સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સદ્‍ગુણો કેળવવાથી ઈશ્વરને મહિમા મળે છે

સદ્‍ગુણો કેળવવાથી ઈશ્વરને મહિમા મળે છે

સદ્‍ગુણો કેળવવાથી ઈશ્વરને મહિમા મળે છે

‘તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે.’​—યોહા. ૧૫:૮.

૧, ૨. (ક) બીજાઓને ઉત્તેજન આપવા આપણે શું કરી શકીએ? (ખ) યહોવાહની ભક્તિ સારી રીતે કરી શકીએ એ માટે તેમણે કઈ ભેટ આપી છે?

 આ અનુભવોનો વિચાર કરો. મંડળમાં એક બહેન જુએ છે કે એક યુવાન બહેન ચિંતામાં છે. તે તેની સાથે પ્રચારમાં જવાનું નક્કી કરે છે. ઘરઘરના પ્રચાર દરમિયાન યુવાન બહેન પોતાની ચિંતા જણાવે છે. યુવાન બહેન એ જ દિવસે યહોવાહને પ્રાર્થના કરે છે. તે દિલથી યહોવાહનો આભાર માને છે કે પેલા બહેને તેને ખરા સમયે ઉત્તેજન આપ્યું. બીજા અનુભવનો વિચાર કરો. એક યુગલ પરદેશમાં અમુક સમય પ્રચાર કરીને પોતાના ઘરે પાછા આવે છે. તેઓ અમુક ભાઈ-બહેનોને પોતાના ઘરે બોલાવે છે. તેઓ ખુશી ખુશી પોતાના અનુભવો જણાવે છે. એક યુવાન ભાઈ ચૂપચાપ આ બધું સાંભળે છે. અમુક વર્ષો પછી એ યુવાન ભાઈ પોતે બીજા દેશમાં જવા તૈયારી કરે છે. તે યાદ કરે છે કે એ યુગલની વાતચીતથી તેને મિશનરી બનવાની પ્રેરણા મળી હતી.

કદાચ આવા અનુભવો તમને યાદ અપાવે કે વાતચીત કરવાથી તમારું કે બીજાનું જીવન સાવ બદલાઈ ગયું હોય. જોકે દરેક વખતે એવું થતું નથી. તોય બીજાઓને મજબૂત કરવા અને ઉત્તેજન આપવા આપણી પાસે ઘણી તકો રહેલી છે. ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા અને યહોવાહની ભક્તિ વધારે સારી રીતે કરવા આપણે આવડતો અને ગુણો કેળવવાની જરૂર છે. એ કેળવવા આપણને ક્યાંથી મદદ મળી શકે? એ માટે યહોવાહે આપણને તેમની શક્તિની મદદ આપી છે. (લુક ૧૧:૧૩) ઈશ્વરની શક્તિથી આપણે જીવનમાં ઘણા સારા ગુણો કેળવી શકીએ છીએ. સાચે જ ઈશ્વરની શક્તિ આપણા માટે કીમતી ભેટ છે.​—ગલાતી ૫:૨૨, ૨૩ વાંચો.

૩. (ક) આપણે શા માટે ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો કેળવવા જોઈએ? (ખ) આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

યહોવાહની શક્તિની મદદથી આપણે તેમના જેવા ગુણો કેળવી શકીએ છીએ. (કોલો. ૩:૯, ૧૦) આપણે શા માટે ઈશ્વર જેવા ગુણો કેળવવા જોઈએ? એનું કારણ આપતા ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે.’ * (યોહા. ૧૫:૮) જ્યારે ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો કેળવીએ છીએ ત્યારે એની અસર આપણા વાણી-વર્તનમાં જોવા મળે છે. એનાથી યહોવાહને મહિમા મળે છે. (માથ. ૫:૧૬) દુનિયાના લોકો જે ગુણો બતાવે છે એ કઈ રીતે ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણોથી અલગ છે? આપણે કઈ રીતે ઈશ્વર જેવા ગુણો કેળવી શકીએ? શા માટે એ કેળવવા અઘરા લાગી શકે? આ લેખમાં આપણે આ પ્રશ્નોની ચર્ચા કરીશું. ઈશ્વરની શક્તિ દ્વારા મળતા પ્રેમ, આનંદ અને શાંતિ જેવા ત્રણ ગુણોની પણ ચર્ચા કરીશું.

બાઇબલના સિદ્ધાંતો પર નભતો પ્રેમ

૪. ઈસુએ પોતાના શિષ્યોને કેવો પ્રેમ બતાવવા વિષે શીખવ્યું?

