સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુવાર્તા જેની બધાને જરૂર છે!

સુવાર્તા જેની બધાને જરૂર છે!

સુવાર્તા જેની બધાને જરૂર છે!

‘સુવાર્તા, ઈશ્વર દ્વારા તારણ પમાડનારૂં પરાક્રમ છે.’—રૂમી ૧:૧૬.

૧, ૨. તમે શા માટે ‘રાજ્યની સુવાર્તા’ જાહેર કરો છો? એમાં તમે કયા વિષય પર ભાર મૂકો છો?

 ‘દરરોજ ખુશખબર જાહેર કરવી મને ખૂબ જ ગમે છે.’ આવું તમે કદાચ કહ્યું હશે, અથવા એમ કરવા વિચાર્યું હશે. યહોવાહના સાક્ષી તરીકે તમે જાણો છો કે “રાજ્યની આ સુવાર્તા” જાહેર કરવી કેટલું મહત્ત્વનું છે. સુવાર્તા પ્રગટ કરવા વિષે ઈસુએ કહેલા દરેક શબ્દો કદાચ તમને યાદ હશે.—માથ. ૨૪:૧૪.

ઈસુએ ‘રાજ્યની સુવાર્તા’ જાહેર કરી. ઈસુએ સોંપેલું એ કામ તમે પણ કરો છો. (લુક ૪:૪૩ વાંચો.) સંદેશામાં તમે કદાચ ભાર મૂકતા હશો કે ઈશ્વર જલદી જ મનુષ્યના રાજનો અંત લાવશે. “મોટી વિપત્તિ” દ્વારા તે જૂઠા ધર્મોનો અંત લાવશે અને પૃથ્વી પરથી દુષ્ટતાનું નામોનિશાન મિટાવી દેશે. (માથ. ૨૪:૨૧) અથવા કદાચ તમે એ વિષે જણાવતા હશો કે ઈશ્વરનું રાજ્ય જલદી જ આ પૃથ્વીને સુંદર બનાવી દેશે. પૃથ્વી પર ખૂબ જ શાંતિ અને ખુશાલી લાવશે. હકીકતમાં ‘રાજ્યની સુવાર્તા’માં ઈશ્વરે ‘ઈબ્રાહીમને અગાઉથી જે પ્રગટ કર્યું’ એનો પણ સમાવેશ થાય છે. એમાં કહ્યું હતું કે ‘ઈબ્રાહીમ મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે.’—ગલા. ૩:૮.

૩. આપણે કેમ કહી શકીએ કે રૂમીના પુસ્તકમાં પાઊલે “સુવાર્તા” પર ભાર મૂક્યો હતો?

લોકોને “સુવાર્તા” જાણવાની જરૂર છે. પણ શું સુવાર્તા જણાવતા આપણે એના મુખ્ય વિષય પર ભાર મૂકીએ છીએ? પ્રેરિત પાઊલે રૂમીનો પત્ર લખ્યો, એમાં મૂળ ગ્રીક ભાષામાં તેમણે “રાજ્ય”નો ફક્ત એક જ વાર ઉલ્લેખ કર્યો. પણ “સુવાર્તા”નો ૧૨ વખત ઉલ્લેખ કર્યો. (રૂમી ૧૪:૧૭ વાંચો.) એમાં પાઊલે “સુવાર્તા”ના કયા પાસાનો વધારે ઉલ્લેખ કર્યો? શા માટે ‘સુવાર્તાનું’ એ પાસું મહત્ત્વનું છે? શા માટે આપણે એને મનમાં રાખવું જોઈએ, જ્યારે ‘ઈશ્વરની સુવાર્તા’ જણાવતા હોઈએ?—માર્ક ૧:૧૪; રૂમી ૧૫:૧૫; ૧ થેસ્સા. ૨:૨.

રોમના મંડળે શું જાણવાની જરૂર હતી

૪. પાઊલને પહેલી વાર રોમમાં કેદ કરવામાં આવ્યા, ત્યારે તેમણે કયા વિષય પર વાત કરી?

