સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ગુજરી ગયેલા લોકો માટે કોઈ આશા છે?

શું ગુજરી ગયેલા લોકો માટે કોઈ આશા છે?

બાઇબલમાંથી શીખો

શું ગુજરી ગયેલા લોકો માટે કોઈ આશા છે?

આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. ગુજરી ગયેલાઓ માટે શું આશા છે?

યરૂશાલેમ શહેર નજીક આવેલા બેથાનીઆમાં ઈસુ આવ્યા ત્યારે, તેમના મિત્ર લાજરસને ગુજરી ગયાને ચાર દિવસ થઈ ગયા હતા. ઈસુ લાજરસની બહેનો મારથા અને મરિયમ સાથે કબર પાસે ગયા. લોકોનું ટોળું પણ ત્યાં ભેગું થયું. પછી ઈસુએ લાજરસને ફરીથી જીવતા કર્યા. જરા કલ્પના કરો કે એ જોઈને મારથા અને મરિયમને કેટલી ખુશી થઈ હશે!—યોહાન ૧૧:૨૦-૨૪, ૩૮-૪૪ વાંચો.

મારથા પહેલેથી માનતી હતી કે ગુજરી ગયેલા લોકો જીવતા થશે. પહેલેથી જ ઈશ્વરભક્તો માનતા આવ્યા છે કે મરી ગએલા લોકોને ઈશ્વર ભાવિમાં આ ધરતી પર ફરીથી સજીવન કરશે.—અયૂબ ૧૪:૧૪, ૧૫ વાંચો.

૨. ગુજરી ગયેલી વ્યક્તિની સ્થિતિ કેવી છે?

આપણામાં આત્મા જેવું કંઈ જ નથી. (સભાશિક્ષક ૩:૧૯; ઉત્પત્તિ ૭:૨૧, ૨૨) આપણે બધા માટીના બનેલા છે. (ઉત્પત્તિ ૨:૭; ૩:૧૯) જ્યારે આપણે મરીએ છીએ, ત્યારે આપણું મગજ પણ નાશ પામે છે. એટલે, એમાંના બધા વિચારોનો પણ નાશ થાય છે. ફરીથી જીવતા થયા પછી લાજરસે મરણ દરમિયાન થયેલા એવા કોઈ બનાવનો ઉલ્લેખ ન કર્યો, કારણ કે મરણ પછી વ્યક્તિને કંઈ ભાન નથી હોતું.—ગીતશાસ્ત્ર ૧૪૬:૪; સભાશિક્ષક ૯:૫, ૧૦ વાંચો.

તેથી જો મરણ પછી વ્યક્તિને કોઈ ભાન રહેતું ન હોય તો શું તે કોઈ પીડા અનુભવી શકે? ના. ઘણા લોકો માને છે કે મરણ પછી ઈશ્વર વ્યક્તિને પીડા આપે છે, એ સાવ ખોટી માન્યતા છે. હકીકતમાં લોકોને આગમાં પીડા આપવાના વિચારને યહોવા સાવ ધિક્કારે છે.—યિર્મેયા ૩૨:૩૫ વાંચો.

૩. શું આપણે ગુજરી ગયેલાઓ સાથે વાત કરી શકીએ?

મરણ પામેલી વ્યક્તિ વાત કરી શકતી નથી. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૭) પરંતુ, દુષ્ટ દૂતો મરણ પામેલી વ્યક્તિના અવાજમાં વાત કરે છે. તેઓ એવી ચાલાકીથી વાત કરે છે, જાણે લાગે કે મરણ પામેલી વ્યક્તિ જ બોલી રહી છે. (૨ પીતર ૨:૪) મરી ગયેલી વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કરવાની પણ યહોવા મના કરે છે.—પુનર્નિયમ ૧૮:૧૦, ૧૧ વાંચો.

૪. કોને મરણમાંથી પાછા જીવતા કરવામાં આવશે?

આવનાર નવી દુનિયામાં લાખો ને લાખો લોકોને મરણમાંથી પાછા જીવતા કરવામાં આવશે. અરે, જેઓ યહોવાને ઓળખતા ન હોવાથી ખરાબ કામો કરતા હતાં, તેઓને પણ સજીવન કરવામાં આવશે.—લુક ૨૩:૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ વાંચો.

સજીવન થયેલા બધા લોકોને ઈશ્વર વિષેનું સત્ય જાણવાની તક મળશે. તેમ જ, તેઓને ઈસુમાં વિશ્વાસ મૂકવા અને તેમની આજ્ઞાઓ પાળવાની તક મળશે. (પ્રકટીકરણ ૨૦:૧૧-૧૩) સજીવન થયેલી વ્યક્તિઓ જો સારા કામ કરશે, તો તેઓ હંમેશ માટે આ ધરતી પર જીવવાનો આનંદ માણશે. જોકે, અમુક સજીવન થએલા લોકો ખરાબ કામો કરતા રહેશે. એવા લોકોને “દંડ” અથવા સજા થશે.—યોહાન ૫:૨૮, ૨૯ વાંચો.

૫. મરણમાંથી પાછા જીવતા કરવાની ગોઠવણ યહોવા વિષે શું જણાવે છે?

યહોવાએ પોતાના દીકરાનું જીવન સર્વ લોકો માટે આપી દીધું, જેથી ગુજરી ગયેલા લોકો સજીવન થઈ શકે. એમાં યહોવાએ આપણને બતાવેલી અપાર કૃપા સ્પષ્ટ દેખાઈ આવે છે.—યોહાન ૩:૧૬; રોમનો ૬:૨૩ વાંચો. (w11-E 06/01)

વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું છઠ્ઠું અને સાતમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૦ પર ચિત્ર]

આદમને માટીમાંથી બનાવવામાં આવ્યો હતો