ઈશ્વરની શક્તિ દ્વારા જે પ્રેમ કેળવીએ છીએ, એ આ દુનિયાના લોકોમાં જોવા મળતા પ્રેમથી સાવ અલગ છે. એનું કારણ એ છે કે એવો પ્રેમ ઈશ્વરના સિદ્ધાંતો પર નભે છે. ઈસુએ એ ફરક તેમના પહાડ પરના ઉપદેશમાં બતાવ્યો. (માત્થી ૫:૪૩-૪૮ વાંચો.) તેમણે જણાવ્યું કે દુનિયાના લોકો પણ એકબીજાને પ્રેમ બતાવે છે. એવા પ્રેમમાં તેઓ ખરા અર્થમાં કોઈ ભોગ આપતા નથી. તેઓ ખાલી એકબીજા સાથે ઉછીનો વહેવાર રાખતા હોય છે. જો આપણે ‘સ્વર્ગમાંના પિતાના દીકરા થવા’ માગતા હોઈએ, તો એવા લોકોથી અલગ તરી આવવું જોઈએ. જેવા સાથે તેવા થવાને બદલે આપણે લોકોને યહોવાહની નજરે જોવા જોઈએ. આપણે કઈ રીતે ઈસુની આજ્ઞા પ્રમાણે દુશ્મનોને પ્રેમ બતાવી શકીએ?

૫. આપણા સતાવનારાઓને પ્રેમ બતાવવા શું કરવું જોઈએ?

ચાલો બાઇબલના એક દાખલા પર વિચાર કરીએ. પાઊલ અને સીલાસ ફિલિપીમાં પ્રચાર કરતા હતા, ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી. તેઓને ખૂબ મારવામાં આવ્યા અને કેદખાનામાં પૂરવામાં આવ્યા. તેઓના પગ હેડમાં નાખવામાં આવ્યા. આ દરમિયાન જેલરે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હશે. પણ જ્યારે ધરતીકંપ થયો અને અચાનક તેઓનો છુટકારો થયો ત્યારે શું તેઓએ વેર વાળ્યું? ના જરાય નહિ. તેઓમાં નિસ્વાર્થ પ્રેમ હતો. એટલે જેલરના ભલા માટે તરત પગલાં લીધાં. પરિણામે જેલર અને તેનું આખું કુટુંબ યહોવાહના ભક્ત બન્યા. (પ્રે.કૃ. ૧૬:૧૯-૩૪) આજે પણ ઘણા ભાઈ-બહેનોએ એવો જ પ્રેમ બતાવીને ‘સતાવનારાઓને આશીર્વાદ આપ્યો’ છે.​—રૂમી ૧૨:૧૪.

૬. આપણે કઈ રીતે ભાઈ-બહેનોને નિસ્વાર્થ પ્રેમ બતાવી શકીએ? (પાન ૨૫નું બૉક્સ જુઓ)

આપણા ભાઈ-બહેનોને કેટલી હદ સુધી નિસ્વાર્થ પ્રેમ બતાવવો જોઈએ? ‘ભાઈઓને માટે જીવ આપવો જોઈએ.’ (૧ યોહાન ૩:૧૬-૧૮ વાંચો.) જોકે મોટાભાગે એવું કરવાની જરૂર પડતી નથી, આપણે નાની-નાની બાબતોમાં પ્રેમ બતાવી શકીએ. જેમ કે, આપણા કઈ કહેવા કે કરવાથી ભાઈ-બહેનોને ખોટું લાગે તો સુલેહ કરવા પહેલ કરી શકીએ. (માથ. ૫:૨૩, ૨૪) પણ જો કોઈ આપણને ખોટું લગાડે તો શું? શું આપણે ‘ક્ષમા કરવાને તત્પર છીએ,’ કે પછી મોઢું ચઢાવીને ફરીએ છીએ? (ગીત. ૮૬:૫) ઈશ્વરની શક્તિ દ્વારા જે પ્રેમ કેળવીએ છીએ એ આવી નાની-નાની બાબતોને ભૂલી જવા મદદ કરે છે. યહોવાહે ‘આપણને ક્ષમા આપી’ તેમ આપણે બીજાઓને ક્ષમા આપતા અચકાઈએ નહિ.​—કોલો. ૩:૧૩, ૧૪; ૧ પીત. ૪:૮.