પાઊલને પહેલી વાર રોમમાં કેદ કરવામાં આવ્યા ત્યારે તેમણે જે વિષય પર વાત કરી, એનો વિચાર કરવાથી ઘણું શીખી શકીએ છીએ. એ અહેવાલ જણાવે છે કે અનેક યહુદીઓ જ્યારે પાઊલને મળવા આવતા ત્યારે તેઓને (૧) ‘ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપતા, અને (૨) ઈસુ વિષેની વાત સમજાવતા.’ એનું શું પરિણામ આવ્યું? એ વાત ‘કેટલાએકે માની, અને કેટલાએકે માની નહિ.’ જેઓ પણ પાઊલ પાસે આવતા ‘સર્વનો તે આદરસત્કાર કરતા અને (૧) ઈશ્વરના રાજ્ય વિષે તથા (૨) પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે વાતો શીખવતા.’ (પ્રે.કૃ. ૨૮:૧૭, ૨૩-૩૧) અહીંથી સાફ જોવા મળે છે કે પાઊલે ઈશ્વરના રાજ્ય પર બધાનું ધ્યાન દોર્યું. એ ઉપરાંત તેમણે ઈશ્વરના રાજ્યમાં ઈસુની મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂક્યો.

૫. રૂમીના પુસ્તકમાં પાઊલે કઈ બાબતો પર ભાર મૂક્યો?

લોકોએ ઈસુ વિષે જાણવાની અને તેમનામાં ભરોસો મૂકવાની જરૂર છે. એ કારણને લીધે પાઊલે રૂમીના પુસ્તકમાં એ બાબતો પર ભાર મૂક્યો. તેમણે પહેલાં લખ્યું હતું કે ‘ઈશ્વરની સેવા હું તેમના દીકરાની સુવાર્તા’ જાહેર કરીને કરું છું. પછી તેમણે કહ્યું: ‘સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વર દ્વારા તારણ પમાડનારૂં પરાક્રમ છે.’ એ ઉપરાંત તેમણે લખ્યું હતું કે ભાવિમાં ‘ઈશ્વર, ઈસુ ખ્રિસ્તની મારફતે માણસોનાં ગુપ્ત કામોનો ન્યાય કરશે.’ પાઊલે જણાવેલ સુવાર્તા મુજબ એ ન્યાય કરવામાં આવશે. છેવટે તેમણે કહ્યું, મેં ‘યરૂશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે.’ * (રૂમી ૧:૯, ૧૬; ૨:૧૬; ૧૫:૧૯) પાઊલે રૂમીઓને આપેલા સંદેશામાં કેમ ઈસુ પર ભાર મૂક્યો?

૬, ૭. રોમના મંડળની શરૂઆત કેવી રીતે થઈ હોય શકે? એમાં કોણ કોણ હતું?

આપણે જાણતા નથી કે રોમનું મંડળ કેવી રીતે શરૂ થયું. અમુક યહુદીઓ અને યહુદી બનેલા લોકો પેન્તેકોસ્ત ૩૩માં ખ્રિસ્તી બન્યા. શું તેઓમાંના અમુકે પાછા રોમમાં જઈને સંદેશો ફેલાવ્યો? (પ્રે.કૃ. ૨:૧૦) કે પછી ખ્રિસ્તી વેપારીઓ અને મુસાફરોએ રોમમાં સત્ય ફેલાવ્યું? ગમે તે કારણ હોય, પાઊલે જ્યારે ૫૬માં રૂમીઓને પત્ર લખ્યો ત્યારે તેઓનું મંડળ ઘણા સમયથી સ્થપાયેલું હતું. (રૂમી ૧:૮) આ મંડળમાં કેવા લોકો હતા?

મંડળના અમુક સભ્યો યહુદી જાતિના હતા. પાઊલે આંદ્રોનીકસ તથા જુનીઆસને “મારા સગા” કહીને ખબર-અંતર પૂછ્યા. એનો અર્થ કદાચ એ થાય કે તેઓ ખરેખર સગા હતા અને સાથી યહુદીઓમાંના હતા. રોમમાં રહેતા આકુલા અને તેમની પત્ની પ્રિસ્કીલા પણ યહુદીઓ હતા. તેઓ તંબુ સીવવાનું કામ કરતા હતા. (રૂમી ૪:૧; ૯:૩, ૪; ૧૬:૩, ૭; પ્રે.કૃ. ૧૮:૨) પાઊલે જે ભાઈ-બહેનોના ખબર-અંતર પૂછ્યા તેઓમાંના મોટાભાગના બીજા ધર્મમાંથી ખ્રિસ્તી બનેલા હતા. અમુક “કાઈસારનાં ઘરનાં” હોઈ શકે. તેઓમાં કદાચ કાઈસારના દાસ કે પછી અમુક નાની પદવીવાળા અમલદારો હોઈ શકે.—ફિલિ. ૪:૨૨; રૂમી ૧:૫, ૬; ૧૧:૧૩.

