકો જીવનને ગંભીરતાથી લેતા નથી એ વિચારને ટાળવા શું કરી શકીએ?

• આપણે પ્રચાર કામને ગંભીરતાથી પણ આનંદથી કરવા શું કરવું જોઈએ?

• આપણે જવાબદારીને ગંભીરતાથી લઈએ છીએ એ શાનાથી દેખાય આવે છે?

• ભાઈ-બહેનો અને કુટુંબીજનોને માન આપવું કેમ મહત્ત્વનું છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્રો]

પતિએ મહેનતુ બનીને કુટુંબની સંભાળ રાખવી જોઈએ અને ભક્તિમાં આગેવાની લેવી જોઈએ