૭, ૮. (ક) કઈ રીતે આપણે ભાઈ-બહેનો માટે નિસ્વાર્થ પ્રેમ કેળવી શકીએ? (ખ) યહોવાહ માટેનો પ્રેમ ગાઢ બનાવવા શું કરવું જોઈએ? (પાન ૨૩નું ચિત્ર જુઓ.)

ભાઈ-બહેનો માટે નિસ્વાર્થ પ્રેમ કેળવવા શું કરવું જોઈએ? એમ કરવા પહેલાં ઈશ્વર માટે ઊંડો પ્રેમ વિકસાવીએ. (એફે. ૫:૧, ૨; ૧ યોહા. ૪:૯-૧૧, ૨૦, ૨૧) બાઇબલ વાંચન અને મનન કરીને, તેમ જ દિલથી પ્રાર્થના કરીને યહોવાહ માટેનો પ્રેમ વિકસાવી શકીએ. એટલે જરૂરી છે કે એ બધા માટે સમય કાઢીએ.

માની લો કે તમને દિવસમાં અમુક ચોક્કસ સમય આપ્યો છે, અને એ જ સમયે તમે બાઇબલ વાંચન, મનન તેમ જ પ્રાર્થના કરી શકો. તો તમે જરૂર એ સમયે બીજી કોઈ બાબતને આડે આવવા નહિ દો. પણ કેટલું સારું કે કોઈ ખાસ સમયને બદલે આપણે ગમે તે સમયે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ. કોઈ આપણને પ્રાર્થના કરતા રોકી શકતું નથી. જ્યારે ઇચ્છીએ ત્યારે બાઇબલ વાંચી શકીએ છીએ. જોકે જીવન બહુ જ વ્યસ્ત છે, એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. રોજબરોજના કામોમાં એટલા ડૂબી ના જઈએ કે એની અસર યહોવાહ સાથેના આપણા સંબંધ પર પડે. શું તમે યહોવાહને વધારે સારી રીતે ઓળખવા દરરોજ સમય કાઢો છો?

ઈશ્વરની શક્તિ દ્વારા મળતો આનંદ

૯. ઈશ્વરની શક્તિ દ્વારા મળતો આનંદ શું કરવા મદદ કરે છે?

ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણોમાં આનંદ પણ છે. એટલે જીવનમાં ભલે ગમે તેવી તકલીફો આવે એ ગુણ ટકી રહે છે. આનંદ એવા છોડ જેવો છે જે ઉજ્જડ જગ્યામાં ફૂલે-ફાલે છે. દુનિયા ફરતે ઈશ્વરના ઘણા ભક્તો ‘વિપત્તિઓ વેઠીને પણ ઈશ્વરની શક્તિથી આનંદસહિત પ્રભુની વાત સ્વીકારે છે.’ (૧ થેસ્સા. ૧:૬) એ શક્તિ ઘણા ભક્તોને દુઃખ-તકલીફોમાં ‘આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલ રહેવા’ મદદ કરે છે. (કોલો. ૧:૧૧) કેવી બાબતોથી આપણને આનંદ મળે છે?

૧૦. કેવી બાબતોથી આપણને આનંદ મળે છે?

૧૦ શેતાનની દુનિયામાં “દ્રવ્યની અસ્થિરતા” છે, પણ ઈશ્વર તરફથી જે સત્યનો ખજાનો મળે છે એ સદા રહે છે. (૧ તીમો. ૬:૧૭; માથ. ૬:૧૯, ૨૦) ભાવિ માટે તેમણે સુંદર આશા રાખી છે, એનાથી આનંદ મળે છે. દુનિયા ફરતેના ભાઈ-બહેનોની સંગતનો એક ભાગ હોવાથી આનંદ મેળવીએ છીએ. સૌથી વધારે તો ઈશ્વર સાથે સંબંધ બાંધવાથી આનંદ મળે છે. દાઊદને અમુક સમય સુધી પોતાના રાજ્યમાંથી નાસી જવું પડ્યું છતાં તે આનંદિત રહ્યા. યહોવાહનો મહિમા ગાતા તેમણે કહ્યું: “તારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ.” (ગીત. ૬૩:૩, ૪) ભલે ગમે તેવી મુશ્કેલીઓ આવે, ચાલો આપણે દાઊદની જેમ આનંદથી યહોવાહના ગુણગાન ગાઈએ.

૧૧. શા માટે યહોવાહની ભક્તિ આનંદથી કરવી મહત્ત્વનું છે?