૮. રોમના મંડળના ખ્રિસ્તીઓને કઈ કરુણ હકીકત સ્વીકારવી પડી?

રોમના મંડળના દરેક સભ્યોએ એક કરુણ હકીકતનો સ્વીકાર કરવો પડ્યો. આપણે પણ એ સ્વીકારવી પડે છે. એ વિષે પાઊલ જણાવે છે, “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) પાઊલે જેઓને આ પત્ર લખ્યો તેઓએ સ્વીકારવાનું હતું કે તેઓમાં પાપ છે. એમાંથી બહાર આવવા તેઓએ ઈશ્વરમાં ભરોસો મૂકવાની જરૂર હતી.

સઘળાએ પાપ કર્યું છે, એ સ્વીકારવું જોઈએ

૯. સુવાર્તા પ્રગટ કરવાથી પાઊલે કેવા સરસ પરિણામ પર ધ્યાન દોર્યું?

રૂમીના પત્રની શરૂઆતમાં પાઊલે જણાવ્યું હતું કે વારંવાર સુવાર્તા જણાવવાથી કેવા સરસ પરિણામ આવી શકે છે. તેમણે કહ્યું, ‘સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વર દ્વારા તારણ પમાડનારૂં પરાક્રમ છે; પ્રથમ યહુદીને અને પછી ગ્રીકને.’ તારણ શક્ય છે, પણ એ મેળવવા ઈશ્વરમાં શ્રદ્ધા મૂકવાની જરૂરી છે. હબાક્કૂક ૨:૪ આ બાબત પર ભાર મૂકતા કહે છે: “ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.” (રૂમી ૧:૧૬, ૧૭; ગલા. ૩:૧૧; હેબ્રી ૧૦:૩૮) તો પછી તારણની સુવાર્તા અને “સઘળાએ પાપ કર્યું છે,” એ બંને કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે?

૧૦, ૧૧. શા માટે રૂમી ૩:૨૩માં જણાવેલ વિચાર અમુક લોકો સમજી શકે છે, જ્યારે કે બીજાઓને ગળે ઉતારવું અઘરું લાગે છે?

૧૦ ઈશ્વરમાં શ્રદ્ધા કેળવવાથી વ્યક્તિને તારણ મળી શકે છે. પરંતુ એ પહેલાં તેણે પાઊલના આ શબ્દો સ્વીકારવાની જરૂર છે કે “સઘળાએ પાપ કર્યું છે.” જેઓ ઈશ્વરમાં માને છે અને બાઇબલથી જાણકાર છે, તેઓ માટે આ વિચાર નવો નથી. (સભાશિક્ષક ૭:૨૦ વાંચો.) ભલે તેઓ એ હકીકત સ્વીકારે અથવા એમાં શંકા કરે, તોપણ પાઊલના આ શબ્દો અમુક હદે સમજી શકે છે. (રૂમી ૩:૨૩) જોકે પ્રચારમાં એવા ઘણા લોકોને મળીએ છીએ જેઓ આ કલમને સમજી શકતા નથી.

૧૧ ઘણા દેશોમાં લોકો એવું માનતા નથી કે તેઓને વારસામાં પાપ મળ્યું છે. સામાન્ય રીતે લોકો સ્વીકારે છે કે પોતે ભૂલો કરે છે. કોઈ વાર ખરાબ વલણ બતાવે છે તો કદાચ અમુક વાર ખરાબ કામો કરે છે. તેઓ એ પણ જોઈ શકે છે કે બીજાઓ પણ આવું કંઈક કરે છે. તેમ છતાં તેઓ સમજી નથી શકતા કે પોતે અને બીજાઓ કેમ આવી ભૂલો કરે છે. અમુક સંસ્કૃતિમાં જ્યારે વ્યક્તિને પાપી કહો ત્યારે બીજાઓ સમજશે કે તે ગુનેગાર છે અથવા તેણે કોઈ નિયમ તોડ્યો છે. પાપ વિષે પાઊલે જે કહ્યું એ ઘણા લોકોને ગળે ઉતારવું અઘરું લાગે છે. એવા લોકો સમજી નથી શકતા કે તેઓ પણ પાપી છે.

