સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલો છો?

શું તમે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલો છો?

શું તમે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલો છો?

“મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો. તમારી શક્તિથી મને ન્યાયના માર્ગમાં દોરી જાવ.”​—ગીત. ૧૪૩:૧૦, NW.

૧, ૨. (ક) અમુક બનાવો જણાવો, જેમાં વ્યક્તિઓએ ઈશ્વરની શક્તિથી ભરપૂર થઈને મહાન કામો કર્યા. (ખ) શું ઈશ્વરની શક્તિ ફક્ત ખાસ સમયે કે ખાસ સંજોગોમાં જ કામ કરે છે? સમજાવો.

 બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જેમાં વ્યક્તિઓએ ઈશ્વરની શક્તિથી ભરપૂર થઈને મહાન કામો કર્યા. કદાચ તમને ગિદઓન કે શામશૂનનો વિચાર આવે. (ન્યા. ૬:૩૩, ૩૪; ૧૫:૧૪, ૧૫) પહેલી સદીના ખ્રિસ્તીઓએ બતાવેલી હિંમતનો વિચાર આવે. કે પછી સ્તેફન જે હિંમતથી યહુદી ન્યાયસભા આગળ ઊભા રહ્યા એ યાદ આવે. (પ્રે.કૃ. ૪:૩૧; ૬:૧૫) ઈશ્વરની શક્તિ આજે પણ અજોડ રીતે કામ કરી રહી છે. એ શક્તિથી પ્રચારમાં ખૂબ વધારો થયો છે. એનાથી આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં કેટલો આનંદ મળે છે. જે ભાઈ-બહેનોને જેલમાં પૂરવામાં આવે છે, તેઓ પણ એ શક્તિની મદદથી વધારે વિશ્વાસ અને હિંમત બતાવી શક્યા છે.

શું ઈશ્વરની શક્તિ ફક્ત ખાસ સમયે કે ખાસ સંજોગોમાં જ કામ કરે છે? ના. બાઇબલ જણાવે છે કે ખ્રિસ્તીઓ ‘ઈશ્વરની શક્તિથી ચાલે છે,’ ‘ઈશ્વરની શક્તિથી દોરાય છે’ અને ‘ઈશ્વરની શક્તિથી જીવે છે.’ (ગલા. ૫:૧૬, ૧૮, ૨૫) આ કલમો બતાવે છે કે ઈશ્વરની શક્તિ આપણા જીવનના દરેક પાસામાં અસર કરી શકે છે. આપણે દરરોજ યહોવાહની શક્તિની મદદ માગવી જોઈએ, જેથી સારું વિચારી શકીએ અને સારા વાણી-વર્તન કેળવી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦ વાંચો. *) ઈશ્વરની શક્તિ પ્રમાણે જીવીએ ત્યારે સારા ગુણો કેળવીએ છીએ. એ ગુણોને લીધે આપણે ઈશ્વરનો મહિમા કરીએ છીએ. તેમ જ બીજાઓને આપણી સાથે હળવા-મળવાનું ગમે છે.

૩. (ક) ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલવું કેમ મહત્ત્વનું છે? (ખ) કયા પ્રશ્નો પર વિચાર કરીશું?

ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલવું કેમ મહત્ત્વનું છે? કેમ કે એ પ્રમાણે નહિ ચાલીએ તો પાપી વલણ આપણને ખોટા માર્ગે લઈ જશે. એ પાપી વલણને બાઇબલ “દેહ” તરીકે દર્શાવે છે. એ વલણ આપણને આદમ દ્વારા વારસામાં મળ્યું છે. (ગલાતી ૫:૧૭ વાંચો.) ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવા શું કરી શકીએ? પાપી વલણની અસરમાં આવી ન જઈએ માટે કેવાં પગલાં લઈ શકીએ? ચાલો આ પ્રશ્નોનો વિચાર કરીએ. તેમ જ ઈશ્વરની શક્તિ દ્વારા મળતા બાકીના છ ગુણોનો વિચાર કરીએ. એ ગુણો “સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ” છે.​—ગલા. ૫:૨૨, ૨૩.

નમ્રતા અને સહનશીલતાથી મંડળમાં શાંતિ વધે છે

૪. કઈ રીતે નમ્રતા અને સહનશીલતા મંડળમાં શાંતિ જાળવવા મદદ કરે છે?