૧૧ પાઊલે ખ્રિસ્તીઓને અરજ કરી “પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.” (ફિલિ. ૪:૪) શા માટે યહોવાહની ભક્તિ આનંદથી કરવી મહત્ત્વનું છે? કારણ કે શેતાને આરોપ મૂક્યો છે કે મનુષ્ય ખુશી ખુશી યહોવાહની ભક્તિ કરતો નથી. (અયૂ. ૧:૯-૧૧) તેણે એમ પણ દાવો કર્યો છે કે યહોવાહ સારી રીતે રાજ કરી શકતા નથી. જો આપણે બસ એક ફરજ સમજીને ભક્તિ કરીશું તો આપણી ભક્તિ અધૂરી છે. ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું, “આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેની આગળ આવો.” (ગીત. ૧૦૦:૨) જ્યારે આપણે પૂરા દિલથી અને આનંદથી ભક્તિ કરીએ છીએ, ત્યારે યહોવાહને મહિમા મળે છે.

૧૨, ૧૩. ઉદાસ હોઈએ ત્યારે શું કરી શકીએ?

૧૨ હકીકતમાં આપણે બધાં અમુક વખતે ઉદાસ થઈ જઈએ છીએ. (ફિલિ. ૨:૨૫-૩૦) આવા સમયે શું કરવું જોઈએ? એફેસી ૫:૧૮, ૧૯ કહે છે, ‘પવિત્ર શક્તિથી ભરપૂર થાઓ; ગીતોથી, સ્તોત્રોથી, ભજનોથી તથા એકબીજાની સાથે વાતો કરીને તમારાં હૃદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ.’ આપણે આ સલાહ કઈ રીતે લાગુ પાડી શકીએ?

૧૩ ઉદાસ હોઈએ ત્યારે યહોવાહને પ્રાર્થના કરીએ. જે સારી બાબતો છે એના પર વિચાર કરીએ. (ફિલિપી ૪:૬-૯ વાંચો.) અમુક ભાઈ-બહેનોને કિંગ્ડમ સોંગ ગણગણવાથી ઘણો ફાયદો થયો છે. એનાથી તેઓનો આનંદ વધ્યો છે, અને સારી બાબતો પર વિચાર કરવા પ્રેરણા મળી છે. એક ભાઈ કસોટીમાંથી પસાર થયા પછી કોઈ વાર નિરાશ થઈ જતા. તે કહે છે, ‘હું દરરોજ પ્રાર્થના કરતો. અમુક સ્તુતિગીતો મને મોઢે હતા, જે મોટેથી કે મનમાં ગાવાથી રાહત મળતી. એ સમયે ડ્રો ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તક બહાર પડ્યું હતું. એક વરસની અંદર મેં બે વાર એ પુસ્તક વાંચી નાખ્યું. એ મારા દિલ પર મલમ લગાવા જેવું હતું. સારી બાબતો વિચારવાથી અને કરવાથી યહોવાહે જરૂર મને આશીર્વાદ આપ્યો છે.’

શાંતિ, એકતાનું બંધન

૧૪. ઈશ્વરની શક્તિ દ્વારા મળતી શાંતિથી શું શક્ય બન્યું છે?

૧૪ આપણા આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં અલગ-અલગ દેશ, જાતિ અને ભાષાના ભાઈ-બહેનો એકબીજાની સંગતનો આનંદ માણે છે. દુનિયાના મને જેઓ વચ્ચે દુશ્મનાવટ હોવી જોઈએ તેઓ વચ્ચે એકતા જોઈને લોકોને નવાઈ લાગે છે. હકીકતમાં ભાઈ-બહેનો ‘શાંતિના બંધનમાં ઈશ્વરની શક્તિથી મળતી એકતા રાખવાનો પ્રયત્ન કરે છે.’ (એફે. ૪:૩) ભેદભાવ છોડીને યહોવાહની ભક્તિ કરવા એક થયા છીએ, એ લોકોના ધ્યાન બહાર ગયું નથી.

૧૫, ૧૬. (ક) પીતર કેવા માહોલમાં મોટા થયા હતા? એના લીધે તેમના માટે શું અઘરું હતું? (ખ) પીતરનું વલણ બદલવા યહોવાહે કઈ રીતે મદદ કરી?