૧૨. શા માટે ઘણા લોકો માનતા નથી કે આપણે પાપી છીએ?

૧૨ અરે ખ્રિસ્તી દેશોમાં પણ ઘણા લોકોને સ્વીકારવું અઘરું લાગે છે કે આપણે પાપી છીએ. ભલે કોઈ કોઈ વાર તેઓ ચર્ચમાં જતા હોય, છતાં તેઓ માને છે કે આદમ-હવાનો અહેવાલ તો એક દંતકથા છે. તો અમુક લોકો એવું માને છે કે ઈશ્વર છે જ નહિ. ઈશ્વર ના હોય તો નીતિ-નિયમો ના હોય. જો નીતિ-નિયમો ન હોય, તો એ ના પાળવાથી કઈ રીતે પાપી ગણાઈ શકીએ! આવું માનનારા લોકો પહેલી સદીના લોકો જેવા છે. પાઊલે કહ્યું કે એ લોકો તો ‘જગતમાં આશારહિત તથા ઈશ્વર વગરના’ છે.—એફે. ૨:૧૨.

૧૩, ૧૪. (ક) ઈશ્વરમાં માનતા નથી એવા લોકોની સમજણ કેમ વાજબી નથી એનું એક કારણ આપો? (ખ) ઈશ્વરમાં ન માનતા લોકો શું કરવા દોરાય છે?

૧૩ પાઊલે રૂમીઓને લખેલા પત્રમાં બે કારણો આપ્યા, જેના લીધે કોઈ કહી ના શકે કે ઈશ્વર નથી. પહેલું કારણ એ છે કે આ વિશ્વનું સર્જન જ સાબિતી આપે છે કે ઉત્પન્‍નકર્તા છે. (રૂમી ૧:૧૯, ૨૦ વાંચો.) એ વિચાર, રોમમાંથી પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોને લખેલા પત્ર સાથે બંધબેસે છે. એમાં તેમણે કહ્યું: ‘દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સરજનહાર તો ઈશ્વર છે.’ (હેબ્રી ૩:૪) પાઊલે જે પુરાવો આપ્યો એ બતાવે છે કે વિશ્વના રચનાર કોઈ છે.

૧૪ ઈશ્વરના અસ્તિત્વ વિષે પાઊલે નક્કર સાબિતી આપી હતી. એટલે પ્રાચીન ઈસ્રાએલીઓ કે તેમના જમાનાના લોકોને મૂર્તિપૂજા કરવાનું કોઈ વાજબી કારણ જ ન હતું. તેમ જ જે લોકો પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધતા, તેઓ પાસે પણ કોઈ વાજબી કારણ ન હતું. આવા લોકો પોતાના પાપ માટે કોઈ ‘બહાનું કાઢી શકે નહિ.’ (રૂમી ૧:૨૨-૨૭) એટલે પાઊલ કહી શક્યા, ‘યહુદીઓ તથા ગ્રીકો, તેઓ સઘળા પાપને આધીન છે.’—રૂમી ૩:૯.

અંતઃકરણ ‘સાક્ષી આપે છે’

૧૫. બધા પાસે શું છે? એના લીધે લોકો કેવી રીતે વર્તે છે?

૧૫ બીજા એક કારણને લીધે લોકોએ જાણવાની જરૂર છે કે તેઓ પાપી છે, અને એમાંથી બહાર નીકળવાના માર્ગની જરૂર છે. એટલે રૂમીનું પુસ્તક એ કારણ વિષે વધુ જણાવે છે. એ વિષે પાઊલે લખ્યું: “જેટલાંએ નિયમશાસ્ત્ર હોવા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે ચૂકવવામાં આવશે.” (રૂમી ૨:૧૨) અહીં પાઊલ પ્રાચીન ઈસ્રાએલીઓને ઈશ્વરે આપેલા નિયમની વાત કરતા હતા. આગળ જણાવતા તેમણે કહ્યું હતું કે ભલે બધી જાતિના લોકો પાસે ઈશ્વરનો નિયમ નથી, છતાં “સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે.” એટલે તેઓ નજીકના સગાં સાથે જાતીય સંબંધ બાંધવાની મના કરે છે. ચોરી અને ખૂન કરવાની મના કરે છે. ઈશ્વરના નિયમો ન હોવા છતાં તેઓ આવું કેમ વિચારે છે? પાઊલ જણાવે છે કે તેઓ પાસે અંતઃકરણ છે.—રૂમી ૨:૧૪, ૧૫ વાંચો.