કોલોસી ૩:૧૨, ૧૩ વાંચો. મંડળમાં શાંતિ જાળવવા નમ્રતા અને સહનશીલતા બહુ જરૂરી છે. આ ગુણો ઈશ્વરની શક્તિ દ્વારા મળે છે. એ આપણને બીજાઓ સાથે કૃપાથી વર્તવા મદદ કરે છે. કોઈ આપણને ગુસ્સો ચઢાવે ત્યારે શાંત રહેવા અને વેર ન વાળવા એ ગુણો મદદ કરે છે. તેમ જ મનદુઃખ થયું હોય, તો એ દૂર કરવા સહનશીલતા અને ધીરજ આપણને મદદ કરે છે. મંડળમાં આ ગુણો બતાવવાની ખૂબ જ જરૂર છે, કેમ કે આપણે બધાં ભૂલો કરીએ છીએ.

૫. પાઊલ અને બાર્નાબાસ વચ્ચે શું બન્યું? એ શું બતાવે છે?

પાઊલ અને બાર્નાબાસનો વિચાર કરીએ. તેઓએ ઈશ્વરનો સંદેશો ફેલાવવા ઘણા વરસો સાથે કામ કર્યું. બંનેમાં સારા ગુણો હતા, છતાં તેઓ વચ્ચે “એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા.” (પ્રે.કૃ. ૧૫:૩૬-૩૯) આ બનાવ બતાવે છે કે વિશ્વાસુ ભક્તો વચ્ચે પણ અમુક વખતે અણબનાવ થાય છે. જો તમને કોઈ ભાઈ સાથે તકરાર થઈ હોય, તો વાત વધારે ન બગડે માટે શું કરી શકો?

૬, ૭. (ક) કોઈની સાથે ગરમી-ગરમી ઊભી ન થાય એ માટે બાઇબલની કઈ સલાહ પાળવી જોઈએ? (ખ) ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા’ થવાથી શું ફાયદો થશે?

કલમમાં જોયા પ્રમાણે પાઊલ અને બાર્નાબાસ વચ્ચે અચાનક “તકરાર થઈ” હતી. એમાં બંને એકબીજા પર બહુ તપી ગયા હતા. આપણને કોઈ કારણસર ભાઈ પર ગુસ્સો આવે તો શું કરવું જોઈએ? એવા સમયે યાકૂબ ૧:૧૯, ૨૦ની આ સલાહ પાળીએ: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય; કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયીપણું પાર પડતું નથી.” સંજોગો પ્રમાણે આપણે ચર્ચાનો વિષય બદલી શકીએ, અથવા એની ચર્ચા બીજા કોઈ સમયે કરી શકીએ. કે પછી ગરમા-ગરમી ઊભી થાય એ પહેલાં માનથી વાત કરીને ત્યાંથી હટી જઈ શકીએ.​—નીતિ. ૧૨:૧૬; ૧૭:૧૪; ૨૯:૧૧.

આ સલાહ પાળવાથી શું ફાયદો થશે? તમને શાંત પડવા થોડો સમય મળશે. પ્રાર્થના કરી શકશો અને સારો જવાબ આપવા વિચારી શકશો. આમ તમે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલો છો. (નીતિ. ૧૫:૧, ૨૮) ઈશ્વરની શક્તિના માર્ગદર્શન હેઠળ તમે નમ્રતા અને સહનશીલતા બતાવી શકો. આ રીતે તમે એફેસી ૪:૨૬, ૨૯ની સલાહ પાળો છો: ‘ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉત્તેજન માટે જરૂરી હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.’ જ્યારે તમે નમ્રતા અને સહનશીલતા બતાવો છો, ત્યારે મંડળમાં શાંતિ અને એકતામાં વધારો કરો છો.

કુટુંબમાં માયાળુપણું અને ભલાઈ બતાવીએ

૮, ૯. માયાળુપણું અને ભલાઈ કઈ રીતે બતાવી શકીએ? એનાથી કુટુંબમાં શું ફાયદો થાય છે?

એફેસી ૪:૩૧, ૩૨; ૫:૮, ૯ વાંચો. ઉનાળામાં ઠંડા પવનની લહેર આવે કે ઠંડું પાણી મળે તો કેટલું સારું લાગે છે. એવી જ રીતે માયાળુપણું અને ભલાઈ બતાવવાથી બધાને ગમે છે. ખાસ તો કુટુંબમાં સારું વાતાવરણ જળવાઈ રહે છે. જો આપણે માયાળુ હોઈશું તો બીજાઓમાં ઊંડો રસ લઈશું. તેઓ સાથે પ્રેમથી વર્તીશું અને જોઈતી મદદ પૂરી પાડવા તૈયાર રહીશું. બીજાના ભલા માટે કંઈક કરીને ભલાઈ બતાવી શકીએ. ઉદાર બનીને એ ગુણ બતાવી શકીએ. (પ્રે.કૃ. ૯:૩૬, ૩૯; ૧૬:૧૪, ૧૫) ભલાઈ બતાવવામાં બીજું પણ કંઈ સમાયેલું છે.