૧૫ અલગ-અલગ દેશ અને ભાષાના લોકોને એકતામાં લાવવા સહેલું નથી. એકતા લાવવા શું કરવું પડે છે, એ સમજવા ચાલો પહેલી સદીનો દાખલો જોઈએ. એ સમયે પીતર બીજી પ્રજાના લોકોને કેવા ગણતા હતા એ વિષે તેમણે કહ્યું, ‘તમે પોતે જાણો છો કે બીજી કોમના માણસની સાથે સંબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, એ યહુદી માણસને ઉચિત નથી; પણ ઈશ્વરે તો મને દેખાડ્યું છે, કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવો નહિ.’ (પ્રે.કૃ. ૧૦:૨૪-૨૯; ૧૧:૧-૩) મુસાના નિયમમાંથી પીતર એવું સમજ્યા હશે કે ફક્ત સાથી યહુદીઓને જ પ્રેમ બતાવવો જોઈએ. કદાચ બીજી પ્રજાના લોકો તેમના માટે દુશ્મન હતા. *

૧૬ જરા વિચાર કરો કે પીતર જ્યારે કરનેલ્યસના ઘરમાં ગયા ત્યારે તેમને કેવું લાગ્યું હશે! તેમને જે લોકો માટે પૂર્વગ્રહ હતો, તેઓ સાથે ‘શાંતિના બંધનમાં’ આવવાનું હતું. તેઓ ‘સાથે જોડાવાનું’ હતું. (એફે. ૪:૩, ૧૬) અમુક દિવસો પહેલાં જ યહોવાહે પીતરનું મન ખોલ્યું હતું. એનાથી તેમના મનમાં જે પૂર્વગ્રહ હતો એ દૂર થયો. એક સંદર્શન દ્વારા તેમને બતાવ્યું હતું કે ઈશ્વર સર્વ દેશ કે જાતિના લોકોને સમાન ગણે છે. (પ્રે.કૃ. ૧૦:૧૦-૧૫) એટલે જ પીતર કરનેલ્યસને કહી શક્યા: ‘હું ખચીત સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.’ (પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫) પીતરે પોતાનું વલણ બદલ્યું અને “બંધુમંડળ” સાથે એકતામાં આવ્યા.​—૧ પીત. ૨:૧૭.

૧૭. યહોવાહના ભક્તો વચ્ચેની એકતા કેમ અજોડ છે?

૧૭ પીતરની જેમ આજે લાખો યહોવાહના ભક્તો પોતાના વલણમાં ફેરફાર કરી રહ્યા છે. (યશાયાહ ૨:૩, ૪ વાંચો.) તેઓ “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” લોકો છે. તેઓ પોતાના વિચારોમાં ફેરફાર કરીને ‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા’ પ્રમાણે કરે છે. (પ્રકટી. ૭:૯; રૂમી ૧૨:૨) એમાંથી ઘણા તો નફરત, દુશ્મની અને ફૂટ પડાવતા દુન્યવી વિચારોમાં ડૂબેલા હતા. પણ બાઇબલ અભ્યાસ અને ઈશ્વરની શક્તિની મદદથી ‘જે બાબતો શાંતિકારક છે એમાં લાગુ રહી’ શક્યા છે. (રૂમી ૧૪:૧૯) તેઓની એકતાથી યહોવાહને મહિમા મળે છે.

૧૮, ૧૯. (ક) મંડળની શાંતિ અને એકતામાં આપણે કઈ રીતે ફાળો આપી શકીએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ મંડળની શાંતિ અને એકતામાં આપણે ફાળો આપી શકીએ. ઘણા મંડળોમાં બીજા દેશ કે જગ્યાના ભાઈ-બહેનો હોય છે. તેઓના રીત-રિવાજ કે ભાષા સાવ અલગ હોય છે. ઈશ્વર ચાહે છે કે આપણે તેઓને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ સદીમાં રોમના મંડળમાં યહુદી અને બીજી પ્રજામાંથી આવેલા ખ્રિસ્તીઓ હતા. પાઊલે તેઓને કહ્યું: ‘ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો.’ (રૂમી ૧૫:૭) શું તમારા મંડળમાં એવા કોઈ ભાઈ-બહેનો છે જેઓને તમે વધારે સારી રીતે ઓળખી શકો?

૧૯ ઈશ્વરની શક્તિ આપણા જીવનને વધારે અસર કરે એ માટે શું કરી શકીએ? હવે પછીના લેખમાં આ સવાલનો વિચાર કરીશું. ઈશ્વરની શક્તિ દ્વારા મળતા બીજા ગુણોની પણ ચર્ચા કરીશું. (w11-E 04/15)

[ફુટનોટ્‌સ]

^ ઈસુએ જે ફળ વિષે વાત કરી એ ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ફળો છે. એમાં ‘હોઠોના ફળનો’ પણ સમાવેશ થાય છે, જે ઈશ્વરના રાજ્ય વિષે જાહેર કરવાને બતાવે છે.​—હેબ્રી ૧૩:૧૫.