૧૬. અંત:કરણ હોવા છતાં કેમ એમ ના કહી શકાય કે વ્યક્તિ પાપ નહિ કરે?

૧૬ ખરું કે દરેક વ્યક્તિ પાસે અંત:કરણ છે, જે પોતાના કરેલા કામો વિષે ખરું-ખોટું પારખી શકે છે. પણ એનો અર્થ એ નથી કે તે હરવખત એના માર્ગદર્શન પ્રમાણે ચાલશે. પ્રાચીન ઈસ્રાએલીઓના કિસ્સામાં એવું જ બન્યું હતું. તેઓએ પોતાના અંતરનો અવાજ અને યહોવાના નિયમોની અવગણના કરી. પરિણામે તેઓ ચોરી અને વ્યભિચાર જેવા કામોમાં ફસાયા. (રૂમી ૨:૨૧-૨૩) તેઓ ફક્ત અંતઃકરણને લીધે જ નહિ પણ ઈશ્વરના નિયમોને લીધે પણ પાપી ગણાયા. તેઓ ઈશ્વરના ધોરણો અને ઇચ્છાઓ પ્રમાણે જીવ્યા નહિ, એટલે ઈશ્વર સાથેનો તેઓનો સંબંધ નબળો પડી ગયો.—લેવી. ૧૯:૧૧; ૨૦:૧૦; રૂમી ૩:૨૦.

૧૭. રૂમીના પુસ્તકમાંથી આપણને કેવો દિલાસો મળે છે?

૧૭ રૂમીના પુસ્તકમાંથી આપણે જોઈ શક્યા કે ઈશ્વરની નજરમાં આપણે બધા પાપી છીએ. બહુ જ કફોડી હાલતમાં છીએ. જોકે પાઊલે દિલાસો મળે એવી માહિતી આપી. તેમણે ગીતશાસ્ત્ર ૩૨:૧, ૨ના દાઊદના શબ્દોનો ઉલ્લેખ કરીને કહ્યું: ‘જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયાં છે, તેઓને ધન્ય છે. જેને પ્રભુ પાપી નહિ ગણે તે માણસને ધન્ય છે.’ (રૂમી ૪:૭, ૮) ઈશ્વરે ન્યાયી ગોઠવણ કરી, જેનાથી પાપોની માફી શક્ય બની.

આપણા સંદેશાનું મુખ્ય પાસું ઈસુ વિષેની સુવાર્તા છે

૧૮, ૧૯. (ક) રૂમીના પુસ્તકમાં પાઊલે સુવાર્તાના કયા પાસાઓ પર ધ્યાન દોર્યું? (ખ) રાજ્ય હેઠળ આશીર્વાદ મેળવવા આપણે શું સ્વીકારવું જોઈએ?

૧૮ પાપોની માફી માટેની ઈશ્વરની ગોઠવણનો વિચાર કરવાથી તમે કદાચ કહેશો કે ‘આ સાચે જ સારા સમાચાર છે!’ એ ગોઠવણ આપણું ધ્યાન સુવાર્તાના જે પાસા પર પાઊલે ભાર આપ્યો એના પર ખેંચે છે. તેમણે લખ્યું હતું: ‘સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; એ ઈશ્વર દ્વારા તારણ પમાડનારૂં પરાક્રમ છે.’—રૂમી ૧:૧૫, ૧૬.

૧૯ ઈશ્વરનો હેતુ પૂરો કરવા ઈસુ જે ભાગ ભજવે છે, એ સુવાર્તાનું મુખ્ય પાસું છે. પાઊલ એ દિવસની રાહ જોતા હતા જ્યારે ‘ઈશ્વર, સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે માણસોના ગુપ્ત કામોનો ન્યાય કરે.’ (રૂમી ૨:૧૬) એમ કહીને પાઊલ ‘ખ્રિસ્તના તથા ઈશ્વરના રાજ્યʼનું મહત્ત્વ ઘટાડતા ન હતા. તેમ જ ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા શું કરશે એનું મહત્ત્વ ઓછું આંકતા ન હતા. (એફે. ૫:૫) પણ તે એ સમજાવતા હતા કે ઈશ્વરના રાજ્ય હેઠળ જીવવા અને આશીર્વાદો મેળવવા આ બાબતો સ્વીકારવી પડશે: (૧) ઈશ્વરની નજરમાં આપણે પાપી છીએ. (૨) પાપોની માફી મેળવવા ઈસુમાં વિશ્વાસ રાખવો જોઈએ. જ્યારે વ્યક્તિ ઈશ્વરની ઇચ્છા મુજબ આ બે બાબતો સમજે અને સ્વીકારે છે, ત્યારે સુંદર ભાવિ માટે માર્ગ ખુલી જાય છે. એ માટે તે કહી શકે છે કે ‘આ સારા સમાચાર’ છે!