ભલાઈ બતાવવામાં સારા સંસ્કારોનો સમાવેશ થાય છે. એ આપણા કાર્યોથી જ નહિ, સ્વભાવથી પણ દેખાય આવે છે. એ એક ફળના જેવું છે, જે અંદર-બહારથી જરાય બગડેલું નથી. આખે-આખું ફળ સ્વાદિષ્ટ છે. એવી જ રીતે ઈશ્વરની શક્તિ દ્વારા કેળવાતો ભલાઈનો ગુણ વ્યક્તિના કાર્યો અને સ્વભાવમાં દેખાઈ આવશે.

૧૦. ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો કેળવવા કુટુંબના શિર શું કરી શકે?

૧૦ ભલાઈ અને માયાળુપણાથી વર્તવા કુટુંબીજનોએ બાઇબલનું ઊંડું જ્ઞાન લેવું બહુ જરૂરી છે. (કોલો. ૩:૯, ૧૦) એટલા માટે અમુક શિર કુટુંબ તરીકેની ભક્તિમાં ઈશ્વરની શક્તિના ગુણો પર ચર્ચા કરે છે. એમ કરવું અઘરું નથી, કેમ કે તમે તમારી ભાષામાં ઈશ્વરની શક્તિના દરેક ગુણો પર સંશોધન કરી શકો છો. તમે દર અઠવાડિયે અમુક ફકરાઓ પર ચર્ચા કરી શકો. આમ તમે દરેક ગુણની ચર્ચા કરવા ઘણા અઠવાડિયા કાઢી શકો. જ્યારે તમે કોઈ પણ ગુણ પર અભ્યાસ કરો ત્યારે એ માહિતીમાં આપેલી દરેક કલમો વાંચો અને એના પર ચર્ચા કરો. જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકો એનો વિચાર કરો. એ ગુણો બતાવવા પ્રાર્થનામાં યહોવાહની મદદ માગો. (૧ તીમો. ૪:૧૫; ૧ યોહા. ૫:૧૪, ૧૫) શું આવા પ્રયત્નોથી કુટુંબીજનોના વ્યવહારમાં કોઈ ફરક પડે છે?

૧૧, ૧૨. માયાળુપણા વિષે અભ્યાસ કરવાથી બે યુગલને શું ફાયદો થયો?

૧૧ એક યુગલે લગ્‍નજીવનને સફળ બનાવવા ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓને શું ફાયદો થયો? પત્ની કહે છે: ‘માયાળુપણા વિષે શીખવાથી અમારા વર્તનમાં ઘણો ફરક પડ્યો. અમને શીખવા મળ્યું કે એકબીજાને વફાદાર રહેવું જોઈએ. અમે જતું કરવાની ભાવના કેળવતા, અને એકબીજાને દિલથી માફ કરતા શીખ્યા. એ પણ શીખ્યા કે “થેંક્યું” અને “સોરી” કહેતા અચકાવું ન જોઈએ.’

૧૨ બીજા એક યુગલનો વિચાર કરો. તેઓને એકબીજા સાથે બહુ બનતું ન હતું. તેઓને ખ્યાલ આવ્યો કે તેઓના જીવનમાં માયાળુપણું ખૂટે છે. એટલે તેઓએ સાથે મળીને એ ગુણ પર અભ્યાસ કર્યો. એનું શું પરિણામ આવ્યું? પતિ કહે છે: ‘અમે જોઈ શક્યા કે એકબીજા પર તરત આરોપ મૂકવાને બદલે એકબીજા પર વધારે ભરોસો બતાવવો જોઈએ. તેમ જ સારા ગુણો પર વધારે ધ્યાન આપવું જોઈએ. હવે અમે બીજાની જરૂરિયાતોનો વધારે વિચાર કરવા લાગ્યા છીએ. હું મારા અહમને બાજુએ મૂકીને માયાળુ બનતા શીખ્યો છું. એટલે મારી પત્ની હવે પોતાના મનની વાત કહેતા અચકાતી નથી. માયાળુપણું કેળવવાથી અમારી વચ્ચે સારું બને છે.’ ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણોનો અભ્યાસ કરવાથી શું તમારા કુટુંબને કંઈ ફાયદો થઈ શકે?

એકાંતમાં પણ ઈશ્વરને વિશ્વાસુ રહીએ

૧૩. યહોવાહ સાથેના સંબંધને નુકસાન ન થાય માટે આપણે શાનાથી દૂર રહેવું જોઈએ?