^ લેવીય ૧૯:૧૮ કહે છે: “તું વૈર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતા પર તેમજ તારા પડોશી પર પ્રીતિ રાખ.” ધર્મગુરુઓ ફક્ત યહુદીઓને જ “તારા લોકના વંશ” અને “પડોશી” તરીકે ગણતા. મુસાના નિયમ પ્રમાણે ઈસ્રાએલીઓએ યહુદી સિવાયના લોકોથી દૂર રહેવાનું હતું. જોકે એ નિયમમાં એવું ન હતું કે બીજી પ્રજાને નફરત કરવી જોઈએ. જ્યારે કે પહેલી સદીના ધર્મગુરુઓએ એ નિયમનો ખોટો અર્થ કાઢ્યો હતો.

તમે શું જવાબ આપશો?

• આપણે કઈ રીતે ભાઈ-બહેનોને નિસ્વાર્થ પ્રેમ બતાવી શકીએ?

• શા માટે યહોવાહની ભક્તિ આનંદથી કરવી મહત્ત્વનું છે?

• મંડળની શાંતિ અને એકતામાં આપણે કઈ રીતે ફાળો આપી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર બોક્સ]

‘આ જ સાચા ખ્રિસ્તીઓ છે’

બીજા વિશ્વયુદ્ધમાં લોકો પર ઘણો અત્યાચાર થયો હતો, એ વિષે એક પુસ્તકમાં યુવાન યહુદી કેદીનો અનુભવ જોવા મળે છે. (બિટ્‍વીન રેઝિસ્ટન્સ ઍન્ડ માર્ટર્ડમ​—જેહોવાઝ વિટનેસીસ ઇન ધ થર્ડ રાઇક) તે નોઈનગમી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં આવે છે ત્યારે તે પહેલી વખત યહોવાહના સાક્ષીઓને મળે છે. એ યુવાન કહે છે:

‘ડાકાઉથી ઘણા યહુદીઓને એ કેદમાં લાવવામાં આવ્યા હતા. અમે એ કેદમાં આવ્યા ત્યારે ત્યાંના યહુદીઓ પોતાની ચીજ-વસ્તુ સંતાડવા લાગ્યા, જેથી અમારી સાથે કંઈ વહેંચવું ન પડે. હું સમજી ન શક્યો કે કેમ તેઓ આમ કરે છે, કેમ કે જ્યારે અમે આઝાદ હતા ત્યારે એકબીજાને મદદ કરતા હતા. પણ જ્યારે જીવન-મરણની વાત આવી ત્યારે બધા પોતપોતાનું જ વિચારવા લાગ્યા. કોઈને કોઈની પડી ન હતી. એ જ સમયે યહોવાહના સાક્ષીઓ તો સાવ અલગ રીતે વર્તતા હતા. તેઓ પાણીની પાઇપને રિપેર કરવા સખત મહેનત કરતા હતા. એ પણ કડકડતી ઠંડીમાં આખો દિવસ બરફ જેવા પાણીમાં ઊભા રહીને કરતા. બીજાઓને નવાઈ લાગતી કે તેઓ કઈ રીતે આ સહન કરી શક્યા. સાક્ષીઓ કહેતા કે યહોવાહ તેઓને સહન કરવા શક્તિ આપે છે. તેઓ પણ અમારી જેમ ભૂખ્યા હોવાથી બ્રેડની બહુ જરૂર હતી. તેઓને બ્રેડ મળતી ત્યારે તેઓ એ બધી ભેગી કરી લેતા, પછી એના બે ભાગ પાડતા. અડધા ભાગમાંથી તેઓ વહેંચીને ખાતા અને અડધા ભાગની બ્રેડ ડાકાઉથી નવા આવેલા સાક્ષી કેદીઓને આપતા. તેઓ આવ્યા ત્યારે તેઓનો આવકાર કર્યો હતો, તેઓને ભેટ્યા હતા. તેઓએ સાથે મળીને જમતા પહેલાં પ્રાર્થના કરી હતી. જે મળ્યું એમાં સંતોષ માનીને ખુશ થયા હતા. એ લોકોને જોઈને મેં વિચાર્યું કે આ જ સાચા ખ્રિસ્તીઓ છે.’

[પાન ૨૩ પર ચિત્રો]

શું તમે ઈશ્વરને વધારે સારી રીતે ઓળખવા દરરોજ સમય કાઢો છો?