૨૦, ૨૧. પ્રચારમાં શા માટે રૂમીના પુસ્તકમાં જણાવેલી સુવાર્તા પર ભાર મૂકવો જોઈએ? એનું શું પરિણામ આવી શકે?

૨૦ આપણે જ્યારે પ્રચારમાં જઈએ ત્યારે સુવાર્તાના આ પાસા પર હંમેશાં ભાર મૂકવો જોઈએ. ઈસુ સંબંધી પાઊલે યશાયાહના શબ્દો ટાંક્યા, “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.” (રોમ. ૧૦:૧૧, કોમન લેંગ્વેજ; યશા. ૨૮:૧૬) જેઓ બાઇબલમાંથી પાપ વિષે થોડું કઈ જાણતા હોય તેઓ માટે ઈસુ વિષેનું મૂળ શિક્ષણ સમજવું એટલું અઘરું નહિ હોય. જોકે બીજી સંસ્કૃતિના લોકો માટે આ સંદેશો સાવ નવો હશે અથવા તેઓ એમાં કંઈ માનતા નહિ હોય. આવા લોકો ઈશ્વરમાં અને બાઇબલમાં ભરોસો મૂકે, ત્યારે તેઓને ઈસુની ભૂમિકા વિષે સમજાવવાની જરૂર છે. હવે પછીના લેખમાં આપણે રૂમીના પાંચમાં અધ્યાયની ચર્ચા કરીશું. એમાં સુવાર્તાના મહત્ત્વના પાસા પર વધુ માહિતી મળશે. એનો અભ્યાસ કરવાથી તમને પ્રચાર કામમાં વધારે મદદ મળશે.

૨૧ રૂમીના પુસ્તકમાં ઘણી વાર સુવાર્તાનો ઉલ્લેખ થયો છે. નમ્ર લોકોને એ વિષે સમજણ આપવાથી સાચે જ આપણને ખુશી મળે છે. ખરેખર એ ‘ઈશ્વર દ્વારા તારણ પમાડનારૂં પરાક્રમ છે.’ (રૂમી ૧:૧૬) સુવાર્તા જાણવાથી આપણને ઘણા આશીર્વાદો મળે છે. જ્યારે બીજાઓ એ સુવાર્તા વિષે શીખે ત્યારે તેઓ પણ પાઊલના રૂમી ૧૦:૧૫ના શબ્દો સાથે સહમત થશે: ‘વધામણીની સુવાર્તા કહેનારાઓના પગલાં કેવાં સુંદર છે!’—યશા. ૫૨:૭. (w11-E 06/15)

[ફુટનોટ]

^ આવા જ વિચારો બાઇબલના બીજા પુસ્તકોમાં પણ જોવા મળે છે.—માર્ક ૧:૧; પ્રે.કૃ. ૫:૪૨; ૧ કોરીં. ૯:૧૨; ફિલિ. ૧:૨૭.

તમને યાદ છે?

• રૂમીનું પુસ્તક સુવાર્તાના કયા પાસાઓ પર ભાર મૂકે છે?

• કઈ હકીકત વિષે બીજાઓને જણાવવાની જરૂર છે?

• કઈ રીતે “ખ્રિસ્તની સુવાર્તા” આપણા અને બીજાઓ માટે આશીર્વાદ લાવી શકે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર બ્લર્બ]

રૂમીનું પુસ્તક બતાવે છે કે ઈશ્વરનો હેતુ પૂરો કરવા ઈસુ જે ભાગ ભજવે છે, એ સુવાર્તાનું મુખ્ય પાસું છે

[પાન ૧૭ પર ચિત્ર]

બધાને જન્મથી જ વારસામાં પાપ મળ્યું છે