૧૩ આપણે લોકો વચ્ચે હોઈએ કે એકલા હોઈએ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એનું કારણ એ છે કે શેતાનની દુનિયા અશ્લીલ ચિત્રો અને હલકું મનોરંજન પીરસે છે. એ યહોવાહ સાથેના આપણા સંબંધને નુકસાન કરી શકે છે. એવી ખરાબ બાબતોથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ? બાઇબલ સલાહ આપે છે: ‘તમે સર્વ મલિનતા તથા દુષ્ટતા નાખી દો, અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.’ (યાકૂ. ૧:૨૧) ચાલો જોઈએ કે વિશ્વાસનો ગુણ કઈ રીતે યહોવાહની આગળ શુદ્ધ રહેવા મદદ કરે છે.

૧૪. જો આપણને પૂરો વિશ્વાસ નહિ હોય તો શું થઈ શકે?

૧૪ જો આપણને પૂરો વિશ્વાસ હશે તો યહોવાહને એક ખરી વ્યક્તિ તરીકે સ્વીકારીશું. પણ જો એવું નહિ કરીએ તો આપણે સહેલાઈથી ખરાબ કામોમાં ફસાઈ જઈશું. પ્રાચીન સમયમાં ઈસ્રાએલીઓ શું કરતા હતા એનો વિચાર કરો. યહોવાહે પ્રબોધક હઝકીએલ દ્વારા એ કામોને ખુલ્લાં પાડતાં કહ્યું: “હે મનુષ્યપુત્ર, ઈસ્રાએલ લોકોના વડીલો અંધારામાં, પોતપોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં, જે કરે છે તે તેં જોયું કે? તેઓ કહે છે, કે યહોવાહ અમને દેખતો નથી; યહોવાહે દેશને તજી દીધો છે.” (હઝકી. ૮:૧૨) શું તમે જોઈ શક્યા કે શા માટે ઈસ્રાએલીઓ ખોટાં કામમાં ફસાઈ ગયા હતા? તેઓને લાગતું હતું કે એકાંતમાં કરેલા કામ યહોવાહ જોતા નથી.

૧૫. જો આપણને યહોવાહમાં મજબૂત વિશ્વાસ હશે તો શું નહિ કરીએ?

૧૫ હવે યુસફના દાખલાનો વિચાર કરો. તે પોતાના કુટુંબ અને સમાજથી ઘણો દૂર હતો. તેમ છતાં તેણે પોટીફારની પત્ની સાથે વ્યભિચાર કરવાનો સાફ નકાર કર્યો. કેમ? તે કહે છે: ‘એવું મોટું કુકર્મ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?’ (ઉત. ૩૯:૭-૯) યહોવાહ તેને માટે એક ખરી વ્યક્તિ હતા. જો આપણે પણ એમ જ માનીશું તો ગંદા મનોરંજનથી દૂર રહીશું. એકાંતમાં એવું કંઈ નહિ કરીએ જે યહોવાહને ગમતું ના હોય. આપણે પણ ગીતશાસ્ત્રના એક લેખકની જેમ કહી શકીએ: “હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. હું કંઈ ખરાબ વસ્તુ મારી દૃષ્ટિમાં રાખીશ નહિ.”​—ગીત. ૧૦૧:૨, ૩.

સંયમ રાખો, હૃદયનું રક્ષણ કરો

૧૬, ૧૭. (ક) નીતિવચનોમાં જણાવેલ ‘અક્કલહીન જુવાન’ કઈ રીતે પાપમાં પડ્યો? (ખ) ઉપરના ચિત્ર મુજબ કઈ રીતે કોઈ પણ ઉંમરની વ્યક્તિ પાપમાં પડી શકે?

૧૬ ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણોમાં સંયમ પણ છે. એ આપણને ઈશ્વરને ન ગમતી બાબતો કરતા રોકે છે. સંયમ આપણા હૃદયનું રક્ષણ કરે છે. (નીતિ. ૪:૨૩) હવે જરા નીતિવચનો ૭:૬-૨૩માં આપેલા બનાવનો વિચાર કરો. એમાં એક ‘અક્કલહીન જુવાનʼની વાત થઈ છે. તે જિજ્ઞાસાને લીધે ‘વેશ્યાના ઘર તરફ જતાં રસ્તામાં ચાલે’ છે. તે વેશ્યાની વાતોમાં સહેલાઈથી આવી જાય છે. તેને ભાન નથી કે તે ખોટા માર્ગે જઈ રહ્યો છે, જેમાં ‘તેનો જીવ’ જઈ શકે.

૧૭ કઈ રીતે એ યુવાન પાપમાં પડવાથી દૂર રહી શક્યો હોત? જો તે, વેશ્યાના ‘રસ્તાઓમાં ભટક્યો ના હોત’ તો બચી શક્યો હોત. (નીતિ. ૭:૨૫) આમાંથી બધાને કંઈક શીખવા મળે છે. જો આપણે ચાહીએ કે ઈશ્વર તેમની શક્તિ દ્વારા આપણને દોરે તો લાલચોથી દૂર રહેવું જોઈએ. કઈ રીતે આપણે એ ‘અક્કલહીન જુવાનʼની જેમ ના કરીએ? આમ જ ટીવીની ચેનલ બદલ્યા ના કરીએ કે પછી કારણ વગર ઇન્ટરનેટ પર સર્ફિંગ ના કરીએ. જો એમ કરીશું તો ઇચ્છતા ના હોઈએ, તોપણ અશ્લીલ ચિત્રો સામે આવી જઈ શકે. એનાથી આપણને પોર્નોગ્રાફી જોવાની આદત પડી જઈ શકે. પરિણામે આપણું મન ડંખ્યા કરશે અને ઈશ્વર સાથેનો સંબંધ તૂટી જઈ શકે. અરે પોતાનું જીવન પણ ગુમાવી શકીએ.​—રૂમી ૮:૫-૮ વાંચો.

૧૮. શા માટે આપણે સંયમ કેળવવો જોઈએ? આપણાં હૃદયનું રક્ષણ કરવા કેવાં પગલાં ભરી શકીએ?

૧૮ જો સંયમ કેળવ્યો હશે તો અશ્લીલ ચિત્રો સામે આવે ત્યારે તરત જ પગલાં લઈશું. પણ કેટલું સારું કે આપણે પહેલેથી જ એવા પગલાં ભરીએ જેથી એવા સંજોગો ઊભા ન થાય. (નીતિ. ૨૨:૩) આમ કરવા સંયમ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે અમુકે કૉમ્પ્યુટરને બધા જોઈ શકે એવી જગ્યાએ મૂક્યું છે. અમુક લોકો ત્યારે જ કૉમ્પ્યુટર કે ટીવીનો ઉપયોગ કરે છે, જ્યારે કોઈ હાજર હોય. કેટલાકે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. (માત્થી ૫:૨૭-૩૦ વાંચો.) ચાલો આપણે પણ જરૂરી પગલાં ભરીને પોતાનું અને કુટુંબનું રક્ષણ કરીએ. એમ કરવાથી યહોવાહની ભક્તિ ‘શુદ્ધ હૃદયથી, સારા અંતઃકરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી’ કરી શકીશું.​—૧ તીમો. ૧:૫.

૧૯. ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો કેળવવાથી શું લાભ થાય છે?

૧૯ ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો કેળવવાથી ઘણા લાભ થાય છે. નમ્રતા અને સહનશીલતાથી મંડળમાં શાંતિ વધે છે. માયાળુપણું અને ભલાઈથી કુટુંબમાં આનંદ વધે છે. વિશ્વાસ અને સંયમ આપણને યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવા અને તેમની આગળ શુદ્ધ રહેવા મદદ કરે છે. ગલાતી ૬:૮ આપણને ખાતરી આપે છે કે ‘જે ઈશ્વરની શક્તિને અર્થે વાવે તે ઈશ્વરની શક્તિથી અનંતજીવન લણશે.’ જે લોકો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, તેઓને યહોવાહ ટૂંક સમયમાં ઈસુના બલિદાનને આધારે હંમેશ માટેનું જીવન આપશે. (w11-E 04/15)

[ફુટનોટ]

^ ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦ (NW): “મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો. તમારી શક્તિથી મને ન્યાયના માર્ગમાં દોરી જાવ.”

તમે કેવો જવાબ આપશો?

• કઈ રીતે નમ્રતા અને સહનશીલતા મંડળમાં શાંતિ વધારવા મદદ કરે છે?

• કુટુંબમાં માયાળુપણું અને ભલાઈ બતાવવા આપણને શું મદદ કરશે?

• વિશ્વાસ અને સંયમ કઈ રીતે આપણા હૃદયનું રક્ષણ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્ર]

ગરમા-ગરમી ઊભી ના થાય માટે તમે શું કરી શકો?

[પાન ૩૦ પર ચિત્ર]

ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણોનો અભ્યાસ કરવાથી કુટુંબને ઘણો લાભ થાય છે

[પાન ૩૧ પર ચિત્ર]

વિશ્વાસ અને સંયમ રાખવાથી કેવા જોખમોથી બચી શકીશું?